ભાગ ૬
રીક્ષામાંથી નિમીભાભી ઊતર્યા અને મંગળાને પૂછ્યું,”શું થયું?” પણ મંગળા પાસે હીબકાં સિવાય કોઈ જવાબ નહોતો તેથી તેમણે મંગળાને બાથમાં લઇ સાંત્વના આપી અને કહ્યું,” રીક્ષામાં બેસ આપણે પછી વાત કરીશું.”
ચાલીમાં પહોંચ્યા પછી તેને રિક્ષમાંથી ઉતારીને પોતાના ઘરે લઇ ગયાં અને પાણી પાયું અને પૂછ્યું,”શું થયું.” એટલામાં મંગળા ઢળી પડી.
તેમણે મંગળાના કપાળે હાથ અડાડ્યો તો તેનું શરીર તાવથી ધગધગી રહ્યું હતું એટલે તેમણે મીઠાના પાણીના પોતાં મુકવાનું શરુ કર્યું અને ડૉક્ટરને બોલાવ્યા.
ડૉક્ટરે તપાસીને કહ્યું,”સાધારણ તાવ છે, ઇન્જેક્શન આપું છું એટલે કલાક બે કલાકમાં તાવ ઉતરી જશે.” છતાં તાવ તરત ન ઉતર્યો અડધીરાત સુધી નિમીભાભી જાગતાં રહ્યા અને પછી મંગળાના પલંગ પાસે ખુરસીમાં સુઈ ગયા.
વહેલી સવારે કોઈ અવાજ સાથે તેમની આંખ ખુલી તો મંગળા પંખા સાથે લટકી રહી હતી અને તડફડી રહી હતી. તેમણે તરત મંગળાને પકડી લીધી અને તેમના પતિ રસિક્ભાઈને બૂમ મારીને બોલાવ્યા. તેમણે મળીને મંગળાને ઉતારી અને તેને પલંગ પર સુવડાવી. મંગળા બેભાન થઇ ગઈ હતી.
રસિકભાઈ તરત ડૉક્ટરને બોલાવવા નીકળી ગયા. ડૉક્ટરે આવીને જોયું અને કહ્યું,”ફક્ત બેભાન છે, પણ હવે કોઈએ તેની સાથે રહેવું પડશે જેથી તે એવો કોઈ પ્રયત્ન ન કરે.”
છ કલાકે જયારે ભાનમાં આવી ત્યારે મંગળા જડ થઇ ચુકી હતી, ફક્ત શૂન્ય નજરે બધાને નિહાળી રહી હતી. તેના ચેહરા પર કોઈ જાતના હાવભાવ ન હતા, ન તો તે કોઈની સાથે વાત કરી રહી હતી. નિમીભાભીએ તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, સરલા અને બીજા પાડોશીઓએ પણ પ્રયત્ન કર્યો.
પણ બધું વ્યર્થ જડમૂર્તિ બનેલી મંગળા કંઈ બોલી રહી નહોતી. ડોક્ટર તેને જોવા રોજ આવતા હતા તેમણે કહ્યું,”કોઈ ભયંકર આઘાતને લીધે તેનું નર્વસ બ્રેકડાઉન થઇ ગયું છે, આવામાં કદાચ તે થોડું રડી લે તો પણ તેનું દુઃખ હળવું થાય અને તે સામાન્ય થઇ શકે. આવા કેસમાં કોઈ મનોચિકિત્સક તેની કોઈ મદદ કરી શકે.”
રસિકભાઇએ સુયશને મળીને તેની સાથે વાત કરવાની કોશિશ કરી, પણ સુયશે તેમનું અપમાન કરીને તેમને કાઢી મુક્યા.
સુયશે કહ્યું,” મરતી હતી તો મરવા દેવી હતીને બચાવી કેમ? હવે સાચવો. મારો કોઈ સંબંધ નથી તેની સાથે.
નિરાશ થઈને ઘરે આવ્યા પછી તેમણે આ બધું પોતાની પત્નીને કહ્યું તો તેમણે કહ્યું,”નક્કી બંને વચ્ચે કંઈક ભયંકર બન્યું છે, જેના લીધે સુયશે આવું કર્યું. તે દિવસે સુયશનો ફોન આવ્યો હતો અને જેવી રીતે મંગળા વિષે પૂછપરછ કરી રહ્યો હતો, મને લાગ્યું કે કંઈક ભયંકર બનવાનું છે. તેથી જ હું રીક્ષા લઈને તેમના બંગલે જતી હતી પણ ત્યાં નાકા પર જ મંગળા મળી તેથી હું તેને અહીં લઇ આવી.”
રસિકભાઇએ કહ્યું,” સારું કર્યું તું અહીં લઇ આવી. મંગળા આપણી ચાલીની વહુ કહેવાય એટલે તેની મદદ કરવી એ આપણી ફરજ છે. પણ હવે આપણે શું કરીશું? એક બે મનોચિકિત્સકને હું મળ્યો હતો પણ તેમની ફી આપણા જેવા મધ્યમવર્ગીયને પોસાય એમ નથી, તેથી આવતીકાલે એક મિત્ર સાથે નિરાધાર સ્ત્રીઓની મદદ કરતી સંસ્થામાં મળવા જવાનો છું ,જોઈએ શું થાય છે?”
આખી ચાલીને એકજાતની ઉદાસી ઘેરી વળી હતી, આખી ચાલીનું લક્ષ્ય એક જ હતું મંગળાને બોલતી કરવાનું અને દરેક જણ પોતાની રીતે પ્રયત્ન કરી રહ્યું હતું.બીજે દિવસે સાંજે રસિકભાઈ નિરાશવદને ઘરે આવ્યા.
તેમણે કહ્યું,”સંસ્થાવાળા કહે છે કે તેઓ મંગળાની ટ્રીટમેન્ટ કરશે પણ જો તે ત્યાં રહેતી હશે તો જ. પણ ત્યાંનું વાતાવરણ જોઈને મારુ મન ન માન્યું. બહુજ નિરાશ અને હતાશાજનક વાતાવરણ હતું ત્યાંનું. બધે ગમગીની છવાયેલ હતી. ત્યાં મોકલીએ તો તેની સ્થિતિ સુધારવાને બદલે બગાડી જાય તેમ મને લાગ્યું. એના કરતા આપણે મંગળાના માતાપિતાને વાત કરી જોઈએ તો!”
નિમીભાભીએ કહ્યું,” એની કોઈ જરૂર નથી જે માતાપિતાએ કોઈ જૂનું કપડું હોય તેમ ઉતારીને ફેંકી દીધી અને આજ સુધી સારસંભાળ લેવાની કોશિશ કરી નથી એવા માબાપની આપણે શું કામ મદદ માગવી?”
થોડીવાર પછી ત્યાં સરલા આવી તેણે કહ્યું,”આપણે મંગળાને રાયચંદ મહારાજ પાસે લઇ જઈએ તો કેવું?”
રસિકભાઇએ કહ્યું,”આપણે એવા મહારાજોના ચક્કરોમાં નથી પડવું.”
સરલાએ કહ્યું,” તે કોઈ સાધુબાબા નથી, તે સંસારી છે અને તેઓ વાતચીત કરીને લોકોનું દુઃખ દૂર કરે છે. એક જાતના મનોચિકિત્સક છે ફક્ત એટલું જ કે તેમની પાસે કોઈ ડિગ્રી નથી. તેઓ જ્ઞાનનો ભંડાર છે. તેમનો કોઈ આશ્રમ નથી કે નથી તેઓ કોઈ સંસ્થા ચલાવતા.”