તમે કોઈની મજાક કરો છો તો એ મજાક માટે તમે સીરીયસ પણ હોવ છો. તમે રસ્તે ચાલતા કોઇપણ વ્યક્તિની મજાક નથી કરતા, જે વ્યક્તિને તમે જાણો છો તેની જ મજાક તમે કરતા હોવ છો. એવી જ રીતે જ્યારે તમે કોઈની માફી માંગો છો ત્યારે તેમાં પણ ગંભીરતા હોવી જરૂરી હોય છે. કહેવા પૂરતી માફી અથવાતો અપરાધબોધથી છટકવા માટે માંગવામાં આવેલી માફીનો કોઈજ મતલબ નથી હોતો.
“क्षमा वीरस्य भूषणम्’ આવું આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે. જેનો મતલબ છે કે જે વ્યક્તિ કોઈની ક્ષમા માંગે છે તે પણ એટલો જ વીર છે. આ વાત ખરેખર સાચી છે, તમારું દિલ કોઈએ દુભવ્યું છે અને તેમને એ વ્યક્તિની કોઈ વાત કે તેનું કોઈ કાર્ય મોટું નુકશાન કરી ગયા છે અને તેમ છતાં તેને તમે મોટું મન રાખીને માફ કરી દો છો તો તેના માટે ઘણી હિંમતની જરૂર હોય છે એટલીજ જેટલી પેલો વ્યક્તિ તમારી માફી માંગી રહ્યો છે. પરંતુ આમ થવું ત્યારે શક્ય હોય છે જ્યારે ગુનો કરીને માફી માંગનાર વ્યક્તિ ખરેખર પોતાની માફી સાથે ગંભીર હોય, જો એ પણ કહેવા ખાતર માફી માંગશે તો જે વ્યક્તિએ તેને ક્ષમા આપવાની છે તે પોતાનું કાર્ય મનથી નહીં કરી શકે.
આપણા દેશમાં રાજકારણીઓ બફાટ કરવા માટે જાણીતા છે. ઘણા રાજકારણીઓ પાસેથી કોઈને કોઈ વિવાદાસ્પદ મળશે જ એવી પાકેપાયે ખાતરી હોવાથી આપણા મિડિયાકર્મીઓ પણ એ જ રાજકારણીઓની આસપાસ ચક્કર લગાવતા હોય છે. આ પ્રકારના રાજકારણીઓ કે પછી ઘણીવાર મેચ્યોર રાજકારણીઓ પણ કોઈવાર ભૂલથી વિવાદ થાય તેવું કોઈ નિવેદન આપી દેતા હોય છે.
જ્યારે કોઈ રાજકારણી ક્ષમા માંગે ત્યારે તે ખાસ વાંચવા અથવા તો સાંભળવા જેવું હોય છે. તેઓ માફી માંગતી વખતે શરૂઆત તો બહુ જોરદાર કરે છે પરંતુ છેલ્લે એમ કહે છે કે “જો મારા વિધાનથી કોઈની લાગણી દુભાઈ હોય તો હું તેની બિનશરતી માફી માંગુ છું!” જ્યારે તમે કોઈની માફી માંગતા હોવ તો પછી તેમાં શરત શેની? તમને ખબર જ છે કે તમારા કથનથી કે કાર્યથી કોઈની લાગણી દુભાઈ જ છે. જો એમ ન હોત તો તમારા વિવાદાસ્પદ નિવેદન પછી આટલો મોટો હોબાળો ન જ થયો હોત, પરંતુ તે થયો છે.
પરિસ્થિતિ સ્પષ્ટ હોવા છતાં ‘જો કોઈની લાગણી દુભાઈ હોય’ એમ કહેવું એ ક્ષમા પ્રત્યે ક્ષમાપ્રાર્થી ગંભીર ન હોવાનું સાબિત કરે છે. જો કોઈ વ્યક્તિ ખરેખર પોતાના કૃત્યની દિલગીર હોય તો તેની ક્ષમા પણ સ્પષ્ટ હોવી જોઈએ. ગંભીર વ્યક્તિઓ ક્ષમા માંગતી વખતે સ્પષ્ટ કહી શકે છે કે, “મને ખબર છે કે મેં મારા કથન અથવાતો કૃત્યથી તમારું દિલ અથવાતો તમારી લાગણી દુભાઈ છે અને આથી જ હું તમારી ક્ષમા માંગુ છું.”
