ખોફનાક ગેમ
વ્રજલાલ હિરજી જોષી
ટાપુનો અંત
ભાગ - 3
“મિ. ડેનિયલ...તમે પણ તે બોટ પર અમારી સાથે જ હતા. તમે પણ અમારી સાથે ટાપુના કરંટમાં ફસાઇને મરી શકો તેમ હતા. બીજું કે અમે તમારી લાશ તે ટાપુના કિનારે જોઇ હતી. તે કોની હતી અને ટાપુના કિનારા પર સોનું તો દરિયામાં વેરાઇ ગયું હશે...”
વિનય એકી શ્વાસે બોલી ગયો. તેના સ્વરમાં જાણવાની ઉત્સુકતા અને ઇન્તજારી સ્પષ્ટ દેખાતી હતી.
“ગુડ...ગુડ કવેશ્ચન મિ.વિનય...” પહેલો પ્રશ્ન એ કે હું તમારી સાથે બોટમાં હતો તો મારો એક્સિડંટ થવાની બીકના ભઇના, હું કોઇ તમારી સાથે મોતનું રિસ્ક લઇ ન શકું. સોનું લઇ આપણે તે ટાપુ પર રોકાયા હતા. ત્યારબાદ તમે ધ્યાન આપ્યું ન હતું. જો જરા સરખું પણ ધ્યાન આપ્યું હોત તો તમને ખબર પડી જાત કે ટાપુ પરથી અહીં આવવા નીકળ્યા ત્યારે હું નહિ પરંતુ મારો ડુપ્લિકેટ તમારી સાથે આવ્યો હતો ને તેનો તો બોટ ટાપુ પર અથડાય તે પહેલાં જ જમ્પ મારી પાણીમાં કૂદી પડવાની ખૂબ જ સારી પ્રેક્ટીસ છે અને બીજું કે ત્યાં તમે મારી લાશ જોઇ તે મારો ડુપ્લિકેટ ન હતો પણ એક જંગલીને મારી નાખી મારાં કપડાં પહેરાવ્યાં હતા. તમે ધોખો ખાઇ ગયા અને...તે સોનું તો તમે બેભાન હતા ત્યારે જ ત્યાંથી હટાવી લેવામાં આવ્યું હતું. ફક્ત સોનું કાઢવા માટે જ તમારો ઉપયોગ કરવાનો હતો. તમે ટાપુ પર જીવિત કેવી રીતે રહી શક્યા તે જ એક મોટી વાત છે. તમારા લીધે જ મુરારીબાબુને મરવું પડ્યું.’’
“અમારી લીધે મુરારી-બાબુ મરણ પામ્યા...? સફેદ જૂઠ બોલો છો તમે...”
“મિ.કદમ..તમે જ મુરારીબાબુને સમજાવી પટાવીને ટાપુ પરથી લઇ જવા માંગતા હતા. બીજું કે મુરારીબાબુએ જ તમને અહીં સુધીનો રસ્તો બતાવ્યો. સમજ્યા નહિંતર કોઇને ખબર જ નથી. મારા ગુપ્ત નિવાસની તેઓના આસિસ્ટંટ સિવાય તેના નોકર-ચાકર સૈનિકો પણ અહીંનો રસ્તો જાણતા નથી.”
“એ બધું છોડો મિ. મોરીસ ઉર્ફે ડેનિયલ હવે તમે શું કરવા માગો છો...?” તે બતાવો.’’ લોખંડ સાથે લોખંડ ઘસાય તેવા સખત અવાજે પ્રલય બોલ્યો.
“હા...હવે પહેલા તમને મારા આવિષ્કાર બતાવીશ...જુઓ આ ગોરીલા છે. તેને વાઢકાપ કરી મુરારી-બાબુએ માણસ જેવા બનાવ્યા છે પણ તેનું સ્વરૂપ મોટું કરવાનું કામ મેં કર્યું છે.”
“ઓ...હો તો ચમોલી પાસે જે વિશાળકાય ભીમના ભાઇ જેવો માનવ મેં જોયો હતો. જેની પાસે મારે ઝડપ પણ થઇ હતી. તે તમારો આવિષ્કાર હતો. એમને...?”
