દિવાળી પછીના દિવસો હતા. વાતાવરણમાં સવાર-સાંજ ફૂલગુલાબી ઠંડી ફેલાવા લાગી હતી. ગામડાઓમા ખેતર ની અંદર મોસમની સીઝન ભરપૂર ચાલી રહી હતી. ઠેર ઠેર મગફળીના હલર (થ્રેસર )ચાલી રહ્યા હતા અને વળી એક લોકવાયકા મુજબ દિવાળીના આસપાસના દિવસો એટલે નવા દિવસો. આવા દિવસો માં ભૂત- પ્રેત -ચુડેલ - જેવા આભાસી ચિત્રો વધુ કાર્યરત હોય છે. અહીં આવા ચિત્રોને મે આભાસી ચિત્રો એટલા માટે કહયા છે કે આજ દિન સુધી મે આવા શબ્દ ધારી ચિત્રો ક્યારે જોયા નથી અને વળી ઉપરની લોકવાયકા બધાને અસર કરતી નથી એટલે કે ઉપરની અમુક માન્યતા બધાને લાગુ ન પણ પડતી હોય , પણ લગભગ બધા આ વાત જાણતા તો હશે જ.
આવી જ મગફળીની મોસમ અમારે પણ ચાલતી હતી. સતત દોઢ દિવસ હલર ચલાવી અમે મગફળીનો ઢગલો તૈયાર કર્યો હતો. રોંઢાનો ચા (આશરે ત્રણથી પાંચ નો સમયગાળો એટલે રોંઢો) પીધા પછી મગફળીનો કોથળા ભરવાનું ચાલુ કર્યું. દસ-બાર કોથળા ભર્યા બાદ આજના દિવસનું કામ પૂર્ણ કર્યું. હું અને મારા બા (મમ્મી ) ઘેર જવા નીકળ્યા અને મારા બાપુજી (પપ્પા ) ત્યાં જ રહ્યા મગફળીના રખોલે. અને વળી મારે મારુ તથા મારા બાપુજી નું વાળુ (સાંજનું ભોજન )લઈને પાછા આવવાનું હતું અને તે પણ અંધારુ થયા પહેલા. કારણકે અમારી વાડી ખારાના વોકળા પાસે આવી હતી ,ને બાજુમાં ખારા નું જંગલ પણ હતું. અલબત્ત આ જંગલમાં કોઈ મોટું હિંસક પ્રાણી રહેતું ન હતું. છતાં વિગતો બીકો તો લાગતી જ. આથી જો અંધારું થઈ જાય તો જાનવર કે પછી અંધારાની કે ભૂતની બીક લાગે એ માટે વહેલા વાળુ લઈને આવવું હતું .હું અને મારા બા (મમ્મી)ઝડપથી ઘેર ભણી ભણી ચાલવા લાગ્યા.
બાની રસોઈ બનાવવાની ઝડપ અને મારી સાંજે અંધારાની બીકે ચાલવાની વધેલ ઝડપને કારણે હું સમયસર વાડીએ પહોંચી ગયો. ખુલ્લા આકાશમાં,ઠંડા પવનમાં , લહેરાતા વૃક્ષોની નીચે વાળુ કર્યું .ખરેખર આવા વાતાવરણમાં જમવાની મજા કંઈક જુદી જ હોય છે.
સાંજે વાળુ કર્યા બાદ મગફળી ના ઢગલા પાસે રાખેલ ખાટલા પર સુવા માટે હું આડે પડખે પડ્યો અને મારા બાપુજી ઢગલા પર ખાલી કોથળા પાથરી સુવાની પથારી તૈયાર કરીને બીડી પીવા બેઠા. બાપુજીએ એકાદ બીડીપીધી ત્યાં સુધી તો અમે વાતો કરતાં રહ્યા, પણ રાતના તમરા ના તડ તડ અવાજની વચ્ચે , વૃક્ષોના પર્ણના ખડખડાટ અને ઠંડા પવનની લહેરખી વચ્ચે ક્યારે નીંદર આવી ગઈ તેની ખબર જ ના પડી.સવારે ચાર વાગ્યે બાપુજીએ મને ઉઠાડ્યો ત્યારે ખબર પડી કે સવાર થઇ ગયું છે. ઊઠીને ખેતરની વચ્ચે ત્રણ પથ્થર નો ચૂલો બનાવીને અમે બંનેએ ચા બનાવી અને ખુબજ લહેકાથી ચા પીધી. ચા પીધા બાદ બાપુજીએ મને કહ્યુ કે હું ઘેર જાઉં છું તારા માટે શિરામણ (સવારનું ભોજન) લેવા અને કોથળા સીવવા માટે સુતરી લેવા . તું અહીંયા સૂતો રહેજે ,થોડીવારમાં રઘુ કાકા( બાજુ ના ખેતર વાળા )આવી જશે અને ક્યાં ત્યાં સુધીમાં તો અજવાળુ થઈ જશે.
