Jindagi... Ramat shuny chokdini - 6 in Gujarati Love Stories by Urvi Hariyani books and stories PDF | જિંદગી ….રમત શૂન્ય ચોકડીની ! - 6

Featured Books
Categories
Share

જિંદગી ….રમત શૂન્ય ચોકડીની ! - 6

જિંદગી ….રમત શૂન્ય ચોકડીની !

પ્રકરણ - ૬

હાય..' અત્યંત સંતુલિત સ્વરે લાવણ્યા બોલી.

સામા છેડે શલ્યને સમજ ન પડી કે વાતની શરૂઆત કેવી રીતે કરવી.અંતે બોલવાનું તો એણે જ હતું. કેમ કે કૉલ એણે જોડયો. હતો.

'મારે તારી સાથે થોડી પર્સનલ વાત કરવાની છે. તારી સાથે અત્યારે કોઈ છે ?' શલ્યે પુછ્યું.

લાવણ્યાની નજર સુધન સાથે એક થઈ ન થઈ અને બોલી, ' મારી સાથે સુધન છે. તું કહે તો હું બીજા રૂમમાં જઈને વાત કરું.'

લાવણ્યાનાં મોઢે આટલું સાંભળ્યું કે સુધન ફટ દઈને ત્યાંથી ઉભો થઇને બહાર ચાલ્યો ગયો.

સામા છેડે શલ્યનાં જડબા ભીંસાયા. એ કર્કશ અવાજે બોલ્યો, 'લાવણ્યા, હું તને બે ઓપ્સન આપું છું. પહેલો એ કે તું સુધનને હંમેશ માટે બહારનો દરવાજો દેખાડી દે અથવા તો મારાં ઘરે રહેવા જતી રહે....'

' શા માટે ? ' લાવણ્યાએ પ્રશ્ન કર્યો.

' વ્હોટસ ધ હેલ ! જાણે તું કંઇ મારાં કહેવાનો અર્થ સમજતી જ નથી એમ પૂછે છે. યુ...'.....' શલ્ય ભારે ગુસ્સામાં હતો.

' શટઅપ શલ્ય ! અપશબ્દો નહીં. જેવી તારી ભાષા છે, એવું તારું દિમાગ છે. વહેમીલું અને શક્કિલું ! સુધન મારાં પપ્પા-મમ્મીનો મહેમાન છે. એ અમારાં ઘરે રહે કે નહીં એ એમને જોવાનું છે, તારે નહીં.'

' ઠીક છે. તો તું મારાં ઘરે રહેવા જતી રહે.' શલ્ય ધુંધવાયો.

'એ પણ નહીં બને, કેમ કે તને મારાં પર વિશ્વાસ નથી એટ્લે તું જવાનું કહી રહ્યો છે. હું જતી રહું તો એનો અર્થ એ થયો કે તારી શંકા સાચી છે.' આ રીતે મક્કમતાથી બોલતી વેળાએ લાવણ્યા ખુદ નવાઈ પામી ગઇ હતી કે એ ક્યા જોર પર શલ્ય સાથે ઝીંક ઝીલી રહી છે.

'ધિસ ઇઝ ટુ મચ લાવણ્યા, આનું પરિણામ સારું નહીં આવે...'શલ્ય દહાડયો.

લાવણ્યાએ કૉલ ડીસકનેક્ટ કર્યો. એનાં ચહેરા પર ભાવ એવો હતો કે જાણે કે કૉલ નહીં પણ એ ખુદ ડીસકનેક્ટ થઈ રહી હતી શલ્યથી, હંમેશ માટે.

??????

અંતે છંછેડાયેલ શલ્યે તોરમાં ને તોરમાં લાવણ્યાનાં ઘરે ડિવોર્સ પેપર્સ મોકલી દીધા હતા. લાવણ્યાનાં ઘરે બધા ક્ષુબ્ધ થઈ ગયેલાં. ફકત લાવણ્યા સ્વસ્થ હતી. કેમ કે એ જાણતી હતી કે વહેલો કે મોડો એનાં અને શલ્યનાં લગ્નજીવનનો આ રીતે જ અંત આવવાનો હતો. જો કે ધાર્યા કરતાં સહેજ વહેલો અંત આવી ગયો હતો. એનું ખરું દામ્પત્ય-જીવન શરુ થતાં પહેલાં જ નંદવાઇ ગયુ હતું.

