કૂખ
લઘુ નવલકથા
રાઘવજી માધડ
પ્રકરણ : ૧
નજર અટવાઈ જાય એવું ધુમ્મસ ચારેબાજુ છવાયેલું હતું. ભેજના લીધે વાતાવરણમાં થોડી ઠંડક હતી. શરીરે પરસેવો વળ્યો હતો.દોડવામાં કે ઉતાવળે ચાલવામાં બહારથી ઠંડી અને અંદરથી ઉકળાટ થતો હતો.પણ આ દરરોજનું હતું, ત્રણેય ઋતુમાં નિત્યક્રમ હતો.સવારનું આ નિર્મળ વાતાવરણ આહલાદક હતું તેથી પ્રકાશ કશું ગણકાર્યા વગર મોર્નિગવોક કરતો રહ્યો.
ત્યાં મોબાઈલમાં ટહુકો થયો.નવાઇ લાગી.સવાર..સવાર વળી કોણ ટહુકી ઊઠ્યું ? લગભગ કોઈ સાથેનો એવો સંપર્ક, સંબંધ નથી કે આમ દિ’ઊગતામાં જ વાત કરે ! થોડા આશ્વર્ય અને થોડી ચીઢ સાથે મોબાઈલમાં જોયું. નંબર સાવ અજાણ્યો અને આઉટ કન્ટ્રીનો...
‘સાલ્લા કંપનીવાળા આદુ ખાયને પાછળ પડી જાય...’ગુસ્સો મોબાઈલ પર ઉતારતો હોય એમ ભાર દઈને રીજેક્ટ કર્યો.થોડા ઉચાટ સાથે, મોં પરનો પરસેવો લૂછી ચાલવા લાગ્યો ત્યાં ફરી ટહુકો થયો. મોબા ઈલ ફેંકી દેવા જેવો ગુસ્સો આવ્યો. ખિસ્સામાં હાથ નાખ્યો...
‘ભાઈ, મોચીની રીસે કાંટા પર ન ચલાય..!’
નંબર એ જ હતો.ઓન કરી કાને ધાર્યો ત્યાં સામેથી સવાલ પ્રગટ્યો: ‘હલ્લો, પ્રકાશકુમાર સાથે વાત થઇ શકે !’
સ્ત્રીનો અવાજ હતો ને ક્યાંક સાંભળ્યો હોય અથવા પરિચિત હોય એવું લાગ્યું. તે રોડમાં એકબાજુ ઊભો રહી ગયો.ગુસ્સો પળભરમાં ગાયબ થઇ ગયો હતો.મોં પર લાલાશ ઉભરાઈ આવી. શ્વાસની ગતિમાં ઉમેરો થયો.આમ ઉઘડતા પહોરે, હળવાશની પળોમાં ને મનગમતા વાતવરણ વચ્ચે કોઈ માનુની સાથે વાત કરવાનું બને.. પ્રકાશ માટે રસનો અને ગમતો વિષય હતો. સઘળું ભૂલાઈ ને ભૂંસાઇ ગયું.
‘હું પ્રકાશ જ બોલું છું...’ સ્વર તદ્દન બદલાઇ ગયો. સ્વરમાં ઝડપથી ઋજુતા આવી ગઇ.
‘તો સાંભળો પ્રકાશકુમાર..’ સ્ત્રીના અવાજમાં ઉન્માદ અને ઉતેજના પ્રગટતી હતી.
પ્રકાશ એક કાને અને ધ્યાને થઇ સાંભળવા તત્પર થયો. ચાલવાનું ભૂલી સ્થિર થઇ ગયો.
‘મારે દેશી, કહ્યાગરો ને અસલ ગુજરાતી હસબન્ડ જોઈએ છે !’
અરે...ઘડીભર પ્રકાશને પોતાના કાન પર વિશ્વાસ બેઠો નહી.પોતે કંઇક ભળતું કે અજૂગતું સાંભળી રહ્યો છે.જીંદગીમાં આવું સાવ ઉઘાડું કોઈ સ્ત્રી પાસેથી ક્યારેય સાંભળ્યું નહોતું. સ્તબ્ધ થઇ જવાયું. કશો ઉત્તર આપવા મન માન્યું નહી. તેથી અબોલ જ રહ્યો. શરીરે પરસેવો પ્રસરવા લાગ્યો હતો.
‘સાચું કહું છું, મશ્કરી નહી સમજતા...’
વળી હ્રદય થડકારો ચૂકી ગયું. અવાજના પછવાડે ઉદ્ભવતો રણકો, સ્મરણમંજુષામાં સંઘરાયેલો હોય એવું લાગતું હતું. કોઈ પરિચિત વ્યક્તિ છે.છતાંય નામ હૈયે છે પણ હોઠે આવતું નથી..ત્યાં સામેથી બોલવાનું વરસાદના જેમ ધોધમાર વરસતું હતું. તેને બોલતાં અટકવું હોય એવું લાગતું નહોતું. સ્હેજ જગ્યા થાય તો યાદ કરવાનું અનુકૂળ થાય. ધસારો જોતા શક્યતાઓ નહિવત જણાઈ.
‘મારું કહેવું સમજાય તો છે ને ?’ સોઇ ભોંકવાની ઈરાદો હોય એમ ઘસીને કહ્યું.
- મશ્કરી કરવા કોઈ આવો બફાટ અથવા ટાઇમપાસ કરે છે. સ્ત્રી સાથે વાત કરવાના આનંદનો કેફ એકદમ ઉતરી ગયો.મોં પડી ગયું.છતાંય પાછો પડવા માંગતો ન હોય એમ કહ્યું:‘અરે..બરાબર સમજાય છે !’
-પોતે અનમેરીડ છે એટલે જ આવી ટીખળ કરે છે,મશ્કરી કરે છે...પ્રકાશને બરાબરનું લાગી આવ્યું. એકજાતની બળતરા થવા લાગી.ગુસ્સો પણ ઉમટી આવ્યો. મોં પર ઝાપટી દેવાનું મન થઇ આવ્યું :‘મને પાત્ર નથી મળ્યું એટલે નહી,મારી મરજીથી કુંવારો રહ્યો છું...’
‘શું સમજો છો, તમારા મનમાં..’ ક્ષણ પહેલાનું મનગમતું વાતાવરણ ડહોળાઈ ગયું.
