Khoufnak Game - 11 - 1 in Gujarati Horror Stories by Vrajlal Joshi books and stories PDF | ખોફનાક ગેમ - 11 - 1

Featured Books
Categories
Share

ખોફનાક ગેમ - 11 - 1

ખોફનાક ગેમ

વ્રજલાલ હિરજી જોષી

ટાપુનો અંત

ભાગ - 1

એ સાંકડી, અજગરની જમે વાંકી-ચૂકી ચાલી જતી પગદંડી પર તેઓ ચાલ્યા જતા હતાં.પગદંડી ક્યારેય પથ્થરો વચ્ચે તો ક્યારેક ઊંચી-સીઘી, સપાટ દીવાલોની વચ્ચે તો ક્યારેક એકદમ ટેકરીઓની ટોચ પર થઇને ચાલી જતી હતી. ટોચની બંને તરફ ભયાનક ઊંડાણવાળી ખીણો હતી. ચાલતા-ચાલતાં તેઓ થાકથી અધમૂવા થઇ ગયા હતા. તેઓનો ગોરો ચટ્ટો રંગ શ્યામવર્ણો થઇ ગયો હતો. હોઠ પર સુકાઇને પોપડી જામી ગઇ હતી. પર્વતની ટોચો પર નીકળતી અગ્નિના તાપથી ચામડી તરડાઇ જતી હતી. તેઓ રાત આખી જાગતા બેસી રહ્યા હતા. ટાપુ પર આવ્યા પછીની તે ભયાનક રાત હતી. સવારના વહેલા તેઓએ મુરારીબાબુના દેહના અગ્નિસંસ્કાર કર્યા પછી ત્યાં વહેતા ઝરણામાં નાહીને આજુ-બાજુના વૃક્ષો પરથી ફળો ઉતારીને ખાધાં, ત્યારબાદ તેઓ સામે દેખાતી પહાડીઓ તરફ આગળ વધ્યાં. તેઓની મંઝીલ અત્યારે આદિત્ય સુધી પહોંચવાની હતી. તેઓ જેમ બંને તેમ આદિત્યને લઇને આ ટાપુ છોડી જવા માંગતા હતા.

બપોરનો સૂર્ય માથા પર આવ્યો ત્યારે તેણે ઘણા આગળ નીકળી ચૂક્યા હતા. જેમ તેઓ આગળ જતા હતા. તેમ તેમ જંગલ ઓછું થતું જતું હતું અને દરિયો પણ દૂર થતો જતો હતો. ચારે તરફ વેરાન પહાડીઓ જ નજરે ચડતી હતી. તેઓની સાથે વાનર-માનવ હતો. તે તેમને રસ્તો બતાવતો હતો. તે ઘાયલ થયેલો હતો. છતાં પણ સ્ફૂર્તિથી સૌની આગળ ચાલતો હતો.

બપોરનો તેઓ એક તરફ ઝૂકી ગયેલી એક ચટ્ટાનની નીચે આશરો લીધો. અહીં ઠંડક હતી, તાપ ઓછો લાગતો હતો અને સૂર્ય પ્રકાશ પણ આવતો ન હતો. દોડા-દોડ અને રાત્રીના ઉજાગરાના થાકથી તેઓને ઊંઘ આવી ગઇ પણ વાનર માનવ તેઓની પાસે જાગતો બેઠો હતો.

સૌ જાગ્યા ત્યારે સૂર્ય પશ્ચિમ દિશા તરફ ઢળી રહ્યો હતો. કલરવ કરતાં પક્ષીઓ જંગલ તરફ પ્રયાણ કરતાં નજરે ચડતા હતા. ત્રણ કલાકની નીંદર થતાં સૌના શરીરમાં તાજગી છવાઇ ગઇ.

ધરતીના પડ પર ધીરે ધીરે મનહુસ અંધકાર છવાતો જતો હતો.

“રાત્રીના આપણે ક્યાંક આશરો લેવો પડશે. મને લાગે છે કે કાલે બપોર સુધી આપણે સામે દેખાતી ઊંચી ઊંચી પહાડીઓ સુધી પહોંચી જશું...” થાકેલો કદમે મોઢા પરથી પરસેવો લૂછતાં પ્રલય સામે જોયું.

