વન્સ અપોન અ ટાઈમ
પ્રકરણ – 94
પપ્પુ ટકલાથી છૂટા પડીને અમે પોલીસ ઑફિસર ફ્રેન્ડની કારમાં રવાના થયા ત્યારે રસ્તામાં અમારા મનમાં પપ્પુ ટકલાના ‘અરજન્ટ કામ’ વિશે વિચારો ધોળાતા હતા. પપ્પુ ટકલાને અચાનક એવું શું કામ આવી જતું હશે એવો સવાલ અમારા મનમાં ઊઠતો હતો. અમે આગળ વિચારીએ પહેલાં પોલીસ ઑફિસર ફ્રેન્ડે વાત શરૂ કરી, ‘પપ્પુ ટકલા પતનની દિશામાં જઈ રહ્યો છે. એણે ફરી વાર એક ગેંગ માટે કામ શરૂ કર્યું છે. અને આ વખતે એ પાછો વળી શકે એવું મને લાગતું નથી.’
અમારી આંખોમાં પ્રશ્નાર્થ વાંચીને એમણે આગળ કહ્યું, ‘પપ્પુ ટકલા પર અમે વોચ ગોઠવી છે અને મને શંકા છે કે એ ડ્રગ્સની હેરફેરમાં પડ્યો છે.’
એ સાંભળીને અમારું દિમાગ થોડીવાર બહેર મારી ગયું. પોલીસ ઑફિસર ફ્રેન્ડે વાત આગળ કહ્યું, ‘પપ્પુ ટકલા પર અમે વોચ ગોઠવી છે અને હજી એને આ વાતનો અણસાર સુદ્ધાં નથી. પપ્પુ ટકલાની ગમે ત્યારે ધરપકડ થઈ શકે એમ છે પણ અમે પુરાવા સાથે એને પકડવા માગીએ છીએ.’
અચાનક પોલીસ ઑફિસર ફ્રેન્ડના સેલ્યુલર ફોનની રીંગ વાગી અને એમણે સેલ્યુલર કાને માંડીને વાત શરૂ કરી. એમની વાત લાંબી ચાલી. એમણે વાત પૂરી કરી ત્યારે અમે અમારા ઘર સુધી પહોંચવા આવ્યા હતા. એકબીજાને ગુડનાઈટ કહીને અમે છૂટા પડ્યા ત્યારે વાસ્તવમાં તો રાતનો છેલ્લો પ્રહર ચાલુ થઈ ગયો હતો. પપ્પુ ટકલા અંડરવર્લ્ડના વિષચક્રની કથા અમને કહેતો હતો પણ પપ્પુ ટકલા પોતે ફરી વાર એ જ વિષચક્રમાં ઘૂસ્યો હતો અને અમે આ વિષચક્રના સાક્ષી બની રહ્યા હતા.
બે દિવસ પછી પપ્પુ ટકલાએ ફરીવાર અમને મળવા બોલાવ્યા હતા. આ વખતની મુલાકાત પણ એના ઘરે જ ગોઠવાઈ હતી. આ વખતે પોલીસ ઑફિસર ફ્રેન્ડ અમારી સાથે નહોતા એમણે કદાચ પપ્પુ ટકલાના ઘરે આવવાનું ઈરાદાપૂર્વક ટાળ્યું હતું. અને એમણે છેલ્લે પપ્પુ ટકલા વિશે જે વાતો કહી એ પછી અમે પણ એમને સાથે આવવા માટે આગ્રહ કરવાનું ઉચિત માન્યુ નહોતું. શનિવારની રાતના દસ વાગ્યે અમે પપ્પુ ટકલાના ઘરે પહોંચ્યા ત્યારે પપ્પુ ટકલાએ બ્લેક લેબલ વ્હિસ્કીની બોટલ ખોલીને ડ્રિન્ક લેવાનું શરૂ કરી દીધું હતું અને એની સામે ટીપોય ઉપર પડેલી એશ ટ્રેમાં ફાઈવફાઈવફાઈવના ત્રણ ઠૂંઠા પડ્યા હતા. અને ચોથી ફાઈવફાઈવફાઈવ પપ્પુ ટકલાના આંગળાઓ વચ્ચે સળગતી હતી.
