indroda park, forest at doorstep in Gujarati Travel stories by SUNIL ANJARIA books and stories PDF | ઘરઆંગણે વન ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર

Featured Books
Categories
Share

ઘરઆંગણે વન ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર

ગાંધીનગર પાસે નવા ગિફ્ટસિટી રોડ પર ઇન્દ્રોડા નેચર પાર્કની મુલાકાત લીધી. હું 20 વર્ષ બાદ ફરીથી ગયો અને જોયું કે સાવ જ નવો થઈ ગયો છે. તે વખતે તો એક અજગર, બે ચાર હરણ અને હરવા ફરવા માટે જંગલ જેવો અસ્તવ્યસ્ત બાગ હતો.
હવે તો અનેક આકર્ષણો ઉમેરાયાં છે. એન્ટ્રી ની 30 રૂ. વ્યક્તિ દીઠ અને કાર ની પણ 30 રૂ. ટિકિટ છે. ટુ વ્હીલર ની ઓછી છે. પાર્કિંગ ખુલ્લું, મોટું છે. સુંદર ગેઇટ આપણું સ્વાગત કરે છે.
પાર્ક સવારે 8 થી સાંજે 5.30 ઓક્ટોબર થી ફેબ્રુઆરી અને પછી 6 વાગ્યા સુધી ખુલ્લો હોય છે.
અંદર પ્રવેશતાં જ ડાયનોસોર પાર્ક આવે છે.

ગુજરાતના જ નર્મદા તટ, બાલાસિનોર, ઉત્તર ગુજરાત માંથી મળેલ પ્રાગૈતિહાસિક પદચિન્હો પથ્થરમાં અંકિત હોય તે, ડાયનોસોરનાં ઈંડાં અને દરેક પ્રકારના ડાયનોસોરનાં આબેહૂબ મોડેલ જેવાં કે લાંબી ડોક વાળાં, પીઠ પર કાંટા જેવી કરોડ વાળાં, વિશાલ દાંત, આગળ ખિસકોલી જેવા નાના હાથ વાળાં, વિશાળ પાંખો વાળાં ઉડી શકતાં એમ અનેક પ્રકારનાં જોયાં.
સાથે દ્વિભાષી તક્તિઓમાં સમજૂતી પણ આપેલી.

બીજું આકર્ષણ હતું બોટનીકલ પાર્ક. દરેક પ્રકારની વનસ્પતિઓ નાની મોટી જોવા મળી. અદ્ભૂત નઝારો. ફાઈકસ વૃક્ષો એટલે કે વડ, પીપળો ખીજડો વગેરે અને તેની વિવિધ જાતો. કોઈએ કૃષ્ણ વડ જોયો છે? પાનમાં પીળી લાઈનો અને પીપળા જેવાં પાન, સીધું સટ થડ. એવી લીમડા પીપળા જેવાં વૃક્ષોમાં પણ અનેક જાત જોવા મળી. એ વૃક્ષો વચ્ચેનો માર્ગ એકદમ શાંત અને ઘટાદાર લીલા વૃક્ષો વચ્ચે લાલ માટીનો અદ્ભૂત છે.
એ ઉપરાંત વેલવાળી વનસ્પતિઓ જોઈ. અંજીરનું , ઉપર મીનીએચર દાડમ જેવું અંજીર ઉગેલું વૃક્ષ જોયું. આપણે ખાઈએ તે પાન ની વેલ અને અનેક નાના રોપા જોયા.
ડાયનોસોર પાર્ક વચ્ચે સુંદર કમળ તલાવડી માં લાલ, સફેદ, પીળાં કમળો ખીલેલાં.
માત્ર દક્ષિણભારતના મેનગૃવ માં જ જોવા મળતી વનસ્પતિઓ જોઈ. નીચે મોટા ટેકરી જેવાં મુળો ઉપર સીધો, મોટા પાન વાળો કેવડો પણ જોઈ 'એક કુવા કાંઠે કેવડો જોગમાયા' ગીત યાદ આવ્યું.
ખાખરો અને દ્રાક્ષની જેમ નીચે લટકતાં લાલ તાડફળો વાળું વૃક્ષ જોયું.
એ બધું જોયા પછી ચોથું આકર્ષણ કેક્ટ્સ પાર્ક. થોરની જાતો. અનેક નવી અનેક જૂની. એ તો આપણે અનેક પ્રદર્શનોમાં જોઈએ છીએ. ફિંડલાનું શરબત ઘણાએ પીધું હશે. ફૂલ વાળા થોર કે ડેકોરેટિવ આકારના, એક તો થડ ફરતે વેલ હોય તેવો વલયો વાળો થોર હતો.
પાંચમું આકર્ષણ બટરફ્લાય પાર્ક. નાનાં મોટાં વિવિધ ડિઝાઇનવાળાં પતંગિયાં. લીલાં, કાળાં અને પાંખ પાર ભૂરા કે પીળા કે લાલ ટપકાં વાળાં, ભૂરાં , સામાન્ય કેસરી કે પીળાં પતંગિયાં અને તે રસ ચૂસી શકે એટલે સુગંધ આપતી વનસ્પતિઓ. લાલ અને સફેદ ચંપા અને કરેણ થી માંડી અનેક.
છઠું આકર્ષણ થોડું ચાલીને. ઝુ. એ પહેલાં એક ચિલ્ડ્રન પાર્ક જેમાં પીવાનું ઠંડુ પાણી અને આરામ કરવા પથ્થરોની જ બૅચો બનાવી છે જ્યાં બેસવાથી જંગલના પથ્થર પર બેઠા જેવી ફીલ આવે. એક રૂમમાં સોવેનિર વેંચે છે જેમાં ગીર ના સિંહ ના ચિત્રવાળા ટીશર્ટ 400 રૂ. માં સરસ હતા. કેપ, બ્લેઝર વગેરે સુંદર વસ્તુઓ મળતી હતી.

