Jaane-ajane - 32 in Gujarati Fiction Stories by Bhoomi Shah books and stories PDF | જાણે-અજાણે (32)

Featured Books
Categories
Share

જાણે-અજાણે (32)

કૌશલની આંખો ભીની થઈ ગઈ. કૌશલ ગભરાવા લાગ્યો . કપાળે પરસેવો છૂટી ગયો અને શ્વાસોચ્છવાસની ગતિ વધી ગઈ.

રચનાનાં ઘેર પાછાં આવવાનાં સમાચાર મળતાં કૌશલનું મન બીજી તરફ વળ્યું અને આ વાત અહીંયા જ છૂટી ગઈ. લગ્ન પછી રચના પહેલીવાર પોતાનાં ઘેર આવતી હતી એટલે તેનાં સ્વાગતની તૈયારીઓ પુરેપુરી હતી. રેવા, કૌશલ, અનંત, પ્રકૃતિ અને વંદિતા દરેકને રચનાની રાહમાં અધીરાં બની રહ્યા હતાં. રચનાને જોતાં તેને મળતાં જ એ ખુશી ઝલકી રહી જેમ વર્ષો બાદ પરિવારનાં સદસ્યને મળતાં હોય. પોતાની એક એક ક્ષણની વાતો કહેવાય રહી હતી અને રચનાની દરેક ક્ષણનો હીસાબ લેવાઈ રહ્યો હતો. ટોળું વળીને બેઠેલાં જોઈને દિવાળીબેન એ કહ્યું " અરે મારાં વ્હાલાઓ... રચના થોડાં દિવસ અહીંયા જ રહેવાની છે. શાંતિથી જેટલી મરજી વાત કરજો. હમણાં તેને આરામ કરવાં દો. ખાવાં- પીવાં દો. " દિવાળીબેનની વાત માની દરેક એ રચનાને તેનાં ઘેર મુકી પોતાનાં ઘર તરફ પાછાં વળ્યાં. પણ રચનાને કંઈક અજુગતું લાગી રહ્યું હતું. દરેકનાં ચહેરાં પર એક સ્મિત તો હતુું પણ તેની પાછળ કોઈક ચિંતા છુપાયેલી હોય તેમ ભાસી રહ્યું હતું.

" ભલે ને દિવાળીમાસી જે બોલે એ.. રચનાદીદી કેટલાં સમય પછી આવ્યાં છે મને તો તેમની સાથે વાત કરવી છે." વંદિતા વિચારતાં વિચારતાં રચનાને ઘેર પહોંચી. " દીદી..." બૂમ પાડી વંદિતા અંદર ચાલી. " વંદિતા... મને ખબર જ હતી તું તરત જ પાછી આવીશ..." રચનાએ હસતાં હસતાં કહ્યું. " તો શું!... એક પણ મિનિટ એમ દુર કેમ રહેવાય! મને કેટલી બધી વાત કરવી છે... .. અરે હા... દીદી તમેં સાચાં હતાં.. તમારો નિર્ણય સાચો હતો..." " કયો નિર્ણય?..." રચનાએ આતુરતાથી પુછ્યું. " અરે દીદી... તમેં જે રેવાદીદી અને કૌશલભાઈ વિશે કહેતાં હતાં તે.." વંદિતા એ ચોખવટ કરી. " ઓહો....આખરે માની ગઈ... અનંત અને રેવા નું ભુત ઉતર્યું ખરું!... પણ આ ચમત્કાર થયો કેવી રીતે? "

વંદિતા થોડી ઉદાસ થઈ બોલી " દીદી તમને ખબર... કૌશલભાઈ....." વંદિતાની આંખોમાં આંસુ આવી ગયાં. રચનાની ચિંતા વધી અને તરત પુછ્યું " શું થયું કૌશલને? " થોડીવાર શાંતિ છવાઈ ગઈ. રચનાને આભાસ થયો વાતનો એટલે ફરી પુછ્યું " કૌશલે ફરી?..... પો.. પોતાને નુકશાન પહોંચાડવાની કોશીશ કરી? " વંદિતાથી કંઈ બોલાયું નહીં એટલે હકારમાં માથું ધુણાવ્યું. " આખી વાત બોલ વંદિતા... જલદી..." રચનાએ ચિંતાતુર બની પુછ્યું.

