64 Summerhill - 104 in Gujarati Detective stories by Dhaivat Trivedi books and stories PDF | 64 સમરહિલ - 104

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

64 સમરહિલ - 104

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 104

ઝુઝારે જબ્બર ધમસાણ મચાવ્યું હતું. તેની સાવ લગોલગ આવી ગયેલા બે ફૌજીઓ પૈકી એકને તેણે છાતીમાં હથોડા જેવા પંજાનો ઘણ જેવો પ્રહાર કરીને ચત્તોપાટ પાડી દીધો હતો અને બીજા આદમીની ગરદન બળુકા પંજામાં, સિગરામાં પાઈપ ભીંસતો હોય તેમ ભીંસીને મરડી નાંખી હતી. પીછો કરી રહેલા બે આદમીને તેણે મંચ પરથી નીચે ઉતરતા પહેલાં જ ગોળી ધરબી દીધી હતી.

હવે તેના માટે આરપારની લડાઈ હતી.

પોતે રસોડાના તંબુ તરફ લપકે તો આખો ય કાફલો તેનો પીછો કરતો પાછળ ધસે, અને તો પોતાની સાથે બીજા બધા ય ઝલાઈ જાય. અહીં મંચ પર કોઈ આડશ ન હતી. અત્યાર સુધી તેને જીવતો ઝબ્બે કરવા મથતા ચીની ફૌજીઓ હવે વધુ ધીરજ નહિ રાખે. એ ગમે તે ઘડીએ ફાયર કરશે અને તો પોતે આસાનીથી વિંધાઈ જશે. આમતેમ દોડાદોડી કરતાં જઈને તેણે મંચની સામેના ચોગાન તરફ જોયું. અચાનક ફૌજીઓના હડદોલા ખાઈને કાચી ઊંઘમાંથી ઊઠેલા સેંકડો અબૂધ-દેહાતી તિબેટીઓ ગનના ધડાકા-ભડાકાથી રઘવાયા થઈને કલબલાટ કરતાં દોડધામ મચાવી રહ્યા હતા.

ખાસ્સે દૂર મુખ્ય રસ્તા તરફ ખૂલતાં દરવાજામાંથી ફૌજીઓની કુમકને આવતી તેણે મંચની ઊંચાઈ પરથી જોઈ હતી. પાછળ આવતાં અને મંચ ઉપર રહેલાં ફૌજીઓને તેણે પછાડી દીધા હતા. ટેકરીઓ પરથી આવેલા ફૌજી તરફ તેણે ગનના બીજા ત્રણ ફાયર કરીને તેમને ત્યાં જ લપાઈ જવાની ફરજ પાડી અને લાગ જોઈને સીધા જ દેહાતી તિબેટીઓના કલબલતા જમેલા તરફ દોટ મૂકી દીધી.

***

તાન્શીએ વોકીટોકીનું નેટવર્ક જામ કરીને ગજબ અંધાધૂંધી સર્જી દીધી હતી. મેજરે નવી ફ્રિક્વન્સી સેટ કરાવી પણ તેનો સંદેશો તો આદમીઓ રૃબરૃ જઈને પહોંચાડે ત્યારે જ મળતો હતો. પરિણામે ક્યાં શું થઈ રહ્યું છે અને પોતે શું કરવાનું છે એ વિશે ફૌજનો દરેક કાફલો અંધારામાં જ બાચકા ભરતો હતો.

બઘવાયેલા તિબેટીએ ઉતાવળમાં ખચ્ચરની પૂંઠે આર ભોંકીને દેમાર ઝડપે રાંગ તરફ ગાડું ભગાવ્યું. એ તેની ભૂલ હતી. એ સહજ રીતે ગાડું હંકારી ગયો હોત તો રસોડાના તંબુથી ખાસ્સે દૂર રાંગની દિવાલની સમાંતરે તલાશી લઈ રહેલાં બે ફૌજીને ખાસ ખ્યાલ આવ્યો ન હોત. શોટોન મંચ પર મચેલી ધમાલથી તે બંને અજાણ હતા.

પરંતુ ગાડાંની બેબાકળી ઝડપ અને પથ્થરની નક્કર ભોંય પર પછડાતી ખચ્ચરની ખરીના અવાજથી એ બેઉનું ધ્યાન ખેંચાયું. રસોડા તરફથી આવતું ગાડું, તેમાં કચરાના ડ્રમ, કચરાકુંડી તરફની દિશા... ઘડીક તેમને ખાસ અજુગતું ન લાગ્યું પણ ગાડાંની ઝડપ વધારે પડતી હતી.

એ બેઉએ એકમેકની સામે જોયું. રાંગ પાસે ગાડું થોભ્યું એ સાથે જાણે ભૂતાવળ પ્રગટતી હોય તેમ ડ્રમમાંથી ત્રણ આદમીઓ નીકળ્યા. બહાર નીકળીને તરત તેમણે ચોથું ડ્રમ ઊઠાવ્યું અને તેમાંથી કશીક પેટીઓ કાઢી.

ચોંકી ઊઠેલા બેય ફૌજીની રાડ ફાટી ગઈ અને બેય ગાડાં તરફ દોડયા. એ જ ઘડીએ બે ગોળી છૂટી અને માંડ દસેક કદમ દોડીને બેય જવાન ઝાડના ક્યારામાં પછડાઈ ગયા.

એ તાન્શી હતી.

ગાડું રવાના કર્યા પછી ઝુઝારની મદદમાં ગયેલી તાન્શીએ ઝુઝારને છેક મંચની નીચે કૂદતા જોયો. હવે તેની સહાયતામાં જવું અશક્ય જ હતું. ભારે કદમે તે રાંગ તરફ પાછી ફરી અને એ જ વખતે તેણે બે ફૌજીને દોડતા જોયા એ સાથે ગન ચલાવી નાંખી હતી.

