(1) પુલ
બનાવ અનેક બને છે, ક્યાં અહીં સુન રહે છે,
વજન ગાડીનો ન ઉચકે એવા પુલ પડે છે.
પારદર્શક છે વહીવટ, એ તો જોઈએ છીએ,
આતો સિમેન્ટની જગ્યા પર થોડી ધૂળ પડે છે.
ભ્રષ્ટાચારના જંગલો છવાયા છે આ તંત્રમાં,
વિરોધના વાવાઝોડા થી ક્યાં એના મૂળ પડે છે.
આ મારો, મારી જાતિનો કે મારા ધર્મનો ચૂંટયો,
બસ આ જ અંધત્વમાં પ્રજાની ભૂલ પડે છે.
નવ મહિના જ થયા હતા એ પુલના જન્મના,
બાળમરણ થઈ ગયું છતાં ક્યાં સૂઝ પડે છે.
વિપક્ષ પણ કુંભકર્ણના પથ પર ચાલ્યા જાય,
હોઈ છે પક્ષ ને વિપક્ષ એક ત્યારે પુલ પડે છે.
મનોજ તેઓ રામના ભક્ત મને પાક્કા લાગે છે,
સિમેન્ટ વગર ઉભો કરે પુલ અને એ જ પડે છે.
(2) શરાબની મહેફિલ
ભરી મહેફિલ જમાદારોની ફરતા મદિરાના જામ છે,
બંધી છે શરાબની, એ બંધીથી ગુજરાત બદનામ છે.
કાયદા એટલા કડક કર્યા કે કાયદા રક્ષક પીવા લાગ્યા,
છે ગુજરાત આ ગાંધીનું, પણ બોટલનું બનેલ ધામ છે.
લે તું પણ બે ઘૂંટ પી, રાજ આપણું છે આ રાજ્યમાં,
આવે છે દુર્ગંધ જેના મોઢામાંથી, એ મોઢે રામનું નામ છે.
રખડે છે પોટલીઓ પીને ખાલી કરેલ પ્લાસ્ટિકની અહીં,
સ્વચ્છતાના દેખાવ કરતી ગાંધીનગરમાં બેઠેલ ભામ છે.
લથડીયાઓ ખાઈને એ પહોંચે છે રોજ રોજ સ્ટેશન પર,
કાનૂની રુઆબ રાખે છે પ્રજા સમક્ષ, હાથમાં જામ છે.
નથી મળતું પાણી ત્યાં પહેલા પહોંચી જાય છે દેશી દારુ,
હોઈ છે પર્વ લોકતંત્રનો અને પક્ષના નશામાં પૂરું ગામ છે.
મનોજ આ મહાનતા છે કાયદાની કે રોજ રસ્તે બેવડા છે,
કાયદો પી ગયો છે, એટલે જ ગલીઓમાં દારૂનું કામ છે.
(3) સૈનિકની શૌર્ય
જે ટકી રહ્યા હિમમાં રક્તના ઉબાલ પર,
ન્યોછાવર કર્યું જીવન ભારતના પ્યાર પર.
એમને રંગી રંગોળી ધરતી પર સોણિતથી,
દેશમાં યુવાન સબળે છે પ્રિયાના ગાલ પર.
હતો પરિવાર એમને પણ જે ગયા સીમાડે,
આંસુ એમના વહ્યા મા ભારતીના હાલ પર.
ફેસબૂક, ટ્વિટર અને યૂટ્યૂબ પર દેખાઈ જે,
એ દેશભક્તિ આવે આઝાદીની સાલ પર.
હોઈ ચિંતા દેશની તો દીકરા મોકલે નેતાઓ,
જેમની નજર ટ કી છે, પૈસા અને માલ પર.
જેહાદીને બતાવી શહીદ પથ્થરો મારે છે જે,
એક તમારો મારો પથ્થરબાજોના ગાલ પર.
મનોજ એવી ઘટના બની દેહ પૂરું ન આવ્યો,
કટકા કટકામાં વહેંચાયા દેશના વહાલ પર.
(4) હેલમેન્ટ
નામ એમનું રાખ્યું ગડકરી, એને આ ધાડ પાડી,
મેમો છે તાજમહેલ જેવો રસ્તા બંગાળની ખાડી.
આજે ગયું છે આ નાણું દુનિયા વચ્ચે સાવ નીચે,
પ્રજા પર નાખી ટેક્સ અનેક ગણા ભરે છે હાંડી.
એમને ચિંતા અચાનક વધી છે આ પ્રજાજનોની,
તો પહેલા આપો કામ, પૂરો ભુખ્યાના પેટની ખાડી.
આ તઘલખી છે નિર્ણય, પણ ચૂપ અત્યારે બધા,
કેમ સામે વાળી પાર્ટી ન ઉતરી રસ્તા પર આડી?
