પ્રકરણ 98
મુંબઈના નાગપાડા પોલીસ સ્ટેશનમાં મોડી રાતે સિનિયર ઈન્સ્પેક્ટર અજિત વાઘ સાથી ઑફિસર્સ સાથે હસીમજાક કરી રહ્યા હતા એ જ વખતે ફોનની રિંગ વાગી. તેમણે રિસિવર ઊંચકીને કાને માંડ્યું એ સાથે તેઓ અત્યંત ગંભીર બની ગયા અને સામા છેડેથી કહેવાઈ રહેલા શબ્દો ધ્યાનપૂર્વક સાંભળવા માંડ્યા.
ફોન પર વાત પૂરી કરીને એમણે તરત જ પોતાની ટીમને સાબદી કરી. રાતના અઢી વાગ્યે અજિત વાઘ પોતાની ટીમને લઈને મુંબઈ-પૂણે નેશનલ હાઈવે તરફ ધસી ગયા. નેશનલ હાઈવે પર માનખુર્દના બ્રિજ આજુબાજુ બધા ઑફિસર્સ પોઝિશન લઈને ગોઠવાઈ ગયા.
માનખુર્દમાં મુંબઈ-પૂણે નેશનલ હાઈવે પર શિકારની રાહ જોતા ટાંપીને બેઠેલા પોલીસ ઑફિસર્સની પ્રતીક્ષાનો સવારના સાડા ચાર વાગ્યે અંત આવ્યો. સવારના સાડા ચાર વાગ્યે એક સફેદ રંગની મારુતિ કાર ત્યાં આવી. માનખુર્દ બ્રિજના છેડે આવીને એ કાર ઊભી રહી એ સાથે પોલીસ ઑફિસર્સ એ કાર તરફ ધસી ગયા.
પણ કારમાં બેઠેલા માણસે તેમને પોતાની તરફ ધસી આવતા જોઈને ઈમ્પોર્ટેડ પિસ્તોલ ખેંચી કાઢી. કારમાંથી ઊતરીને નાસી છૂટવાની કોશિશ કરતા એણે પોલીસ ટીમ તરફ ગોળીબાર શરૂ કર્યો એ યુવાનની પિસ્તોલમાંથી છૂટેલી એક ગોળી પોલીસ સબ ઈન્સ્પેક્ટર અરવિંદ સાવંતને વાગી. પણ એ દરમિયાન બીજા પોલીસ ઑફિસર્સની રિવોલ્વરમાંથી ધડાધડ ગોળીઓ છૂટવા માંડી અને થોડી સેકન્ડોમાં એ માણસ ઢગલો થઈને જમીન ઉપર પડી ગયો હતો. પોલીસ ઑફિસર્સ એ માણસને રાજાવાડી હોસ્પિટલમાં લઈ ગયા પણ ત્યાં ડોક્ટરોએ એને એડમિટ કરતા પહેલાં જ મૃત જાહેર કરી દીધો અને પોલીસ ઑફિસર્સના ચહેરા ઉપર સ્મિત ફરકી ગયું!
***
‘20 ઓગસ્ટની બપોરે અરુણ ગવળીને દગડી ચાલમાંથી ઊંચકી લીધા પછી બીજે દિવસે મુંબઈ પોલીસે અને મેટ્રોપોલીટન કોર્ટમાં હાજર કરીને પોલીસ કસ્ટડીની માગણી કરી. અરુણ ગવળીને મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જવામાં આવ્યો ત્યારે મેટ્રોપોલીટન કોર્ટમાં અરુણ ગવળીના વકીલે ગવળીને વહેલી સવારના પોલીસ એન્કાઉન્ટર વિશે માહિતી આપી અને અરુણ ગવળીના ચહેરા ઉપરથી નૂર ઊડી ગયું. થોડી સેકન્ડ માટે એનું મગજ બહેર મારી ગયું. આગલા દિવસે પોલીસે દગડી ચાલમાં, તેના ઘરમાં ઘૂસીને ત્રણ-ત્રણ શૂટરને વિંધી નાખ્યા હતા. એના આઘાતમાંથી એ હજી પૂરેપૂરો બહાર આવ્યો ન હતો ત્યાં એને આ નવો આંચકો લાગ્યો હતો. પોલીસે દગડી ચાલમાં એના ત્રણ શૂટરને ખતમ કરી દીધા એના કરતાં આ મોટો આઘાત હતો.
મુંબઈ પોલીસે વહેલીસવારે જે માણસને નેશનલ હાઈવે ઉપર એન્કાઉન્ટરમાં ‘પતાવી’ દીધો હતો એ અરુણ ગવળીના પોતાના ‘બ્રેઈન’ (મગજ) જેવો વકીલ ઉર્ફે ગણેશ ભોંસલે હતો. ગવળી ગેંગના ટોપ ટેનના લિસ્ટમાં નંબર ટુ ગણાતો ગણેશ ભોસલે કમોતે મર્યો હતો અને ગવળીને કારમો આઘાત આપતો ગયો હતો.
