અર્ધ અસત્ય.
પ્રકરણ-૩
પ્રવિણ પીઠડીયા
રમણ જોષીને ક્યાંય ચેન પડતું નહોતુ. જ્યારથી તેણે પેલા એક્સિડન્ટનુ રિપોર્ટીંગ કર્યુ હતુ ત્યારથી તેના મનમાં એક અજાણ્યો અજંપો ઉદભવ્યો હતો. તેમાં પણ જે રીતે સબ-ઇન્સ્પેકટર અભય ભારદ્વાજનું નામ એ કિસ્સામાં ઉમેરાયુ હતુ અને તેને દોષી માનીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો એ પછી તો તે વિચારોના ચગડોળે ચડી ગયો હતો. રમણ જોષી પોતે એક સિનિયર પત્રકાર હતો. અત્યાર સુધીમાં આવા ઘણા કિસ્સા તેની કારકિર્દીમાં સામે આવ્યાં હતા એટલે એક અનુભવી પત્રકાર તરીકે તેને તરત સમજાયું હતુ કે અભયને આમાં ખોટો ફસાવાયો છે. હકીકતે તો દોષી કોઇ બીજા જ માણસો છે. એક આછો-પાતળો અંદાજ આવતો હતો કે આની પાછળ કોણ હોઇ શકે પરંતુ ઓફિશયલી રીતે પુરતાં સબુત વગર તે કંઇ જ કરી શકે તેમ નહોતો. “ન્યૂઝ ગુજરાત”ની પોતાની ઓફિસની ચેર પર બેઠા-બેઠા તે ગહેરા વિચારોમાં ખોવાયેલો હતો કે અચાનક કોઇકે તેના ખભા પર હાથ મુક્યો અને તે જસ્કી ઉઠયો.
“ઓહ ગોડ બંસરી, તે મને બિવરાવી મુક્યો” તેની પાછળ એકદમ યંગ અને બ્યૂટીફુલ છોકરી આવીને ઉભી હતી એને સંબોધતા તે બોલ્યો.
“સોરી ભાઇ! મને ખબર નહોતી કે મારા બહાદુર અને નિડર પત્રકાર ભાઇ આમ ડરી જશે!” લગભગ મજાકના સુરમાં જ બંસરીએ કહ્યું અને પછી એક ખુરશી નજીક સરકાવીને તેના પર બેસી પડી.
“હવે ચિબાવલી થામાં, મારી જગ્યાએ જો તું હોતને તો તારી પણ આવી જ હાલત થાય. બહાદુર હોયને, એ લોકોને પણ બીક તો લાગે જ, સમજી!” ચહેરા ઉપર પહોળું હાસ્ય ફરકાવતા રમણ જોષીએ કહ્યુ. હકીકતમાં બંસરી તેની સગ્ગી નાની બહેન હતી અને અભ્યાસ પૂર્ણ કર્યા પછી હમણાં જ “ન્યૂઝ ગુજરાત”માં ટ્રેઇની રિપોર્ટર તરીકે જોડાઇ હતી. એ બહાને બંસરીને ભાઇના અનુભવનો લાભ પણ મળતો હતો અને બીજા કરતા બહું જલ્દી તે ઘણુંબધુ શિખી પણ ગઇ હતી.
“પણ એ તો કહો કે આખરે તમે ક્યા વિચારોમાં આટલા બધા ખોવાઇ ગયા હતા કે આજુબાજુની દુનિયાનું પણ ભાન ભૂલી બેઠા!” બંસરીએ નાકની દાંડી સુધી સરકી આવતા ચશ્મા સરખા કરતા પુંછયું. રમણ જોષી તેની એ ચેષ્ટા નિહાળીને ફરીથી મુસ્કુરાઇ ઉઠયા, અને સાથોસાથ એક વિચાર તેમના મનમાં અચાનક ઝબકી ગયો. તેમણે પોતાની ખુરશી બંસરી તરફ ફેરવી અને એકદમ ધીમા અવાજે બોલ્યાં.
“એક કેસ તને સોંપવાની ઈચ્છા થાય છે. બોલ, કરી શકીશ!”
“તમને વિશ્વાસ છે?” બંસરી એટલું જ બોલી અને ખામોશ થઇ. રમણ જોષીને ગર્વ ઉભરાયો.
“અભય ભારદ્વાજનાં કેસ વિશે તો તું જાણતી જ હોઇશ! મારે તેનું સત્ય જાણવું છે. તું તપાસ કરીશ તો વધુ સરળતાથી કામ થશે. મને બધા ઓળખે છે એટલે જો હું આ મામલામાં પડ્યો તો ઝાઝો હો-હલ્લો મચશે. તું આ ફિલ્ડમાં નવી છો એનો ફાયદો તને મળશે અને આપણો મકસદ પણ પુરો થશે.”