તો ઘણા લોકો પોતાના વિવાદાસ્પદ નિવેદનો અથવાતો કૃત્યો માટે પણ ગંભીર નથી હોતા અને આવા લોકોનો ઈગો એટલો બધો મોટો હોય છે કે તેમને જ્યારે ક્ષમા માંગવાનો ફોર્સ કરવામાં આવે છે ત્યારે પણ તેઓ પોતાના કૃત્યનો બચાવ કરતા ક્ષમા માંગતા હોય છે. પોતે જે કશું પણ કરીને કે કહીને કોઈનું દિલ દુખાવ્યું છે તે કેમ સાચું હતું અથવાતો અમે તો મજાક કરતા હતા એમ કહીને પોતે કરેલા કૃત્યનું મહત્ત્વ ઘટાડી નાખવાની કોશિશ આ પ્રકારના વ્યક્તિઓ કરતા હોય છે.
આ બીજા પ્રકારના વ્યક્તિઓ પણ પેલા રાજકારણીઓ જેવા જ હોય છે જે ‘જો મેં કોઈનું દિલ દુભવ્યું હોય તો...’ એવી પૂર્વશરત ઉમેરીને માફી માંગતા હોય છે. આમ થવા પાછળ કારણ સ્પષ્ટ છે. કાં તો તમને તમારા કૃત્ય પ્રત્યે શરમ નથી અથવાતો તમને માફી માંગતા શરમ આવે છે કે પછી તમારો ઈગો તમને જબરદસ્ત રીતે નડે છે.
લોકલાજે કે પછી તમે જ્યાં કામ કરી રહ્યા છો તે સંસ્થાના દબાણથી કે સામાન્ય જનતાના આક્રોશથી તમારે મજબૂર થવું પડ્યું છે એટલે તમે માફી માંગી રહ્યા છો એટલે તમે કોઈને કોઈ એક્સક્યુઝ કાઢીને માફી માંગતા હોવ છો, નહીં તો તમે તમારા એ કૃત્યને હજી પણ વળગી રહેવા માટે તૈયાર છો જેને કારણે કોઈ મોટો વિવાદ ઉભો થઇ ગયો છે.
નહીં તો તમે એવું માનો છો કે મેં જે કર્યું હતું એ કોઈ મોટી વાત નથી, એ તો પેલા વ્યક્તિનો વાંક છે જેને મારા કોઈ વાક્યથી કે કૃત્યથી તકલીફ પડી અને ખોટું લગાડી બેઠો છે પણ મારા પર માફી માંગવાના મોટા મોટા દબાણો છે એટલે હું માફી માંગુ છું અને જો આવું દબાણ ન હોત તો હું બિલકુલ માફી ન માંગત.
ત્રીજું કારણ એ પણ હોઈ શકે કે તમને તમારા ખુદ વિષે, તમારી પોઝીશન વિષે કે પછી તમને મળેલી લોકપ્રિયતા અથવાતો સત્તા વિષે ખૂબ ગુમાન છે અને તમને તમારો ઈગો નડે છે. પરંતુ ફરીથી પેલું દબાણ, પેલી લોકલાજ, પેલો જનતાનો રોષ તમને માફી માંગવા માટે મજબૂર કરી રહ્યા છે અને એથી તમે પોચટ માફી માંગી રહ્યા છો.
ઓવરઓલ કહીએ તો ગંભીરતા વગર માંગવામાં આવેલી માફીનો કોઈ મતલબ નથી હોતો અને તમારી એવી માફીનો પણ કોઈ સ્વીકાર કરી લે છે તો વીર તમે નથી પરંતુ વીર એ વ્યક્તિ છે જે તમારી આ કાચીપોચી માફીને સ્વીકારી લે છે. ખરેખર તો એ તમારી આવી માફી સ્વીકારીને પણ સંતોષ નથી પામતો પરંતુ તેનું હ્રદય તમારા કરતા ઘણું વિશાળ છે એટલે તેનો એ સ્વીકાર કરી રહ્યો છે.
આથી, માફી માંગો તો એ સમજીને કે તમારા વિધાન કે કૃત્યથી કોઈને ખરેખર માનસિક નુકશાન થયું છે, નહીં કે માત્ર માંગવા ખાતર.
૪ ઓક્ટોબર, ૨૦૧૯, શુક્રવાર
અમદાવાદ