‘આપણે ક્યાં પહોંચ્યા હતા?’ પપ્પુ ટકલાએ આદતવશ પૂછ્યું અને પછી એની ટેવ પ્રમાણે અમારો જવાબ સાંભળ્યા વિના જ એણે અંડરવર્લ્ડકથાનું અનુસંધાન સાધી લીધું: ‘હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અંડરવર્લ્ડનું અને ખાસ તો દાઉદ ગેંગનું વર્ચસ્વ વધવા માંડ્યું હતું અને ફિલ્મ ડિરેક્ટર રાજીવ રાયની હત્યાના પ્રયાસ પછી વધુ ગભરાટ ફેલાઈ ગયો હતો. ત્યારે બીજીબાજુ આખી હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને હચમચાવી મૂકે એવી ઘટના દુબઈમાં આકાર લઈ રહી હતી. જૂન 1997માં દુબઈમાં યોજાયેલી એક ભવ્ય પાર્ટામાં આ ઘટનાનું બીજ રોપાયું હતું...’
અચાનક પપ્પુ ટકલા સ્ક્રિપ્ટ રાઈટરના પાઠમાં આવી ગયો અને જાણે તે દુબઈની એ પાર્ટીમાં હાજર હોય અને એની નજર સામે દશ્ય તરવરી રહ્યું હોય એ રીતે એણે વાત માંડી.
***
દુબઈના ઉમ્મ અલ ક્યુવાઈસસ્થિત ‘રોયલ એમ્પાયર’ હોટલના ઉદ્દઘાટન સમારંભમાં અંડરવર્લ્ડ અને હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ખેરખાંઓ મોટી સંખ્યામાં નજરે પડી રહ્યા હતા. ‘રોયલ એમ્પાયર’ને અત્યંત વૈભવશાળી હોટેલ બનાવવામાં આવી હતી અને આ હોટેલનો માલિક હતો ડ્રગ સ્મગલર વીકી ગોસ્વામી, વીકી ગોસ્વામી પહોંચેલી માયા હતો અને એણે પોતાની હોટેલના ઉદ્દઘાટન વખતે ‘નદીમ-શ્રવણ નાઈટ’નું આયોજન કર્યું હતું. નદીમ-શ્રવણ હોંશે-હોંશે હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક સ્ટાર્સ અને ગાયકો સાથે દુબઈ પહોંચી ગયા હતા. ‘રોયલ એમ્પાયર’ના ઉદ્દઘાટન સમારંભમાં શાહરુખ ખાન, ચંકી પાંડે, આદિત્ય પંચોલી, જેકી શ્રોફ, પૂજા ભટ્ટ, કુમાર ગૌરવ, દિપ્તી ભટ્ટનાગર, મમતા કુલકર્ણી અને આયેશા ઝુલ્કા, અતુલ અગ્નિહોત્રી, સુમન રંગનાથન જેવા સ્ટાર્સ અને અભિજિત, અલકા યાજ્ઞિક, કુમાર શાનુ તથા સપના મુકરજી જેવા ટોચના ગાયકો હાજર હતા. નદીમ-શ્રવણે એકથી એક ચડિયાતી ધૂનો વગાડીને આમંત્રિતોના દિલ બહેલાવ્યા અને ગાયકો તથા ફિલ્મસ્ટારોએ સ્ટેજ ઉપર જાતભાતના નખરાં કરીને મહેમાનોને ખુશ કર્યા. એ દરમિયાન કોકટેલ પાર્ટીનો દોર શરૂ થયો હતો. પોતાનો કોઈ પ્રસંગ હોય એટલી ખુશી બતાવીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સિતારાઓ પાર્ટીમાં ઝૂમી રહ્યા હતા. ડ્રગ સ્મગલર વીકી ગોસ્વામી પોતાના માનવંતા મહેમાનો સાથે હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સનો પરિચય કરાવી રહ્યો હતો. ડ્રગ સ્મગલર વીકી ગોસ્વામી અઠંગ ગુનેગાર દોસ્તો સાથે ફિલ્મ સ્ટાર્સ ઉષ્માભેર હસ્તધૂનન કરી રહ્યા હતા. હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જેના નામની ધાક ફેલાવા માંડી હતી. એ અબુ સાલેમ પણ આ પાર્ટીમાં હાજર હતો. ફિલ્મસ્ટાર્સ ઉમળકાભેર ‘અબુભાઈ’ સાથે ‘હાય-હલ્લો’ કરી રહ્યાં હતા. .