“આપણે બને તેટલું અંતર રાત્રીના જ કાપી નાખીએ તો સારું. તે પહાડીઓ સુધી પહોંચ્યા પછી પણ આપણે પહાડીની અંદર મોરિસનું ગુપ્ત સ્થાન કયાં છે. તે શોધવું પડશે...માટે આપણે રાત્રીના બાર એક વાગ્યા સુધી ચાલતા રહીશું.” કદમ તરફ વાત્સલ્ય ભરી નજરે જોતાં પ્રલયે કહ્યું.

“રાત્રીના વિશ્રામ માટે આપણને ક્યાંક સુરક્ષિત જગ્યા પણ મળવી જોઇએ ને...અહીં તો ચારે તરફ મોત પોતાનું જડબું ફાડીને બેઠું હોય. તેવું લાગે છે...” સૌથી આગળ ચાલતો વિનય ચાલતાં ચાલતાં અટકી જઇને બોલ્યો.

“એ વાત પણ સાચી છે. નહિતર રાત્રીના વિકરાળ પહાડીઓ પર ગમે ત્યારે મોત રૂપી ખતરો આપણને ગળી જશે...” કદમે કહ્યું.

આગળ વધતાં એક ઊંચી પહાડી પરથી નાનું ઝરણું નાચતી કૂદતી અલ્લડ કન્યાની જેમ નીચે ઊતરતું દેખાયું. તેઓ ઝરણા પાસે ગયા. હાથમોઢું ધોઇને ધરાઇને ઝરણાનું પાણી પીધું અને સાથે લાવેલાં થોડાં ફળ ખાધા.

ચંદ્રમાં વાદળોની વચ્ચે છુપાઇ ગયો. આસમાનમાં ક્યાંક ક્યાંક વીજળીનો ચમકારો પણ થતો હતો. વાદળોથી ઘેરાયેલું આકાશ ક્યારે વરસી પડશે તે નક્કી ન હતું. ચારે તરફ ઊંચી-ઊંચી ફેલાયેલી વેરાન પહાડીઓ ભૂત જેવી ભયાનક દેખાતી હતી. ટોર્ચના આછા પ્રકાશમાં તેઓ આગળ વધતા હતા.

આગળ જતાં પહાડીઓની તળેટીમાં સપાટ મેદાન આવ્યું થાકેલા સૌ ત્યાં જઇને બેઠા.

“અહીં જ આપણે રાત્રિનો વિરામ લઇ લઇએ. પછી આગળ ફરીથી પહાડીઓ જ શરૂ થાય છે. કદાચ આવુ સપાટ મેદાન નહીં મળે...” બોલતાં બોલતાં વિનય ધરતી પર લાંબો થઇને સૂઇ ગયો.

“ઠીકછે. ચાલો તો આરામ કરીએ...પણ તાપણું સળગાવવા માટે અહીં ક્યાંય સૂકાં લાકડાં મળે તેવું લાગતુ નથી...” કદમ ચારે તરફ નજર ફેરવી જોતાં કહ્યું.

“અહીં વેરાન પહાડીઓ વચ્ચે જંગલી જાનવર આવે તેવી શક્યતા ઓછી છે. આપણે આજુ-બાજુમાં જ સૂઇ રહેવું એ આપણામાંથી કોઇ એક જણ વારાફરતી જાગતું રહે તો સારું...” કેમ કે વાનરમાનવ પણ બિચારો થાકી ગયો હશે.

“પ્રલય...તારી વાત સાચી છે. ચાલો તું અને કદમ સૂઇ જાઓ, હું રાત્રીના બે વાગ્યા સુધી જાગતો બેઠો છું. પછી હું કદમને ઉઠાડીને સૂઇ જઇશ...”

દૂર દૂર પહાડોની ટોચ પર સળગતી આગની જવાળાઓ દેખાઇ રહી હતી. પણ તેઓ તેનાથી દૂર નીકળી ગયા હોવાથી ત્યાં વાતાવરણમાં ઠંડક પ્રસરેલી હતી અને ધુમ્મસ છવાયેલું હતું. સાથે મંદ-મંદ પવન પણ લાગતો હતો.

