Vaishyano antaraatma in Gujarati Moral Stories by Alpesh Karena books and stories PDF | વેશ્યાનો અંતરાત્મા: જાત અનુભવ

Featured Books
Categories
Share

વેશ્યાનો અંતરાત્મા: જાત અનુભવ



આપણે એક એવો સમાજ ઊભો કર્યો છે કે જ્યાં તમને મોટા શહેરોમાં ઑફિશિયલ વેશ્યા અને નાના શહેરોમાં આડકતરી વેશ્યા મળી રહે. "હા, આવું બધું ચાલતું હશે પણ મને ખબર નથી" આવું કહેનાર લોકો પણ મળે ખરા અને કંઇક અંશે સાચા પણ હોય.

બીજી તરફ આપણે પોતે જ એક એવા સમાજમાં જીવી રહ્યા છીએ કે જ્યાં જાહેરમાં ભૂલથી પણ જો સેક્સ, કિસ, સ્તન, વગેરે શબ્દો બોલાય જાય તો તમે જાનવરના પેટમાંથી જન્મ લીધો હોય એમ લોકો તમારી તરફ જુએ. ખેર, આ બધી વાતો તો છે જ છે પણ મારે આજે વાત કરવી છે એક વેશ્યાના અંતરાત્માની...

મારી સ્ટોરીનું ટાઇટલ વાંચીને તમે જો સેક્સના અનુભવ વિશે વિચારતા હોય તો એવું જરાય નથી. અહીં વાત મારે બીજી જ કરવી જ છે.

વાત અમદાવાદ શહેરની છે. આમ મારું વતન પોરબંદર બાજુ ગડું ગામ છે પરંતુ હું પાંચેક વર્ષથી અમદાવાદમાં છું. અંધ વિદ્યાર્થીઓને તેમની પરીક્ષામાં વ્રાઈટરની ખૂબ જરૂર પડે. કારણ કે એને તો દેખાય નહીં એટલે એ બોલે અને કોઈ લખે એમ એ લોકોની પરિક્ષા લેવામાં આવે. એક વખત જવાનો મોકો મળ્યો અને પછી એમ થયું કે હું આવ્યો એમ બીજાને પણ લાવતો થાવ. એમ કરી કરીને ધીમે ધીમે એક આખું ગ્રૂપ ઉભુ કરી આખા અમદાવાદમાં મદદ કરવાની શરૂ કરી.

એ જ અરસામાં એક વખત જવાનું થયું. હું અહી સ્થળનું નામ નથી લખતો પણ વાત અમદાવાદની છે એટલું જરૂર કહીશ. બીઆરટીએસ માથી ઉતરી હું એક કોર્નર પર ઉભો રહ્યો. મારા ફોનની રીંગ ઉપરા ઉપરી ચાલુ જ હતી. એવામાં એક મહિલાએ છી... છી... છી.... એવો અવાજ માર્યો. મે બે ત્રણ વખત તો અવગણ્યો પણ ખરો.

પછી વધારે અવાજના કારણે મે એક વખત સામે જોઈ લીધું એટલે તરત તેણે કહ્યું:- કેમ છોરા કઈ મુંજવણમાં લાગે છે, કેમ આટલા ફોન પર ફોન આવે છે?

'ના બસ એમ જ મારી મથામણમાં' અજાણ્યા સાથે વધુ વાત ના કરાય એવી ઠીક ઠીક રીતે મે મહિલાને જવાબ આપ્યો.

મહિલા આગળ બોલી:- ના, આં તો.... જો તું વધુ સ્ટ્રેસમાં હોય તો લોકો અહીં ફ્રેશ થવા આવે છે તો તું આવી શકે.

પછી મને એના હાવ ભાવથી લાઈટ થઈ ગઈ કે એનો ઈશારો શું છે.

"જો માસી મારી સગાઈ થઈ ગઈ છે અને મને ફ્રેશ થવાનો એવો કોઈ શોખ જ નથી" મે મહિલાને વળતો ઉત્તર આપ્યો.

'તો પછી આટલો તડકામાં પરસેવે રેબઝેબ થઈને અહી કેમ ઊભો છે' મારો પીછો છોડવો જ નોહતો એમ ફરીથી મને મહિલાએ કહ્યું.

