The Ooty - 26 in Gujarati Fiction Stories by Rahul Makwana books and stories PDF | ધ ઊટી... - 26

Featured Books
Categories
Share

ધ ઊટી... - 26

26.


(ડૉ. રાજન અને અભય ફોન પર અખિલેશનાં કેસ સંબંધિત વાતો કરે છે, અને સલીમભાઈની મદદથી અખિલેશનાં કેશમાં એક નવું જ રહસ્ય ખુલ્યું, જે અખિલેશનાં કેશને એક અલગ જ દિશા તરફ દોરી જાય છે, હવે આ કેસ આગળ સોલ્વ કરવાં માટે અખિલેશની હાજરી જરૂરી હતી, આથી ડૉ. રાજન જણાવે છે કે અખિલેશની કંડીશન હાલમાં પહેલાં ઘણી સારી છે, થોડીક ચર્ચા બાદ ડૉ. રાજન અખિલેશ અને દીક્ષિતને લઈને ઊટી જવાં માટે તૈયાર થઈ જાય છે…)

ડૉ. રાજન પોતાનાં ઘરે પહોંચીને પરિવાર સાથે ડિનર કરે છે, અને પોતાની વાઈફને પોતે અખિલશનનાં કેસ સંબધિત માહિતી મેળવવા અને તેના કેસ સાથે જોડાયેલ મિસ્ટ્રી સોલ્વ કરવાં માટે આવતીકાલે સવારે 5:30 વાગ્યે ફલાઇટ દ્વારા ઊટી જઈ રહ્યો છે, તે જાણ કરે છે, અને જમીને પોતાનો સામાન પેક કરવાં માંડે છે, અને બધી જ જરૂરી વસ્તુઓ પોતાની સાથે લઈ લે છે, જેમાં અખિલેશ માટે ઈમરજન્સી મેડીસીન કિટનો પણ સમાવેશ કરવામાં આવેલ હતો.

જ્યારે આ બાજુ દીક્ષિત અખિલેશને પોતાનાં ઘરે લઈને આવે છે, ત્યારબાદ દીક્ષિતનાં પરિવાર સાથે અખિલેશ પણ ડિનર કરે છે, અખિલેશને દીક્ષિત સાથે સારા સંબધ હોવાથી દીક્ષિતનાં પરિવારજનો પણ અખિલેશને સારી રીતે ઓળખતાં હતાં, અખિલેશને પણ દીક્ષિતનાં ફેમિલી સાથે ઘર જેવાં જ સંબંધ હતાં, ત્યારબાદ દીક્ષિત પોતાનો સામાન પેક કરે છે, અને પોતાનાં એક અન્ય કર્મચારી દ્વારા અખિલેશનો સામાન પણ પોતાન જ ઘરે માંગવી લે છે.

હાલમાં જે અખિલેશ હતો, એ અખિલેશ અને પહેલાનાં અખિલેશમાં જમીન - આસમાનનો ફર્ક હતો, જાણે મનમૂકીને મુક્તપણે ખળ-ખળ કરીને વહેતાં, અને પોતાની ધૂનમાં જ રમતાં કોઈ એક ઝરણાને જાણે એક ઊંચો બંધ બાંધીને રોકવામાં કે અટકવવામાં આવેલ હોય, તેમ અખિલેશની લાઈફ પણ જાણે કોઈ એક જ જગ્યાએ સ્થિર થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું હતું, અખિલેશ જાણે આ આખી દુનિયાથી અલિપ્ત થઈ ગયો હોય તેવું લાગી રહ્યું હતું, તેનો વોઇસ ટોન પણ એકદમ ધીમો થઈ ગયો હતો, પોતાની સાથે નસીબ કે ભગવાન શું કરાવવાં માંગતા હશે એ અખિલેશ હજુપણ સમજી શકતો ન હતો, એક માત્ર ભયંકર કે ડરામણા સપનાએ જાણે અખિલેશની આખી લાઈફ ઉથલ-પાથલ કરી નાખી હોય તેવું લાગી રહ્યું હતું, અખિલેશ પોતે સંપૂર્ણપણે હિંમત હારી ચુક્યો હતો, પોતે ફરી નોર્મલ થશે...એવી આશા અખિલેશને દૂર-દૂર સુધી દેખાય રહી ન હતી, પરંતુ જ્યારે ડૉ. રાજન દ્વારા અખિલેશને જાણવાં મળ્યું કે પોતાનો આ ભયંકર કે ડરામણાં સપનાથી થોડાંક દિવસોમાં કાયમિક માટે છુટકારો મળી જશે….આ સાંભળીને અખિલેશનાં જીવમાં જીવ આવ્યો, પોતાનાં અંધકારમય જીવનમાં જાણે જીવન જીવવાની આશાનું એક કિરણ આવ્યું હોય તેવું અખિલેશ અનુભવી રહ્યો હતો.