પણ વળતી ક્ષણે થયું કે જગતમાં બધાને આવું સમજાવવા કે કહેવા ક્યાં બેસવું ? અને જરૂરી પણ નથી.જે રીતે બોલે,પૂછે એ રીતે જ જવાબ આપવો જોઈએ.તેમ મન સાથે ઓછી ક્ષણોમાં મસલત કરી લીધી. પછી મશ્કરીના સ્વરમાં જ સામે કહ્યું :‘દેશી અને ગુજરાતી એમ બે હસબંડ જોઈએ છે કે પછી ટુ ઇન વન !’
સ્ત્રી હસવા લાગી.તેનું ખળખળ હસવું,મોબાઈલમાં ઝરણા જેમ વહેવા લાગ્યું. પ્રકાશથી તેનાં ભાવ-ભીનાશ સાથે તરબતર થઇ જવાયું. થયું કે શરીરે પરસેવો નીતરે છે કે પેલીનો ભાવ...
ઘડીકમાં સારું તો ઘડીકમાં નરસું...બધા મનના કારણો છે. ત્યાં બેઠકમાં ચૂંટીયો ખણતી હોય અથવા કોઈ બાબતનો વળતો પ્રહાર કરતી હોય એવા આવેગ અને તીખાશથી તે કહે:‘બે પાત્રોતો પુરુષો કરતા હોય છે, સ્ત્રી નહી.તેનાં મનતો પતિ એ જ પરમેશ્વર છે સમજ્યા મિસ્ટર પ્રકાશકુમાર જયંતીભાઈ પરમાર !’
કોઈ સાવ નજીકનું લાગે છે નહિતર આમ સોઇ ઝાટકીને વળતો પ્રહાર ન કરે.
પણ ઓળખતું કેમ નથી ? પ્રકાશ દ્વિધામાં મુકાયો.એકબાજુ આવું બોલવું, બરાબરનો ઘા કરવો..કોઈ ને સાવ નજીકનું હોય. નજીકના સિવાય આવું સાહસ કરે પણ કોણ અને શું કરવા કરે ?
પ્રકાશને જાણે ચારેબાજુથી ભીંસ થવા લાગી.કોઈ કચકચાવીને બરાબર દબાવી રહ્યું,જીવ નીકળી જાય તેમ..અંદરથી પણ કશુંક ચૂંથાવાને ડહોળાવા લાગ્યું.સવાર,સવારમાં આ શું થવા બેઠું છે...શું કરવા થાય છે ? ફોન આવે...તેથી શું થઇ ગયું ? સાવ નજીવા સમયમાં એક ચક્ર ફરી ગયું. કશું સમજાતું નથી. પરસેવા ના રેલા ઊભા પગે ઉતરતા હતા. કીડીઓ ચટકા ભરતી હોય એવું થતું હતું.છતાંય એમ જ ઊભો રહ્યો.વાત વણસતી જવા સાથે ઊંડે ઉતરી આરપાર પસાર થઇ રહી હતી. કશું સમજમાં આવતું નહોતું.
એકબાજુ સતી સીતા થવા જાય છેને બીજી બાજુ સામેથી પતિ શોધે છે...જાણે કોઈ જણસ શોધવા નીકળી હોય એમ. પ્રકાશનું મોં બગડી ગયું. અંદરથી ખરાશ ઊભરાઇ આવી.
‘મારે માત્ર પતિ જ જોઈએ છે અને તે તારા...સોરી, તમારા જેવો જ..’
એકદમ છંછેડાઈ ને વલોવાઇ ગયેલો પ્રકાશ કડવાશ ઓકતો હોય એમ સામે કહે:‘મારા જેવો પણ હુંતો નહી ને..’કુંવારાપણાનો આક્રોશ ઉભરી આવ્યો : ‘તો શોધી લેને, આખું જગત પડ્યું છે !’
ત્યાં અંદરથી ઉભરી આવ્યું : ‘હવે હુંતો એંગેજ છું.’
‘કોની સાથે ?’ખુદના સવાલે સમસમી ગયો. કારણ કે એંગેજ છે તેની ના પાડી શકે એમ નથી એમ સામી છાતીએ બોલી શકે એમ પણ નથી કારણ કે તે સ્ત્રી કોઈની કાયદેસરની પત્ની છે.અને તે પોતાના સાથે ખરેખર એંગેજ છે...તે પણ શોધનો વિષય છે.લખલખું આવી ગયું.‘દરરોજ નિયમિત મળે છે, દિવસભર સાથે જ હોય છે. એકબીજા વગર ચાલતું નથી..આવું પણ કહી શકું.’ સ્વગત બોલી ઉઠ્યો. ‘પણ શું કરવા એકબીજા વગર ચાલતું નથી ?’વળી મૂંઝાયો. પણ અત્યારે તો સામે સ્ત્રી કશાજ આવેગ, આક્રોશ વગર ફરી મુક્તમને હસવા લાગી.થોડીવારે હસવું માંડમાંડ રોકીને સહેજ કર્કશતાથી કહે:‘હજુ સ્વભાવ તો એવો જ લાગે છે,ટણી જરાકેય ઓછી નથી થઇ !’
પછી કોઈ ધંધાધારી શરત કરતી હોય એમ બિન્ધાસ્તથી કહે :‘અને હા, હસબંડ માત્ર એકાદ માસ પૂરતો જ જોઈએ છે.’
પ્રકાશથી જાણે બોલાઇ જ ગયું : ‘ભાડૂતિ કે કામચલાઉ !’
‘જે સુલભ થાય તે...’ સામે પણ એટલી જ ત્વરાથી જવાબ આપી દીધો.
કોઈ સ્ત્રીનું આવું ઉઘાડું કહેવું સાંભળી,માથા પર જાણે બોથડ પદાર્થ પડ્યો હોય એમ પ્રકાશને તમ્મર ચઢી ગઇ.ચક્કર આવે એવું થઇ ગયું.એકદમ આંખો પટપટાવી ચારેબાજુ જોઈ લીધું. ઠીક લાગ્યું. એકલદોકલ માણસ સિવાય સચિવાલયની બિલ્ડીંગો અને ઝાડ ઊભા હતા.ઝાડ જાણીતા હતા તેથી સામે જોઈ મનમાં હસતાં હોય એવું લાગ્યું.ધુમ્મસ ઉડી ગયું હતું ને પૂર્વ આકાશમાં પીતાંબરી પથરાવા લાગી હતી.નવજાત કિરણો પ્રગટવામાં હતા.કયારેક ઊભો રહી અનિમેષ નજરે આ નવલો નજારો નીરખે.શ્વાસમાં ભરી લે જાણે પ્રાણવાયુ હોય ! પણ અત્યારે જરાકેય સારું ન લાગ્યું.મોર્નિંગવોકની મઝા મારી ગઈ એટલું જ નહી,અંદર-બહારથી છિન્નભિન્ન થઇ ગયો.એકતો લજામણીના છોડ જેવો.નાનીનાની વાતમાં વાંધો પડતા વાર ન લાગે. ગુસ્સો ગટરના જેમ ઉભરાવા લાગે.પાછો વળતી ક્ષણે કશું ન બન્યું હોય તેમ વર્તન કરવા લાગે. કોઈ સમયે સમજવો અઘરો થઇ પડે.