"માસી હું અંધ વિદ્યાર્થીને પરીક્ષામાં મદદ કરવા જાઉં છું બાકી બધા લોકો સેટ છે પરંતુ હજુ એક માણસ ખૂટે છે. જો એ નહીં થાય તો છોકરાની ૬ મહિનાની મેહનત પર પાણી ફરી વળશે એટલે બધાને જોઉં છું કે કોઈ કોન્ટેક રહી તો નથી જતો ને..!" મે થોડા ગુસ્સા વાળા મિજાજ સાથે મહિલાને જવાબ આપ્યો.

" હું ૯ ભણેલી છું, મારાથી આવી શકાય તો હું આવવા રેડી છું. જો તને કંઈ વાંધો ના હોય તો..." મને માણસ ગણીને પોતે પ્રાણી હોય એમ ડરતા ડરતા મહિલાએ મને જવાબ આપ્યો.

( પછી મને વિચાર આવ્યો કે સાલું મારા હોસ્ટેલમાં રહેતાં છોકરાઓ અમથી ૩ કલાક વાતોના વડા કરવામાં કે મૂવી જોવામાં કાઢી નાખે છે પણ એક અંધ વિદ્યાર્થની ૬ મહિનાની મહેનત પર પાણી નાં ફરે એનો વિચાર નથી આવતો, જ્યારે સમાજ જેને નીચ કક્ષાની ગણે એવી વેશ્યા આજે "માત્ર કોઈ અંધને માણસની જરૂર છે" આટલું સાંભળીને મદદ માટે તૈયાર થઈ ગઈ. એટલે એટલું નક્કી થયું કે માણસ શરીરના સંબંધથી નહીં પણ મનના સંબંધથી વેશ્યા હોય છે.)

મેં તરત જ ફોન ખિસ્સામાં મૂક્યો અને માસીને કહ્યું તમને ગુજરાતી લખતા તો ફાવશે ને? તેણે કહ્યું આમ તો ઘણા સમયથી લખ્યું નથી પણ લખી તો શકીશ. હું હરખાઈ ગયો અને તરત રિક્ષા કરી પરીક્ષા સ્થળે પહોંચ્યો.

સાહેબ રિક્ષામાંથી ઉતરીને મહિલાએ મને કહ્યું- તું પૈસા નાં આપીશ, તને જોઇને લાગતું નથી કે તું કમાતો હોઈશ. હું જ આપી દવ છું. એમ કરીને તેણે પેલા ડ્રાઈવરને ૩૦ રૂપિયા આપી દીધાં. પરિક્ષા ખંડમાં પોહચી ગયા અને જે વિદ્યાર્થીનું પેપર લખવાનું હતું અમે બંને ત્યાં બેસી ગયા અને ૩ કલાકનો સમય પૂરો થઈ ગયો.

પેલા વિદ્યાર્થીનું પેપર પૂરું થયું પછી સ્વાભાવિક પણે મારી ફરજ બને કે એ મહિલા સાથે હું જ્યાંથી એને લઈ આવ્યો ત્યાં સુધી મુકવા જાવ. ફરી રિક્ષા કરી અને તેના સ્થળે પોહચી ગયા. વચ્ચે ઘણી વાતો થઈ. એ વાતમાં પણ ઘણી નિખાલસતા અને સચ્ચાઈ હતી કે જેમાં જરાય એના કામ સાથે મેચ નોહતું થતું. મતલબ એ થયો કે એ શોખથી ત્યાં નથી. હશે કૈંક મજબૂરી કે એની આ નોબત આવી હશે.

શૈલેષ શગપરિયા ભાઈની વાત યાદ આવી કે ૨૪ કલાક મંદિરમાં ભગવાન સાથે રેહતા પૂજારી કરતાં ક્યારેક એક વેશ્યાનો અંતરાત્મા પણ શુદ્ધ હોઈ શકે. અને આજે આ વાત સાબિત થતાં મારી નજરે જોઈ.

મારી આ વાતનો કોઈ જ અર્થ એવો નથી કે બધી વેશ્યા સારી હોય. કે પછી વેશ્યાવૃત્તિને સપોર્ટ કે પ્રમોટ કરવા માટે પણ આ લેખ મે નથી લખ્યો. બસ મારો અનુભવ તમારી સાથે શેર કરવાની ઈચ્છા થઈ અને લખી નાખ્યું. પણ મિત્રો ખરેખર આ વાત આજે દરેક લોકોને વિચારવી જ રહી..!!