***

મેજરે બેય અફસરને ધડાધડ ચાર-પાંચ લાફા વળગાડી દીધા હતા.

ગનના ધડાકા કરતો આદમી સાત-સાત ફૌજીને ગોળી મારીને, જખ્મી કરીને આખી ફૌજની નજર સામે દેહાતી તિબેટીઓના ટોળા વચ્ચે ક્યાં ગાયબ થઈ ગયો હતો તેની ગડ સૂઝતી ન હતી. મંચની સામેના વિરાટ મેદાનમાં દોઢેક હજાર તિબેટી પરિવારો, તેમના માલસામાનના લબાચા અને આડેધડ તાણેલા તંબુઓ... મેજરે ચુસ્ત નાકાબંધીનો આદેશ કર્યો અને એકેએક આદમીની જડતી, ઓળખની ખરાઈ કરાવવા માંડી.

'રાંગ પાસેના ઝાડના ક્યારમાં બે ફૌજી મરેલા પડયા છે' હાંફતા આવેલા આદમીએ શ્વાસભેર ખબર આપ્યા એ સાથે મેજરે રાંગ તરફ દોટ મૂકી.

ડાબી તરફ દૂર ક્યારામાં પડેલી ફૌજીઓની લાશ, જમણે કચરાકુંડી પાસે પડેલું ગાડું, ગાડામાં ત્રાંસા-ઊભા પડેલાં ડ્રમ અને આરામથી કચરામાં મોં નાંખી રહેલાં ખચ્ચર...

ચબરાક મેજર તરત જ તાયફો પામી ગયો. પગથાર પરથી સીધી જ તેણે રાંગ તરફ દોટ મૂકી. અઢાર ફૂટ ઊંચી રાંગ પર જડેલી કાંટાળા તારની વાડ તૂટેલી હતી. સ્નાઈપર રાયફલના કુંદાના જોરાવર ફટકા મારીને તેણે દિવાલમાં ત્રણ-ચાર ઠેકાણે પગ મૂકવા જેવું પોલાણ કરી નાંખ્યું. તેમાં પગ ટેકવીને તે ઊંચો થયો. બહાર નજર કરી એ સાથે તેની છાતીના પાટિયા ભીંસાવા લાગ્યા.

બહાર ક્યાંય દૂર સાત-આઠ આદમી જાણે ચળિતર જોયું હોય તેમ પૂરઝડપે પહાડનો કારમો ઢોળાવ ઉતરી રહ્યા હતા.

જડબા તંગ કરીને મેજર તેમને જોતો રહ્યો. તેણે સ્નાઈપર ગન ઊઠાવી. કાંટાળા તારથી ઉતરડાઈ જતી ચામડીની પરવા કર્યા વગર ભીંત પાછળ એક હાથ લંબાવ્યો. રાઈફલનો કૂંદો ખભા પર ટેકવ્યો. ટેલિસ્કોપના વ્યુફાઈન્ડરમાં આંખ કેળવતા જઈને ધીમે ધીમે નાળચું ઘૂમાવવા માંડયું.

- અને દાંત કચકચાવીને ટ્રિગર પર આંગળી દાબી દીધી એ સાથે રાંગથી લગભગ પોણો કિલોમીટર દૂર નાસી રહેલા ટોળામાંથી એક આદમી ભખ્ખ કરતો ભોંય પર ઝિંકાયો.

*** *** ***

રાંગને અડોઅડ તીવ્ર ખૂણો રચીને સડસડાટ ઢાળ ઉતરતી સિલેટિયા રંગની કરાડ, લપસણા ઢોળાવ પર પથ્થરની છાતી ફાડીને ઊગી નીકળેલા હાથિયા થોરના અડાબીડ ઝુંડ, દૂર ક્ષિતિજ પર વહેલી સવારના વાદળોનો ઘટાટોપ અંબાર અને આછકલા ઉજાસમાં પૂરપાટ વેગે ભાગી રહેલો કાફલો...

'સુરજ ઊગે એ પહેલાં આપણે તળેટી વટીને સામેની પહાડીઓમાં પહોંચવાનું છે...' દદડતા ઝરણા જેવી ત્વરાથી ઢોળાવ પર છલાંગો મારતી તાન્શી કહી રહી હતી, 'મોટી લાંઘ ભરો... નજર સતત ભોંય પર માંડેલી રાખો... શરીરને કમરમાંથી ઝુકાવો... પાછળ તરફ ખેંચેલું રાખીને દોડો...'

ત્રણેક તબક્કે દિશા બદલતા દોઢેક કિલોમીટરના એકધારા ઢોળાવ પછી સાંકડી તળેટી આવતી હતી. તળેટીથી ત્રણ ફાંટા પડતા હતા. જમણી તરફનો તળેટીનો છેડો આછેરા ઘાસના નયનરમ્ય મેદાનો વટીને લ્હાસાના ઉત્તર દરવાજા તરફ જતો હતો. વચ્ચેનો રસ્તો તિંગ-રી નદીના કાંઠાળા જંગલોમાં ભળી જતો હતો અને ડાબી તરફ નેદોંગની અફાટ, દુર્ગમ અને નિર્જન પર્વતમાળા શરૃ થતી હતી.

