પણ ત્યારે મને નહોતું સમજાયું
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-11)
હું માંદો પડયો. ડેન્ગ્યૂ અને ટાઈફોઈડ થઈ ગયેલ. એક ખાનગી દવાખાનામાં સારવાર કરાવવા જતો. ત્યાં મને બાટલા ચડાવવામાં આવતા. થોડા દિવસ આવું ચાલ્યું. રોજ દવાખાને બાટલા ચડાવવામાં આવતા.
એક દિવસની વાત છે. મને બાટલા ચડાવવાનું ચાલુ હતું. હું આંખો બંધ કરીને સૂતો હતો. માત્ર સૂતો હતો, ઊંઘતો નહોતો. થોડીવાર થઈ ત્યાં મારા પગે કંઈક સળવળ્યું હોય એવું લાગ્યું. મને તો એમ કે બિમારીને લીધે તંદ્રાવસ્થામાં આવું લાગતું હશે. એટલે થોડીવાર તો આંખો બંધ જ રાખી. પણ ધીમે-ધીમે એવું લાગ્યું કે મારા પગ કોઈ દબાવી રહ્યું છે. મેં આંખો ખોલી. તો એક ‘બ્રધર’ મારા પગ દબાવતો હતો. મને તો આશ્ચર્ય થયું. કદાચ દવાખાનામાં આવું દૃશ્ય પહેલીવાર જોઈ રહ્યો હતો. કારણ કે, કોઈ દવાખાનાનો કર્મચારી દર્દીના પગ દબાવતો હોય એવું આ પહેલા કયાંય જોયું નહોતું.
મેં કહ્યું, ‘‘ભાઈ, આ શું?”
તે કહે, ‘‘કેમ રામોલિયાસાહેબ? ગુરુના પગ શિષ્ય ન દબાવી શકે?”
મેં પ્રશ્નાર્થભાવે પૂછયું, ‘‘ગુરુ? શિષ્ય?”
તે કહે, ‘‘હા, હું તમારો શિષ્ય. થોડો અળખામણો હોઈ શકું. તમારી વાત મેં માની નહોતીને! મારું નામ : મનોજ મનહરલાલ મુરારી.”
હું બોલ્યો, ‘‘એક શિક્ષકને કોઈ પ્રત્યે અળખામણા જેવું હોતું નથી. તો અહીં કેમ એવી વાત આવી?”
તેણે શરૂઆત કરી, ‘‘હું તમારી પાસે ભણતો. પણ શાળાએ આવવું મને ગમતું નહિ. એટલે કયારેક આવતો, ને કયારેક ન આવતો. પણ જ્યારે આવતો, ત્યારે જે ભણાવ્યું હોય એ મને યાદ રહી જતું. મારી આ બાબત તમારા ઘ્યાનમાં આવી ગઈ.”
તેને અટકાવીને હું બોલ્યો, ‘‘અને એક દિવસ તને બોલાવીને મેં કહ્યું હતું, ભાઈ મનોજ! તારી યાદશકિત તો સારી છે. રોજ શાળાએ આવ અને ભણવામાં ઘ્યાન આપ. તારું ભવિષ્ય ઊજળું દેખાય છે. તું મહેનત કર તો ડૉકટર બની શકીશ.”
તે કહે, ‘‘હા, સાહેબ! પણ ત્યારે મને નહોતું સમજાયું. એટલે હું બેદરકાર જ રહ્યો. શાળાએ આવવાની અનિયમિતતા દૂર ન થઈ. માઘ્યમિક શાળામાં ગયો ત્યારે પણ એવું જ હતું. પરંતુ ધોરણ બારનું પરિણામ આવ્યું ત્યારે મને તમારી યાદ આવી ગઈ. પરિણામ ખૂબ સારું તો નહિ, પણ સારું તો આવ્યું જ. ડૉકટર બનવા જઈ શકું એટલું સારું નહોતું. પણ મારા મનમાં ઝબકારો થયો, ડૉકટર નહિ, તો ડૉકટરના સહાયક બની જવું. જેથી તમારી અડધી વાત તો સાચી પડે! એટલે જ મેં બ્રધર બનવાનું નક્કી કર્યું અને બની પણ ગયો. મન દઈને અહીં આવેલ દર્દીઓનું ઘ્યાન રાખું છું. કામથી દૂર ભાગવાનું કયારેય મન નથી થતું. એટલે અન્ય ડૉકટરોને અપાય છે, તેટલો જ પગાર મને પણ આપે છે. તમે પ્રાર્થનાસભામાં કહેલી અનેક વાતો મને યાદ આવે છે. વાર્તા કહીને પણ તમે સાચો રસ્તો દેખાડતા. અને એ રસ્તે ચાલીને અનેક આગળ વધી ગયેલ છે. કદાચ તમે એ જાણતા પણ નહિ હો!”
હવે હું બોલ્યો, ‘‘ખરેખર, મનોજ! આજે તારી વાત સાંભળીને મારી અડધી બિમારી તો અત્યારે જ દૂર થઈ ગઈ. તારી જેમ ઘણા વિદ્યાર્થીઓ કયાંક ને કયાંક મળી જતા હોય છે. ભણવામાં નબળા હોય એવા ઘણા વિદ્યાર્થીઓ આજે સમાજમાં સારું એવું સ્થાન પ્રાપ્ત કરી શકયા છે. તે તેઓની મહેનતનું પરિણામ છે. તને પણ મોડું-મોડું તો મોડું-મોડું, સમજાયું તો ખરું! મને ખૂબ આનંદ થયો છે. મારા પગ દબાવવાની જરૂર નથી. તું તારી ફરજમાં ઘ્યાન આપ. કયારેક સમય મળે, તો મળવા આવજે. પેટ ભરીને વાતો કરી લેશું. જિંદગીમાં સુખી રહે અને બીજાને સુખી કર. મારી આ ઈચ્છાને યાદ રાખજે અને આનંદમાં સમય વિતાવજે.”
– ‘સાગર’ રામોલિયા