જિંદગી ….રમત શૂન્ય ચોકડીની !
પ્રકરણ - ૫
સુધન !!!
આખરે એ હતો કોણ ?
લગભગ આઠ મહિના પહેલાં એ લાવણ્યાનાં જીવનમાં અજાણતાં પ્રવેશ્યો હતો.
'અનસૂયા, બિલકુલ ચિંતા કર્યા વગર તું તારી સખી સુધાને અહીં બોલાવી લે...'લાવણ્યાનાં પપ્પા સુરજે પત્નીને કહેલું.
મૂળ નવસારીનાં - એવી સુધા અને અનસૂયા બન્નેય વર્ષો જુની સખીઓ હતી. અનસૂયા પરણીને મુંબઇ આવી હતી, જ્યારે સુધા નવસારીમાં પરણી હતી. લગ્નનાં ફકત ત્રણ વરસમાં સુધા વિધવા થઈ હતી. એથી અનસૂયાને એની આ કમનસીબ સખી માટે ખૂબ લાગણી હતી. એને એ ક્યારેય કોઈ પણ પ્રકારે મદદ કરવામાં પાછળ ન પડતી. સૂરજ હંમેશ એમાં પત્નીને સાથ આપતો.
એટ્લે જ્યારે સુધાનાં પુત્ર સુધનનો પહેલીવાર અનસૂયા પર ફોન આવ્યો કે, 'માસી, મમ્મીના અમુક મેડિકલ ચેકઅપ માટે મારે મુંબઇ આવવું પડે એમ છે..'તો તરત અનસૂયાએ એમને સીધા ઘરે જ નિમન્ત્ર્યા હતાં.
?????
અનસૂયાની આંખોમાં આંસુઓ હતા. એ બેડરૂમમાં પતિ સૂરજને ધ્રુજતા સ્વરે પૂછી રહેલી, ' મારી સખી સુધા સાથે જ હંમેશ આવું કેમ થાય છે ? '
સૂરજ શું જવાબ આપે ? તમામ મેડિકલ રિપોર્ટ્સ આવ્યાં બાદ સુધાનાં રોગનું નિદાન થયું હતું....ફેફસાનું થર્ડ સ્ટેજનું કેન્સર...
સુધન ભાંગી પડેલો. ન પિતા, ન ભાઈ, ન બહેન ! અફાટ સાગર જેવા સંસારમાં એક માત્ર એની પાસે એની 'મા' હતી અને તે પણ કેન્સર સામે ઝઝૂમી રહેલી.
આવા સમયે ન ફકત અનસૂયા - સુરજે, લાવણ્યા અને એનાંથી સાત વરસ નાના ભાઈ મલયે પણ સુધનને પૂરેપૂરો ટેકો આપ્યો હતો. ઘરની જ કોઈ વ્યક્તિની સેવા કરતાં હોય એ રીતે લાવણ્યાનાં પરિવારે એની માતા સુધાની ખડે પગે સેવા કરેલી.
ડોક્ટરોની પૂરી ટ્રીટમેન્ટ તેમજ કોશિશ હોવા છતાં ત્રણ મહિનાની સઘન સારવાર બાદ સુધાએ ત્રીજા મહીને સ્વર્ગવાટ પકડી હતી.
માતાનાં ગયા બાદ સુધન તદ્દન એકલો પડી ગયેલો. એ ઘોર હતાશામાં સરી પડેલો. અનસૂયા માટે સદગત સખી સુધાનો પુત્ર સુધન પોતાનાં મલય કરતાંય વિશેષ હતો.
એટ્લે અનસૂયાએ પતિ સૂરજ પાસે સુધનને પોતાની નજર સમક્ષ મુંબઇમાં રાખવાની ઇચ્છા વ્યકત કરેલી.
હંમેશની જેમ સુરજે પત્નીની ઈચ્છાને માન આપ્યું હતું. સૂરજ અને સુધન બંન્નેય એક દિવસ નવસારી જઇ બધો અસબાબ સમેટી લાવેલા.