મૂડ જ નહી, આખી સ્થિતિ બગડવાના મૂળમાં મોબાઈલ છે.
‘જગતને બગાડવામાં આ રમકડું...’તે આગળ બોલ્યો નહી.મોબાઈલ પર ગુસ્સો આવ્યો.મોબાઈલ રસ્તા વચ્ચે ફેંકી, કશું જ બન્યું નથી, સાંભળ્યું પણ નથી એમ સમજી રાબેતા મુજબ ચાલવા લાગે.
એક બાઈકસવાર બંબાટ કરતો સાવ પાસેથી પસાર થઇ ગયો.ખુલ્લા રોડની આમ મઝા લુંટવા જુવા નીયાઓ નીકળતા હોય છે.સાઈડમાંજ ઊભો હતો છતાંય થોડું ધ્રુજી જવાયું.ઊંચે ઉપાડીને જોયું.એકાદ પરિ ચિત ચહેરો સ્માઈલ સાથે પસાર થઇ ગયો.સામે સ્માઈલ સાથે એકાદ ડગલું ચાલ્યોય ખરો.આમ પણ ધીરજ નો અંત આવ્યો હતો.તળિયું દેખાવા લાગ્યું હતું.કશાકથી છૂટવા માગતો હોય એમ પગ ઉપડ્યા.આમતો આવા નિર્મલ વાતાવરણ વચ્ચે કોઈ સ્ત્રી સાથે ગુફતેગુ કરવાનું મળે તે ગમતું હતું.ક્યારેક તો મન રીતસર તલસતું હતું.કોઈ સ્વજન સાંપડ્યાની પ્રતીતિ થતી હતી.નવરાશ હોયતો વાતને વગર કારણે લંબાવે..સારું લાગે.મોબાઈલમાં બે આંખોની શરમ ન લાગે એટલે જે કહેવું,બોલવું હોય બેધડક બોલી શકાય.પણ સાવ આવું !?
- વર જોઈએ છે ને એકાદ માસ પૂરતો...આવી નફ્ફટાઈતો ક્યાંય જોઈ કે સાંભળી નથી.
પણ છે કોઈ નજીકનું.થયું કે બોલવામાં ક્યાંક કાચું કપાઈ જાયતો પછી પસ્તાવાનો વારો આવે. થુકેલું ચાંટવું પડે...અસહ્ય બફારા વચ્ચે પવનની ફણગી આવે એવું થયું. ગુસ્સાની વચ્ચે પણ નામ પૂછી-જાણી લેવાનો વિચાર ઝબૂકી ગયો.
‘આપને જે જોઈતું હશે તે સસ્તું ને સરળતાથી મળી જશે પણ નામ તો કહો ?’
નામ સાંભળવા જાણે શ્વાસ અટકાવીને ઊભો રહી ગયો. નામની ઉત્કંઠા ઘોડાપૂર જેમ ધસમસવા લાગી હતી. એકએક પળ વરસ જેવી લાંબી લાગી.છતાંય પ્રત્યુતર વગર બે-ચાર પળો એમ જ પસાર થઇ ગઇ.પછી ઘવાઈ કે ગૂંગળાઈને અવાજ આવતો હોય એમ લાગ્યું. કહ્યું :‘ચલાવોને, જાણ્યા-સમજ્યા વગર..’
સ્ત્રીનું કહેવું પ્રકાશને અસર કરી ગયું. ગુસ્સે થયાનું જાતે જ અજૂગતું લાગ્યું. વળી પોતાનો સ્વગત બચાવ કર્યો : ‘જે હોય તે પણ એવું બોલે એટલે..’
‘સાલ્લું જીવનમાં કોઈ પાત્રતો એવું હોય કે તેનાં સામે ઉઘાડા થઇને જે કહેવું હોય એવું કહી શકાય.’
પ્રકાશ બધિરના માફક સ્થિર થઇ ગયો. અડખેપડખેનું જગત વિસરાઈ ગયું.
‘ઓળખાણ પડશે ત્યારે કદાચ મોડું થઇ ગયું હશે !’
‘મેળવીને મૂકી દેવાનું હોય ત્યાં મોડું થાય. બાકી બધું સમયસર જ હોય છે. ક્યાંય મોડું થતું નથી.’
આ કોણ બોલ્યું, કોના માટે બોલ્યું...કોને કહ્યું...પ્રકાશ જાણે બાઘા જેમ ચારેબાજુ જોવા લાગ્યો.
‘થતું હશે કે એક સ્ત્રી અને એ પણ ગુજરાતી...આવું બોલે, માંગણી કરે...!’
‘થતું હશે નહી..’ પ્રકાશને સંવાદનો તંતુ પકડાઈ ગયો હોય તેમ એકદમ બોલી ગયો: ‘થાય જ છે.’
‘માની લ્યો મેં પરદેશનું પાણી પીઈ લીધું, બ્રેડના ટુકડા ખાઈ લીધા. હું વટલાઈ ગઈ પણ તું...તું તો ગુજરાતમાં વસે છેને ?’
‘પણ મેં એવું કશું...’પ્રકાશના આવા બચાવને અટકાવી,છટકવીને થોડા ખેદ સાથે કહે:‘મને અદ્ધવચ્ચે અટકાવી ને કહી શક્યો હોત, અંજુ આવું ન બોલ. આવું બોલવું આપણી ગુજરાતી ભાષામાં શોભે નહી.’
‘અંજુ ! તું...તું...’નામ સંભાળતા જ જાણે ધડાકો થયો.ઓળખના સઘળા દ્વાર ધડાધડ કરતા ઉઘડી ગયા. ધુમ્મસ ઓગળીને ઉઘાડ થઇ ગયો.
‘ક્યાં છો, ક્યાંથી બોલે છે !?’