રાત્રીના લગભગ બે વાગ્યાના સમયે વિનયે કદમને જગાડ્યો અને પોતે સૂઇ ગયો. ભરપૂર નીદરમાંથી જાગેલા કદમને ઠંડી હવાને લીધે હજુ પણ ઝોંકા આવી રહ્યાં હતા. તે પ્રલય અને વિનયની બાજુમાં જ બેઠો હતો. બેઠાં-બેઠાં તે ટાપુની આ સફર વિશે વિચારી રહ્યોહતો. તેના મનમાં આ સફરનાં સાહસો કોઇ ચલચિત્રની જેમ દોડી રહ્યાં હતાં. અદ્દભૂત હતી તેઓની આ સફર કોઇ અંગ્રેજી મુવીમાં દેખાતી સનસનાટીની જંગલની સ્ટોરી જેવી લાગતી. ખિસ્સામાંથી મુરારીબાબુએ આપેલી સિગારેટને કાઢી અને સળગાવી પછી તે નિરાંતે દમ ભરવા લાગ્યો.

હજુ થોડો સમય વીત્યો હતો. કદમે સિગારેટનો છેલ્લો દમ ભરી ઠૂંઠાનો “ઘા” કર્યો.

અચાનક વેરાન સન્નાટામાં ખોફનાક ચીસો ગુંજી ઊઠી.

કદમ ચમકીને ઊભો થઇ ગયો. શું થયું તે તેની સમજમાં ન આવ્યું. અંધકાર એટલો ગાઢ હતો કે હાથને હાથ દેખાતો ન હતો. તેણે ઝડપથી બાજુમાં પડેલી ટોર્ચ ઉપાડી અનેચાલુ કરી અને ચારે તરફ પ્રકાશ નાખવા લાગ્યો.

“શું થયું...? શું થયું...” કરતાં ચીસોના અવાજ સાંભળીને પ્રલય તથા વિનય બંને ઝબકીને જાગી ગયા.

ચીસોનો અવાજ તેઓથી થોડે દૂર એક શિલા(પત્થર) પર સૂતેલા વાનર-માનવનો હતો. કદમ, પ્રલય અને વિનયને જવાબ આપ્યા વગર તે તરફ દોડ્યો.

વાનર માનવની ચીસો એક પછી લગાતાર ગુંજતી હતી. કદમ ત્યાં દોડી ગયો. ટોર્ચના આછા પ્રકાશમાં કદમે ત્યાંનું ર્દશ્ય જોયું. તે ર્દશ્ય ખૂબ જ ભયાનક અને હ્રદય વિદારક હતું.

વાનર માનવ જમીન પર પડ્યો-પડ્યો કારમી વેદનાથી તરફડતો હતો અને માની ન શકાય તેવા ઉંદર કરતાં મોટા કદમ ધરાવતા અને શરીર પર મોટા-મોટા ડંખના આંકડા ધરાવતા આફ્રિકાના જંગલમાં થતા ઝેરી કીડાઓ સળવળતા હતા. અને જખ્મી વાનર-માનવના દેહમાંથી માંસ તોડી-તોડીને ખાતા હતા. તો કાંઇ લોહી ચૂસતા હતા. વાનર-માનવ હાથથી તે કીડાઓને ઉખેડવાનો પ્રયત્ન કરતો હતો અને ચીસો નાખતો હતો.

કદમના રૂંવાટાં ઊભાં થઇ ગયા. કદમે જલદી હાથની ઝાપટી મારીને કીડાઓને ઉખેડવાનો પ્રયત્ન કર્યો કે તરત એક કીડો તેના હાથની આંગળીના ટેરવા પર ચોંટી ગયો. કદમના મોઢામાંથી ચીસ નીકળી ગઇ. તે તરત જ પાછળ હટી ગયો અને બીજા હાથની ઝાપટની કીડાને દૂર કર્યો. તેની આંગળીમાંથી લોહી વહેલા લાગ્યું. નજીક આવી પહોંચેલા પ્રલય અને વિનય પણ આ ર્દશ્ય જોયું. પણ તેઓની નજર વાનર-માનવ પર પડી, તેઓ દહેશત સાથે જોઇ જ રહ્યા.

પ્રલયે કદમના હાથમાંથી ટોર્ચ લઇને વાનર-માનવ પર નાખી, વાનર-માનવનાં પૂરા શરીર પર કીડાઓ ચોંટી ગયા હતા.

“આ તો કીડાઓ છે...” ઊંડો શ્વાસ લઇ પાછળ નજર ફેરવતાં પ્રલય બોલ્યો.

“કીડાઓ...? આટલા મોટા કદના...? આશ્ચર્ય અને ભય સાથે વિનયે પૂછ્યું.

કદમ હજી પોતનો હાથ પકડીને ઊભો હતો. તેના હાથમાંથી કારમી વેદના થતી હતી.