મુંબઈ પોલીસે મારેલા ઉપરાછાપરી ફાટકાઓથી અરૂણ ગવળી ડઘાઈ ગયો હતો. એણે માત્ર 24 કલાકમાં પોતાના પાંચ શાર્પ શૂટર ગુમાવ્યા હતા. એને એમાંય ગણેશ વકીલનું કમોત સૌથી વધુ આંચકાજનક હતું. ગવળીની ગેંગને પાવરફુલ બનાવવામાં ગણેશ વકીલનો સિંહફાળો હતો. સામાન્ય શૂટર્સ મરે તો નવા શૂટર્સ તૈયાર કરવામાં બહુ તકલીફ પડે નહીં, પણ ગણેશ વકીલ જેવો બાહોશ સાથીદાર કમોતે માર્યો જાય એની અસર ગેંગના તમામ ગુંડાઓના મન પર થયા વિના રહે નહીં એ ગવળી સમજતો હતો. અને ગવળીને જે આશંકા હતી એ સાચી પડી હતી. ગવળી ગેંગના ગુંડાઓ આઘાપાછા થવા લાગ્યા હતા. આ સમય દરમિયાન ગવળી ગેંગ આર્થિક મુસીબતનો પણ સામનો કરી રહી હતી. અધૂરામાં પૂરું ગવળીના ગુંડાઓએ જેના પર હુમલો કર્યો હતો એ અંગ્રેજી પત્રકાર આનંદિતા રામાસ્વામી અરુણ ગવળી ગેંગની પાછળ પડી ગઈ હતી.’
‘તમને યાદ હશે,’ બ્લેક લેબલનો વધુ એક પેગ બનાવવા માટે હળવો બ્રેક લઈને વાત આગળ ધપાવતા પપ્પુ ટકલાએ કહ્યું, ‘’એશિયન એઈજ’ અખબારની પત્રકાર આનંદિતા રામાસ્વામી ઉપર દગડી ચાલમાં હુમલો થયો હતો અને એ વખતે પણ મુંબઈ પોલીસે અરુણ ગવળીની ધરપકડ કરી હતી. જોકે એ વખતે અરૂણ ગવળી તરત જામીન પર છૂટી ગયો હતો. આનંદિતા રામાસ્વામીએ ગવળી ગેંગની આર્થિક મુસીબતોનો ચિતાર આપતી એક સ્ટોરી તૈયાર કરી હતી. એ સ્ટોરીમાં કહેવાયું હતું કે ‘અરૂણ ગવળીએ રાજકીય પક્ષ ઊભો કર્યો એ પછી એની પ્રવૃત્તિઓમાં એની મોટા ભાગની કમાણી ખર્ચાઈ જાય છે અને તેથી ગેંગના સભ્યોને પગાર ચૂકવવામાં અરૂણ ગવળીને ફાફાં પડી રહ્યાં છે.’ આનંદિતા રામાસ્વામીની એ સ્ટોરીથી ગવળી ઉશ્કેરાયો હતો અને આ સ્ટોરી પ્રસિદ્ધ થયા પછી આનંદિતા રામાસ્વામી હિંમતપૂર્વક દગડી ચાલમાં અરૂણ ગવળીને ઈન્ટરવ્યૂ લેવા ગઈ હતી. એ વખતે ગવળીના સાથીદારોએ એના ઉપર હુમલો કર્યો હતો.’
‘આનંદિતા રામાસ્વામીની સ્ટોરીમાં થોડું તથ્ય હતું. મુંબઈ પોલીસની ભીંસ વધતા અરૂણ ગવળીની પ્રવૃત્તિઓ પર થોડી બ્રેક લાગી ગઈ હતી એને એથી ગવળી ગેંગને આર્થિક મોરચે ઝઝૂમવાનો વારો આવ્યો હતો,’ ફાઈવફાઈવફાઈવનો ઊંડો કશ લઈને મોંમાંથી વર્તુળાકારે ધુમાડો બહાર કાઢીને પપ્પુ ટકલાએ કહ્યું, ‘અરૂણ ગવળીની આવક વિશે અનેકવાર અનેક પ્રકારની વાતો બહાર આવતી રહી છે. પણ વાસ્તવમાં ગવળી ગેંગ રૂપિયા એક કરોડની ખંડણી ઉઘરાવે ત્યારે એમાંથી દસ ટકા જેટલી રકમ જ અરૂણ ગવળીના ખિસ્સામાં પહોંચતી હતી. ગવળી ગેંગની આવક જેવો જ તગડો ખર્ચ પણ અરૂણ ગવળીએ કરવો પડતો હતો.