‘આમ આશ્ચર્યમાં ગરકાવ થવાની જરુર નથી.’અંજુ હોઠ ભીંસી પછાડીને બોલી:‘હું આ જગતમાં જ છું.’
પછીતો પ્રકાશની મનોભૂમિ પર અંજુ નામે યાદની સરવાણી ફૂટી. રૂંવેરૂંવે પ્રગટવા લાગી. અને સાવ ઓછી ક્ષણોમાં તે તરબતર થઇ ગયો.
ત્યાંતો જાણે રાહ જોઇને જ ઊભા હોય તેમ–શું કહેવું,શું સાંભળવું,શું સમજવું...સઘળા સવાલો મસ્તિક પર સવાર થઇ ગયા.વળી ગુસ્સો ઉભરાઈ આવ્યો.પરસેવામાં લથબથ શરીરે મંકોડાના ડંખ જેવો ચચરાટ થવા લાગ્યો હતો.મન ઉદ્વિગ્ન થઇ ઉઠ્યું.આમ થવામાં પણ એક સબળ કારણ હતું.
‘અંજુ કોણ, એવું નહી પૂછે ?’
‘ના..’પ્રકાશ ધસમસતા સ્વરે કહે:‘તારું નામ જ કાફી છે.સારી પેઠે ઓળખું છું.’ સામેથી કશો પ્રતિભાવ આવશે,મળશે તેની અપેક્ષા વગર પ્રકાશ આક્રોશ સાથે બોલતો જ રહ્યો:‘છાશ લેવી હોય છતાંય દોણી પાછળ સંઘરવાની તારી જૂની આદત હું જાણું છું.’શ્વાસ ઘૂંટી,કચકચાવીને પ્રહાર કરતો હોય બોલી જ ગયો :‘ભાયડા કરવા છે ને પાછા ભોંઠા પડવું છું...માથેથી સૂફિયાણી સલાહો આપવી છે.’
અંજુ ગાંજી જાય એવી નથી.ઈંટનો જવાબ પથ્થરથી આપશે. વળતો ઘા સહન કે વહન કરવાની તૈયારી સાથે પ્રકાશ બોલતો અટક્યો. એકાદ-બે ક્ષણ અટક્યો પણ સામેથી કશું આવ્યું જ નહી. નવાઇ લાગી. અંજુનો સ્વભાવ ધરમૂળથી બદલાઇ ગયો કે શું ? માણસના પ્રાણ અને પ્રકૃતિતો સાથે જ જાય પણ...
-મોબાઈલ કાનેથી લઇ આંખે સામે ધર્યો. જોયું તો સ્ક્રીનમાં કાળુધાબુ. બેટરી જ ઉતરી ગઇ હતી.
-પોતે જે તડને ફડ કરતા કહી દીધું છે તે અંજુએ સાંભળ્યું હશે કે પછી...
‘જે થયું હશે તે સારું જ થયું હશે...’ સ્વગત બોલી, કોઈ વ્યક્તિ હોય એમ મોબાઈલ સામે જોયું. પછી કહ્યું : ‘ખરા સમયે જ દગો દઈને ઉભું રહ્યું...’ વળી ફેંકી દેવાનું મન થઇ આવ્યું. પણ એમ કરી શક્યો નહી.
‘આ યંત્ર છે,તેને મંત્ર બનાવીને જીવો તેમાં યંત્રનો શું દોષ ?સુવિધાઓ ક્યારે દુવિધા થઈને ઊભી રહે તેનું કશું કહેવાય નહી.’પછી પોતે જ ‘હા, ભાઇ હા..’કહેતો ચલાવા લાગ્યો.થોડુંક ચાલીને પાછો ઊભો રહ્યો.આજે કાયમી લય તૂટી ગયો હતો.નિત્યક્રમમાં મોટું ગાબડું પડ્યું હતું.આમ લય તૂટી કે ખોરવાઈ જવાથી સીધી રીતે કશું જ અટકવાનું કે નુકશાન થવાનું નહોતું.વળી ઘરે ક્યાં કોઈ રાહ જોનાર હતું ? પણ આદત કે રોજીંદી ઘરેડમાં અડચણ ઊભી થઇ હતી તે હકીકત હતી.
નવા-જુના સચિવાલય વચ્ચેના રોડ વચ્ચે કશા કારણ વગર ઊભો રહ્યો.પછી પોતે કોઈ અજાણી જગ્યામાં અનાયસે આવી ગયો હોય એમ નવાંગતૂક જેમ જોવા લાગ્યો.નજરમાં કૌતુકભાવ ને મનમાં થોડું અચરજ ઉદભવતું હતું.અંજુ સાથે વરસો પછી સંવાદ થવો.તેની ગળે ન ઉતરે તેવી અથવા અઘટિત અપેક્ષાઓ...મુગ્ધ કે સાક્ષીભાવે જોવા-સમજવાનો પ્રયાસ કરવા લાગ્યો.
-પોતે ક્યાં જુએ છે ? અંદર કે બહાર ? ગાઢ શિયાળામાં ઠંડા પાણીની છાલક માથે પડી હોય એમ ઝઝકી ગયો.કપડા ભીના થયા હોય એમ નજર નાખી લીધી.પછી ઝડપભેર ચાલવા લાગ્યો.મોર્નિંગવોકમાં નીકળેલ એક-બે વ્યક્તિ ને કોઈ એકલદોકલ વાહનસવાર સિવાય રોડ સાવ ખુલ્લોને સૂમસામ હતો.ઓફીસ સમય થવા આવશે એટલે રોડ કિડિયારા જેમ ઊભરાવા લાગશે. પગ મૂકવાની જગ્યા નહી હોય.
‘તેમાં શોભના પણ હશે.’ અનાયસે મોંએ આવી ગયું. હ્રદય ધબકારો ચૂકી ગયું.
પોતાને ખાસ્સું મોડું થઇ ગયું છે.ઓફીસ સમય થવા આવ્યો છે.ઝડપથી પોઈન્ટની સીટી બસો સચિવાલયના કર્મચારી-અધિકારીઓથી ઠલવાઈ રહી છે.ચારેબાજુ સરકારી ને પ્રાઇવેટ વાહનો હોર્ન વગાડવા લાગ્યા છે...ભીડ-ઘોંઘાટની વચ્ચે પોતે દબાઈ જશે એવી દહેશત સાથે પગની ગતિ તેજ કરી. પણ એકાએક એમ થયું કે પોતાની પાછળ કોઈ પગલાં દબાવતું આવી રહ્યું છે...