લાવણ્યાએ સ્વસ્થતાથી ડિવોર્સ પેપર્સ સહી કરી અમેરિકા પરત મોકલી આપેલાં. ઘણા સમય બાદ એણે નિરાંતનો ઊંડો શ્વાસ લીધો હતો.કેમ કે શલ્ય આમ જુવો તો એનાં નામ પ્રમાણે શૂળની જેમ એને સતત ચુભતો જ રહ્યો હતો.

લાવણ્યાથી ડિવોર્સ મળી ગયા બાદ શલ્ય ઘાંઘો બની ગયેલો. એમાંય શ્યામલીની અન્ય એક યુવક મિત્ર સાથે વધતી જતી ઘનિષ્ઠા તેનાથી વેઠાતી નહોતી.

એ લાવણ્યાને છોડી ચુક્યો હતો. હવે તે યેનકેન પ્રકારેણ શ્યામલીને પ્રાપ્ત કરવા ઇચ્છતો હતો. જેમ નાનું બાળક મનગમતું રમકડું ઝંખે એમ.

શ્યામલીને એ ઝંખી રહેલો એની પાછળ એક કરતાં વધુ કારણો હતા. શ્યામલી ખૂબસૂરત હતી.એની નોકરી માતબર હતી. એ અમેરિકન નાગરિકત્વ ધરાવતી હતી. એટલું જ નહીં, ટેક્સાસ જેવા વૈભવી શહેરમાં એનાં મમ્મી-ડેડ઼ીએ ભેટ આપેલ છ બેડરૂમવાળી લકઝુરિયસ વિલાની એ સુવાંગ માલિકણ હતી. સોફ્ટવેર પ્રોગ્રામરની નોકરી સાથે એ બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ પોતાનો અલગ વ્યવસાય વિકસાવવા કરી રહી હતી.

આવા સંજોગોમાં શ્યામલી એને સ્વીકારે તો એનો અમેરિકાનો ફેરો સાર્થક થઈ જાય એ નિ:સંદેહ બાબત હતી. એથી તો શલ્યને હૈયે અને હોઠે લાવણ્યાનું નામ સરી જઇ શ્યામલીનું નામ આવી બેઠું હતું.

??????

લાવણ્યા સ્તબ્ધ હતી.

'હા -ના કર્યા વગર મારી એક વાત માનીશ બેટા ?' અનસૂયાએ જ્યારે આમ પુછ્યું, ત્યાં જ લાવણ્યા સચેત થઈ ગયેલી .

' સુધન ખૂબ સારો છોકરો છે.તારાં માટે સારો જીવનસાથી પુરવાર થશે. અરે !તને એની હથેળીનો છાંયો કરીને સાચવશે. તું દિવસને રાત કહીશ તો એ રાત કહેશે અને રાતને દિવસ કહીશ તો દિવસ કહેશે.....' ન જાણે અનસૂયા પુત્રીને શું -શું કહી રહેલી અને લાવણ્યા જાણે બધિર થઈ ગઇ હોય એમ ભાવશૂન્ય ચહેરે અનસૂયાને જોઇ રહેલી.

અનસૂયા ઇચ્છી રહેલ કે સખી સુધાનો પુત્ર સુધન સામાજિક રીતે જમાઇની રૂએ એમનાં ઘરનો જ સભ્ય બની જાય અને એમની એક માત્ર પુત્રી એવી લાવણ્યાને નજરથી દૂર ન કરવી પડે.

એમની દ્રષ્ટિએ, ડિવોર્સ બાદ વ્યથિત બનેલી લાવણ્યા અને આગળ-પાછળ કોઈનાં સાથ- સહારા વિનાનો એકલો અટુલો બની ગયેલો સુધન સમદુ:ખિયા હતા.તેઓ માની રહેલાં કે સુધન -લાવણ્યાનો સંસારરથ ચોક્કસ સુંદર ચાલશે. સુધનનાં સંસ્કાર અને સ્વભાવ માટે એને પુષ્કળ માન હતું. એમની લાવણ્યાને સુધન ફૂલની જેમ સાચવશે એવી એમને પૂરી શ્રધ્ધા હતી.

