પ્રકરણ – 7
ક્ષણનો પણ વિલંબ ન થવા દીધો કોઈ અજ્ઞાત શક્તિએ મને પુલની રેલિંગ પર ચડાવવામાં. આજુબાજુ ખડકાયેલાં બહેરા-મૂંગા પહાડો જેનાથી લપેટાયેલાં છે એ અજાણ્યાં વૃક્ષોના પર્ણો ફરફરવાથી ઉત્પન્ન થતો અવાજ, એ પહાડોની વચ્ચેથી આડાઅવળાં વળાંકો લઈને પુરપાટ ગતિએ દોડતી તટિનીની જળરાશિની સપાટીથી આ પુલની ઊંચાઈ અને એ તટિનીના માર્ગમાં આવતી શિલાઓ સાથે તેનું નીર અફળાવાથી ઉત્પન્ન થતા બિહામણા નાદથી સર્જાતા દ્રશ્યની દારુણતા મને એ હદે ડરાવી ન શકી કે હું અહીંથીં કૂદકો ન મારું.
થોડીવાર હવામાં...... ને પછી...... ભફાંગ.......
પાણીમાં ઘણો ઊંડો ઊતરી ગયો. શ્વાસ રોક્યો અને મોં બંધ રાખ્યું. હાથ-પગથી પાણી નીચે ધકેલીને ઉપર આવતો ગયો. નદીનો પ્રવાહ મને પુલથી દૂર લઈ જઈ રહ્યો છે એ હું સ્પષ્ટ અનુભવી શકું છું. બહારથી ખળભળાટ કરતી નદી અંદરથી કેટલી શાંત છે!
પાણીની સપાટીથી ઉપર આવ્યો. મોં આપોઆપ જ ખુલી ગયું અને ખૂબ જ ઝડપથી શ્વાસોશ્વાસ પ્રક્રિયા થવા લાગી. હાથ-પગ કાર્યરત છે. સપાટી પર જળવાઈ રહ્યો છું. નદીના પ્રવાહમાં તણાઈ રહ્યો છું. નદી કિનારાના ભાગેથી છીછરી અને વચ્ચેથી વધુ ઊંડી હશે એવું પ્રવાહની ગતિ પરથી લાગે છે. અલબત્ત, આ પર્વતીય પ્રદેશ છે. નદીનું તળિયું સમતલ નહિ જ હોય. હા, મોટાભાગના માણસોનું જીવન આવું જ હોય છે. તેમની ભીતર કેટલાંય ચડાવ-ઉતાર આવે છે. ક્યારેક ઊંચાણ આવે છે તો ક્યારેક ઊંડાણ. પણ બહારથી એવું જ લાગે છે એકદમ શાંતિથી જીવન પસાર થઈ રહ્યું છે. જ્યારે તેની ભીતર ડૂબકી લગાવીએ ત્યારે ખ્યાલ આવે કે કેટલા પથ્થરો અને ખાડાઓને તેનામાં દબાવીને એ માણસ જીવી રહ્યો છે..... ખળખળ વહેતી નદીની જેમ!
પેલી રહી વૈદેહી. જોઈ. મારાથી વધારે દૂર નથી. તણાઈ રહી છે. હું પણ તણાઈ રહ્યો છું. પણ વૈદેહી સુધી પહોંચવા માટે એ પૂરતું નથી. અમે બંને સમાન વેગથી તણાઈ રહ્યાં છીએ. પરિણામે, એકબીજાની સાપેક્ષે અમારો વેગ શૂન્ય છે. વૈદેહી સુધી પહોંચવા માટે મારો વેગ વધારવો પડશે. મારે પ્રવેગિત થવું પડશે. મેં તરવાનું શરૂ કર્યું. મારા શૂઝ તરવામાં અવરોધ બની રહ્યાં છે. મેં પગની આંગળીઓ ભરાવીને એક પછી એક એમ શૂઝ કાઢી નાંખ્યા. પ્રવાહની દિશામાં તરવું ઘણું સરળ લાગે છે. હું ઝડપથી વૈદેહીની નજીક જઈ રહ્યો છું.
વૈદેહી હાથ-પગ ઉછાળતી નથી. તે પ્રવાહમાં વહી રહી છે. ગમે તેવો દુઃખી માણસ મોત સામે ભાળીને તરફડવા લાગે. તેને જીવવાની ઈચ્છા થઈ આવે. તો વૈદેહી..... બેભાન થઈ ગઈ હશે? તે જીવતી નથી? મારી દ્રષ્ટિ તેના પર મંડાયેલી છે. તે ડૂબી.... થોડી ક્ષણો પછી તે ફરી બહાર દેખાઈ.
હું તેની નજીક જઈ રહ્યો છું.
કુદરત પણ કમાલ કરે છે! કોઈ માણસને તરત ડૂબવા નહિ દે. અમુક સમય સુધી તેને જીવન-મરણ વચ્ચે ઝોલાં ખવડાવે છે. રમાડે છે, ભીષણ રમત! ડૂબાડે.... બહાર કાઢે..... ફરી ડૂબાડે..... ને આખરે પોતાનામાં સમાવી લે. તો સીધી રીતે મરવા દેવામાં શું વાંધો? શા માટે તરફડવાનું? આ તો કોઈક કારણોસર વૈદેહી બેભાન થઈ ગઈ છે, નહિંતર તે પણ આ ભયાનક રમતનો ભોગ બની હોત.
મારા હાથમાં વૈદેહીનો હાથ આવ્યો. મેં તેનો હાથ ખેંચ્યો. તેનું માથુ ખભા પર આવ્યું અને તેનો ખભો મારા હોઠને અડ્યો..... બધાં જ વિચારો શમી ગયાં..... ઉદ્વેગિત હતું એ મન શાંત થઈ ગયું..... જેના માટે આટલું સહન કર્યું એનો સ્પર્શ..... અવર્ણનીય આહ્લાદ!
હું પાણીમાં છું કે જમીન પર કે હવામાં? તરી રહ્યો છું કે ઊડી રહ્યો છું? ધરતી પર છું કે સ્વર્ગમાં? અન્ય જીવસંસારનું અસ્તિત્વ છે કે આ અનંત અવકાશમાં ફક્ત..... વેદ અને વૈદેહી........? જાણે આ સમગ્ર સૃષ્ટિ અમારા મિલનાર્થે જ ચાલતી હતી..... અમે મળ્યાં..... આ સરિતામાં અમે એકમેકથી ભીંજાયા.....
મેં વૈદેહીનું આખું શરીર મારી તરફ ખેંચ્યું. મને કંઈ ભાન જ નથી રહ્યું. વૈદેહીને હું વળગી પડ્યો. જળથી લથબથ ભીંજાયેલું એનું સુંદર તન જાણે મસળી નાંખવા માંગતો હોઉં એમ મેં મારી બાથમાં ભીસ્યું. હવે અમે સપાટી પર ન રહી શક્યાં. પાણીમાં ઊતરવા લાગ્યા. વર્ષોથી આ જ ક્ષણ માટે તરસતો ન હોઉં! મળી ગઈ વૈદેહી.... અમે ડૂબી રહ્યાં છીએ.... અરે.. વૈદેહીના હાથ મને વીંટળાઈ વળ્યાં..... અમે પાણીમાં ઊંડા ઊતરીએ છીએ..... વૈદેહીની સાથે ડૂબી મરું?.... મૃત્યુ પછી કોઈ અગોચર વિશ્વમાં જઈને અમે......
મને ગૂંગળામણ થવા લાગી. હું હાથ-પગ હલાવવા માંડ્યો. અમે ઉપર જઈ રહ્યાં છીએ. વૈદેહીના હાથ મને વીંટળાયેલાં છે. તે પણ મારી સાથે ઉપર આવી રહી છે. પણ એવું લાગે છે કે તે મને રોકી રહી છે. કહી રહી છે, ‘વેદ, શું કરે છે તું? નથી જવું પાછા. આપણે એ દુનિયામાં પાછાં નથી જવું, નથી જવું. ચાલ, ડૂબી જઈએ. વેદ, ફક્ત આ નદીમાં જ નહિ, આપણે એકબીજામાં ડૂબી જઈએ...... ’
મારું માથુ પાણીની બહાર આવ્યું. નદીનો ખડભડાટ કાને પડવા લાગ્યો. મેં જોરથી શ્વાસ ભર્યો. વૈદેહીનું માથુ પણ બહાર આવ્યું. તે હજી બેભાન છે. તેના શરીરે ઝડપથી શ્વાસ લેવાનું શરૂ કરી દીધું છે. આવેશને કારણે મેં બહુ મોટી ભૂલ કરી નાંખી છે. મેં સાંભળેલું છે કે ડૂબતાં માણસને બચાવવા જતી વખતે તેના શરીરને બાથ ન ભરાય. તમારે પોતાના શરીરને તેના શરીરથી શક્ય તેટલું દૂર રાખવું જોઈએ. નહિંતર, એ માણસની સાથે તમે પણ ડૂબી મરો. મેં ભૂલ કરી નાંખી છે..... બહુ મોટી ભૂલ....
