ભાગ ૨
હિમાલયની ગુફામાં મહાવતાર બાબાનું પ્રતિરૂપ જે જ્ઞાની બાબાના નામથી બહારની દુનિયામાં પ્રચલિત હતા તે હાથ જોડીને ઉભા હતા અને કહી રહ્યા હતા, “બાબા, સોમ ફરી કોઈ મોટી મુસીબતમાં છે આપણે શું કરવું જોઈએ?”
બાબાજીએ આંખો ખોલી અને સ્મિત આપીને કહ્યું, “દરેક વ્યક્તિ માટે કુદરતે એક નિશ્ચિત કર્મ નક્કી કરેલું છે અને જો તેનાથી આગળ વધીને તે કોઈ કર્મ કરે તો તેનું ફળ પણ તેને નિશ્ચિત રીતે ભોગવવું રહ્યું.”
એટલું બોલીને તેમણે આંખો બંધ કરી દીધી.
જ્ઞાની બાબાએ પૂછ્યું, “બાબા, આપની વાત હું પૂર્ણ રીતે સમજ્યો નહિ અને આ વાત સોમ સાથે કઈ રીતે પ્રાર્થિત છે.”
સર્વજ્ઞાની મહાવતાર બાબાએ કહ્યું, “સોમનું કર્મ જટાશંકરના વિનાશ સાથે પૂર્ણ થતું હતું, ત્યારબાદ તેણે સામાન્ય કર્મો કરીને વિદાય લેવાની હતી પણ તેણે પોતાના અસામાન્ય કર્મો આગળ વધારવાનું નિશ્ચિત કર્યું અને તેણે એક અસામાન્ય અભિયાન નિશ્ચિત કર્યું કાળી શક્તિના કેન્દ્રોનો વિનાશ કરવાનું અને તેણે મહત્વના કેન્દ્રોનો નાશ કર્યો તેથી ઘણી બધી કાળીશક્તિઓ તેના વિરોધમાં આવી ગઈ, તેથી હવે જે કંઈ થાય તેનો સામનો તો તેણે કરવો જ પડશે. તે ઉપરાંત જો મને લાગશે કે કુદરતી વ્યવસ્થામાં કોઈ વિક્ષેપ પડી રહ્યો છે તો હું આપને ચોક્કસથી આદેશ આપીશ.”
“મને ચિંતા સોમની કે તેની વિરુદ્ધમાં એકત્ર થયેલી શક્તિઓની નથી પણ મને ચિંતા થાય છે નર્મદાશંકરની.”
જ્ઞાનીબાબાએ પૂછ્યું, “નર્મદાશંકર?”
બાબાએ કહ્યું, “નર્મદાશંકર એક મહાન તપસ્વી અને સાધક, જે કાળી શક્તિઓનો પૂજારી બન્યો પણ પોતાના શિષ્ય જટાશંકર માટે પોતાના કર્મો ત્યજીને દક્ષિણમાં સમાધિમાં લીન હતો જેને જટાશંકરે અજાણતામાં જાગ્રત કર્યો.”
જ્ઞાનીબાબાએ પૂછ્યું, “મારા માટે શું આદેશ છે બાબા?”
બાબાએ કહ્યું, “આપ દક્ષિણ તરફ પ્રયાણ કરો અને કોઈ વિચિત્ર ઘટના બને તો મારી પાસે આવો.”
મધ્ય રાત્રે સહ્યાદ્રીનાં ગાઢ જંગલમાં તે બેફિકર થઈને ચાલી રહ્યો હતો. પૂર્ણ અંધકારમાં પણ તેને કોઈ પ્રકાશની જરૂર નહોતી લાગી રહી જાણે તેની આંખો ઘુવડની જેમ બધી આસાનીથી જોઈ રહી હતી. થોડીવાર પછી તે એક મોટા વડ નીચે ઉભો રહ્યો અને એક મંત્ર બોલી એટલે તે વડ પોતાની જગ્યાએથી ખસી ગયો અને ત્યાં એક સુરંગ દેખાવા લાગી. તે વ્યક્તિએ તેમાં પ્રવેશ કર્યો. સુરંગમાં પ્રવેશ્યા પછી તે ફરી મંત્ર બોલ્યો અને તે સુરંગ પૂર્ણ રીતે પ્રકાશિત થઇ ગઈ અને તે આગળ વધવા લાગ્યો. તેની આજુબાજુમાં ઝેરીલા સર્પો હતા પણ તે તેનાથી પરચિત હોય તેમ ગૂંચળું વાળીને પડ્યા હતા. તે જેની પાસેથી પસાર થતો તે ફક્ત ફેણ ઉપર કરીને તેને જોઈ લેતો.
સુરંગના છેવાડે પહોંચ્યો ત્યાં એક દેવીની મુર્તિ મુકેલી હતી, તે વ્યક્તિએ તે મૂર્તિને પ્રણામ કર્યા અને કહ્યું, “દેવી, આપનો જાગ્રત થવાનો સમય આવી ગયો છે.”
