64 Summerhill - 102 in Gujarati Detective stories by Dhaivat Trivedi books and stories PDF | 64 સમરહિલ - 102

Featured Books
Categories
Share

64 સમરહિલ - 102

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 102

કેસીની ભારોભાર અગમચેતી અને ગજબનાક કોઠાસુઝભરી દૂરંદેશી અનુભવીને હિરન એ સરફિરા આદમી પર ઓવારી ગઈ હતી. દરેક મિશન માટે તેણે જોખમની તમામ શક્યતાઓ ધ્યાનમાં રાખી હતી અને દરેક જોખમનો ઉકેલ પણ તેણે વિચારી રાખ્યો હતો.

કેસીએ ટાઈમિંગ જ એવી રીતે ગોઠવ્યા હતા કે દિવાલ તોડવા માટે એ બ્લાસ્ટ કરે અને ચાઈનિઝ ફૌજ એલર્ટ થાય એ વખતે શ્ત્સેબુલિંગ્કા તરફ ગયેલી ટીમ પરત ફરવાની તૈયારીમાં હોય. મેજર ક્વાંગ બૌદ્ધ સાધુના વેશમાં આવ્યો હતો તો એ પેલેસમાં જ છૂપાયો હોય એ વિશે કેસીને ખાતરી હતી. મેજર કંઈ અહીં હવાફેર કરવા તો આવ્યો ન હોય. એ પૂરતો સતર્ક હોવાનો જ.

ડંકા-નિશાન ગગડવાના સમયે જ બ્લાસ્ટ કરવાનું તેણે નક્કી કર્યું હતું, જેથી ઝાલર-ઘંટના અવાજમાં બ્લાસ્ટનો ધડાકો પેલેસની બહાર ન પહોંચે. પરંતુ મેજર જો પેલેસમાં જ છૂપાયો હોય તો તેને તો અંદાજ આવી જ શકે. તિબેટમાં પગ મૂક્યો ત્યારથી સતત મેજર તેમની પાછળ હતો અને છેક અહીં સુધી પગેરું દબાવતો પહોંચી ગયો હતો.

'વી શૂડ ડ્રોપ ધ મિશન, આઈ થિન્ક...' મેજર બૌદ્ધ લામાના વેશમાં છે એવું જાણ્યા પછી ફફડી ગયેલી તાન્શીએ શોટોન છાવણીમાં કહ્યું ત્યારે કેસી બરાબર ગિન્નાયો હતો.

'નો વે...' તેણે ડારતા અવાજે જવાબ વાળ્યો હતો, 'આખું રેડ આર્મી પેલેસમાં ખડકાઈ જાય તોય હું હવે પીછેહઠ નહિ કરું'

'પણ તું ફસાય તો બહાર નીકળવાનો...' તાન્શીને હજુ ય કેસીની જીદ ગળે ઉતરતી ન હતી.

'કીપ ફેઈથ ઓન મી. હું મેજરનો ય બાપ છું...' માસ્ક રંગી રહેલી તાન્શીની ગરદન ફરતો વ્હાલપભર્યો હાથ વિંટાળીને તેણે કહ્યું હતું.

પવિત્ર ચિહ્નો ઊઠાવવાની અહેમિયત તાન્શી ય સમજતી હતી પણ ભૂગર્ભ રસ્તો છાનો રાખવાની પ્રતિજ્ઞાને લીધે કેસી તેને કહી શકે તેમ ન હતો કે એ મિશન ખાસ સમયે જ પાર પાડી શકાય તેમ છે. બાર વર્ષ રાહ જોયા પછી આ સમય આવ્યો હતો, અને કેસી ગમે તેવું જોખમ ખેડીને ય એ સમય ગુમાવવા તૈયાર ન હતો.

