Sanedo in Gujarati Moral Stories by RAGHAVJI MADHAD books and stories PDF | સનેડો

Featured Books
Categories
Share

સનેડો

વાર્તા :

સનેડો રાઘવજી માધડ

‘એલા જા, લઈ આવ્ય..સનેડો !’

જવાબમાં કોઈ બોલી ગયું...ને વળતી પળે જ, બેઠકના છેવાડે બેસી મોંમાં મસાલો મમળાવતી ટણકટોળી મોં ફેરવી ખી..ખી..કરતી હસવા લાગી.નવું નકોર કાપડ ચિરાતું હોય એવો ચરરર..અવાજ થયો. ત્યાં તેની પડખે બેઠેલા બીજા બે-ચાર મોટેરાઓ પણ મોં મરકાવી, હળવું હસવા લાગ્યા...ને બહુ નજીવા સમયમાં બેઠકનું ગંભીર ને માંદલું વાતાવરણ કેસૂડાના ફૂલ જેમ ખીલી ઉઠ્યું.વળી ઓછામાં પૂરું હોય તેમ ઓસરી પર બેઠેલી સ્ત્રીઓમાંથી પણ વહેતા ઝરણાંના ખળખળાટ જેવો તીણો ને મધુરો ગણગણાટ શરુ થયો.

આ સનેડો..ને તેમાં સૌનું આવું મોઘમ હસવું...મારી સમજના કવરેજક્ષેત્ર બહાર હતું.મેં માત્ર એટલું જ કહ્યું હતું: ‘ભાઇ, પાણીની શું વ્યવસ્થા છે ?’

ત્યાં કોઈએ ઉત્તર આપ્યો હતો :‘સનેડો છે ને !’

મેં નવાઇ પામતા પ્રતિ સવાલ કર્યો હતો : ‘સનેડો !?’

પણ ત્યાં જ કોઈ રાહ જોઇને બેઠું હોય એમ બોલી ઉઠ્યું હતું :‘એલા મનકા..જા, લઇ આવ્ય સનેડો !’

અને મનકો ઉર્ફે મનજી પણ બેઠકમાંથી સબળ બેઠો થઇ ગયો.તેના મોંમાં ઠાંસોઠાંસ મસાલો ભર્યો હતો. થૂંક્યા વગર બોલી શકાય એમ નહોતું.તેથી બોલવાના બદલે સીધું કામ કરવા ઉતાવળા પગે ઉપડ્યો.. હાથ હતો તે સેલફોન ખિસ્સામાં મૂક્યો.

‘હે મારો બાપલીયો...ઠાલા હાથે પાછો નો આવતો...!’

‘આવતો હશે...’ પાનો ચઢાવવા કોઈ વંગ્યમાં બોલ્યું : ‘સનેડો લીધા વગર્ય...!’

વળી પાછું ટણકટોળીનું બે ગોઠણ વચ્ચે મોં રાખીને હસવું...

મનજી ધોરણ બારમાં નાપાસ થયો એટલે તેના બાપે પોતાની સાથે કડિયાકામમાં જોતરી દીધો. પણ તેના કામમાં કોઈ ઠેકાણું કે ભલીવાર ન મળે. પણ આવા સમૂહના કામમાં સપૂરો, સૌથી આગળ હોય.

એકાએક ઊગી નીકળેલો ગુસ્સો વ્યક્ત કરું કે સૌના સાથે મોઘમ હસું...? શું કરું...? ભારે કફોડી સ્થિતિમાં મુકાઇ ગયો.બહુ નજીવી ક્ષણોમાં મારા હોવાપણાનું નાત વચ્ચે જાણે સૂરસૂરિયું થઇ ગયું. હીરોમાંથી જાણે જીરો થઇ ગયો. આમ છતાં નાક જતા હોઠ રાખવો હોય એમ મનોમન મથામણ કરવા લાગ્યો:પાણીનું કહેવું,સામે સનેડો ઉત્તર મળવો,મનજીનું ઝડપથી જવું ને નાતીલાનું હસવું...કોઈ વાતનો તાલ મળતો નહોતો.વળી આ મરણ-પ્રસંગની નાતીલાઓની બેઠક હતી.લગભગ બધા ગંભીર મોંએ બેસે,એકાદ કોઈ ધાર્મિક વાત કરે,સામે દલીલો થાય...પણ તેમાં આવું ઉઘાડું હસવાનું તો આવે નહી.પણ આવ્યું ને પાછું ઉઘાડેછોગ, જગજાહેર આવ્યું !

