Angarpath - 24 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | અંગારપથ - ૨૪

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

અંગારપથ - ૨૪

અંગારપથ.

પ્રકરણ-૨૪.

પ્રવીણ પીઠડીયા.

અભીમન્યુ ભારે વ્યગ્રતાથી હોટલનાં કમરામાં આંટા મારતો હતો. ચારું હમણાં જ પોલીસ સ્ટેશને જવા નીકળી હતી. અત્યારે તો તેને કોઇ તકલીફ પડવાની નહોતી કે નહોતાં કોઇ જવાબ આપવા પડવાનાં કારણકે કમિશ્નર સાહેબ પોતે જ જ્યારે ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં ભરતી હોય ત્યારે એવા સવાલ-જવાબ કોઇ કરવાનું નહોતું એ સ્વાભાવિક હતું. એટલે જ અભીને ચારુંની ચિંતા નહોતી. પરંતુ તે ફાઇલમાં લખેલી વિગતોને લઇને ડરતો હતો. એ વિગતો ખરેખર ભયાનક હતી અને તે જાહેર ન થાય એ માટે ડગ્લાસ કોઇપણ હદ સુધી જઇ શકે તેમ હતો. આ ફાઇલ હાથવગી કરવા તે ગમે તે કરી શકે તેમ હતો. ભલે તેના જમણાં હાથ સમો બંડુ મરાયો હોય, કે પછી તેણે પોતે અંડર ગ્રાઉન્ડ થઇ જવું પડયું હોય, પરંતુ તે શાંત નહી બેસે એ વાત પાક્કી હતી. જરૂર તે કોઇ મોટી ફિરાકમાં હશે. અભી એટલે જ ચિંતામાં પડયો હતો.

તેણે હોટલનાં કમરાની દિવાલે લટકતી ટી.વી.માં આવતાં સમાચાર તરફ લક્ષ્ય આપ્યું. તેમાં સંજય બંડુનાં એન્કાઉન્ટરનાં સમાચાર ફ્લેશ થઇ રહ્યાં હતા. ટી.વી. એન્કર ઉંચા સાદે પોલીસે કેવી રીતે એક અવાવરું કિલ્લામાં ગોવાનાં નામિચા વ્યક્તિઓનું એન્કાઉન્ટર કર્યું હતું એ ઘટનાને વિગતવાર જણાવી રહી હતી. એન્કાઉન્ટરમાં બંડુ અને તેના બધા જ સાથીઓ મરાયા હતા અને કમિશ્નર ઘાયલ થયા હતા. કમિશ્નરને ઘાયલ અવસ્થામાં જ શહેરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા અને તમની સર્જરી કરવામાં આવી હતી એ સાંભળીને અભી ચોંકયો હતો. “માયગોડ..” અનાયાસે જ તેના મો માંથી શબ્દો સર્યા. કમિશ્નર પવારને રક્ષા જે હોસ્પિટલમાં હતી એમાં જ શિફ્ટ કરવામાં આવ્યા હતા એ વિગત તેનું દિલ ધડકાવી ગઇ હતી. રક્ષા અને કમિશ્નરનું એક જ જગ્યાએ હોવું તેને કઠયું હતું. તે જલદીથી તૈયાર થયો અને કમરાને લોક કરીને હોસ્પિટલ તરફ ચાલી નીકળ્યો.

@@@

ગોવા અને કર્ણાટકની બોર્ડરને અડીને બેલગાંવ આવેલું છે. બેલગાંવથી ગોવા જતા રસ્તામાં એક ભવ્ય અને વિશાળ લકઝરીયસ રિસોર્ટ આવતો હતો. એ રિસોર્ટ આજે અચાનક જ અનેકવિધ પ્રવૃત્તિઓથી ધમધમી ઉઠયો હતો. રિસોર્ટમાં કામ કરતાં કર્મચારીઓમાંથી અમુક માણસો એકાએક રિસોર્ટની પાછળ બનેલી એક ખાનગી જગ્યામાં દોડી ગયા હતા અને સ્ટેન્ડ-બાય પોઝિશનમાં ગોઠવાઇ ગયા હતા. મોટેભાગે આ તરફ ભાગ્યે જ કોઇ આવતું હશે. બહું ઓછા અને અંગત માણસોને જ આ જગ્યામાં પ્રવેશવાનો હક્ક હતો કારણ કે આ સ્થળ દુનિયાથી છૂપાવીને રાખવા માટે જ બનાવાયું હોય એવું લાગતું હતું.

