Is love at first sight possible part 2 in Gujarati Human Science by Siddharth Chhaya books and stories PDF | પહેલી નજરનો પ્રેમ: હોય ખરો? થાય ખરો? ટકે ખરો? – ૨

Featured Books
Categories
Share

પહેલી નજરનો પ્રેમ: હોય ખરો? થાય ખરો? ટકે ખરો? – ૨

આ આર્ટીકલ સિરીઝના પહેલા ભાગમાં આપણે એ સવાલનો જવાબ મેળવ્યો કે શું પહેલી નજરનો પ્રેમ હોય ખરો? જેનો જવાબ હા માં હતો. આ ભાગમાં આપણે બાકીના બે પ્રશ્નોનો ઉત્તર મેળવવાની કોશિશ કરીશું. તો બીજો સવાલ આપણો એ હતો કે શું પ્રથમ નજરનો પ્રેમ થાય ખરો?

જો કે આ સવાલનો જવાબ આપણે મોટેભાગે પહેલા ભાગમાં મેળવી ચૂક્યા છીએ કે કોઇપણ પ્રકારના પ્રેમ થવા પાછળનું મૂળ કારણ આકર્ષણ હોય છે, પછી તે શારીરિક સુંદરતા હોય કે કોઈ અનોખી પ્રતિભા સામેવાળા પાત્રમાં હોય, પણ આ પ્રકારે પ્રેમ થઇ શકે છે. પરંતુ મૂળ મુદ્દો અહીં એ છે કે આકર્ષણ અને પ્રેમ વચ્ચેનો ભેદ કેવી રીતે પારખવો! એક રીતે જોવા જઈએ તો જો આ ભેદ જેને ખબર પડી જાય એનું તો સરળ શબ્દોમાં કહું તો ‘કલ્યાણ’ જ થઇ જાય!

પરંતુ તે ભેદ પારખવો અત્યંત કઠીન છે, કારણકે આ રીતે પ્રેમમાં પડેલા એટલેકે જેને આપણે ‘ઈન્સ્ટન્ટ પ્રેમમાં’ પડેલા વ્યક્તિને એ ખબર જ નથી પડતી કે તેને અચાનક જ ગમી ગયેલી વ્યક્તિ પ્રત્યે તેને ખરેખર આકર્ષણ છે કે પછી એતો ‘પ્રેમ છે, પ્રેમ છે, પ્રેમ છે પ્રેમ છે!!’ હવે જેમ કોઇપણ લાગણીને પરિપક્વ થતા અથવાતો તેનો સાચો મતલબ સમજણ પડે તે માટે થોડો સમય જવો જરૂરી છે તેમાં પ્રેમની લાગણી ખરેખર છે કે આકર્ષણ તે સમજતા પણ થોડો સમય લાગી જાય છે.

પણ સાચું કહું તો આ સમય કેટલો એ નક્કી કરવો ખૂબ અઘરો છે. ઘણીવાર આ પ્રકારે આકર્ષણ પામેલા બે વ્યક્તિઓ એકબીજાને પ્રેમ કરવા લાગે છે અને લગ્ન પણ કરી નાખતા હોય છે અને અમુક વર્ષો વીતી જાય એટલે એમ લાગે છે કે પેલી વ્યક્તિ સાથે મને પ્રેમ નહીં પરંતુ માત્ર આકર્ષણ જ હતું. તમને નવાઈ લાગશે કે આ પ્રકારની ફીલિંગ અમુકને લગ્નજીવનના દોઢ દાયકા પછી પણ આવતી હોય છે. જ્યારે આવું થાય છે ત્યારે એ વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિ સાથે લગ્નની બહાર આકર્ષિત થાય છે અને જેણે તેને સાચો પ્રેમ કર્યો છે અને તેની સાથે લગ્ન કરીને તેના માટે પોતાનું સમગ્ર જીવન કુરબાન કરી દીધું છે તેને માનસિક રીતે ખૂબ તકલીફ પડતી હોય છે.

આથી, પ્રેમ છે કે આકર્ષણ એ નક્કી કરવા માટે કોઈ ચોક્કસ સમયસીમા ફિક્સ નથી હોતી. તો પછી કરવું શું? વેલ, આ સવાલનો જવાબ આપવો પણ એટલોજ અઘરો છે જેનો જવાબ આપવા માટે પ્રેમમાં પડેલાઓ પણ તતપપ થઇ જાય છે, પરંતુ આપણે એ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન તો કરી જ શકીએને? આ જવાબ શોધવો એટલે પણ જરૂરી છે કારણકે જો એ સંબંધમાં આપણે આગળ વધી ગયા અને જેમ આગળ જણાવ્યું તેમ વાત છેક લગ્ન સુધી પહોંચી ગઈ છે અને પછી જો ખબર પડે કે આપણે જેને પ્રેમ માનતા હતા એ તો ફક્ત આકર્ષણ જ નીકળ્યું તો પછી તકલીફ બંને પક્ષે થવાની છે.