વૈદેહીનું શરીર ફરી પાણીમાં ડૂબવાં માંડ્યું. હું પણ તેની સાથે ખેંચાયો. પાણીમાં ઊતરી ગયો. ફરી શાંતિ...... ‘વેદ, કેમ માનતો નથી મારી વાત? શું કામ જીવવું છે તારે? મારી સાથે આવ.... છોડ આ દુનિયા.... આપણે એક નવા વિશ્વનું નિર્માણ કરીશું... આપણું વિશ્વ..... આપણી ઈચ્છા મુજબનું વિશ્વ.... જ્યાં આપણે બંને ખૂબ જ ખુશ હોઈશું....હંમેશને માટે ત્યાં જ રહીશું.... ચાલ.... એ વિશ્વમાં જવાનો આ જ માર્ગ છે.... આ પાણીને તારા શરીરમાં પ્રવેશવા દે..... તારા આ શરીરને શાંત કર.... છોડ આ શરીર.... વેદ, ડૂબી જા મારી સાથે.....’
મહાપરાણે હું ઉપર આવ્યો. વૈદેહીને આ રીતે પકડીને મેં ભૂલ કરી છે. વિજાતીય આકર્ષણ પર કાબુ ન રહે તો ડૂબવાનો જ વારો આવે! પણ હવે શું કરું? હું ડૂબી મરીશ? મારે નથી ડુબવું! મારે જીવવું છે. વૈદેહીને છોડી દઉં? કદાચ, હું તો તરીને કાંઠે પહોંચી જઈશ. વૈદેહીનું શું? શું કરું? વળી, બંને તરફનાં કિનારા ઘણાં દૂર છે. નદી પણ અમને ખૂબ જ વેગથી તાણી રહી છે. હું થાકી ગયો છું. હાથ-પગમાં હવે જોર નથી રહ્યું. હવે? હું ડૂબી મરીશ?
છબાક્......
મારી બાજુમાં કંઈક આવી પડ્યું. જોયું...... જાડા દોરડાંનો છેડો! મેં તરત જ એ છેડો પકડી લીધો. ભમરાહ તરફના કિનારા તરફથી દોરડું ફેંકાયું છે. ત્યાં કોઈ ઊભું નથી. અમે નદીના પ્રવાહમાં આગળ વધી રહ્યાં છીએ. મેં દોરડાંનો છેડો મોંમાં દબાવ્યો. વૈદેહીને કઈ રીતે સાથે લઉં. વધારે વિચારવાનો સમય નથી. મેં વૈદેહીને ચોટલો હાથમાં પકડ્યો. તેનો લાંબો ચોટલો મારા ગળા પર બાંધી દીધો. આ કામ કરતાં હું બે-ત્રણ વખત ડૂબકી ખાઈ ગયો.
મારી મદદ માટે ફેંકાયેલું દોરડું મેં બંને હાથે પકડ્યું. તકલીફ એ છે કે સામે છેડે દોરડું ખેંચવા માટે કોઈ ઊભું નથી. તે માણસે એક ઝાડના થડ સાથે દોરડું બાંધી દીધું છે. પછી તેણે બીજો છેડો નદીમાં ફેંક્યો હશે. પણ તે જતો કેમ રહ્યો? હા, આર્કિમીડિઝ દ્વારા શોધાયેલા ઉત્પ્લાવકતાના સિદ્ધાંત અનુસાર પાણીમાં વૈદેહીનું વજન ઘણું ઓછું થઈ ગયું છે. એટલે મારા ગળા પર વધારે બળ નથી લાગતું! તે સરળતાથી ખેંચાઈ શકે છે. હા, અમે બચી જઈશું!
આવી ગયાં કિનારે! વર્ષો સુધી સમુદ્રની સફર ખેડીને આવેલો ખલાસી જે ભાવથી જમીન પર પગ મૂકે એ જ ભાવથી હું જમીન પર આવ્યો! માટી અને ખડકોથી મિશ્રિત કિનારા પર આવ્યાં. અહીં ચારેક ફૂટ ત્રિજ્યાનું પણ અનિયમિત વર્તુળ બને તેટલો ભાગ સંપૂર્ણપણે માટિયાળ છે. વૈદેહીને અહીં સૂવડાવી. તેનો ચોટલો હજી મારા ગળામાં બાંધાયેલો છે. વૈદેહીને ઊંધી સુવડાવી. તેની પીઠ પર બંને હાથથી બળ આપીને તેના શરીરમાંથી પાણી કાઢ્યું. પછી મેં તેને ચત્તી કરી. મને જબરદસ્ત થાક લાગ્યો છે. આખું શરીર દુઃખી રહ્યું છે. હું વૈદેહીની બાજુમાં જ આડો પડ્યો..... હા...શ.....!
દોરડું કોણે નાંખ્યું હતું?
મેં ઘળિયાળમાં સમય જોયો- ૧.૫૮
સૂરજ માથા પરથી સહેજ ઊતર્યો છે. પૂરતી તીવ્રતાથી પ્રકાશ ફેંકી રહ્યો છે. શિયાળો ચાલતો હોવાથી તડકો દઝાડે તેવો નથી. ભીના શરીર પર તે ટુવાલ જેવું કામ કરી રહ્યો છે. પવનના સુસવાટા, વૃક્ષોના પર્ણોનો ફરફરાટ અને નદીનો ખડભડાટ અવિરત રેલાય છે. હવે એ અવાજોથી મગજ ટેવાઈ ગયું છે. ચહેરા પર લગાવેલી બેન્ડ-એઈડ્સ ભીની થવાથી ઉખળવા લાગી છે. અડધી ઉખળીને લટકી રહી છે. એ આમેય પાછી ચોંટવાની નથી. મેં હળવેથી બેન્ડ-એઈડ્સ ઉખાળી લીધી.
પાંચેક મિનિટ પછી હું વૈદેહી તરફ ફર્યો. તેનો ચોટલો હજી મારા ગળામાં છે. વૈદેહીનું મુખ આકાશ તરફ છે. હું બેઠો થયો. નદીમાં ડૂબકીઓ ખાઈને આવેલી વૈદેહીનું એકેએક અંગ દિવ્ય લાગી રહ્યું છે. તેનું શરીર હજી ભીનું છે. વરસાદ પડે ત્યારે જે માદક સુવાસ પ્રસરે છે એ ખરેખર માટી ભીંજાવાથી ઉદ્ભવે છે કે આવી સુંદરીઓના ભીંજાવાથી? તેજસ્વી ચહેરો, સુવિકસિત વક્ષઃસ્થળ અને પાતળુ ઉદર...... કેટલાંય કામાતુર વિચારો મારા મનમાં આવીઆવીને ગયાં.
હું આ શું કરી રહ્યો છું?
મને વૈદેહી ગમી છે? હા? ઘરેથી નીકળ્યો ત્યારથી લઈને અત્યાર સુધી હું સતત તર્કવિતર્ક કરતો હતો. વૈદેહીનો સ્પર્શ થયો ત્યારથી તર્ક બંધ થઈ ગયાં છે. દોરડું કોણે ફેંક્યું એ વિશે પણ હું વધુ વિચારતો નથી. આવી મનઃસ્થિતિ પહેલાં ક્યારેય નહોતી થઈ. શું છે આ? પ્રેમ?
બિલકુલ નહિ. આ ફક્ત આકર્ષણ છે. વૈદેહીના શરીર પ્રત્યેનું આકર્ષણ. મેં વૈદેહીને તો અનુભવી જ નથી. કેમ કે એ તો હજી બેભાન છે. હું જેના પ્રત્યે ગાંડો બન્યો છું એ વૈદેહી નથી, વૈદેહીનું શરીર છે. વેદ, પ્રેમ માનવને કરાય, શરીરને નહિ. પરિવારમાં આપણા સંબંધો શરીર આધારિત છે? ના. હું કેવો દેખાઉં છું એની સાથે મારી મમ્મીને, પપ્પાને, કાકા-કાકી, મામા-મામી, ફોઈ-ફુઆ કે દાદા-દાદીને કંઈ જ નિસ્બત નથી. તેઓ વેદને પ્રેમ કરે છે, આ શરીરને નહિ. હા, શરીરની અવગણના પણ નથી થતી. મારા શરીરની સંભાળ બાબતે તે સૌ જાગૃત છે. પણ હું વિકલાંગ હોત તો પણ મારી મમ્મી મને એટલું જ ચાહતી હોત જેટલું અત્યારે ચાહે છે. મેં તો પહેલેથી નક્કી કરી રાખ્યું છે કે, આદર્શ પરિવાર રચવામાં અને સમજણયાત્રામાં અમે એકબીજાનાં ઉપયોગી-પૂરક બની શકીએ તેવી છોકરી સાથે હું લગ્ન કરીશ. તો, આ શરીર પ્રત્યે મારે પાગલ ન જ બનવું જોઈએ.