“વિનય, આ આફ્રિકાના જંગલમાં થતા માનવ ભક્ષી કીડાઓ છે. પણ તે આટલા મોટા નથી હોતા...તને યાદ છે. મુરારીબાબુએ કહ્યું હતું. મોટા કદના કરોળિયા, છીપકલીઓ અને કીડાઓ વિશે ? બસ...આ મિ. મોરીસના આવિષ્કારથી જ આટલા મોટા થઇ ગયા છે.”

“હવે, આનું શું કરશુ...?” બીજા હાથેથી હાથની આંગળી દબાવતાં ભયભર્યા સ્વારે તરફડતા વાનર-માનવ સામે જોતાં કદમ બોલ્યો.

“કદમ...હવે આના માટે આપણે કશું જ કરી શકીએ તેમ નથી. આદમખોર કીડાઓની ચુંગલમાંથી તેને છોડાવવો અત્યંત મુશ્કેલ છે. અને કદાચ છોડાવી લઇએ તો પણ અત્યાર સુધીમાં તેના શરીરનાં અંગ-તંગને કીડાઓએ ફોલી ખાધું છે. તેથી તેનું બચવું મુશ્કેલ છે.

ત્રણે ચીસો નાખતા તરફડતા વાનર માનવને દહેશત સાથે જોઇ રહ્યા.

આદમખોર કીડાઓની સંખ્યા વધી ગઇ હતી. વાનર માનવના શરીરમાંથી ઠેક-ઠેકાણે માંસના લોચા દેખાતા હતા અને તેમાંથી લોહીની ટસરો ફૂટીને વહેતી હતી. કીડાઓ પોતાના ડંખથી તાજા જખ્મનું માંસ ખાતા હતા. ભય અને પીડાથી તરફડતા વાનર-માનવની આંખો બહાર ધસી આવી હતી. પ્રલય કદમ અને વિનયના હ્રદય કમકમી ઊઠ્યાં.

“પ્રલય...આવું કેમ બન્યું. કીડાઓએ વાનર-માનવ પર હુમલો કર્યો. તે આપણાતી દૂર હતો પણ આપણે પર ધરતી પર જ સૂતા હતા અને અહીં તો કીડાઓના રાફડા જ હશે ?”

“વિનય...પહેલું કારણ તો એ છે કે વાનર માનવ જખ્મી હતો. તે કીડાઓને તેના લોહીની ગંધ આવી ગઇ હશે તે આપણાથી દૂર હતો. એટલું સારું થયું. નહીંતર તેની સાથે આપણે પણ આદમખોર કીડાઓની ઝાપટમાં આવી ગયા હતા.”

કદમની આંગળી પર રૂમાલનો ચીરો બાંધતાં પ્રલય બોલ્યો.

“હવે આપણે જલદી અહીંથી નીકળી જવું બેહતર છે. નહીંતર વાનર-માનવ પછી આપણે પણ વારો આવી શકે છે.” તરફડતા વાનર માનવ સામે એક નજર કરી વિનયે કહ્યું.

વાનર માનવની તડફડાત લગભગ શાંત થઇ ગઇ હતી. તેનાં શરીર પરની ચામડી લગભગ ગાયબ થઇ ગઇ હતી. તેની જગ્યાએ ફક્ત માંસના લોચા અને લોહી જ દેખાતું હતું. હજુ કીડાઓ તેના શરીર પર ચોંટ્યા હતા.

“હા ચાલો...આ ટાપુ પર આપણો એક જ મિત્ર હતો. તે પણ ખતમ થઇ ગયો.” નિરાશાથી કદમે માથું ધુણાવ્યું.

પણ તેઓ દુ:ખી ચહેરે આગળ ચાલવા લાગ્યા. સૌથી છેલ્લે ચાલતો પ્રલય અને ક્ષણ માટે વાનર-માનવના દેહ પાસે થોંભ્યો. પોતાનો એક સાથી પીડાથી તરફડીને મોતના હવાલે થતો તે જોઇ ન શક્યો. તેણે કમરમાં ખોસેલી રિર્વોલ્વર કાઢી અને વાનર-માનવની સામે તાકીને ફાયર કર્યો. ધડામ...રિર્વોલ્વરમાંથી ધમાકો થયો અને વાનર-માનવ છેલ્લી તરફડીને શાંત થઇ ગયો. કદમ અને વિનયે પોતાની ગરદન ફેરવી પાછળ જોયું. પછી ત્રણે જણ આગળ વધી ગયા.