બીડીના ધૂમાડાના લીધે કોઈને ઉદરસ આવી. હસવામાંથી ખસવું થઇ ગયું.

સનેડા શબ્દથી અજાણ નહોતો. થોડા વરસો પહેલા આ પ્રકારના ગીતે ધૂમ મચાવી હતી. ત્યારે આ ગીત ન્યુજનરેશન માટે નવું હતું. બાકી ગામમાં ભવાઈ રમાતી તેમાં આ ગીત ગવાતું જ હતું !

‘માસ્તર ! હંધુય થઇ રે’હે...’ એક મોટેરાએ મને ઉદ્દેશી ઠપરામણ આપતા હોય એમ કહ્યું:‘તમતમારે બેઠા બેઠા જોયે રાખો !’

થોડામાં ઘણું આવી જતું હતું. સંજોગો સાથે સમાજ, સ્થિતિ, રીત-રીવાજ...ઘણુંખરું ધરમૂળથી બદ લાઈ ગયું હતું.તેથી માન-મર્યાદા ખાતર પણ મૌન રહેવું.વાત નાખી દીધા જેવી નહોતી.પણ અમુક-તમુક પરંપરા હજુ જળવાઈ રહી હતી.ખાસતો આવા નબળા કે મરણ-પ્રસંગે એકબીજા હાથ અને સાથ આપી પ્રસંગ પાર પાડી દે..તેની ઘરધણીને ખબર પણ પડવા ન દે.આ નરવી હકીકતનો હું ક્યાંક સાક્ષી અને સહભાગી રહ્યો છું. પણ આ વેળા હું ખરેખરો વિસામણમાં મુકાઇ ગયો. થયું કે, નક્કી કાંઇક દાળમાં કાળુ લાગે છે !

‘મનકો એક નંબરનો ડાંડ. ઠેલ્યો ઠહ નો દેય. કોયનું કામ નો કરે પણ...’

મનજીનો બાપ કરગરીને થાકી જાય પણ સવારે સમયસર ઊઠીને સાથે કામમાં આવવાનું બને જ નહી. હા,મસાલા કે બાઈક માટે પેટ્રોલના રૂપિયા ખૂટી ગયા હોય તો વાત જુદી છે.

ત્યાં સામે કોઈએ ટાપસી પૂરવા ઉમેર્યું :‘સનેડાનું નામ પડે એટલે..મનકો ઝાલ્યો નો રેય !’

વળી પાછું ખી..ખી...કરતું લૂચ્ચું ને બેહૂદું હાસ્ય પથ્થર ઘસાઇ એમ કર્કશતાથી પ્રસરી ગયું. કાનને તો ઠીક મનને પણ ઘચરકો કરી ગયું. બળતરા થઇ. ખંજવાળ ન આવવા છતાં શરીરે હાથ ઘસ્યા.અસુખ જેવું લાગ્યું તે ઊભા થઇ જવાનું મન થઇ આવ્યું...પણ મન મારીને બેસી રહ્યા વગર છૂટકો નહોતો. આ પ્રસંગ જ એવો હતો. વળી સૌ દુઃખમાં ભાગીદાર થવા ને મદદ કરવા આવ્યા હતા. બેસી રહેવું જ પડે.

પણ એક બાબતતો સ્પષ્ટ થઇ ગઈ કે જે કાંઇ ભેદ છે તે આ સનેડા પર છે !

-કોઈ છોકરીનું નામ હશે કે પછી આ લોકોએ પાડેલું તેનું ઉપનામ હશે !

પણ છોકરીને લેવા જવાનું ન હોય...ને અહીં પાણી ભરવા આવે પણ શું કરવા ?

ત્યાં મારી અવઢવને પામી જઈ,અવઢવ ઓછી કરવા માગતા હોય એમ નાતીલાએ મોઘમ કહ્યું : ‘હવે તો ઘેર્ય ઘેર્ય સનેડા થઇ ગ્યા છે, ભાઇને કંવ !’

