Rudra ni Premkahani - 14 in Gujarati Love Stories by Jatin.R.patel books and stories PDF | રુદ્ર ની પ્રેમકહાની - 14

Featured Books
Categories
Share

રુદ્ર ની પ્રેમકહાની - 14

રુદ્ર ની પ્રેમકહાની

અધ્યાય - 14

રુદ્ર ગુરુ ગેબીનાથને જંગલમાં જે ઘટિત થયું એનાં વિશે તો જણાવે છે પણ શતાયુ અને ઈશાનને માફ કરવાની અરજ પણ ગેબીનાથ ને કરે છે.. રુદ્ર નું આમ કરવું શતાયુ અને ઈશાન ને એનાં ગાઢ મિત્ર બનાવી દે છે. મેઘદૂત નામનાં પવનવેગી અશ્વની સવારી કરી ધ્વજદંડ લાવવાની પરીક્ષા ને રુદ્ર પોતાની સમજદારીથી સાર્થક કરે છે.. પાતાળલોકમાં એક દિવસ એવું બને છે કે સૂર્યદંડમાંથી આવતી સૂર્યકિરણ પાતાળલોકમાં પ્રસરાતી નથી.

સમય થઈ ગયો હોવાં છતાં અજવાશ ના પથરાતાં પાતાળલોકમાં હાહાકાર થઈ ગયો.. નિમ લોકો આ બધું કેમ થયું એ જાણવાં રાજા દેવદત્તનાં મહેલમાં ગયાં ત્યારે દેવદત્ત પોતે પણ આ બધાંનાં લીધે ચિંતિત હતાં.. આ જે કંઈપણ થયું એનું સમાધાન ગુરુ ગેબીનાથ જ કરી શકશે એ જાણતો હોવાથી દેવદત્તે મહેલમાં આવેલાં નિમલોકોની સાથે ગુરુ ગેબીનાથ નાં આશ્રમ તરફ પ્રયાણ કર્યું.

અહીં આશ્રમમાં પણ પોતાનાં ખોરાકનો વખત થઈ ગયો હોવાથી ગાયોનો ભાંભરવાનો અવાજ સાંભળી આશ્રમમાં વસતાં શિષ્યો અને ગુરુ ગેબીનાથ પણ આજે કેમ આવું થયું કે એનાં સમયે સૂર્યદંડમાંથી કિરણો કેમ ના નીકળ્યાં એ અંગે ચિંતા પેઠી.. આશ્રમનું જરૂરી કામકાજ પૂર્ણ કરી ગુરુ ગેબીનાથ પોતાનાં થોડાં-ઘણાં શિષ્યો સાથે માં ભૈરવીનાં મંદિર તરફ પ્રયાણ કરી રહ્યાં હતાં ત્યાં સામેથી મશાલો લઈને આવતું લોકોનું ટોળું એમની નજરે પડ્યું. જેને જોતાં જ ગેબીનાથ આશ્રમનાં પ્રવેશદ્વાર જોડે જ અટકી ગયાં.

"પ્રણામ ગુરુવર.. "ટોળું નજીક આવતાં જ ટોળાં ની આગેવાની કરી રહેલ દેવદત્ત ગેબીનાથ સમક્ષ શીશ ઝુકાવી પ્રણામ કરતાં બોલ્યો.

"આયુષ્યમાન ભવ.. "આશિષ આપતાં ગેબીનાથે કહ્યું.

"ગુરુવર.. હું અને મારી જોડે આવેલાં આ નિમલોકો અમારી એક ચિંતાનાં નિવારણ માટે અહીં આવ્યાં છીએ.. "પોતાનાં ત્યાં આવવાનું કારણ જણાવતાં દેવદત્તે કહ્યું.. આ દરમિયાન દેવદત્તે જોયું કે એનો પુત્ર રુદ્ર પણ ગુરુ ગેબીનાથ ની પાછળ મોજુદ છાત્રોમાં સામેલ હતો.. એટલે પિતા-પુત્ર વચ્ચે પરસ્પર એક સ્મિત થકી લાગણીઓનું આદાન-પ્રદાન થયું.

"હું જાણું કે આજે એનાં સમયે સૂર્યદંડ નો અજવાશ પાતાળલોકમાં કેમ ના પથરાયો એ જાણવાં તમે અહીં આવ્યાં છો.. અમે પણ આ કેમ થયું એ જાણી શકીએ એટલે જ્યાં સૂર્યદંડ સ્થાપિત છે એ જગ્યા એટલે કે માં ભૈરવી નાં સ્થાનક તરફ જ જઈએ છીએ.. "ગેબીનાથ બોલ્યાં.