ધીરે ધીરે સુધન, અનસૂયાનાં મમતાળુ સ્વભાવ અને લાવણ્યાનાં માયાળુ સાથથી સ્વસ્થ થઈ રહેલો.
?????
દુનિયામાં વિઘ્નસંતોષીઓનો દુકાળ ક્યારેય પડ્યો નથી અને પડવાનો નથી. હા, સુધનનું લાવણ્યાનાં ઘરે થયેલું આગમન શલ્યનાં કુટુંબીઓને ખાસ રૂચ્યું ન હતું. એમાંય શલ્યની ઘરે પાછી ફરેલી ડિવોર્સી ઝઘડાળુ મોટી બેન આશાને તો આ સ્હેજેય પસંદ ન પડયું.
શલ્યની બેન આશા આમ પણ પહેલેથી લાવણ્યાનાં રૂપ-રંગ અને એનાં માધુર્યભર્યા સ્વભાવની થતી પ્રસંશાથી દાઝતી. કુંવારા અને યુવાન સુધનના અનસૂયા-સુરજને ત્યાંનાં સાત-આઠ મહિનાનાં રોકાણનો સરવાળો કરી એણે ટેકસાસ યુનિવર્સિટીમાં ભણી રહેલાં શલ્યનાં કાન ભંભેર્યા હતા.
'જો ભાઈ, દુનિયા તો આમ પણ બોલે અને તેમ પણ બોલે ! પણ હું ચોખ્ખું કહીશ. તારી બૈરી રાત - દિવસ પેલાની સાથે રખડે છે. તેં 'ના ' કહી તો પણ એ આગળ ભણી. તારી અને આપણાં ઘરનાંની ઇચ્છા વિરૂદ્ધ હવે એ નોકરી પણ કરે છે. બન્નેય સવારે સાથે જ ઓફિસે જવા નીકળે અને રાત્રે આવવાનો કોઈ સમય નક્કી નહીં પણ એ બન્નેય સાથે આવે એ નક્કી......'
શલ્ય મૂળે સ્હેજ વહેમિલો અને ડંખીલો તો ખરો. એમાં વારંવારંની બેન આશાની કાન ભંભેરણી અને બીજી તરફ સાથે અભ્યાસ કરતી મૂળ ભારતીય પણ અમેરિકન નાગરિક તરીકે જન્મેલી શ્યામલી તરફ એનું ખેંચાઈ રહેલું મન.
લાવણ્યાએ આગળ અભ્યાસ શરૂ કરેલો ત્યારેય એ ભડકેલો, ' તારે હવે આગળ માસ્ટર કરવાની શી જરૂર છે ? રહેવા જ દે જે ! '
શલ્ય ઇચ્છતો નહોતો કે એની ગેરહાજરીમાં એની ખૂબસુરત પત્ની વધુ અભ્યાસ માટે કૉલેજમાં જાય અને અન્ય સાથે હળે-ભળે કે મળે.
જવાબમાં લાવણ્યાએ કહેલું, ' અભ્યાસની કિંમત તારાથી વધુ કોણ જાણે છે શલ્ય ! ખુદ તારી જીંદગી બનાવવા માટે, કારકિર્દી ઘડવા માટે તું મુંબઇ છોડી હજારો કિલોમીટર દૂર ટેકસાસ જતો હોય તો હું કમ સે કમ ચાલીને જઇ શકાય એટલી નજીક કૉલેજમાં ભણવા કેમ ન જઇ શકું ? અભ્યાસ એ મને આનંદ આપતી બાબત છે તો શા માટે ન કરું ?'