બીજે દિવસે સવારનાં 5:30 કલાકની આસપાસ ડૉ. અભય મુંબઈ ઈન્ટર નેશનલ એરપોર્ટે જવાં માટે પોતાનાં ઘરેથી નીકળે છે, જ્યારે બીજી બાજુ દીક્ષિત પણ અખિલેશને લઈને એરપોર્ટ જવાં માટે પોતાનાં ઘરેથી રવાનાં થાય છે, પછી બધાં એકસાથે ફલાઈટમાં બેસે છે, અને બીજા દિવસે 10:30 કલાકની આસપાસ બધાં ઊટી પહોંચે છે….અને ડૉ. અભય જે હોટલમાં રોકાયેલ હતાં તે જ હોટલ એટલે કે હોટલ સિલ્વર સેન્ડમાં અખિલેશ અને દીક્ષિત માટે એક રૂમ બુક કરાવે છે, જ્યારે ડૉ. રાજને અભયનાં રૂમમાં સાથે રહેવાનું નક્કી કરેલ હતું, પછી બધાં એકબીજાને મળે છે, વાતોચીતો થાય છે અને ફ્રેશ થઈને લંચ માટે ભેગા થવાનું નક્કી કરે છે.

હોટલ સિલ્વર સેન્ડનાં ડાઇનિંગ હોલમાં ડૉ. રાજન, ડૉ. અભય, દીક્ષિત અને અખિલેશ લંચ કરવાં માટે ભેગા થાય છે, બધાં જમવાનું ચાલુ કરે છે..પરંતુ અખિલેશ જમવાને બદલે કંઈક વિચારવા લાગે છે, જેના પર ડૉ. અભયનું ધ્યાન જાય છે, આથી ડૉ. અભય અખિલેશને પૂછે છે….

"અખિલેશ ! શું ! વિચારી રહ્યો છો…? તું કેમ કંઈ ખાઈ રહ્યો નથી…?" - ડૉ. અભય વિચારોમાં મગ્ન અખિલેશને પૂછ્યું.

"સાહેબ ! મને સારું તો થઈ જશેને…? શું હું પણ તમારા બધાંની માફક જ ફરીવાર નોર્મલ લાઈફ જીવી શકીશ…? શું મને પેલા ડરામણાં અને ભયંકર સપનાંઓ આવતાં બંધ થઈ જશે…?" - ઉદાસી ભરેલા ચહેરા સાથે અખિલેશે પૂછ્યું.

"હા ! અખિલેશ ! તને જેમ ભગવાન પર વિશ્વાસ છે, એમ અમારાં પર પણ વિશ્વાસ રાખ.. અમે તને આ કંડીશનમાંથી સો ટકા બહાર લાવીશું...ત્યારબાદ તું પણ અમારી માફક નોર્મલ લાઈફ જીવી શકીશ….એ પણ પેલાં ભયંકર અને ડરામણા સપનાં વગર..જ, આ સપનાઓથી હવે માત્ર ગણતરીના દિવસોમાં જ એમાંથી હરહંમેશને માટે તારો છુટકારો થઈ જશે…!" - ડૉ. અભય અખિલેશને હિંમત આપતાં બોલ્યાં.