“અત્યારથી જ કામે વળગું છું. તમે મારી ઉપર ભરોસો મુકયો છે એ બહુ મોટી વાત છે અને, તમને નિરાશ નહી કરું એની ખાતરી આપુ છું.” ચશ્મા પાછળ તગતગતી મોટી ભાવવાહી આંખોથી મોટાભાઇને તાકતી બંસરી બોલી ઉઠી. રમણ જોષીએ પણ વહાલથી બહેનના ગોઠણ ઉપર હાથ થપથપાવ્યો.
“તો સાંભળ, ક્યાંથી શરૂઆત કરવાની છે એ તને સમજાવું...” અને પછી ભાઇ-બહેન વચ્ચે એક લાંબી ડિટેઇલ પૂર્વકની ચર્ચા જામી. અડધા કલાકનાં અંતે બંસરી જ્યારે “ન્યૂઝ ગુજરાત”ની ઓફિસમાંથી બહાર નિકળી ત્યારે ઘણાં બધા સત્ય-અસત્ય અને અર્ધસત્ય તેની સાથે જોડોઇ ગયા હતા. તે ખુદ નહોતી જાણતી કે તેની આ તપાસનું પરીણામ શું આવશે?
@@@
અભયે કલાકની અંદર અંકલેશ્વર વટાવ્યું. થોડા કિલોમિટર હજુ આગળ અને પછી રાજગઢ જતાં રસ્તે તેણે વળવાનું હતુ. ચોમાસાની ઋતૃ હતી. આકાશમાં વાદળો ક્યારનાં ગોરંભાયેલા હતા પરંતુ વરસાદ વરસતો નહોતો. અભયના મનમાં વિચારોનો જમાવડો જામ્યો હતો. એવી જ રીતે ઉપર ગરજતા વાદળો પણ એક જગ્યાએ એકઠા થઇને વાતાવરણને નિરસ, શૃષ્ક અને બોઝિલ બનાવી રહ્યા હતા. જો એ વરસી પડે તો અભયના મનનો બોજ પણ કંઇક હલકો થાય!
સાતેક કિલોમિટર આગળ રાજગઢ અને રાજપીપળા તરફ જતો “એરો” દર્શાવતુ પાટીયું હતુ. અભયે બુલેટ એ રસ્તા ઉપર નાંખ્યુ અને ફૂલ થ્રોટલમાં એક્સિલરેટર દબાવ્યું. બુલેટનું શક્તિશાળી એન્જીન પેટ્રોલનો પ્રવાહ વધતા ધમધમી ઉઠયું અને ડબલપટ્ટીના ખૂલ્લા રોડ ઉપર તેજ ગતીએ દોડવા લાગ્યું. રાજગઢમાં તેના મમ્મી-પપ્પા હતા, એક ઘર હતુ અને સીમમાં દસ વિઘા જમીન હતી. તેનું નાનપણ રાજગઢમાં જ વિત્યું હતુ. દસ ધોરણ સુધી રાજગઢમાં અને બારમું ધોરણ રાજપીપળામાં ભણીને પછી સુરતમાં રહીને તેણે કોલેજ પુરી કરી હતી. કોલેજની સાથોસાથ ગુજરાત પોલીસ રીક્રુટમેન્ટ બોર્ડની પરીક્ષા ઉતિર્ણ કરીને તે ગુજરાત પોલીસમાં જોડાયો હતો. અત્યાર સુધી તેનું જીવન એકદમ સરળતાથી અને સડસડાટ વહેતું ગયુ હતુ તેમાં અચાનક હવે બ્રેક લાગી હતી. તે નાસીપાસ થનાર વ્યક્તિ નહોતો પરંતુ એક હકીકત બરાબર સમજાઇ ગઇ હતી કે જો આ કેસમાં તે “ફીટ” થઇ ગયો તો પછી તેનું ભવિષ્ય અંધકારની ગર્તામાં ધકેલાઇ જવાનુ હતુ.
