Vaidehi ma vaidehi - 8 in Gujarati Fiction Stories by Vandan Raval books and stories PDF | વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-8)

Featured Books
Categories
Share

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-8)

પ્રકરણ - 8

“વૈદેહી...” હું બોલ્યો- “તારી સમસ્યાનું નિવારણ એ જગ્યાએ છે, જે જગ્યા વિશે તારા અને તારા પરિવાર સિવાય કોઈનેય જાણ નથી.”
“શું કહ્યું?”
“એવી કોઈ જગ્યા છે કે જેનાં વિશે તારાં ફેમિલી સિવાય કોઈનેય જાણ ન હોય?”
“હા છે.” તે તરત જ બોલી- “એ અમારી-”
“કેમ અટકી ગઈ?” મેં પૂછ્યું.
“એ જગ્યા વિશે તને ન કહેવાય.” તે જરાય સંકોચ વિના બોલી- “ગુપ્તતા જાળવવાની છે. અત્યાર સુધી અમે કોઈનેય એ જગ્યા વિશે જાણ નથી થવા દીધી.”
“પણ હું તો-”
“અમારા પરિવારનો નથી.” તે બોલી ગઈ....
મને જરા લાગી આવ્યું. એક નિઃસાસા થકી હળવા થઈને મેં કહ્યું-
“ભલે! પણ એ જગ્યાએ તારી સમસ્યાનું નિવારણ છે.”
“ખરેખર?” તેણે પ્રશ્ન કર્યો- “મેં હજી સુધી એ જગ્યાએ તપાસ નથી કરી.”
“મને પૂરો વિશ્વાસ છે. એની એકેય વાત હજી સુધી ખોટી નથી પડી.”
“કોની?”
“એ પછી કહીશ.” મેં કહ્યું- “અત્યારે તો તું એ જગ્યાએ જા.”
“ચાલ....” કહેતી તે ઊભી થઈ.
“હું પણ આવું?” ઊભા થઈને મેં પૂછ્યું.
“હાસ્તો!” સહેજ હસીને તે બોલી- “અહીં શું કરીશ?”
“પણ હમણાં તો તું ના પાડતી હતી.”
“મેં શેની ના પાડી?” તેણે વિચિત્ર ભાવ સાથે પ્રશ્ન કર્યો.
“તમારી ખાનગી જગ્યા વિશે જણાવવાની.” મેં કહ્યું.
“તે એ તો તને નથી કહેવાનું.”
“અરે....” મને નવાઈ લાગી- “તો મને ત્યાં લઈ કેમ જાય છે?”
“ક્યાં?”
“વૈદેહી....” મેં શાંતિથી પૂછ્યું- “તું મને ક્યાં લઈ જાય છે?”
“મારા ઘરે.” તે બોલી- “તને ત્યાં બેસાડીને હું એ જગ્યાએ જઈ આવીશ.”
“હા, એમ ચોખવટ કરને!”
“તને આરામની જરૂર હશેને?”
“હા, જોરદાર થાક લાગ્યો છે.” મેં કહ્યું.
“તું થાકેલો હોય એવું લાગતું તો નથી!”
“એ તો.... તું પડખે ઊભી છે ને... એટલે!”
તે સહેજ હસીને બોલી- “ચાલ હવે....”
અમે વૈદેહીના ઘર તરફ ઉપડ્યાં. પુલ પાસેથી જમણી બાજુએ વળ્યાં.
ભમરાહ જતા રસ્તે ચાલીએ છીએ. આ રસ્તો એકદમ અલગ જ છે. માટી અને પથ્થરોથી બનેલો રસ્તો ખાસ કપરો નથી. ડાબી બાજુ નજીકમાં જ એક પર્વત છે. જમણી બાજુ થોડે દૂરથી પર્વતોની હારમાળા શરૂ થાય છે. સાડા ત્રણનો સમય હોવા છતાં ગરમી નથી લાગતી. આ જગ્યા ઊંચાઈ પર છે. હિલ-સ્ટેશન તો ન કહેવાય પણ સૂર્યને ત્રાસદાયક ન બનવા દે એટલી ઊંચાઈ તો છે. વળી, નદી અને ભરચક વૃક્ષો! આવી રમણીય જગ્યા અને સાથે ચાલનાર વૈદેહી! અત્યારે મારા થકી ઉત્તમ કાવ્યની રચના થવી જોઈએ! પણ.... મગજમાં પ્રશ્નો એટલાં ભર્યાં છે કે.... ન પૂછો વાત! આમાં શું કવિતા લખાય!
વૈદેહીએ એ ગુપ્ત જગ્યા વિશે મને જણાવવાની સ્પષ્ટ ના પાડી દીધી! અલબત્ત, એ જગ્યા વિશે એવું કુતૂહલ નથી કે, ‘ત્યાં શું હશે? એ જગ્યા કેવી હશે? એ જગ્યા ક્યાં છે? એ જગ્યા ગુપ્ત રાખવાનું કારણ શું?’ એ બધું જાણીને મારે શું કરવું છે? પણ મને એ જગ્યા વિશે જણાવવામાં તેને શું વાંધો? ને હું કંઈ પત્રકાર નથી કે બીજા દિવસે એ જગ્યા વિશેની માહિતી ન્યુઝમાં આવી જાય. કોઈ મહાબુદ્ધિમાને કેટલું મગજ દોડાવીને મને અહીં પહોંચડ્યો! કાલે રાત્રે મેં બરાબરનો માર ખાધો અને આજે ડૂબતાં બચ્યો. ટૂંકમાં, એ કહેવામાં અતિશયોક્તિ નથી કે વૈદેહીને બચાવવા માટે મેં જીવના જોખમે ચૌદસો કિલોમીટરની યાત્રા કરી છે- સોરી, પેલાંએ કરાવડાવી છે! આ બધું શા માટે? વૈદેહી માટે જ ને? એણે તો કહી દીધું, ‘તું અમારા પરિવારનો નથી’. સાવ આવું કરવાનું હોય, યાર? વૈદેહીએ હજી સુધી મારો આભાર પણ નથી માન્યો.
અરે, વૈદેહી આપઘાત કરવા તૈયાર થઈ ગઈ હતી. આવી સમસ્યામાં ફસાયેલો માણસ સભ્યતાને વળગી રહે?
વાત સભ્યતાની જરાય નથી. ફોર્માલીટિ ખાતર ‘થેંક્સ’ કહેવામાં હું જરાય નથી માનતો. ચહેરા પર કૃત્રિમ હાસ્ય ઉપજાવીને ‘થેંક યુ વેરી મચ’ કહેનાર વ્યક્તિ છપ્પન ભોગનું ચિત્ર દેખાડીને સામેની વ્યક્તિનુ પેટ ભરવાનો પ્રયત્ન કરે છે! વાત અહીં સાહજિક કૃતજ્ઞતાની છે. કોઈ માણસ પોતાનું બધું જ પડતું મૂકીને આપણી મદદે આવે ત્યારે તો અંતરનાં ઊંડાણમાંથી આભારદર્શક શબ્દો આપોઆપ સરી પડે. તો શું પોતાના અંતરનાં ઊંડાણમાંથી આવતા અવાજને સાંભળતી નથી? કે હું ત્યાં સુધી પહોંચી શક્યો નથી?
“આવી ગયું ભમરાહ.” વૈદેહી બોલી.
“ક્યાં છે?”
મારો આ પ્રશ્ન નિરર્થક નથી! મેં આજુબાજુ નજર ફેરવી. વૃક્ષોની ગીચતા જરાય ઘટી નથી. હા, એ તો સારું કહેવાય. પણ મકાનો તો દેખાવા જોઈએ કે નહિ? આ તો ઝાડવાઓની વચ્ચે ક્યાંક ક્યાંક ઝૂંપડાઓ દેખાય છે. વિશિષ્ટ પ્રકારના છોડ ચારે તરફ ઉગાડીને કરેલી વાડની આગળની તરફ ઝાંપો મૂકીને ‘કમ્પાઉન્ડ’ બનાવ્યું છે અને તેની અંદર માટી અને છાણની દીવાલો તથા સૂકાચારાની છતથી બનાવેલું ઘર છે. આવી જ રચનાઓ આખાય ભમરાહમાં છૂટીછવાઈ જોવાં મળે છે. એમાં વળી ત્યાં દૂર એક ઘર પર તો લાલ રંગનો વત્તાકાર પણ છે. મેં વૈદેહી સામે જોયું. બંને હાથ કમર પર ટેકવીને અને આંખો ઝીણી કરીને તે મારી સામે તાકી રહી છે.
“ભમરાહ આવ્યું છે, અમદાવાદ નહિ!” તે બોલી.
“હા, પણ ભમરાહને ગામ ન કહેવાય.” મેં કહ્યું.
“કહેવાય.”
“ના રે! આવું હોય ગામ? જંગલ અને પહાડો વચ્ચે પાંચ-સાત ઝૂંપડા એટલે ગામ?”
“તેર ઘર છે ભમરાહમાં.” તે બોલી.
“અરેરે! અમદાવાદનેય આંટી ગ્યું ભમરાહ તો!” મેં મજાક કરી.
“અમદાવાદનાં બખાડા કરતાં અહીંની શાંતિ ઘણી સારી.”
“તો અહીં રહેવા છતાંય તારા જીવનમાં કેમ.....”ભૂલ કરી નાંખી!
તેના હાથ કમર પરથી લસરી પડ્યાં. તે ઉદાસ થઈને બોલી-
“વાત સાચી છે તારી, વેદ.”
“ચાલ, આપણે તારા ઘરે જઈએ.” વાત બીજે વાળવા હું પ્રયત્ન કરી રહ્યો છું- “મારે તારું ઘર જોવું છે, વૈદેહી, ચાલ!”
“આવાં મજાના ગામમાં પણ હું એ હદે દુઃખી છું કે.....”
“મને તરસ પણ બહુ લાગી છે, યાર! જલદી ચાલ!”
“કે ભમરાહ માતા માનીને પૂજે છે એ નદીમાં હું મરવા પડી હતી.”
“અરે, તું તો પાછી ‘સૅડ’ થઈ ગઈ!”
વૈદેહી ચૂપ રહી. મારી મજાકથી એને કંઈ ફરક નથી પડ્યો. ના શું પડે? હમણાં હસાવી દઉં તેને...
“એય, વૈદેહી....” હું મસ્તીભર્યા સ્વરે બોલ્યો- “દરબારી ચાલુ કર, દરબારી! વન, ટુ, થ્રી... સ્ટાર્ટ... સારેગમપધની....... નીધમ...પ...સા...ગ....ગ.... ધ... રે....મ... રે... સા.. રે..... સારે મરે... મરે સારે... સારે મરે... ભલે મરે........ મને નથી આવડતું, યાર!”
તે ખડખડાટ હસી..... બોલી- “પાગલ.....!”
“ચાલો હવે, ભમરાહનાં રાજકુમારીજી!”
અમે ચાલ્યા.