"પણ ! પણ…??" - અખિલેશ થોડુંક ખચકાતાં બોલ્યો.

"પણ...પણ..શું… અખીલેશ…?" - દીક્ષિતે અખિલેશને પૂછ્યું.

"પણ...તમે લોકો મારો આ ડરામણા અને ભયંકર સપનાઓથી છુટકારો કરાવવાં માટે મને અહીં લઈને આવ્યાં છો કે મને વધુ ડરાવવાં માટે….કારણ કે જ્યારથી હું ઊટી આવ્યો છું ત્યારથી મને બેચેની મહેસુસ થાય છે, ઊટીમાં રહેલ મારી બધી યાદો મને ફરી યાદ આવે છે, શ્રેયા સાથે વિતાવેલા દરેક પળ મને યાદ આવે છે...હું જે બધું ભૂંલવા માંગુ છું, એ જ બધું ફરી ફરીને મારી આંખો સમક્ષ તરી આવે છે…!" - પોતાની વ્યથા જણાવતાં અખિલેશ બોલ્યો.

"યસ ! એક્ઝેટલી ! અખિલેશ અમે બધાં જ તારા હિતેચ્છુ જ છીએ...અમે તારા સારામાં જ રાજી છીએ પણ તારો કેસ હાલમાં એવાં ટર્નીગ પોઇન્ટ પર આવીને અટકી ગયો છે, કે જેનાં માટે તારી હાજરી જરૂરી હતી, આથી મેં રાજનને કહીને તને અહીં બોલાવડાવેલ છે, અને તને બધું યાદ આવે એવું જ અમે ઈચ્છિએ છીએ…..તારાં જીવનમાં આવેલાં આ વાવાઝોડા સાથે તારે જ લડવાનું છે, અમે તો માત્ર તને રસ્તો બતાવશું અને તેને પાર કરવાં માટે હિંમત અને માર્ગદર્શન આપીશું…..તારી એકાદ યાદ કદાચ આ કેસ સોલ્વ કરી શકે...એવું પણ બને...અને તારી એ એકાદ મેમરી જ મારાં માટે તારો કેસ સોલ્વ કરવાં માટેની ખૂટતી કડી હોય એવું પણ બની શકે….! માટે અત્યાર સુધી તે જેવી હિંમત અને ધીરજ રાખી છે, એવી જ હિંમત અને ધીરજ માત્ર બે -ત્રણ દિવસ સુધી જાળવી રાખ….!" - ડૉ. અભય અખિલેશને હિંમત આપતાં કહે છે.

"ઓકે !" - આટલું બોલી અખિલેશ પોતાનું ધ્યાન જમવા પર આપે છે.

ત્યારબાદ બધાં લંચ કરીને પોત-પોતાનાં રૂમમાં જાય છે, ડૉ. અભયે પોતાનાં રૂમમાં પહોંચીને પોતાનાં મોબાઇલમાંથી હનીફને કોલ કરે છે, અને જમી કારવીને રાતનાં 9 વાગ્યાની આસપાસ હોટલ સિલ્વર સેન્ડ પર આવવાં માટે જણાવે છે, અને સાથે સાથે તેના ચાચુજાન સલીમભાઈને પણ લઈને આવવાં માટે જણાવે છે.