વંદિતાએ ઘટનાં સમજાવતાં બધી વાત કરી. કૌશલનું પોતાને નુકશાન પહોંચાડવાની કોશીશ, રેવાનું તે જોવું, તેની પર ગુસ્સો કરી કૌશલને રોકવો અને તેનો ઈલાજ....દરેક વાત વિસ્તારથી સમજાવી. રચના દરેક ઘટના સમજી રહી હતી. " અને રેવાને કૌશલનું કારણ પણ ખબર પડી ગઇ? " રચના આશ્ચર્યથી બોલી. " ના..ના.. દીદી..ચિંતા ના કરો રેવાદીદી ને નથી ખબર.." રચનાનાં જીવમાં જીવ આવ્યો. " પણ દીદી..." વંદિતા હજું કશુંક કહેવાં માંગતી હતી . " દીદી, ખરેખર તમારે જોવાં જેવું હતું. રેવાદીદી તો એમ વ્યવહાર કરતાં હતાં જેમ કે કૌશલભાઈનાં દરેક ઘાવ તેમને પીડા આપતાં હોય. દીદી ના ગુસ્સામાં હક્ક દેખાય રહ્યો હતો. અરે તેમની આંખોમાંથી તો આંસુ પણ નિકળી આવ્યાં હતાં. આજ સુધી જે બે લોકો સીધાં મોં વાત ના કરી શક્યાં તેમને આમ એકબીજા માટે ચિંતા માં જોયું તો થોડું અજુગતું લાગ્યું. કૌશલભાઈ પણ રેવાદીદી ને શાંત કરવાની, તેમને સાંત્વના આપવાની કોશિશ કરતાં હતાં. તેમની પોતાની હાલત ખરાબ હતી તો પણ... એટલે ત્યારે જ મને તમારી વાત સાચી હોવાનો આભાસ થયો. ભલે મન ભરીને ઝઘડતાં હોય પણ તે બંન્ને ને એકબીજા માટે ચિંતા છે. " વંદિતાએ પોતાનાં મનની વાત કહી દીધી.

રચનાને સંતોષ હતો કે તેનો અંદાજ સાચો ઠર્યો. પણ કૌશલની એ વાતથી તેનું મન બેચેન હતું. રચના, પ્રકૃતિ, વંદિતા અને અનંત સાથે આખું ગામ કૌશલનાં જીવનની એ ઘટનાથી અવગત હતું. પણ રેવા નહીં. " કૌશલની કોઈ પણ વાત ખુલવી ના જોઈએ. અને રેવા સામેં તો બિલકુલ નહી. જો આ વાત સામે આવી ગઈ તો બધું ઉથલપાથલ થઈ જશે. " રચનાની ગભરામણ હદથી વધી રહી હતી. તરત રચના કૌશલ તરફ દોડી. " દીદી તમેં અહીંયા? " કૌશલે નિર્દોષ ભાવે પુછ્યું. " કૌશલ તેં ફરી...!" રચના હાંફતા હાંફતા બોલી.. " તમનેં કોણે કહ્યું?..." કૌશલ સમજી ગયો કઈ વાત માટે રચના આવી હતી. " જેણે પણ કહ્યું. તારી જોડે એવું શું બન્યું કે ફરીથી તારે આવું પગલું ભરવું પડ્યું? તારું દુઃખ અસહ્ય બની ગયું કે પોતે જ પોતાને હાનિ પહોંચાડવાની કોશિશ કરી? તેં એક પણ વાર વિચાર્યું કે આ વાત બહાર આવશે તો શું પરિણામ આવશે? દુઃખોની લહેરો ઉઠશે. કોને કોને સમજાવતો ફરીશ? અને કાકી..( કૌશલની માં) નું શું!" વાતાવરણ ચિંતામાં છવાઈ ગયું. કૌશલ પાસે કોઈ જવાબ નહતો. " અને બીજી વાત.. રેવા... તેને તો કશું ખબર નથી. તેનાં પ્રશ્નો ના જવાબ ક્યાથી આપીશ તું? અને જવાબ આપ્યા વગર રહી શકીશ? " રચનાની દરેક વાત કૌશલને વિચારવા મજબૂર કરી રહી હતી. તેની એકેએક વાત સાચી હતી. કૌશલની સ્થિતિને જોતાં રચના ત્યાંથી ચાલી ગઈ. પણ કૌશલનાં મનમાં એક અસમંજસનો વંટોળ મુકતી ગઈ.