@@@
અનંતસિંહે દેવજી ગામીતને સાથે લીધો અને તેઓ રાજપીપળા આવી પહોંચ્યાં. દેવજીએ બતાવ્યા પ્રમાણે અનંતે તેની બીએમડબલ્યૂ કાર સીધી જ પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં લાવીને ઉભી રાખી. પોલીસ સ્ટેશનનુ કંમ્પાઉન્ડ ખાસ્સુ મોટુ હતુ. કંમ્પાઉન્ડની બરાબર મધ્યમાં દેખાતા બે માળના પોલીસ સ્ટેશનમાં વધુ ચહલ-પહલ જણાતી નહોતી. તે બન્ને પગથીયા ચડીને સ્ટેશનની અંદર પ્રવેશ્યા. અંદર બે-ત્રણ ટેબલ હતા જેની પાછળ મુકાયેલી ખુરશીઓમાં કોન્સ્ટેબલો બેઠા હતા. દેવજી તેમાનાં એક ટેબલ નજીક પહોચ્યો.
“સાહેબ, આ રાજગઢના રાજકુંવર છે, ઠાકોર અનંતસિંહ. મોટા સાહેબનું કામ છે, ક્યાં મળશે? અમારે એમને મળવું છે.” દેવજીએ કોઇ જ ફોર્માલીટી વગર પુંછયું. તેને ખબર હતી કે રાજગઢ અને રાજપીપળા, બન્ને રાજ્યના રાજ-પરીવારનો આ ઈલાકામાં બહું માન મરતબો હતો. અહીંની સામાન્ય જનતા આજે પણ રાજઘરાનાનાં સભ્યોને માનપૂર્વક જોતી અને તેમનો આદર કરતી.
“મોટા સાહેબ સામેની કેબીનમાં છે. તમે સીધા જ ત્યાં જતાં રહો.” કોન્સ્ટેબલે કહ્યું એટલે તેઓ એ તરફ આગળ વધ્યાં.
“અમે અંદર આવી શકીએ?” લાકડાનો દરવાજો ધકેલીને અનંતે અંદર બેસેલા ઓફિસરને પુંછયું.
“જી, પધારો” આધેડ ઉંમરે પહોંચેલા ઓફિસરે વિનમ્રતાથી આવકાર આપ્યો. “બોલો, હું આપની શું મદદ કરી શકું?”
“મારું નામ ઠાકોર અનંતસિંહ છે. હું રાજગઢના ઠાકોર ભૈરવસિંહનો પુત્ર છું. મારે મારાં દાદા પૃથ્વીસિંહ વિશે જાણવું હતુ!”
“ઓહ, પધારોને કુંવર સાહેબ!” એકાએક એ ઓફિસર ઉભો થઇ ગયો અને અનંત સાથે હસ્તધનૂન કર્યા. “પ્લીઝ, બેસોને” તે બોલ્યો એટલે અનંતે ખુરશી ખસેડીને બેઠક લીધી. ઓફિસર પણ તેની ખુરશીમાં ગોઠવાયો. “તમને અહી જોઇને મને ખરેખર આનંદ થયો. મારાં અહોભાગ્ય કે હું તમારા કોઇ કામમાં મદદ કરી શકું. મારું નામ પ્રતાપ બારૈયા છે અને હું અવાર-નવાર રાજગઢ આવતો રહું છુ. ઇવન કે હમણાં અઠવાડીયા પહેલા જ આપના મોટા બાપુ, એટલે કે ઠાકોર વિષ્ણુસિંહને મળ્યો હતો. તેમની સાથે મારે સારી ઓળખાણ છે.”
એ સાંભળીને અનંતસિંહને સુખદ આશ્વર્ય ઉદભવ્યું. એવુ લાગ્યું જાણે તેની રાહ ઘણી આસાન થઇ પડશે. જે મકસદથી તે અહીં આવ્યો છે એ મકસદ બહું જલ્દી પાર પડશે.
“પણ... જુઓ, હું તમને નિરાશ કરવા નથી માંગતો. વાત એમ છે કે આપના દાદાની ભાળ હજુ સુધી કોઇને મળી નથી. મેં કહ્યુંને કે હું આપના મોટા બાપુને ઓળખું છું. આ બાબતે અમારી વચ્ચે ઘણી ચર્ચાઓ પણ થતી. તેઓ ખુદ ઈચ્છતા હતાં કે તેમનાં પિતાની ભાળ મેળવવામાં આવે. તેમણે અહી વિધિવત્ ફરિયાદ પણ દાખલ કરેલી છે, અને એ ફરિયાદનાં આધારે ઘણી તપાસ પણ થઇ હતી.”
“એ તપાસનું કંઈ પરીણામ આવ્યું?” ભારે ઉત્સુકતાથી અનંતે પુંછયું.
“નહી. એમના કોઇ સગડ આજ સુધી અમને મળ્યા નથી.”
“ઓહ,” અનંત ભારે નિરાશ થયો. પરંતુ આ સમયે તે નહોતો જાણતો કે તે યોગ્ય ઠેકાણે પહોંચ્યો હતો.
( ક્રમશઃ )