“હા...મિ.કદમ...તે દૈત્ય જેવો માણસ એટલે મારા આ ગોરીલા માનવોનું મોટું સ્વરૂપ અને પ્રલયે તથા આદિત્યે નેપાળના જંગલમાં જોયેલા દૈત્યો પણ આજ સ્વરૂપ હતાં. હા...તો...આ દૈત્ય જેવા ગોરીલા-માનવો સાથે સાથે જંગલી પાડા જેટલી કદના કરોળિયા અને છીપકલી પણ મે જીન્સમાં ફેરફાર કરીને બનાવ્યા છે. મોરારી-બાબુનું કામ જાનવરોને માણસ જેવા બનાવવાનું હતું અને મારું કામ તે જાનવરોના જીન્સમાં ફેરફાર કરીને તેનાં સ્વરૂપને વિશાળકાય બનાવવાનું છે. આ બધા વિશાલકાય કરોડીયા છીપકલીઓ, ગોરીલા પછી વાઘ-માનવો ચિત્તા માનવો, રીંછ-માનવોને દુનિયા પર તબાહી નોતરવા ઉતાર્યા છે. આ બધુ દુનિયા પર એવો દહેશત તથા ખોફ ફેલાવશે કે દુનિયામાં ભય અને બીકથી હાહાકાર મચી જશે અને કોઇને ખબર નહીં પડે કે હું આ ટાપુ પર બેઠો બેઠો તેનું સંચાલન કરું છું બસ એક જ વાત સામે આવશે. તે...” પરગ્રહ વાસીઓનો પૃથ્વી પર હુમલો’’ હા… હા… હા… હા… હા.. તે અટ્ટહાસ્ય કરવા લાગ્યો.
“મિ. મોરીસ...ગુજરાતમાં પાલનપુર નામના ગામ પાસે એક મહાકાય દૈત્ય આકાશમાંથી ધરતી પર ઉતરી આવેલ દૈત્ય...?” “મિ.કદમ ગુજરાતનું નામ પણ હું પહેલી વાર સાંભળું છું. મને તે વિશે કોઇ જ માહિતી નથી અને ત્યાં ઊતરી આવેલ તે દૈત્ય માનવ મારો ગોરીલો-માનવ કોઇ સંજોગોમાં ન હતો. તે મારો આવિષ્કાર પણ નથી. આ બધી ઉપજાવી કાઢેલ વાત હશે.”
“ના...ના...આ ઉપજાવી કાઢેલ વાત નથી. તેના પગલાંની છાપ તો અમે પણ જોઇ છે. અને તમે ગુજરાતનું નામ સાંભળ્યું નથી. તે જ તમારા માટે સારું છે. મારા ગુજરાતના નાથ અમારા મુખ્યમંત્રી જ તમારા માટે કાપી છે. પહેલાં ગુજરાત પર તો રાજ કરી બતાવો. પછી તમે દુનિયા પર રાજ કરવાનાં સ્વપ્ન જોજો...હું ગુજરાત જઇ અમારા મુખ્યમંત્રીને કહીને ચોક્કસ તમને ત્યાં આવવા માટે આમંત્રણ અપાવીશ.” મોઢું મચકોડતાં કદમ બોલ્યો.
“ઠીક છે....તમે મઝાક સારી કરી લો છો...પણ હમણાં તમને પરસેવો છૂટવા લાગશે. હવે તમે આ કરોળિયાની કમાલ જોશો...જુઓ તે આદિત્યનો શિકાર કેમ કરે છે.”
કહેતાંની સાથે જ મોરીસે પોતના સિંહાસન આગળ પડેલા ટેબલ પર દેખાતા કમ્પ્યૂટરનાં કી-બોર્ડ જેવા ઇલેક્ટ્રિક પેનલમાં બટનો ફટાફટ દબાવ્યા. ત્યારબાદ ત્યાં મૂકેલું એક લાલ બટન તેણે દબાવ્યું.