વૈદેહીનો ચોટલો ગળામાંથી છોડીને હું ઊભો થયો. પેલી બાજુ પુલ દેખાય છે. અમે પુલથી ઘણાં દૂર તણાઈ આવ્યાં છીએ. અહીંથી થોડેક દૂર એક ઝાડના થડ સાથે આ દોરડાનો બીજો છેડો બાંધ્યો છે. અમને બચાવ્યા કોણે? પાઠક સાહેબે? એ તો શક્ય નથી લાગતું. હું દોડ્યો ત્યારે તેઓ પુલની પેલી બાજુ ઊભા હતા. તેમની પાસે દોરડું ક્યાંથી આવ્યું એ પણ પ્રશ્ન તો છે જ. ચાલો, દોરડું તો ક્યાંકથી મળ્યું હોય એમ ધારીએ. તો પણ પુલ પસાર કરીને દોરડું શોધીને આટલે સુધી આવીને આ ઝાડ સાથે બાંધીને નદીમાં ફેંકતા ઘણો સમય લાગે, જે આટલા સમયમાં કોઈ યુવાન વ્યક્તિ જ કરી શકે. ડૉક્ટર સાહેબ દોરડું ઝાડ સાથે બાંધીને પલાયન શા માટે થાય? જેણે દોરડું ફેંક્યું એ માણસ અમને બચાવ્યાનો યશ લેવા રોકાયો કેમ નહિ?
હું મારી બૅગ લઈ આવું. ડૉક્ટર સાહેબને બોલવી આવું. હું પુલ તરફ ચાલ્યો. ડાબી બાજુએ નદી વહી જાય છે. જમણી બાજુએ પર્વત છે અને વૃક્ષો છે. આ જંગલ અને પર્વતો વચ્ચે જ ક્યાંક ભમરાહ લપાઈને બેઠું છે. વૈદેહી અમને ત્યાં લઈ જશે. અમને એટલે મને અને પાઠક સાહેબને. વૈદેહી ભાનમાં આવે તે પહેલાં મારે તેની પાસે પહોંચી જવાનું છે. એવું કેમ? હા, કામ કરવું મહત્વનું નથી, કામ કર્યાનો યશ લેવો વધુ મહત્વનો છે, નહિ? લગભગ દરેક માણસ આ માન્યતામાં સપડાયેલો છે, હું પણ. એટલે જ જ્યારે કોઈ કામ નિષ્ફળ જાય છે ત્યારે આપણને કામ ન થયાનું દુઃખ નથી થતું, કીર્તિ પામવનો અવસર ચૂક્યાનું દુઃખ થાય છે. મારી આવી માનસિકતા યોગ્ય કહેવાય?
અલબત્ત, કોઈકે દોરડું ન નાખ્યું હોત તો વૈદેહીને બચાવનાર તરીકે નહિ, વૈદેહી સાથે ડૂબી મરનાર તરીકે મારું નામ આવત! હા, વૈદેહી ભાનમાં આવે એ પહેલાં તેની પાસે પહોંચી જવું જોઈએ. તેને બચાવ્યાનો યશ લેવા નહિ, તે ક્યાંક જતી ન રહે એ માટે. તે ભાનમાં આવે અને તેને એમ લાગે કે પોતે તણાતી તણાતી કિનારે આવી ગઈ અને બચી ગઈ. તે ચાલતી પકડે અને ક્યાંક જતી રહે તો મારે તેને ક્યાં શોધવી?
હું વૈદેહીના જીવનમાં અણધારી રીતે પ્રવેશી ગયો છું! અહીં એક મજાનો પ્રશ્ન એ પણ છે, હું વૈદેહીના જીવનમાં પ્રવેશ્યો છું કે તે મારા જીવનમાં પ્રવેશી છે? પ્રશ્નો તેની લાઈફમાં ઊભા થયા. મારે શું હતું? હું તો મજાથી જીવતો હતો. અત્યારે હું ડૂબી મરત તો? હું વૈદેહીને લીધે જ તો મારા જીવનમાં જોખમો લાવી રહ્યો છું. વૈદેહી મારા જીવનમાં અણધારી રીતે પ્રવેશી છે અને ધડાધડી કરી નાંખી છે. ખરું જોતાં તો અમે બંને એકબીજાનાં જીવનમાં અણધારી રીતે પ્રવેશ્યાં છીએ. વૈદેહીને તો એમ જ લાગશે કે વેદ અચાનક આવી પડ્યો. તો, આ બધી ‘લીલા’ આયોજક મહોદયની છે! આયોજકે જ મારા જીવનમાં વૈદેહીને અને વૈદેહીના જીવનમાં મને પ્રવેશ કરાવ્યો છે, અણધારી રીતે! હા, આયોજક હવે શું કરશે? હવે એ મને એકલો છોડી દેશે? તેણે મને અહીં સુધી પહોંચાડવાની જ જવાબદારી લીધી હતી?
પુલ પાસે પહોંચી ગયો છું. મારી બૅગ અહીં પડી છે! મેં તો પુલની પેલી તરફ બૅગ ઊતારી હતી. પાઠક સાહેબ લાવ્યા હશે. પણ એ ક્યાં ગયા? મારું જૅકેટ પણ અહિં પડ્યું છે. બૅગની ચેઈન થોડી ખુલ્લી છે. તેમાં એક કાગળ ભૂંગળુ વાળીને ભરાવ્યો છે. મેં કાગળ હાથમાં લીધો. જૅકેટ અંદર મૂકીને બૅગ ખભે ભરાવી. જૅકેટ હાથમાં પકડ્યું. કાગળ ખોલ્યો. ઝીણાં અક્ષરે ઘણું બધું લખેલું છે.... ગુજરાતીમાં લખેલું છે-
વેદ,
હું ડૉક્ટર પાઠક.
તેં વૈદેહીને બચાવી લીધી હશે. અભિનંદન!
વૈદેહીને બચાવવા માટે તું દોડ્યો પછી તારો સામાન લઈને હું પણ તારી પાછળ આવ્યો. તું નદીમાં પડ્યો પછી હું આ કાગળ લખવા બેઠો છું. પછી તારો સામાન અહીં મૂકીને હું ચાલ્યો જઈશ.
સવારનાં દશ વાગ્યાથી લઈને બપોરનાં લગભગ પોણાં બે સુધીનો સમય મેં તારી સાથે વીતાવ્યો. બહુ મજા આવી. તું ભલો છોકરો છે, વેદ. ડાહ્યો છે તું. તારી ભલાઈ મને પ્રભાવિત કરી ગઈ છે.
દોસ્ત, તારામાં ભલાઈનું પ્રમાણ ધારો કે એક્સ હોય, તો આયોજકમાં બુદ્ધિનું પ્રમાણ પાંચ એક્સ છે! એટલે, એવું નથી કે આયોજક ભલી વ્યક્તિ નથી! તેનો હેતુ ચોક્કસપણે સારો છે. હા, હું આયોજકના કહેવાથી જ તારી પાસે આવ્યો હતો. વાત વિગતે સમજાવું.....
આયોજકને અંદાજ હતો કે તું બ્યોહારી પહોંચીને હતાશ થઈ જઈશ. એટલે અમે- હું અને આયોજક પહેલેથી જ બ્યોહારી સ્ટેશન પર હાજર હતાં. તને એ અલગથી સમજાવવાની જરૂર નથી કે આયોજકનું અનુમાન સાચું પડેલું! આયોજકને તારા પર વિશ્વાસ હતો અને છે કે તું હિંમત નહિ હારે. પરંતુ, બ્યોહારી સ્ટેશન પર તારું વર્તન જોઈને અમને સમજાયું કે તને વધુ આઘાત લાગ્યો છે. તું આ હદે નિરાશ થઈ જઈશ એ ‘આયોજન’માં નહોતું. હવે આયોજકે ખૂબ જ ઝડપથી કોઈક ઉપાય શોધવાનો હતો. તેણે જોરદાર મગજ દોડાવ્યું! મૂળ આયોજનમાં સહેજ પણ ફેરફાર ન થાય તેવો ઉપાય તેણે વિચાર્યો હતો. તેણે મને તારી પાસે મોકલવાનું નક્કી કર્યું. તેણે મને સમજાવ્યું-
‘હવે તમારે વેદ પાસે જવું પડશે. તમે તેની સાથે ગુજરાતીમાં વાત કરજો. તે ખુશ થઈ જશે. તમે ડાહ્યા માણસની જેમ વર્તન ન કરતાં, તમે ઓરિજીનલ સ્વભાવ સાથે જ વેદ સમક્ષ વ્યક્ત થજો. વળી, તમે ભૌતિકવિજ્ઞાનના વિદ્વાન છો. એમાં શંકાને કોઈ સ્થાન નથી કે વેદને તમારી સોબત ગમશે! તમે તેને બ્યોહારીથી ભમરાહ સુધી લઈ જાઓ. વેદને ત્યાં પોણાં બે વાગ્યે પહોંચાડવાનો છે એ તમે જાણો છો. જરાય વહેલું-મોડું નહિ ચાલે. જો મોડું થતું લાગે તો ઉતાવળ કરાવજો અને જો વહેલું લાગે તો થાક ખાવાને બહાને સમય કાઢતાં રહેજો.’
