ડાળને વાળો,બાળને નહીં- @ હસતાં રમતાં @રવીન્દ્ર પારેખ
એવું કહેવાય છે કે છોડને વાળો તેમ વળે,પણ આપણે તેને બધે જ લાગુ પાડીએ તો આપણે વળી જઈએ એમ બને.ડાળીને વાળીએ તેમ તે વળે એની ના નહિ,પણ સૂરજમુખીને સૂર્યથી વિરુદ્ધ વાળો તો તે બળવો કરે.વાળો તેમ વળે-એ વાત ઘણા બેવડ વળી ગયેલાઓને એવી ઠસી ગઈ છે કે ઘણાં માબાપો તેને પોતાનાં બાળકો પર અજમાવે છે ને એટલી પંચાત થાય છે કે પંચાયત બેસાડવી પડે.બાળકો ઈશ્વરનું રૂપ છે,પણ ઈશ્વરને વાળી શકાતો નથી એટલે બાળકોને ઇચ્છાનુસાર પેરન્ટસ વાળ્યા કરે છે.ખરેખર તો બાળકોની દેખરેખ રાખવાની હોય,તેને નજરમાં રાખવાનું ન હોય ,પણ બાળક જન્મે ત્યારથી તેને બધાં જ વાંકુંચૂકું કરતાં રહે છે.બાળક એ ભૂલતું નથી,એ પણ પોતાનો વારો આવે છે ત્યારે વડીલોને વાંકે તેમને પાઠ ભણાવવાનું તે ચૂકતું નથી.
મોટેભાગના માબાપો કે વાલીઓ બાળકોને કારણ વગર ‘વ્હાલી;,’’વ્હાલી’ કરતાં રહે છે ને એ બધાં કંઇ ટૂથપેસ્ટ જેવાં ચોક્ખાં નથી હોતાં.બાળકને એ દરેક વખતે ગમતું હોતું નથી.તે હાથટાંટિયા ઉછાળીને કે રડીને વિરોધ કરે છે,પણ વહાલાઓ ‘વહાલીઓ’ છોડતાં નથી.કોઈએ વાળી નથી હોતી,પણ ડોશીઓ વળી ગયેલી હોય છે એટલે તે પોતાની વહુઓને સલાહ આપતી રહે છે,’ડાળ ને બાળ’તો વાળો તેમ વળે, પણ એ સમજતી નથી,ડાળ પણ નથી વળતી તો બાળ ક્યાંથી વળે?ને શું કામ વળે?બાળકને તેની રીતે વિકસવા દેવું જોઈએ,પણ એ વાત બાળકો સિવાય કોઈ સમજતું નથી.બાળક મોટું થાય તો દુખ,ન થાય તો દુખ.જાડું હોય તો તાપ ને બારીક હોય તો સંતાપ.,કાળું હોય તો ત્રાસ ,ના હોય તો ત્રાસ.બાળક ફરિયાદ કરી શકતું હોત તો છેડતીના ઘણા કેસો સામે આવ્યા હોત.બાળકને આપણે વહેલું મોટું કરી દેવા માંગીએ છીએ.ભૂલેચૂકે જો બાળક‘મા’ બોલી ગયું તો તેનું આવી બને છે.’મા’ બોલ્યું તો ‘મામો’તૈયાર જ છે.હવે ‘મોમ’,’ડેડ’બોલાવવાનું ચાલે છે,તે પતે એટલે એ,બી,સી,ડીનું ચાલે છે.’એ’ બોલો બેટા.’બી’ બોલો બેટી ને એમ એ ,બી,સી,ડી નો ક્લાસ ખૂલી જાય છે.’એ,બોલો જોઉં’,ને બાળક બોલે છે,’તે’ને બધાં હરખાઈ ઊઠે છે.તાળીઓ પડે છે ને બાળક પણ તાળીઓ ઠોકવા લાગે છે.પણ વાત આટલેથી પતતી નથી. વારતહેવારે મહેમાનો આવે છે ને બાળકની કમબખ્તી બેસે છે.એક તરફ જમ જેવાં મહેમાનો છે ને બીજી તરફ બાળક, અનેક સલાહોથી વીંધાતું જતું હોય છે.’બેટુ,અંકલને ‘એ’બોલીબતાવો.’બાળક’તે’ બોલીને બધાંને ખુશ કરે છે,પણ તેને પછી જપવા નથી દેવાતું.એ, પછી બી,પછી સી ને એમ બાપાઓનું ને બાપીઓનું ચાલે તો આખી એ ,બી,સી,ડી પૂરી કરાવે ને ‘જેક એન્ડ જીલ’ સુધી વાત આવે ને બાળક કંટાળીને રડવા લાગે ત્યારે આ જ વાલીઓ ને વ્હાલીઓ ,’ઉલુંલુંલુંલુંલું’બોલીને પટાવવા લાગે છે,’અચ્છે બચ્ચે રોતે નહિ...’ત્યારે સારું છે કે બાળક બોલતું નથી નહિતર સંભળાવે,’અચ્છે,પેરન્ટસ રુલાતે નહિ’એ સારી વાત છે કે પેરન્ટસને બાળક કંઈ જુદું કરે તો તેનો આનંદ થાય,પણ એ બાળક છે એ ખ્યાલ રાખીને હરખ પ્રગટ કરવાનો રહે.ઘણી વાર તો માબાપ બાળકને બીજાઓ સામે નોખું બતાવવાં એવાં જીદે ચડતાં હોય છે કે બંનેમાં બાળક કોણ છે એ નક્કી કરવાનું મુશ્કેલ થઇ પડે છે.બાળક બોલે તો ઠીક છે ના બોલે તોય તે નાનું થઇ જવાનું નથી,કારણકે તે નાનું જ છે.