અહીં ચાર પગદંડીઓનો સંગમ થાય છે. એક તો અમે આવ્યાં એ અને એ સિવાય ત્રણ પગદંડીઓ છે. ચારેય પગદંડીઓ પરસ્પર કાટખૂણે મળે છે અને ચોકડી બનાવે છે. અમે જમણી બાજુ વળ્યાં. મારે ભમરાહ કેટલાં દિવસ રોકાવાનું છે એ નક્કી નથી. ભમરાહનો નકશો મારે મગજમાં બેસાડવો પડશે. મને લાગે છે કે આ ચોકડીથી જ આખું ભમરાહ મગજમાં સ્પષ્ટ થઈ જશે. અહિં મેં વૈદેહીને રાજકુમારી કહી એટલે આ ચોકડીનું નામ રાખીએ ‘રૉયલ ચોકડી’. તો, રૉયલ ચોકડીની બે દિશાઓની મને જાણ થઈ, એક દિશા નદી તરફ અને બીજી વૈદેહીન ઘર તરફ. બાકીની બે દિશાઓ વિશે પણ વૈદેહી પાસેથી જાણી લઈશ. નદીએથી આવીએ અને રૉયલ ચોકડીએથી જમણે વળીએ એટલે વૈદેહીના ઘર તરફની પગદંડી પકડાય. રૉયલ ચોકડીથી વૈદેહીનું ઘર કેટલે દૂર છે એ હમણાં જાણ થઈ જશે.
વૈદેહી મારી કદર નથી કરતી? મારે એવી અપેક્ષા રાખવી જોઈએ? હું અહીં વૈદેહીની મદદ કરવા આવ્યો છું કે વૈદેહીનું ધ્યાન મારા તરફ આકર્ષિત કરવા? નદીકિનારે મેં વિચાર્યું હતું ને, કામ કરવા કરતાં કામ કર્યાંનો યશ લેવો આપણે મન વધુ અગત્યનો છે. પણ એનો અર્થ એ તો નહિ ને કે કોઈની સાથે મારાં સંબંધો બને જ નહિ?
પપ્પાની એક વાત બિલકુલ સાચી પડી રહી છે. તેમણે મને એમ કહીને મોકલ્યો હતો કે, ‘આ યાત્રા થકી સમજણયાત્રામાં તને ગતિ મળે એની શક્યતાઓ ઘણી વધારે છે.’ એ વાત સત્ય સિદ્ધ રહી છે. ઘણાં મુદ્દાઓ પર મારું ધ્યાન ગયું છે. સમજણની દિશામાં હું ગતિ પામી રહ્યો છું.
નદીએથી ચાલવાનું શરૂ કર્યું ત્યારથી માંડીને અત્યાર સુધીના રસ્તામાં અને રસ્તાના પરિસરમાં કોઈ જ ફેરફાર થયો હોય તેવું લાગતું નથી. એવું લાગે છે કે હજી ત્યાં જ છીએ, જ્યાંથી શરૂઆત કરી હતી. એ જ વૃક્ષો, એ જ માટી, એ જ પંખીઓ અને એ જ વૈદેહી! એવું લાગે છે કે ભ્રામક રસ્તો છે આ, જે ક્યારેય પૂરો જ નહિ થાય!
હા, એક રીત એમ લાગે છે કે કંઈ જ બદલાતું નથી અને એમ પણ લાગ્યા કરે છે કે કશુંક નવું મારી સમક્ષ રજુ થઈ રહ્યું છે. સતત નાવીન્ય અનુભવાય છે. કવિતા કેમ સ્ફૂરતી નથી? અત્યારે હું બહુ વધારે તર્ક કરી રહ્યો છું. તર્ક તેજ થઈ જાય એટલે કવિતા ન થાય? આ જબરું!
અમે રૉયલ ચોકડીથી દૂર આવી ગયાં છીએ. રોયલ ચોકડીએથી જે મકાનો દેખાતાં હતાં તે હવે નથી દેખાતાં. એનો અર્થ એ કે ભમરાહનાં છેવાડે વૈદેહીનું ઘર છે. એક તો ખોબા જેવડું ભમરાહ ગામ અને એનાંય છેવાડે ઘર! હમણાં જોયાં હતાં તે ઘર જેવું જ એક ઘર સામે દેખાયું. ફરતે કરેલી વાડની અંદર એક કાચું મકાન દેખાયું.
વાડના ઝાંપે પહોંચીને હું બોલ્યો- “આ જ આપણું ઘર, હેં ને?”
“તારું નહિ, મારું” કહીને વૈદેહીએ ઝાંપો ખોલ્યો.
“અરે, હા!” હું અંદર પ્રવેશતાં બોલ્યો- “તારું નહિ, મારું.”
ઝાંપાથી ઘરનાં દરવાજા સુધીનાં બારેક ડગલાંના રસ્તા પર અડધે પહોંચેલી વૈદેહી અટકી. મેં ઝાંપો બંધ કર્યો. ઘર તરફ ફર્યો. ઝાંપાથી ઘરના મુખ્ય દરવાજા સુધીની સાંકડી પગદંડીની બંને બાજુએ વાડી કરેલી છે, જેમાં શાકભાજી ઊગાડેલાં છે. તેનાં પાંદડાં સૂકા પડી ગયાં છે... વૈદેહીની જેમ!
“તારું?” વૈદેહીએ પૂછ્યું.
“ના.” કહીને હું ઘરના દરવાજા તરફ ચાલ્યો.
“તો હમણાં શું બોલ્યો હતો?” તે ઘરના દરવાજે પહોંચી.
“મારું.” હું ગંભીર સ્વરે બોલ્યો.
“હમણાં તો ના પાડતો હતો.” કહી તેણે દરવાજો ખોલ્યો.
“બરાબર તો બોલ્યો.” મેં કહ્યું- “તારું નહિ, મારું.”
“ચસકી ગયું છે કે શું?” તે ઘરમાં પ્રવેશી.
“લગભગ.” હું પણ અંદર આવ્યો.
માટી લીંપીને ભોંયતળિયું બનાવ્યું છે એ શૂઝ વિનાનો ખુલ્લો પગ ઘરમાં પડતાં જ ખ્યાલ આવી ગયો! ઘરમાં આંટો મારીને મેં આખું ઘર જોઈ લીધું.
“ઘરમાં ફર્નિચર સાવ ઓછું છે.” મેં કહ્યું.
“સાવ ઓછું નથી.” તે બોલી.
“એ તો સમજાય કે ગામડાં ઘર હોય એમાં ડબલ-બૅડ અને સોફાસેટ ન હોય!”
“તો?”
“પણ એકાદ ખાટલો તો હોવો જોઈએ ને?”
“જમીન તો છે. ઈચ્છા થાય ત્યાં ગાદલું નાખીને સૂઈ જવાનું.”
“મહેમાન આવે તો?” મેં પ્રશ્ન કર્યો- “એમને પણ નીચે સૂવડાવો?”
“હજી સુધી તો કોઈ આવ્યું નથી.”
“હું નથી દેખાતો તને?”
તે વિચારમાં પડી. તેને ઉદાસીનતામાંથી બહાર લાવવા માટે હું પાગલની જેમ વર્તું છું. મારે તેની પાસેથી તેની આપવીતી સાંભળવી પડશે. વૈદેહી હતાશ હશે તો મને તેનો ભૂલકાળ કહી નહિ શકે. તે મને કંઈ જણાવી નહિ શકે તો હું તેની મદદ કેવી રીતે કરીશ? તેને ખુશ કરવી જરૂરી છે. વૈદેહી અંદરનાં રૂમમાંથી એક ગાદલું લઈ આવી. ગાદલું નીચે નાંખીને બોલી- “સૂઈ જા. લાંબી મુસાફરીને લીધે તારા મગજ પર માઠી અસર પડી છે. આરામ કર.”
“તું એકલી ઘરની બહાર જાય ને મને ઊંઘ આવે? તને આ જંગલમાં એકલી ભટકતી મૂકીને હું આરામ કરી રીતે કરી શકું, વૈદેહી?”
“ઓહોહોહો! આટલી બધી ચિંતા થાય છે?”
“હાસ્તો, થાય જ ને!”
“સૂઈ જા, ચૂપચાપ!” કહીને તે અંદરના એક રૂમમાં ગઈ.
“ત્યાં કેમ જાય છે?” મેં પૂછ્યું.
“મારે જ્યાંથી જવું હોય ત્યાંથી જઉં.” તે પાછી આવી- “તારે શું પંચાત?”
“હા, જા...” હું ગાદલામાં પડ્યો- “જ્યાંથી જવું હોય ત્યાંથી જા. જ્યાં જવું હોય ત્યાં જા. જ્યારે જવું ત્યારે જજે. મારે શું? ઘર તારું છે, ગામ તારું છે, સમસ્યાઓ તારી છે..... મારું કોણ છે અહીં? શું છે મારું? હેં? તું પણ નહિ.....”
“તારામાં આમ.... અક્કલ જેવું કંઈ છે ખરું?”
“કોઈ દિવસ તપાસ્યું નથી!”
“હે ભગવાન....” તેણે કપાળે હાથ દીધો.
“હા, રસોડામાંથી પાછળ નીકળાય છે.” મેં કહ્યું- “પણ ત્યાંથી છેક બહાર જવાય છે?” “જવાતું હોય તો જ જતી હોઉં ને!” તે બોલી.
“જા, નીકળ!”
તે ચાલી. હું ગાદલામાં આડો પડ્યો.
મારે વૈદેહીનો પીછો કરવો જોઈએ? મને એ ગુપ્ત જગ્યાની જાણ જશે. પણ... મારે શું કરવું છે એ જગ્યા વિશે જાણીને? ને આમેય હું જાસૂસ તો નથી જ. મને કોઈનો પીછો કરતાં ન ફાવે. હું પકડાઈ જઈશ તો? પછી વૈદેહી મારા પર વિશ્વાસ નહિ કરે. પછી તો તે મારી મદદ નહિ જ લે. અત્યારે એ ખૂબ જ જરૂરી છે કે વૈદેહી મારા પર પૂરો વિશ્વાસ કરે અને મને તેની તમામ વાતો જણાવે. એ સિવાય હું તેની મદદ કરી શકવાનો નથી.
મૂળ મુદ્દે વાત છે શું? વૈદેહીનું બૅકગ્રાઉન્ડ શું છે? તેની સાથે શું બન્યું છે? તે કઈ સમસ્યાનો સામનો કરી રહી છે? સૌથી વધુ રોચક પ્રશ્ન તો એ છે કે સિક્રેટ જગ્યાએ વૈદેહીને એવું શું મળશે કે જેથી તેની સમસ્યાનું નિવારણ શક્ય બને? હા, વૈદેહીના મમ્મી-પપ્પા ક્યાં છે? આ ઘરમાં તે એકલી જ રહે છે? વૈદેહીના પપ્પા વિશે તો કોઈ જાણતું નથી પણ મમ્મીનો શું પ્રશ્ન ઉદ્ભવ્યો છે?
વૈદેહી મૂળ ભમરાહની નથી એ તો હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું. વૈદેહી ભમરાહની નથી એની પ્રથમ સાબિતી કંડક્ટરની વાતો પરથી મળે છે. તેણે જણાવ્યું હતું કે વૈદેહી તેની મમ્મી સાથે એક વર્ષ પહેલાં ભમરાહ આવી હતી. ને ભાઈ, ભમરાહની કઈ છોકરી અનારકલી કુર્તી અને એની ઉપર કોટી પહેરતી હોય? ભમરાહની છોકરીને એકદમ શુદ્ધ ગુજરાતી આવડતું હોય? ભમરાહમાં શાસ્ત્રીય-સંગીતના ક્લાસીસ ચાલે છે?! સો વાતની એક વાત, વૈદેહી ભમરાહની નથી.