પીઇઇઇ...વીઇઇપપપ...અચાનક મગજને કોરી ખાય તેવો એકદમ તીણો અવાજ ગુફામાં ગુંજી ઊઠ્યો અને તે સાથે જ માનવ કદના તે કરોળિયાના શરીરમાં કંપન પેદા થયું. કરોડીયો તે તીણી સિસોટી જેવો તીવ્ર અવાજ સહન કરી શકતો ન હોય અને તે અવાજથી જાણે તેના મગજમાં એકદમ ક્રોધ ભરાતા હોયતેવું લાગી રહ્યું હતું અને પછી અચાનક ચારે તરફથી કરોળિયા પર લેઝરનાં લાલ કિરણોનો મારો તે ગુફાની છત પર ગોઠવેલાં યંત્રોમાંથી થવા લાગ્યો. ક્રોધે ભરાયેલો તે કરોળિયો સળગતી આંખે પોતાના શિકારને તાકી રહ્યો પછી શિકાર તરફ આગળ વધવા લાગ્યો. આદિત્ય કરોળિયાના ઝાળામાં એવો ગુંથાયેલો હતો. તે કરોળિયાના તે જાળામાં બે દિવસથી લપેટાયેલો પડ્યો હોવાથી તેને બોલવાની હિંમત પણ તૂટી ગઇ હતી. કરોળિયાને પોતાની તરફ આવતો જોઇ તેની આંખો દહેશતથી ફાટી ગઇ. આખું શરીર પરસેવાથી રેબઝેબ થઇ ગયું હતું. અચાનક તેના ગળામાંથી કંપકંપાવી નાખતી ખોફનાક ચીસ નીકળી ગઇ અને તેની ચીસના અવાજથી ગુફા ગુંજી ઊઠી.
પ્રલય,કદમ અને વિનય પોતાના પાછળની તરફ બંધાયેલા હાથોનાં બંધનો તોડવા માટે જોર જોરથી પ્રયત્નો કરતા હતા, ધમપછાડા કરતા હતા. પ્રલયની આંખોમાં તે ર્દશ્ય જોઇને લોહી ધસી આવ્યું. તેના જડબાં સખ્તાઇથી ભીંસાઇ ગયા.
“જો...આદિત્યને કાંઇ પણ થયું છે ને તો...તો...તને જીવતો સળગાવી નાખીશ.” પ્રલયે ચિલ્લાયો તેનું પૂરું શરીર ગુસ્સાથી ધ્રુજતું હતું.
“મિ.મોરીસ...છોડી દે આદિત્યને, આદિત્યનું મોત એ તારા મોતનું પરિણામ હશે. આદિત્યને કાંઇ થયું તો તું જીવતો જ નહિં રહે. તને ધરતીમાં જીવતો દાટી દઇશ...હું આદિત્યના સોગંધ ખાઇને કહું છું...” પોતાના બૂટની હીલને ઉપર લેવાની કોશિશ કરતાં કદમ ચિલ્લાયો. તે પોતાના બૂટના તળિયામાં ભરાવેલી નાની છરી વડે પોતાનાં બધંનો તોડવા માગંતો હતો. પણ તેના માટે સમયની જરૂર હતી અને આદિત્યની જિંદગી થોડી ક્ષણોની જ રહી ગઇ હતી. કેમ કે કરોળિયો આદિત્યના માથા સુધી તો પહોંચી ગયો હતો.
ગુસ્સાથી કરોળિયાના મોઢામાંથી ઘુરઘુરાટી નીકળતી હતી. તેણે પોતાનું મોઢું આદિત્યના માથા પર ગોઠવ્યુ. પછી થોડું ઊચુ કરીને અને ઝડપથી આદિત્યનું માથું પોતાના મોઢામાં લઇ લેવા ઝાપટ મારી.
આદિત્યની આંખો મિંચાઇ ગઇ...તેનું મોત બસ એક-બે ક્ષણ જેટલું જ દૂર હતું. પ્રલય, કદમ અને વિનયે તે ર્દશ્ય જોઇ શકતા ન હોવાથી આંખો બંધ કરી દીધી.
ધાય...ધાય...ધાય ભયાનક શોર મચાવતી વાતાવરણમાં સનનાટો તોડતી અચાનક ગોળીઓના ધમાકાથી વાતાવરણ ગુંજી ઊઠ્યું. ગોળીઓ ક્યાંથી આવે તે કોઇને સમજાયું નહીં.
