આજે કૌશલનાં કહેવાં પર રેવા બધાથી છુપાઈને મળવાં આવતી હતી એટલે તેની પુરેપુરી જવાબદારી કૌશલની હતી.
દિવસ વિતતો ગયો અને રાત્રીનો સમય નજીક આવવાં લાગ્યો. સમી સાંજ થઈ ચુકી હતી. સુરજ ધીમે ધીમે આથમી રહ્યો હતો. જેમ જેમ સૂરજ આથમતો હતો તેમ વાતાવરણ લાલીત્યમાન બનતું જતું હતું. રોજનાં હિસાબે આજે થોડું વધારે જ લાલાશ ફેલાય રહી હતી. જાણે સમસ્ત પ્રકૃતિ રેવા અને કૌશલનાં મિલનની વાતથી શરમાય રહી હતી. ખુશનુમા વાતાવરણમાં બે વ્યક્તિ એવાં હતાં જેમનાં મન આજે કોઈ કામમાં ચોંટી નહતાં રહ્યાં. ગભરાટ સાથે એક વિચિત્ર અનુભવ અનુભવાય રહ્યો. પણ એ અનુભવ શા માટે તે સમજાય નહતું રહ્યું. નિર્દોષ ભાવનાનું અંકુર ફુટી રહ્યું હતું. જોતજોતામાં રાત્રીનો સમય આવો ગયો. મળવાની જગ્યા પણ એ જ રખાયી જ્યાંથી રેવાનો જન્મ થયો હતો. તેને બીજું જીવન મળ્યું હતું. એટલે કે નદીનો એ કિનારો.
રાત્રીનો એ સમય હતો, ઘોર અંધકાર જામ્યો હતો. પૂનમની રાત નજીક હતી એટલે ચાંદાનું તેજ ઉઘડતું હતું. કૌશલ પહેલેથી જ ત્યાં રેવાની રાહ જોતો હતો. અચાનક ધીમાં અવાજે પગલાની આહટ સંભળાયી. પાયલમાં જડાયેલી એક ઘુઘરીનો રણકાર પણ સાફ સંભળાય એટલી શાંતિ પ્રસરી રહી. રાત હોવાને લીધે માણસોની અવરજવર પણ નહિવત થઈ ચુકી. કૌશલે પાછળ વળીને જોયું. ધીમાં પગલે, અચકાટ ભરેલાં મન સાથે રેવા સામેથી આવતી જણાયી. કૌશલ પહેલેથી જ કોઈક વિચારોમાં મગ્ન હતો. રેવાને જોતાં જાણે આગ વરસતા તાપમાં જેમ ધરતી તપતી હોય અને વર્ષાનાં આગમનથી, પાણીનાં ટીપાથી ધરતીને ઠંડક મળતી હોય તેમ કૌશલનાં મનને ઠંડક પહોંચી રહી હતી. રેવા તેની નજીક આવી એટલે કૌશલે તેને બેસવા ઈશારો કર્યો. થોડીવાર મૌન ધરાયાં પછી રેવાએ વાતની શરૂઆત કરી" શું વાત છે કૌશલ? કે તારે આટલી રાત્રે મને બોલાવવી પડી? " કૌશલ નીચું માથું કરી ઉદાસ બેસી રહ્યો. કોઈ જવાબ ના મળતાં રેવાએ ધીરજથી ફરી પ્રશ્ન કર્યો.