શું થયો સમય? ૪.૩૪
આ ઘરમાં દીવાલ-ઘડિયાળ છે? મેં સૂતાં-સૂતાં નજર ફેરવી. હા, છે. એ ઘડિયાળ પણ સાડા ચાર દેખાડી રહી છે. અહીં પડ્યાં-પડ્યાં જ મેં ઘરમાં દ્રષ્ટિ ફેરવી. હું સૂતો છું તે ખંડ લંબચોરસ છે. મુખ્ય દરવાજામાંથી પ્રવેશ કરીએ એટલે આ ખંડમાં પ્રવેશીએ. દ્વાર પર જ ઊભા રહીએ તો સામે એક દીવાલ દેખાય છે, જેમાં બે દ્વાર છે. ડાબી તરફનાં દ્વારમાંથી રસોડામાં જવાય અને જમણી તરફનાં દ્વારમાંથી શયનખંડ કહી શકાય તેવા એક ખંડમાં જવાય. રસોડામાંથી પાછળની તરફ બહાર નીકળવાનો દરવાજો છે. પાછળ પણ વાડ કરેલી છે. આખાય ઘરમાં એકેય વિદ્યુતીય ઉઅકરણ નથી. ટ્યુબલાઈટ કે બલ્બ પણ નથી. ભમરાહમાં ઈલેક્ટ્રિસીટી તો ન હોય ને! દરેક ખંડમાં બે બારીઓ છે. બારીઓમાં સળિયાં નથી અને લાકડાની આ બારીઓ બંધ થઈ શકે છે. બારીઓ પ્રમાણમાં મોટી છે. દરવાજો બંધ હોય તો બારીમાંથી પણ આવ-જા કરી શકાય! ઘરમાં પૂરતાં પ્રમાણમાં હવા-ઉજાસ રહે છે. ઘરમાં સામાન પણ ઓછો છે. હું હમણાં રસોડામાં ગયો હતો. રાંધવાનું કામ ચૂલા પર થાય છે. બળતણ તરીકે લાકડાં વપરાય છે. બે ચૂલાઓ છે. એક ઘરમાં-રસોડામાં છે અને બીજો બહાર. વરસાદ વખતે જ અંદરનાં ચૂલાનો ઉપયોગ થતો હશે. બાકીનો સમય તો બહારનો ચૂલો ઉપયોગમાં લેવાતો હશે.
વૈદેહી..... તે એ ખાનગી જગ્યાએ પહોંચી ગઈ હશે? તેને ત્યાં શું મળ્યું હશે? હવે શું સમસ્યા બાકી છે? કે હવે જ મુખ્ય સમસ્યા શરૂ થાય છે?
પણ આ બધી બાબતો વિશે મારે આટલી ગંભીરતાથી વિચારવું જોઈએ? મેં વૈદેહીને મરતી બચાવી હવે શેઠનો મામલો પૂરો થશે. આટલું પૂરતું નથી? જો વૈદેહીને મારી કદર ન હોય કે મારી મદદની જરૂર ન હોય તો પછી મારે અહીં રોકાવું ન જોઈએ. બળજબરીપૂર્વક તો મદદ ન કરાય!
એ વિકલ્પ યોગ્ય લાગે છે કે વૈદેહી વિનંતી કરશે તો તેની મદદ કરીશ. નહિંતર, ઘર ભેગો. પરંતુ, વૈદેહી વિનંતી ન કરે અને આયોજક હુકમ કરે તો? તો શું? આયોજકને જે કહેવું હોય તે કહે, મને જે યોગ્ય લાગશે એ જ હું કરીશ. હવે હું તેનું કહ્યું માનવાનો નથી. એણે મને ભયંકર હેરાન કર્યો છે. આયોજક કહે એમ કરવાનું છે મારે? મારું જીવન મેં એ આયોજકના ચરણોમાં સમર્પિત નથી કર્યું. એ મારો માલિક નથી. હું સ્વતંત્ર છું.
નજર રસોડાનાં દરવાજે ગઈ. વૈદેહી ઊભી છે. તે આ તરફ દોડી. હું બેઠો થયો ન થયો ત્યાં સુધી તે મારા સુધી પહોંચી ગઈ. તે મને વળગી પડી. તે દોડતી આવી હતી અને મને ભેટી. એ ધક્કાથી હું પાછો સૂઈ ગયો. તે મારી ઉપર છે. તે બોલતી રહી-
“થેંક યુ, થેંક યુ, થેંક યુ,.....”
મારી નાખ્યાં.....!
તે છૂટી પડી. બેઠી થઈ. આ શું થઈ ગયું આને?
હું બેઠો થયો. તે બોલી-
“વેદ, આ જો.....”
તેણે એક હાથ મારી સામે ધર્યો. મેં જોયું. ઘરેણાં છે.
“શેઠ આ માંગતો હતો?” મેં પૂછ્યું.
“હા!” તે હરખાઈ રહી છે.
“એટલે પ્રોબ્લેમ સૉલ્વ?”
“હાસ્તો!”
“અરે, વાહ!” હું પણ ખુશ થયો.
“તારી વાત સાચી પડી, વેદ!” વૈદેહી ઝૂમી રહી છે.
તે મારી બાજુમાં બેઠી.
“શેઠ અહીં જ આવશે?” મેં પૂછ્યું.
“હા.” તે સામેની દીવાલ પર લગાવેલી ઘડિયાળમાં જોઈને બોલી- “પાંચ વાગી ગયાં. શેઠ કેટલાં વાગ્યે આવશે?”
“છ વાગ્યે.” મેં કહ્યું.
હવે હું શું કરું? મેં મારી બાજુમાં બેઠેલી વૈદેહી સામે જોયું. તે મારી સામે જોઈ રહી છે. તેની આંખો ફરી સહેજ ભીની થઈ રહી છે. તે એકધારું મારી સામે તાકી રહી છે.
“શું થયું પાછું?” મારાથી પૂછાઈ ગયું.
“તેં મને બહુ મદદ કરી, વેદ!” તે ગળગળી થઈને બોલી- “થેંક યુ, વેદ!”
હું ચૂપ રહ્યો. તે ભાવભીના સ્વરે બોલતી રહી-
“મને સમજાતું નથી કે કઈ રીતે તારો આભાર માનવો.”
“વૈદેહી....” તેનાં ખભા પર હળવેથી હાથ મૂકીને હું બોલ્યો- “હું જાણું છું તારી સમસ્યાઓનો અંત નથી આવ્યો. હજી ઘણાં પ્રશ્નો બાકી છે, જે તને શાંતિથી શ્વાસ પણ નથી લેવા દેતાં.
“વેદ..... તું હજી મારી મદદ કરીશ?”
“કેમ નહિ?” હું વટથી બોલ્યો- “એટલે જ તો આવ્યો છું. બધું થાળે પાડી દઈશું આપણે!”
તે સહેજ હસી. આ ‘ફોર્મલ’ હાસ્ય નથી, ઊંડાણમાંથી ઉઠેલું હાસ્ય છે. એટલે જ મને છેક ઊંડે સ્પર્શ્યું.
મને પત્રમાં લખેલી વિગતો યાદ આવી. મને હજી સુધી વૃંદા મળી નથી. તે આ ઘરમાં જ રહે છે કે બીજા ઘરમાં? તેના પિતા- ડૉ.વિનયકુમાર મને મળશે? એટલે કે, વૃંદા તેનાં પરિવારસહિત ભમરાહમાં રહે છે કે એકલી? વૈદેહી પાસેથી બધું જાણવું પડશે?
“આપણે હવે શું કરવું છે, વૈદેહી?”
“શું કરીશું?” તેણે મને પૂછ્યું.
“જો તું મને જરા જમાડી શકે તો મારા પર મોટો ઉપકાર ગણાશે તારો!” મેં કહ્યું- “સખત ભૂખ લાગી છે.”
“ક્યારનો ભૂખ્યો છે?” તેણે સવાલ કર્યો.
“ગણોને....” જરા વિચારીને હું બોલ્યો- “નાસ્તાને ભોજનમાં ન ગણીએ તો છેલ્લે.... કાલે બપોરે જમ્યો હતો. ગઈ કાલે રાત્રે સહેજ નાસ્તો કર્યો હતો અને આજે બપોરે પણ નાસ્તો જ કર્યો હતો.”
તે ઊભી થઈ. બોલી-
“પહેલાં નાહી લઈએ. પાછળ બાથરૂમ પણ છે અને ચોકડી પણ. હું બાથરૂમમાં નાહીશ અને તું ચોકડીમાં નાહી લે. મુસાફરીનો થાક ઊતરી જશે.”
“હા, સાચી વાત છે.” હું બેઠેલો રહીને બોલ્યો.
તે અંદરનાં રૂમમાં ગઈ છે. મેં મારી બૅગ નજીક ખેંચી. ચેઈન ખોલી. વૈદેહીએ અંદરનાં ઓરડામાંથી બૂમ ફેંકી-
“વેદ, તારા કપડાં અને ટુવાલ લાવ્યો છે ને?”
“હા.”
મેં બીજી જોડ કપડાં અને ટુવાલ કાઢીને બૅગ બંધ કરી. વૈદેહી તે રૂમમાંથી બહાર નીકળી. તેનાં હાથમાં બીજી જોડ કપડાં અને ટુવાલ છે.
“ચાલ...” તે રસોડામાં ગઈ.
હું તેની પાછળ ગયો. રસોડામાંથી પાછળની તરફ બહાર આવ્યાં. ઠંડો પવન અનુભવાયો કે તરત જ હું બોલ્યો-
“સવા પાંચ થયાં તો પણ પવન બહુ ઠંડો થઈ ગયો છે.”
વૈદેહી બાથરૂમ તરફ ચાલી. મેં આજુબાજુ નજર કરી. ઘરની આગળની તરફ જેટલી જગ્યા છે તેટલી જ જગ્યા આ તરફ પણ છે. આ જગ્યા પણ વાડથી ઘેરાયેલી છે. બંને તરફની વાડ ખાસી ઊંચી છે. મારી ઊંચાઈ જેટલી ઊંચી વાડ બંને તરફ કરેલી છે. ભેદ માત્ર એટલો જ છે કે અહીંયા વાડમાં ઝાંપો નથી. અર્થાત્, અહીંથી બહાર નીકળી ન શકાય. આ તરફ ઘરની દીવાલને સ્પર્શતો ચૂલો બનાવેલો છે. તેની બાજુમાં ચૂલામાં બળતણ તરીકે વપરાતાં લાકડાંનો ઢગલો છે. આ જગ્યાની મધ્યમાં કૂવો છે.
“રાત્રે તો જોરદાર ઠંડી પડશે.” બાથરૂમમાં કપડાં અને ટુવાલ મૂકીને પાછી આવેલી વૈદેહીએ મને કહ્યું.
“ઓઢવાની સગવડ છે ને?”
“હોય જ ને!” તે હવે ખુશીથી બોલી રહી છે- “સૂર્ય છે ત્યાં સુધી નાહી લેવું સારું. સૂર્યાસ્ત પછી ન્હાવા બેસો તો હાડકાં થીજી જાય!”
“તો તો તાબડતોબ નાહી લઈએ.”
“પાણી કૂવામાંથી કાઢવું પડશે.” કહીને તેણે દોરડાથી બંધાયેલી ડોલ કૂવામાં નાખી..... ધબાક્.....
“મારું પાણી હું જાતે કાઢી લઈશ.” કપડાં અને ટુવાલ રસોડાના ઉંબરે મૂકીને મેં કહ્યું.
“તે આમેય હું નહોતી કાઢી આપવાની.” તેણે ડોલ ખેંચતા જવાબ વાળ્યો.
“મહેમાન સાથે આવું વર્તન કરાય?”
“ખબર નહિ.” એ ડોલનું પાણી બાજુમાં પડેલી ખાલી ડોલમાં નાખતાં તે બોલી- “ભમરાહમાં આવ્યા પછી તું પહેલો મહેમાન-”
“પહેલાં ક્યાં રહેતા હતાં?” મેં પૂછી નાખ્યું.