દિવસ ઊગશે અને જરાક અજવાળું થશે કે તરત હેલિકોપ્ટર તેમના શિકારે નીકળશે જ એવી તાન્શીને ખાતરી હતી. એ પહેલાં પહાડોની આડશમાં પહોંચી જવું જરૃરી હતું. ઢોળાવની બીજી ખાંચ પર કૂદવા તાન્શીએ ફાળ ભરી એ જ સમયે બંદૂકના ધડાકાથી તેના હૈયામાં ફાળ પડી ગઈ.

ક્યાંય આગળ ભાગી રહેલા પહાડના છોરું એવા મુક્તિવાહિનીના ગેરિલાઓ ધડાકાના અવાજથી શરીરને સજ્જડ બ્રેક મારીને સિફતપૂર્વક થંભી ગયા હતા. પીઠ પાછળ બાંધેલા વિનાઈલના ડ્રમના ભાર છતાં ચપળતાથી ભાગી રહેલો ત્વરિત ધડાકાના અવાજથી ચોંક્યો હતો પણ કારમા ઢોળાવ અને શરીરની ગતિનું સંતુલન સાધીને પગને રોકાવામાં તે અડબડિયા ખાઈ રહ્યો હતો.

તેણે પાછળ જોયું. વહેલી સવારના ઠાર અને શ્રમને લીધે આંખોમાંથી ઝમી રહેલા પાણી વચ્ચે તેનાંથી સ્હેજ ત્રાંસમાં દોડતા છપ્પનનો ધૂંધળો, બઘવાયેલો ચહેરો તેને ભળાયો. સરકતી જતી ભોંય પર પગ જડવાના ઉગ્ર પ્રયાસમાં તેના ઢીંચણમાંથી કડેડાટી બોલી રહી હતી તોય તેણે કમરમાંથી આખું ય શરીર મરડીને પાછળ જોયું એ સાથે તેની ચીસ ફાટી ગઈ.

પ્રોફેસર ઊંધેકાંધ ભોંય પર પટકાયા હતા.

'ફોલ ડાઉઉઉઉન...' તાન્શીએ ત્રાડ નાંખી દીધી. આટલા અંતરેથી ય આબાદ નિશાન તકાયું હોય ત્યારે એ સ્નાઈપર રાઈફલ લઈને ઊભેલા નિશાનબાજનું જ પરાક્રમ હોય એ પારખી ગયેલી તાન્શી ફફડી રહી હતી પણ આ હાલતમાં હવે તેણે જ આગેવાની લેવાની હતી.

બઘવાઈને ઊભા રહી ગયેલા છપ્પનને તેણે ધબ્બો મારીને નીચે પાડી દીધો. એ જ ઘડીએ બીજી ગોળી છૂટી હતી. જમીન પર પછડાયેલી તાન્શીએ પ્રોફેસર તરફ ક્રાઉલિંગ કરવા માંડયું ત્યાં સુધીમાં તો ગોળીઓનું ધમસાણ મચી ગયું.

ભૂરાંટે ચડેલા મેજરે ધડાધડ આઠ ગોળીઓ છોડી દીધી અને ટેલિસ્કોપમાં નજર માંડેલી રાખીને જ જવાનોની એક ટીમને રાંગ ઓળંગવા આદેશ કરી દીધો.

આવું થશે જ તેનો અંદાજ માંડીને તાન્શીએ લેટેલી હાલતમાં જ પોતાનો બેકપેક બીજા સાથીદાર ભણી ફગાવ્યો અને પ્રોફેસરની હાલતની પરવા કર્યા વિના જ તેમને ઢસડવા માંડયા. હજુ બીજા સો-દોઢસો મીટર સુધી તેઓ સ્નાઈપરની રેન્જમાં હતા.

માથા પર સનકારા કરતી ગોળીઓ પસાર થઈ રહી હતી અને નાજુક બદનની પણ ગજવેલ જેવો સાબુત મિજાજ ધરાવતી એ રૃપકડી છોકરી શરીરને ભોંયથી ઊંચક્યા વિના પ્રોફેસરને ઘસડતી આગળ વધવા લાગી. તેનું જોઈને બીજા બધાએ પણ ઝડપથી ક્રાઉલિંગ કરવા માંડયું.

'લોહી બંધ નથી થતું...' પાછળ આવતાં કાફલાને ધ્યાનથી નીરખી રહેલી તાન્શી પાસે સરકીને છપ્પને કહ્યું.

રાઈફલના ધડાકા વચ્ચે તળેટીમાં પહોંચીને ત્વરિતે પ્રોફેસરને બે હાથે ઊંચકી લીધા હતા. ખભા પર વજનદાર ડ્રમ અને બે હાથમાં પ્રોફેસરનું વજન ઊંચકીને મજબૂત બાંધાના ત્વરિતે પહાડી તરફ દોટ મૂકી દીધી હતી. ખડકની આડશમાં લપાવા માટે તેઓ સરક્યા ત્યારે ત્યાં પહેલેથી જ દેહાતી કબીલાના આઠ-દસ આદમી હાજર હતા.

કેસીએ હેંગસુન મારફત ગોઠવેલી વ્યવસ્થાનું એ પરિણામ હતું. વર્ષોથી આરપારના જંગની તૈયારી કરી રહેલા કેસીએ બહુ ધીરજપૂર્વક અને લાંબી ગણતરીઓ સાથે આખાય તિબેટમાં વણઝારાઓના કબીલાઓ, વગડામાં વિચરતા ભરવાડો, મરેલા ખચ્ચરનું ચામડું ચિરતા ગેન્માઓ જેવા વર્ગમાં પોતાની વગ વધારવા માંડી હતી અને ધીમે ધીમે પોતાના માણસો ઘૂસાડવા માંડયા હતા.