બ્લાસ્ટનો અવાજ સાંભળીને મેજર અને પેલેસમાં છૂપાયેલા તેના આદમીઓ કદાચ ધસી આવે તો પણ કેસીને ખાસ ડર ન હતો. પેલેસમાં વાયરલેસ કમ્યુનિકેશન શક્ય ન હતું. મેજર કોઈક માણસને બહાર દોડાવે અને એ માણસ બહાર વોકીટોકીની રેન્જમાં જઈને બહારથી ફૌજની કુમક મંગાવે, ફૌજ અંદર આવે એ દરમિયાન તેણે ટીમ-એ અને ટીમ-બી બેય માટે છટકવાના પ્લાન વિચારી રાખ્યા હતા.

બ્લાસ્ટ થાય એ પછી તેને વધુમાં વધુ ૪૫ મિનિટનો સમય જોઈતો હતો. આટલી વારમાં ટીમ-એ ત્રીજા ફૂવારા સુધી પહોંચી ચૂકી હોય. પોતે પણ કામ આટોપીને ભૂગર્ભ રસ્તા સુધી પહોંચી ગયો હોય. બહારથી આવતી ફૌજે પહેલાં શોટોન મંચનું પરિસર વટાવવાનું થાય. એટલી વારમાં હિરન, તાન્શી અને ઝુઝાર ટીમ-એને કલાકારોની છાવણી સુધી દોરી ગયા હોય. ભૂગર્ભ રસ્તા વિશે છેવટની ઘડી સુધી તેણે કોઈને કહેવાનું ન હતું. નીકળતા પહેલાં ફક્ત તાન્શીને તેણે એટલું જ કહ્યું હતું કે વળતી મુસાફરીમાં એ સાથે નહિ હોય. તાન્શીએ ભારતીય કાફલાને સહી-સલામત બહાર કાઢવાનો હતો અને લ્હાસાથી પૂર્વ-દક્ષિણે નેદોંગની પર્વતમાળા પાસે કેસીની ટીમ તેમને મળવાની હતી.

આ આખા ય કમઠાણના દરેક તબક્કે હેંગસૂનને તેણે છૂટો જ રાખ્યો હતો. પ્રત્યક્ષ ચિત્રમાં ક્યાંય આવ્યા વગર લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવાની જવાબદારી તેની હતી.

ભેજાબાજ કેસીએ બેહદ શાતિર આયોજન કર્યું હતું પણ મેજરે ઝાડ પર માણસો ગોઠવ્યા હોય તેનો અંદેશો પામવામાં તેણે થાપ ખાધી. આમ છતાં તેણે પોતાનો જીવ ગુમાવીને, પોતાનું મિશન રોળાઈ ગયા પછી પણ પ્રોફેસરના મિશનને પાર પાડવાનો રસ્તો તો ખુલ્લો જ રાખ્યો હતો.

***

એક જમાનામાં પોતાલા પેલેસ એ ૩૦૦ લામાઓ, ૫૦૦ ભીખ્ખુઓ અને ૭૦૦ જેટલા અધિકારીઓ, કારકુનો, સંત્રીઓ અને અનુચરો એમ દોઢેક હજાર લોકોનું કાયમી નિવાસસ્થાન હતો. આખા ય તિબેટ પર ચુસ્ત નિયંત્રણ ધરાવતા પોતાલા પેલેસનું પોતાનું એક ગંજાવર તંત્ર હતું. દલાઈ લામાએ હિજરત કર્યા પછી પેલેસનું નિયંત્રણ ફક્ત ધર્મસત્તા પૂરતું જ મર્યાદિત થઈ ગયું હતું. હવે આટલા મોટા કાફલાની અહીં આવશ્યકતા ન હતી અને પેલેસનો પ્રભાવ ઘટાડવા માંગતું ચીન એવી મંજૂરી ય આપે તેમ ન હતું.

મહેલની ઝંખવાઈ રહેલી શાનોશૌકતમાં ઉપરના મજલાના કેટલાંય બંધ ઓરડાઓ અને પરિસરની કેટલીય ઈમારતોનો સન્નાટો જૂના દોરોદમામને ઝંખતો હતો.