“અત્યારે ન્હાવામાં ઉતાવળ કર. આ બધી વાતો તો પછી કરવાની જ છે.” તે ડોલ ઊંચકીને બાથરૂમ તરફ ચાલતી થઈ.
“પેટનો ખાડો પણ પૂરવાનો છે!” મેં યાદ કરાવ્યું.
“યાદ છે મને.” કહીને તેણે બાથરૂમનું બારણું બંધ કર્યું.
મેં ડોલ કૂવામાં નાખી..... ધબાક્
“વેદ, જલદી કરજે.” બંધ બારણામાંથી વૈદેહીની બૂમ સંભળાઈ- “હું બહાર આવું એ પહેલાં કપડાં પહેરી લેજે.”
“હું કપડાં ન પહેરી લઉં ત્યાં સુધી બહાર ન આવતી.” મેં ડોલ ઉપર ખેંચતા કહ્યું.
“છાનોમાનો નાહી લે....” તે બંધ બારણે બોલી- “નહિંતર ઠરી જઈશ.”
મેં કપડાં ઊતારીને બાજુમાં મૂક્યાં. ન્હાવા માટે ડોલની સાથે એક ગ્લાસ પણ છે. નાહ્યો. મજા આવી ગઈ. પાણી ઠંડુ છે! પહેલી વાર પાણી શરીર પર રેડ્યું ત્યારે તો આખા શરીરને ઝાટકો લાગ્યો હતો! જ્યાં પાણી રેડ્યું હતું ત્યાં શીતળ પવનના કારણે ઠંડુ ઠંડુ લાગ્યું! જાણે બરફ ન મૂક્યો હોય! બીજી વખત પાણી શરીર પર રેડવા માટે ખાસી હિંમતની જરૂર હતી. પણ મેં એ સાહસ કર્યું! પછી તો મજા પડવા લાગી. શિયાળાની સાંજનો કૂણો તડકો, જંગલો અને પર્વતો, મસ્તીભર્યો પવન અને કૂવાનું પાણી..... મજા જ આવે ને! મુસાફરીનો બધો થાક ઊતરી ગયો. બીજી ડોલ ભરવાનું મન થયું. પણ જેવું પાણી પર રેડવાનું બંધ કર્યું કે તરત જ સખત ઠંડી લાગવા માંડી. આખું શરીર ધ્રુજવા લાગ્યું. બીજી ડોલનો વિચાર માંડી વાળ્યો!
શરીર બરાબર કોરું કરીને કપડાં પહેર્યાં. મુસાફરીમાં મેલાં થયેલા કપડાં ધોઈ નાખું? પેલી તો ડોલ પણ નથી ભરી આપતી, કપડાં શું ધોઈ આપવાની! મેં બીજી ડોલ ભરી અને કપડાં ધોવા લાગ્યો. હૉસ્ટેલમાં રહેવાને લીધે હું કપડાં ધોતાં શીખી ગયો છું. કપડાં રાત્રે સૂકાઈ જશે? લગભગ તો નહિ સૂકાય. સવારના તડકામાં સૂકાઈ જશે. પણ કપડાં અત્યારે ધોઈ જ નાખું. કોણ જાણે કાલે સવારે શું બને અને કપડાં ધોવાનો તો શું, બ્રશ કરવાનો સમય પણ ન મળે!
બાથરૂમનું બારણું ખુલ્યું.
કાળી લેગીંગ્સને કારણે તેનાં પગનાં પંજા વધુ શ્વેત અને મુલાયમ લાગી રહ્યાં છે. ઘેરા કેસરી રંગની, જરા મોટા ઘેરવાળી અને આખી બાંયની અનારકલી કુર્તી વૈદેહીના શરીર પર શોભી રહી છે. ને વૈદેહીનો ચહેરો તો સૌંદર્યથી ભરપુર હોય જ.... હંમેશાં!
“ખૂબ જ સુંદર લાગે છે.” મારાથી બોલાઈ ગયું.
“છું જ.” તે બહાર આવીને બોલી- “ખબર છે મને.”
મારા હોઠ સીવાઈ ગયાં.
રસોડાના દરવાજે આવીને અટકી. બોલી-
“તું કપડાં ધોઈ રહે પછી આપણે રાંધીએ.”
“આપણે?”
“એટલે.... હું રાંધીશ.... તું બાજુમાં બેસજે.”
“હં, એમ ચોખવટ કરવી!”
“અહીં, બહારનાં ચૂલા પર જ રાંધીશું. “ બોલીને તે અંદર ગઈ.
તેની વાત વાજબી છે. અંદરનાં ચૂલા પર રાંધીએ તો પરસેવે રેબઝેબ થઈ જઈએ. સ્નાન કર્યાનો કંઈ અર્થ ન રહે. હા, એ ચૂલા પર એક બારી ગોઠવી છે, જેથી ધૂમાડો બહાર નીકળી જાય. પણ એ વ્યવસ્થા સંપૂર્ણ સફળ નથી લાગતી. ઘરમાં ધૂમાડો થતો હશે. વરસાદ પડે ત્યારે એ ચૂલાનો ઉપયોગ કરવો પડતો હશે.
કપડાં ધોવાઈ ગયાં. કપડાં સૂકવવા માટે દોરી અહીં બાંધેલી છે. મેં ત્યાં કપડાં સૂકવ્યાં. વૈદેહીએ રસોઈનાં વાસણો બહાર લાવી દીધાં છે. ચૂલાની સામે ઈંટ જેવા પથ્થર પર તે બેઠી. બીજો એવો પથ્થર શોધીને હું તેના પર બેઠો. ચૂલામાં લાકડાં ગોઠવીને વૈદેહી બોલી-
“શરૂ કરીએ...”
“હા, રાંધવાનું અને જાણવાનું.” મેં કહ્યું- “મારે તારા વિશે અને તારે મારા વિશે જાણવાનું છે.”
“બટાકા-પૌંઆ બનાવીએ.” તેણે કહ્યું- “બનાવવામાં વધારે સમય નહિ બગડે. ભાવશે?”
“હા, પણ ભૂખ વધારે લાગી છે.”
“વધારે જ બનાવવાના છે.” તે હસીને બોલી- “પેટ ભરાઈ જશે. મને પણ ખૂબ જ ભૂખ લાગી છે. ઘણાં દિવસોથી મેં પણ સરખું ભોજન નથી લીધું. ને હા, અંદર કોથમીર નાંખીશું ને?”
“હઓ રે, મજા આવશે!”
“બૈદેહી.....” ક્યાંકથી બૂમ સંભળાઈ.
“શેઠ આવ્યો...” કહેતી વૈદેહી ઊભી થઈ.
હું પણ ઊભો થયો. અંદર આવ્યાં. વૈદેહીએ શેઠની વસ્તુઓ લીધી. અમે દરવાજે પહોંચ્યા.
“યે લીજીએ.” વૈદેહીએ એ ઘરેણાં શેઠને ધર્યાં.
શેઠે તે ઘરેણાં હાથમાં લીધાં. પાછળ ઊભેલઆં ત્રણેય પહેલવાનોની આંખો ચમકી.
“આપકી ચૂડિયાં!” મેં ટીખળ કરી.
“હમરી ચૂડિયાં?” તે ગુસ્સે થયો.
“આપકી નહિ હૈ ક્યા?”
તે મારી સામે રોષભરી નજરે તાકી રહ્યો.
“આપકી પત્નીજી કી ચૂડિયાં, આપકી અમાનત.” વૈદેહીએ સુધાર્યું!
શેઠે એ ઘરેણાં તપાસ્યાં.
“અબૈન તક કાહે નઈ લૌટાયઈ થી?” તેણે વૈદેહીને પૂછ્યું.
વૈદેહીને કંઈ જવાબ ન સૂઝ્યો. તે એમ જ ઊભી રહી. હું બોલ્યો-
“મૈં છીપા કે ગયા થા! ઇસકો મિલ હી નહિ રહા થા!”
“બૈદેહી, અબ ન આયગ યહાં. લે-દેન ખતમ.” કહીને તે પાછો વળ્યો.
તે ઝાંપાની બહાર નીકળ્યો. એક પહેલવાને ઝાંપો બંધ કર્યો. પછી વૈદેહી મારી સામે હસીને બોલી-
“ખરો છે તું ય!”
જવાબમાં હું હસ્યો.
અમે ચૂલા પાસે પરત ફર્યાં. વૈદેહીએ હાથ ધોયાં. એક તપેલામાં પાણી ભર્યું અને તેમાં પૌંઆ નાખ્યા. પૌંઆ ધોવા લાગી. વાત શરૂ કરી-
“તો, હું વૈદેહી. પિતાનું નામ વશિષ્ઠકુમાર અમે માતાનું નામ વનિતાબેન. મમ્મી ગૃહિણી અને પપ્પા વિજ્ઞાની છે.”
“હેં? વિજ્ઞાની?” મારાથી બોલાઈ ગયું.
તે ઊભી થઈ. પૌંઆનું વાસણ લઈને થોડે દૂર ગઈ. પાણી નીતારતાં બોલી-
“આમ વચ્ચે હેં-હેં ન કર. ને તારે મદદ કરવી હોય તો કોથમીર સમારવાનું શરૂ કર.”
“આગળ બોલ.” કહીને મેં કોથમીર સમારવાનું શરૂ કર્યું.
“પપ્પા ભૌતિકવિજ્ઞાનમાં Ph.D. થયેલાં છે.”
હું તેની વાત સાંભળી રહ્યો છું. તેણે લીલાં મરચાં સમારવાનું કામ શરું કર્યું. બોલી રહી છે-
“મારો જન્મ અમદાવાદમાં થયેલો. હું એકની એક દીકરી છું. હું અમદાવાદમાં જ ભણી. ત્યાં અમારા પાડોશી હતાં વિનયકાકા. બહુ સારા માણસ છે. મારા પપ્પાનાં તેઓ ખાસ મિત્ર છે. વિનયકાકા જીવવિજ્ઞાનમાં નિષ્ણાત છે. તેઓ પણ પપ્પાની જેમ પ્રોફેસર છે. વિનયકાકાનાં પત્નીનું નામ વીણામાસી. તેમની દીકરીનું નામ વૃંદા. એ મારા જેટલી સુંદર નથી.”
“આહ!” મારાથી બોલાઈ ગયું- “આમાં ક્યાં સુંદરતાની સરખામણી કરવાની છે? તારા જેવું રૂપાળું કોઈ નહિ, બસ?”
મારી વાત અવગણીને વૈદેહીએ ચૂલો પેટાવ્યો. મને એ જોવાની મજા પડી. અમદાવાદમાં ઊછરેલી છોકરી ચૂલો ફૂંકતા શીખી ગઈ! બટાટા બાફવા મૂકીને તેણે વાત આગળ વધારી-
“વૃંદા મારાથી બે વર્ષ નાની છે. તે ભણવામાં ઘણી હોંશિયાર છે. નાની હતી ત્યારે હું પણ હોંશિયાર હતી. મોટી થતી ગઈ તેમ સંગીતમાં રસ વધતો ગયો અને ટકાવારી ઘટતી ગઈ. અગિયારમાં ધોરણમાં હું આર્ટ્સના વિષયો સાથે આગળ વધી. એ વખતે વૃંદા નવમાં ધોરણમાં હતી. એ તો હજીય એવી જ હોંશિયાર છે. દસમાં પછી વિજ્ઞાનપ્રવાહ સાથે આગળ વધી અને જબરદસ્ત રિઝલ્ટ લાવી. અત્યારે તે મુંબઈની ભીમ્સ કોલૅજમાં ભણે છે. ભીમ્સ એટલે શું એ તને ખબર છે?”