મારાથી સહેવાયું નહી એટલે તાડૂકીને બોલી ઊઠ્યો : ‘આ સનેડો શું છે, ભાઇ... !’

‘છે...સૌને ખપમાં આવે એવો, એક જગ્યાએ !’ પણ આમ કહેવાના બદલે વાતને વાળી લેવાના ઈરાદે કહ્યું : ‘હમણાં આવશે સનેડો, જોઈ લેજે ને !’

********************

મનજીને તો ભાવતું હતું ને વૈદ્યે કહ્યા જેવું થયું હતું.તે બાઈકને કીક મારી,મોંમાંથી મસાલાની પિચ કારી ઉડાડતો ઝડપથી પસાકાકાની ડેલી આગળ બાઈક ઊભું રાખ્યું.પછી હળવેકથી ડેલી હડસેલી અંદર આવ્યો.વીઘા એકનું મોટું ને પહોળું ફળિયું સૂનુંને ભેંકાર ભાસ્યું.કોઢાર પણ કૂતરાની બખોલ જેમ અવાવરુ ને રેઢિયાળ જગ્યા જેવું લાગ્યું.દુધાળા કે વસૂકી ગયેલા ઢોર નામે બાંડી બકરી પણ બાંધી નહોતી. અને બળદતો વરસોથી ખીલો છોડી ગયા હતા. તેથી એવું કોઈ કરવાનું નહોતું. નહિતર કાકીના લીધે કરવું પડે !

એક સમયે પસાકાકાનું આખું ઘર માણસોથી હર્યું ભર્યું રહેતું ને કોઢારતો ઢોરથી ધમધમતું હતું. દુધ-ઘી તો પાણીના જેમ વપરાતા...

- પહેલા તો અહીં ગામડે દૂધ લેવા આવતા હતા ને હવે દેવા આવે છે, દૂધની થેલીઓ...

‘સનેડો..!’ મનજીએ ઓસરી પાસે ઊભા રહીને ધીમેકથી બૂમ પાડી.તેનું ચાલ્યું હોતતો ગળું ફાટી જાય એટલા ઊંચા સાદે બૂમ પાડી શક્યો હોત, જેથી એ સાંભળીને દોડતી આવે ! પણ બીજા કોઈ સાંભળેતો...

ત્યાં એક ઓરડામાંથી ઝબ દઈને સીતા કાકીએ દેખા દીધા.તેણે પૂનમના ચાંદા જેવું મોં પહોળું કરી મઘમઘ મરકલું આપ્યું...ને સામે મનજીતો જાણે આ પળને જ ઝંખતો હોય એમ પાણી પાણી થઇ ગયો. કાકી ...બોલવાના બદલે તે લીંબોળી જેવું મોં લાંબાટૂંકું કરતો લાળું ઝેરવા લાગ્યો. સામે સીતા કાકી પણ...

આ બાજુ સનેડો..સાંભળતા જ પસાકાકાના કાન ઊંચા થઇ ગયા હતા.

‘હાળું...ગમે ઇ હોય પણ નવીનું નામ ચોંટી ગ્યું ઇ પાક્કું !’તેણે પલકારામાં મનજીને જોયો...ત્યાં સામે ઓરડાના બારણે ઊભી રહી સનકારા કરતી સીતાને પણ જોઇ...આંખમાં અંગારા ચંપાઈ ગયા. ક્રોધ ધૂમાડા કાઢી ગયો. ને જાણે શિયાળાની કડકડતી ઠંડી, હડેડાટ કરતી ધોમધખતો ઉનાળો જણી બેઠી !

‘હાળું આ દેખવું ને દાઝવું, એના કરતા એક ઘા ને બે કટકા...જાય જંતર વગાડતો...!’

કોઢારમાંથી ખપાળી કે પાવડો લઇને મનજીને સારીપટનો મારવાનું મન થઇ આવ્યું. એકવાર બરા બરનો લમઠોરે એટલે આ બાજુ જોવાની કે આવવાની ખો ભૂલી જાય !

ગામ આખામાં પો પડી જાય, સનેડાનું નામ ભૂલી જાય !