છપ્પનના સાદથી ચોંકેલી તાન્શી કૂદકો મારતી આડશમાં સરકી. ત્વરિતના ખોળામાં માથું ટેકવી રહેલા પ્રોફેસરની આંખો બોઝિલ બની રહી હતી અને તેમના ખૂનથી ત્વરિતના કપડાં ખરડાઈ ચૂક્યા હતા.

'પીઠમાં છેક નીચે ગોળી વાગી છે અને ખાસ્સું બ્લિડિંગ થઈ રહ્યું છે...' ત્વરિતના ચહેરા પર તંગદીલીના ન્હોર તણાઈ રહ્યા હતા, 'વી શૂડ મૂવ ફાસ્ટ...'

તાન્શી દૃઢતાથી હોઠ બીડીને ઘડીક વિચારતી રહી. એ પછી તેણે વણઝારાના આદમીઓ તરફ જોયું.

દસ મિનિટ પછી...

વણઝારાના પાંચ આદમીઓ તિંગ-રી નદીના જંગલો તરફ ભાગી રહ્યા હતા. થોડેક દૂર જઈને તેમણે પાછળ આવતાં ચીની ફૌજીઓ સામે ધડાકા કરી દેવાના હતા. પોતાની તરફ ફૌજીઓને દોડાવીને ક્યાંય સુધી, શક્ય હોય તો આખો દિવસ તેમને પકડદાવ રમાડવાનો હતો. પકડાઈ ગયા પછી પોતે અફીણના દાણચોર હતા અને ગભરાઈને ભાગ્યા હતા એવી કબૂલાત કરે ત્યાં સુધીમાં તાન્શીની ટીમને પહાડોમાં ક્યાંય આગળ નીકળી જવાનો સમય આપવાનો હતો.

તેમણે એ ભૂમિકા બખૂબી નિભાવી જાણી.

પ્રોફેસરને સખત તાવ ચડયો હતો.

તેમને ગોળી એક જ વાગી હતી પણ ઘાવ જીવલેણ હતો. એમ-૧૪ રાઈફલમાંથી છૂટેલો સાડા પાંચ સેન્ટીમીટર લાંબો કારતૂસ પડખામાં ઘૂસીને છેક અંદર કીડની સુધી ફંટાયો હતો. પીઠમાં કરોડરજ્જુ પાસે માંસના લોચા બહાર આવી ગયા હતા અને ત્યાંથી વહેતું લોહી અટકતું ન હતું.

'સર...' પીઠ પાછળ ડોળી જેવો માંચડો બનાવીને ત્વરિત તેમને ઊંચકીને ભાગતો હતો અને આખા ય રસ્તે સતત તેમને હોશમાં રાખવા પ્રયાસ કરતો હતો, 'સર... આર યુ ઓલરાઈટ?'

જવાબમાં પ્રોફેસર તરડાતા અવાજે કયારેક હોંકારો ભણતા હતા. ક્યારેક તેમના ફાટી રહેલા શ્વાસ ત્વરિતની ગરદન સાથે અથડાતા હતા. ક્યારેક તેમના હોઠ અસંબદ્ધપણે કશુંક ફફડતા રહેતા હતા. ક્યારેક અધખુલ્લી આંખો સ્થિર થઈને શૂન્યની આરપાર કશુંક તાકી રહેતી હતી.

'મારી ચિંતા ન કર..' તેમના અવાજનો રણકો સાબૂત હતો, 'ગમે તેમ કરીને આ બધું ભારત પહોંચાડો...'

તરફડાટ વચ્ચે ય તેમની પ્રબળ જિજિવિષા ત્વરિત સ્તબ્ધપણે અનુભવી રહ્યો.

બપોરે આકાશમાં ત્રણ હેલિકોપ્ટર દેખાયા ત્યારે નાછૂટકે તેમણે તોતિંગ ખડકની આડશમાં લપાઈ જવું પડયું હતું. સદ્નસીબે હેલિકોપ્ટર પહાડી પર અછડતો ચકરાવો મારીને તિંગ-રીના જંગલો તરફ વળી ગયા. એ પછી ફરી દડમજલનો આરંભ થયો હતો. નેદોંગની પહાડી હજુ ખાસ્સી દૂર હતી. એક કારમી ચટ્ટાન વટાવ્યા પછી બીજે દિવસે ત્રણેક કલાકના ઉતરાણ પછી નેદોંગ પહોંચાય તેમ હતું.

નમતી બપોરે તાન્શીએ વિરામ લેવડાવ્યો. ચણા, મકાઈ અને જુવારના લોટમાં ગોળ નાંખેલી બાટી ઉપર લાલ મરચું છાંટીને સૌને પિરસાયું. હેંગસુનનો ભેટો ન થાય ત્યાં સુધી આ બાટી જ એકમાત્ર આધાર હતો.

સૌ બાટી ખાઈ રહ્યા હતા ત્યારે તાન્શી અને મુક્તિવાહિનીનો બીજો એક આદમી ચટ્ટાનની ટોચ પર જઈને કશાક વેલા ખેંચી લાવ્યા હતા. પથ્થર પર વેલા સ્હેજ કચડીને તેમણે હાથિયા થોરનું દૂધ તેમાં મેળવ્યું હતું અને પછી છૂંદાયેલા વેલાને એક કપડામાં બાંધી પ્રોફેસરના ઘાવ પર મુશ્કેટાટ પાટો બાંધવામાં આવ્યો હતો.