-કોણ ?
‘શોભના, બીજું કોણ !?’ વળી મન ફર્યું : ‘શોભના નહી, અંજુ આવી રહી છે.’
એકદમ પાછા ફરીને જોયું તો બાઈક રાઇડર્સ કાન ફાડી નાખે અને ઝપટમાં આવે તો દૂર ફંગોળી દે એવી રીતે પસાર થઇ ગયા.ગુસ્સા અને ડર સાથે કંપવા લાગ્યો.
‘કેવું કેવું થવા લાગ્યું છે આ પાટનગરમાં !’
સૌરાષ્ટ્રના છેવાડાનું ગામ છોડી અહીં ગાંધીનગરમાં આવ્યો ત્યારે ખાસ વસતી નહોતી. આ સચિવા લયની જગ્યા જ જીવંત ને ધબકતી લાગતી.એ પણ ઓફીસ સમયે જ.બાકીતો કાગડા ઉડતા હોય અને ક્યાંક કુતરા આંટા મારતા કે સુતા હોય. માણસો ઓછા ને ઝાડવાં ઝાઝાં હતા. જરાય ગોઠતું નહોતું.નોકરી છોડી પાછા વતનમાં ચાલ્યા જવાનું મન થઈ આવતું હતું.
‘આવા ઉજ્જડ ગામમાં તે રહેવાતું હશે !’
પણ પાછા ફર્યા પછી ત્યાંના ઘણાં પ્રશ્નો જીવવું હરામ કરી દે એમ હતા. પાછા ફરવું પોસાય એમ નહોતું. પછી તો મનેકમને પણ અહી ફાવી ગયું...
‘આ આવું બધું મારા મનમાં કેમ આવવા ને ઘૂમરાવા લાગ્યું છે ?’
ત્યાં પોતે જ પોતાનાને પ્રત્યુતર આપી બેઠો :‘પેલીનો ફોન આવ્યો ને એટલે...’
આષાઢનો સુપડાધારે વરસાદ વરસ્યા પછી નદીમાં ઘોડાપૂર આવે એમ પ્રકાશના મનમાં અંજુ નામ નું ઘોડાપૂર વહેવા લાગ્યું હતું.કેટલુંય સારું-નરસું ઉપરતળે થવા લાગ્યું હતું.શ્વાસ અદ્ધર થઇ ગયો હતો. કારણ કે અંજુનું તો ગાંડી માથે બેડું...કશું કહેવાય નહી. વળી હવે તો પરદેશનું પાણી પીઇ ગઇ છે.
અને એટલે તો કહે છે : ‘મહિના માટે મૂરતિયો જોઈએ છે !’
‘દેશી ને અસલ ગુજરાતી.’
રડવું, હસવું કે નિર્લેપભાવ દાખવવો...અઢળક અવઢવ સાથે મોટા મોટા પગલાં ભરવા લાગ્યો.
‘ભૂલી ગયા ને ...’
‘આપણો ભૂલી જવાનો કે યાદ રાખવાનો સંબંધ જ ક્યાં હતો !?’
‘નામ પાડી સંબંધ ક્યાં નક્કી થતા હોય છે, અમુક સંબંધ તો આપોઆપ બંધાઈ જતા હોય છે.’
‘આપોઆપ ગંઠાઈ ને ગંધાઈ પણ જતા હોય છે ને !’
એકસાથે ઘણુંબધું ઉપરતળે થઇ ગયું.
વળી સ્વગત કહે :‘તારું નામ હૈયે જ હતું પણ હોઠે ચઢતું નહોતું. અને તું કેવી ગાંડાઘેલી વાતો કરતી હતી એટલે...’ પ્રકાશ અંજુ સન્મુખ સંવાદ કરતો હોય એમ :‘બીજું બધું તો ઠીક છે પણ તેં મારો નંબર ક્યાંથી મેળવ્યો ?’
‘નંબર !’ જાણે સામે આવી અંજુ હસવા લાગી. તેનું મુક્ત હાસ્ય સારું ને પ્યારું લાગ્યું. ભલે સમૂળગી બદલાઇ ગઈ પણ હાસ્ય બદલાયું નથી. ત્યાં અવાજ આવ્યો :‘મોબાઈલનો નંબર મળવો સાવ સરળ છે.’ પછી દાંત ભીંસી, હોઠ પછાડીને કહે : ‘પણ માણસ મળવો સરળ નથી, મુશ્કેલ છે.’
-ગુસ્સાથી કહે છે કે પછી...પ્રકાશ જાણે અવઢવ ઓઢીને ઊભો રહ્યો !
કાન ફાડી નાખે તેવો તીક્ષ્ણ ને કર્કશ અવાજથી પ્રકાશ એકદમ હબકી ગયો. એક વાહન સાવ ઘસાતું પસાર થઇ ગયું અને તેનો ચાલક આંખો તાણી સામે જોઈ કશુંક બોલતો ગયો.
ઝડપથી ક્વાર્ટર ટર્સ પર આવ્યો. સૌથી પહેલું કામ મોબાઈલને ચાર્જમાં મુકવાનું કર્યું. પછી ચા બનાવી, મોટો મગ ભરી, રવેશમાં આવી હિંડોળે ઝૂલવા લાગ્યો.
હિંડોળે ઝૂલવું, વૃક્ષ સાવ ઉરાઉર ઉભેલા નાના-મોટા વૃક્ષોના ઉઘડતા રૂપ-રંગને મનભરી નીરખવા, તેમાં કલબલાટ કરતાં પક્ષીઓને જોવા-સાંભળવા...સામેના ચ રોડ પરથી પસાર થતા માણસો-વાહનોને નજર અંદાઝ કરવા..પ્રકાશનું આ નિત્યક્રમ જ નહી પણ ઘરેલું એવું પોતીકું સુખ હતું. હાથ બનાવટ ચાની ઘૂંટ સાથે ટગર ટગર જોવું, પીવું...સઘળું ભુલાવી તેમાં રમમાણ કરી દે. પણ આજે આ સુખદ ક્ષણોમાં ખલેલ પડી હતી. શાંત થવા આવેલા સરોવરમાં, અંજુએ આવી કાંકરીચાળો કર્યો હતો. વલયો સપાટી પરથી નહી પરંતુ છેક તળીયેથી ઉદભવવા લાગ્યા હતા. હાથ રહેલો ચાનો કપ એમ સ્થિર થઇ જતો હતો.