"તો પછી ચાલો આપણે સાથે જઈએ માં ભૈરવી નાં મંદિર તરફ.. "દેવદત્તે ગુરુ ગેબીનાથ ને આગળ વધવાનો ઈશારો કરવાની વિનંતી કરતાં કહ્યું.

આ સાથે જ ગુરુ ગેબીનાથ ની પાછળ-પાછળ રાજા દેવદત્ત, ત્યાં આવેલાં નિમલોકો અને આશ્રમનાં શિષ્યો માં ભૈરવી નાં મંદિરની તરફ ચાલી નીકળ્યાં.

મંદિર પહોંચતાં જ ગુરુ ગેબીનાથે માં ભૈરવી ની પ્રતિમા તરફ જોતાં મંદિર ની બહારથી જ શીશ ઝુકાવી વંદન કર્યાં અને પછી મંદિરનાં શિખર તરફ દ્રષ્ટિ ફેંકી.. મશાલ ની રોશનીમાં એ જોતાં જ ગેબીનાથ નાં હૈયે ફાળ પડી કે સૂર્યદંડ એની જગ્યાએ જ નહોતો.. ગુરુ ગેબીનાથ સમેત ત્યાં આવેલાં હર કોઈનાં ચહેરા પર આ જોઈ આઘાત અને આશ્ચર્યનાં બેવડાં ભાવ પ્રગટ થઈ ગયાં.

"ઘોર અનર્થ.. આવું દુઃસાહસ.. કદાપિ આ નિંદનીય કાર્ય માફી ને લાયક નથી.. "હંમેશા શાંત રહેતાં ગુરુ ગેબીનાથ ક્રોધિત થઈને બોલ્યાં.

"ગુરુવર, શાંત થાઓ તમે.. તમે જ કહ્યું છે કે ક્રોધ કોઈપણ સમસ્યા નું સમાધાન નથી.. તો પછી આ સમસ્યા નું નિવારણ પણ ક્રોધ તો ના જ હોય ને..? "ગેબીનાથ ને ક્રોધિત જોઈ રુદ્ર એમની નજીક આવી ધીરેથી બોલ્યો.

રુદ્ર નાં આમ બોલતાં જ ગેબીનાથ નો ક્રોધ શાંત થઈ ગયો.. એમને રુદ્ર ની તરફ ગરદન હલાવી પોતાનાં આ ક્રોધાવેશ માં આવવાં બદલ માફી માંગી.

"સૌપ્રથમ તો આ દુઃસાહસ કોને કર્યું અને કેમ કર્યું એ જાણવું જરૂરી છે.. એ પછી જ આગળ શું કરીશું એનું પ્રયોજન કરી શકાશે.. "દેવદત્ત ગુરુ ગેબીનાથને ઉદ્દેશતાં બોલ્યો.

દેવદત્ત નાં આમ બોલતાં જ ગુરુ ગેબીનાથે પોતાનાં કળશમાંથી પાણી લઈને જમીન ની ઉપર એક વર્તુળ બનાવ્યું અને પોતાની દૈવી શક્તિનો ઉપયોગ કરી જમીન પર બનાવેલાં વર્તુળની અંદર એક જીવંત દ્રશ્ય ઉભું કર્યું.. જેમાં સૂર્યદંડ ની ચોરી કરવાનું કાર્ય કોને કર્યું હતું એ દેખાયું.. જેમાં દ્રશ્યમાન થયું કે એક શ્વેત કેશ ધરાવતી ત્વચા, ચપટું નાક અને સુકલકડી દેહ ધરાવતો વ્યક્તિ મંદિર નાં પૃષ્ઠભાગમાંથી મંદિરનાં શિખર પર રાત્રી દરમિયાન ચડ્યો અન સૂર્યદંડ પોતાની સાથે ચોરી કરીને લઈ ગયો.

"હિમાન.. "આ દ્રશ્ય જોતાં જ દેવદત્ત નાં મુખેથી અનાયાસે જ એક નામ નીકળ્યું.. આ નામ ત્યાં હાજર મોટાંભાગનાં લોકો માટે અજાણ્યું હતું.. એટલે રાજા દેવદત્ત નાં આમ બોલતા જ હિમાન કોણ છે એ જાણવાની બેતાબી એ બધાંનાં મુખ પર દેખાવા લાગી.

