2981 in Gujarati Short Stories by Shital.Solanki books and stories PDF | 2981

Featured Books
Categories
Share

2981

શ્રેયા બસ માં બેસી ગઈ હતી પોતાના ઘરે જવા માટે,બસ સીટી વિસ્તાર માંથી બહાર નીકળી ત્યાં જ એનો નાનકડો દિકરો ઉંઘી ગયો હતો એટલે એને મોબાઈલ લઈ ઇયરફોન લગાવી ગીતો સાંભળવાનું શરુ કર્યું. પહેલે થી જ એને બસમા ઊંઘવું ગમતું નહી, કાયમ તે બસ માં જાય ત્યારે બસ સીટી વિસ્તાર માંથી બહાર નીકળે એટલે તે આવી રીતે ગઝલો કે પોતાને ગમતા ગીતો આંખો બંધ કરી ને શાંતિથી સાંભળે.
આગળનું સ્ટોપ આવતા બસ ઊભી રહી એટલે શ્રેયા એ આંખો ખોલી. બહાર પાણી ની બોટલો વેચવાવાળા બૂમો પાડી રહ્યા હતા. એને ક્યું સ્ટોપ આવ્યું એ જોવા આજુ બાજુ નજર કરી ત્યાં એની નજર બસ માં લખેલા બસના નંબર પર પડી.અને એ નંબરના છેલ્લા ચાર આંકડા જોતા એ પોતાની જૂની યાદો માં સરી પડી.
તે દિવસે પણ આ જ નંબર ની બસ હતી '૨૯૮૧'.
આગળનો નંબર તો યાદ નથી પણ આ છેલ્લા ચાર આંકડા કાયમ માટે યાદ રહી ગયા હતા.
એ વખતે શ્રેયા કોલેજમાં હતી અને અપડાઉન કરતી.રોજ બસમાં આવવા જવાનું થતું. તે દિવસે એણે અને સમીરે નક્કી કર્યું હતું કે બન્ને એક જ બસમાં પાછા આવશે.
સમીર... દોસ્ત હતો કે એથી વધારે એની હજુ શ્રેયા ને ખબર ન હતી, પણ બન્ને ને એકબીજા સાથે વાતો કરવી ગમતી. ફોન પર કે મેસેજ થી બન્ને વાતો કરતા.
રૂબરૂ મળવાની તો કોઈ શક્યતા જ ન'તી કારણ કે સમીર ની બહેન શ્રેયા ની ફ્રેન્ડ હતી અને બન્ને એક જ કોલેજ માં હતા. ફક્ત શ્રેયા જ્યારે એની ફ્રેન્ડ ના ઘરે જાય ત્યારે સમીર જો ત્યાં હોય તો બન્ને એક બીજા ને જોઈ શકતા, પણ એટલી વાત માં પણ એ બન્ને ને આનંદ થતો કે આજ એમને એકબીજા ને જોઈ શક્યા.
દોસ્તી હતી કે એથી વધારે એતો હજુ એ બન્ને ને પણ ખબર ન હતી. સમીરે જ્યારથી શ્રેયાને જોઈ હતી ત્યારથી એને એના પ્રત્યે કંઇક અલગ આકર્ષણ થયું હતું, એ દોસ્તી કરવા માગતો હતો શ્રેયા સાથે પણ એ ખચકાતો હતો.એક વાર સમીર ની બહેને શ્રેયા ને સમીર ના ફોન માંથી કોલ કર્યો હતો એટલે સમીર પાસે શ્રેયા નો નંબર આવી ગયો હતો. પણ વાત કેવી રીતે કરવી એ હજુ તેને સમજાતું નહોતું.
એવા માં સમીરની બહેન શ્વેતા એ એકવાર મજાક કરી કે શ્રેયાની સગાઈ નક્કી થઈ ગઈ છે તો સમીર ને મોટો આંચકો લાગ્યો.
એને તરત શ્રેયા ને કોલ કરી ને પૂછ્યું કે "તું કહેતી પણ નથી કે તારી સગાઈ નક્કી થઈ ગઈ તો" શ્રેયા એ ખુલાસો કર્યો કે "એવું કંઈ નથી શ્વેતા ખાલી મજાક કરતી હતી". પણ એને સમીર ને પૂછ્યું કે "તમને કેમ આટલો મોટો આંચકો લાગ્યો?" તો સમીરે કહ્યું કે "હું તો તને ફ્રેન્ડ માનું છુ અને મને તને ગુમાવી દેવાનો ડર લાગ્યો એટલે, શું તું મને તારો ફ્રેન્ડ નથી માનતી?"
શ્રેયા તો થોડી વાર વિચારમાં પડી ગઈ કે શું કહેવું, કારણ કે ક્યારેય કોઈ છોકરા એ એને આવી રીતે પૂછ્યુ ન હતું.
સમીરે ફરી પૂછ્યું કે "શું એ એને ફોન કે મેસેજ થી એની સાથે વાત કરશે?"
શ્રેયા એ "હા" પાડી. અને તે દિવસ થી બન્ને નો વાતો નો સિલસિલો ચાલુ થઈ ગયો.પણ સમીરે શ્રેયા ને ના પાડેલી કે એ આ બાબતમાં શ્વેતા ને કશું ના કહે.
બન્ને રોજ મેસેજ થી વાતો કરતા, શ્વેતા ના ઘરે એકબીજા ને જોઈ લેતા અને આમ જ ચાલુ હતું ત્યાં એક વખત બન્ને એ એક જ બસ માં કોલેજ થી પાછા આવવાનું નક્કી કર્યું.