ત્યાં ફરી મોબાઈલમાં કોયલ ટહુકી..પ્રકાશના કાન ચમક્યા.મોં કટાણું થઇ ગયું.ઊભા થવાનું જરાકેય મન નહોતું છતાંય થવું પડ્યું. મોબાઈલ રૂમમાં ચાર્જ થતો હતો.
પ્રકાશને ફોન-મોબાઈલ પર લાંબીલચક વાતો ક્યારેય ગમતી નથી. ખપ અને જરૂર પૂરતું બોલે. ટૂંકમાં પતાવે.સામેની વ્યક્તિ વાત લંબાવવા માગતી હોય તો તેને વચ્ચેથી અટકાવીને કહી દે:‘હું અત્યારે કામમાં છું,પછી નિરાંતે વાત કરીએ.’આમ વાતને ટાળી, વાળી લે. તેમાં સાવ સ્પષ્ટ હતું કે,વ્યક્તિને ખરેખર પોતાનું જ કામ હશે તો પછી વાત કરશે અથવા વિકલ્પ શોધી લેશે. હા, કોઈ ખાસ મળવા જ આવે તો તેનાં સાથે મનભરીને વાતો કરે.પણ અહી ગાંધીનગરમાં એવું બહુ ઓછું બનતું હતું.ક્યારેક કોઈ હૈયારોખી વાત જન્મ્યા પહેલા જ પ્રસવના અભાવે મરણ પામતી હતી.
ફરી અંજુને વાત કરવી હતી, તેનો જ કોલ હતો.
‘પ્રકાશ ! હું એક અગત્યના કામથી ઇન્ડિયા – ગુજરાત આવી રહી છું. તેમાં તારી મદદની જરૂર છે...’ પછી હક્ક વગર લાચારીથી કહે : ‘તું મદદ કરીશને ?’
-કર્યા જેવી હશે તો કરીશ...એટલું બોલવું ટાળી, કાપીને પ્રત્યુતર આપ્યો : ‘હા..’
થોડા સમય પહેલા જે સૂર હતો,ઉન્માદ કે ટીખળીપણું હતું તેનો એક અંશ પણ અત્યારે અવાજમાં વરતાતો નહોતો. એકાદ ક્ષણ તો એમ થયું કે, કોઈ બીજી અંજુ બોલી રહી છે...એક ઠરેલપણું કે પીઢતા ભારોભાર ઉભરાતી હતી. છતાંય પ્રકાશનો આક્રોશ કે અણગમો ઓછો થયો નહોતો એટલે ટૂંકા ને સાવ શૂષ્ક જવાબ આપી રહ્યો હતો.
‘હાલતો તું ગાંધીનગરમાં રહે છે ને !’
‘હુઅ...’ પૂરું હા પણ બોલ્યો નહી. જો કે અંજુ પ્રકાશની પ્રકૃતિથી વાકેફ હતી એટલે સ્વીકારી લીધું.
‘સાંભળ્યું છેકે ચહેરા વગરનું નગર છે.જોયા કરે ટગરટગર..’પછી અટકીને કહે:‘બાય..મળીએ છીએ.’
અંજુના ગાંધીનગરના અભિપ્રાયથી બેઘડી વિચારતો કરી દીધો. હા, આજથી એક દાયકા પહેલા આવ્યો ત્યારે એમ હતું – સાંજ પડે એકલતા ઘેરી વળતી હતી.વૃક્ષો પણ બિહામણા ને ડરામણા લાગતા હતા. પણ હવે એવું નથી રહ્યું. પોતાના ગામ જેટલી ચાહત આ નગર પ્રત્યે ઉપજવા, ઉદભવવા લાગી છે. ભલે આ નગર વસેલું નહિ પણ વસાવેલું છે.શેરી-મહોલ્લા નહિ પણ સેક્ટરમાં વિભાજિત થયેલું છે.તેથી ગુજરાત ના કોઈ ગામ જેવો નાક-નકશો નથી.દેખીતી કોઈ એવી ઓળખ નથી.નગરના કોઇપણ ખૂણે ઊભા રહો, સઘળું સરખું જ લાગે.તેમાં રાત્રીએ તો ભલભલા ભૂલા પડી જાય. જાણીતાએ પણ કોને પૂછવું પડે !
ગુજરાતના લગભગ ગામેગામના અને પરપ્રાંત લોકો પણ અહીં આવી વસ્યા છે. કહેવું હોયતો પંચરંગી સરકારી પ્રજા વચ્ચે પણ ભાતીગળ સંસ્કૃતિ વિકસી છે. વારંવાર યોજાતા સાંસ્કૃતિક ને સાહિત્યિક કાર્યક્રમો થકી એક વિશેષ ઓળખ ઊભી થવા લાગી છે.
‘અંજુ તું ત્યાં...’ જાણે સામે ઊભા રહી વાત કરતો હોય એક કહે : ‘પરદેશમાં તારા પાડોશીને ઓળખે છો ખરી ? કોણ છે...તેની ખબર છે ખરી ? અરે..તેનાં સામે હાથ ઊંચો કરી ઈશારો કરી શકે છે ખરી ??’
પછી ગૌરવ અનુભવતો હોય તેવાં ભાવથી કહે : ‘અમે તો સામા મળ્યે હસીએ પણ ખરા !’
પ્રકાશ હસતો હસતો ઊભો થઇ રસોડામાં આવ્યો.ચાનો કપ ગેંડીમાં મૂકી ઊભો રહ્યો. પછી રસોડાની અસ્તવ્યસ્ત સામગ્રીને દયામણી નજરે જોવા લાગ્યો. મોં ચઢી આવ્યું. કશોક અભાવ, અધૂરાપણું એકાએક ઊગી આવ્યું. નર્વસ થઇ જવાયું. સાવ ગરીબ હોય એમ ઓશિયાળો થઇ ને ઊભો રહ્યો. ક્યાંક વાચ્યું હતું : જગતની સૌથી મોટી કરુણતા કઈ ?
-સ્ત્રી વગરનું ઘર અને ઘર વગરની સ્ત્રી !
ત્યાં વળી અંદરથી જ કોઈક બોલાયું હોય એવું લાગ્યું : ‘આ અંજુના ફોનની અસર છે.’