વધુમાં તેણે મને સમજાવ્યું-
‘હા, આપણે એક ગપ્પું મારવાનું છે. તમારે ત્યાં એક પરબીડિયું આવ્યું હતું. મોટું પરબીડિયું હતું. તેમાંથી પાંચ વસ્તુઓ નીકળી. તેમાં જણાવ્યું હતું કે તમને વૈદેહીની મદદ માટે ભમરાહ બોલાવ્યા છે. તેમાં ટ્રેનની ટિકિટ પણ હતી અને ચા-નાસ્તાનાં રૂપિયા પણ. તમે કાલુપુરથી ટ્રેનમાં બેઠાં. રાત્રે ટી.સી. આવ્યા. તમે ટ્રેન વિશે કંઈક પૂછ્યું. ટી.સી.એ ગુસ્સે થઈને જણાવ્યું કે ટ્રેન બ્યોહારી નથી જતી. ટી.સી.એ એવું પણ કહ્યું કે હમણાં એક છોકરો પણ આવું જ પૂછતો હતો. તમે ગભરાયા. મોઢું ધોવા ગયા. એક છોકરી આવી. તેણે બુરખો પહેર્યો હતો. તેણે તમને બેભાન કરવાનો પ્રયત્ન કર્યો. તમે તેની સામે લડ્યા. તમારું કંઈ ચાલ્યું નહિ. તમે બેભાન થયાં. સવારે તમે ટ્રેનમાં જ હતાં. તમારો મોબાઈલ અને સામાન ગાયબ હતો. એક સ્ટેશન પર તમે નીચે ઊતર્યા અને જોયું કે બ્યોહારી આવી ગયું હતું. સમાન સમસ્યામાં ફસાયેલાં તરત જ મિત્ર બની જાય છે, પાઠક સાહેબ! આપણે એ જ સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો છે. વેદ તમારા પર શંકા નહિ જ કરે. હા, વેદ ઘરે જવાની જીદ કરે તો કહેજો કે આયોજક તેને પાછો નહિ જવા દે. વેદ સાથે વાતો કરતી વખતે એ ધ્યાન રાખજો કે ઓ.ડી.આઈ. અથવા એ.એમ.ઓ. અથવા એમ.એમ. વિશે કંઈ બોલી ન જવાય. વેદને એ બધાં વિશે અત્યારથી નથી જણાવવાનું. વેદ મેર્વિનાને નથી ઓળખતો એ પણ ધ્યાનમાં રાખજો. હા, લો આ બેન્ડ-એઈડ અને વેદને ધ્યાનમાં આવે એવી જગ્યાએ લગાવી દો. તમને રાત્રે પેલી છોકરીએ માર્યાં હતાં ને! જાઓ, બેસ્ટ ઓફ લક!’
અને હું તારી પાસે આવી ગયો, વેદ. તો, તું ભમરાહ પહોંચી ગયો. તેં વૈદેહીને બચાવી લીધી. હવે મારી જવાબદારી પૂરી થાય છે. હું નીકળું.....
હા, તું એવું ન માનતો કે મેં તને છેતર્યો છે. આમ તો.... મેં તને છેતર્યો જ છે! પણ દોસ્ત, મારો હેતુ સારો છે. આયોજક જે કરે છે એ કામ ખૂબ જ ઉમદા છે, ખૂબ જ અગત્યનું કામ છે એ. મેં મારી શક્તિ મુજબ એ મહાન કાર્યમાં યોગદાન કર્યું છે.
વેદ, તારે ઘણું મહત્વનું કાર્ય કરવાનું છે. હિંમત ન હારતો, દોસ્ત. હજી તો તું ભમરાહ પહોંચ્યો છે. મૂળ વાત તો હવે શરૂ થવાની છે!
વિશ યુ ઓલ ધ બેસ્ટ, વેદ!
ડૉ.પાઠક
મારે ખુશ થવું જોઈએ કે રડવું જોઈએ કે ગુસ્સે થવું જોઈએ કે...... શું, યાર?
હું અત્યારે કેવી લાગણી અનુભવી રહ્યો છું? મને જ નથી સમજાતું!
જો એ આયોજક અત્યારે સામે આવી જાય ને....... .....તો શું?.... .... કાં તો તેનું ગળું દબાવી દઈશ કાં તો તેનાં પગમાં પડી જઈશ!
હાથમાં રહેલો કાગળ ફાડવા માંડ્યો. નાનાં-નાનાં કટકાં કરીને નાંખ્યાં નદીમાં......
વૈદેહી તરફ ચાલવા લાગ્યો.
અનામી પત્ર, પપ્પાનું રહસ્યમય વર્તન, અવની, બુરખવાળી, ટ્રેન બદલાઈ જવી અને ડૉ.પાઠક..... ઓહ! આ બધું સમજવા માટે, સામાન્ય જીવન જીવવાર્થે ઘડાયેલું, મારું મગજ નાનું પડે છે! મને પોતાને જ ખબર નથી કે હું ભમરાહ કઈ રીતે પહોંચ્યો!
પણ..... આ બધું વિચારવું જરૂરી છે? આયોજક કોણ છે એ ન ખબર હોય તો શું વાંધો? હું આયોજન જાણતો ન હોઉં તો શું વાંધો? આમેય, વિચારવાથી તો મને આયોજક કે આયોજન વિશે જાણ નથી થઈ જવાની! તો પછી હું શું કામ આ બધું વારંવાર વિચાર્યે રાખું છું? હાલ પૂરતું એ બધું બાજુમાં મૂકી દઉં. એ બધી ઘટનાઓને ‘ગેબી ભૂતકાળ’ માનીને ભૂલી જઉં. એ પ્રશ્નોના જવાબ મળાવાનાં હશે ત્યારે મળશે. અત્યારે પણ એ જ પ્રશ્નો મનમાં ઘૂમરાશે તો વર્તમાન પર ધ્યાન નહિ આપી શકાય. હા, મારે વર્તમાન પર ધ્યાન આપવું જોઈએ. મારે વૈદેહીની સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ. હં...... આયોજક જાય તેલ લેવા!
ડાબી બાજુએ કંઈક અવાજ થયો. હું અટક્યો. તે તરફ ફર્યો. કેટલાંક માણસો આ તરફ આવી રહ્યાં છે. વધારે નથી..... એક, બે, ત્રણ અને ચાર જણ છે. ચારેયના હાથમાં લાકડી છે. મારી સામે આવીને ઊભાં રહ્યાં. જાણે હું પરગ્રહવાસી હોઉં એમ તેઓ મને તાકી રહ્યાં છે. એક માણસ આગળ ઊભો છે અને બાકીના ત્રણ તેની પાછળ છે. તે ત્રણેય મજબૂત બાંધાના માણસો છે. આગળ ઊભેલો માણસ ફાંદાળો છે. આગળ ઊભો છે તેણે લાકડી સહજતાથી નથી પકડી. પાછળ ઊભેલાં ત્રણેય માટે તો જાણે લાકડી તેમનાં શરીરનું એક અંગ બની ગઈ છે. તે ત્રણેયની આંખો લાલ છે. કદાચ, તેમની આંખો હંમેશા લાલ જ રહેતી હશે. તેમણે સાદાં પેન્ટ-શર્ટ પહેર્યાં છે. આગળ ઊભો છે તેણે સફારી પહેરી છે.
આ લોકો મને મારવા માંડશે તો અઠવાડિયાનો ખાટલો પાક્કો! ને એ પછી પણ દુઃખાવો તો મહિના સુધી રહેવાનો! પણ આ લોકો મને શું કામ મારે? હું ક્યાં તેમને કોઈને...... અત્યાર સુધી તો બધું અણધાર્યું જ બન્યું છે... શું કરવા આવ્યાં છે આ લોકો?
