Ardh Asatya - 1 in Gujarati Detective stories by Praveen Pithadiya books and stories PDF | અર્ધ અસત્ય. - 1

Featured Books
Categories
Share

અર્ધ અસત્ય. - 1

અર્ધ અસત્ય.

પ્રકરણ-૧

પ્રવિણ પીઠડીયા

અભયના જિવનમા ઝંઝાવાત ફૂંકાયો હતો. ત્રણ વર્ષની પોલીસ ઓફિસરની તેની જ્વલંત કારકિર્દી અચાનક અસ્તાચળ તરફ સરકવા લાગી હતી. તેની સામે ખાતાકીય તપાસપંચ નિમાયુ હતુ. એ તપાસપંચનો રિપોર્ટ આવે ત્યાં સુધી તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. તેના જ ખાતાના અધિકારીઓ તેને ફસાવી રહ્યા હતા. તે જાણતો હતો કે હકીકત શું છે, શું કામ તેને બલીનો બકરો બનાવામા આવી રહ્યો છે. પરંતુ સત્ય જાણવા છતા તે કંઇ કરી શકે તેમ નહોતો. અસત્યનો એટલો બધો શોર-બકોર ચારેકોર પ્રસરેલો હતો કે તેમા તેનુ સત્ય દબાઇ ગયુ હતુ. સખત ગ્લાનિ અને અપરાધભાવથી અભય પોતે જ મુંઝાઇ ગયો હતો. આવા સમયે શું કરવુ જોઇએ એ સુધબુધ તે વિસરી ચૂક્યો હતો.

આની શરૂઆત આજથી ચાર દિવસ પહેલા થઇ હતી. એ દિવસ અને એ ઘડી અભય ક્યારેય ભુલાવી શકવાનો નહોતો. એ ક્ષણ પછી તેની જિંદગી સંપૂર્ણપણે બદલાઇ ગઇ હતી. એક બાહોશ સબ ઇન્સ્પેકટર એકાએક અપરાધીના કઠેડામા આવીને ખડો થઇ ગયો હતો. તેનો કસૂર શું હતો, બસ એટલો જ કે જ્યારે એ ગમખ્વાર ઘટના બની ત્યારે એ વિસ્તારનો ચાર્જ તેના અંડરમા હતો! ભલે એ ઘટનામા તેનો કોઇ જ હાથ ન હોય, છતા જાણી જોઇને, એક ફુલપ્રુફ પ્લાન પ્રમાણે તેને એમા “ફિટ” કરી દેવામા આવ્યો હતો. કે પછી કોઇ આવી જ તકની રાહ જોઇને બેઠુ હતુ જેમા તેને ફસાવી શકાય? આ શક્યતા વધુ બળવત્તર હતી કારણકે તેની ઈમાનદારી ખાતાના ઘણા લોકોની આંખોમા કણાની જેમ ખટકતી હતી. તેની ઈમાનદારીએ જ તેનો ભોગ લીધો હતો.

@@@

તે દિવસે એક ભયંકર દુર્ઘટના ઘટી હતી. ભયાનક અકસ્માત થયો હતો અને તેમા ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. બન્યુ એવુ હતુ કે...

શહેરમા ભારે વાહનો માટે પ્રવેશનો એક નિર્ધારીત સમય મુકર્રર થયેલો હતો. સવારના સાતથી બપોરના બે અને સાંજના ચારથી રાતના દસ વાગ્યા સુધી ભારે વાહનો શહેરની સડકો ઉપર પ્રવેશી શકતા નહી, કારણકે આ સમય શહેરનો પીક-અવર સમય ગણાતો. આ સમય દરમ્યાન માલવાહક ટ્રક કે પેસેન્જર બસથી કોઇ અકસ્માત ન સર્જાય એ માટે આ કાયદો ઘડવામા આવ્યો હતો. આ સમય દરમ્યાન ભારે વાહનોને શહેરના એન્ટ્રિ પોઇન્ટે જ અટકાવી દેવામા આવતા. આ જવાબદારી સુરત પોલીસના શિરે હતી. પરંતુ જે દિવસથી આ કાયદો અમલમા આવ્યો તે દિવસથી જ ભ્રષ્ટાચારની એક નવી ગંગોત્રી વહેવી શરુ થઇ હતી. લોકલ પોલીસ સાથે ટ્રક માલિકોનું સેટિંગ ગોઠવાયુ હતુ અને અમુક રકમના બદલામા આંખ આડા કાન કરવામા આવ્યા હતા. એનુ પરિણામ એ આવ્યુ કે ભારે વાહન માલિકોને મોકળું મેદાન મળી ગયુ. તેઓ બેફામ બનીને ગમે તે સમયે શહેરના રસ્તાઓ ધમરોળવા લાગ્યા. કેટલાય નાના-મોટા અકસ્માતો સર્જાતા હતા પરંતુ દરેક વખતે તેમની વિરુધ્ધ કોઇ કાર્યવાહી કરવામા આવતી નહી કારણકે પૈસાના ભાર તળે પોલીસ દબાયેલી હતી. નિયમીત મળતા હપ્તાની તગડી રકમ શું કામ કોઇ જતી કરે!