તાડૂકીને કહે : ‘હોતા હશે, મારે શું લેવાદેવા ઇ ત્રણ ફદીયાની અંજુડી સાથે !’ કૂદકો મારવા માંગતો હોય તેમ લાંબા ડગ ભરી ઝડપથી રસોડા બહાર નીકળી, બેઠકખંડમાં આવ્યો. કશુંક શોધતો હોય એમ ઊભો રહ્યો.કોઠામાં કારણવગર શ્વાસ ઘૂંટાતો હતો.છાતી લુહારની ધમણ માફક સુપડાવા લાગી હતી. નાકનાં ફોયણાં પણ ફૂલી ગયાં હતાં. શરીરમાં નામ ન પાડી કે કહી ન શકાય એવી આછી પ્રસરી ગઇ હતી.
‘હજુ પણ ક્યાં બાજી બગડી ગઇ છે !’
‘શેની !?’
‘મેરેજ કરવાનું’તે જાણે સ્વગત બોલતો હોય એમ:‘આપી દે જાહેરાત:એક સુશીલ, સંસ્કારી, દેખાવડી, સારા ને ઉચ્ચ ખાનદાનની, ઘરરખું કન્યા જોઈએ છે...જાહેરાતનો હેતુ માત્ર યોગ્ય પસંદગી માટે નો જ છે.’
પ્રકાશના મોં પર લાલશ પથરાઈ ગઇ. શરીરે એકજાતની સ્ફૂર્તિ આવી ગઇ.
-લાકડાના લાડુ છે. ખાય તે પસ્તાય અને ન ખાય તે પણ પસ્તાય...તો પછી ખાધા વગર પસ્તાવું તેના કરતા ખાઈને પસ્તાવું શું ખોટું ?’
‘અચાનક આવા વિચારો મને કેમ આવવા લાગ્યા છે ?’રીતસર બરાડી ઉઠ્યો. જવાબ મળવો મુશ્કેલ હતો.કંઈ સુઝ્યું નહી તે ફરી રવેશમાં આવીને ઊભો રહ્યો.પછી કામ સૂઝી આવ્યું હોય તેમ હિંડોળા પર બેસી ઝપાટાબંધ ઝૂલવા લાગ્યો.
-અંજુ મૂળતો સહાધ્યાયી. કોલેજમાં સાથે હતા.જો કે બંનેની કોલેજ અલગ હતી પણ કેમ્પસ એક હતું. મળવામાં કોઈ મુશ્કેલી નહોતી. રજાઓમાં વતનમાં જતાં રાજકોટથી અમરેલીની બસમાં લગભગ સાથે થઇ જતાં અથવા સાથે ગોઠવણ કરતાં હતાં. બંનેના ગામ બાજુબાજુમાં એટલે અમરેલીથી ગામડે જતી બસ એક જ હોય...પછી તો રાજકોટમાં પણ સથવારો થઇ ગયો હતો.
ગ્રેજ્યુએશન પૂરું થયું. બંને નોખાં પડ્યાં. અંજુના લગ્ન થયા તે પરદેશી પંખી થઇ ઊડી ગઇ. બંને વચ્ચે શું હતું...છેલ્લે સુધી નક્કી થઇ શક્યું નહોતું. નામ પડવાની મથામણ પણ નહોતી કરી. પણ અલગ થયાં પછી કશુંક ખોવાઇ ગયું હોય,છૂટી ગયું હોય અથવા તો મનને ગમતું હોય એવું લૂંટાઈ ગયું હોય તેવું થયા કરતું હતું. કયારેકતો બળવતર થઇ પીડા પણ આપતું હતું. ક્યાંય ચિત ન ચોંટે, સારું ન લાગે....
-અંજુને પણ આવું થતું હશે...? આ સવાલનો જવાબ મળવો મુશ્કેલ હતો. હા, પ્રકાશને એમ થયા કરતું હતું કે પરદેશમાં ગઇ અંજુ ભૂલી ગઇ હશે. અને વળતા થાય કે યાદ રાખે પણ શું કરવા ?
પણ બરાબર એક દાયકા બાદ અંજુનો ફોન આવ્યો...તે ભૂલી તો નથી.
‘પતિ જોઈએ છેતો શું હશે તેનાં મનમાં ? અને મને જ કહ્યું...તેને ખબર હશે કે હું હજુ પરણ્યો નથી.’
ચોક્કસ સવાલોની એક ફોજ જાણે પ્રકાશ પર ચઢી આવી. તેને ખાળવી કે ટાળવી મુશ્કેલ લાગી.
‘કહેતી હતી : થોડા સમય માટે જ જોઈએ છે...ને મને તારા પર વિશ્વાસ છે.’
ન સમજી શકાય એવા સવાલોમાં અટવાતો પ્રકાશ ઊભો થયો.
‘વાંઢાને સગપણ માટે મોકલે તો તેનું જ નક્કી કરીને આવે...’પાછો હસતો હસતો કહે :‘મીંદડીને ખીર ભળાવવાનું રહેવા દે, અંજુ !’
‘એટલે હજુ પણ એ સ્વાદ ચાખવાની ઈચ્છા તો છે...બસ, તક મળે તેની જ રાહ છે !’
વાંસામાં કોઈએ ચાબૂક વીંઝ્યો હોય એવું થયું.બેવડ વળી જવાયું.પીઠ ચચરવા લાગી પણ હાથ વાળી પીઠ પસારવાની હિંમત કરી શક્યો નહી. કોઈ જોઈ રહ્યું છે તેવો ભાસ ડરાવવા લાગ્યો હતો.
‘પોતાને આવા વિચારો આવવા ન જોઈએ...’મન સાથે મસલત કરવા લાગ્યો :‘આવે ને જાય. જરૂર હોય ત્યાં થઇ શકે તેવી મદદ કરવાની બીજું શું ?’
‘પાટનગરમાં છો તે મદદ માંગનારાના સારા-માઠા અનુભવો ક્યાં ઓછા છે !?’
ઘડીભર મોંમાં ખારાશ ઉભરાઈ આવી. મોં બગડી ગયું. એક તો નવતર પીડા પ્રગટી હતી તેમાં આ ઘચરકો થયો. ‘આ પણ એક અનુભવ જ છે ને ?’ સ્વગત બોલ્યો : ‘ક્યારેય નથી થયો તેવો...’
ઓફીસ જવાનો સમય થવા આવ્યો હતો.પ્રકાશ થોડી ઝડપથી તૈયાર થઇ ગયો.આજે રોજિંદા ઘટના ક્રમમાં ખલેલ પડી હતી.વગર કારણે વિક્ષેપ પડ્યો હતો.લગભગ કયારેય આમ મોડી થયું નથી.સમય પહેલા જ તૈયાર થઇ નિશ્ચિત જગ્યાએ પહોંચી ગયો હોય. શોભના ન આવવાની હોય તો પણ...