કર્ણાટક રાજ્યમાં આવેલું બેલગાંવ ગોવાથી લગભગ એકસો ત્રણ(૧૦૩) કિલોમિટર જેટલું દૂર હતું. ચોરલા ઘાટ નજીક વસેલું બેલગાંવ કુદરતી રીતે જ અત્યંત સુંદર અને મનોરમ્ય હતું. ચોરલા ઘાટનાં વાંકાચૂંકા વળાંકો અને અહીનું વાતાવરણ ઘણાં પ્રવાસીઓને તેમની તરફ આકર્ષતું એટલે બારેમાસ પ્રવાસીઓનો ઘસારો અહી રહેતો. એ પ્રવાસીઓને આકર્ષવા આ રોડ ઉપર ઘણાં રિસોર્ટ બની ચૂકયાં હતા અને બીજી નાની મોટી હોટલો રોડ કાંઠે હતી. મુંબઇથી ગોવા જતાં અથવા તો મહાબળેશ્વરથી ગોવા ફરવા આવતાં સહેલાણીઓ પોતાની અનુકૂળતાએ અહીનાં રિસોર્ટમાં રોકાતાં અને કુદરતનાં સાનિધ્યનો ભરપૂર આનંદ માણતાં. આ રસ્તો અને તેના ઉંચા ખતરનાક ઘાટો આમ તો જોખમકારક હતા. અરે ઘાટ નો કેટલોક રસ્તો તો બીલકુલ સૂમસાન અને વિરાન જેવો હતો જ્યાંથી પસાર થતાં રીતસરની બીક લાગતી. તેમાં ય ખાસ તો રાતનાં સમયે આ રસ્તો ભયાનક રીતે ડરામણો ભાસતો. પરંતુ તેમ છતાં એડવેન્ચર પસંદ લોકો તેનો લૂફ્ત ઉઠાવવાનું ચૂકતાં નહી.

ચોરલા ઘાટ ઉંચી પહાડી ઉપર આવેલો હતો અને બારેય મહિના સંપૂર્ણપણે હરિયાળી આચ્છાદિત રહેતો. ચોરલા ઘાટની બરાબર વચ્ચેથી પસાર થતો ડબલપટ્ટીનો વાંકો-ચૂંકો ડામર રોડ સીધો જ ગોવા શહેરને આંબતો. આ ઘાટનાં જ એક વળાંક ઉપર, ગોવાથી લગભગ પચાસેક કિલોમિટર દૂર મુખ્ય રસ્તાથી થોડે અંદર તરફ આ રિસોર્ટ આવેલો હતો. બહારથી આવતાં લોકોને આ રિસોર્ટ કોઇ સામાન્ય રિસોર્ટ જેવો જ લાગતો પરંતુ અહી રિસોર્ટ બનાવવાનું મુખ્ય કારણ તો કંઇક અલગ જ હતું. રિસોર્ટની પાછળ જે તેનો બીજો ભાગ હતો એ કોઇ લોખંડી કિલ્લાથી કમ નહોતો. કોઇને અહી પ્રવેશવાની પરમિશન નહોતી અને કોઇ જાણતું પણ નહી કે અહી શું ભેદી પ્રવૃત્તિઓ થાય છે. આજે અચાનક એવી જ કંઇક ભેદી હલચલ આ રિસોર્ટમાં શરૂ થઇ હતી જેનો બાહરી દુનીયાને કોઇ અંદેશો નહોતો.