“તોહિ પરથમ બૈર કી દેખે હૈ.” આગળ ઊભેલો માણસ બોલ્યો.
હું એમ જ ઊભો રહ્યો. અલબત્ત, તે શું બોલ્યો એ મને સમજાયું! પણ તેણે કોઈ પ્રશ્ન નથી પૂછ્યો કે હું જવાબ આપું! કંડક્ટરે કહ્યું હતું કે અહીં અમુક પરિવારો બુંદેલખંડી બોલી બોલે છે. આ સાંભળી પણ લીધી.
“કો આહા તુમ?” તેણે પૂછ્યું.
“વેદ નામ હૈ મેરા.”
“કાંહ સે આય હા?”
“ગુજરાત સે આયા હું.
“ક્યોં?” તેણે નવાઈ સાથે પૂછ્યું.
“ઘૂમને.”
તે મારી સામે તાકી રહ્યો. મારાં કપડાં હજી સહેજ ભીનાં છે. તે મારા કપડાં જોઈ રહ્યો.
“નદી મેં કૂદા થા.” એ કંઈ પૂછે એ પહેલાં જ મેં કહ્યું- “ઘૂમને આયા હું તો મજે લેને મેં કુછ બાકી ક્યોં છોડું?”
તેનાં આશ્ચર્યમાં વધારો થયો.
“શેઠ...” પાછળ ઊભેલો એક બોલ્યો.
“હં...” મારી સામે ઊભેલાએ હંકારો ભણ્યો.
“અબ મુદ્દે કી બાત કરન ચાહી.”
શેઠે લાકડી ખભા પર ટેકવી. શર્ટના ખીસામાંથી એક ફોટો કાઢ્યો. એ ફોટો મારી સામે ધરીને તે બોલ્યો-
“ઇ બિટીયા કો કહીં દેખે હૈ?”
મેં ફોટો જોયો..... વૈદેહી! હું મૂંઝાયો. સાચું કહું કે ખોટું? આ લોકો વૈદેહીના દુશ્મનો છે કે હિતેચ્છુઓ? આ લોકો વૈદેહીના દુશ્મનો હોય તો મારે સાચું ન કહેવું જોઈએ અને જો આ લોકો વૈદેહીના હિતેચ્છુઓ હોય તો મારે ખોટું ન કહેવું જોઈએ.
“ઈ લરકી કો પહચાને હૈ તુ?” તેણે પૂછ્યું.
હું હજી કંઈ નિર્ણય નથી લઈ શકતો. મારું મૌન શેઠને છંછેડી રહ્યું છે. તે મારી નજીક આવ્યો. તેનો ચહેરો ગુસ્સાથી લાલ થવા લાગ્યો છે. તેણે મારું નીચેનું જડબું પકડ્યું અને આમતેમ હલાવ્યું. તેણે ઘેરા અવાજે પૂછ્યું-
“કીધર હૈ બૈદેહી?”
“કોન બૈદેહી?” મેં નિર્ણય કરી લીધો છે- “આપ ફોટો વાલી લડકી કો ઢૂંઢ રહે હો યા બૈદેહી કો?”
શેઠ જે રીતે મને વૈદેહી વિશે પૂછી રહ્યો છે એ પરથી મને સ્પષ્ટ થયું કે આ લોકો વૈદેહીના હિતેચ્છુઓ તો નથી જ. મારા પ્રત્યુત્તરથી શેઠ ચોંક્યો. તેણે હાથ મારા ચહેરા પરથી લઈ લીધો અને એક ડગલું પાછળ ખસ્યો. તેના ચહેરા પર વિચિત્ર રેખાઓ ઉપસી આવી. હું બોલ્યો એ સાચું છે કે ખોટું એ વિશે તે વિચારી રહ્યો છે. મારે હવે શું કરવું જોઈએ? આ શેઠ એકલો હોત તો હું અહીંથી ભાગી જાત. પણ પાછળ ઊભાં છે એ ડાઘિયાઓની બીક લાગે છે! લાકડીના એક પ્રહારથી મારા કોઈ અંગનું ફ્રેક્ચર કરી નાંખવાની શક્તિ તે ત્રણેયમાં છે. એ ત્રણેય શેઠના હુકમની રાહ જોતાં ઊભાં છે. મેં ફરી શેઠ તરફ જોયું. જાણે નિર્ણય લેવાઈ ગયો હોય તેમ એ આગળ આવ્યો. તે ખૂબ જ ઝડપથી આગળ આવ્યો અને મને એક લાફો ઠોકી દીધો-
“ના પહચાને હૈ બૈદેહી કો? ઉસકી ફોટુ દેખ ચૌંકા ક્યોં?” આ ડાઘિયાં ન ઊભા હોત તો આ શેઠની ફાંદ પર ચાર-પાંચ મુક્કા લગાવી દીધા હોત!
“કીધર હૈ બૈદેહી?” તેણે પૂછ્યું.
“જાન દે ઉસે....” અજાણ્યો અવાજ.
સૌનું ધ્યાન અવાજના ઉદ્ગમ તરફ ગયું. આ વાક્ય બોલનાર બીજું કોઈ નહિ પણ..... સ્વયં વૈદેહી.
જ્યારે ‘જાન દે ઉસે’ સાંભળ્યું ત્યારે લાગ્યું હતું કે રુઆબભેર કોઈક બોલ્યું. વૈદેહીને જોઈ ત્યારે તેના ચહેરા પરની ઉદાસીનતા જોઈને ખ્યાલ આવ્યો કે નિરાશાથી છલકાતા સ્વરે તે બોલી હતી. અહીંથી પંદરેક ડગલાં દૂર તે ઊભી છે. તેને જોઈને તરત જ શેઠ અને ત્રણેય પહેલવાન તે તરફ ઉપડ્યાં. વૈદેહી એમ જ ઊભી રહી. આ લોકો વૈદેહીને શું કરશે? હું દોડ્યો. તે ત્રણેયની આગળ થઈ ગયો. વૈદેહીથી બે ડગલાં દૂર આવીને ઊભો રહ્યો. પેલાં ત્રણેય તરફ ફરીને, બંને હાથ પહોળાં કરીને બોલ્યો-
“રુક જાઓ. ઈસે કુછ મત કરના.”
તેઓ અટક્યાં. મારાથી ડર્યાં? ના! ત્રણમાંના બે આગળ આવ્યાં અને મારા ફેલાયેલાં હાથ પકડ્યાં.
“ક્યા હૈ? વૈદેહી કો કુછ મત કરના.”
“અરે, હટ બીચમ સે.” શેઠ બોલ્યો.
આ બંને મને ચાર-પાંચ ડગલાં દૂર ખેંચી ગયા. મને બાવડેથી પકડીને ઊભા રહ્યાં. મેં વૈદેહી સામે જોયું. તે ત્રાંસી નજરે મારી સામે જોઈ રહી છે. તેના કપડાં હજી ભીનાં છે. અમને નદીમાંથી બહાર નીકળ્યે વધુ સમય નથી થયો. વૈદેહી મારી સામે જોઈ રહી છે. તેની દ્રષ્ટિમાં કયો ભાવ છે તે કળી શકાતું નથી. મારા પરથી તેની નજર ખસી અને શેઠ પર મંડાણી.
પોતાની લાકડી ત્રીજા માણસને આપીને શેઠ વૈદેહી પાસે ગયો. શેઠ ત્રણેક સેકન્ડ સુધી વૈદેહી સામે તાકી રહ્યો. સહેજ નમીને વૈદેહીનો હાથ કાંડામાંથી પકડ્યો. વૈદેહી હાથ છોડાવવા માટે મથવા માંડી. શેઠ વટથી બોલ્યો-
“કબ તક ભગેગી, હાં?”
“જાન દે હમહિ, જાન દે.” વૈદેહી રડમસ અવાજે બોલી.
“ઐસે નાહિ જાન દેંગ તોહિ.” બોલીને શેઠ ખંધુ હસ્યો.
“કાહે પીછા પડે હૈ હમરી?” વૈદેહી એવા જ રડમસ અવાજે બોલી રહી છે- “છોડ હમહિ.”
વૈદેહીની આંખો ભીની થવા લાગી છે. તે શેઠની પકડમાંથી હાથ છોડાવવાનો પ્રયત્ન કરી છે. શેઠ અભિમાનભર્યું હાસ્ય વેરી રહ્યો છે. આ બે પહેલવાનોએ મને પકડી રાખ્યો છે અને ત્રીજો ત્યાં દૂર ઊભો છે.
“નાટક ના કર, બિટીયા.” શેઠ બોલ્યો- “પતા હૈ ના તોહિ? હાં, પીછે પડૈ કા ઇરાદા પતા હૈ તોહિ.” થોડું અટકીને શેઠ બોલ્યો- “હમહિ વાપસ કર દી વો.”