પરંતુ ચાર દિવસ પહેલાં રેતી ભરેલી ટ્રકે એક ગમખ્વાર અકસ્માત સર્જયો ત્યારે કઠણ કાળજાના માણસો પણ ખળભળી ઉઠયા હતા. ઢળતી બપોરે, સાંજના લગભગ પાંચ વાગ્યાના અરસામા રેતીથી છલોછલ ભરેલી એક ટ્રક શહેરના ધોરીમાર્ગ ઉપર ધસમસતી પ્રવેશી હતી. તેનો ડ્રાઇવર સાવ બેધ્યાનપણે પોતાની મસ્તીમા જ ટ્રક રમરમાવ્યે જતો હતો. બરાબર એ સમયે જ રોડના ચાર રસ્તેથી પેસેન્જર ભરેલી એક રિક્ષા મુખ્ય રોડ ઉપર ચડી. ટ્રકના ડ્રાઇવરને એ રિક્ષા દેખાઇ નહી અને જોતજોતામા માતેલા સાંઢની માફક ભાગતી ટ્રકની જોરદાર ટક્કરે રિક્ષા રીતસરની હવામાં ફંગોળાઇ. એક મોટા ધમાકાનો અવાજ આવ્યો અને રિક્ષામા સવાર મુસાફરોની મરણતોલ ચીખોથી સમગ્ર વાતાવરણ ખળભળી ઉઠયુ.

ટ્રક ડ્રાઇવરે બ્રેક મારીને ટ્રક થોભાવી પરંતુ ત્યાં સુધીમા ઘણુ મોડુ થઈ ચૂકયુ હતુ. ટ્રકના આગળના ભાગ સાથે ભટકાઇને રિક્ષા લગભગ વિસેક ફૂટ દુર ખાબકી હતી. તેમા ત્રણ પેસેન્જરો અને એક રિક્ષા ચાલક સવાર હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે રિક્ષામા પાછળ બેઠેલા ત્રણેય પેસેન્જરો ત્યાંને ત્યાં જ ખલાસ થઇ ગયા હતા અને રિક્ષા ડ્રાઇવર ગંભીર રીતે ઘાયલ થયો હતો. અરેરાટી ઉપજાવે એવુ એ દ્રશ્ય હતુ. કાચાપોચા હદયનો માણસ તો ત્યાં ભરાયેલા લોહીના ખાબોચીયા જોઇને જ ઉકલી જાય. ટ્રક ડ્રાઇવરને ઘટનાની ગંભીરતા સમજાઇ અને તેના મોતિયા મરી ગયા. અકસ્માતનો ધમાકો અને પેસેન્જરોની ચીખો સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. એ લોકોના હાથમા સપડાઇને મોત પામવા કરતા ટ્રક ડ્રાઇવરને ત્યાંથી પોબારા ગણી જવુ બહેતર લાગ્યુ એટલે તેણે અકસ્માત સ્થળની ઉલટી દિશા પકડી લીધી હતી. જોતજોતામા એ ક્યાં ભાગી ગયો તેનો કોઇને ખ્યાલ આવ્યો નહોતો.

હવે બન્યુ એવુ હતુ કે, એ સમયે જ એક ન્યૂઝ ચેનલની વાન ત્યાંથી પસાર થતી હતી. તેમા સવાર ન્યૂઝ એન્કરે એ ઘટના પોતાની નજરો-નજર નિહાળી હતી અને તે થડકી ઉઠયો હતો. તેણે ટ્રક જોયો અને ટ્રકના ડ્રાઇવરને ત્યાંથી પલાયન થતા પણ જોયો. પળવારમા સમગ્ર મામલો તેની સમજમા આવ્યો હતો અને તુરંત હાથમા માઇક લઈને તે વાનમાંથી નીચે ઉતર્યો હતો. તેની પાછળ ઉતરેલા કેમેરામેને તેને “શૂટ” કરવાનુ શરૂ કર્યું.