સમીર ની કોલેજ શ્રેયા અને શ્વેતા ની કોલેજ થી આગળ હતી.પણ બસ નો રસ્તો એક જ હતો. એથી બન્ને એ નક્કી કર્યું કે જે બસ માં સમીર પોતાની કોલેજ થી બેસે એ બસ નો નંબર એ શ્રેયાને કહી દેશે તેથી શ્રેયા એ બસ જ્યારે એની કોલેજ પાસે આવે ત્યારે એમાં બેસી જશે. બન્ને નો છૂટવાનો સમય લગભગ સરખો જ હતો એટલે કોઈ વાંધો ન હતો.
નક્કી કર્યા પ્રમાણે સમીરે બસ નો નંબર મેસેજ કરી દિધો શ્રેયા ને "૨૯૮૧".
અને શ્રેયા એ બસ ની રાહ જોવા લાગી.આજે શ્વેતા કોલેજ આવી ન હતી એટલે કોઈ પ્રોબ્લેમ હતો નહી.
સમય થયો એટલે બસ આવી, જેવી બસ ઉભી રહી સમીર તરત જ શ્રેયા ને શોધવા લાગ્યો. જેવી શ્રેયા દેખાઈ એવો તરત હાથ હલાવી ઈશારો કર્યો કે હું અહી છું એમ.શ્રેયા એ પણ ખાલી એક હળવું સ્મિત આપી જવાબ આપ્યો.
શ્રેયા બસ માં ચડી પણ બસ માં જગ્યા હતી નહિ. સમીરે તેને ઈશારો કરી શ્રેયા ને તેની પાસે આવવા કહ્યું અને પોતે ઉભા થઇ શ્રેયા ને બેસવા જગ્યા આપી.
શ્રેયા નું ધ્યાન કોલેજ ની બીજી ફ્રેન્ડસ પર હતું કે કોઈ એને જોઈ નથી રહ્યું ને. પણ બધા પોતાની વાતોમાં મસગુલ હતા.
સમીરે પણ આ જોયું અને એ તકનો લાભ લઈ શ્રેયા ના હાથ માં ચોકલેટ આપી દીધી. બે દિવસ પછી સમીર નો બર્થડે આવતો હતો એટલે. આજ બન્ને બહુ જ ખુશ હતા કે બન્ને એકબીજા ને મળી શક્યા.
પોતપોતાના સ્ટોપ પર ઉતરી બન્ને ઘેર પહોંચ્યા.
સમીરે શ્રેયાને મેસેજમાં કીધુ કે તે બ્લેક કલર ના ડ્રેસમાં આજ સરસ લાગતી હતી.શ્રેયા ખુશ થઈ ગઈ.
આમ ધીરે ધીરે કરતા બન્ને એકબીજા ને ક્યારે પસંદ કરવા લાગ્યા એ એ બન્ને ને જ ખબરના પડી.પણ હજુ બન્ને ના ઘરે આ વાત ની ખબર ના હતી.
શ્રેયા સમીર ને ચાહવા લાગી હતી અને સમીર પણ શ્રેયા ને પસંદ કરતો હતો પણ તે પોતાના ફેમિલી થી ડરતો હતો માટે કશું કહી શકતો ન હતો.
એક વખત શ્રેયા એ જ સામે ચાલી ને પોતાના મન ની વાત સમીર ને મેસેજ માં કીધી પણ સમીરે તેનું દિલ તોડી નાખ્યું એમ કહી ને કે "આજ થી તારી અને મારી દોસ્તી ખતમ. તું જે ચાહે છે એ ખુશી હું તને નહિ આપી શકું, તું તારી લાઇફ માં આગળ વધી જા."
શ્રેયા ના પગ નીચેથી જમીન ખસી ગઈ જાણે. એ પોતાને સંભાળી ના શકી.એને આશા ન હતી કે સમીર આવો જવાબ આપશે. એ પૂછી ના શકી સમીરને કે તેને આવું કેમ કર્યું? એ પૂરેપૂરી તૂટી ગઈ.
અને એ પછી બન્ને ની વાતચીત પણ ખતમ થઇ ગઇ.
શ્રેયા માટે સારા ઘરમાંથી વાત આવતા શ્રેયા ના મેરેજ નક્કી થઇ ગયા. શ્રેયા એ લાઈફને સ્વીકારી લીધી.એને ફરીથી ક્યારેય સમીરનો કોન્ટેક્ટ કર્યો નહિ. ત્યાં એને જોબ પણ ચાલુ કરી દીધી અને મેરેજ ના ચોથા વરસે એક દીકરાની માં પણ બની ગઈ.
આજે તે પોતાના સાસરેથી પોતાના પિયર જઈ થી હતી વેકેશન કરવા માટે.અને બસ નો નંબર જોઈ એના ભૂતકાળ માં સરી પડી.
સ્ટોપ આવતા બસ ઉભી રહી અને અવાજ થવા ના કારણે શ્રેયાનો દિકરો પણ ઉઠી ગયો અને રડવા લાગ્યો. શ્રેયા પોતાના વિચારો માંથી બહાર આવી અને પોતાનો સામાન લઈ પોતાના સ્ટોપ પર ઉતરી ગઈ. જ્યાં વર્ષો પહેલાં "૨૯૮૧" માંથી ઉતરી હતી.





હું લેખક નથી પણ લખવાની શરૂઆત કરી રહી છું.
મારા લખાણ માં કોઈ ક્ષતી હોય તો જણાવજો. અને ભૂલ માટે ક્ષમા કરજો.