તોડી છે હાથે કરી ને માટલી એમને અર્થતંત્રની,
સુરક્ષાના નામે કરે ઉઘરાણી, એથી તિરાડ ચાંદી.
શુ એ પૈસા પુરે જશે કે રસ્તે જ ખોવાય જશે?
મનોજ દૂર ઉભો રહેજે આવી ભષ્ટાચારની આંધી.
(5) જન્મદિવસ છે
તઘલખની તારીખ આવી, જન્મ દિવસની ઉજાણી છે,
વાહ વાહ કરવા પહોંચી આ જનતા પણ સાવ કાણી છે.
શૂટ બુટ અને અનેક વેશભૂષા, પ્રદેશે - પ્રદેશે અનેક રંગ,
બોલી "છું ગરીબ માતાનો દીકરો", વિદેશયાત્રા માણી છે,
નથી સાથે એમને જન પોતાના, નથી કોઈ સાથે બાંધવો,
કાળો કાયદો આવ્યો દેશમાં, પ્રજા પણ પાછળ હાલી છે.
કરોડો સિવાય તો એ નાની રકમ ક્યાંય બોલતા જ નથી,
છે નફટાઈ વર્તનમાં અને શેખચિલ્લીની એની વાણી છે.
એ હિંમત નથી કોઈની કે બતાવે એને કાળા વાવટા સામે,
સાહિત્યના સુરમાવો પણ એની પાસે પાણી - પાણી છે.
માન્યું કે આ કરશે કઈક ભલું દેશમાં રહેલા ગરીબો કઈક,
મરી ગયો ખેડૂત ઝાડવે લટકીને, કંપનીઓને લ્હાણી છે.
ખાડે ગઈ અર્થ વ્યવસ્થા, બંધ પડ્યા છે નાના ઉદ્યોગો,
લૂંટાવી દીધું બધું કરી તાયફાવો, બેંકમાં ખાતા ખાલી છે.
અભાગ્યો થયો દેશ, તાનાશાહીનું આવ્યું છે શાસન હવે,
આગળ ખાડો અને પાછળ કૂવો આવી કિસ્મત હાલી છે.
ધરતી હવે પી જાય છે મીઠો રસ બધો ખેતરની શેરડીનો,
મૂર્ખ પ્રજાની આ મૂર્ખાઈ છે , બાગને ચૂસતો માળી છે.
મનોજ ફરે છે ઈમાનદાર બની ને કચેરીએ કચેરીએ રોજ,
'આવજો પછી તમે' એ અધિકારીઓની આવી બાલી છે.
(6) કડક કાયદો
હતો દુપટ્ટો બાંધેલો એ માથે હેલ્મેટ છે,
સરકારના નવા નિયમની આ ભેટ છે.
નથી વ્યવસ્થા કોઈ, કેવા આ નિર્ણય?
નથી અક્કલ અને બુદ્ધિહીન ખેત છે.
ભૂલથી પણ ન ચૂકતા તમે હેલ્મેટ સાથે,
નહિતર સામે ચલણ નામક બેટ છે.
કુંખમાં રહેલ બાળકનો કેટલો મેમો છે?
એમને મન બાઇક પણ ઉડતું જેટ છે.
કલાકો સુધી મહેનત કરી પ્રજા માટે તમે?
અમને એમ કે નેતાજી બધા ભરપેટ છે.
નોટબંધીની જેમ પરિણામ ગણાવસે તે,
અફસોસ મનોજ કે એ પરિણામ લેટ છે.
(7) મંદી
ભલે ને પડે માર મંદીનો તો પણ જય જયકાર કરો,
તમે વિચારો કે ટેક્સ વધારી સરકારી તેજોરી ભરો?
ભાંગી ગયા છે ઉદ્યોગ નાના, મધ્યમવર્ગ થયા છાના,
રોજ રોજ નવા લાવી કાયદા, પ્રજા પર બોજ ધરો.
એક નીકળે અવાજ સાચો, ખતરામાં હિન્દૂ આવે,
દબાવી વિરોધની તાકાતને, પ્રજાના અવાજને હણો.
કલમો ચૂપ છે કારણ કે એ વહેંચાય ગઈ છે બધી,
લાકશાહીના ચોથા સ્થંભ પર તમારો ભાર છે ઘણો.
ગીરવી રાખ્યું છે સોનું તમે વિશ્વની બજારમાં ઘણું,
બચત કરેલા નાણાં ઉપાડી, આ રૂપિયા કોને ધરો?
ઘેરેલું આવક ન વધે તો કશું નહીં, છે એ તો રાખો,
આ પાકિસ્તાનનો ભય બતાવી, તમે થોડું ઓછું ચરો.