“બોમ્બે હૉસ્પિટલ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસ.”
“બરાબર. મને યાદ નહોતું.” કહીને તે સહેજ હસી.
બટાટાં બફાઈ ગયાં છે. તેનું પાત્ર ચૂલા પરથી ઉતારવા માટે વૈદેહી એ એક કપડું લીધું. તેનાથી પાત્ર પકડીને નીચે ઉતાર્યું. બટાટા એક થાળીમાં કાઢ્યાં. મેં સમારેલી કોથમીર તેને આપી. તેણે બફયેલાં બટાટાં સમારવાનાં શરૂ કર્યાં.
આમ તો મારા માટે વૃંદાનું પ્રકરણ હજી શરૂ નથી થયું. પત્રમાં લખ્યું હતું કે ભમરાહમાં મને ડૉ.વિનયની દીકરી વૃંદા મળશે. મારે તેની સંભાળ લેવાની છે તેવી સૂચના એ પત્રમાં હતી. વૈદેહીના કહેવા પ્રમાણે વૃંદા તો અત્યારે ભીમ્સમાં-મુંબઈમાં છે. હા, વૃંદા ભણવામાં વૈદેહી કરતાં ઘણી વધુ હોંશિયાર કહેવાય. કદાચ, તે મારા કરતાં પણ વધુ હોંશિયાર ગણાય. મારે બારમાં ધોરણમાં ટકાવારી તો એટલી ઊંચી હતી કે સારામાં સારી એન્જીનિયરીંગ કોલેજમાં પ્રવેશ મળી શકે. પણ પહેલેથી મને સમજવામાં રસ છે. એટલે જ તો મેં ‘એપ્લાયડ સાયન્સ’ કહી શકાય તેવા એન્જીનિયરીંગને બદલે ‘બેઝિક સાયન્સ’ કહી શકાય તેવા B.Sc.માં એડમિશન લીધું. હા, વૃંદાના પિતા ડૉક્ટર છે એટલે તેનું સપનું પણ ડૉક્ટર બનવાનું હોય એમાં નવાઈ નહિ. વળી, એ ભીમ્સમાં પ્રવેશ મેળવી શકી છે એટલે તો દેશના ઉત્તમ ડોક્ટર્સના લિસ્ટમાં તેનું નામ આવશે.... મારે તેને સાચવવાની છે...!
હું એ તો સમજી શક્યો છું કે ટકાવારી અને સમજદારીને ખાસ સંબંધ નથી. એ જ રીતે વૃંદા વિશે કંઈ પણ કહેવું અઘરું છે. તેને મળ્યાં પછી જ તેની સમજદારીનો અંદાજ લગાવી શકાય. બાય ધ વે, શરીરના રૂપને સમજદારી સાથે ન્હાવા-નીચોવાનોય સંબંધ નથી એ તો જોઈ જ લીધું!!
વૈદેહીએ વાત આગળ વધારી-
“હું કોલેજમાં આવી ત્યારથી પપ્પા અને વિનયકાકા કોઈ એક વિષય પર ખૂબ ચર્ચાઓ કરવા લાગેલાં. આમ તો, એ બંને વિજ્ઞાનીઓ આખો દિવસ આવી જ ચર્ચાઓ કરે છે. અમારે તેમને બીજા રસ્તે વાળવા પડે છે! કાકા રોજ રાત્રે અમારા ઘરે આવતાં અને બંને વિજ્ઞાનીઓ મોડે સુધી ચર્ચા કરતાં. મને અને મમ્મીને તો એમાં જરાય રસ ન પડે. અમે તો સૂઈ જતાં! વૃંદા માટે પણ એ વિષય મગજ ફેરવી દેનાર હતો! મને તો શું ખબર પડે? આમ તો તેઓ આ જ વિષય પર ઘણાં વર્ષોથી ચર્ચા કરતાં આવેલાં. હું કોલેજનાં છેલ્લાં વર્ષમાં આવી ત્યારથી તેઓ એ મુદ્દા પર ખૂબ જ ગંભીર થઈ ગયાં હતાં. તેઓ ગમે ત્યારે એની જ વાતો કર્યા કરતાં. પપ્પા પ્રયોગશાળામાં પણ જતાં અને કંઈક પ્રયોગો કરતાં. પછી અમારા પર આફત આવી હતી.”
બટાટા નાનાં કટકાંમાં ફેરવાઈ ગયાં છે. એક કડાઈ ચૂલા પર મૂકી. તેમાં થોડું તેલ નાંખ્યું. બોલી-
“હવે પછી વાતો કરીશું. વઘાર કરતી વખતે વાતો કરવાની મજા નહિ આવે.”
“ભલે.”
વૈદેહી બટાટા-પૌંઆ બનાવવાની અંતિમ વિધિમાં પરોવાઈ. સૂર્ય લગભગ આથમી જ ગયો છે. અમે વાડથી ઘેરાયેલી જગ્યામાં બેઠાં છીએ અને ભમરાહ ડુંગરાની વચ્ચે છે, એટલે સૂર્ય આથમી રહ્યો હોય તો પણ એવું જ લાગે કે સૂર્ય અસ્ત થઈ ગયો છે. ઠંડી વધતી જાય છે. ચૂલાની નજીક બેઠાં છીએ એટલે ગરમાવો રહે છે.
આ યાત્રામાં વિજ્ઞાનક્ષેત્રનાં કેટલાં બધાં મહારથીઓ મળ્યાં! ડૉ.પાઠક, ડૉ.વશિષ્ઠકુમાર, ડૉ. વિનયકુમાર અને ભાવિડૉક્ટર વૃંદા. પ્રથમ ત્રણની સાપેક્ષે વૃંદા ઘણી પાછળ ગણાય. અલબત્ત, ઉંમરમાં પણ વૃંદા પ્રથમ ત્રણ કરતાં ઘણી નાની છે. પ્રથમ બે માણસો તો ભૌતિકવિજ્ઞાનના વિદ્વાન છે! પણ વૃંદા તો મુંબઈમાં છે. આયોજકે કહ્યું હતું કે એ મને મળશે અને મારે એને આ બધી ધામલથી દૂર રાખવાની છે. આયોજકની એકેય વાત હજી સુધી ખોટી નથી પડી. તો વૃંદા મને મળશે?
વૈદેહીએ અત્યાર સુધી જે કંઈ કહ્યું તેમાં ભમરાહનો ઉલ્લેખ તો થયો જ નહિ. હવે થશે. વશિષ્ઠકુમાર અને વિનયકુમાર શું ચર્ચાએ ચડ્યાં હશે? એ બંનેના વિષયો તો ભિન્ન છે. ભૌતિકવિજ્ઞાન અને જીવવિજ્ઞાનની સંયુક્ત ચર્ચા કયા મુદ્દા પર થાય? વશિષ્ઠકુમાર, વનિતાબેન, વિનયકુમાર અને વીણાબેન.... આ બધાં પાત્રો અત્યારે ક્યાં છે? વૈદેહીની સમસ્યા વિશે હજી સુધી સહેજ પણ અંદાજ લગાવી શકાતો નથી. પરંતુ, આ બધાં પ્રશ્નોનાં જવાબ હવે વધુ દૂર નથી.
“તૈયાર છે ગરમા-ગરમ બટાટા-પૌંઆ!” વૈદેહી ખુશીથી બોલી.
“અહીં જ જમી લઈએ. હજી થોડું અજવાળું છે.”
“એવું કરીશું?”
“હં.”
“હું ચમચી લઈ આવું.” કહીને તે ઊભી થઈ.
“થાળીઓ?” મેં પૂછ્યું.
“આમાં જ બંને ભેગાં જમી લઈએ તો ચાલશે?” તે રસોડામાં જતી અટકી.
“દોડશે!”
તે રસોડામાંથી બે ચમચીઓ લઈ આવી. એક મને આપીને બોલી-
“આક્રમણ....”
વર્ષોનાં ભૂખ્યા હોઈએ એમ અમે તૂટી પડ્યાં. મન મક્ક્મ કરીને મેં ચાવવામાંથી સમય કાઢ્યો અને બોલ્યો-
“સરસ બન્યાં છે!”
“હં.” તેણે સમય ન કાઢ્યો અને એક ચમચી વધુ ખાઈ ગઈ!
અમે ભૂખ્યા જાનવરોની જેમ ખાઈ રહ્યાં છીએ. ક્યારેક એવું થાય છે કે પૌંઆ ભરતી વખતે અમારી ચમચીઓ અથડાઈ જાય છે અને ભરેલા પૌંઆ ઢળી જાય છે. તો ફરીથી ચમચી ભરી લઈએ છીએ. બોલવાનો ક્યાં સમય છે જ! છેવટે તળિયે વધેલાં પૌંઆ ચમચી ઢસડી ઢસડીને ઢગલીઓ કરીને ખાઈ ગયાં! હા.... વાત પતી એક!
“મજા આવી ગઈ!” તે બોલી.
“મને પણ!” મેં કહ્યું.
સમય થયો છે- ૬.૪૧
“વેદ, હવે તું અંદર બેસ. હું વાસણનું કામ પતાવીને આવું છું.”
“એટલે આજ રાતનું મારું રોકાણ...”
“હા, અહીં જ રાખવો પડશે તને! બીજે ક્યાં જઈશ?”
હું ઘરમાં આવ્યો. ઘરમાં હવે અંધારું લાગે છે. હું બેઠકખંડમાં આવ્યો. બેઠો. સારી એવી ઠંડી વ્યાપી ગઈ છે. મેં જૅકેટ પહેર્યું. વૈદેહીની રાહ જોતો બેસી રહ્યો. તેની અધુરી વાત વિશે વિચારતો રહ્યો. વૈદેહી મૂળ ભમરાહની નથી એ તો સિદ્ધ થઈ ગયું.
સમય- ૭.૦૭
વૈદેહી આવી. તેણે કથ્થાઈ રંગનું સ્વૅટર પહેરી લીધું છે. તેના હાથમાં ફાનસ જેવું કંઈક છે. તેણે સ્વીચ પાડી અને સફેદ પ્રકાશ રેલાયો!
“આ શું છે?” મેં પૂછ્યું- “સોલર ફાનસ?”
“હા.”
“દેખાડ તો...”
સામાન્ય ફાનસમાં જ્યાં આગ પેટાવવામાં આવે છે તે જગ્યાએ સફેદ પ્રકાશ ફેંકતો બલ્બ આ ફાનસમાં ગોઠવેલો છે. સામાન્ય ફાનસમાં કેરોસીન ભરવા માટે જે ખાલી સ્થાન હોય છે તેની જગ્યાએ આમાં બૅટરી મૂકવામાં આવી છે. સાઈડમાં એક સૉકેટ છે, જ્યાં સોલર-પ્લેટ કનેક્ટ કરીને સૂર્યપ્રકાશથી બૅટરી ચાર્જ કરી શકાય. સારી રચના છે. ફાનસ બંનેની વચ્ચે મૂકીને મેં કહ્યું-
“તો, ઈન્ટરવલ પૂરો થયો! વાત આગળ વધારીએ...”
“પપ્પાને અને કાકાને વિશ્વાસ બેઠો હતો કે તેઓ નવો આવિષ્કાર કરી શકશે.”
“પણ શું?” મારાથી પૂછ્યા વિના ન રહેવાયું.