“હમહિ પતા નૈ હૈ.”
“દેખ બૈદેહી, દિમાગ ન હટા.” શેઠ હવે ગુસ્સે થઈ રહ્યો છે- “પૂછ પૂછ કા થક ગયઈ હૈ અબ. જાનત હૈ હમ કી તોર અમ્મા જરૂર બતાયઈ હોગી તોહિ.”
શાંતિ. શેઠ વૈદેહીનો હાથ છોડીને આમથી તેમ આંટા મારવા લાગ્યો. તે કંઈક વિચારી રહ્યો છે. વૈદેહી એમ જ સ્થિર ઊભી રહી છે. તે નીચું તાકીને ઊભી છે. શેઠ વૈદેહીની સામે આવીને અટક્યો. બોલ્યો-
“એ મત ભૂલ કી તુ એક ખૂબસુરત લરકી હૈ ઔર મૈં આદમી હું. તૌર બ્યાહ હુયઇ નહિ હૈ અબૈ તક.”
માથુ ઉચક્યા વિના જ વૈદેહીએ નજર શેઠ સામે કરી. શેઠ આગળ બોલ્યો-
“પર ઈ ઘડી તક તોર હાથ પકડઈ કે ઈલાવા હમ કોછુ બૂરા નઈ કરહી હૈ. સીધી તરાઅ સે વાપસ કર દી, બૈદેહી.”
શેઠ વૈદેહીની નજીક સરક્યો. એક હાથ હડપચી નીચે ગોઠવીને વૈદેહીનો ચહેરો સહેજ ઊંચો કર્યો. વૈદેહીએ ગુસ્સાથી હોઠ ભીંસ્યા. આંખો બંધ કરીને શેઠે ઊંડો શ્વાસ ખેંચ્યો. આંખો ખોલીને લોલુપતાભર્યા સ્વરે બોલ્યો-
“પરીશાન કરઈ હૈ તુ હમહિ. બહુતઈ સુંદર હૈ તુ. વો વાપસ નઈ કરન ચાહિ તુ? કોછુ નાહિ. રખ લીયે તુ. બદલામેં પિયાસ બુઝા દે હમ-”
શેઠ વાક્ય પૂરું કરે એ પહેલાં જ વૈદેહીએ કચકચાવીને એક તમાચો તેને માર્યો. શેઠ એ ગાલ પર હાથ મુકીને ઊભો રહ્યો. જાણે ગુસ્સો દબાવી રાખવાનો પ્રયત્ન કરતો હોય તેમ તેણે આંખો બંધ કરી. આજુબાજુના વૃક્ષો પર બેઠેલાં પંખીઓ ડરી જાય તેટલાં ઊંચા અવાજે, આખું શરીર ખેંચાઈ જાય તેટલી બૂમો પાડતી વૈદેહી બોલી-
“કૈ બૈર કી બતાયઈ, હમહિ પતા નૈ હૈ, નૈ હૈ પતા કોછુ. જાઓ આંહ સે, ની-”
સખત જોરથી શેઠે વૈદેહીને લાફો ઠોક્યો. વૈદેહી એક લથડિયું ખાઈને નીચે બેસી પડી.
“લડકી પર હાથ ઉઠાતા હૈ નીચ....” હું બરાડ્યો.
“તેરી તો....” કહેતો તે ઝડપથી મારી નજીક આવ્યો. મને પણ લાફો માર્યો અને બોલ્યો-
“અબ કોછુ બોલા તો કાટ કે નદીયમ ફૈંક દેંગ, સમજા?”
હવે વૈદેહી ચોધાર રડવા લાગી. રડતાં રડતાં તે બોલી રહી છે-
“ચૈન સે જીયન દે હમહિ, જીયન દે ચૈન સે. કૈ બૈર કી બતાયઈ તોહિ, પતા નૈ હૈ હમહિ....”
શેઠ પાછો વૈદેહી પાસે ગયો. બંને બાવડેથી પકડીને વૈદેહીને ઊભી કરી અને ધૂણાવી-
“નાટક ન કરી અબ. વાપસ ચાહિ હમહિ વો.”
“અબ પીછા છોડ હમહિ.... વરના....” વૈદેહી રડી રહી છે.
“વરના ક્યા? હાં?”
“હમ નદીયમ કૂદ કે મર જાબ.”
શેઠને જાણે ધક્કો લાગ્યો હોય એમ વૈદેહીને છોડીને તે એક ફૂટ પાછો ખસી ગયો. વૈદેહી એમ જ ઊભી રહી. શેઠ હવે બરાબર અકળાયો છે. ડાબા હાથની હઠેળીમાં જમણા હાથની મુઠ્ઠી પછાડીને બોલ્યો-
“કા કરી ઈસ લરકી કા?”
પરિસ્થિતિ બગડતી જાય છે. એટલું તો સ્પષ્ટ છે કે શેઠ વૈદેહી પાસેથી કંઈક પાછું માંગે છે, જે વૈદેહીના મમ્મીએ શેઠ પાસેથી લીધું હશે. વૈદેહીને એ વસ્તુ વિશે ખબર નથી અથવા તો વૈદેહી એ વસ્તુ પાછી આપવા માંગતી નથી. શેઠ તો એમ જ માને છે કે વૈદેહી ખોટું બોલી રહી છે. તે માને છે કે વૈદેહી એ વસ્તુ પચાવી પાડવા માંગે છે. સત્ય શું છે એ તો મને ક્યાંથી ખબર હોય? પણ વૈદેહીની મક્કમતા જોઈને એટલું તો હું કહી શકું છું કે શેઠને વૈદેહી પાસેથી એ વસ્તુ હાલ તો નથી જ મળવાની.
શું આ જ વૈદેહીની સમસ્યા છે? સાવ આટલી અમથી વાત? એ જે હોય તે, હાલ તો પરિસ્થિતિ કાબુમાં લેવી પડશે. પણ હું કરું શું?
“મૈં લોટા દૂંગા.” મેં ધડાકો કર્યો.
ઉપસ્થિત સૌ કોઈ મારી સામે ભારોભાર આશ્ચર્ય સાથે જોઈ રહ્યાં. શેઠ મારી નજીક આવ્યો. કમરે હાથ રાખીને ઊભો રહ્યો. થોડીવાર પછી પૂછ્યું-
“તુ?”
“આજ શામ તક લોટા દૂંગા.” જરા અચકાતો અચકાતો હું બોલતો રહ્યો- “મૈં યહાં ઘૂમને નહિ આયા હું. વૈદેહી કી મદદ કરને આયા હું.”
“સચમેં?” શેઠે પૂછ્યું.
“મૈં નદીમેં કૂદા થા ના? મજે લેને કે લિયે નહિ કૂદા થા.”
“તો?” શેઠ વચ્ચે પ્રશ્નો કરતો રહે છે.
“વૈદેહી કૂદ ગઈ થીનદીમેં. મૈં ઉસે બચાને કે લિયે કૂદા થા. દેખો, ઉસકે કપડે ભી ગીલે હૈ કિ નહી?”
શેઠ ચમક્યો. મેં વૈદેહી સામે જોયું. તે મારી સામે નહિ, નીચું તાકી રહી છે. તેને મારી આ વાતથી કંઈ ફરક નથી પડ્યો? શેઠ તેની પાસે ગયો. બોલ્યો- “યે લરકા કૌનુ ભી હો, હમહિ મતલબ નાહિ. હમહિ વો વાપસ ચાહિ.”
જરા અટકીને તે બોલ્યો-
“અગાર આજ શામ તક નહિ લૌટાયઈ ના, તો મરૈ કે લિયે નદીયમ્કૂદૈ કા જરૂર નાહિ, હમૈન ઉપર ભેજ દેંગ તોહિ, સમજી? શામ છે બજે તોર ઘર આયેંગ. તોર ”
વૈદેહી નીચું તાકી રહી.
“ચલો રે!” કહેતો શેઠ ઉપડ્યો.
આ બંનેએ મને છોડ્યો. રણભૂમિમાં જીતેલો યોદ્ધા પરાજિત યોદ્ધા સામે જે અભિમાનભરી નજર નાંખે તે રીતે તેમણે મને જોયો અને ચાલતાં થયાં. એ ટોળી ઝાડવા વચ્ચે અદ્રશ્ય થઈ ત્યાં સુધી હું અને વૈદેહી તે તરફ જોતાં રહ્યાં. પછી મેં વૈદેહી સામે જોયું. તેણે હાથથી આંસુ લૂછ્યાં. ઊભી થઈ. ચાલતી થઈ! મારી સામે નજર પણ ન કરી?
“વૈદેહી....” હું તેની પાછળ દોડ્યો.