પારાવાર દર્દથી અસંબદ્ધપણે કણસી રહેલા પ્રોફેસરે જરાક આંખો ખોલી હતી. તેમનો પાતળો ચહેરો વધુ ફિક્કો લાગતો હતો અને આંખોમાં પીળો, સ્તબ્ધ ખાલીપો અટવાતો હતો. તેમણે આકાશ ભણી જોયું. ત્વરિતની બાજુમાં પડેલી, ભૂરા વિનાઈલના ડ્રમમાં બાંધેલી હસ્તપ્રતોની પેટીઓ તરફ જોયું. તેમના મુરઝાયેલા ચહેરા પર સ્મિત તરી આવ્યું.

'યસ સર...' તેમનો ઉત્સાહ વધારવા ત્વરિત સતત મથામણ કરતો હતો, 'ફાઈનલી યુ હેવ એચિવ્ડ યોર ગોલ... તમે હવે તમારી ક્ષમતા સાબિત કરી શકશો'

જવાબમાં પ્રોફેસરે ભારપૂર્વક ગરદન ધૂણાવી દીધી. ફરીથી હસ્તપ્રતો તરફ જોયું અને પછી આકાશ તરફ ગરદન ઊંચકીને આંખ મીંચી દીધી. આટલી પીડા વચ્ચે ય તેમના ચહેરા પર પરમ સંતૃપ્તિનું ઓજસ ઝળકતું હતું.

હવે આગળની મુસાફરી બહુ જ મુશ્કેલ હતી. ઊભી કરાડ પર ચડવાનું હતું. દરેકના જૂતામાં ક્રેમ્પોન્સ જડવામાં આવ્યા. તિબેટીઓએ ચટ્ટાન પર જઈને દોરડા બાંધ્યા અને દરેકને એસેન્ડર વડે એ દોરડા સાથે જોડી દીધા. સૌથી મોખરે ત્વરિત, તેની પાછળ છપ્પન, વચ્ચે બે તિબેટિયન અને છેલ્લે પ્રોફેસરને ખભા પર ઊંચકીને આગળ વધી રહેલી તાન્શી...

લગભગ દોઢસો મીટર ઊંચી એ ચટ્ટાન પાર કરી ત્યારે પહાડની ટોચ પાછળ સુરજ લપાઈ રહ્યો હતો. અહીં હવે ચારેક કલાક વિરામ લેવાનો હતો. ત્વરિત રાતભર ગમછો પલાળીને પ્રોફેસરના કપાળ પર મૂકતો રહ્યો. રાતભર પ્રોફેસર સનેપાતમાં કશુંક બબડતા રહ્યા અને રાતભર તાન્શી પડખાં ઘસતી રહી.

તિંગ-રીના જંગલો તરફ વણઝારાઓ પકડાયા પછી ચીની ફૌજને પોતે બેવકૂફ બન્યાનો અંદાજ હવે આવી જ ગયો હશે. અહીં સુધી તો હેમખેમ પહોંચ્યા પણ હવે આગળ શું થશે?

મોડી રાતે જ આકાશમાં હેલિકોપ્ટરની કારમી ઘરઘરાટી સંભળાવા લાગી હતી. નીચી સપાટીએ ઊડતા હેલિકોપ્ટરમાંથી પહાડો પર ચારેકોર આતશ ફેંકાતો હતો. હેલિકોપ્ટરમાંથી ફેંકાયા પછી અધવચ્ચે આકાશમાં જ ફૂટે અને ખાસ્સી બે-ત્રણ મિનિટ સુધી સફેદ દૂધ જેવો ઉજાસ રેલાવે એવા વીજ-ફટાકડાની તડાફડી બોલવા લાગી હતી.

'જરાક પણ ચસક્યા વિના જેમના તેમ પડયા રહો...' હેલિકોપ્ટરના અવાજ સાથે જ સતર્ક થઈ ગયેલી તાન્શીએ આદેશ કર્યો. નાઈટ પેટ્રોલિંગનો આ કિમિયો ભાગેડુઓને ગભરાવીને લોકેટ કરવાનો મનોવૈજ્ઞાનિક કારસો હતો. આટલી ઊંચાઈએથી કાળાડિબાંગમાં અંધકારમાં કશું ભળાવાનું ન હોય. વીજ-ફટાકડાના ઉજાસ તળે ય બે-ત્રણ મિનિટમાં કશો અંદાજ આવી શકે નહિ. પરંતુ ગભરાયેલા ભાગેડુઓ હેલિકોપ્ટરની બ્લેડની કારમી ફફડાટી અને ઉજાસ રેલાવતા ફટાકડાથી ગભરાઈને ભાગંભાગ કરી મૂકે તો ક્ષણભરના ઝાંખાપાંખા ઉજાસમાં ય એ મૂવમેન્ટ પકડાઈ જાય.

'ગભરાયા વગર શરીર સંકોરીને પડયા રહો. કોઈએ આડશ છોડવાની નથી' તાન્શી હેલિકોપ્ટરની મૂવમેન્ટ ધ્યાનથી નીરખી રહી હતી. પાંચેક મિનિટનો ચકરાવો મારીને હેલિકોપ્ટરે દિશા બદલી નાંખી.

વહેલી સવારે તેમણે ઉતરાણ શરૃ કર્યું. સૌના માથા પર શણના મોટા, પહોળા બુંગણ બાંધેલા હતા. ઉતરાણ કરતી વખતે તેમણે ઝિગઝેગ ફોર્મેશનમાં એકમેકથી ત્રીશ-ચાલીશ ફૂટ ડાબે-જમણે અંતર રાખીને આગળ વધવાનું હતું અને ક્યાંય જરાક સરખો ભય જણાય તો જ્યાં હોય ત્યાં જ જમીન પર અધૂકડા લેટી જવાનું હતું.

આ કાફલો આગળ વધી રહ્યો હતો ત્યારે....