બાળકને, બાળક રહેવા દેવાના ક્લાસ શરુ કરવા જેવા છે.નવા જમાનાએ બાળકનું બાળપણ એટલું જલદી છીનવી લીધું છે કે હવેનું બાળક પી.એચડી.ના સર્ટિફિકેટ સાથે તો નહિ જન્મેને એવી ફાળ પડે છે.ધારોકે કોઈ બાળક ક,ખ,ગ ને બદલે બારાખડી જ સડસડાટ બોલી જાય તો ગમશે?એ ગમે છે એટલે કારણ તે હાવભાવ વડે,થોડું થોડું કાલુંઘેલું બોલે છે.તે અડધું પડધુ ઊભું થાય છે,પડે છે હસે છે તે જોવાનું કેટલું બધું ગમતું હોય છે.બાળકની નિર્દોષતા જેવું પવિત્ર બીજું કશું નથી.એને જાળવીએ.
પછી એ બાળક થોડું મોટું થાય છે કે માબાપને ત્રાસ થવા લાગે છે.તે થોડું સમજતું થાય છે એટલે માબાપને કેવી રીતે બાનમાં લેવા તે તે જાણી જાય છે.પહેલો પ્રયોગ તે નેપી બગાડવાનો કરે છે.મમ્મી પપ્પા મહેમાનો સાથે રંગમાં આવ્યાં હોય ત્યાં જ બાળક રડવા લાગે છે ને મમ્મીનો નેપી બદલાવ્યે જ છૂટકો થાય છે.બાળક જાણી જાય છે કે મહેમાનો આવે ત્યારે તેમનું ધ્યાન પોતાની તરફ ખેંચાય તે માટે શું કરવું.બધા વાતે વળગ્યાં હશે ત્યાં જ બાળક સ્કૂલબેગ લઈને આવશે ને મમ્મી પપ્પા કે અંકલ આંટનું ધ્યાન ખેંચવા બેગ ખડકીને બોલશે,’મોમ,હોમવર્ક કરાવને!’મમ્મી પહેલાં સમજાવશે,’બેટા,પછી કરાવું છું.’બેટો માની જાય તો,તો એ બેટો જ શાનો?વાત જીદ,બૂમબરાડા ને ધોલધપાટ સુધી પહોંચશે જ ને આખું ઘર ખાલી ન થાય ત્યાં સુધી કંઇ પણ ટાઢું પડશે નહિ.પછી છાશિયું કરતાં મોમ કહેશે ,’ચલ,તને હોમવર્ક કરવું’,પણ ભાઈસાહેબ ત્યારે મિત્રો સાથે ગરબાની પ્રેક્ટિસમાં પડ્યા હોય.
આપણે એટલું સમજી લઈએ કે આજનું સંતાન આપણું બાપ છે.આજે કેજીનું બાળક જે રીતે બૂટમોજાંમાં સજ્જ જતું જોવાં મળે છે એ ઉંમરે આપણને ચડ્ડી પહેરવાનું ય ભાન નો’તું.આપણે જે ઉંમરે પેનથી એકડો સ્લેટ પર ઘૂંટતાં હતાં એ ઉંમરે આપનો દીકરો વર્લ્ડ ક્રિકેટના રેકોર્ડ્સ મોઢે બોલતો હોય છે.આજનો સમય સારો છે કે આપણો સમય સારો હતો એમાં ન પડીએ તો પણ આજની પેઢી શોર્ટ કટથી કે કોઈ પણ રીતે કોણી મારીને પોતાની જગ્યા ઊભી કરી લેશે એવું લાગે છે,એમ કરવું સારું છે કે ખરાબ એનીપન્ચાતમાં ય કદાચ કોઈ નહિ પડે,માત્ર બાળક ધારેલી જગ્યાએ પહોંચે છે કે નહિ એટલું જ મહત્વનું હશે,શું કહો છો?
@@@