તે અટકી. અવળી ફરી. હું તેની સામે ઊભો રહ્યો. અનાયાસ જ તેના આખાય શરીર પર નજર ફરી ગઈ. તે પ્રશ્નાર્થ નજરે મારી સામે જોઈ રહી છે. બે-ચાર સેકન્ડ સુધી હું કંઈ બોલી ન શક્યો. જીવતી-જાગતી વૈદેહીને મારી સામે ઊભેલી જોઈને શબ્દો ભૂલી ગયો? ના વેદ, ના. આવું ન થવું જોઈએ. મેં શરૂઆત કરી-
“મૈં વેદ.....”
“..........”વૈદેહી ચૂપ રહી.
“ગુજરાત સે આયા હું......”
“..........”
“.......તુમ્હારી મદદ કરને.”
“..........”
“તુમ ચૂપ ક્યોં હો?”
“..........”
“તુમ ગૂંગી તો નહિ હો. મૈંને અભી અભી તુમ્હે બોલતે સુના હૈ!”
તેણે આંખ બંધ કરીને નિઃસાસો નાંખ્યો. આંખ ખોલી અને અવળી ફરવા ગઈ.... મેં તેના ખભા પર હાથ મૂકીને તેને રોકી-
“રુકો! કુછ તો બતાઓ!”
તે પોતાના ખભા પર મુકાયેલા મારા હાથ સામે જોઈ રહી. મેં હાથ તેના ખભા પરથી પાછો ખેંચી લીધો. તેણે મારી આંખોમાં આંખ પરોવી. ધીમા સ્વરે બોલી-
“હમહિ તોર મદત ના ચાહિ.”
હું કોઈ નકારાત્મક પ્રતિભાવ આપું એ પહેલાં તે અવળી ફરી ગઈ અને ચાલવા લાગી. પાછળ જોયા વિના, ચાલતી-ચાલતી તે બોલી-
“કૌનો કી મદત ના ચાહિ.”
વૈદેહી પુલ તરફ ચાલી રહી છે. મને ગુસ્સો આવ્યો. હું તેની પાછળ ચાલવા લાગ્યો-
“તો ફિર પુલ કી ઔર ક્યોં જા રહી હો, મૅડમ? યહીં સે નદીમેં કૂદ જાઓ ના? મરને કે અલાવા કરોંગી ભી ક્યા? ક્યા કરોંગી? સહી બતા રહી થી તુમ. મરને કે લિયે કૌનો કી મદત જરૂરી નહિ!”
તે અટકી. અવળી ફરી. હું તેની સામે જઈને ઊભો રહ્યો. હું ગુસ્સાથી ધમધમી રહ્યો છું. હવે ગુજરાતી પર આવી ગયો-
“હું કંઈ ફરવા નથી આવ્યો ભમરાહમાં. તારા માટે જ તો આવ્યો છું. યાત્રા કેટલી ભયાનક રહી ખબર છે તને?”
“એ પત્ર મેં મોકલ્યો હતો?” તે પણ ગુસ્સે થઈને બોલવા લાગી- “મેં બોલાવ્યો હતો તને? કેમ હેરાન થયો? મેં કહ્યું હતું કે ગમે તે ભોગે ભમરાહ આવજે? મેં કહ્યું હતું મને ડૂબતી બચાવજે? કેમ બચાવી મને?”
મને આઘાત લાગ્યો. ચૂપ થઈ ગયો હું. તે બકતી રહી-
“ક્યા લગતા હૈ તુ મેરા? ક્યોં તેરી મદદ માંગુ મેં? ક્યોં મરને નહિ દીયા મુઝે? ચલા જા વાપ-”
સટાક......
મેં જોરથી તેને એક લાફો વળગાળ્યો.....
તેનું માથુ એક તરફ ફરી ગયું. તે ચૂપ થઈ ગઈ. તેના સુંવાળા ગાલ પર મારાં આંગળાંની લાલ છાપ ઉપસી આવી. તે એમ જ સ્થિર રહી. આંખો મીંચી. બંધ આંખોમાંથી આંસુ વહ્યાં. છાતી ફૂલી. એક નિઃસાસો નખાયો. પગ કપાઈ ગયાં હોય તેમ એ ફસડાઈ પડી. ડૂસકાં...... અશ્રુઓ........ ત્રુટક-ત્રુટક શબ્દો-
“કા કરી હમ? એ સબૈન કા હોત હૈ હમરી સાથ? કાહે હમરી સાથ હી?”
હું નીચે બેઠો. તેના ખભા પર હાથ મૂકીને મૃદુ સ્વરે બોલ્યો-
“રડીશ નહિ, વૈદેહી! બધું બરાબર થઈ જશે.....”
“કા હોત હૈ સબૈન? કા કરી? કોછુ સમજ મેં નાહિ આવે..... કોચ્છુ નાહિ.....”
મેં તેની પીઠ પસવારી. બોલ્યો-
“હિંમત રાખ, વૈદેહી. બધું વ્યવસ્થિત થઈ જશે.”
ને તે મને વળગી પડી...... મને ભેટીને રડતી રહી.... હું તેની પીઠ પસવારતો રહ્યો...... “બસ, શાંત થઈ જા....” બોલતો રહ્યો......
એકાદ મિનિટ વીતી.
તે છૂટી પડી. મને ભેટ્યાનો સંકોચ તે અનુભવી રહી છે. બંને હાથે તેણે આંસુ લૂછ્યાં. મારી સામે જોયા વિના તે બોલી-
“આઈ.... આઈ એમ સોરી!”
હું ઊભો થયો. તેના સોરીનો શું જવાબ આપવો એ સૂઝ્યું નહિ. તે ઊભી થઈ. મારી સામે નથી જોતી. તે પુલ તરફ ચાલતી થઈ. હું અહીં જ ઊભો રહ્યો. તેને જતી જોઈ રહ્યો. તે અટકી. માથુ સહેજ પાછળ ફેરવીને બોલી-
“ચાલ!”
હું તેની સાથે પુલ તરફ ચાલ્યો. અમે એકબીજાથી ત્રણેક ફૂટ દૂર ચાલી રહ્યાં છીએ. બંને મૌન છીએ. હવે હું તેની સામે જોવામાં સંકોચ અનુભવું છું. હું તેની સામે જોતો જ નથી. તે પણ મારી સામે નહિ જોતી હોય. અમે બંને યુવાન છીએ અને આ અમારી પ્રથમ મુલાકાત છે. પ્રથમ મુલાકાતમાં જ અમારી વચ્ચે વિવાદ થયો અને મેં તેને લાફો મારી દીધો. તે રડી. અલબત્ત, મેં લાફો માર્યો એટલે એ નહોતી રડી! અત્યાર સુધી દબાવી રખાયેલું તેનું દુઃખ બહાર ઊભરાઈ આવ્યું હતું. હા, પ્રથમ મુલાકાતમાં જ તે મને ભેટી પડી અને મેં તેને આશ્વાસન આપ્યું. મુલાકાત સંવેદનશીલ રહી. પરંતુ, હું વૈદેહીની જગ્યાએ હોત તો? એ વિચારવું અઘરું છે. છોકરીઓની દ્રષ્ટિથી હું કઈ રીતે વિચારી શકું? અરે, આ પણ વિચારવા લાયક મુદ્દો છે- શરીરની જાતિ બદલાય એમાં વિચારવાની કે દુનિયાને જોવાની દ્રષ્ટિ કેમ બદલાઈ જાય? એવું થવું યોગ્ય છે?
પુલ આવી ગયો છે. છેક પુલ પર જવાને બદલે વૈદેહી અહીં જ એક ઝાડ નીચે બેઠી. ઝાડ ઘટાદાર છે. વૈદેહીથી થોડે દૂર હું બેઠો. પવન અને સૂર્યના તાપની સંયુક્ત અસરથી ભેજમુક્ત બનેલી વાદળી રંગની અનારકલી કુર્તીનો બે-અઢી ઈંચના સોનેરી પટ્ટામાં લાલ રંગનાં ફૂલો બનાવતાં ભરતકામથી સુશોભિત ઘેર સંપૂર્ણ વર્તુળાકારે પથરાય, એ વર્તુળના કેન્દ્રમાં પોતે રહે અને પગ વર્તુળાકારે પથરાયેલા ઘેરની નીચે ઢંકાઈ જાય તેમ વૈદેહી બેઠી છે. લાલ રંગની, બટન વગરની, લાલ પૃષ્ઠભૂમિમાં કાળાં રંગનાં ઝીણાં ટપકાં ધરાવતી અને પાંસળીઓના પિંજરાના આકારની કોટી ટટ્ટાર બેઠેલી વૈદેહીના વક્ષઃસ્થળને વધુ આકર્ષક બનાવે છે.
તેણે ગાવાનું શરૂ કર્યું!.... આ......આ.....