સતત પહાડોના વળાંક પર મંડરાતી લપસણી ક્ષિતિજ પર તાકી રહેલી હિરન વારંવાર આંખો બંધ કરતી હતી. તેનાં જડબા ભીંસાતા હતા. બોગદાંની બહાર નીકળ્યા પછી તરત તેને હેંગસુન અને ઉજમનો ભેટો થઈ ગયો હતો. પરંતુ સલામત બહાર નીકળી શક્યાની હાશને બદલે તેનાં ચહેરા પર પારાવાર ઉચાટ હતો.

તે વારંવાર ધ્યાન કેન્દ્રિત કરતી હતી. તેની ભ્રુકુટી તંગ થઈ જતી હતી. કપાળ પર પસીનો બાઝી જતો હતો પણ સામેથી કોઈ રિસ્પોન્સ મળતો ન હતો એટલે હવે તેની ધીરજ ખૂટી હતી.

'આપણે અહીં જ તેમની રાહ જોવાને બદલે સામે જવું જોઈએ...' તેણે હેંગસુનની સામે જોઈને ઉમેર્યું, 'શક્ય છે કે એ કોઈ તકલીફમાં પણ હોય..'

'એવું કોઈ જોખમ હું તમને લેવા નહિ દઉં' હેંગસુને કરડી મક્કમતાથી નનૈયો ભણી દીધો, 'આ પહાડ છે. અહીં કોઈ ધોરી માર્ગ ન હોય. કોઈપણ રસ્તેથી જોખમ...'

'હેલ વિથ એવરીથિંગ...' હિરન તાડુકીને ઊભી થઈ ગઈ, 'મારો બાપ મુશ્કેલીમાં હોય ત્યારે કોઈ હુકમને હું તાબે ન થાઉં...'

'... અને મારા બાપે હુકમ કર્યો હોય ત્યારે હું કોઈને એ ઉથાપવા ન દઉં...' હિરન કરતાં ય બમણી ઝડપે પાછા હટીને હેંગસુને તરત ગન ખેંચી લીધી, 'કેસીનો ઓર્ડર છે કે અહીં રાહ જોવાની.. એટલે બસ, જોવાની.. તિબેટની ભૂમિ પર કેસી જ સરદાર હોય છે... યા તો કેસી યા તો તેનો હુકમ...' તેની આંખોના ભાવ અને ચહેરા પરની દૃઢતા હિરન જોઈ રહી.

મરી ફીટવા માટે તત્પર મુક્તિવાહિનીના આ અજાયબ નેટવર્કનો પરચો આટલા દિવસથી તે જોઈ રહી હતી. અત્યંત પાંખા સાધનો છતાં એકમેક પ્રત્યેના અતૂટ વિશ્વાસ અને કસુંબલ વતનપરસ્તીથી એ બેહદ પ્રભાવિત હતી અને એમાં કેસીનું સ્મરણ...

કશું બોલ્યા વગર, પોતાની પ્રકૃતિથી વિપરિત એ ચૂપચાપ બેસી ગઈ.

રાત્રે ક્યાંય સુધી હિરને મનની તમામ શક્તિ એકાગ્ર કરીને પ્રોફેસરને ઢંઢોળવા પ્રયાસ કર્યા હતા પણ તેને કોઈ પ્રતિસાદ મળતો ન હતો. રાતભર હેલિકોપ્ટરની આવ-જા અને વીજફટાકડાની આતશબાજી પછી તે બેહદ બેબાકળી પણ બની હતી.

પહાડોમાં યાક ઘૂમાવતા નીકળી પડેલા હેંગસુનના તિબેટી કસ્બાતીઓએ સવારે દૂર ચટ્ટાન પર કશીક મૂવમેન્ટ વર્તાતી હોવાનો પહેલો સંકેત આપ્યો એ સાથે હિરનને પાછળ રાખીને હેંગસુન આડશમાંથી બહાર નીકળ્યો હતો. એક કલાક પછી ચટ્ટાન પરથી ઉતરી રહેલા આદમીઓ સ્પષ્ટ ભળાયા.

ખભા પર વજનદાર બેકપેક, હાથમાં ખડક પર ખોસવાની કુહાડી, લગભગ ૭૦ અંશના વેગીલા ઢોળાવ પર ખાસ્સા આગળ જઈને નાયલોન રોપ બાંધતા બે આદમી અને તેમની પાછળ હારબંધ આવી રહેલો કાફલો... એ જ... એ જ છે...

હેંગસુને હકાર ભણ્યો એ સાથે બેબાકળી હિરને દોટ મૂકી હતી.

એક કલાક પછી...

'વી શૂડ મૂવ...' હિરનના ખભા પર હાથ મૂકીને તાન્શીએ સ્મિતભેર કહ્યું.

'યસ બેટા...' ઊંડે ઉતરી રહેલી આંખો પરાણે ખોલીને પ્રોફેસરે કહ્યું. તેમનો અવાજ ક્ષીણ હતો પણ મક્કમતા હજુ ય યથાવત હતી, 'મારી ફિકર કર્યા વિના વહેલામાં વહેલી તકે ભારત પહોંચો...'

'હમ્મ્મ...' પ્રોફેસરના ધખધખતા કપાળ પર મૂકેલો હાથ હટાવીને હિરને આંખો લૂછી નાંખી. પ્રોફેસરનો ઘાવ તેણે તપાસ્યો હતો. પીઠના સ્નાયુ ફાડીને ગોળી છેક નીચે, અંદરની તરફ ઘૂસેલી હતી. રક્તસ્ત્રાવ બંધ થતો ન હતો. લોહી પણ હવે ફિક્કુ થવા માંડયું હતું. કદાચ કિડની તરફ લોહી લઈ જતી શિરાઓનું જાળું ફાટી પડયું હતું. પહેલાં રાઘવ, પછી કેસી અને હવે...