તો વિચારીએ કે એવું કોઈ શસ્ત્ર છે ખરું જેનાથી એ ખબર પડે કે આપણે જેને પ્રેમ માનીએ છીએ તે પ્રેમ છે કે ફક્ત આકર્ષણ છે? મારા અંગત મતે એક એવી લાગણી છે જે આ સવાલનો જવાબ છે અને તે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી શકે તેમ છે. આ લાગણીનું નામ છે ‘સમર્પણ’. હા જી! આકર્ષણ અને પ્રેમ વચ્ચે જો કોઈ મોટો તફાવત બતાવી શકે તો તે છે સમર્પણની લાગણી. મને કાયમ એવું લાગ્યું છે કે તમે કોઈને પ્રેમ કરો પછી તે પ્રેમનું બીજું નામ અથવાતો એ લાગણીનો બીજો અર્થ સમર્પણ જ થઇ જાય છે.

સમર્પણનો મતલબ ‘જોરુ કા ગુલામ’ અથવાતો ‘ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડના ગુલામ’ બની જવું એ બિલકુલ નથી, પરંતુ તમને જ્યારે તમે જેને પ્રેમ કરો છો તેની તરફથી કોઇપણ પ્રકારની અપેક્ષા ન રહે અને તમે માત્ર તેને પ્રેમ જ કરતા રહો તે પ્રેમ છે. હું અહીં નાનીમોટી હા-ના વિષે નથી કહી રહ્યો પરંતુ હું જેને પ્રેમ કરું છું તેણે મારી માટે મીનીમમ આટલું તો કરવું જ જોઈએ અથવાતો અમુક પ્રસંગે મને ગીફ્ટ આપવી જોઈએ , મને મુવી જોવા લઇ જવો કે જવી જોઈએ વગેરે વગેરે આ બધી અપેક્ષાઓ જો તમારા મનમાં ન હોય તો તે કદાચ પ્રેમ જ છે.

તેનાથી સાવ વિરુદ્ધ જોઈએ તો જે અપેક્ષા તમારે તમારા પ્રિયપાત્ર પાસેથી ન કરવી જોઈએ એ જ વસ્તુઓ જો તમે તેના માટે અને તે પણ તેના કહ્યા સિવાય કરવા માટે તૈયાર થઇ જાવ અને કરી પણ બતાવો તો એ પ્રેમ છે. પ્રેમનું બીજું નામ જ નિસ્વાર્થભાવ છે. તમે ભગવાનની ભક્તિ કરો છો અને તેને પ્રાર્થના કરતી વખતે કશું માંગો છો અને જો તમારી એ ઈચ્છા પૂરી નથી થતી તો તમે ભગવાન સામે લડવા માટે ઉપડતા નથી પરંતુ ‘જેવી ભગવાનની મરજી’ એમ કહીને આગળ વધી જતા હોવ છો. એવીજ રીતે પ્રેમ કદાચ ભક્તિનું બીજું સ્વરૂપ છે.

હા, મનુષ્ય તરીકે અવતાર લીધો એટલે પ્રિયપાત્ર પ્રત્યે કોઈ અપેક્ષા હોય એ તો સ્વાભાવિક છે જ, પરંતુ એ અપેક્ષા જો પૂર્ણ ન થાય તો પછી તેને ચીપકી રહેવું કે ગુસ્સે થઇ જવું એ પ્રેમ નથી. જો આવું હોય તો ચેતી જજો કારણકે તે ૧૦૦% આકર્ષણ છે પણ પ્રેમ તો નથીજ! જો તમને તમારા પ્રિયપાત્ર પ્રત્યે માલિકીનો ભાવ થાય તો તો માની જ લેજો કે એ પ્રેમ નથી અને કદાચ આકર્ષણ પણ નથી પરંતુ તે માત્ર તમારી ઈચ્છાપૂર્તિની લાગણી છે જે તમે તમારા સમર્પિત ભાગીદારની લાગણીઓનો દુરુપયોગ કરવા માટે ઉપયોગમાં લઇ રહ્યા છો.

જો બંને પક્ષે સમર્પણની ભાવના હોય તો તેનાથી પૂર્ણ અને પ્યોર પ્રેમ બીજો કોઈજ ન હોઈ શકે અને આ રીતે આપણે પ્રેમ અને આકર્ષણ વચ્ચેનો ભેદ પારખી શકતા હોઈએ છીએ.

સિરીઝના આગલા અને અંતિમ ભાગમાં આપણે જોઈશું કે જો પહેલી નજરનો પ્રેમ હોય, થાય તો શું એ ટકે ખરો?

ત્યાં સુધી આવજો....!

૭ ઓક્ટોબર ૨૦૧૯, સોમવાર

અમદાવાદ