સમય : રાત્રીનાં 9 કલાક
સ્થળ : હોટલ સિલ્વર સેન્ડ

ડૉ. અભયે જણાવ્યાં પ્રમાણે હનીફ તેના ચાચુજાન સલીમભાઈને લઈને હોટલ સિલ્વર સેન્ડ એ પહોંચી ગયાં, અને રિસેપ્સન કાઉન્ટરની સામે રહેલ સોફામાં બેસે છે, ત્યારબાદ હનીફે પોતાનાં મોબાઈલ ફોનમાંથી ડૉ. અભયને કોલ કરીને પોતે તેના ચાચુજાન સલીમભાઈ સાથે હોટલ પર આવી પહોંચ્યા છે, તેની જાણ કરે છે….આથી ડૉ. અભયે દીક્ષિતને પણ કોલ કરીને અખિલેશને લઈને હોટલનાં ફર્સ્ટ ફ્લોર પર આવેલા મીટિંગ રૂમમાં પહોંચવા માટે જણાવે છે.
થોડીવારમાં ડૉ. અભય અને ડૉ. રાજન હોટલનાં ફર્સ્ટ ફ્લોરે આવી પહોંચે છે, ત્યારબાદ ડૉ. અભય ડૉ. રાજનનો સલીમભાઈ સાથે પરિચય કરાવે છે, અને હોટલનાં મિટિંગ રૂમ તરફ ચાલવાં માંડે છે, થોડીવારમાં દીક્ષિત અને અખિલેશ પણ ફર્સ્ટ ફ્લોર પર આવેલ મીટિંગ રૂમેં આવી પહોંચે છે.

મિટિંગરૂમમાં રૂમની વચ્ચે એક મોટું ટેબલ આવેલ હતું તેની ફરતે વીસેક ખુરશીઓ ગોઠવાયેલ હતી, ડૉ. અભય, ડૉ. રાજન, અખિલેશ, દીક્ષિત, હનીફ અને સલીમભાઈ પોત-પોતાની ખુરશી પર બેસી જાય છે….મિટિંગ રૂમમાં એકદમ નીરવ શાંતી છવાયેલ હતી, કોઈ કંઈ બોલી રહ્યું ન હતું, મૌન સાથે બધાં એકબીજાનાં ચહેરા સામે જોઈ રહ્યાં હતાં, જ્યારે ડૉ. અભય વારંવાર પોતાનાં હાથમાં પહેરેલ કાંડા ઘડિયાળ તરફ જોઈ રહ્યાં હતાં.

હનીફ અને સલીમભાઈને હાલમાં પણ એ નહોતું સમજાય રહ્યું કે તેઓને ડૉ. અભયે શાં માટે આવી રીતે રાતે મિટિંગ માટે બોલાવેલ હશે…? બનેવનાં મનમાં ઘણાં પ્રશ્નો હતાં, એટલીવારમાં મિટિંગરૂમનો દરવાજો નોક કરીને સાક્ષી મીટિંગરૂમમાં પહોંચે છે….સાક્ષી મિટિંગ રૂમમાં આવી, ત્યારબાદ ડૉ. અભયે પોતાનાં કાંડા ઘડિયાળમાં નજર ફેરવવાનું બંધ કરી દીધું….આથી હાજર રહેલા સૌને ખ્યાલ આવી ગયો, કે ડૉ. અભય સાક્ષી આવે તેની જ રાહ જોઈ રહ્યાં હતાં.

ડૉ. અભયે જ્યારે સાક્ષીને આજનાં દિવસે એક મીટીંગ ગોઠવવા માટેની વાત કરી, ત્યારે સાક્ષીએ જણાવ્યું કે પોતે મીટિંગમાં હાજરી આપી શકશે નહીં, કારણ કે પોતાને આજે નાઈટ શિફ્ટ છે, હું નાઈટ શિફ્ટમાં 8 વાગ્યે હોટલે પહોંચ્યાં બાદ ઓવર લવ એટલી વારમાં તો રાતનાં 9 વાગી જાય, આથી ડૉ. અભય મિટિંગનો સમય રાતનાં 9 વાગ્યાનો ગોઠવ્યો જેથી સાક્ષી આ મીટિંગ એટેન્ડ કરી શકે...કારણ કે આ મીટિંગમાં સાક્ષીની હાજરી ખુબ જ જરૂરી હતી, આથી ડૉ. અભય મિટિંગ રૂમમાં બેસીને સાક્ષી આવે તેની રાહ જોઈ રહ્યાં હતાં.