કાળી કાજળ ઘેરી, અંધારી રાત્રી અને સુમસામ વેરાન પહાડીઓ પર તેઓ ટોર્ચના આછા પ્રકાશમાં આગળ વધતા હતા. ચારે તરફ નિસ્તબ્ધતા વ્યાપી ગઇ હતી. ક્યારેક ક્યારેક રાત્રીના નિશાચાર પ્રાણીઓની ચીસોથી તે વિસ્તાર ખળભળી ઊઠતો હતો પણ ફરીથી એ જ મનહુસ સન્નાટો ફેલાઇ જતો હતો.

કડડડડ ધડુમ...ભયાનક ગર્જણના અવાજ સાથે એકા એક વીજળી આકાશમાં ક્યાંકથી પ્રગટ થઇ અને એક ઊંચી ચટ્ટાન સાથે ટકરાઇ. ખોફનાક અવાજ સાથે ચારે તરફ પ્રકાશ ઉજાગર થયો. ક્ષણભરના પ્રકાશમાં ત્યાંનું વાતાવરણ એકદમ બિહામણું લાગતું હતું

“બાપ રે...આટલી મનહૂસ રાત તો ક્યારેય જોઇ નથી.” મોં પરથી વરસાદના પાણીને ઝાટકતાં વિનય બોલ્યો.

“આજની રાત આપણા માટે ઘણી જ ખરાબ છે...એક આફત જાય છે અને બીજી આફત આવી જાય છે...” કદમે કહ્યું.

“અત્યારે કોઇ એવું સ્થળ પણ નજરે નથી ચડતું કે જ્યાં આપણે આશરો લઇ શકીએ...” વીજળીના ચમકારાના પ્રકાશમાં ચારે તરફ પ્રલયે નજર ફેરવી.

વરસાદ પૂરા જોશમાં ચાલુ હતો. સ્પાર્ક સ્પાર્કના અવાજ સાથે કુદરતનો કોરડો ઊંચી-ઊંચી રાક્ષસી ચટ્ટાનો પર વીંઝાતો રહ્યો અને ભયાનક ગર્જના રૂપી ચીસો અને તેના પડઘા વાતાવરણમાં ખોફ ફેલાવતા હતા.

ભયાનક વરસાદ વચ્ચે માંડ-માંડ આંખો ખોલતાં તેઓ સાચવીને ચાલતા હતા. વરસાદને લીધે લીસી ચટ્ટાનો વધુ લીસી બની ગઇ હતી. પગ લપસતાં જ કેટલાય ફૂટની ઊંડી ખાઇઓમાં જઇ પડવાનો ખતરો હતો. ક્યાંક, ક્યાંક તો માર્ગ એટલો સાંકડો આવતો કે તેઓને એક બીજાને હાથ પકડી પહાડ રૂપી દીવાલ સરસી પીઠ કરી ધીરે-ધીરે તે રસ્તો પસાર કરવો પડતો હતો.

વાતાવરણમાં થતી વીજળીના પ્રકાશના લિસોટા સાથે તથા ભયાનક કડાકાઓના અવાજથી પહાડીઓ ધ્રૂજતી હતી. વીજળી પહાડી પર ત્રાટકતી હતી. ત્યારે એવું લાગતું હતું કે મોટી-મોટી શિલાઓ હમણાં જ ધરાશય થઇ જશે.

ચારે તરફ નજર કરતાં કશુંય દેખાતું ન હતું. કાનના પડદા ફાડી નાખે, રોમ-રોમ થરથરાવી નાખનાર ગર્જણના અવાજો એટમ બોમ્બના વિસ્ફોટની જેમ અથડાતા હતા. આખી રાત તેઓ ભયાનક તોફાન વચ્ચે ચાલતા જ રહ્યા. ધીમે ધીમે તે મનહૂસ રાત્રીનો સમય પસાર થઇ ગયો.

જોત જોતામાં કાળું ડિબાંગ આસમાન રક્તમય બની ગયું. પૂર્વીય ક્ષિતિજ પર આગ જેવી લાલિમા છવાઇ...રક્ત તિલક જેવી તે લાલિમા ધીરે-ધીરે ક્ષિતિજ પરથી આસમાનમાં ફેલાતી ગઇ અને પછી સૂર્યનો સળગતો ગોળો તેની વચ્ચે ઊપસી આવ્યો.