બાપુજી ઘેર જતા રહ્યા પછી હું ખાટલામાં ગોદડુ ઓઢીને સુઈ ગયો પણ નીંદર ન આવી. ખરેખર તો બીક લાગતી હતી કે જનાવર આવશે તો, ભૂત થાશે તો ,ચોર ડાકુ આવશે તો, આમ તો અમારા ગામમાં ડાકુ ઓ ક્યારે ય આવ્યા નથી પણ ટીવી ફિલ્મો જોઈ જોઈને આવો ડર મનમાં ઘર કરી ગયો હતો. ખૂબ પ્રયત્નો કરવા છતાં નીંદર ન આવી અને મનમાં ડર વધવા લાગ્યો.વૃક્ષો તથા મગફળીના ભુકાના પાંદડા પવનથી ખખડતાં અને મને વધુ બીક લાગતી .અંતે ખાટલા નીચે રહેલી બત્તી( ટોર્ચ ) લઈને લાકડી ગોતવા લાગ્યો. થોડી શોધખોળ પછી માલુમ પડ્યો કે લાકડી મગફળીના કોથળા નીચે દબાયેલી હતી. હવે લાકડી કોઈપણ રીતે બહાર કાઢવી પડે તેમ હતું કારણકે હાથમા એકાદ હથિયાર તો જોઈએ ને. કદાચ રાત્રે કોઈ વીંછી જેવા જંતુ નીકળે તો કામ આવે. માટે મે મિશન હાથનું હથિયાર લાકડી કાઢવાનું કામ શરૂ કર્યું અને કોથળા ઉંચકવાનું શરૂ કર્યું આમ તો કોથળા મારાથી અત્યારે પણ નથી ઊંચકાતાં તો ત્યારે ક્યાંથી ઊંચકાય . છતાં પણ મેં પ્રયત્નો શરૂ કર્યા અને તેમાં સફળતા તો ન મળી પણ ઉલટાનું તેમાંથી એક કોથળો નીચે પડ્યો ને સાથે હું પણ પડ્યો અને મારા બંને પગ ઉપર બીજો કોથળો પડ્યો અને પગ તેની નીચે દબાઈ ગયા. હવે હું બરાબરનો ફસાયો, ન તો ખાટલા ઉપર જઈ શકાય કે ન તો ઉભા થઇ શકાય. મે ખૂબ પ્રયત્ન કર્યા પણ મારા પગ કોથળા નીચેથી કાઢી ન શક્યો અને હવે તો બાપુજી આવે ત્યાં સુધી આવી જ રીતે પડ્યા રહેવાનું હતું.પરંતુ હજુ તો ચારે બાજુ ઘોર અંધકાર ફેલાયેલ હતો એટલે બાપુજીને આવવાને હજી ઘણી વાર હતી પણ રઘુ કાકા તેની વાડીએ આવી ગયા હશે કારણ કે ત્યાંથી ક્યારેક ક્યારેક ટોર્ચનો પ્રકાશ ઝબકતો હતો પણ તે અહીંયા તો અત્યારમાં ન જ આવે ને. આવું
વિચારતો હતો ત્યાં જ મારી નજર સામે ગઈ ને હું આખો ધ્રૂજવા લાગ્યો .મારી નજર સામે એક સળગતો દેતવા (આગ નો નાનો એવો તણખો) દેખાવા લાગ્યો અને તે દેતવા થોડીવારે વધારે તેજ સાથે સળગે ને થોડી વાર ધીમા તેજ સાથે સળગે વળી થોડીવાર ઉપર આવે ,ઉપર આવીને વધુ તેજ સાથે સળગે ને પાછો નીચે જાય, ને નીચે ગયા પછી તેજ ઓછું થાય તથા નીચે ગયા પછી ક્ષણવાર માટે દેખાતો બંધ થાય. જી હા આ કોઈ ભ્રમ ન હતો કે ન હતો કોઈ આગિયો .વળી એ સળગતો દેતવા મારી પાસે ને પાસે આવો તો દેખાયો. જેમ જેમ પાસે આવવા લાગ્યો તેમ તેમ મને ઠંડી રાત માં પણ મને પરસેવો વાળવા લાગ્યો .અત્યારે જો મારા પગ કોથળા નીચે ના દબાયેલા હોત તો હું રઘુકાકા પાસે જતો રહ્યો હોત. પણ મારા પગ તો કોથળા નીચે દબાયેલા હતા અને ભૂત મારી તરફ આવી રહ્યું હતું. હવે શું કરવું ? ખૂબ વિચાર્યું છતાં કંઈ ઉપાય જડ્યો નહીં .