ઝુ માં સિંહ, દીપડા,કાળિયાર, હરણ વગેરેનાં પાંજરાં ને બદલે ઓપન મોટમાં સિંહને પગ ઊંચા કરી આડો પડેલો કે દીપડાને જાળી પર પગ રાખી ઉભો જોયો.
સાતમું આકર્ષણ સર્પગૃહ. વિશાળ અજગરો ક્રોસમાં એક બીજા પર પડેલા, એક અજગર ખાધું હશે એટલે વચ્ચેથી પેટ ફુલેલો, એક અજગર માતા બાળ અજગર સાથે જોઈ. બે કોબ્રા સર્પ પૈકી એક સર્પ બીજા ઉપરથી ધીમે ધીમે અટકીને સરકતો હતો. ગાર્ડ એ કહ્યું કે તેઓ મેટિંગ કરે છે. બીજો એક કોબ્રા લાબું મોઢું લઈને આવ્યો અને ટટ્ટાર થઈ ફેન ચડાવી. એકદમ લમ્બો ધામણ સર્પ , અજગર જેવી દિક્ષાઇન વાળો રસેલ વાઈપર, પૂરો ચમકતો રુપેરી ખડ નો સાપને એવા નાના મોટા અનેક સર્પ જોયા.
અંતે આઠમું આકર્ષણ પક્ષીગૃહ. મોટા પીપટ, કાકા કૌઆ, લક્કડખોદ, સફેદ મોર, રંગીન બજરંગી પોપટ, વિશાળ કદ ના રાજપીપળા પોપટ વગેરે જોયાં. બતકોને ગાર્ડ એ એમના ઘરમાંથી મુક્ત કર્યાં એટલે એક લાઈનમાં 11 બતકો દોડતાં તળાવમાં ભૂસકો મારી તરવા લાગ્યાં. એ જોવાની ખૂબ મઝા આવી.
એક જગ્યાએ હવે ઝુ એન્ડ થાય છે તેવું બોર્ડ જોઈ એક્ઝીટ તરફ બહાર ગયાં.
અહીં ઝુ થી પક્ષીગૃહો સુધી એરો એન્ટ્રી વખતે બતાવેલા છે પણ અંદર ભગવાન ભરોસે. ગોતતા રખડયા કરો.
વચ્ચે બાંકડાઓ પર પાંજરાં નાં લવબર્ડ જેવાં માનવ લવબર્ડ બેઠાં હતાં. એક નાજુકડી ના બાવડાં સૂર્યપ્રકાશમાં ચમકતાં હતાં. સુંદર વાળ ફગફગતા હતા. એ એનાવાળાને કહે 'હું બોરિંગ થાઉં છું'! પેલાએ સુધાર્યું કે બોર થાઉં છું ક્હેવાય તો કહે 'બોર, જમરૂખ જે કહે એ થાઉં છું. ચાલ બહાર.' આ સાંભળવાની પણ મઝા પડી!!
જોવું હોય તો બને તો 8 વાગે પહોચી જોવું. ફૂલો અને પાન સોળે કળાએ ખીલ્યાં હોય અને પ્રાણી,પક્ષીઓ પુરા મૂડ માં હોય. બપોરે તેનાં પિંજરામાં ભરાઈ જાય.
સરખી રીતે જોવામાં 3 કલાક ગણી લેવાના.
આપણે સિંગાપોરનું કે બનેરઘટ્ટટા બેંગલોર ના ઝુ જોઈએ તો ઘર આંગણે આ પણ જોવા જેવું.
હવે તો છેક ઇન્દ્રોડા પાર્કના ગેઇટ સુધી મેટ્રો પણ આવવામાં છે. પાટિયાં જોયાં. બહાર નીકળતાં જ સર્વિસલેન માં ઓનેસ્ટ, પીઝાહટ, મેકડોનાલ્ડ અને અનેક સારાં રેસ્ટોરાં છે.
મને તો ઘર આંગણે આ તીરથ ગમ્યું. ન ગયેલા પણ આ વાંચી જોઈ આવે તો જરૂર તેમને ગમશે.
-સુનીલ અંજારીયા