કૌશલે એક ઊંડો શ્વાસ લીધો અને બોલવાનું શરૂ કર્યું " રેવા,.... હું દરેક સ્ત્રીની, કે દરેક છોકરી જાતની બહું ઈજ્જત કરું છું. હા એ વાત સાચી છે કે હું તારી સાથે ઝઘડો કરું છું પણ એ ખાલી તારી સાથે જ છે... બાકી મેં આજ સુધી બીજાં કોઈની સાથે આમ ઉંચા અવાજે વાત નથી કરી કે વળતો જવાબ નથી આપ્યો. મારી નજર આજ સુધી કોઈપણ દિવસ કોઈ છોકરી પર ખરાબ રીતે નથી પડી. હું હંમેશા રચનાદીદી, વંદિતા અને પ્રકૃતિ સાથે રહ્યો છું .. તો મને ખબર છે તેમની ઈજ્જત કેવી રીતે કરવી. અને..." " હા...હા... હું જાણું છું તારું ચારિત્ર્ય શું છે!.. મને ખબર છે તારી નિયત ખરાબ નથી. અને મારી સાથે ઝઘડો કરવો એ તો કદાચ આપણી વાત કરવાની આગવી ઓળખ બની ચુકી છે. મને તેનાંથી કોઈ પ્રોબ્લેમ નથી. પણ તું આ બધી વાત મને કેમ સમજાવે છે? તું તારી જાતની ચોખવટ કેમ કરે છે? " રેવાએ કૌશલની વાત કાપતાં પુછ્યું. કૌશલની આંખો ભીની હતી પણ તે બોલતાં અટકાયો નહીં અને સમજાવતાં કહ્યું " કેમકે તારાં પ્રશ્નોનાં જવાબ આપવાં જરૂરી છે. આજે હું તારાં દરેક શંકાનું સમાધાન કરવાં માંગું છું. મને નથી ખબર તેનું પરિણામ શું થશે પણ આજે હું તે જોખમ લેવાં માંગું છું. મારાં જીવનનું એ સત્ય કહેવાં માંગું છું જે આજ સુધી તારી સામે નથી આવ્યું. " રેવા દરેક વાત આતુરતાથી સાંભળી રહી.
" રેવા, તને કોઈ વખત એવો પ્રશ્ન ના થયો કે મારાં પપ્પા ક્યાં છે?... અથવા રચનાનાં લગ્ન સમય જેટલાં મોટાં પ્રસંગમાં પણ કેમ હાજર નહતાં? " રેવાએ જવાબ આપ્યો " હા થયો હતો એક વાર... પણ પછી વિચાર્યું કે હશે કોઈ કામમાં વ્યસ્ત. અને જો હું તને પૂછીશ તો તારું મૂડ ખરાબ થઈ જશે , તેમની યાદ આવશે એટલે ક્યારેક પુછ્યું નહીં... પણ કેમ?.." કૌશલે વાત વધારી " કેમકે મારાં જીવનમાં જેટલું પણ દુઃખ, તકલીફ કે ચિંતા છે તે મારાં પપ્પાની જ મહેરબાની છે... " રેવાને કશું સમજાયું નહીં. કૌશલે માંડીને વાત કરી
" વર્ષો પહેલાં એટલે મારાં જન્મનાં બે-ચાર વર્ષ પછી, મારાં પપ્પા પોતાનાં કામથી તેમની નોકરીએ ચાલ્યા ગયાં. એક આર્મી ઓફીસર હોવાને કારણે તે હંમેશા ઘરથી દૂર રહેતાં. અને એ સમયે તે થોડાં દિવસની રજા લઈ મને મળવાં આવ્યાં હતાં. એ દિવસે તે ચાલ્યાં ગયાં પછી આજ સુધી તે પાછાં જ નથી આવ્યાં. થોડાં સમય પછી જ્યારે તે પાછાં ના આવ્યા એટલે મારી માં તેમને શોધવા નીકળી. જાત જાતનાં રસ્તા અપાવ્યા . ઘણાં લોકોને પુછ્યું પણ કોઈને તેમનો અંદાજ નહતો. શોધખોળમાં ખબર પડી કે જે જગ્યાએ તે આર્મીમાં કામ કરતાં હતાં, જ્યાં તેમની પોસ્ટીંગ હતી ત્યાંથી કોઈ કારણસર તેમને કાઢી મુકવામાં આવ્યાં હતાં. પણ ઘરખર્ચ કાઢવા, મારો ખર્ચો સંભાળવા માટે તેમણે શહેરમાં કોઈ ધંધો કરવાનું શરૂ કર્યું હતું. તેમણે કોઈને આ વાતની જાણ નહતી કરી. ધીમે ધીમે તેમનું ગામ આવવું ઓછું થઈ ગયું હતું. અને છેવટે જ્યારે છેલ્લે મને મળીને ગયાં પછી તો સાવ બંધ થઈ ગયું. તેમની ધંધાની જગ્યા જઈને જ્યારે તપાસ કરી તો એવી વાત જાણવા મળી કે અમારું જીવન જ છીનવાઈ ગયું. માં ને પણ ઘણો આઘાત લાગ્યો.