"રાજા હિમભદ્ર નો પુત્ર અને હિમાલ પ્રદેશનો સ્વામી હિમાન.. પણ હિમાનનાં આવું કરવા પાછળનું કારણ શું હોઈ શકે..? "હિમાન કોણ હતો એનો ટૂંકમાં ઉલ્લેખ કરતાં ગુરુ ગેબીનાથ બોલ્યાં.

ગુરુ ગેબીનાથ નાં આમ બોલતાં જ બધાં સમજી ચુક્યાં હતાં કે એ વ્યક્તિ કારા પર્વતની પાછળ વસતાં હિમાલ લોકોનો રાજા હિમાન હતો. એ લોકો કેવી જિંદગી જીવે છે અને શું કરે છે એ વિશે મોટાંભાગનાં નિમલોકોને થોડી ઘણી પણ ખબર નહોતી.

"ગુરુવર.. તો પછી હું હિમાલ પ્રદેશ પર આક્રમણ કરીને સૂર્યદંડ પાછો લાવવાનું પ્રયોજન આરંભુ.. "દેવદત્ત બોલ્યો.

"ગુરુવર, જો રજા આપું તો હું કંઈ બોલી શકું..? "પોતાનાં પિતાજીની વાત સાંભળતાં જ રુદ્ર ગુરુ ગેબીનાથ ને ઉદ્દેશીને બોલ્યો.

"અવશ્ય.. બોલો તમે શું કહેવા માંગો છો આ વિષયમાં.. "રુદ્ર ને પોતાનો વિચાર રજૂ કરવાની પરવાનગી આપતાં ગેબીનાથે કહ્યું.

"પિતાજી દ્વારા હિમાલ પ્રદેશ પર આક્રમણ કરવાની જે વાત કરવામાં આવી છે હું એનો વિરોધ કરું છું.. આમ જોઈએ તો હિમાલ પ્રદેશનાં લોકો પણ આપણી જેમ પાતાળવાસીઓ જ છે. પણ કાળક્રમે જે કંઈપણ ઘટિત થયું એનાં લીધે એ લોકોને કારા પર્વતની પાછળ જીવન પસાર કરવાં મજબુર થવું પડ્યું.. ત્યાં રહેલી વિસમ પરિસ્થિતિમાં એ લોકો શું હાલાકીમાં જીવન પસાર કરી રહ્યાં છે એની આપણને ખબર નથી.. તો એ લોકો પર સૂર્યદંડ ની ચોરી કરવાનું કારણ જાણ્યાં વગર એમની ઉપર આક્રમણ કદાપિ કરવું યોગ્ય નથી.. "

"તમે મને રજા આપો તો હું મારી રીતે ત્યાં જઈને રાજા હિમાન ને મળીને એમને આવું કાર્ય કરવું કેમ પડ્યું એ જાણી આવું.. એ પછી જ આગળ શું કરવું જોઈએ એનો વિચાર કરીશું.. "રુદ્ર એ કહ્યું.

રુદ્ર ની વાત સાંભળી ગુરુ ગેબીનાથ, રાજા દેવદત્ત અને ત્યાં ઉપસ્થિત અન્ય લોકો પર વિચારતાં થઈ ગયાં.. રુદ્ર એ જે કંઈપણ કહ્યું હતું એ એકરીતે ખોટું નહોતું.

"પણ રુદ્ર, એ લોકો સ્વભાવે કેવાં છે એની ખબર વગર ત્યાં જવું જીવ ખોવા જેવું છે.. તો ત્યાં કોઈ તૈયારી વગર જવું જાણીજોઈને મોત ને નિમંત્રણ આપવાં બરાબર છે.. "ગુરુ ગેબીનાથ રુદ્ર ને સંબોધી બોલ્યાં.

"આપની વાત ખોટી નથી.. પણ મારું માનવું છે કે કોઈ કારણ વગર હુમલો કરવો જગતમાં કોઈપણ રાજવી માટે શોભનીય નથી જ.. એ ભલે આપણે હોઈએ કે પછી હિમાલ લોકો.. તમે ચિંતા ના કરશો, હું મારી રીતે ત્યાં જઈ રાજા હિમાન ને મળી એમનું સૂર્યદંડની ચોરી કરવાનું કારણ જાણીને એમની જો કોઈ સમસ્યા હશે તો એનાં નિવારણ નો પ્રયત્ન કરી જોઈશ.. મને વિશ્વાસ છે કે હું અહીં પાછો આવીશ ત્યારે સૂર્યદંડ મારી જોડે હશે.. "રુદ્ર નાં અવાજમાં ગજબનો આત્મવિશ્વાસ વર્તાતો હતો.

