'આનલ તું મારી વાત સમજવા તૈયાર જ નથી તો હું શું કહું તને. તું પહેલાં આવી તો ન હતી. પછી શા માટે આમ અચાનક...'
'પ્રેરક.. આ તું મને પૂછે છે ? કેમ... અચાનક... આવી પ્રશ્નોત્તરી તારા મુખેથી સારી નથી લાગતી. તે મને અચાનક જ આંચકો આપ્યો છે ને... મારો વિચાર કર્યો ? કહી દીધું જાણે આપણે ત્રણ વર્ષ પહેલાં મળ્યા ત્યારે જે રીતે તે "આનલ આઈ લવ યુ" કહ્યું હતું એમ.'
'અરે મારી વ્હાલી દોસ્ત..'
'અચ્છા તો હું હવે પ્રેમીકામાંથી દોસ્ત થઈ ગઈ એમ ને.. સારું પ્રેરક તને જેમ ઠીક લગે એમ કર. લાગે છે કદાચ મારી અપેક્ષાઓ વધુ પડતી છે.'
'આનલ લાગે છે તું આજે મને ન સમજવાની પ્રતિજ્ઞા લીધી છે. હું તને માત્ર એટલું જ કહેવા માગું છું કે તું જે ઈચ્છે છે એ શક્ય નથી. એ તું પણ સમજે છે અને હું પણ.. પછી આ જીદ શ માટે ? મેં તને હમેશાં બધું જ આપવાનો વાયદો કર્યો છે અને એનાથી હું પીછેહઠ નહિ કરું. એટલો ભરોસો તો છે ને ?'
'હા... મમમમ.. કદાચ ના.. હવે નથી. પ્રેરક તારા માટે બધું કહેવું ખૂબ જ સરળ છે પરંતુ મારા માટે... તું મારી જિંદગી છો.' ( પ્રેરકને આનલ ની વાતોથી હવે અકળામણ થતી હતી)
'આનલ તને કદાચ યાદ નથી પરંતુ ત્રણ વર્ષ પહેલાં જ્યારે મેં તને મારી લાગણીઓ વ્યક્ત કરી ત્યારે જ કહ્યું હતું કે આપણે આ સંબધને કોઈ નામ નહિ આપી શકીએ. હું તને બધું જ આપવા તૈયાર હતો અને હજી છું. પરંતુ કહ્યું હતું ને કે કોઈ બાંહેધરી નહિ આપું, પછી શા માટે આજે આ બધું.'
'હા મને યાદ છે. પરંતુ તે એમ પણ કહ્યું હતું કે મારા જીવનમાં તું જ હમેશાં પ્રથમ રહીશ તો છેલ્લાં કેટલાંક દિવસોથી આ પરિભાષાની વ્યાખ્યા કેમ બદલાઈ ? મારે માત્ર એટલો જ જવાબ જોઈએ છે. મેં કયારેય તને તારી પ્રાથમિક જવાબદારીઓ નિભાવવાની ના નથી પાડી.'
'તો પછી આજે શા માટે..'
'હું આજે પણ ના નથી પાડતી પ્રેરક.. પરંતુ તારું મને છોડવાનું જે કારણ છે એ મને યોગ્ય નથી લાગતું, એટલા માટે હું આ રીતે વાત કરું છું. મને તારી બાંહેધરી નહિ પણ હૂંફ જોઈએ છે. મેં તારી સંબધ રાખવા ઘણું ગુમાવ્યું છે અને હજી પણ તૈયાર છું.'
'તો પછી વાંધો શું છે આનલ.. આપણાં સંબંધોને નામ ન આપું એમાં ક્યાં કોઈ મોટી વાત છે. તું મારી છે અને..' ( પ્રેરક બોલતા અચકાય છે)
'અને... હું મારી પત્નીનો એમ જ ને...' (આનલના મુખ પર દુઃખની સાથે ગુસ્સો પણ તરી આવતો હતો. થોડીવાર માટે તો એને પોતાના પર જ ગુસ્સો આવી રહ્યો હતો.)
'પ્રેરક સહેજ ખચકાટ સાથે, હા હું... એજ... પણ... ( હિંમત ભેગી કરીને આખરે એ બોલ્યો) જો આનલ આજે પણ હું તને મારી દિલની ઘહેરાઈઓથી ચાહું છું અને કદાચ મારા અંતિમ શ્વાસ સુધી ચાહીશ. પણ આપણાં સંબંધો લોકો સુધી પહોંચાડવા માટે નથી. એને મનમાં રાખી તૃપ્તિ મેળવવા માટે છે.'