સાક્ષી મીટિંગરૂમમાં આવી ત્યારબાદ હાજર બધાં જ લોકોએ ડિસ્કશન શરૂ કરી, જેમાં હાજર રહેલાં તમામ લોકો એક્ટિવલી પાર્ટીસિપેટ થયાં, અને ધીમે - ધીમે ચર્ચા આગળ વધી, જેમ-જેમ ચર્ચા આગળ વધી તેમ - તેમ બધાંનો રસ અને ઉત્સુકતા પણ વધી રહી હતી, એવામાં મીટીંગરૂમનો દરવાજો ફરીવાર નોક કરીને એક વ્યક્તિ મીટિંગરૂમમાં પ્રવેશે છે, તેને જોઈને હાજર રહેલાં બધાં જ લોકો સ્તબ્ધ થઈ થાય છે, એકદમ સ્ફૂર્તિલું,ખડતલ અને મજબૂત બાંધા વાળું શરીર, આકર્ષક વ્યકિતત્વ, જેને જોઈને કોઈ આર્મી મેન હોય તેવું લાગી રહ્યું હતું, તેની ચાલવાની ઢબ, તેનાં એટીટ્યુટ વગેરેથી હાજર રહેલાં તમામ લોકો પ્રભાવિત થઈ ગયાં હતાં….સાથે સાથે હાજર રહેલાં તમામ વ્યક્તિમાંથી ડૉ. અભય સિવાય તેને કોઈ ઓળખતું ન હોવાથી એ બધાંનાં મનમાં એક પ્રકારનું આશ્ચર્ય પણ હતું.

"લેટસ મીટ વન ઓફ માય બેસ્ટ ફ્રેન્ડ ડી.સી.પી મિ. અભિમન્યુ તેજપાલ, કે જે હાલમાં ઊટી શહેરનાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોબ કરી રહ્યાં છે. હું અને અભિમન્યુ ઘણાં સમયથી એકબીજાને સારી રીતે ઓળખીએ છીએ….અખિલેશનો કેશ સોલ્વ કરવામાં આપણે તેની મદદની આવશ્યકતા રહેશે એવું વિચારીને મેં એમને આજે અહીં મીટિંગમાં બોલાવી લીધાં છે, અખિલેશની સાથે બનેલ આખી ઘટનાં સાંભળ્યા બાદ તેઓ પણ આપણી મદદ કરવાં માટે તૈયાર થઈ ગયાં છે, આપણે જે કાંઈ કાયદાકીય માહિતી અને જરૂરીયાત પડશે તેમાં તેઓ ચોક્કસપણે આપણી મદદ કરશે..!." - ડૉ. અભય અભીમન્યુનો પરિચય આપતાં બોલ્યાં.

"સાહેબ ! અમને અહીં આ મીટિંગમાં શાં માટે બોલાવ્યાં છે..?" - હનીફે હળવાં અવાજે ડૉ. અભયને પૂછ્યું.

"હા ! હું એ જ વાત પર આવું છું…!" - ડૉ. અભય હનીફનાં પ્રશ્નનો જવાબ આપતાં બોલ્યાં.

ત્યારબાદ ડૉ. અભયે સલીમભાઈને ટાઇગર હિલ પર વાસ્તવમાં શું ઘટનાં બની હતી….? તેણે ટાઇગર હિલ પર પોતાની આંખો દ્વારા જે ટ્રિપલ મર્ડર જોયા હતાં તેનાં વિશે કોઈપણ પ્રકારનો ડર રાખ્યાં વગર અભિમન્યુને જણાવવા કહે છે. અને પછી સલીમભાઈ પણ કોઈપણ પ્રકારનાં ડર વગર તેણે ટાઇગર હિલ પર જે ઘટનાં જોઈ હતી, તે આખી ઘટનાં સવિસ્તારપૂર્વક અભિમન્યુને જણાવે છે...આ સાંભળીને અભિમન્યુ થોડું વિચારીને બોલે છે કે….?