ઓફિસમાં આવી પ્રકાશ તેના ટેબલ પર બેઠો. આંખો પર હાથ દઇ થોડીવાર શૂન્યમનસ્ક થવાનો પ્રયાસ કર્યો. કોઈ વાત, વિચારને પ્રવેશવા દેવા ન હોય એમ મનની બારીઓ બંધ કરી દીધી. ભાવજગત જાણે શૂન્ય થઇ ગયું. હાશ...ભલું થયું ને ભાંગી ઝંઝાળ !
છેલ્લી એક-બે મિનિટથી શોભના અપલક નેત્રે પ્રકાશ સામે તાકી રહી પણ પ્રકાશ આંખો ખોલેતોને ?
આમતો પોઈન્ટના બસસ્ટેન્ડ પરથી બંને સાથે જ આવે.મૌનનો મલાજો પાળવા મથતા હોય કશું બોલ્યા વગર ચાલ્યા આવે.હા,ખુરશીમાં બેસતાં પૂર્વે બંને એકબીજા સામે જુએ.પળાર્ધભર જોતાં રહે. આંખોના કેમેરામાં એકબીજાની તસવીર ઝીલી,મોઘમ સ્મિતની આપ-લે કરી પછી જ ઓફીસ કામ હાથમાં લે.પણ આજે આ વણલખ્યો નિત્યક્રમ તૂટી ગયો હતો. જે પ્રકાશ કરતા શોભાના માટે અચરજ પમાડે તેમ હતો.
‘કેમ, તબિયત સારી નથી ?’
પ્રકાશની આંખો એકદમ ઉઘડી ગઇ.તેણે જોયું તો શોભના સાવ ઉરાઉર,સામે નજર ખોડીને વિસ્મય ભાવે જોઈ રહી હતી. સહેજ ઓઝપાયો. કશાક એવા કામથી પોતે રંગે હાથ પકડાઈ ગયો હોય તેવા ભાવને સંકેલી, સઘળું આટોપી ને કહે : ‘ના,ના...મારી તબિયતને તે વળી શું થવાનું હતું ? ઓકે...ઓકે...છું.’
પ્રકાશનો જવાબ જ નહી ખુદ પ્રકાશ પણ અજાણ્યો લાગ્યો.સાવ સપાટ ને ઉપજાવેલી કાઢેલો જવાબ જરાય જ્ચ્યો નહી.દિલ પર થોડો ચચરાટ થયો.દુઃખની લાગણી પણ હળવો લાચરકો કરી ગઇ.શોભાના નિસાસાને દબાવવાના પ્રયાસ સાથે,પારોઠ ફરી પોતાની ખુરશીમાં ધબ દઈને બેસી ગઇ.જાણે પોતાનું શરીર પડતું મેલ્યું હોય !
‘મારે આ ઘટના શોભનાને કહેવી જોઈએ..’ પ્રકાશે, કમ્પ્યુટરમાં રત શોભના સામે જોઈ લીધું.
‘શું કરવા કહેવી જોઈએ ?’ પ્રતિ સવાલ પ્રગટ્યો : ‘કહેવાનું કોઈ કારણ ?’
મનની ભાંગજડ વચ્ચે સમય પસાર થઇ ગયો.રાબેતા મુજબ લંચ શોભના સાથે તેનાં બોક્સમાં જ લીધું. તે દરમ્યાન કશી વાતચીત થઇ નહી.બંને પોતાની દુનિયામાં ખોવાઇ ગયાં હતાં.આવું ઘણીવાર બનતું. પણ આજની સ્થિતિ જરા જુદી હતી. તે પ્રકાશ જ જાણતો હતો.તેનું ચિત ચગડોળે ચઢ્યું હતું.અનેક સવાલો તર્કવિતર્ક સાથે, કમ્પ્યુટરમાંથી પ્રિન્ટ નીકળે તેમ નીકળ્યા કરતી હતી. કમાન્ડ આપ્યા વગર...
ઓફીસ છૂટ્યા બાદ શોભનાને પોઈન્ટની બસમાં બેસાડી પ્રકાશ ક્વાર્ટર પર આવ્યો. તાળું ખોલતા પહેલા એમ જ ઊભો રહ્યો.‘આ અને આટલી જ છે પોતાની દુનિયા ?’પ્રશ્ન મનની સુંવાળી જગ્યા પર ઘચરકો કરી ગયો. સવારે ઉઠવું, મોર્નિંગવોકમાં જવું પછી ઓફીસ, શોભના ને પાછું આ ઘર, સોરી ક્વાર્ટર...
-બસ આ છે દુનિયા...
આજે પહેલીવાર બંધ દરવાજો આંખોમાં ખૂંચ્યો.યંત્રવત તાળું ખોલ્યું.તાળામાં ચાવી ફેરવવાનો પણ થાક લાગ્યો. કંટાળો આવ્યો...
સાંજે ઘરે આવીએ ત્યારે દરવાજે આવકારનારું કોઈ ઊભું હોવું જોઈએ.હાથમાંથી બેગ લઇ લે, પછી પાણીના ગ્લાસ પૂર્વે સ્મિત આપે...ને દિવસભરનો થાક ગાયબ થઇ જાય.
-અમથું જ કહ્યું છે ધરતીનો છેડો ઘર !
ધબ દઈને સોફા પર બેસી ગયો. દરરોજ તો પહેલા ફ્રેશ થાય, ટપાલો જુઓ...કોઈ સામયિક આવ્ય હોયતો પાનાં ઊથલાવે પછી રાતના વાળુ માટે જાતે ખીચડી પકાવે...થોડીવાર નેટ ચાલુ કરે. ક્યારેક ગમતી વેબસાઈટ જુએ અથવા વાંચતા-વાંચતા ક્યારે ઊંઘ આવી જાય તેની ખબર રહે નહી.પણ આજે સવારથી જ ક્રમ ખોરવાઈ ગયો હતો. સઘળું છિન્નભિન્ન થઇ ગયું હતું.
ઊંઘ આવતી નહોતી એટલે નેટ ખોલ્યું....એવી વેબસાઈટ જોતા પૂર્વે ઈ-મેઇલ ચેક કર્યું. તેમાં એક મેસેજ હતો
- અંકલ ! અંજુ આન્ટીને હેલ્પ કરશો તો કારણ વગરના મુશ્કેલીમાં મુકાઇ જશો.
****