‘પસીયા, તારા ઘરની થાંભલી જ વાંકી છે...તું ગામના કેટલાંક મનકાને મારીશ !’

પસાકાકા પળવારમાં પલળી ગયેલા કાગડા જેમ ટાઢાબોળ થઇ ગયા. ધગી ગયેલું લોહી ઠરી ગયું. આવું તો કેટલીયવાર બન્યું હશે, કોઠે પડી ગયેલું તેથી પસાકાકાને બહુ ચચર્યું નહી.

બીજી બાજુ સીતા શ્વાસભેર ઓસરીની કોરે,મનજી તરફ ઘસી આવી...જોનારાને લાગે કે સીધી જ મનજીને વળગી પડશે ! પણ મનજીની નજર સાવરણા જેમ ફળિયામાં ફરી વળી હતી તેમાં પસાકાકા હડફેટે આવી ગયા હતા.ઝઝકી જવાયું હતું.પણ સીતાને ચેતવવા અને પોતાને અહીં આવવાનું કારણ પસાકાકાને જણાવવા એકદમ બોલી ગયો : ‘સનેડો...!’

‘તારી તે જાત્યનો મારું...’મોંએ આવી ગયેલું : ‘મને હાંભળતા ઇંના આવા અવળા નામ લે છો !?’

પસાકાકા વાડી-ખેતર જવા સનેડો લઈને નીકળે,સીતા તેમાં બેઠી હોય.કોઈ મોં ભરીને કહે : ‘સનેડો..!’ પણ પાસે આવી વાત ફેરવી તોળે : ‘બવ હારો, પસાકાકા તમારો આ સનેડો !’

સીતાને કહેતા હોય એવું જ લાગે, પસાકાકાને ! ‘

‘બાકી બનાવ્યો છે એમ, ભગવાનને...’

‘ભગવાને !?’ ઘા કરતા હોય એમ પૂછે : ‘કોણ ભગવાન !?’

ત્યાં સામે જવાબ હાજર જ હોય : ‘આપડા ગામનો ભગવાન લુવાર, બીજું કોણ !?’

‘કોને કીધું,તે સનેડો...’પસાકાકા કહે:‘એલા મારી વવને સનેડો કે’તા શરમ નથી આવતી, તમે મા’ણા ના પેટના છો કે...’

પણ પસાકાકાના મનમાં બીજું જ ઊગ્યું:‘તારી માનો સનેડો મારું,ઇ મફતમાં નથી હાલતો...’પસાકાકા આગળ બોલે: ‘જા..નવરીના નથી દેવો સનેડો, હાલતીનો થા...’ત્યાં તેમની નજર સીતા પર ગઈ. એકાદ ક્ષણ નજર એકમેકમાં ગૂંથાઈ વળી. સાથે સનકારો પણ થયો...

‘હાળી મને લપેટમાં લીધો એમ આ મનકાને પણ...’

-સીતા પસાકાકાનું બીજીવારનું બૈરું છે.બૈરું બીજું મળવું મુશ્કેલ હતું.આખો પરિવાર હીરાના ધંધામાં સુરત ને પસાકાકા ખેતી સાચવવા અહીં ગામડે...તે ગામમાં રોદણાં રોતા ફરે:‘દુઃખ રોટલાનું, કોણ ઘડી દે...!’

આધેડવયના પસાકાકાનું આ દુઃખ દબાવ્યું દબાવાય કે ઢાંક્યું ઢંકાય એમ નહોતું.

આ દુઃખમાં,ખેત-મજૂરીએ આવતી સીતા સચવાઈ કે વટલાઇ ગયેલી.સીતાનું પિયર દાહોદ-પંચમહાલ.તેનાં માં-બાપ વરસોથી મજુરી અર્થે આવે.વરસમાં સાત-આઠ માસ અહીં વાડી-ખેતરમાં રહીને મજુરી કરે.પસાકાકાતો પોતાનું ઘર-ખેતર તે માથેના માથે જ હોય.પછી તો...જે બનવાનું હતું એ બન્યું.પસા કાકાએ સીતા સાથે ઘર માંડ્યું. કન્યાઓની અછતે નાત-જાતના ભેદ ભૂંસાઇને ભૂલાઈ ગયા. પસાકાકાની આ કેડી,પરગણામાં સરળ ને સસ્તો, રસ્તો થઇ ગયો. કેટલાંય ગરજવાન, પસાકાકાના સાઢુભાઇ થઇ ગયા હતા !