“મને નથી ખબર.” તે બોલી- “હું સાયન્સની સ્ટુડન્ટ નથી.”
“હું કંઈ તારી પાસેથી એ આખીય થીઅરી સાંભળવાનો આગ્રહ નથી રાખતો. એ આવિષ્કાર વિશે તમને લોકોને આછો-પાતળો ખ્યાલ તો હશે ને?”
“નથી.”
“સહેજ પણ નહિ?”
“ના.”
“જવા દે! આગળ બોલ..”
“તેઓ એ આવિષ્કાર પાછળ ગાંડા બની ગયાં હતાં. દિવસ-રાત એની જ ચર્ચાઓ કર્યાં કરે અને કલાકો સુધી પ્રયોગશાળામાં જ રહે. કોણ જાણે એટલાં બધાં શું પ્રયોગો કરતાં હશે! ઘણી વખત એવું બન્યું હતું કે તેઓ આખી રાત ત્યાં જ રહ્યાં હોય. ખાવા પણ ઘરે ન આવે! પપ્પા અને કાકા પ્રોફેસર છે. તેઓએ કોલેજ તો જવું પડતું. એક સમય સુધી આવું ચાલ્યું. પછી થયું એવું કે પ્રયોગો ધાર્યું પરિણામ નહોતાં આપતાં. એટલે એમને થીઅરીમાં ફેરફાર કરવાની જરૂર લાગી. વિનયકાકા તો એમ માનવા લાગ્યા કે અમે ખોટી મહેનત કરીએ છીએ. પપ્પાને વિશ્વાસ હતો. તેમણે જીદ ન છોડી. વિનયકાકા પપ્પાને આ પ્રયત્નો બંધ કરવા સમજાવતાં પણ પપ્પા માનતા નહિ. મિત્રતાને કારણે કાકા પણ આ કામમાં જોડયેલાં રહ્યા.”
મને વિચાર આવ્યો કે અત્યારે ફાનસની જરૂર નથી. મેં ફાનસની સ્વીચ બંધ કરી.
“બસ, સૂઈ જવું છે?” વૈદેહીએ પૂછ્યું.
“આવી રસપ્રદ વાતમાં કોને ઊંઘ આવે?” મેં કહ્યું- “ફાનસની જરૂર નથી.”
ઓરડો અંધકારમય બની ગયો છે. અમને એકબીજાનાં ચહેરાં દેખાતાં નથી. ફક્ત કાળી આકૃતિઓ દેખાય છે. વૈદેહીએ આગળ ચલાવ્યું-
“પછી ખરી સમસ્યા શરૂ થઈ. આજથી લગભગ તેર કે ચૌદ મહિના પહેલાંની વાત છે. કોઈક અમારા પર નજર રાખવા લાગેલું. કોઈ એક માણસ નહિ, લગભગ ચાર માણસો. અમને ધ્યાનમાં આવ્યું કે અમારામાંથી કોઈપણ વ્યક્તિ ઘરની બહાર નીકળે એટલે કોઈ માણસ સતત તેનો પીછો કરે. અમે ગભરાયાં. આવું રોજ બનતું. અમને ઘરની બહાર નીકળવામાં પણ બીક લાગતી. શું કરવું એ સમજાતું નહોતું. એક રાત્રે અમે બંને પરિવાર આ વિશે અંતિમ નિર્ણય લેવા માટે બેઠાં. હું, મમ્મી, પપ્પા, વિનયકાકા અને વીણામાસી એક રાત્રે ગંભીર ચર્ચાએ ચડ્યા.”
“વૃંદા?”
“શું વૃંદા?”
“એ ચર્ચા વખતે હાજર નહોતી?”
“ના.”
“કેમ?”
“એ..... ભીમ્સ કોલેજમાં હોય ને!”
“એ કેટલાં વર્ષથી ભીમ્સમાં છે? તું તો તેર કે ચૌદ મહિના પહેલાંની વાત કહી રહી છે ને?”
“હા.....” તે વિચારમાં પડી.
“વેદેહી.....” મેં પૂછ્યું- “શું થયું?”
“તું... તું બહુ પંચાતિયો છે, યાર!”
“લ્લે! વાત વ્યવસ્થિત રીતે જાણવી જરૂરી નથી?”
“પણ આમ..... પોલીસની જેમ નહિ! આટલું બધું તો મને યાદ પણ ન હોય! તેર-ચૌદ મહિના પહેલાંની વાત છે, યાર!”
હું મૌન રહ્યો. તે આગળ બોલી-
“તો..... કેટલે પહોંચ્યા?”
“તમે અંતિમ નિર્ણય લેવાં બેઠાં હતાં.”
“હા, પપ્પાએ કહ્યું, ‘આ લોકો કોણ છે એ આપણે નથી જાણતાં. એ લોકો આપણો પીછો કેમ કરે છે એનો મને અંદાજ છે. તેઓ કોઈ રીતે જાણી ગયાં છે એ અમે જોરદાર શોધ કરવાનાં છીએ. અમે વિજ્ઞાનક્ષેત્રમાં ક્રાંતિ લાવવાનાં છીએ. તેઓ અમારી શોધ ચોરી લેવા માંગે છે. આપણે અહીં ન રહેવું જોઈએ. એ લોકો આતંકવાદીઓ પણ હોઈ શકે છે. તેઓ ગમે તે હદ સુધી જઈ શકે છે. આપણા માથે મોટું જોખમ આવી પડ્યું છે. આપણે તાત્કાલિક ધોરણે અમદાવાદ છોડવું પડશે.’ પપ્પાની આ વાત સાથે અમે સહમત હતાં. તો, અમે ભમરાહ આવી ગયાં.”
“એક મિનિટ....” મેં તેને અટકાવી- “આમ ન હોય, યાર!”
“શું ન હોય?”
“ઘણાં પ્રશ્નો બાકી રહી ગયાં.”
“કેવાં પ્રશ્નો?”
“તમારે તો એ આતંકવાદીઓથી બચવું હતું ને?”
“હા, એમનો જ ડર હતો.”
“દેશમાં નાગરિકોની સુરક્ષા માટે કેટલી બધી વ્યવસ્થાઓ છે! તમે પોલીસને કે કોઈ ગુપ્તચર સંસ્થાને જાણ કરીને એ લોકોથી રક્ષણ મેળવી ન શકો? તમે એવું ન કેમ કર્યું?” જવાબની રાહ જોયાં વિના મેં પ્રશ્નો ચાલુ રાખ્યાં- “તમારે અમદાવાદ છોડવું હતું ને? તો આવડા મોટા ભારત દેશમાંથી ભમરાહ જ કેમ પસંદ કર્યું? ગુજરાતમાં કોઈ જગ્યા ન મળી? આટલે દૂર આવવાની શું જરૂર હતી?ને તમે એમ વળી કઈ રીતે અમદાવાદ છોડ્યું કે આતંકવાદીઓને જાણ ન થઈ? ભમરાહમાં આ જમીન અને આ ઘરની સગવડ કઈ રીતે થઈ? તમે ભમરા-”
“મને નથી ખબર.” તેણે મને અટકાવ્યો.
“શું?” મને સખત નવાઈ લાગી.
“મને ખબર નથી.”
“કશ્શું જ કરતાં કશ્શું જ નહિ? આમાંથી એક પણ પ્રશ્નનો જવાબ તારી પાસે નથી?”
“તું જે પૂછે છે એ બધો વહીવટ પપ્પાએ અને કાકાએ કર્યો હતો. મને એ-”
“પણ તારે પૂછવું તો જોઈએ ને?”
“મારે એ બધું જાણીને શું કરવું છે? મને એ કંઈ ખબર નથી.”
“..........” આને શું કહેવું મારે?
“આગળ બોલું?”
“બોલ....”
“આજથી લગભગ એક વર્ષ પહેલાં અમે અહીં આવેલાં. હું, મમ્મી, પપ્પા, કાકા અને માસી.”
“વૃંદા?”
“તું વારંવાર વૃંદાને કેમ વચ્ચે લાવે છે?” તે સહેજ ચિડાઈ.
“લ્લે..... તું વારંવાર એને ભૂલી કેમ જાય છે?”
“એ ભીમ્સમાં હતી ને...”
“અરે, એ ભીમ્સમાં જ સ્થાયી થઈ ગઈ છે કે શું?”
“ના, પણ અમે અહીં આવ્યા ત્યારે એ ત્યાં હતી.”
“તમે તેને આ સ્થળાંતર વિશે જણાવ્યું જ નહોતું?”
“તેને હેરાન નહોતી કરવી, એટલે.” તે ખરેખર ચિડાઈ છે- “હવે આગળ સાંભળવું છે?”
“હાસ્તો!”
“નદી વટાવીને આગળ આવો એટલે જે ચાર રસ્તા આવે ને...”
“હા, રોયલ ચોકડી.” હું બોલ્યો.
“હેં? એ શું?”
“એ ચાર રસ્તાનું મેં નામ પાડ્યું છે.”
“ઠીક! તો, એ રોયલ ચોકડીથી જમણી બાજુ વળીએ તો અમારું ઘર આવે અને સીધાં જઈએ તો વિનયકાકાનું ઘર આવે. અમે બહુ ઓછો સામાન સાથે લાવ્યાં હતાં. કારણ કે અમારે અહીં કાયમી વસવાટ નથી કરવાનો. શોધ સાકાર થઈ ગયાં પછી અમારે અમદાવાદ પરત જવાનું છે. સામાન ગોઠવતાં અને મુસાફરીનો થાક ઉતારતાં એક-બે દિવસ થયાં. પછી પપ્પએ અને વિનયકાકાએ પ્રયોગો શરૂ કર્યાં.”
“ક્યાં?”
“પ્રયોગશાળામાં જ તો વળી!”
“પ્રગોગશાળા? અહીં?”
“એ જ તો અમારી ગુપ્ત જગ્યા છે.” તે વટથી બોલી.
“અરે, પણ...” મારાં પ્રશ્નોનો કોઈ પાર નથી- “અહીંયા પ્રયોગશાળા? કોણે બનાવી? તમે? કેવી રીતે બનાવી? ક્યારે બનાવી? ભમરાહ આવતાં પહેલાં કે આવ્યાં પછી? એટલી ઝડપી પ્રગોશાળા બનાવી દીધી? કઈ જગ્યાએ બનાવી? એ પ્રગોશાળા બનાવવા માટે માણસો ક્યાંથી લાવ્યાં? ને પ્રગોગશાળા માટેનાં ઉપકરણો ક્યાંથી લાવ્યા? અમદાવાદથી એ ઉપકરણો લેતાં આવ્યાં હતાં? એ શક્ય છે? અહીં એવાં ઉપકરણો ચલાવવા માટે અને પ્રયોગો કરવા માટે વીજળી ક્યાંથી મેળવો છો? પ્રયોગશાળામાં-”
“તું કેટલાં પ્રશ્નો પૂછે છે, યાર!” તે ફરીથી ગરમ થઈ.
“તું વ્યવસ્થિત વાત નથી કરતી!”
“મને ખબર છે એટલું તને કહું છું. એથી વધારે શું કહું?”
“બે વત્તા બે બરાબર ચાર થાય એ તો ખબર છે ને તને?”
“હા, કેમ?”
“ના, બરાબર છે!...... આગળ બોલ!”
“હવે, પપ્પા આખો દિવસ પ્રયોગશાળામાં જ રહેતાં ભમરાહવાસીઓએ પપ્પાને જોયાં જ નથી. અમે અહીં આવ્યાં ત્યારે ગામલોકોએ પપ્પાને જોયેલાં પણ-”
“ઊભી રહે...” મેં ફરી તેને અટકાવી.