શહેરમાં તેમણે એક યુવતી, જે તેમનાથી અડધી ઉંમરની હતી તેની સાથે અયોગ્ય સંબંધ બાંધ્યો. પોતાની વાતોમાં ફસાવી તેને ખોટાં સપનાં જોવડાવ્યા અને જ્યારે મતલબ પુરો થઈ ગયો તો તેને તરછોડી દીધી. પહેલેથી એક પત્ની અને દિકરો હોવાં છતાં તેમણે કોઈની ચિંતા ના કરી. અને જ્યાં સુધી તે યુવતીને તેમનાં વિશે ખબર પડતી ત્યાં સુધી બહું મોડું થઈ ગયું હતું. તે પેટે હતી. અને તેવી હાલતમાં તેને છોડી દીધી....
મારાં પિતા વિશે વધું તપાસ કરતાં ખબર પડી કે તેમને નોકરી માંથી પણ એટલે જ કાઢી મુકવામાં આવ્યાં હતાં કે તેમણે એક યુવતી સાથે છેડછાડ કરી હતી. અને કમનસીબે કે સદ્દભાગ્યે તે યુવતીની પહોંચ ઉપર સુધી હતી તો તેમને સસ્પેન્ડ કરી દેવાયાં. કોણ જાણે બીજાં કેટકેટલા ખોટાં કામ કર્યાં છે તે માણસે.... મને મારાં પિતા કહેતાં પણ શરમ આવે છે. તેમનાં કારનામાઓ પછી તો તે કંઈક ગાયબ જ થઈ ગયાં પણ મારી માં સાવ એકલી પડી ગઈ. મારી જવાબદારી પણ એટલી વધી ગઈ અને સમાજ અને ગામલોકો પણ હેરાનગતિ કરવાં લાગ્યાં. જાતજાતની વાતો કરવાં લાગ્યાં. ઘરમાં ગરીબી વધી ગઈ એટલે મારે નાની ઉંમરે જ કામે લાગવું પડ્યું. નાનું મોટું કામ કરી જેમતેમ બે ટાણે રોટલી પુરી થતી. પણ આટલે મારાં જીવનમાં તેમનો પડછાયો ઘટ્યો નહીં. મહામહેનતે જ્યારે હું ભણી ગણી પોલીસની ભર્તી માટે પરીક્ષા આપવા ગયો ત્યાં પણ મારું અતીત મારી સામે આવી ઉભું રહ્યું. મને કોઈ જગ્યાએ નોકરી મળી નહીં. અને ફરીથી લડતાં- ઝઘડતાં હું એ જ જગ્યાએ આવીને ઉભો રહી ગયો. છેવટે મારે હવે ખેતરમાં ખેતી કરી પોતાનું ઘર ચલાવવું પડે છે. મને તેમાં કોઈ વાંધો નથી મારું ઘરનું બધું પુરું થાય છે તેની આવકથી. પણ દરેકે દરેક જગ્યાએ મને મારાં પિતાનાં કુકર્મોનો ભોગ બનવું પડ્યું છે. અને જ્યારે પણ મને આ બધી વાત યાદ આવે છે ત્યારે હું સહન નથી કરી શકતો અને એ જ ઘટના બને છે જે તેં જોઈ હતી....." કૌશલ બોલતાં બોલતાં ચોધાર આંસુએ રડી પડ્યો... પોતાનાં ઘૂંટણ પર ઢળી પડ્યો.