એમ કહીને મંત્રોચ્ચારો કરવા લાગ્યો. થોડીવાર પછી તે મૂર્તિમાંથી અવાજ આવ્યો અને પૂછ્યું, “નર્મદા, આવી ગયો તું! મને આશા હતી કે તું આવીશ.”
નર્મદાશંકરે હાથ જોડીને કહ્યું, “દેવી, હું તો તપશ્ચર્યામાં લીન હતો, પણ મારા શિષ્ય જટાશંકરે મારી તપશ્ચર્યાનો ભંગ કર્યો. અને તેના પછી તેની હત્યા થતાં પણ જોઈ હતી અને જે શક્તિએ તેની હત્યા કરી તે શક્તિ અદભુત પણ છે અને ભયંકર પણ છે. જો તે આપણી તરફ હોત તો આપણે સર્વશક્તિમાન બની ગયા હોત.”
દેવીએ પૂછ્યું, “પણ જટાશંકર તો સર્વગુણ સંપન્ન હતો તો પછી તેની હત્યા કઈ રીતે થઇ?”
નર્મદાશંકરે કહ્યું, “તેની હત્યા સાબિત કરે છે કે સર્વગુણસંપન્ન પણ મૂર્ખતા કરે છે તેનામાં સમજદારીની કમી હતી, તેણે શયતાનને પ્રસન્ન કરવા પોતાના વંશજનો બળી આપ્યો હતો, જે મેં પોતે જોયો હતો ત્યાં હાજર વ્યક્તિની આંખે! પણ તે વખતે તેને રોકી ન શક્યો અને તેણે એવું કરીને મોટા નિયમનો ભંગ કર્યો કે પોતાના વંશજનો કોઈ દિવસ બળી આપવો નહિ. તેણે તે વખતે પોતાના શરીરનું એક અંગ કાપીને હોમમાં નાખ્યું હોત તો પણ શયતાન પ્રસન્ન પણ થયો હોત અને અંગ પણ પાછું આપ્યું હોત. પણ જયારે મૃત્યુ નજીક હોય ત્યારે બુદ્ધિ બહેર મારી જતી હોય છે.”
દેવીએ પૂછ્યું, “હવે મને કહે કે એવી તે કઈ શક્તિ છે જેણે જટાશંકરની હત્યા કરી અને પાછલા વીસ વર્ષમાં તું પણ તેનો વાળ વાંકો કરી નથી શક્યો!”
નર્મદાશંકરની આંખો સ્વપ્નિલ થઇ ગઈ તેણે કહ્યું, “દેવી, તમે સાંભળ્યું છે કે એક શરીરમાં રામ અને રાવણ બંને હોય! આવો અદભુત સંયોગ કુદરતે રચ્યો છે, એક વ્યક્તિમાં. તે વ્યક્તિનું નામ સોમ છે અને તેણે રાવણનું પદ પણ મેળવ્યું અને તેને આ પદ આપનાર સુમાલીની મૂર્તિનો પણ ભંગ તેણે જ કર્યો. જો કે શક્તિશાળી હોવા છતાં તે મૂર્ખતા કરી રહ્યો છે, તે કેન્દ્રોનો નાશ કરી રહ્યો છે શક્તિઓનો નહિ.”
“તે કેન્દ્રોનો નાશ કરી રહ્યો છે અને હું તે શક્તિઓને બચાવીને એકત્ર કરી રહ્યો છું. છેલ્લા વીસ વરસથી હું તેનો પીછો કરી રહ્યો છું તે જ્યાં પણ જાય છે અને શક્તિકેન્દ્રનો નાશ કરે છે હું ત્યાંથી શક્તિને મારી સાથે લઈને લાવું છું અને હવે સમય છે તેના પર વાર કરવાનો. મારી પાસે એટલી બધી શક્તિઓ એકત્ર થઇ ગઈ છે કે હું તેને એક જ વારમાં ખતમ કરી શકું.” એમ કહીને જોરજોરથી હસવા લાગ્યો.
********************************
સોમે ફોટો જોયો જેમાં તે નીલિમા સાથે કઢંગી અવસ્થામાં હતો અને સૌથી આશ્ચર્યની વાત હતી કે તેને આવી કોઈ ઘટના બની હોય તેવું યાદ પણ ન હતું.
તે વિચારવા લાગ્યો કે તેણે આજ સુધી પાયલ સિવાય કોઈની સાથે સહશયન કર્યું નથી, તો આ કેવી રીતે બની શકે. શું તેની અંદરનો રાવણ તેની જાણકારી બહાર તેની પાસે કંઈ કરાવી તો નથી રહ્યો! શું આ ગાયિકાઓ આરોપ લગાવી રહી તે સત્ય તો નથી? શું મેં ખરેખર કોઈનું શારીરિક શોષણ કર્યું છે? નીલિમા મને પ્રિય હતી પણ તેની સાથે મારો પ્રેમ નિશ્ચલ હતો. હું આવું કઈ રીતે કરી શકું? તે કવરમાં એક ચિઠ્ઠી હતી જે ફોટોની બાજુમાં પડી ગઈ હતી તે ઉપાડીને વાંચવાનું શરુ કર્યું.