અનસુયાનું એમ માનવું કંઇ ખોટું ન હતું. સુધન ખરેખર લાગણીશીલ યુવક હતો. એ અંદરખાનેથી ન માત્ર લાવણ્યાનો પ્રશંસક હતો, બલ્કે એનાં માટે પ્રાણ પાથરતો હતો.

એટલું જ નહીં, પોતાને લાવણ્યા જેવી યુવતી માટે યોગ્ય ન માનવાની સાથે ખુદને લાવણ્યાનાં સંસારભંગ માટે દોષિત અને જવાબદાર માનતો હતો. એટ્લે જ એણે અનસૂયા તરફથી મુકાયેલ એનાં અને લાવણ્યાનાં સહજીવનનાં પ્રસ્તાવને તરત સ્વીકારી લીધેલ.

પણ લાવણ્યા ?

લાવણ્યા માટે એ પ્રસ્તાવ સ્વીકારી લેવો આસાન ન હતો. ખુદને શલ્યની પરિણીતા સમજીને જીવી રહેલ લાવણ્યાનાં મનમાં સુધન તરફ કયારેય એવો ભાવ થયો ન હતો.

દિવસો વીતવાની સાથે અનસૂયાનું પુત્રી પર દબાણ વધતું જઇ રહેલું.

'મમ્મી, પ્લીઝ તું મને સમજવાની કોશિશ કર. ચોક્કસ સુધન ખૂબ સારો યુવક છે. લાખોમાં કદાચ એક હશે. એનાં માટે મને લાગણી પણ છે. પણ તું સમજે છે એવી નહીં. મને એનાં માટે પૂરેપૂરી સહાનુભૂતિ છે, દયા છે પણ પ્રેમ નહીં. મમ્મી તું તો અનુભવી છે અને સારી રીતે સમજતી હોઈશ કે પતિ-પત્નીનો સંસાર એકમેક પ્રત્યે રહેલાં પ્રેમ અને આકર્ષણથી ચાલે છે, નહીં કે દયા અને સહાનુભૂતિથી. પ્રેમ શાશ્વત હોઇ શકે, દયા કે સહાનુભૂતિ નહીં..' લાવણ્યા પોતાનો અભિગમ એની મમ્મીને સમજાવી રહેલી.

એક માતા તરીકે અને ખાસ તો સ્ત્રી તરીકે અનસુયા લાવણ્યાને ખૂબ સારી રીતે સમજતી હતી . પરંતુ, આ લગ્ન માટે તે હઠાગ્રહી બની ગયેલ. લાવણ્યાનાં ઉતાવળે શલ્ય સાથે લેવાયેલ ઘડિયા લગ્ન અને ડિવોર્સ વિશે કોઈ કંઇ ખાસ જાણતું ન હતું. હવે બહાર કોઈ યોગ્ય પાત્ર શોધવાનું થાય તો લાવણ્યાની આ બાબત ખુલ્લી કરવી પડે.એ સંજોગોમાં સ્વાભાવિકપણે લાવણ્યાને યોગ્ય પાત્ર મળવાની સંભાવના ઘણી ઘટી જતી હતી.

આ કારણસર, અનસૂયા - એની લાવણ્યા સુધનને સ્વીકારી લે એ માટે પૂરી સજ્જતા સાથે મોટાભાગે પ્રેમથી, તો ક્યારેક ગુસ્સાથી એને મનાવી -સમજાવી-પટાવવાની સતત કોશિશ કરી રહેલ.

લાવણ્યાનું વિક્ષિપ્ત થયેલ હ્રદય અને મન એક તરફ આ લગ્ન માટે બિલકુલ તૈયાર નહોતું અને બીજી તરફ એ જ મન માતા -પિતાની એનાં પ્રત્યેની ચિંતા અને લાગણીને લીધે એમની ઇચ્છા સ્વીકારી લેવા અનુરોધ કરી રહેલું.

લાવણ્યા માટે જાણે ફરી એક વાર કસોટીકાળ શરૂ થઈ ગયેલો.

ક્રમશ :

પ્રકરણ - ૭ ની રાહ જોશો.