"જોવો ! સલીમભાઈ ! જયાં સુધી કોઈપણ વ્યક્તિનાં નામે એફ.આઈ.આર દાખલ ના થાય, ત્યાં સુધી અમારો ડિપાર્ટમેન્ટ તે વ્યક્તિને કંઈપણ કરી શકતી નથી, એકવાર એ વ્યક્તિ વિરુદ્ધ એફ.આઈ.આર દાખલ થાય પછી જ અમે તેની સામે કાયદાકીય પગલાંઓ જેવા કે ધરપકડ, રિમાન્ડ વગેરે લઈ શકીએ...અને તમે જેનાં વિશે મને જણાવી રહ્યાં છો, તે વ્યક્તિ એટલે કે મિ. જયકાન્ત બીજું કોઈ નહીં પરંતુ ઊટી શહેરનાં એમ.એલ.એ છે, આથી પાકી માહિતી, કે પ્રુફ વગર તેમને કંઈ કરી શકીએ નહીં….પણ જો…!" - અભિમન્યુ થોડુંક અટકતાં બોલ્યો.

"પણ… પણ… શું…? સાહેબ..?" - સલીમભાઈએ અભિમન્યુને પ્રશ્ન પૂછ્યો.

"જો ! તમે આ આખા ટ્રિપલ મર્ડર કેસનાં આઇ વિટનેસ બનીને એફ.આઈ.આર દાખલ કરો, તો અમે મિ. અભિમન્યુ વિરૂદ્ધ કાયદાકીય પગલાંઓ લઈ શકીએ…!" - અભિમન્યુ સલીમભાઈનાં પ્રશ્નનો જવાબ આપતાં જણાવે છે.

"હા ! સાહેબ ! હું આઈ વિટનેસ બનાવ તૈયાર છું, અને હું જયકાન્ત વિરુદ્ધ મારા નામે એફ.આઈ.આર પણ દાખલ કરવાં તૈયાર છું….!" - સલીમભાઈ મક્કમતા સાથે બોલ્યાં.

"ઓકે ! તો તમે આવતીકાલે સવારે મારા અન્ડરમાં જે પોલીસ સ્ટેશન છે, ત્યાં આવીને એફ.આઈ.આર લખાવી જજો..!" - અભિમન્યુ સલીમભાઈને કહે છે.

"હા ! સાહેબ ! ચોક્કસ… ઇનશાહ અલ્લાહ તે કાફરને તેણે કરેલાં ગુનાની સજા મળી જાય...એ માટે હું કંઈપણ કરવાં માટે હવે તૈયાર છું…!" - સલીમભાઈએ આંખોમાં આંસુ સાથે અભિમન્યુને જણાવ્યું.

ત્યારબાદ ડૉ. અભય સાક્ષીને પોતાની સાથે જે ઘટનાં બની હતી, જે તેણે અગાવ ડૉ. અભયને ફોન પર જણાવેલ હતી, તે બધાની હાજરીમાં વિસ્તારપૂર્વક જણાવવાં માટે વિનંતી કરે છે….પછી સાક્ષી સિલ્વર સેન્ડ હોટલપર અખિલેશ જ્યારે શ્રેયા વિશે પૂછપરછ કરવાં માટે આવે છે...ત્યારથી માંડીને નિત્યાનું રાજ ખુલે છે, ત્યાં- સુધીની આખી ઘટનાં સાક્ષી બધાને જણાવે છે.