@@@

અભીમન્યુએ હોસ્પિટલમાં પગ મૂકયો અને ત્યાં ખડકાયેલી સુરક્ષા વ્યવસ્થા જોઇને ઘડીક ઉભો રહી ગયો. એવું દેખાતું હતું કે સમગ્ર હોસ્પિટલને લોખંડી પહેરા હેઠળ કેદ કરી લેવામાં આવી છે. ગોવાની તમામ પોલીસ ફોર્સને જાણે હોસ્પિટલની સુરક્ષા માટે ખડેપગે તેહનાત કરવામાં આવી હોય એવો માહોલ જણાતો હતો. તેની તલાશી લેવામાં આવી તેને અંદર પ્રવેશવા દેવાયો. તે સીધો જ રક્ષાનાં કમરામાં આવ્યો. રક્ષાની હાલત હજું પણ જૈસે-થે પોઝીશનમાં હતી. ડોકટરોનું કહેવું હતું કે તે ધીરે-ધીરે રિકવર કરી રહી છે પરંતુ તે ક્યારે સંપૂર્ણપણે સાજી થઇને પથારીમાંથી બેઠી થશે એ તેઓ જણાવી શકવાં અસમર્થ હતા. અભીમન્યુએ રક્ષાનાં માથે… તેના વાળમાં સ્નેહથી હાથ ફેરવ્યો અને તેના ઘાયલ ચહેરાને તાકી રહ્યો. રક્ષાની જમણી આંખ નીચે એક ઉંડો ઘાવ હતો. એવો જ ઘાવ તેના કપાળની બરાબર વચ્ચે દેખાતો હતો. ડોકટરોએ એ ઘાવને દવાથી ભરી દીધો હતો જેનાથી તેનો ચહેરો બેડોળ બન્યો હતો. તેના હોઠ ફૂલીને દડા જેવા બની ગયા હતા. કદાચ તેના પોતાના જ દાંત તેના હોઠોની અંદરની ચામડીમાં ખૂપ્યાં હશે, કે પછી એ હોઠ ઉપર મૂંઢ માર વાગ્યો હોવો જોઇએ નહિંતર તે આટલી ખરાબ રીતે ફાટે નહી. અભીની મુઠ્ઠીઓ ભિંસાઇ. રક્ષા ફક્ત એક વખત હોશમાં આવીને તેની આ હાલત કરનાર વ્યક્તિઓનું નામ જણાવી દે એવું તે ઇચ્છતો હતો. પછી આ દુનીયાની કોઇ તાકત એ વ્યક્તીઓને તેના હાથોમાંથી બચાવી શકે તો તે કહે એ હારી જવા તૈયાર હતો. રક્ષા માટે તે ગમે તે હદ સુધી જવા તૈયાર હતો કારણ કે તે રક્ષાને અનહદ ચાહતો હતો. રક્ષા સિવાય આ જગતમાં તેનું પોતાનું કહી શકાય એવું હતું પણ કોણ?

@@@

ઈન્સ્પેકટર કાંબલે અધમૂઈ હાલતમાં ધૂળ ભરેલી ફર્શ ઉપર આળોટતો હતો. ભૂખ અને તરસથી તે મરવાની અણીએ આવી પહોચ્યોં હતો. પાછલાં છેલ્લા બે દિવસથી તેના ગળા હેઠે પાણીનું એક ટીપું ય ગયું નહોતું. તેના ગળામાં ભયંકર સોસ પડતો હતો અને તેનું પેટ વલોવાતું હતું. જો હજું થોડો સમય તેને પાણી ન મળ્યું તો ચોક્કસ મોતને ભેટશે એની પણ તેને ખાતરી થતી જતી હતી. તેની લાલચે અત્યારે તેને મોતની કગાર ઉપર લાવીને ખડો કરી દીધો હતો એ વાત ભલીભાંતી સમજાઇ ચૂકી હતી. પરંતુ એ સમજ તેનામાં આવે ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ચૂકયું હતું. તે એ સમયને કોસતો હતો જ્યારે તેના મનમાં લાલચનું બીજ રોપાયું હતું. તે ઘારત તો એ ઈન્ફર્મેશન પોતાનાં ઉપરી અધીકારીઓને જણાવીને આગળ કાર્યવાહી કરી શકયો હોત પરંતુ આંખો સામે નાચતાં અઢળક રૂપિયાએ તેની બુધ્ધીને ભ્રષ્ટ કરી નાખી હતી અને તે સોદાબાજીમાં પડયો હતો. તેણે એક સોદો કર્યો હતો અને અત્યારે તે પેટ ભરીને પસ્તાતો હતો કે એવું તેણે શું કામ કર્યું?

@@@

અચાનક અભીમન્યુનો ફોન રણકયો અને તે ઝસકી ગયો. રક્ષાનાં વાળમાં ફરતો તેનો હાથ એકાએક અટકી ગયો અને ખિસ્સામાંથી ફોન કાઢી તેણે ઇન-કમિંગ નંબર જોયો. કોઇ અજાણ્યો નંબર તેના મોબાઇલ સ્ક્રિન ઉપર ફ્લેશ થઇ રહ્યો હતો. ફોન ઉઠાવી તેણે કાને માંડયો.

“હેલ્લો..” તે બોલ્યો.

અને… આશ્વર્યનાં મહાસાગરમાં તે ગોથા ખાવા લાગ્યો. સામેથી બોલતી વ્યક્તિનો અવાજ સાંભળીને તેને પોતાનાં જ કાન ઉપર વિશ્વાસ થયો નહી.

(ક્રમશઃ)

આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.

તમે મને પર્સનલમાં વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.

શું તમે….

નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? આ તમામ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.

તો જલ્દી ડાઉનલોડ કરો અને રહસ્યનાં મહાસાગરમાં ડૂબી જાઓ.