રેવાની દરેક વાત અને એ ઘટનાથી સંકળાયેલી દરેક પ્રશ્નો કૌશલને યાદ આવવાં લાગ્યાં. " રેવાએ જે રીતે વ્યવહાર કર્યો, મારી પર ગુસ્સો કર્યો, જબરજસ્તી મને સારવાર અપાવી અને તેનાં પ્રશ્નો! ... દીદી સાચું જ કહીને ગયાં ને! રેવાનો એ પ્રશ્નો ભરેલો ચહેરો મને પણ બેચેન કરી મુકે છે. પણ મારી પાસે કોઈ જવાબ નથી તેની વાતોનાં. જો જવાબ આપવાં બેસી ગયો તો મને બીક છે કે હું મારાં જીવનની અનમોલ વ્યક્તિઓને ગુમાવી ના બેસું! મારાંથી તારી આંખોમાં પોતાનાં માટે કોઈપણ સંદેહ સહન નહીં થાય. મારી સાથેનો તારો દરેક ઝઘડો મંજુર છે પણ એ અબોલા સહન નહીં થાય. મને નથી ખબર ક્યારે રેવાનું મહત્વ આટલું વધી ગયું પણ હવે તેને ગુમાવવી શક્ય નથી. એકવાર તો રેવા સાથે વાત કરવી જ પડશે " કૌશલે પોતાનું મન મક્કમ કરી રેવાને મળવાંનું વિચાર્યું. એકલતામાં વાત કરવાં સારાં અવસરની રાહમાં કૌશલે ઘણી રાહ જોઈ પણ કોઈક ને કોઈક તેની આસપાસ રહેતું. તેને વ્યસ્ત રાખતું. કૌશલને કશું સમજાયું નહીં એટલે રેવા પાસે જઈ કહ્યું " મને તારી સાથે વાત કરવી છે..." " હા બોલ ને.." રેવાએ ધીરજતાથી કહ્યું. " અહીંયા નહીં વાત સમજાવતાં સમય લાગશે તું મને આજે રાત્રે મળી શકે છે? " કૌશલનું મન જોર જોરથી ધબકતું હતું. રેવા હા જ બોલવી જોઈએ તેમ એક પ્રાર્થના ચાલતી હતી. રેવા આ સાંભળી એકદમ ચોંકી ઉઠી. " સ..શુ..શું કહ્યું?.. રાત્રે? એ પણ એકલી?..." રેવાનો સંકોચ જોઈ કૌશલે સ્પષ્ટતાથી કહ્યું " ચિંતા ના કર... તું મારી સાથે અને મારાંથી એકદમ સુરક્ષિત છું અને રહીશ.. વાત થોડી જરૂરી છે એટલે કહ્યું હતું. અને તેં જ તો કહ્યું હતું જ્યારે કશું કહેવાનું મન હોય તો તને જણાવું! " રેવાએ થોડું વિચારીને કહ્યું "હા પણ હું દાદીમાં ને શું કહીશ? " " કહીં દે જે ને કે રચનાદીદી પાસે એક રાત માટે ઉંઘવા જવાનું છે. અને એમ પણ તમારો આજે પ્રોગ્રામ બન્યો જ હતો ને રચનાદીદીનાં ઘેર રહેવાનો. " કૌશલની વાત સાંભળી રેવાએ હકારમાં માથું હલાવ્યું અને ચાલી ગઈ.
કૌશલને મનનાં કોઈક ખુણે આ વાતથી ખુશી હતી. પણ એ વાતથી અજાણ કૌશલ માત્ર એ જ સમજી રહ્યો હતો કે પોતાની વાતનું માન રેવાએ રાખ્યું. કૌશલનાં માથેં એક મોટી જવાબદારી આવી હતી. રેવાની રક્ષાની જવાબદારી. કોઈપણ સ્ત્રી, બેટી કે બહેનની રક્ષાની જવાબદારી તો દરેકની હોય પણ આજે કૌશલનાં કહેવાં પર રેવા બધાથી છુપાઈને મળવાં આવતી હતી એટલે તેની પુરેપુરી જવાબદારી કૌશલની હતી.

હવે કૌશલ તે પુરી કરવામાં કેટલો સફળ થશે તે જોવું રહ્યું. શું છે એ વાત જેનાં બહાર આવવાથી જીવન ઉથલપાથલ પણ થઈ શકે છે?


ક્રમશઃ