જ્યારે આ બધું અખિલેશ એકપણ શબ્દ બોલ્યાં વગર મૂંગે-મોઢે ચૂપચાપ બધું સાંભળી રહ્યો હતો, આ બધી બાબતો સાંભળીને અખીલેશનનાં મનમાં એક ઊંડો આઘાત લાગી રહ્યો હતો, આ બધી જ બાબતોથી અખિલેશ તદ્દન અજાણ જ હતો, લોકો જે વાત કરી રહ્યાં હતાં તેનાં પર અખિલેશને વિશ્વાસ આવી રહ્યો ન હતો, અખિલેશ મનમાં ને મનમાં ખૂબ જ મૂંઝાય છે, અખિલેશ એક પ્રકારની બેચેની અને ગભરામણ અનુભવી રહ્યો હતો, આથી અખિલેશ પોતાની ખુરશી પરથી ઉભા થઇ પાંચ - દસ મિનિટ માટે મિટિંગરૂમની બહાર જવાં માટેની ડૉ. રાજન અને ડૉ.અભયની પરમિશન લઈ છે અને ત્યારબાદ, મિટિંગરૂમની બહાર તાજી હવા લેવાં માટે જાય છે, અને ફર્સ્ટ ફ્લોર પર આવેલ ગેલેરી પાસે ઊભાં રહીને તે બહાર જોવા લાગે છે.

આ બાજુ ડૉ. અભય બધાને જણાવે છે કે," આપણે બધાએ અત્યાર સુધી જે ચર્ચા કરી એનું તારણ એ આવે છે કે સાક્ષી અને સલીમભાઈ બનેવે સાચા જ છે, અખિલેશે સાક્ષીને જે ફોટો આપ્યો હતો, તે ફોટો શ્રેયાનો નહીં પરંતુ નિત્યાનો જ હતો, પરંતુ એનો અર્થ એ નથી કે અખિલેશ ખોટો છે...કારણ કે આપણાં બધાં માટે તે યુવતી ભલે નિત્યા હોય, પરંતુ અખિલેશ માટે એ યુવતી શ્રેયા જ છે….પરંતુ આપણે હવે અમુક બાબતોની તપાસ કરવાની રહે છે જો એ બાબતોની આપણે તપાસ કરીશું, તો આપણે અખિલેશનો કેસ સોલ્વ કરવામાં સફળ રહીશું….જેમ કે જો અખિલેશ જે યુવતીને પ્રેમ કરતો હતો તે યુવતી ખરેખર શ્રેયા છે કે નિત્યા…? જો તે નિત્યા હોય તો તે ઈમ્પોસીબલ છે કારણ કે નિત્યાનું તો ત્રીસ વર્ષ પહેલાં જ તેનાં પિતા દ્વારા જ ખૂન થઈ ગયું છે…તો પછી તે યુવતી નિત્યાં કેવી રીતે હોઈ શકે….? નિત્યા અને નિસર્ગ અખિલેશ સાથે શું સબંધ ધરાવે છે….? એમ.એલ.એ જયકાન્ત અખિલેશનાં કેસ સાથે કોઈ સબંધ ધરાવે છે…? જો અખિલેશ જણાવ્યું તે મુજબ જો તે દરરોજ શ્રેયાને સિલ્વર સેન્ડ હોટલ પર જતાં જોતો હતો...તો પછી શ્રેયાનાં નામની હોટલનાં રજીસ્ટરમાં શાં માટે કોઈ એન્ટ્રી બોલતી નથી….? શાં માટે શ્રેયાને અખિલેશ સિવાય કોઈ જોઈ શકતું ન હતું….? શાં માટે અખિલેશ એકલો જ શ્રેયાને જોઈ શકતો હતો...શું આ પાછળ પણ કોઈ મોટું રહસ્ય છુપાયેલ હશે…!" - ડૉ અભયે પોતાનાં તારણો બધાની સમક્ષ મૂકતાં બોલ્યાં.
"સાહેબ ! મને આ બાબતનો મને અનુભવ થયેલ છે...મેં આ અનુભવ્યું છે….મેં માત્ર અખિલેશ સરનાં મોઢે શ્રેયા મેડમનું નામ માત્ર સાંભળેલ છે પરંતુ મેં ક્યારેય શ્રેયા મેડમને જોયાં નથી...બની શકે કે શ્રેયા મેડમ અખિલેશ સરને દેખાતાં હોય….તો શું શ્રેયા મેડમ ભટકતી આત્મા તો નહીં હશે ને…?" - હનીફે ડૉ. રાજનને પ્રશ્ન પૂછ્યો.