‘કોણે ગોળી ચલાવી...?’ક્રોધથી મોરીસની ભ્રમરો ખેંચાઇ. તે ચારે તરફ જોવા લાગ્યો. અચાનક તેની નજર ગુફાની એક તરફ ખૂણામાં ગઇ. મોરીસની આંખો આશ્ચર્યથી ફાટી ગઇ. પ્રલય, કદમ અને વિનયની પણ તે જ હાલત કરી.
ગોળીઓ કરોળિયાના ભેજામાં ઊતરી ગઇ. તે પોતના ઝાળા પર લટકી રહ્યો. તેના કપાળ પરથી લોહી સાથે પીળું ચીકણું દ્રવ્ય નીકળતું હતું અને તેનો રેલો આદિત્યના માથા પર પડતો હતો. તે સિવાયના બે કરોડિયા ધડામ અવાજ સાથે નીચે પટકાયા.
ત્યાં ખૂણામાં ઊભેલાં તે માણસ હવામાં જમ્પ મારને કૂદ્યો.
બે ચાર સેકન્ડમાં જ તે કોઇ પણ કાંઇ સમજે-વિચારે તે પહેલાં તે મોરીસ પાસે પહોંચી ગયો. “મિ. મોરીસ...તારો ખેલ ખતમ થઇ ગયો...” તેની રિર્વોલ્વરમાંથી હજી ધ્રૂમ્રસેર નીકળતી હતી અને ગુફામાં સળગેલા બારુદની વાસ પણ આવતી હતી. તેણે મોરીસ પાસે પહોંચી તેની રિર્વોલ્વરને મોરીસના કપાળ પર તાકી રાખી.
“તું...તું...? કેવી રીતે જીવતો રહી ગયો...?” આશ્ચર્ય સાથે મોરીસ બોલી રહ્યો હતો, “અને જીવતો છો. અત્યાર સુધી અમારી નજરમાં કેમ ન આવ્યા...?”
પ્રલય, કદમ અને વિનયના મોઢા પર હર્ષના ભાવ છવાયેલા હતા.
છેલ્લી ઘડીએ આદિત્યને બચાવનાર તે વ્યક્તિ તરફ ત્રણે અહોભાવ સાથે જોઇ રહ્યા.
સંકટના સમયે, સંકટની સાંકળ બનીને આવનાર તે કોણ હશે ? વાચકમિત્રો તમે વિચારી લ્યો. પછી આગળ આવજો, કેમ કે તેનું વ્યકિતત્વ અનેરું છે. જેનાં એક સ્વરૂપ છે...
“મોરીસ...તારા ચમચાઓને કહે કે જલદી આ ત્રણેનાં બંધનો ખોલી નાખે નહીંતર મારી આ રિર્વોલ્વરની ગોળી તારું ભેજુ ઉડાડી નાખશે.” કર્કશ અવાજે તે બોલ્યો.
“ખોલી નાખો...તેનાં બંધનો ખોલી નાખો.” રિર્વોલ્વરનું દબાણ ભેજા પર આવતાં હેબતાયેલા મોરીસે ઉતાવળે કહ્યું.
મોરીસના બે સિપાહીઓ તરત જ પ્રલય, કદમ અને વિનયના બંધનો ફટાફટ ખોલવા લાગ્યા.
“આ આદિત્યને પણ જલદી નીચે ઉતારો...” તેના પહાડી અવાજના પડઘા ગુફા જેવા તે હોલમાં પડ્યા હતા.
“વાહ અંકલ વાહ...તમે મહાન છો. મિ. મોગલો.” આનંદથી તાળીઓ પાડતો કદમ બોલ્યો તેના બંધનો ખૂલી ગયાં હતા. આદિત્યને પણ કરોળિયાના જાળામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. હજુ પણ તેના ચહેરા પર દહેશત ફેલાયેલ હતી. તે વ્યકિત મોગલો હતો. તેને જીવતો જોઇને સૌ આશ્ચર્ય પામ્ય હતા.
“તમે અહીંથી જીવતા જઇ શકશો નહિ. મોગલો...” તમે કદાચ આ રિર્વોલ્વરથી મને કંટ્રોલ કરી શકશો પણ આ ખૂંખાર જાનવરો છે. તે તમારા કંટ્રોલમાં નહિ આવે.