પસાકાકા સ્વભાવે શિયાળાની સવાર અને સીતા ઉનાળાની ધગધગતી લૂ...પસાકાકાના એટલે કેસર કેરીનો મીઠો રસ તો સીતા એટલે મહુડાનો અસલ સોમરસ...ગામનું એવું મનેખ સીતાના સૌન્દર્યનું રસપાન કે છાંટોપાણી કરવા ભૂરાયું થાય.પણ કોઈની ચાંચ ડૂબતી નહોતી.સીતા ગામમાં નીકળે ત્યારે લાજ-મર્યાદા જાળવવા છાતી સમો ઘૂમટો કાઢે...સભ્યતાથી ચાલે. પણ ત્યાં કોઈ ખાટસ્વાદિયો સીધું જ પૂછે :‘કાકી, પસાકાકા ઘેર્ય છે ?’

જવાબ ન મળે એટલે કહે :‘કાકી, ભત્રીજાની લાજ નો કઢાય !’

હાંઉ... સીતા ધડ દઈને ઘૂમટો ઉઘાડો કરી નાખે...!

પછી તો ઘણુંખરું ગામ પસાકાકા કહેતા થઇ ગયેલું ને સીતા...ગામની સાગમટે કાકી !

મનજી સીતાને કાકી કહે એમાં જરાય ખોટું નહોતું. પણ પસાકાકાને આંખમાં કમળો તે બધે પીળું જ ભાળે.હા,સીતા મનજી પાસે અમરેલીથી અંગત વસ્તુ મગાવતી, મોબાઈલ રીચાર્જ કરાવવાનું કહેતી...તે પસા કાકા માટે સાચા-ખોટું કે નાનું અમથું પણ મનમાં ઘરી ગયેલું સબળ કારણ રહેતું.

‘સનેડો...!’સીતાએ હસીને કહ્યું :‘તારી હાટુ તીયાર જ છે...’

સીતા મનજી લગોલગ આવી, તેના સામે નજર નચાવતી ઊભી રહી ગઈ હતી.

‘એ વંઠેલની જરીક આઘી ઊભી રે,લાજ-મર્યાદા જેવું રાખ્ય. નફફટની...’પણ વંટોળના જેમ ઘૂમરી ખાઈને કહે :‘હા..હા..લઇ જા...પડ્યો જ છે !’

સીતા માટે પસાકાકાના વાણી-વર્તન માટે નવાઇ નહોતી.તેને ગણકાર્યા વગર મનજીને સનેડો લઇ જવાનું કારણ પૂછ્યું. મનજીએ વાત કરી.ત્યાં પસાકાકાએ સામેથી કહ્યું:‘એલા તો તો મારેય ખરખરો કરવા આવું પડે હો..!’ પછી સ્વગત બોલ્યા:‘માસ્તર ને અમે જૂની નિહાળમાં હારે ભણતા’તા..’

મનજીએ સનેડો પર બેસી સીતા સામે જોયું. બંને હસ્યાં. પછી કીક મારી સનેડો ચાલુ કર્યો...

‘એલા એનેય ખાવા જોઈ હો, ડીઝલ જોય લે !’

આ વેળા સીતા સાવ પાસે આવી ગઈ હતી.તેણે પોતાની હાથવગી કળા, કુનેહ કે પછી લટકો કહો – તે ખપમાં લેતાં હળવેકથી ઘર-ખેતરના બે-ચાર કામ મનજીને ચીંધી દીધા.સામે મનજી તો શું, ગામનું કોઈ મનેખ ના ન પાડી શકે. મનજીએ ડોકી નીંદોળી હા પાડી એટલે અદકા સાથે ભાવ ભાર દઈને પૂછ્યું :‘એલા ખાધું કે બાકી છે...’ સામે મનજી કાંઇ બોલે એ પહેલા જ સીતાએ કહી દીધું :‘તિયાર છે, ખાવાનું...’