રડમસ ચહેરે, લથડતા કદમે પરાણે આગળ વધી રહેલાં મુક્તિવાહિનીના બેય આદમીઓને સંભાળવા મથતી હિરન મનોમન કેસીની સુચનાઓ રિપિટ કરી રહી હતી.

પગથિયાની બરાબર નીચે પાઈન વૃક્ષોનું જંગલ શરૃ થતું હતું. એ નાનકડા જંગલની વચ્ચે સિમેન્ટના પાપડા મઢેલું, લાલ રંગનું, આઠ બારીઓ ધરાવતું મકાન. એ મકાનમાં દિવાલની સમાંતરે હારબંધ ગોઠવેલી સિસમની વજનદાર આલમારીઓ. તેમાંથી ત્રીજા નંબરની બારી પાસેની આલમારી હટાવશો એટલે નીચેથી પથ્થરની ટાઈલ્સ ખૂલી જશે. એક જમાનામાં એ મકાન એકાઉન્ટ ઓફિસ તરીકે વપરાતું હતું. હવે તેનો રેકર્ડ રૃમ તરીકેનો જ વપરાશ થતો હતો.

દલાઈ લામા ભાગ્યા હતા એ રસ્તો વ્હાઈટ ચેપલ યાને શુભ્ર દેવળ તરીકે ઓળખાતા મંદિરના ભોંયરામાંથી સીધો જ પહાડોમાં નીકળતો હતો. ૧૭ માર્ચ, ૧૯૫૯ની સાંજે એ દેવળમાં પૂજા કરવા ગયેલા દલાઈ લામા ત્યાંથી જ પોબારા ભણી ગયા હતા.

એ રસ્તો પકડાયા પછી ચીનના ફૌજીઓએ એક દાયકા સુધી પોતાલા પેલેસની એક-એક ભીંત, ભોંયતળિયાની એક-એક તસુ જમીન ચકાસીને નાના-મોટા બીજા આઠ ભોંયરા પકડયા હતા પણ એ દરેક ભોંયરા એક ઈમારતમાંથી બીજી ઈમારતમાં જતા હતા. પોતાલા પેલેસના સત્તાવાર નકશામાં ય એ ભોંયરાની નોંધ હતી અને ધાર્મિક અનુષ્ઠાનો વખતે સદંતર જનસંપર્ક તોડી નાંખતા લામાઓ માટે એ ભૂગર્ભ રસ્તાઓ બંધાયા હોવાનો સત્તાવાર ઉલ્લેખ પણ હતો.

એ એકેય રસ્તો મહેલની રાંગની બહાર નથી જતો તેની પાક્કી ખાતરી ન થઈ ત્યાં સુધી ચીને એ ભોંયરા સીલ કરાવી દીધા હતા. ૧૯૮૧માં તિબેટીઓએ બળવો કર્યો અને ચીને ભારે કત્લેઆમ ચલાવી એ પછી લોકરોષ ઠારવા લુચ્ચા ચીને કેટલીક છૂટછાટો આપી હતી. એ વખતે અનુષ્ઠાન માટેના આ ભોંયરા પણ ખોલી દેવાયા હતા પરંતુ એ જ વખતે પવિત્ર ચિહ્નો ધરાવતા ઓરડાની સુરક્ષા ચુસ્ત કરી દેવાઈ હતી. હવે પેલેસમાંથી ભાગવા જેવો કોઈ આદમી ન હતો અને ચોરાવા જેવી કોઈ ચીજ ન હતી. ચીન બેફિકર હતું.

એટલા પૂરતી ચીનની બેદરકારી હિરનને ફળવાની હતી, પણ એમાં ચીનની બેદરકારી કરતાં ય લામાઓની બુદ્ધિનો મોટો ફાળો હતો.