તમે જે કરોળિયાને માર્યો તેવા ઘણા જ કરોળિયા આ ગુફાની આજુબાજુ ફરે છે. તમે કરોળિયાને માર્યો તેની જાણ થતાં જ તે તમારી વાસથી તમને પકડી પાડશે અને જીવતા ગળી જશે...’’ ગોરીલા-માનવો તરફ નજર ફેરવતાં મોરીસ બોલ્યો. ગોરીલા-માનવો ગુસ્સે થયેલા જણાતા હતા. તેના મોઢામાંથી આછી ઘુરઘુરાટી નીકળી રહી હતી.
“મિ. મોરીસ...તારા આ જાનવરો માટે મારી રિર્વોલ્વરની એક-એક ગોળી જ બસ છે. ” તું તારી ચિંતા કર, અમારી ચિંતા કરવાની તારે જરૂર નથી.
મોરીસની બાજુમાં ગુસ્સાથી દહાડતા મોગલોથી “બ્હી” જઇને મોરીસના હાથ પર બેઠેલું સોનેરી બાજ ત્યાંથી ઊડ્યું અને ગુફામાં ચક્કર લગાવવા લાગ્યું અને પછી અચાનક આદિત્યની સારવાર કરતા કદમના ખભા પર જઇને બેસી ગયું. સૌ આશ્ચર્યથી જોતા જ રહી ગયા. કદમ તેના પર પ્રેમથી હાથ ફેરવવા લાગ્યો.
“જોયું...મિ. મોરીસ...જાનવર, પક્ષીઓ સૌ પ્રેમના ભૂખ્યા હોય છે. હવે તારાં આ જાનવરોને આઝાદ થવાનો સમય આવી ગયો છે. મિ. મોરીસ...ઉર્ફે ચીનના મહાન વૈજ્ઞાનિક ‘વાગયાંગ’ તારી ફિલ્મ પૂરી થઇ છે.”
“તું...તું...કોણ છે અને હું વાગ-યાંગ નથી..” ફાટી આંખો મોરીસ મોગલોને તાકી રહ્યો.’’
“ન ઓળખ્યો મને...ચીની ડ્રેગન તારો મોટામાં-મોટો દુશ્મન અને તારી સોનેરી જાતો તોડવા તારી પાછળ પડેલો.”
“તું...તું મોગલો નથી...તું તો ” દહેશતથી ધ્રૂજતાં ફાટી આંખે મોરીસ ઉર્ફે વાગ-યાંગ તેના તરફ જોઇ રહ્યો.
એક તરફ ગોરીલા-માનવો ગુસ્સો ભરી નજરે પ્રલય, કદમ, વિનય તરફ જોતા-જોતા તેઓની તરફ આગળ વધી રહ્યા હતા. તો બીજી તરફ ગુફામાં આશ્ચર્યના વિસ્ફોટ પર વિસ્ફોટ થતા હતા.
“એશિયાની શાંતિને તોડવા અને પૂરા એશિયા પર ચીનનું શાસન હોય તેવાં સ્વપ્નાં જોનાર ચીનના મહાન વૈજ્ઞાનિક તથા ચીની જાસૂસી સંસ્થા ડ્રેગનના ચીફ લાંગચુના મોટાભાઇ...તે તો ભારત, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, રશિયાના દેશો પર તબાહી લાવવાનો પૂરો પ્લાન બનાવી નાખ્યો હતો અને જોં મેં વચ્ચે દખલ-ગીરી ન કરી હોત તો તું તેમાં સફળ પણ થયો હોત. ભારત સરકારથી નારાજ અને ભારતના અમુક આવારા ગર્દોથી બેઇજ્જત થયેલ ભારતના વૈજ્ઞાનિકને સમજાવી પટાવીને તે ભારત વિશે ઊંધું ભરમાવ્યું અને તેનાં માં-બાપનો બદલો લેવાની ભાવનાને વધુ ભડકાવી તે તારા ભેગા શામિલ કર્યા. તેને દુનિયાના બાદશાહ બનાવાનું સ્વપ્ન બતાવી તારા કુકર્મમાં સામેલ કર્યાં.”
“ખરેખર તો લંડનમાં વૈજ્ઞાનિકોની તે કોન્ફરન્સમાં જ હું તને ઓળખી ગયો હતો અને તારી ઉપર નજર રાખવા ભારતના ચુંનદા જાસૂસોને તારી પાછળ લગાવી દીધા હતા.” અચાનક મોગલોનો અવાજ બદલાઇ ગયો.