રુદ્ર ની વાત સાંભળી દેવદત્ત અને ગેબીનાથે એકબીજની તરફ જોયું.. અને ઈશારામાં જ રુદ્ર ને આ કાર્ય માટે મોકલવો જોઈએ એવી પરસ્પર સહમતી જાહેર કરી.

"રાજકુમાર રુદ્ર.. મને વિશ્વાસ છે કે તમે તમારું કાર્ય કોઈપણ સંજોગોમાં અધૂરું નહીં મુકો. શું યોગ્ય છે અને શું અયોગ્ય એ જાણ્યાં બાદ એ પ્રમાણે જ પોતાનાં દરેક કાર્ય ને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરશો.. તો હું અને આપનાં પિતાશ્રી રાજા દેવદત્ત આપને આ સમસ્યા નું નિવારણ કરવાં હિમાલ પ્રદેશમાં જવાની રજા આપીએ છીએ.. "ગુરુ ગેબીનાથે રુદ્ર ને સંબોધતાં કથન કર્યું.

"હું તમારો અને પિતાજીનો મારાંમાં જે વિશ્વાસ છે એને કાયમ રાખીશ અને એવું કોઈ પગલું નહીં ભરું જે નિમ લોકો માટે અહિત કરનારું સાબિત થાય એનું વચન આપું છું.. "બે હાથ જોડી શાલીનતા પૂર્વક રુદ્ર બોલ્યો.

"ગુરુજી... જો તમે સહમતી આપો તો હું અને ઈશાન પણ આ કાર્ય માટે રુદ્ર ની સાથે જવાં માંગીએ છીએ.. "શતાયુ ગેબીનાથ ને ઉદ્દેશીને બોલ્યો.

શતાયુ નાં આ પ્રસ્તાવ ને સહર્ષ સ્વીકારતાં ગેબીનાથે કહ્યું.

"અવશ્ય.. તમે બંને પણ રાજકુમાર રુદ્ર ની સાથે જશો તો મને આનંદ થશે.. તમારાં જોડે જવાથી રુદ્ર ને પોતાનું કાર્ય સફળતાપૂર્વક પાર પાડવામાં મદદ થશે.. "

"ધન્યવાદ ગુરુવર.. "ગેબીનાથ ની વાત સાંભળી નતમસ્તક થઈ શતાયુ અને ઈશાન એક સુરમાં બોલ્યાં.

"તો ગુરુવર.. અમે હવે અહીંથી હિમાલ દેશ તરફ પ્રયાણ કરીએ.. "રુદ્ર એ ગુરૂ ગેબીનાથ અને દેવદત્ત ની તરફ જોતાં કહ્યું.

"અવશ્ય.. તમે હિમાલ દેશ તરફ પ્રયાણ કરો.. મહાદેવ અને માં ભૈરવીનાં આશિર્વાદ તમારી સાથે છે.. "ગુરુ ગેબીનાથે રુદ્ર ને હિમાલ દેશ તરફ પ્રસ્થાન કરવાની સહમતી આપતાં કહ્યું.

ગુરુ ગેબીનાથ ની આજ્ઞા મળતાં જ રુદ્ર, શતાયુ અને ઈશાને સૌપ્રથમ ગુરુ ગેબીનાથનાં ચરણ સ્પર્શ કર્યાં.. રુદ્ર એ ત્યારબાદ પોતાનાં પિતાશ્રી મહારાજ દેવદત્ત નાં પણ ચરણસ્પર્શ કરી એમનાં આશીર્વાદ પ્રાપ્ત કર્યાં.

આ સાથે જ રુદ્ર, શતાયુ અને ઈશાન આશ્રમમાં પાછાં આવ્યાં.. જ્યાં અશ્વશાળા માં મોજુદ અશ્વમાંથી પોતાની પસંદગીનાં અશ્વ પર સવાર થઈ એ ત્રણેય મિત્રો ની ટોળકી ચાલી નીકળી હિમાલ દેશ તરફ. મેઘદૂત પર સવાર રુદ્ર સૌથી આગળ ચાલતો હતો.. અને એને અનુસરતાં શતાયુ અને ઈશાન રુદ્ર ની પાછળ-પાછળ પોતાની મંજીલ એટલે કે હિમાલ દેશ તરફ આગળ વધી રહ્યાં હતાં.