“ઓહ ગોડ! હવે શું છે તારે?”
“એમાં આટલી ગુસ્સે કેમ થાય છે?” મેં શાંતિથી કહ્યું- “હું તારી મદદ કરવા માંગું છું. વાત વિગતે જાણીશ નહિ તો કઈ રીતે મદદ કરીશ?”
“.......” તે ચૂપ રહી.
“મેં બ્યોહારીથી માહગાઢ આવતી બસનાં કંડક્ટરનાં મોઢે સાંભળ્યું હતું કે તું અને તારી મમ્મી ભમરાહ આવ્યાં હતાં. કંડક્ટરે તો તારા પપ્પા, વિનયકાકા કે વીણામાસીનો ઉલ્લેખ કર્યો જ નહોતો.”
“કંડક્ટર આવી વાતો કરતો હતો?”
“એટલે એ ભાઈ કંઈ બધાને કહેતાં નથી ફરતાં!” કહીને મેં વૈદેહીને એ જણાવ્યું કે કેવી રીતે કંડક્ટરે આ બધી વાત શરૂ કરી હતી.
“એમ? તો તું મને પરણવા આવ્યો છે? મને મદદ કરવાનું બહાનું બનાવે છે?”
“એ હય!......” હું ગભરાયો- “એ મેં ગપ્પું માર્યું’તું, વૈદેહી! કંડક્ટરને એમ ન કહેવાય કે હું વૈદેહીને બચાવવા જઈ રહ્યો છું. એટલે મેં એવું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. સમજી?”
“હ...... હા.”
“હા.....શ! હવે મારા પ્રશ્નનો જવાબ તો આપો!”
“અમે લોકો એક જ દિવસે અહીંયા નહોતા આવ્યાં. એક-એક દિવસે અમે બે-બે લોકો આવ્યાં હતાં.”
“પણ.... પાંચ માણસોમાં બે-બેની જોડી ન બને!”
“તને દરેક વાતમાં વાંધો હોય છે, યાર!” તે જોરદાર ગુસ્સે થઈ.
“અરે..... ચાલ, છોડ! પણ તમે એવું કેમ કર્યું.”
“એ પેલી વિશ્” તે અટકી ગઈ.
“કેમ અટકી ગઈ?”
તે બરાડી- “તારે સાંભળવું હોય તો હું જેટલું કહું એટલું સાંભળી લે! વચ્ચે પ્રશ્નો ન કરીશ. અને ન સાંભળવું હોય તો આ રજાઈ ઓઢીને સૂઈ જા!”
“સંભળાવો!....”
અંધારામાં અમે બાખડી રહ્યાં છીએ! તે ઘડીક ચૂપ રહી. ગુસ્સો દૂર કરીને શાંત થઈ. બોલી-
“તો, અમે અહીં આવ્યાં ત્યારે ગામલોકોએ પપ્પાને જોયેલાં. પછી કોઈએ પપ્પાને જોયાં જ નથી. વિનયકાકા એ તો દવાખાનું ખોલ્યું છે. રૂપિયા કમાવાનો તેમનો કોઈ ઈરાદો નથી. ભમરાહમાં કોઈ બીમાર પડે તો કેટલે દૂર સુધી જવું પડે! બહુ તકલીફ પડતી હતી. એટલે અમે-હું અને મમ્મી રહસ્યમય બન્યાં. અમે ભમરાહ કેમ આવ્યાં એ કોઈન સ્પષ્ટ થયું જ નહિ. વિનયકાકા અને વીણામાસી ભમરાહના લોકોની સેવા કરવા આવ્યાં હે એવું લોકોએ માની લીધું.”
થોડું અટકીને વૈદેહીએ આગળ ચલાવ્યું-
“અમે પપ્પાને ટિફિન આપવા જતાં. પપ્પા તો ક્યારેક જ ઘરમાં આવતાં. અમારી ગુપ્ત જગ્યા વિશે હજી કોઈને જાણ નથી થઈ. અમે ટિફિન આપવા જઈએ તો પણ કોઈ અમને જોઈ ન જાય એવી જગ્યા એ એ પ્રયોગશાળા છે!.”
“બહુ સરસ! પછી?”
“મારી અને મમ્મીની દિનચર્યા કહું કે ચાલશે?”
“ચાલશે.” મેં કહ્યું- “તું મુખ્ય વાત કર!”
“હું અને વૃંદા જંગલમાં ફરવા-”
“વૃંદા?” પૂછ્યા વિના ન રહી શક્યો- “એ તો ભીમ્સ-”
“પાછી પણ આવે ને!”
“પણ એને ક્યાં ખબર હતી કે તમે અમદાવાદ છોડ્યું છે?”
“વિનયકાકાએ એને બધું ફોન પર સમજાવ્યું હતું. એને પંદરેક દિવસની રજા પડી હતી. તેણે ફોન કરીને જણાવ્યું કે પોતે અમદાવાદ આવે છે. વિનયકાકાએ તેને જણાવ્યું કે અમે ભમરાહમાં છીએ. કાકાએ તેને કહ્યું, ‘તું અહીં આવે પછી તને બધું જણાવીશું. તું મુંબઈથી બ્યોહારીની ટિકિટ કઢાવજે. ત્યાંથી બસમાં માહગાઢ આવજે. હું તને માહગાઢના બસ-સ્ટેશન પર લેવા આવીશ.’ તે અહીં આવી. પંદર દિવસ અમે જંગલોમાં ખૂબ રખડ્યાં. બહુ મજા કરી. પંદર દિવસ પછી ફરી હું એકલી પડી ગઈ.”
કંઈક વિચારીને તેણે વાત આગળ ચલાવી-
“આજથી ત્રીસેક દિવસ પહેલાંની વાત છે. બે-ત્રણ માણસો વિનયકાકા પાસે એક યુવાન છોકરાને લઈ આવ્યા. તે બેભાન થઈ ગયેલો હતો અને મોઢામાંથી સફેદ ફીણ નીકળતું હતું. વિનયકાકાએ ખૂબ જ ઝડપથી તેની સારવાર કરી અને તે છોકરો બચી ગયો હતો. વાત એમ હતી કે માહગાઢથી ત્રણેક કિલોમીટર દૂર માધવગઢ નામનું શહેર છે. એ છોકરો ત્યાંનો રહેવાસી હતો. ભાઈબંધો સાથે જંગલમાં રખડવા નીકળ્યો હતો અને સાપ તેને કરડી ગયો હતો. આ ઘટનાના બીજા જ દિવસે એ છોકરાના મમ્મી-પપ્પા વિનયકાકાના ઘરે આવ્યા. એ સમયે હું અને મમ્મી વિનયકાકાના ઘરે જ હતા. તેમણે વિનયકાકાનો ઘણો આભાર માન્યો. તેમણે જણાવ્યું કે અઠવાડિયા પછી છોકરાના લગ્ન હતા. એ છોકરાના માતાપિતાએ એના લગ્નમાં આવવાનો રીતસરનો હુકમ જ કર્યો! અમે ના ન પાડી શક્યા. આમેય ડૉક્ટર તરીકે વિનયકાકા ઘણા પ્રખ્યાત થઈ ચૂક્યા હતા. અમે એમનાં આમંત્રણનો સ્વીકાર કર્યો. છોકરાના મમ્મીએ વીણાકાકીને અને મમ્મીને કહ્યું, ‘તમારે બંને સરસ તૈયાર થઈને આવવાનું છે!’ મમ્મી પાસે લગ્નમાં પહેરવા માટે પૂરતાં ઘરેણાં નહોતાં એટલે એ બહેને એક શેઠનું સરનામું જણાવ્યું. એ લોકો ગયાં પછી મમ્મી અને વીણાકાકીએ અંદરોઅંદર વાત કરી કે વધુ ઘરેણાં વિના જઈએ તો ચાલે. એટલા એક પ્રસંગ માટે ક્યાં કોઈની પાસે ઘરેણાં માંગવા જઈએ? વિનયકાકાએ કહ્યું, ‘ઘરેણાં લઈ આવો. આમેય અમારે પ્રયોગમાં સોનાની થોડી જરૂર પડી છે. અમારે સોનુ વાપરવાનું નથી પણ પ્રયોગ આગળ વધારવા માટે એની જરૂર છે. એક જાતના ટેસ્ટિંગ માટે સોનાના અણુની જરૂર છે.’ એના લગ્નની તારીખ હતી આઠમી નવેમ્બર, મારો જન્મદિવસ. અમે માધવગઢ નામનાં શહેરમાં યોજાયેલાં એ લગ્નપ્રસંગને મારા જન્મદિવસની ઉજાણી તરીકે સ્વીકારવાનું નક્કી કર્યું. એ કાર્યક્રમ માટે મમ્મી પેલાં શેઠ પાસેથી ઘરેણાં ઉછીનાં લઈ આવી. પપ્પાએ અને વિનયકાકાએ પ્રયોગમાં એ ઘરેણાંનો ઉપયોગ કર્યો. ઘરેણાં બિલકુલ સલામત રહ્યાં હતાં અને પ્રયોગ આગળ વધ્યો હતો. પછી એ ઘરેણાં મમ્મીને સોંપવામાં આવ્યા હતા. આઠમી નવેમ્બરે હું. મમ્મી, વિનયકાકા અને વીણાકાકી એ છોકરાના લગ્નમાં જઈ આવ્યા. એ પ્રસંગમાં શું બન્યું હતું એ જાણવું તારે માટે અગત્યનું નથી. ત્યાં આ બધી રામાયણને લગતું કંઈ જ બન્યું નહોતું.”
“બરાબર.”
“આ પહેલાં પણ એક ઘટના બની હતી.” તે કંઈક વિચારીને બોલી- “આજથી લગભગ ત્રણેક મહિના પહેલાંની વાત છે. પપ્પાને હવે વિશ્વાસ હતો કે હવે બે-ત્રણ મહિનામાં તેમની શોધ સાકાર થઈ જશે. પોતાની શોધ રજૂ કરવા માટે તેઓ ઓનલાઈન અરજી કરવા શહેરમાં જતા. એ આંતરરાષ્ટ્રીય સંસ્થાનું નામ આઈ.યુ.... એવું-”
“આઈ.યુ.પી.એ.પી.” હું બોલ્યો- “ઈન્ટરનેશનલ યુનિયન ફોર પ્યોર એન્ડ એપ્લાયડ ફિઝિક્સ.”
“વાહ! હોશિયાર છે તું તો!”
“હું ફિઝિક્સનો વિદ્યાર્થી છું એટલે મને ખબર હોય જ ને!” મેં નિખાલસતાથી કહ્યું.
“ત્રણ-ચાર ધક્કા ખાધાં પછી પપ્પાને તારીખ મળી પાંચમી ડિસેમ્બર, બે હજાર પંદર.”
“એ તારીખ તો હજી નથી આવી.” મેં કહ્યું- “તારા પપ્પા અહીં છે કે ગયાં?”
“એ કહું છું.” તે બોલી-“એ પ્રસંગમાંથી અમે પરત ફર્યાં ત્યારે રાત થઈ ગઈ હતી. હું બરાબર થાકી હતી. ઘરે આવીને તરત જ સૂઈ ગઈ. બીજા દિવસની સવારે મારા માટે કાળો સૂર્ય ઊગ્યો હતો. સવારથી મમ્મી ગાયબ હતી. મને એમ કે મમ્મી વીણામાસી જોડે હશે. આખો દિવસ વીત્યો. પપ્પા અને વિનયકાકા પ્રયોગશાળામાંથી એકવાર પણ બહાર ન આવ્યાં. વીણામાસીને મમ્મી વિશે કંઈ ખબર નહોતી. આખીય રાત પસાર થઈ ગઈ. બીજા દિવસની સવારે પણ એ જ પરિસ્થિતિ હતી. હું પ્રયોગશાળાનું બારણું ખખડાવતી રહી, રડતી રહી. પપ્પા કે વિનયકાકા બહાર ન આવ્યા. આ પહેલો એવો બનાવ હતો કે પપ્પા અથવા વિનયકાકા મારા પ્રત્યે આટલા નિષ્ઠુર થયા હોય.”