આખી રાત આફતોનો સામનો કરતા ચાલતાં ચાલતાં તેઓ થાકી ગયા હતા. ઉજાગરા અને થાકથી આંખો એકદમ બળતી હતી અને પૂરા શરીરમાં કળતર ઊપડતી હતી. સવારનો ઉજાસ થતાં ચારે તરફનું ર્દશ્ય ઉજાગર થતું હતું. ચટ્ટાનોભર્યો ટેકરીઓવાળો રસ્તો પસાર કરી તેઓ અત્યારે સીધી કેડી જેવા રસ્તા પર ચાલી રહ્યા હતા. આગળ થોડા થોડા અંતરે વૃક્ષો છવાયેલા દેખાતાં હતા. એક પહાડી પાસે નાનું ઝરણું વહેતું હતું અને ત્યાં એક ઘટાદાર વૃક્ષ પણ હતું. થાકેલા ત્રણે ત્યાં વૃક્ષની છાયામાં આવીને બેઠા. થોડીવાર તેઓ બેઠા જ રહ્યા. પછી શરીરમાં થોડા હામ આવાતં ઊભા થયા. સવારનો નિત્યક્રમ પતાવી અને ઝરણામાં ધરાઇને નાહ્યા અને ઝરણાનું ઠંડુ અમૃત જેવું પાણી ધરાઇને પીધું. પછી તે વૃક્ષની નીચે તેઓ સૂઇ ગયા. તેઓ બહુ વાર સૂતા ન હતા. લગભગ એક કલાક નીંદર માણી. જ્યારે જાગ્યા ત્યારે તેઓ એકદમ સ્ફૂર્તિમાં આવી ગયા હતા.

સખત ભૂખ લાગી હતી પણ તેઓ પાસે ખોરાકમાં કંઇ જ ન હતું અને આજુબાજુ ચક્કર લગાવ્યા પછી પણ કોઇ ફળનું ઝાડ તેઓની નજરે ચડ્યું નહિ.

“કદમ...જો સામે દીવાલ જેવી ફેલાયેલી ચટ્ટાનો દેખાય છે ને તે ચટ્ટાનોની અંદર જ ક્યાંક મોરીસનું ગુપ્ત નિવાસસ્થળ હોવું જોઇએ.”

ચાલતાં-ચાલતાં લગભગ બે કલાકના સમયે તેઓ ચટ્ટાનોની બનેલી દીવાલો પાસે પહોંચ્યા.

ચારે તરફ ભયાનક સન્નાટો પથરાયેલો હતો. એ સ્થળ ખૂબ જ ખોફનાક હતું. બંને તરફની પહાડીઓ પર ભીમકાય શિખરો આકાશની ઊંચાઇને ચૂમી રહ્યાં હતા. પશ્ચિમ તરફના ભાગમાં એકદમ ઢોળાવ જેવુ મેદાન દેખાતું હતુ. તેની આગળ નાની-મોટી ટેકરીઓ ફેલાયેલી હતી. આ બધા ઉપરાંત વધુ ભયાનક લાગતો હતો ત્યાંનો સન્નાટો ક્યાંક કોઇ જ પશુ, પક્ષી કે કાંઇ જ દેખાતું ન હતું. વાતાવરણની નીરવ ભયાનકતાએ પહેલાં ક્યારેય તેઓને આટલા પ્રભાવિત કર્યા ન હતા...શૂન્યમાં ફેલાયેલો સન્નાટો જાણે તેઓને ખાવા દોડતો હતો.

“સાચે જ ઘણો જ ભયાનક એરિય છે.” વિનયે ચૂપકીનો ભંગ કર્યો. આજે પહેલીવાર વિનય તારા અવાજમાં મને કંપન જણાય છે.’’ પ્રલય ફિક્કુ હસ્યો.

“મને ડર નથી લાગતો...પ્રલય પણ આ વાતાવરણનો પ્રભાવ છે.”

“ખરેખર વિનય...કોઇ વિષે ભયાનક વાતો આપણે સાંભળી હોય પછી ત્યાં જઇએ તો તે સ્થળે ભય અને આશંકા હ્રદયને કોરી ખાય છે. આ ટાપુ પર આવ્યા પછી આપણી સામે હાલતા, ચાલતાં ખોફ જ છવાયેલો રહ્યો છે. ખરેખર હવે જેમ બને તેમ જલદી અહીંથી નાસી છૂટવાનું મન થાય છે. જિંદગીમાં સાવ નીસરતા આવી ગઇ છે.”

***