પાતાળલોકનાં છેક છેવાડે આવેલાં કારા પર્વત સુધી પહોંચતા રુદ્ર, શતાયુ અને ઈશાન ને બે પહોર જેટલો સમય લાગી ગયો.. કારા પર્વત ની ઊંચાઈ ઘણી વધારે હોવાથી એની પાછળ નાં વિસ્તારમાં વસવાટ કરતાં લોકો સુધી સૂર્યદંડનો પ્રકાશ પહોંચવો અશક્ય હતો એ વાત કારા પર્વતની તળેટીમાં પહોંચતાં જ એ ત્રણેયને સમજાઈ ગઈ હતી.

"જો એક દિવસમાં આપણે સૂર્યદંડ નાં પ્રકાશ વિના ત્રાહિમામ પોકારી ગયાં તો હિમાલ લોકો નું જીવન કેટલી હાડમારીઓ વચ્ચે પસાર થતું હશે એનું તો ખાલી અનુમાન જ કરવું રહ્યું.. "પોતાનાં અશ્વની કારા પર્વતની પાછળની તરફ જતાં રસ્તાનાં મુખ જોડે અટકાવી રુદ્ર એ ઈશાન અને શતાયુ તરફ જોઈને કહ્યું.

"હા, મિત્ર સાચેમાં એ લોકોનું જીવન કેટલી તકલીફોમાં પસાર થતું હશે એ ખરેખર વિચારવા લાયક બાબત છે.. "ઈશાને પણ ચિંતિત સ્વરે કહ્યું.

"આ પ્રશ્ન નું નિવારણ ત્યારે જ મળશે જ્યારે પર્વતની બીજી તરફ પહોંચીને રાજા હિમાનને મળીશું.. એમની જોડેથી સૌપ્રથમ તો એમને સૂર્યદંડ ની ચોરી કેમ કરી એનું કારણ જાણવું પડશે. "શતાયુ બોલ્યો.

"તો પછી ચલો ત્યારે આગળ વધીએ.. "આટલું બોલતાં જ રુદ્ર એ પોતાનાં અશ્વ મેઘદૂત ની લગામ ખેંચી અને ચાલી નીકળ્યો હિમાલ દેશ તરફ.. જ્યાં કેવાં લોકો હશે અને એમનું જીવન કેવી તકલીફો નીચે પસાર થતું હશે એ હાલપુરતું તો એનાં અને એનાં મિત્રો માટે રહસ્ય જ હતું.

એક તરફ રુદ્ર જ્યાં પોતાની મંજીલ સુધી પહોંચવા આવ્યો હતો તો બીજી તરફ રાજા દેવદત્ત, ગુરુ ગેબીનાથ અને સમસ્ત નિમલોકો મનોમન રુદ્ર ને એનાં કાર્યમાં સફળતા મળે એવી મનોમન મહાદેવ જોડે અર્ચના કરી રહ્યાં હતાં.. !!

★★★

વધુ નવાં અધ્યાયમાં.

રાજા હિમાન નાં સૂર્યદંડ ની ચોરી કરવાં પાછળનું કારણ શું હતું...? રુદ્ર નિમ લોકો પર આવેલી આ સમસ્યા નું નિવારણ કરી સૂર્યદંડ પાછો લાવી શકશે..? માનવો અને નિમ લોકો વચ્ચે ક્યારેય સુમેળભર્યો સંબંધ પ્રસ્થાપિત થશે..? રુદ્ર નો જન્મ કઈ રીતે આખાં જગતને અસર કરનારો સાબિત થવાનો હતો...? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ નવલકથા નો નવો અધ્યાય.. આ નવલકથા નાં શરુવાતનાં ભાગ નવલકથાનો પાયો તૈયાર કરી રહ્યાં છે.. આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે. આ નવલકથા દર અઠવાડિયે ગુરુવારે અને રવિવારે માતૃભારતી થકી પ્રસારિત થશે.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોતની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ:IT CAUSE DEATH, હતી એક પાગલ, પ્રેમ-અગન

The ring, ડેવિલ રિટર્ન અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન. આર. પટેલ (શિવાય)

***