Once Upon a Time - 97 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 97

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 97

પ્રકરણ 97

પોલીસે દગડીના ઘરમાં એક છૂપા રૂમનો દરવાજો તોડ્યો એ સાથે રૂમમાંથી ગોળીઓ છૂટી અને એમાંની એક ગોળી પોલીસ સબ ઈન્સ્પેક્ટર મિલન કોયલના ડાબા હાથમાં વાગી અને બીજી ગોળી એક હેડ કોન્સ્ટેબલના ખભામાં ઘૂસી ગઈ!

બીજી જ સેકન્ડે મુંબઈ પોલીસના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા પ્રફુલ ભોંસલે અને અન્ય પોલીસ ઑફિસર્સે પોઝિશન લઈને એ છુપા રૂમની અંદર ગોળીબાર શરૂ કર્યો. ગણતરીના સેકન્ડોમાં પોલીસ ગવળી ગેંગના ત્રણ ખૂંખાર ગુંડાઓની લાશ ઢાળી દીધી. એ ગુંડાઓ ગવળી ગેંગના શાર્પ શૂટર હતા વિજય ગણપત શિરોડકર ઉર્ફે સાડેતીન ફૂટ, વિજય ઉર્ફે મૂછવા અને પંકજ પાડે નામના એ શૂટર્સ સામે મુંબઈના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ડઝનબંધ મર્ડર, ખંડણી ઉઘરાણી અને અન્ય ગંભીર કેસ નોંધાયેલા હતા. અરુણ ગવળીને પકડીને પોલીસે લોકઅપમાં ધકેલી દીધા ને પાછળથી ત્રણ શૂટર્સને ગોળીએ દીધા એથી દગડી ચાલમાં સોપો પડી ગયો. દગડી ચાલના રહેવાસીઓએ પોલીસ અધિકારીઓ સામે ગાળાગાળી કરી મૂકી પણ, પોલીસ અધિકારીઓએ મક્કમ રીતે આખું ‘ઓપરેશન’ પૂરું કર્યું. પોલીસ ગવળી ગેંગના ત્રણેય શૂટરને નાયર હોસ્પિટલમાં લઈ ગઈ. પણ ત્યાં એમને એડમિટ કરતાં પહેલાં જ ડોક્ટરોએ એમને મૃત જાહેર કરી દીધા.’

‘મુંબઈ પોલીસે કોઈ પણ વ્યક્તિના મર્ડર પછી માત્ર 24 કલાકમાં જ આટલી ઝડપી એકશન લીધા હોય એવા એ પહેલો કિસ્સો હતો,’ ‘પપ્પુ ટકલાએ બ્લેક લેબલ વ્હિસ્કીનો ઘૂંટ ભરીને કહ્યું. એ પછી ખતમ થવા આવેલી ફાઈવફાઈવફાઈવનો એક ઊંડો કશ ખેંચીને એણે સિગરેટનું ઠૂંઠું એશ ટ્રેમાં બુઝાવ્યું. અને નવી સિગરેટ સળગાવી. એ પછી એણે ફરી વાત આગળ ધપાવી: ‘મુંબઈ પોલીસની ટીમ ગવળીના અડ્ડામાં ત્રાટકી ત્યારે એ આખા ઓપરેશન દરમિયાન પોલીસે દગડી ચાલમાંથી એક વેપારીને છોડાવ્યો હતો. ગવળી ગેંગે માગેલી ખંડણીની રકમ એ વેપારીએ પહોંચાડી નહીં એટલે ગવળી ગેંગનો ગુંડો શૈલેષ ભોંસલે એને દગડી ચાલમાં ઉઠાવી લાવ્યો હતો. દગડી ચાલમાં એની ‘રિમાન્ડ’ ચાલી રહી હતી ત્યારે જ પોલીસ ટીમ ત્રાટકી હતી. પોલીસ ઑફિસરોએ એ વેપારીને છોડાવીને ગવળી ગેંગના ગુંડા શૈલેષ ભોંસલેની ધરપકડ કરી હતી.

પોલીસે એક બાજુ દગડી ચાલને ધમરોળી નાખી હતી તો બીજી બાજુ પોલીસ લોકઅપમાં અરુણ ગવળીનું ઈન્ટરોગેશન શરૂ થયું હતું. અરુણ ગવળી સામે નટુ દેસાઈના મર્ડરનો પ્લાન ઘડવા માટે કેસ રજિસ્ટર કરવામાં આવ્યો હતો અને એ પછી મોડી સાંજે જ એની સામે બીજો એક નવો કેસ નોંધવામાં આવ્યો, તેના ઘરમાં ભાગેડુ ગુંડાઓને આશરો આપવાનો અને શસ્ત્રો છુપાવવાનો. બિલ્ડર નટુ દેસાઈના મર્ડર કેસમાં પોલીસે પોતાની ધરપકડ કરી એથી ગવળી ગભરાયો નહોતો, પણ એને જ્યારે ખબર પડી કે પોલીસે દગડી ચાલમાં પોતાના ઘરમાં જ ત્રણ શૂટરને ઢાળી દીધા છે ત્યારે એ અસ્વસ્થ થઈ ગયો. જોકે એ વખતે એને કલ્પના નહોતી કે એ મુંબઈ પોલીસ બીજા જ દિવસે એને હજી વધુ એક મોટો આઘાત આપશે.’

***

‘મુંબઈ પોલીસે અરૂણ ગવળીના અડ્ડાને ઘમરોળી નાખ્યો અને ગવળી ગેંગના ત્રણ શાર્પ શૂટરને દગડી ચાલમાં જ ખતમ કરી નાખ્યા એથી અરુણ ગવળી થોડો અપસેટ થઈ ગયો. પણ એ દરમિયાન મુંબઈ પોલીસ ગવળીને વધુ એક મોટો આંચકો આપવાની તૈયારી કરી રહી હતી. જોકે આવું કરવા જતાં મુંબઈ પોલીસને પણ આંચકો લાગ્યો હતો.