આ શું રાગડા તાણી રહી છે?
સંગીત સાથે મારે ન્હાવા-નીચોવાનોય સંબંધ નથી. હા, અમુક પ્રકારનાં ગીતો સાંભળવા ગમે છે. પણ શાસ્ત્રીય સંગીતની ખાસ જાણકારી નથી. વૈદેહી જે ગાઈ રહી છે તે કદાચ શાસ્ત્રીય સંગીત જ હશે. હા, મારો એક મિત્ર શાસ્ત્રીય સંગીતમાં રસ ધરાવે છે. તે તબલાવાદક છે. એ મને જાતજાતનાં શસ્ત્રીય ગીતો સંભળવે છે અને સંગીતનું શાસ્ત્ર સમજાવવાના પ્રયત્નો કરે છે. એવું નથી કે હું એ બધું સમજી ન શકું. મારે સમજવું નથી હોતું. એમ થાય છે કે સંગીત શીખીને હું શું કરું? કોઈ વિદ્વાન સંગીતકાર તો કેટલું વિશ્ર્લેષણ કરે ...... આ સૂર બરાબર નહોતો, અહીં લયમાં ગરબડ કરી, આ આફ્ટર-બીટ ઉપાડવાનું છે, અહીંયા તાલ ચૂક્યા, આ બિફોર-બીટ છે,.... ! મને જો વિશ્ર્લેષણ કરવાનું કહેવામાં આવે તો આપણે તો ‘વાહ, ક્યા બાત હૈ!’ અથવા ‘જોઈએ એવી મજા ના આવી, યાર!’ સિવાય કોઈ ઝાઝી માથાકૂટ કરવાની જ નહિ!
વૈદેહી સારું ગાઈ રહી છે કે ખરાબ એ તો આપણને ખબર ન પડે પણ મજા આવે છે સાંભળવાની! ગોકુળની ગાયોને ચરાવવા નીકળેલા કનૈયાની વાંસળીમાંથી રેલાતાં મધુર નાદ જેવા વૈદેહીના અવાજથી હું અભિભૂત થઈ ગયો છું. વૈદેહી પણ ગાવામાં તલ્લીન થઈ ગઈ છે.
થોડીવાર પછી તેણે ગાવાનું બંધ કર્યું. હું જાણે દૂર-દૂરનાં કોઈ અગોચર વિશ્વમાંથી પાછો ફર્યો. વૈદેહી સામે જોયું. તેનાં ચહેરા પર આછું સ્મિત છે. તે હવે ઉદાસ નથી લાગતી. તેણે મને જોયો. સહેજ મલકીને તે બોલી-
“વેદ, મજામાં ને?”
લ્લે..... આ શું થઈ ગયું આને?
“વેદ, મજામાં નથી લાગતો તું તો!”
“હેં.... હા... ના, કમ્પ્લેટ મજામાં છું!”
“મારામાં અચાનક આવેલાં પરિવર્તનથી ચોંકી ગયો?”
વાત તો સાચી છે તેની. તેનામાં અચાનક આવેલાં પરિવર્તનથી મને નવાઈ લાગી છે.
“વેદ.....”
“હેં?”
“શું હેં?”
“હા, તારો મૂડ આમ અચાનક જ ...”
“સંગીતથી.” તે ગૌરવભેર બોલી.
“તું શું ગાતી હતી?” મેં પૂછ્યું.
“દરબારી.”
“એટલે?” મેં બીજો પ્રશ્ન કર્યો.
મને સંગીત વિશે જાણવામાં રસ પડી રહ્યો છે કે વૈદેહી સાથે વાતો કરવામાં?
“એ એક રાગ છે.” તેણે કહ્યું.
“જેમ કે ભૈરવી.” હું બોલ્યો.
“અરે, વાહ! તું સંગીત જાણે છે?”
“જરાય નહિ.” મેં કહ્યું- “આ ભૈરવી તો બહુ જગ્યાએ સાંભળેલો શબ્દ છે.”
“હા, પ્રખ્યાત થઈ ગયેલો રાગ છે. સરસ રાગ છે એ પણ.”
“એ બધું તો ઠીક...” મેં મુદ્દાની વાત કરી- “પણ તને અત્યારે દરબારી ગાવાનું કેમ સૂઝ્યું?”
“દરબારી રાગ સાંભળવથી માનસિક તણાવ દૂર થાય છે અને ગાવાથી તો મન એકદમ હળવું થઈ જાય છે. ઘણી હોસ્પિટલ્સમાં માનસિક તણાવથી પીડાતા દર્દીઓને મ્યુઝિકલથૅરાપી સ્વરૂપે દરબારી રાગ સંભળાવવામાં આવે છે.”
“એમ?”
“હા, હું જ્યારે પણ તણાવ અનુભવું છું ત્યારે આ રાગ ગાઈ લઉં છું.”
“અક્સીર દવાની જેમ!” મેં કહ્યું.
“બિલકુલ.” તે વટથી બોલી- “સંગીત માણસને હસાવી પણ શકે અને રડાવી પણ શકે.”
“પણ સમસ્યાઓ દૂર ન કરી શકે.” મેં કહ્યું- “વૈદેહી, સંગીત તને બે ઘડી ખુશ કરી શકે છે. એ તારા માટે પૂરતું છે? તારી સમસ્યાઓ તો તારે જ દૂર કરવી પડશે.”
“હા, વાત સાચી છે તારી.” તેણે સ્વીકાર્યું.
“પણ તું કેમ આપઘાત કરવા માંગતી હતી?” મેં પ્રશ્નો કર્યાં- “આ શેઠ તને હેરાન કરે છે એ જ તારી સમસ્યા છે? એ શું માંગે છે?”
“શેઠ તો વધારાની ઉપાદિ છે, વેદ.” તે ગંભીર સ્વરે બોલી- “હું બહુ મોટી સમસ્યામાં ફસાયેલી છું. પણ તું અહીં કેવી રીતે આવ્યો? તું મને ક્યાંથી ઓળખે? હું તકલીફમાં છું એવુ તને ક્યાંથી ખબર?”
“એ બહુ લાંબી વાત છે, વૈદેહી!” મેં કહ્યું- “તને પછી કહીશ. પહેલાં આપણે શેઠની માંગણી પૂરી કરવી પડશે. પહેલાં શેઠનો મામલો પૂરો કરીએ. એટલે તારી વધારાની ઉપાદિ દૂર થાય!”
“બે રસ્તા છે.” તે બોલી.
“શું?” મને નવાઈ લાગી. આણે બે રસ્તા શોધી કાઢ્યાં!
“ભાગી જઈએ અથવા તો મરી જઈએ.”
“આમ..... વ્યવસ્થિત ઉપાય નથી કોઈ?”
“શેઠને પતાવી દઈએ.”
“અરે, મેં વ્યવસ્થિત ઉપાય શોધવાનું કહ્યું, ખતરનાક નહિ!”
“છેલ્લા બાર દિવસથી વ્યવસ્થિત ઉપાય શોધી રહી છું. નથી મળ્યો એટલે જ કૂદી હતી.” તેણે કહ્યું.
“બાર દિવસથી?” મારાથી પૂછાઈ ગયું.
“આમ તો...” ઉદાસ સ્વરે તે બોલી-“વીસ દિવસથી.”
“એવી શું તકલીફ છે?”
“એ પછી કહીશ. અત્યારે આપણે શેઠની વાત પૂરી કરવાની છે.”
મેં મારી વોટરપ્રૂફ કાંડા-ઘડિયાળમાં જોયું- ૩.૩૨
વૈદેહી મારી સામે જોઈ રહી છે. તેને અપેક્ષા છે કે હુ કંઈક રસ્તો કાઢીશ. મને તો વૈદેહીના નામ સિવાય ક્યાં કંઈ જાણ છે? શેઠ શું માંગે છે? મૂળ વાત ક્યાંથી, ક્યારે અને કેવી રીતે શરૂ થઈ હતી અને અત્યારે કેટલે પહોંચી છે એ હું જાણતો જ નથી. ટૂંકમાં, હું કશું જ જાણતો નથી! હું શું રસ્તો દેખાડું? મને તો પત્ર.... અરે હા, પત્રમાં લખ્યું હતું ને.... પેલું વાક્ય..... ‘તારી સમસ્યાનું નિવારણ એ જગ્યાએ છે, જે જગ્યા વિશે તારા અને તારા પરિવાર સિવાય કોઈનેય જાણ નથી.’
“વૈદેહી...” હું બોલ્યો- “તારી સમસ્યાનું નિવારણ એ જગ્યાએ છે, જે જગ્યા વિશે તારા અને તારા પરિવાર સિવાય કોઈનેય જાણ નથી.”
“શું કહ્યું?”