"હનીફ ! આ કેસની બધી વિગતો જોતાં તો મને તો એવું લાગે છે...કે આમાં બે વસ્તુ હોઈ શકે...એક તો અખિલેશમાં અગાવથી હેલ્યુઝીનેશનનાં ચિહ્નો હોય જેનાં વિશે ખુદ અખિલેશ પણ અજાણ હોય એવું પણ બની શકે….બીજું કદાચ તારી વાત પણ સાચી હોય શકે….આજ કાલ તો વિજ્ઞાન પણ આવી બધી પેરાનોર્મલ ઘટનાંઓ પર વિશ્વાસ કરવાં માંડ્યું છે...જો આપણી આસપાસ શ્રધ્ધાને સ્થાન છે તો અંધશ્રધ્ધાનું પણ એટલું જ સ્થાન છે, જેટલું આપણી આસપાસ અજવાસ છે...એટલું જ અંધકાર પણ રહેલું છે…!" - ડૉ. રાજન હનીફની વાત સાથે સહમતી દર્શવાવા બોલ્યાં.

મિટિંગરૂમમાં જ્યારે આ બધી બાબતો વિશે ચર્ચા ચાલી રહેલ હતી, એવામાં અખિલેશ એકદમ ઝડપથી દોડતાં-દોડતાં ગભરાયેલ હાલતમાં, ઝટકાભેર મીટિંગરૂમનો દરવાજો ખોલીને ઝડપથી અંદર પ્રવેશે છે...અખિલેશ ખુબ જ ગભરાયેલ હતો, ડરને લીધે તેની આંખો એકદમ પહોળી થઇ ગઇ હતી, તેના શ્વાસોશ્વાસ ધમણની માફક જોર-જોરથી ચાલી રહ્યાં હતાં, તેના હૃદયનાં ધબકારા મશીનગનની માફક વધી ગયાં હતાં, કપાળનાં ભાગે પરસેવો વળી ગયો હતો, હાથ-પગ ડર કે ગભરામણને લીધે કાંપી રહ્યાં હતાં…..મીટિંગરૂમમાં હાજર રહેલાં બધાંજ લોકો અખિલેશની આવી હાલત જોઈને પોતાની ખુરશી પરથી ઊભાં થઈ ગયાં અને એકદમ સ્તબ્ધ બની ગયાં…!

શું સલીમભાઇ જયકાન્ત વિરુદ્ધ સફળતાપૂર્વક એફ.આઈ.આર દાખલ કરી શકશે…? શું નિત્યા અને શ્રેયાનું રહસ્ય ઉકેલાશે….? શું શ્રેયા એ કોઈ ભટકતી આત્મા હશે…? કે પછી તે માત્ર અખિલેશનું હેલ્યુઝીનેશન જ હશે….અખિલેશ જ્યારે મિટિંગરૂમમાંથી બહાર નીકળીને ગેલેરીમાં ઊંભો હતો, ત્યારે એની સાથે એવી તો શું ઘટનાં બની હતી કે અખિલેશ દોડતાં-દોડતાં ગભરાયેલી હાલતમાં મીટિંગરૂમમાં ઝડપથી આવી રીતે પાછો આવે છે….? આ બધાં પ્રશ્નો હજુપણ અકબંધ હતાં… જેનાં જવાબો ક્યાંથી…? ક્યારે…? કોની પાસેથી…? કેવી રીતે…? મળશે એ વિશે હાલમાં પણ કોઈ જાણતું ન હતું.

ક્રમશ :

મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો…..જેથી કરીને મને આ નવલકથાનો આગળનો ભાગ અપલોડ કરવા માટે પ્રોત્સાહન મળી રહે…..અને આ નવલકથા માટેના રીવ્યુ પણ તમે જણાવી શકો છો.

મકવાણા રાહુલ.એચ
મોબાઈલ નં - 9727868303
મેઈલ આઈડી - rahulmakwana29790@gmail.com