પણ મનજીએ જે રીતે સીતા સામે જોયું...તે સીતા સમજી ગઈ.પછી કૃત્રિમ રોષ ઠાલવતાં બોલી : ‘રોયા, મકાઇના રોટલા નથી ઘડ્યા હો...’

સીતા અને મનજી વચ્ચે ભાવસભર સંવાદ, પસાકાકાને કાળોતરા નાગ જેમ આભડી ગયો.

-સનેડામાં મૂકે દીવાસળી, ગામ વચાળે સળગાવી દે...દેખવું નહી ને દાઝવું નહી.

પણ સીતાની કામ કઢાવવાની કળાએ પસાકાકા વારી ને હારી ગયા. મનોમન બોલ્યા પણ ખરા : ‘આજ દિ’ લગી કોય કામ રઝળ્યું નથી, નવીના આવ્યા પછી...’

-તેથી જ સીતા ને સનેડો ગામમાં વગોવાઈ ગયા છે તે નકારી શકાય તેમ નહોતું.

*****************************************************

સાંજ થવા આવી એટલે બેસવા આવેલું કોઈ રહ્યું નહોતું.ઘરના ફળિયામાં પાથરેલ બૂંગણ પર એકલો બેઠો બધું જોતો હતો.કેટલું બદલાઈ ગયું...આ ફળિયામાં પરદેશી બાવળની કાંટા વાળી રાંગ હતી ત્યાં બગીચો થઇ ગયો છે. સામે વોકળા પર પુલ બંધાઈ ગયો છે...તેના પરથી કેટલા વાહનો પસાર થાય છે !

‘એ રામ..રામ...’કહેતા એક ભાઈ આવીને ઊભા રહ્યા.મારા સામે જોયુંને કહ્યું:‘ઓળખ્યો કે પછી ભૂલી ગ્યો..!’આ પહેલો સવાલો નહોતો.મેં કહ્યું:‘ના..આપણેતો...’ત્યાં વાતનો સાંધો મારતા તેમણે કહ્યું:‘હારે ભણતા’ તા..!’સામે બેઠા.પછી ખરખરો કરતા પૂછ્યું:‘માડીને હારું નો થયું,સેવા તો બોવ કરી પણ આવરદાના ઓસડ છે. હંધાયને એક દિ’ ઇ મારગે જ જાવાનું..’

પસીયો, પરસોત્તમ ને હવે ગામના પસાકાકા...મારાથી ઓળખી જવાયું.

થોડીવાર મૌન રહ્યા પછી તેમણે જ કહ્યું:‘મનકો સનેડો લઇને હજી આવ્યો નથી !?’

મેં માથું હલાવી ના પાડી.ત્યાં તેમણે જ કહ્યું:‘ભાઇને કંવ...બળદ-ગાડું ગ્યા,આ સનેડો જ સર્વેસર્વાં... હંધાય કામમાં આવે.’

સનેડો એક સાધન છે એવું તો નક્કી થયું, પણ તેનું નામ હસતા’તા શું કરવા ?

‘ભાઇ હવે ઢોર કોયને પોહાય કે પરવડે એમ નથી. ડેરીનું દૂધ ગામમાં આવે છે...’

મારે સાંભળવા સિવાય કાંઇ કરવાનું નહોતું. પણ ગામડાંનું ચિત્ર બદલાઈ ગયું હતું તે હકીકત હતી.

પસાકાકાએ પેટછુટ્ટી વાત કરતા કહ્યું:‘ભાયું ભાગ પડતા ખેતી ટૂંકી થઇ ગઈ...ને મોટું દુઃખ,મોં માગ્યા દામ દેતાંય કોઈ ખેતીની મજુરી કરવા તૈયાર નથી..’

‘પણ મારે તોય હારું છે...’પસાકાકા ઝીણી આંખ કરી,મોં મારી ઉરાઉર લાવીને ધીમેથી બોલ્યા :‘આ તારી નવી ભાભી...બોલાવે-ચલાવે બવ હારી.સભાવ હારો તે કોય કામ ના નો પાડે.’

ત્યાં ભખ..ભખ..કરતું છકડોરિક્ષા જેવું સાધન ફળિયામાં આવીને ઉભું રહ્યું.