રસ્તામાં પડ્યા ખાડા કે ખાડામ પડ્યા છે હવે રસ્તા?
રાખો થોડી નૈતિકતા, થોડા તો તમે ઈમાનદાર બનો.
"મનોજ" બીજાના પગ પર ચાલવાની આદત છે પડી,
કરો પ્રજા પર થોડો વિશ્વાસ, પછી તમે સધ્ધર બનો.
(8) સત્ય જાણું છું
ચાંદ તમે રાખો, મને આફતાબ બતાવો,
શત્રુ તો ઘણા છે મારે, એક યાર બતાવો.
વાતો ન કરો ગરીબી હટાવવાની સદનમાં,
જો બની શકો તો ગરીબ પર પ્યાર બતાવો.
ચમનના સપના બતાવ્યા આપે વાયદામાં,
એ વિજય પછી તમે અમને ખાર બતાવો.
મંદી મસ્ત થઈ છે, નેતાઓ કરે છે મુજરા,
સબળે દેશ છે, ટીવીમાં પાકિસ્તાન બતાવો.
સુરક્ષિત કરવા સવારી, નિયમો આવ્યા છે,
દેશની ગાડી ઊંઘી પડી, એને દિશા બતાવો.
તમારા હજૂરી લગાવી રહ્યા છે લેબલ મને,
હિંમત હોઈ તો રાજાને તમે ચોર બતાવો.
હતું નવરંગ જ્યાં દેશનું આર્થિક માળખું,
આંખે પટ્ટા બાંધવી અંધકાર ધોર બતાવો.
દલાલી કરતા કઈક કલમકાર જોયા મનોજ,
કહી શકે પ્રજાનું જે દર્દ એ નવાબ બતાવો.
(9) શાંતિના સૂર
શાંતિના સૂર રેલાવી, અહિંસાને તમે રાખી છે,
રક્તથી નીતરતી હતી કિતાબ ક્યાં નાખી છે?
દીકરાના દીકરા, જમાઈ, સાળો બનેવી, જીજા,
પહેલા મારો પૂરો પરિવાર પછી વધે તો બીજા.
ખુરશી લોકશાહીની પોતાના નાક નીચે રાખી છે.
અહીંયા એક ભિખારીનો કટોરો પણ ટેક્સ ભરે,
ત્યારે જ આ નેતાઓના મોટા મોટા મહેલો બને.
વધુ ટેક્સ માટે નેતાએ કફન પર નજર નાખી છે.
જાતિવાદી ટોળામાં વહેંચાય ગયો છે પૂરો દેશ,
રહેમ કરો, બક્ષો, થોડો રાખો ભારત જેવો દેશ.
મરે પ્રજા અનેક રમખાણે, લાગે એને માખી છે.
શિક્ષણના ભાવ થાય, દવાખાને મોટા દાવ થાય,
મરે છે કમોતે નિર્દોષ બાળકો આવા બનાવ થાય.
કરો વિલાપ બધા, તમે જ ગુલામીને સાખી છે.
ન સન્માન કર્યું તમે, કેયલય શહીદ થયા બેટાઓ,
પહેરાવ્યો હાર વિજયનો, મહાન કર્યા નેતાઓ,
એ કુરબાની શહીદોએ શુ આ માટે જ આપી છે?
ચોકડી બની ચંડાલની, પુરા દેશને ભરખી ગઈ,
જોવા ઊંચા શિખર, મનોજની આંખ તરસી ગઈ.
સિત્તેર વર્ષથી ક્યાં આઝાદીની રોકલી ચાખી છે?
(10) નેતાઓના સગા
ધન ધુતારા લઈ જાય, નેતાઓના પ્યારા લઈ જાય,
ભરે છે ટેક્સ જે મહેનત કરી, બિચારા રહી જાય.
કરે જો વાત અહીં સત્યની, પરિણામ એવું આવે,
એ ઘરબાર વિરાન થાય, માણસ નોંધારા થઈ જાય.
ચંદ રૂપિયાના દેવાથી લટકી જાય છે ખેડૂત અહીંયા,
ભ્રષ્ટાચારીયો સત્તાવાળા ને કેમ પ્યારા થઈ જાય.
ભલે ને કરતા આક્ષેપ એક બીજા પર ભર સદનમાં,
વાત સ્વાર્થની આવે ને એકબીજા સારા થઈ જાય.
વાર્તા જૂની છે પણ સાર્થક બની છે દલા તલવારીની,
ખાઈ જાય ખુદને પૂછીને, પ્રજાના તમાસા થઈ જાય.
મનોજ સંકટ છે આ દેશ પર, મંદીનું પુર આવી રહ્યું,
જાગી જાય પ્રજા તો કવિતાના શબ્દ નારા થઈ જાય.
મનોક સંતોકી માનસ