“હમણા જ અમે અમારી નજરોએ આ અકસ્માત થયો જોયો છે. હું કહી નથી શકતો કે આ અકસ્માત કેટલો ભયાનક છે. ક્યાં છે સુરત શહેરના લો એન્ડ ઓર્ડરના રખેવાળો? સરેઆમ મોતના પૈગામ બની બેફામ દોડતા આ ભારેખમ ટ્રકો શું અહીના પોલીસ પ્રશાસનને દેખાતા નહી હોય, કે પછી પોલીસખાતાને આ લોકો ગાંઠતા નથી? મને તો આમા ભયંકર ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે નહિંતર પ્રતિબંધિત સમયમા આ ટ્રક શહેરમા પ્રવેશી જ કેવી રીતે શકે?“ ન્યૂઝ એન્કરે ઉંચા અવાજે પોતાની વાત દોહરાવવી શરુ કરી હતી.

ગણતરીની માત્ર ચંદ મિનિટોમા જ આ સમાચાર વાયુ વેગે સમસ્ત શહેરમા પ્રસરી ગયા અને પછી તો ન્યૂઝ ચેનલોના ધાડે-ધાડા ઘટના સ્થળે ઉમટવા લાગ્યા. દરેકને આ સમાચાર પોતાની ચેનલમા સૌથી પહેલા ન બતાવી શકવાનો રંજ હતો એટલે તેઓ વધુ મોટા અવાજે શહેરના પોલીસ વિભાગ ઉપર બેફામ ઇલ્ઝામોનો મારો ચલાવવા લાગ્યા. ઘટના સ્થળે અફરાતફરીનો જબરો માહોલ જામી પડયો. એક તરફ કુતૂહલવશ એકઠા થયેલા લોકોનો ભારે ઘસારો હતો તો બીજી બાજુ કોઇએ ૧૦૮ને ફોન કર્યો હતો એટલે સાઇરન વગાડતી એમ્બ્યૂલન્સ ત્યાં હાજર થઇ હતી અને ઘાયલોને ઉચકીને હોસ્પિટલ તરફ ઉપડી ગઇ હતી. ન્યૂઝ ચેનલોએ પણ તેમનામા હતી એટલી તાકતથી પોલીસ પ્રશાસનની ધજ્જીયા ઉડાવવી શરૂ કરી દીધી. તેમણે ત્યાં એકઠા થયેલા લોકોને પકડીને સવાલો પુછવા શરૂ કર્યા હતા.

“ તો જોયુને દર્શકો કે, અહી આવી દૂર્ધટનાઓ ઘટવી સામાન્ય બાબત છે. પરંતુ આજે આ રોડ ઉપર એક સાથે ત્રણ-ત્રણ મોતનો માતમ છવાયો છે ત્યારે એની તમામ જવાબદારી અહીના પોલીસ ઇન્સ્પેકટરની બને છે. અમે અમારી ચેનલ મારફતે આ મામલામા ઉંડી તપાસ થાય એવુ ઇચ્છીએ છીએ. શું બહેરી પોલીસ અમારી વાત સાંભળશે ખરી? કે પછી આ મામલામાં પણ ભિનું સંકેલાઇ જશે? હું રમણ જોષી, કેમેરામેન ગણેશ મહાતો સાથે, ચેનલ ન્યૂઝ ગુજરાત વતી.” પેલા ચેનલ એન્કરે તો સીધા જ પોલીસખાતા ઉપર નિશાન તાક્યુ હતુ અને આ વિસ્તારના પોલીસ ઇન્સ્પેકટરને દોષી માની તેને બર્ખાસ્ત કરવાની માંગણી પણ કરી દીધી હતી.

દુર્ભાગ્યે, એ વિસ્તાર સબ ઇન્સ્પેકટર અભય ભારદ્વાજના કંન્ટ્રોલમા આવતો હતો. આ એક ઘટનાએ અભયનુ સમગ્ર જીવન બદલી નાખ્યુ હતુ. જ્યા સુધી અકસ્માતની તપાસ પુરી ન થાય ત્યા સુધી તેને સસ્પેન્ડ કરી દેવામા આવ્યો હતો. અભય હતાશાની ખીણમા ગરકાવ બન્યો હતો.

પરંતુ, કોઇક હતુ જે ઘણે દુર.. રાજગઢમા તેની રાહ જોઇ રહ્યુ હતુ. વર્ષોથી રાજગઢની હવાઓમા ઘેરાયેલુ એક રહસ્ય અભયના આવવાના ઇંતેજારમા હતુ. શું અભય રાજગઢ જશે? જાણીશુ આવતા પ્રકરણમા.

( ક્રમશઃ )