“અરે...અરે...આતો સરનો અવાજ...અરે...સર...સર...” અચાનક મોગલો પોતાનો અવાજ બદલીને બોલાતાં પ્રલય, કદમ ચોંકી ઊઠ્યા. તેના સ્વરમાં અતિરિક્ત આનંદ સાથે આશ્ચર્ય ફેલાયેલું હતું. “સર...સર...તમે મોગલો બનીને અમારી સાથે રહ્યાછતાં અમે તમને ઓળખી શક્યા નહિ.” હર્ષ સાથે કદમ બોલ્યો જ જતો હતો... “સર...તમે તો ભારતમાં હતા તો તમે અમારી સાથે...?”
“તું...તું મેજર સોમદત્ત છે ?” ભય અને દહેશતથી ઊછળી પડતાં મોરીસ ચિલ્લાયો. તેનો અવાજ ખોફથી ફાટી ગયો.
“હા, મિસ્ટર મોરીસ...આજ તારો બાપ ભારતની જાસૂસી સંસ્થાના ચીફ મેજર સોમદત્ત છે. દીકરા જલદી માફી માંગી લે પગમાં પડીને નહિતર તને મુરગો બાનાવી દેશે. “સ્વસ્થ થયેલ આદિત્ય મોરીસની ઠેકડી ઉડાડતાં બોલ્યો.”
“અલવિદા...મિ. મોરીસ” રિર્વોલ્વરના ટ્રેગર પર હાથની આંગળીઓ વડે દબાણ દેતાં સખ્ત અવાજે મેજર સોમદત્ત બોલ્યા.
“હા...હા...હા...મેજર સોમદત્ત, મને મારી નાખ્યા પછી તમે સૌ જીવતાં અહીંથી જઇ શકશો નહિં. ”
જુઓ, મારા ગોરીલા માનવો...તારા સાથીઓને જીવતા દફનાવવા આગળ વધી રહ્યા છે અને જો સામેના બાકોરાઓમાંથી શું બહાર આવી રહ્યું છે.’’
ચોંકીને મેજર સોમદત્તે પહેલાં ગોરીલા માનવો તરફ અને પછી તે ગુફા જેવા હોલના ખૂણામાં બનેલા ટર્નલ જેવા મોટા બાકોરાઓ તરફ નજર ફેરવી.
પ્રલયની પાછળ પહોંચેલા ગોરીલા માનવો પ્રલયે ગળામાંથી પકડીને ઉપર ઉઠાવ્યો. તે ગોરીલા માનવના મોંમાંથી ગુસ્સાભર્યો ઘુરકાટ નીકળી રહ્યો હતો. પ્રલયનો શ્વાસ રૂંધાવા લાગ્યો. ઊંચા ઉઠાવેલા પ્રલયને ગોરીલા-માનવો થોડો વધુ ઊંચો કર્યો. પછી જોરથી “ઘા” કર્યો. પ્રલય ફૂટબોલના દડાની જેમ અથડાતો નીચે પછડાયો. પણ પછી તે ઝડપથી ઊભો થયો અને બંને પગે જમ્પ મારી અને ઉછળ્યો. હવામાં અધ્ધર થયેલો તેનો દેહ ઊછળીને ગોરીલા-માનવના દેહ સાથે જોરથી અથડાયો. તેના બંને પગની લાત ભીષણ પ્રહાર સાથે ગોરીલા-માનવની છાતી પર પડી. ગોરીલા-માનવ ઊથલી પડ્યો. બંને નીચે પટકાયા. પછી તરત ઊભા થઇ ગયા અને પછી તે મહાકાય પ્રાણી અને પ્રલય એકબીજામાં ભિડાઇ ગયા.
ખબર નહિં પણ તે ગુફા જેવા હોલના ખૂણામાં બનેલા મોટા ટર્નલ જેવા બાકોરામાંથી એક પછી એક મહાકાય કરોળિયા નીકળવા લાગ્યા. આદિત્ય અને કદમ દહેશત સાથે તેને તાકી રહ્યા. વિનય ત્યાં ઊભેલા બે સૈનિકો સાથે ભિડાઇ ગયો.
***