છેવટે ખાટલા પરથી માંડ માંડ ચાદર ખેંચી માથે ઓઢી લઈ જમીન સાથે જકડાઈ ગયો. થોડીવાર સૂનકાર છવાઈ ગયો પણ એ સૂનકાર ક્ષણભંગુર હતો .અચાનક કોઈના ચાલવાના પગલાંનો અવાજ મારા કાને સંભળાયો. મનમાં થયું કે કદાચ બાપુજી આવી ગયા હશે .મેં ચાદર ઊંચકીને જોયું તો કોઈ દેખાતું ન હતું અને પેલો સળગતો દેતવા એટલે કે ભૂત એકદમ મારી નજીક આવતું હોય એવું લાગ્યું. હવે તો તેના પગલાનો અવાજ એકદમ સ્પષ્ટ આવી રહ્યો હતો. હું એકદમ ડઘાઈ ગયો અને ઝડપથી ચાદર ઓઢીને જમીન સાથે લપાઈ ગયો .ત્યાં જ અવાજ આવ્યો પીતું બાપા.................હા મારા બાપુજી નું નામ ...પણ અત્યારે કોણ બોલ્યું ,ના....ના .........આ અવાજ રઘુકાકાનો તો નહતો. તો પછી આ અવાજ કોનો હશે ? એવું વિચારતો હતો ત્યાં ફરીથી અવાજ આવ્યો ......પીતુંબાપા .......આ વખતે અવાજ સાંભળતા જ મારા મનમાં એક ઝબકારો થયો કે આ અવાજ તો ભલુ કાકાનો.અમારી વાડી ની ઉતર દિશામાં એમની વાડી આવેલી. મેં આનંદમાં આવીને ચાદર ઊંચકીને જોયું તો અંધારામાં જાખા ઝાંખા ભલુકાકા દેખાતા હતા અને તેના હાથમાં સળગતી બીડી હતી. અરે હું જેને ભૂત સમજતો હતો તે તો ભલુકાકા અને જે દેતવાની બીક લાગતી હતી તે તેની બીડી હતી .હવે સમજાયું કે ઉપર આવતાં દેતવા નું તેજ વધતું કેમ હતું ,કારણકે ભલુકાકા બીડી મોઢે ચડાવીને કશ ખેંચતા હતા અને કસ ખેંચ્યા બાદ બીડી પકડેલા હાથ નીચે જતો પરિણામે દેતવા દેખાતો બંધ થઈ જતો. આ સમજાયું ત્યારે મને મનોમન હસવું આવ્યું. ઘડી પહેલા ડરથી ડઘાઇ ગયેલ હું અત્યારે આનંદથી હસવા લાગ્યો ત્યાં જ ફરીથી અવાજ આવ્યો........ પિતુબાપા............ ત્યારે મેં વિચારો ખંખેરીને કહ્યુ કે તે તો ઘરે ગયા છે. અને મારા પગ કોથળા નીચે દબાયેલા છે તમે કોથળો ઊંચો કરો તો હું ઊભો થઈ શકું. ભલુ કાકાએ કોથળો ઉંચો કર્યો અને હું ઉભો થઇ ખાટલે બેસ્યો અને ભલુ કાકા મારી બાજુમાં બેઠા. પછી ભલું કાકાને મેં મારી બધી કથની સંભળાવી અને અમે બંને પેટ પકડી ને હસી પડ્યા ખરેખર કેવો ભૂતનો ભ્રમ થયો
"આ કિસ્સા નો સાર"
જો મારા પગ કોથળા નીચે ન દબાયેલા હોત તો હું રઘુકાકા ની વાડી એ જતો રહ્યો હોત અને ત્યાં જઈને રઘુ કાકા ને બધી વાત કરત .પછી રઘુ કાકા પણ ત્યાંથી અમારી વાડી તરફ જોત અને તેને પણ સળગતો દેવતા એટલે કે ભલું કાકાની બીડી દેખાત અને તે પણ મારી જેમ માનવા લાગે કે અમારી વાડીએ ભૂત થાય છે અને આમાંથી એક નવી લોકવાયકા ઊભી થાત કે અમારી વાડી એ ભૂત થાય છે.
ખરેખર, ભુત વિશેની લોકવાયકાઓ ની જો તપાસ કરીએ તો મોટાભાગની લોકવાયકાઓ આવા ભ્રમ થી જ ઉત્પન થયેલ જોવા મળે.