nahi.. karu in Gujarati Children Stories by SUNIL ANJARIA books and stories PDF | નહીં.. કરું..

Featured Books
Categories
Share

નહીં.. કરું..

નહીં. . કરું !

મોહિત સર ભગવાન પાસે જઈ ઉભા રહ્યા અને બે હાથ જોડી આંખ મીંચી બોલ્યા “ હે ભગવાન, મારું ભલું કરજે.”


ઓચિંતો અવાજ આવ્યો, “નહીં.. કરું. ..”


સર ચોંક્યા. આ શું ? આ અવાજ? સદેહે દર્શન કેમ ન આપ્યાં ?


સરે ફરી કહ્યું “હે ઈશ્વર! મારાં ટ્યુશન વધે એવું કર”.

ફરી અવાજ “નહીં.. કરું...”


કઈંક તો ગરબડ છે! આ વખતે તો બીજા શબ્દો મનમાં ગોઠવી અંતરની માંગણી કરી જોઈ. તો પણ આ અવાજ? અવાજ રણકતો, પુરુષનો જ હતો.

સર ડઘાઈ ગયા. આસપાસ જોયું. પુજારી તો મંદિરની બહાર ક્યારો સાફ કરતો હતો.


સર બોલ્યા, “હે ભગવાન, મારાથી શું ભૂલચૂક થઇ છે?”


કોઈ અવાજ નહીં.


મોહિત સર તો નિરાશ થઈ ઘેર ગયા. આજે તેમના મગજમાં મંદિરના વિચારો ઘુમરાયા કરતા હતા. તેમણે ક્લાસમાં થોડું ભણાવી વિદ્યાર્થીઓને પ્રેક્ટિસમાં લખવા પેરેગ્રાફ આપી દીધો. બે ચાર વિદ્યાર્થીઓએ નિરર્થક માર ખાધો, બે ત્રણને માથે ફૂટપટ્ટી મુકી અંગુંઠા પકડી ઉભા રખાવ્યા.


બીજે દિવસે સવારે તેઓ ફરી શિવમંદિર ગયા. આજે તો દર્શન પહેલાં મંદિરની પ્રદક્ષિણા કરી લીધી. આસપાસ કઈં નવું દેખાયું નહીં . ફરી તેઓએ ભગવાન સામે હાથ જોડયા, ફરી કહે, “હે ભોળાનાથ? કલ્યાણ કર. મારી કોઈ ભૂલ ચૂક હોય તો માફ કર.”


સર ચોંક્યા. ફરી એ જ અવાજ, “નહીં. . કરું!”


મોહિત સર રડમસ અવાજે બોલ્યા, “પણ મારી ભુલ શું છે?”


ઉપરથી ક્યાંકથી એમની નમેલી પીઠ પર ફૂટપટ્ટી પડી અને તૂટી ગઈ. સરને સરખું વાગ્યું .આ તો બેંચનાં તૂટેલાં લાકડાંમાંથી મળેલી અને તેઓ ક્લાસમાં મારવા વાપરતા એવી. પણ આ તો ચંદન ઘસવા વપરાતી હોય એવી હતી. ઉપર ચંદનનો લેપ પણ હતો.


સર તો પુજારી પાસે ગયા અને કહે “મહારાજ, મેં ભગવાનને ભલું કર એમ કહ્યું તો ભગવાને મને 'નહીં કરું' એમ કહ્યું.”


પુજારી કહે “આ મંદિરના ભગવાનનું સત છે. પહેલી વાર મોટો અપરાધ થાય તો ભગવાન દર્શન દેવાને બદલે અવાજથી ચેતવણી આપે છે. એ ન માનો તો રૌદ્ર સ્વરૂપે દર્શન દઈ ભસ્મ કરી દે.”


મોહિત સર ગભરાયા. કહે: “ મહારાજ, તો હવે શું કરું?”


મહારાજ કહે “ બીજું કાંઈં થયેલું?”


મોહિત સર કહે “ આ એક ફૂટપટ્ટી પડી. જુઓ માથે વાગી. થોડું લોહી પણ નીકળ્યું.”


મહારાજ કહે “ઠીક. તમે ફૂટપટ્ટીથી કોઈ ઘોર અપરાધ કરો છો. જાવ. ભગવાન પાસે કબુલ કરો અને હવેથી એ અપરાધ નહીં કરતા. હા, જે સાધન તમને લાગે છે કે તમારા અપરાધમાં વાપર્યા જેવું છે એને પેલા હવનકુંડમાં અગ્નિ પ્રગટે છે ત્યાં નાખી દો. “


મોહિત સરે તુટેલી ફૂટપટ્ટી હવનકુંડમાં નાખી. ડરતા ડરતા, ધ્રુજતા ધ્રુજતા સ્કુલે ગયા. આજે તેમણે કોઈ વિદ્યાર્થીને સજા કરી નહીં. હાથ ઊંચો થાય પણ પોતાના પેન્ટ પર જ થપાટ મારી લે.


બીજી સવારે મંદિર જઈ કહે, “હે મહાદેવ, હું ફૂટપટ્ટીથી કોઈને મારીશ નહીં. કોઈને અંગુઠા પકડાવી પીઠ પર ફૂટપટ્ટી રાખવાની સજા નહિ કરું. મને ફૂટપટ્ટી વાગીને લોહી નીકળ્યું. એ કેવી ચમચમે એનો ખ્યાલ આવ્યો. હવે તમે મને બાળીને ભસ્મ કરશો?”


અવાજ આવ્યો “ નહીં.. કરું..”.


મોહિત સરે ત્રણ તાળી પાડી અને કહ્યું “ ૐ..”

ઘુમ્મટમાં તાળીનો અવાજ અને પડઘા ગૂંજ્યા “ ૐ”.


સર હાશકારો કરતા ગયા અને…


મંદિરની બાજુમાં ગોખલા પર પગ ટેકવી ઉભેલા

જીતુએ ફૂલો નીચેથી રમકડું ખેંચ્યું.


રમક્ડું કોઈ અવાજ આવે એટલે સેન્સરથી પકડી એક જ અવાજ “ નહીં.. કરું..” બોલતુ હતું.


જીતુએ પુજારીને “ થેંક્યુ મહારાજ” કહ્યું અને દોડી ગયો.


સર હવે ભણાવતા, ઠપકો આપતા પણ કોઈને મારતા નહીં .


એકવાર એમણે ક્લાસમાં કઈંક ઠોકવા ફૂટપટ્ટી ગોતી તો એ મળી નહિ. જીતુ મનમાં મલકાતો હતો- એણે ફૂટપટ્ટીને યજ્ઞકુંડની મેશ લગાડી ઉપર ચંદનનો લેપ કરી દીધો હતો અને એ અગ્નિના હવાલે થઇ ગઈ હતી. સાથે મોહિત સરની મારવાની ટેવ પણ.

- સુનીલ અંજારીયા