હૈયુ વલોવી નાંખતું કારમું કલ્પાંત આંખોમાં ધસી આવતું રોકીને એ ઊભી થઈ. શરીરને તેણે ખેંચીને તંગ કર્યું. ત્વરિતે તેમને ડોળીમાં ગોઠવ્યા અને ફરી આગેકૂચ ચાલુ થઈ.

સાંજે પ્રોફેસરનો તાવ થોડો ઘટયો હતો અને હવે તેઓ સતત કશુંક બોલ્યા કરતા હતા.

'મારા શરીરને અહીં જ છોડી દેજો. કોઈ જ વિધિ નહિ... કોઈ જ વિધાન નહિ..'

'યસ ડેડ...' હિરન તેમને રોકવા મથતી હતી, 'આરામ કરો પ્લિઝ, આપણે ભારત પહોંચવાનું છે. તમારે બહુ ઝડપથી સાજા થઈ જવાનું છે. એઝ યુ સેઈડ ઓલવેઝ, તમે સંસારના સૌથી બુદ્ધિમાન વ્યક્તિ છો... સુમેધા અમૃતો...'

'નોઓઓઓ...' પ્રોફેસરે તેનો હાથ પકડીને અધવચ્ચે જ અટકાવી, 'સૌથી વધુ, સૌથી મોટો, સૌથી ઊંચો, સૌથી આગળ...' ક્ષિતિજ ભણી શૂન્યમાં આંખ પરોવીને જાણે એ સ્વગત બોલી રહ્યા હતા, 'ઈટ્સ ઓલ એન ઈલ્યુઝન. એ બધો જ ભ્રમ છે.'

તેમના ગળામાં કશુંક અટવાતું હોય તેમ હૈડિયો સખત ઊંચકાતો હતો પણ તેઓ દર્દ વચ્ચે ય બોલ્યે જતા હતા, 'એ મારી અધીરાઈ તો હતી જ, એ મારી અધુરપ પણ હતી...'

તેમણે ફરીથી આકાશ ભણી જોયું અને સ્હેજ હાથ ઊંચક્યો, 'સૌથી વધુ, સૌથી આગળ... એ બધું તો સાપેક્ષ છે. તેમાં સરખામણીનો ભાવ છે. જ્ઞાન હોવું એ જ પૂરતું નથી, પચાવવું એ ય એટલું જ મહત્ત્વનું છે. જ્ઞાન એ છે જે અંદરથી ઝગમગાટ આપે છે અને અંદરથી જે ઉજળી ચૂક્યો છે તે કદી સૌથી મોટો, સૌથી વિરાટ એવી સાપેક્ષ સરખામણીમાં પડતો નથી. જ્ઞાન તો નિરપેક્ષ છે. ઈટ ગિવ્સ એબસોલ્યુટ રિઆલિટી. જ્યાં કોઈ સરખામણી નથી, જ્યાં કોઈ સ્પર્ધા નથી, જ્યાં કશું જ સાબિત કરવાનું નથી એ જ્ઞાન છે'

ત્વરિત તીવ્ર એકાગ્રતાથી તેમને સાંભળી રહ્યો હતો એ અનુભવીને તેમણે સ્હેજ સ્મિત વેર્યું, 'બ્રહ્મવિદ્ બ્રહ્મૈવ ભવતિ...' તેમનો અવાજ અસલ બુલંદીને આંબી રહ્યો હતો. ત્વરિતની સામે જોઈને તેમણે સવાલ કર્યો, 'બ્રહ્મ શું છે? ઈશ્વર છે?' ત્વરિત કશું સમજે, જવાબ વાળે એ પહેલાં તેમણે જ જવાબ આપ્યો, 'ના, જે અફર છે, જે પરમ સત્ય છે એ જ્ઞાન છે અને એ જ પરબ્રહ્મ છે. મુંડકોપનિષદ કહે છે, જે પરમ સત્યને પામી જાય છે એ પોતે જ સત્ય બની જાય છે.' તેમણે થૂંક ગળા નીચે ઉતાર્યું. તેમના ચહેરા પર દર્દની રેખાઓ તણાઈ આવી તોય બે હાથ આકાશ ભણી ઊંચા કરીને બુલંદ અવાજે બોલ્યા, 'બ્રહ્મવિદ્ બ્રહ્મૈવ ભવતિ... હું મારા પરબ્રહ્મને પામી રહ્યો છું... હું મારા ચરમ સત્યની સાવ નજીક છું... એ પછી હું જ બ્રહ્મ હોઈશ... હું જ અંતિમ સત્ય હોઈશ...'

હિરન સ્તબ્ધપણે પ્રોફેસરની આ સ્વગતોક્તિ સાંભળી રહી હતી. ત્વરિત તાજુબીભેર તેમનો મર્મ પામી રહ્યો હતો અને જાણે આંતરચક્ષુ ખૂલી ગયા હોય તેમ પ્રોફેસર બંધ આંખે જાત સાથે સંવાદ સાધતા બોલી રહ્યા હતા. ક્યારેક તેમનો અવાજ ઊંચકાતો હતો, ક્યારેક તરડાતો હતો, ક્યારેક ફક્ત હોઠ ફફડતા હતા...