ન ફકત અભ્યાસ, અભ્યાસ પૂરો થયા બાદ લાવણ્યાએ સર્વિસ પણ શરૂ કરેલી. એ સમયે પણ શલ્ય ફકત સમસમીને રહી ગયેલો, કેમ કે એનો અને લાવણ્યાનો સંબંધ પતિ-પત્ની હોવા છતાં હજુ ઘણા નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો.
??????
શલ્ય શ્યામલીથી ખૂબ અંજાઈ ગયેલો. બધા સાથે મુકતતા અને હળવાશથી વર્તતી, નખશિશપણે અમેરિકન સંસ્કૃતિમાં રંગાયેલી શ્યામલી જ્યારે શલ્ય એની સાથે છૂટ લેવા ઇચ્છતો, ત્યારે દાદ ન આપતી અને કહેતી, ' કમ ઑન...શલ્ય, યુ આર મેરિડ ! તારે તારી પત્નીને વફાદાર રહેવું જોઈએ.'
શલ્યને આ ખટકતું. અલબત્ત, એ શ્યામલીને ચાહતો ન હતો, પણ એનો સુંવાળો સાથ એને ગમતો. લાવણ્યા તો એની પત્ની હતી અને કાયમ રહેવાની હતી. એ સિવાયના નાના -મોટા અફેર્સમાં ખોટું શું ? બે ઘડી ગમ્મત ! ટાઈમ પાસ ! પછી ભૂલી જવાનું ! આવું તે પોતાનાં માટે માનતો, પણ લાવણ્યા માટે ?
લાવણ્યા પર તો એ પહેલેથી હદ બહારની માલિકીભાવના ધરાવતો હતો.બેન આશાના મ્હોંએ વારંવારં સુધનનો ઉલ્લેખ અને સુધન હવે લાવણ્યાને ત્યાં જ રહેવાનો છે, એવું જાણતા જ એ એનાં સ્વભાવવશ ઉકળી ઉઠ્યો હતો. એણે તે રાત્રે લાવણ્યાને માત્ર ધમકી આપી હતી. એ માનતો હતો કે ડિવોર્સની ધમકીથી લાવણ્યા ગભરાઈ જશે અને એ જેમ કહેશે તેમ કરશે.
?????
'જેટલું હું નથી વિચારતી, એનાંથી વધારે તું મારાં વિશે વિચારીને શા માટે પરેશાન થઈ રહ્યો છે - સુધન ? ' લાવણ્યા અને શલ્ય વચ્ચે ફોન પર થયેલી તડાફડીને ચાર દિવસ વીતી ગયા હતા. માંડ - માંડ માતાને ગુમાવી દીધાંનાં આઘાતમાંથી બહાર આવી રહેલો સુધન લાવણ્યાનાં કસોટીએ ચડેલા દામ્પત્ય-જીવનનાં વિચારોથી પરેશાન હતો.
'મારાં કારણે તારું લગ્નજીવન જોખમાયું હોય તો હું મારી જાતને કઈ રીતે સ્વસ્થ રાખી શકું ? ' સુધનનાં સ્વરમાં રહેલો અફસોસ લાવણ્યાને સમજાતો હતો.
બરાબર એ સમયે લાવણ્યાનો મોબાઇલ રણકી ઉઠ્યો. મોબાઇલ સ્ક્રીન પર શલ્યનું નામ ઝળકયું.
આંખના ઇશારે અને પરસ્પર બન્નેય હથેળીઓને જોડતા સુધને કહ્યું, ' પ્લીઝ, શાંતિથી વાત કરજે અને સમાધાન પણ કરી લે જે ! '
જવાબમાં લાવણ્યાનાં ચહેરા પર એક અકળ ભાવ ઉતરી આવેલો. એણે મોબાઇલ કાને માંડ્યો, ' હાય....'
ક્રમશ:
બહુ જલ્દીથી પ્રકરણ -૬માં મળીશું. શું થશે આ વખતે શલ્ય અને લાવણ્યા વચ્ચે ?? નજીક આવશે કે વધુ દૂર જશે ?
***