“પછી?”
“ચોથા દિવસે બંને બહાર આવ્યા. વિનયકાકા તો કંઈ બોલ્યા વિના એમના ઘરે જતા રહ્યા. પપ્પા કંઈ બોલતા નહોતા. હું રડતી હતી, બૂમો પાડીને પૂછતી હતી, ‘મમ્મી ક્યાં છે? કેમ કંઈ બોલતા નથી? શું થયું છે?’ પપ્પા પણ રડ્યા. હું સખત મૂંઝાતી હતી. મારા માથે હાથ મૂકીને પપ્પા બોલ્યા- ‘તારા પિતા પર વિશ્વાસ રાખ, દીકરી. બધું બરાબર થઈ જશે.’ પછી જાણે પપ્પાની જીભ જ કામ કરતી બંધ થઈ ગઈ. પપ્પા ફરી પ્રયોગશાળામાં જતા રહ્યા અને વિનયકાકા પણ. એ દરમિયાન શેઠે મને હેરાન કરી મૂકી. મેં આખુંય ઘર ફંફોસી નાખ્યું પણ ઘરેણાં ક્યાંય મળ્યા નહિ. મને ખબર નહોતી કે ઘરેણાં પ્રયોગશાળામાં પડ્યા હશે. ઉપરાંત, એ વખતે પપ્પા અને વિનયકાકા પ્રયોગશાળામાં હતા અને મને અંદર ઘૂસવા નહોતા દેતા. તને કેવી રીતે ખબર પડી કે ઘરેણાં પ્રયોગશાળામાં છે?”
“મને તો આયોજકે કહ્યું હતું.”
“કોણ આયોજક?”
“એ બધું તને કહું છું. તું તારી વાત પૂરી કર.”
“પપ્પા આજે બપોરે બાર વાગ્યે બહાર આવ્યા હતા. બોલ્યા, ‘વૈદેહી, મારી શોધની રજૂઆત કરવા માટે મારે જવાનું છે. તું કાકા જોડે રહેજે. આજે બપોરે ચાર વાગ્યે બ્યોહારીથી મુંબઈની ટ્રેન ઉપડશે. કાલે સાંજે મુંબઈથી ફ્લાઈટ છે. હું ત્રણેક દિવસ વહેલો ત્યાં પહોંચીશ, જેથી બાયોલોજીકલ ક્લોક સેટ થઈ જાય.’ મેં પૂછ્યું, ‘મમ્મી?’ તેઓ ઢીલા પડી ગયા અને ફરીથી એ જ શબ્દો ઉચ્ચાર્યાં, ‘તારા પિતા પર વિશ્વાસ રાખ, બેટી. બધું બરાબર થઈ જશે.’ મેં મમ્મી વિશે જાણવા માટે ઘણી રોકકળ કરી પણ પપ્પા કશું જ ન બોલ્યાં. તેમનું આવું સખત સ્વરૂપ મેં પહેલી વખત જોયું. હું તેમની પાછળ ચાલી. છેક સુધી હું તેમને કરગરતી રહી. તેઓ કંઈ બોલ્યાં નહિ. માહગાઢનું બસ-સ્ટેશન નજીક આવ્યું ત્યાં સુધી તેમની સાથે હતી. એક વાગ્યેની બ્યોહારીની બસમાં-”
“અરે, એ બસમાંથી તો હું ઊતર્યો હતો!” મેં ચમકારો કર્યો- “મને એક કાકા મળ્યા હતા. તેમણે ચશ્મા પહેરેલાં હતાં અને મોટો થેલો ખભે ભરાવ્યો હતો.” મેં તેમનું વર્ણન વૈદેહીને સંભળાવ્યું.
“એ જ મારા પપ્પા!”
“ઓ તારી! એમણે જ મને ભમરાહનો રસ્તો દેખાડ્યો હતો!”
“જબરું થયું!”
એકાદ મિનિટ પછી અમારું આશ્ચર્ય ઓસર્યું અને વૈદેહીએ વાત અંત તરફ આગળ વધારી-
“હું ત્યાંથી પાછી વળી હતી. કદાચ, તું મારી પાછળ જ આવતો હોઈશ. એ રસ્તા પર લીલોતરી છે જ એટલી ગીચ કે પાંચ ફૂટ દૂરનું પણ માંડ દેખાય. હા, એ વખતે મારું મન નકારાત્મક વિચારોથી ખદબદતું હતું. એ વિચારો કયા વિષય પરનાં હશે તે તું અંદાજ લગાવી શકીશ. એટલે હું નદીમાં કૂદી પડી. પછી શું થયું એ તો તું જણે જ છે.”
હું વિચારમાં પડ્યો. વૈદેહીની પરિસ્થિતિ ખરેખર વિકટ છે.
“તું મારી મદદ કરીશ ને?” તેણે પૂછ્યું.
મારે વૈદેહીથી ચિડાઈ ન જવું જોઈએ. એ સારી વાત નથી. તેની મદદ કરવાની જવાબદારી મેં સ્વીકારી છે તો તેના પર ગુસ્સે થયા વિના તેને મદદ કરવી એ મારી ફરજ છે. વૈદેહી હોશિયાર હોય કે લબાળ, અત્યારે તે મુશ્કેલીમાં છે. હા, વૈદેહી નિષ્કપટ છે, ભોળી છે.
“વેદ.... શું વિચારે છે આટલું બધું?”
“વૈદેહી, હું તારી મદદ કરવા જ તો આવ્યો છું. તારી બધી સમસ્યાઓનો અંત નહિ આવે ત્યાં સુધી હું તારી સાથે જ છું.”
તેણે ફાનસની સ્વીચ પાડી. તેમાંથી સફેદ પ્રકાશ છલકાયો. તે મને ભેટી. છૂટી પડી. બોલી-
“પણ તને મારા વિશે જાણ કઈ રીતે થઈ?”
“આખીય વાત તને કહું.”
મેં આખીય વાત તેને કહી. પત્રની મૂંઝવણ, પપ્પા, બાઈક, બસ, વિરમગામ, અવની, ટ્રેન, ટી.સી., બુરખાવાળી, સવાર, મોબાઈલની ચોરી, બૅગની ચોરી, બ્યોહારી, ટ્રેન બદલાઈ હતી, આઘાત, ડૉ.પાઠક, બસ, માહગાઢ અને નદીમાં ભૂસકો..... કંઈ જ ભૂલ્યો નથી, ક્યારેય નહિ ભૂલું! વૈદેહીએ આખીય વાત રસપૂર્વક સાંભળી. સહેજ ગળગળી થઈને બોલી-
“વેદ, તેં તો મારા માટે ઘણું સહન કર્યું.”
“ને તો પણ પ્રથમ મુલાકાતમાં તું મારી મદદ લેવાની ઘસીને ના પાડી દે....લાફો પડે જ ને!”
“સોરી!” તેણે ભાવભીના સ્વરે કહ્યું.
“અરે, મેં તને લાફો મારી દીધો હતો! સોરી મારે કહેવાનું હોય!” કહીને હું હસ્યો.... તે પણ હસી.
“વૈદેહી-” મેં ગંભીર સ્વરે કહ્યું- “હું સમજું છું કે તું મુશ્કેલીમાં મુકાઈ છે. હું તારી વિટંબણાઓની અવગણના નથી કરતો પણ.... આટલી સમસ્યા આપઘાત કરવા જેટલી, જીંદગી છોડી દેવા જેટલી ભયાનક નથી, યાર! તારા મમ્મીનું શું થયું એ તને ખબર નથી. કદાચ, તારા મમ્મી જીવતાં હોય તો? વત્તા, તું મરી જાય અને ન કરે નારાયણ પણ તારા મમ્મી પણ હયાત ન હોય તો તારા પપ્પાનું શું થાય? આ બધું તેં કેમ ન વિચાર્યું? ”
તે મૌન રહી. નીચું તાકી રહી.
“ખેર, છોડો એ વાત! તું બચી ગઈ છે એ મહત્વનું છે.” મેં કહ્યું- “વૈદેહી, તારા પપ્પા મને મળ્યા હતા ત્યારે હું તેમને ઓળખી નહોતો શક્યો. કેમ કે મેં તમને કોઈને આ અગાઉ જોયાં જ નથી. તું સમજે છે ને મારી વાત?”
“હા.” તે ઊભી થઈ- “અમદાવાદથી ભમરાહ આવતી વખતે હું અમારા સૌના ફોટોગ્રાફ્સ સાથે લેતી આવી છું. તને દેખાડું.”
“હા, એ સારું રહેશે.”
ફાનસ લઈને તે અંદરનાં રૂમમાં ગઈ. એકાદ મિનિટ પછી પાછી આવી. બેઠી.
“જો....” કહીને તેણે પહેલો ફોટો મારી સામે ધર્યો- “મમ્મી.”
ફાનસના અજવાળે મેં વનિતાબેનને જોયા.”
“આ વિનયકાકા.”
મેં એમને પણ જોયા. જરા કાળા ચહેરો, અડધી ટાલ અને ચીમળાઈ ગયાં હોય તેવાં કાન પર નજર ફરી. પછી વૈદેહીએ વીણામાસીનો ફોટો દેખાડ્યો. પછી તે ફોટોગ્રાફ્સ સંકેલવા માંડી.
“બસ?” મેં પૂછ્યું.
“બસ.” તે બોલી.
“વૃંદા?”
“હા...... તેનો ફોટો ન આવ્યો, નહિ?” તે વિચારવા લાગી- “અમદાવાદથી આવ્યાં ત્યારે હું એનો ફોટો પણ સાથે લાવી હતી.”
વૈદેહીએ તેનાં હાથમાંના ફોટોગ્રાફ્સ ફરીથી જોયાં. વૃંદા ન મળી.
“અંદર ક્યાંક રહી ગયો હશે. ચાલ, શોધીએ.” એ ઊભી થઈ.
અમે અંદરના ખંડમાં આવ્યાં. દરમિયાન મેં કાંડા-ઘડિયાળમાં જોયું-૮.૩૪
“તું અહીં શોધ, હું આવું છું.” મને ફાનસ આપીને વૈદેહી કહ્યું.
તે આ ઓરડામાંથી બહાર ચાલી ગઈ. હું ફોટો શોધું. ફાનસનું અજવાળું બહુ ઓછાં વિસ્તારમાં પ્રસરે છે. મેં ફાનસ આમતેમ ફેરવી....
“કેમ છે, વેદ.....” પાછળથી અવાજ આવ્યો.

ચમક્યો. પાછળ ફરી જવાયું. ફાનસનાં અજવાળે એક ચહેરો દેખાયો..... હું હેબતાઈ ગયો.... જાણીતો ચહેરો..... મલકાતો ચહેરો..... મોહક ચહેરો...... અજબ છટાઓ..... ગજબ વ્યક્તિત્વ...... બીજું કોઈ નહિ.... એ જ...... અનન્ય.... અનુપમ..... અદ્ભૂત..... અવની.......
(ક્રમશઃ)