'આનલ એકદમ હસી પડી, જોયું ને આમા પણ કદાચ આવી જ ગયું ને. વાધો નહિ. તારે હવે તારા પ્રેમના પારખાં કરાવવાની જરૂર નથી. હું વગર કહ્યે બધું જ સમજી ગઈ છું.'
ખરું છે નહીં ! પુરૂષ ઘરમાં સુંદર, ભણેલી પત્ની ઘરમાં હોય છતાં બહાર બીજી સ્ત્રીના પ્રેમમાં પડે છે. માનું છું કે પ્રેમ કરવો ખરાબ નથી પરંતુ એ પ્રેમ ક્યાં કારણોસર થાય છે એ ઘણું મહત્વનું છે. ઘણીવાર વૈચારિક પ્રેમ હોય છે અને તે વર્ષો વરસ ટકે પણ છે. પરંતુ આજના સમયમાં પુરૂષ તેના સંસારમાં સુખી હોય છે ખૂબ જ પ્રેમ કરતો હોય છે છતાં બહાર પ્રેમની શોધમાં ભટકે છે. આવું માત્ર પુરૂષ નું નહિ પરંતુ સ્ત્રીઓનું પણ જોવા મળે છે.'
આની પાછળના કોઈ ઠોસ કારણો તારી શકાય તેમ નથી. સ્ત્રી એકલી છે તો એને પ્રેમ કરવાથી પોતાની મહત્વકાંક્ષા પુરી થઈ શકશે અથવા કુંવારી છે તો તેને પ્રેમ કરવાથી એ આપણી થઈને રહેશે, આવી માનસિકતા આજના સમયમાં દ્રઢ બનતી જાય છે.
ઘણાં કિસ્સાઓમાં તો એ માત્ર શારીરિક હોય એવું દેખીતી રીતે પ્રતિપાદિત થતું જોવા મળે છે. પ્રેરક તમારા જેવા પુરુષો અથવા ઘણીવાર સ્ત્રીઓ પણ લાગણીઓનો ઘેરલાભ ઉઠાવતી જોવા મળે છે. બાળક આવ્યા પછી પત્ની પહેલાં જેવી નથી રહી એટલે બહાર પ્રેમ શોધવો પડે છે એવું કહેનારા પુરૂષો પણ આપણાં સમાજમાં પ્રવર્તે છે અને આવા સમયે ઘર ભાગે તો એનો દોષ સ્ત્રીને જ જવાબદાર ઠહેરાવવામાં આવે છે.
એકબાજુ આપણે સંસ્કૃતિ અને મર્યાદાની વાતો કરીએ છીએ જ્યારે બીજી બાજુ...
કોઈ સ્ત્રીનું ગમવું અથવા એની સાથે શારીરિક કે અન્ય સબંધમાં બધાવવું એ ખોટું નથી પરંતુ એને માત્ર દોસ્તીનું નામ આપી છેતરવા એ ખોટું છે. બંધબારણે પાગરતાં આ સંબંધોને કોઈ નામ નથી હોતું અને પુરૂષો પણ તને સમાજની સામે સ્વીકારતા ખચકાટ અનુભવે છે. આવા સમયે સ્ત્રી અને પુરૂષ બંને એ સબંધને કેટલે અંશે આગળ લઇ જવો એનો નિર્ણય એમણે કરવાનો હોય છે.
ઘણાં સ્ત્રી પુરૂષને આ રીતે સંબધ રાખવામાં વાંધો નથી હોતો તો એવા સમયે એ બંને એ નક્કી કરવું પડે કે ગમે તેવી પરિસ્થિતિ આવશે બંને એને સામી છાતીએ ઝીલશે અને મજબૂતીથી આગળ વધશે.
'પ્રેરક તારામાં આપણાં સબંધને આગળ લઈ જવાની ઈચ્છા હોય અને હા મારી સાથે વફાદારીથી રહેવાની અને નિભાવવાની જો જવાબદારી હોય તો હું પણ બધું ભૂલી તારી રાહ જોઇશ. તને જ્યારે એમ થાય કે હા મેં ખોટું કર્યું છે ત્યારે ફરી એકવાર આપણે સાથે બેસી વાત કરીશું. (પ્રેરક આનલ સામે નિઃશબ્દ ઉભો રહ્યો હતો)