વીકી ગોસ્વામીએ ‘રોયલ એમ્પાયર’ હોટેલના ઉદ્દઘાટનની દુબઈનાં અખબારોમાં મોટા પાયે જાહેરાત કરી હતી. એ જાહેરાતે હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રી આ અંડરવર્લ્ડમાં ખાસ્સી ચર્ચા જગાવી હતી. આ જાહેરાતમાં કહેવાયું હતું કે, બોલીવુડ ઉમ્મ અલ ક્યુવાઈસને આંગણે આવે છે. અને રોયલ એમ્પાયર હોટેલમાં ડ્રીમલેન્ડ જેવો માહોલ ઊભો થશે.
આવી આ ભવ્ય હોટેલના અતિ ભવ્ય ઉદ્દઘાટનમાં બોલીવુડના સ્ટાર્સ વીકી ગોસ્વામીની શાનમાં વધારો કરી રહ્યા હતા ત્યારે બીજી બાજુ અબુ સાલેમ બધાને મળી લીધા પછી એક ફિલ્મી હસ્તી સાથે કોઈ ગંભીર વાત કરી રહ્યો હતો. એ ફિલ્મ પર્સનાલિટી સાથે થોડી વાર વાત કર્યા પછી અબુ સાલેમ એ ફિલ્મ પર્સનાલિટીને લઈને ‘રોયલ એમ્પાયર’ હોટેલના એક સ્યુટમાં ગયો. કેટલાક ફિલ્મસ્ટાર્સનું ધ્યાન એ તરફ ગયું પણ એની કોઈએ ખાસ નોંધ લીધી નહીં. એક નજર અબુ સાલેમ અને ફિલ્મ પર્સનાલિટીની એક્ઝિટ તરફ નાખીને ફિલ્મ સ્ટાર્સ પાછા પાર્ટીમાં ઓતપ્રોત થઈ ગયા. અબુ સાલેમ સાથે ‘રોયલ એમ્પાયર’ હોટેલના સ્યુટમાં વાત કરવા ગયેલો એ માણસ નદીમ હતો, સંગીતકાર સૈફી નદીમ અખ્તર, ‘રોયલ એમ્પાયર’ના માલિક અને ડ્રગ સ્મગલર વીકી ગોસ્વામીએ આંખના ખૂણાથી જોયું કે નદીમ અને અબુ સાલેમ પાર્ટી છોડીને જઈ રહ્યાં છે. એના ચહેરા પર હળવું સ્મિત ફરકી ગયું.
***
મુંબઈના જોઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) રણજિતસિંહ શર્મા એમને મળેલી માહિતી પર થોડી ક્ષણો માટે વિશ્વાસ કરી શક્યા નહીં, પરંતુ માહિતી નક્કર હતી અને એ માહિતી બીજા કોઈ પાસે નહીં પણ કુખ્યાત અબુ સાલેમના શૂટર્સ પાસેથી પોલીસને મળી હતી. મુંબઈ પોલીસના હાથમાં ઝડપાઈ ગયેલા અબુ સાલેમ ગેંગના પાંચ શૂટર્સનું પોલીસ ઑફિસરોએ આગવી ઢબે ઈન્ટરોગેશન શરૂ કર્યું હતું અને એ શૂટરોએ પોલીસ ઑફિસરો સામે માહિતી ઓકી નાખી હતી કે અબુ સાલેમ એક જાયન્ટ પર્સનાલિટીની હત્યા કરાવવાનો છે. અબુ સાલેમ ગેંગના શૂટર્સ પાસેથી મળેલી માહિતી ક્રાઈમ બ્રાંચના પોલીસ ઑફિસર્સે એમના બોસ રણજિતસિંહ શર્માને આપી ત્યારે શર્માએ નિરાશ થઈને પોતાના કપાળ ઉપર હાથ પછાડ્યો!
(ક્રમશ:)