મુંબઈ પોલીસે ગવળીને જેલભેગો કર્યો અને તેના અડ્ડામાં ઘૂસીને તેના ત્રણ શૂટરને મારી નાખ્યા એ પછી ગણતરીના કલાકોમાં મહારાષ્ટ્ર સરકારે મુંબઈના પોલીસ કમિશનર સુભાષ મલ્હોત્રાને કમિશનરપદેથી ફંગોળી દીધા! અને તેમને પોલીસ હાઉસિંગ મેનેજિંગ ડિરેક્ટરપદ જેવો તદ્દન બિનમહત્વનો હોદ્દો પકડાવી દીધો! સુભાષ મલ્હોત્રાની સાથે મુંબઈના જોઈન્ટ પોલીસ કમિશનર (લો એન્ડ ઓર્ડર) ચરણસિંહ આઝાદનું પણ આવી બન્યું. ચરણસિંહ આઝાદને હોમગાર્ડ ડેપ્યુટી કમાન્ડર તરીકે બેસાડી દેવાયા અને જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે સ્પેશિયલ ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (ટ્રાફિક) પી.એસ.પસરીચાને ચાર્જ સોંપી દેવાયો.

સરકારે મુંબઈના પોલીસ કમિશનરની બદલી માટે મુંબઈમાં વકરી રહેલી ગેંગવોર અને પાવરફુલ વ્યક્તિઓની ઉપરાઉપરી હત્યાઓનું દેખીતું કારણ અપાયું હતું. એ વખતે એવું કહેવાયું હતું કે રાજીવ રાયની હત્યાનો પ્રયાસ, ઓડિયો કિંગ ગુલશનકુમારની ધોળા દિવસે હત્યા અને વગદાર બિલ્ડર નટુ દેસાઈની હત્યાના ઉપરાઉપરી બનાવોને કારણે મુંબઈના પોલીસ કમિશનર અને જોઈન્ટ પોલીસ કમિશનરને પનીશમેન્ટ ટ્રાન્સફર આપવામાં આવી હતી,’ પપ્પુ ટકલાએ બ્લેક લેબલ વ્હિસ્કીનો વધુ એક ઘૂંટ ભરીને કહ્યું. પછી ફાઈવફાઈવફાઈવનો ઊંડો કશ લઈને ધુમ્રસેર હવામાં છોડ્યા પછી એણે વાત આગળ ધપાવી: ‘મુંબઈ પોલીસ કમિશનરની બદલીના સમાચારથી અરુણ ગવળીએ થોડી રાહત અનુભવી. પરંતુ, મુંબઈ પોલીસ નહાઈધોઈને ગવળી ગેંગની પાછળ પડી હતી. અને ગવળી ગેંગના ગ્રહો પણ ખરાબ ચાલતા હતા. મુંબઈ પોલીસની ટીમ દગડી ચાલમાં ઘૂસીને ગવળી ગેંગના ત્રણ શૂટરને ઠાર કર્યા એ આઘાતથી ગવળીને કળ વળે એ પહેલાં તો 20 ઓગસ્ટની રાતે જ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચના ઑફિસર્સે ગોવંડી વિસ્તારમાં ગવળી ગેંગના શાર્પ શૂટર જિતુ માનેને આંતરીને ગોળીએ દીધો. પોલીસ રાબેતા મુજબ જાહેર કર્યું કે જિતુ માનેએ શરણે આવવાને બદલે અમારા ઉપર ફાયરિંગ કર્યું એટલે નાછૂટકે અમારે વળતો ગોળીબાર કરવો પડ્યો અને એમાં જિતુ માર્યો ગયો.

જિતુ માનેના કમોતના સમાચાર અરુણ ગવળી સુધી પહોંચે એ પહેલાં તો મુંબઈ પોલીસના ઑફિસર્સની રિવોલ્વરો ફરી એકવાર ગર્જી ઊઠી હતી. અને આ વખતે તો મુંબઈ પોલીસના ઑફિસરોની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળીઓને અરુણ ગવળીને હતપ્રભ બનાવી દીધો હતો. મુંબઈ પોલીસના ઑફિસરોએ છોડેલી ગોળીઓ અરુણ ગવળીના ‘બ્રેઈન’ને વીંધી ગઈ હતી!’

‘પપ્પુ ટકલાએ ફરી એક વાર એની વાત કરવાની સ્ટાઈલ બદલી અને બ્લેક લેબલ વ્હિસ્કીનો એક મોટો ઘૂંટ ભરીને એ સ્ક્રિપ્ટ રાઈટરની જેમ ચાલુ થઈ ગયો.

***

મુંબઈના નાગપાડા પોલીસ સ્ટેશનમાં મોડી રાતે સિનિયર ઈન્સ્પેક્ટર અજિત વાઘ સાથી પોલીસ ઑફિસર્સ સાથે ગપ્પાં મારી રહ્યા હતા. અરુણ ગવળીના અડ્ડામાં પોલીસે કરેલા ઓપરેશનથી પોલીસ ઑફિસરો હજી સુધી ઉત્તેજના અનુભવી રહ્યા હતા. અજિત વાઘ સાથી ઑફિસર્સ સાથે હસીમજાક કરી રહ્યા હતા એ જ વખતે ફોનની રિંગ વાગી. તેમણે રિસિવર ઊંચકીને કાને માંડ્યું અને બીજી જ ક્ષણે એમના ચહેરા પરની હળવાશ દૂર થઈ ગઈ. તેમનો ચહેરો તંગ થઈ ગયો!

(ક્રમશ:)