'જન્મથી લઈને મૃત્યુ સુધીના પ્રવાસને આપણે જિંદગી કહીએ છીએ. ખરેખર તો એ જ્ઞાનની પ્રાપ્તિ તરફની, પરબ્રહ્મની અનુભૂતિ તરફની ગતિ છે. જિંદગીભર આપણે મારેલાં બધા જ હવાતિયાં, બધી જ વિટંબણાઓ એ જ્ઞાન પ્રાપ્ત ન થયાની નિશાની છે'

'તો જ્ઞાન પ્રાપ્ત થયાની નિશાની શું?' અબૂધની માફક પ્રોફેસરને સાંભળી રહેલાં છપ્પનથી પૂછ્યા વિના ન રહેવાયું.

'છપ્પન બાદશાહ...' દર્દના અસ્ફૂટ ઉંહકારા વચ્ચે પીઠ પાછળ હાથ લંબાવીને પ્રોફેસરે કહ્યું, 'જે પરમને ઓળખી જાય છે એ ક્યાંય હવાતિયાં મારતો નથી' તેમનાં સ્મિતમાં છપ્પનને છેલ્લા અઢી-ત્રણ વર્ષના તોફાનનું શમન વર્તાતું હતું, 'જેમ કે લામા નામલિંગ... એમના ચહેરા પરની પ્રબુદ્ધ સ્થિરતા ગજબ હતી.. હું જેના માટે જિંદગીભર અંદરથી ભડભડ થતો રહ્યો એ સઘળું પામીને એ તદ્ન વેરાન, અટૂલી જગાએ તદ્દન નિર્લેપભાવે બેઠા હતા... મારામાં શું ખૂટે છે એ હું તેમને મળીને જાણી...'

સતત શ્રમથી તેમના ગળામાં અવાજ તરડાવા લાગ્યો હતો. હિરને મશક કાઢીને તેમને બે ઘૂંટડા પાણી પીવડાવ્યું, 'પ્લિઝ ડેડ, તમે આરામ કરો...'

પ્રોફેસર ક્ષીણ અવાજે સતત હોઠ ફફડાવતા રહ્યા. તેમની આંખો ઊંડી ઉતરી રહી હતી.

એ રાત પણ એવી જ વીતી. ભેંકાર પહાડોનો અબોલ સન્નાટો, ઠંડાગાર પવનના સૂસવાટા ઓઢીને બિહામણી ચટ્ટાનો પરથી ન્હોર લંબાવતો કાળમુખો અંધકાર અને પરમસત્યના આંતરિક ઉજાસમાં પ્રજ્વલિત થઈ ચૂકેલા પ્રોફેસરનો રાતભર વ્યક્ત થતો રહેલો તીવ્ર તલસાટ...

મશકના પાણીમાં પલાળીને હિરન તેમના ચહેરા પર ગમછો પાથરતી રહી. ત્વરિત સતત તેમની પીઠના ઘાવને સાફ કરતો રહ્યો. છપ્પન બેહદ આઘાતથી તેના 'દુબળી'ની આખરી ક્ષણો જોઈ રહ્યો હતો. તાન્શીએ લાવેલા વેલાં ય હવે ખૂટી ગયા હતા. રક્તસ્ત્રાવ વધવા લાગ્યો હતો.

વહેલી સવારે ક્ષિતિજમાં જરાક સરખી ઉજાસની લકિર ખેંચાઈ રહી હતી ત્યારે મંદ પડતા જતા ધબકારા વચ્ચે તેમણે હસ્તપ્રતોના ડ્રમ તરફ હાથ લંબાવ્યો હતો. મટકું ય માર્યા વગર આખી રાત પ્રોફેસર તરફ જોતા રહેલા ત્વરિતે તરત ડ્રમ ખોલીને પેટીમાંથી હસ્તપ્રતો કાઢીને તેમના હાથમાં થમાવી હતી. એ સાથે તેમના ચહેરા પર અવર્ણનિય સંતૃપ્તિ અંકાવા લાગી. તેમણે એક હેડકી ખાધી અને ધ્રૂજતા હાથે હસ્તપ્રત કપાળે અડાડીને ત્વરિત ભણી લંબાવી દીધી.

'હું જ મારો ઉજાસ છું...' તેમણે તદ્દન ક્ષીણ, અસ્પષ્ટ અવાજે હોઠ ફફડાવ્યા, 'હવે પરમપ્રાપ્તિ સુધી લઈ જતું આ જ્ઞાન તમારું છે. હજારો વર્ષથી પ્રજ્વલિત રહેલી આ યજ્ઞાવેદી જલતી રાખજો' તેમનું શરીર ભયાનક રીતે અમળાયું અને ગળામાંથી સઘળું ચેતન છેલ્લો સ્વર બનીને બહાર નીકળી ગયું, 'મારા જિંદગીભરના તમામ હવાતિયાંની, તમામ અધુરપની હું આહુતિ આપું છું. તમને પણ ઉજાસની આ ક્ષણ પ્રાપ્ત થ...'

- અને તેમણે વધુ એક આંચકા સાથે ગરદન ઢાળી દીધી. તાન્શી અવાક્પણે એક વિરલ પ્રસંગ જોઈ રહી હતી. હિરન સ્તબ્ધ થઈને પ્રોફેસરને તાકી રહી હતી. ગળા સુધી આવી ગયેલું ડુસ્કું પરાણે અટકાવીને છપ્પન તેમના પગ પર ઝળુંબી ગયો હતો. મોં-ફાટ રડતા ઉજમને હિરન ભેટી પડી હતી અને ત્વરિત અવશપણે બે હાથ જોડીને વંદનની મુદ્રામાં ઊભો રહી ગયો હતો.

ક્ષિતિજ પરની વીજરેખામાં એ વખતે જાણે પ્રચંડ મેધાવી આત્મા પોતાનું શરીર છોડીને ઓતપ્રોત થવા જઈ રહ્યો હતો.

(આવતાં પ્રકરણે સમાપ્ત)