મનજી ઠેકડો મારીને નીચે ઉતર્યો...: ‘લ્યો આવી ગ્યું, પાણી...!’

મોં, આગળનું મોરું છકડોરિક્ષાનું ને પાછળ ગાડા જેવી લારી..પસાકાકાએ કહ્યું :‘આવા તો કેટલાંય દેશી બનાવટના સાધનો ગામમાં થઇ ગયા છે...હંધાય કામમાં હાલે !’

પણ મારા મનમાં તો સવાલ ઊભો જ હતો : ‘સનેડાનું નામ પડતા સૌ હસે છે શું કરવા !?’

જવાબ જડવો મુશ્કેલ હતો. વળી આવું કોઈને પૂછાય પણ નહી.

સનેડામાં પાણીના બેરલ ભર્યા હતા તે એક-બે માણસોની મદદથી નીચે ઉતર્યા.આ દરમ્યાન પસા કાકાએ મનજીને કહી દીધું હતું : ‘એલા તારી કાકીયેય પાણીનું કીધું’તું, ભૂલીનો જાતો ભાયને કંઉ...’

પાણીનું એક બેરલ ભરેલું રાખી, મનજી સનેડો લઈને ગયો...

‘એ હંધુય હાંભળી ને રાખજે... ભાયને કંઉ...!’

આ વેળા પસાકાકાનું મોં જોયા જેવું હતું.તે મારા સામે,પડખે બેઠેલા બીજા બે-ચાર માણસો અને સનેડો ગયો તે દિશામાં વારાફરતી જોવા લાગ્યા.

ત્યાં એક બાખડબોલો બોલી ગયો : ‘પસાકાકા હવે ઉપડો, ઘર રેઢું નઈ હારું...’

પસાકાકાને છાતીમાં ઘા વાગ્યો હોય એમ થયું.એકાદ પળ અબોલ રહ્યા.પછી બોલી જ ગયા : ‘મનકો ઘેર્ય ગ્યો ને..રેઢું રેય એમ ક્યાં છે !’

રેઢું ના કહેવા પર,પડખે બેઠેલું એકાદ જણ મોં ફેરવી, હસવું માંડ માંડ ખાળી કે ટાળી શક્યો.

પસાકાકાને ધ્રુજારી આવી ગઈ. આંખો કાઢીને જોવાના બદલે આંખો બંધ કરી ગયા...ત્યાં જાણે નજર સામે સીતા ઊભી રહીને કહેતી હતી :‘બોલો...આજ લગી મારાંમાં એવું કાંય નજર હામેં જોયું, ભાળ્યું...!’

સીતાનું કહેવું પસાકાકાને વિચારતા કરી ગયું.સીતા સાથેનો સમયપટ ફિલ્મની પટ્ટી માફક પસાર થઇ ગયો. ક્યાંય એવું નજરે ચઢ્યું નહી.તેમનો શ્વાસ હેઠો બેઠો. નિરાંત થઇ. પછી ટાઢા કોઠે કહ્યું :‘ભાઇ.., દેખાય એવું હોય નંઇ ને, હોય ઇ દેખાય નંઇ...હમજ્યા !’

મારા સાથે બેઠેલા સૌ મોં વકાસીને પસાકાકા સામે જોઈ રહ્યા.

‘ને સનેડો તો નવું-જૂનું હંધુય ભેગું કરીને બનાવ્યો છે...’

વાતમાં સૂર પુરાવતા મેં કહ્યું : ‘જૂનું ગયું ને નવું આવ્યું એટલે...!’

ત્યાં પસાકાકા બે હાથ જોડીને સફાળા ઊભા થતા બોલ્યા : ‘લ્યો તઈ રામ રામ...ભાયને કંઉ !’

જે હસતા હતા તે પણ પડી ગયેલા મોં લઇ હડફ કરતા ઊભા થઇ ગયા...

મારા જેમ તેમને પણ આજે સનેડાનો સાચો અર્થ સમજાઇ ગયો હોય એવું લાગ્યું.

*********************************************************************

‘અભિષેક’ પ્લોટ નં. ૭૧૫/૧, સેકટર ૭ બી, ગાંધીનગર – ૩૮૨ ૦૦૭

મો.નં. ૯૪૨૭૦ ૫૦૯૯૫