20 ઓગસ્ટ, 1997ના દિવસે મુંબઈ પોલીસે અરૂણ ગવળીને એના અડ્ડામાંથી પકડી પાડ્યો એ પછી પોલીસ અધિકારીઓએ એની પાસેથી ઘણી માહિતી ઓકાવી હતી એ વખતે ગવળીએ કહ્યું હતું કે એની ગેંગમાં 300 ગુંડાઓ પગાર પર છે અને એમને દર મહિને ત્રણથી ચાર હજાર રૂપિયા સુધીનો પગાર ચૂકવાય છે. આ ઉપરાંત એ તમામ ગુંડાઓને દર મહિને એલાઉન્સ પેટે રૂપિયા 1500થી 10 હજાર જેવી રકમ ચૂકવવી પડે છે અને એમાં ગણેશ વકીલ, સદા પાવલે અને સુનીલ ઘાટે જેવા ટોચના સભ્યોને તો એણે ખંડણી ઉઘરાણીની અમુક ટકા રકમ ચૂકવવી પડતી હતી. આ તો સીધી ચૂકવણીની વાત હતી. આ સિવાય ગવળી ગેંગના શૂટર્સ માટે લેટેસ્ટ શસ્ત્રો ખરીદવા પાછળ પણ દર મહિને લાખો રૂપિયાનો ધુમાડો થતો હતો.
અરૂણ ગવળીએ પોલીસ અધિકારીઓ સમક્ષ કબૂલ કર્યું હતું કે મહારાષ્ટ્રનાં જુદાં-જુદાં શહેરોની જેલમાં એ પોતે અને એની ગેંગના બીજા ગુંડાઓ સજા ભોગવી રહ્યા હોય એ વખતે એમની સુવિધા માટે જેલના સ્ટાફને ‘કીડીને કણ અને હાથીને મણ’ એ ન્યાયે જુદા-જુદા જેલ કર્મચારીઓને 1000થી 80 હજાર રૂપિયા દર મહિને ચૂકવાતા હતા. અરૂણ ગવળી પોતે જેલમાં હોય ત્યારે બીજી જેલોમાં પોતાના સાથીદારો સાથે સતત સંપર્કમાં રહી શકે એ માટે મોબાઈલ ફોન આવ્યા પછી ગવળીને સહેલું પડી ગયું હતું પણ જેલમાં મોબાઈલ ફોન વાપરવા માટે એણે જેલના સામાન્ય કર્મચારીઓથી માંડીને જેલરને પૈસા આપવા પડતા હતા. અરૂણ ગવળી જેલમાં હોય ત્યારે એને દરરોજ મહત્વના પત્રો કે બીજા દસ્તાવેજો પહોંચાડવાની ‘સર્વિસ’ માટે પણ તગડો ખર્ચ કરવો પડતો હતો અને ગળવી જ્યારે કોઈ શિકારને જેલમાં મળવા બોલાવે ત્યારે એવી દરેક ‘વિઝિટ’નો ખર્ચ પણ ગવળીએ ભોગવવો પડતો હતો. ગવળી કે કોઈ પણ ગેંગનો વાહનો પાછળ પણ ચિક્કાર ખર્ચ થતો રહે છે. અરૂણ ગવળી 1990 પછી તો કોઈ કોર્પોરેટ હાઉસની જેમ પોતાનું ‘તંત્ર’ ચલાવતો હતો. ગેંગના દરેક સભ્યોને નિશ્વિત કામ સોંપાય અને દર મહિને નિશ્વિત રકમ મળી જાય. અને એક તબક્કે ગવળી ગેંગના ગુંડાઓને ‘પગાર’ ચૂકવવામાં અને જે ગુંડાઓ કમોતે મર્યા હોય એમના કુંટુંબોને પેન્શન મોકલવામાં જ રૂપિયા 50 લાખ જેટલી રકમ ખર્ચવી પડતી હતી અને એ સિવાયના તમામ ખર્ચ તો જુદા. આમ પણ 1997ની શરૂઆતથી ગવળી ગેંગ આર્થિક રીતે ખેંચાઈ રહી હતી. અને અધૂરામાં પૂરું મુંબઈ પોલીસ પૂરા ઝનુનથી ગવળી ગેંગ પર ત્રાટકી એટલે ગવળી ગેંગની આર્થિક મુશ્કેલીઓમાં વધારો થયો. અધૂરામાં પૂરું, ગવળીની રાજકીય મહત્વાકાન્ક્ષાને કારણે ગવળીને માટે અણધારી તકલીફ પેદા થઈ!’
(ક્રમશ:)