રેવાને પણ આંસુ રોકાતા નહતાં. શું બોલવું તે સમજાતું નહતું. કૌશલ પોતાની જાતની ચોખવટ કરતો રહ્યો અને રેવાનાં મુખે એકપણ શબ્દ નીકળ્યો નહીં. જમીન પર ઢળેલાં કૌશલને સહારો આપતાં રેવાએ કૌશલનાં ખભે હાથ મુકી તેને શાંત કરવાની કોશિશ કરી રહી .કૌશલ રેવા તરફ જોઈ ગળગળા અવાજે બોલ્યો " હ..હું મારાં પિતા જેવો બિલકુલ નથી. મેં નાનપણથી જ પોતાને દરેક હરકતો તેમનાથી દૂર રાખી છે. આજસુધી કોઈ છોકરીની અવગણના નથી...." " શુંશ..... ચુપ... ચુપ.. ચુપ થઈ જા... મને ખબર છે તું તારાં પિતા જેવો બિલકુલ નથી... તેમનો એકપણ અંશ નથી તારાંમાં.. " રેવાએ કૌશલને શાંત કર્યો છતાં કૌશલનું મન આજે વધારે જ પીડાય રહ્યું હતું. કઈ ક્ષણે કૌશલનું માથું રેવાનાં ખોળામાં મુકાઈ ગયું તેને ભાન જ ના રહ્યું. રેવાને પણ પહેલી મહત્વતા કૌશલને ચુપ કરાવવાની હતી. તેથી તેને પણ ધ્યાન નહતું. રેવાનો હાથ જોરથી પકડી રાખી, તેનાં ખોળામાં માથું મુકી જેમ એક નાનું બાળક પોતાની માં ના પાલવમાં છુપાઈને રડી રહ્યો હોય તેમ કૌશલ રડી રહ્યો હતો. રેવા તેને શાંત પાડતી ગઈ અને કૌશલ રડતો ગયો. મન ભરીને રડાય રહ્યું. અને ક્યારે આંખ મીંચાઈ ગઈ ખબર જ ના પડી. રડીને થાક્યો હોવાથી ધીમે ધીમે ડચુકા ભરતાં ભરતાં તે રેવાનાં ખોળામાં જ લપાઇને સૂઈ ગયો. ઘણાં સમય પછી જાણે એક અનોખી હૂંફ મળી હતી. પોતાનો મનનો ભાર રેવા સામે ઠાલવીને તે નિરાંતથી સૂતો હતો. આ જોઈ રેવાએ તેને જગાડ્યો નહીં. તે જ સ્થિતિમાં બેસી કૌશલનાં ઉઠવાની રાહ જોવાં લાગી. રાત વિતતી ગઈ , નદીનાં વહેતાં નીર શાંત વાતાવરણમાં ચોખ્ખી રીતે સંભળાતાં હતાં. ચાંદાની ચાંદની નદીમાં પડી તે નદીને શોભાવી રહી હતી અને નદીનાં પાણીથી પરાવર્તિત થતો પ્રકાશ આસપાસ અજવાળું કરી રહ્યો હતો. રેવા આ દરેક વાતને સારી રીતે અવલોકન કરી રહી હતી અને પ્રકૃતિની સૌમ્યતા ગુમ થઈ રહી હતી. સમય ક્યારે વીતી ગયો તેનું ભાન જ ના રહ્યું.
સવાર થવાં આવી હતી. અને સૂરજ ઉગવાની સાથે માણસોની અવરજવર ચાલું થઈ જશે અને કોઈ તેમને એકસાથે જોઈ લેશે તો ખોટી વાતો કરશે તે બીકથી રેવા ઘેર જવાં ઈચ્છતી હતી. પણ કૌશલે હજું રેવાનો હાથ જકડી રાખ્યો હતો. તેને છોડાવવો અને ખોળામાંથી માથું હટાવવુ મુશ્કેલ હતું. છતાં રેવાએ તે ઉઠે નહીં તે રીતે પોતાનો હાથ સરકાવી લીધો. અને પોતાના ખોળાની જગ્યાએ પોતાની ઓઢણી મુકી આપી. કૌશલની ઉંઘ જરાં પણ તુટી નહીં અને રેવા ત્યાંથી ચાલી ગઈ.
રેવા સામે આવેેેેલી કૌશલની વાતનુું શુું પરિણામ આવશે?... કૌશલનાં ઉઠવા પર રેેેેવાની શું પ્રતિક્રિયા હશે?..
ક્રમશઃ
-------‐---------------------------------------------
આ ભાગ કોઈપણ સ્ત્રી કે પુુુરુષનાં પ્રતિભાવ કેે વિચારોને વ્યક્ત કરવાં માટે નથી.... એક વાર્તાના અનુસંધાનમાં લખાયેલો છે...