રેકોર્ડ રૃમનું ભોંયરું અઢી મીટર ઊંડે પગથારની નીચેથી ૧૪૦ મીટર દૂર કુમબુમ મઠના સાધના કેન્દ્રમાં નીકળતું હતું. કુમબુમ મઠ એ હાલના દલાઈ લામાનો પિતૃ મઠ હતો. એ ઈમારતમાં ડાબી તરફના પીલરથી ત્રણ ફૂટના અંતરે બીજા ભોંયરાનું મુખ હતું. સાડા ત્રણ મીટર ઊંડું એ ભોંયરું ૩૪૨ મીટરના ચઢાણ-ઉતરાણ પછી પાંચ માળની આરસ મઢેલી ઈમારતમાં ખૂલતું હતું. તિબેટના પૂર્વ રાજવીઓનું એ સ્મૃતિમંદિર હતું.

પહાડ કોરીને બનાવેલી ભીંત પર પહાડના પથ્થરમાંથી જ ઘડેલા પૂર્વ રાજાઓના વિરાટ શિલ્પો, જન્મ-જરા-વ્યાધિ અને મૃત્યુના પ્રથમ દર્શન પછી રાજકુમાર સિદ્ધાર્થની મનોસ્થિતિ વ્યક્ત કરતા શિલ્પો ઉપરાંત બોધિવૃક્ષની છાયા તળે ગૌમુખાસનની મુદ્રામાં ત્રિહિત ધ્યાન કેળવી રહેલા શાક્યમુનિ બુદ્ધની ૫૦ ફૂટ ઊંચી પ્રતિમા અહીં સ્થાપિત થયેલી હતી.

પાંચ સદી પૂર્વેના તિબેટી સ્થપતિઓએ ખગોળ, જ્યોતિષ અને સ્થાપત્યનો અહીં અજબ સમન્વય કર્યો હતો.

સદીઓ પૂર્વે તિબેટી પરંપરાએ પોતાનું સાઠ વર્ષનું વિશિષ્ટ કેલેન્ડર તૈયાર કર્યું હતું. ઉંદર, આખલો, વાઘ, સસલું, ડ્રેગન એવી બાર પ્રાણીપ્રકૃતિ અને અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી, અને આકાશ એવા પાંચ મૂળ તત્વો એમ એક પ્રાણીપ્રકૃતિ પાંચ મૂળ તત્વોમાં ફરતી રહે અને એ રીતે સાઠ વર્ષનું કેલેન્ડર બને.

સાઠ વર્ષના કેલેન્ડરમાં વાઘ-અગ્નિ, સાપ-અગ્નિ, ડ્રેગન-અગ્નિ એવા કુલ પાંચ વર્ષ એવા હતા જ્યારે વર્ષના ચોક્કસ મહિનામાં સવારના સમયે સુરજના કિરણો સીધા જ બુદ્ધની ૫૦ ફૂટ ઊંચી મહાકાય પ્રતિમા પર પડતા હતા અને એ ઉજાસમાં કંઈક અજબ રીતે બોધિવૃક્ષ અને બુદ્ધની પ્રતિમા ધગેલ તાંબાની માફક લાલચોળ થઈ જતા હતા. ધાર્મિક તિબેટી પરંપરા એ દૃશ્યને સૂર્યનારાયણે બુદ્ધને આપેલી અંજલિ ગણતી હતી.

ન સમજી શકાય એવી બાબતને ધાર્મિક ચમત્કાર ગણવાની આ માનસિકતા પાછળ પણ ખરેખર તો વૈજ્ઞાનિક કારણ જ જવાબદાર હતું.

સમુદ્ર સપાટીથી ઊંચાઈ જેમ વધતી જાય તેમ વાદળો વગરના ચોખ્ખા આકાશમાં સૂર્યના પારજાંબલી કિરણોની ઉગ્રતા પણ વધતી જાય એ વિજ્ઞાનસિદ્ધ બાબત હતી. સમુદ્રતટથી આશરે ૫,૦૭૨ મીટરની ઊંચાઈએ આવેલા લ્હાસાના આકાશમાં સૂર્ય જ્યારે ચોક્કસ ખૂણો રચે ત્યારે સ્મૃતિમંદિરના પૂર્વાભિમુખ મધ્યસ્થ ખંડમાં નિસર્ગનું અજાયબ કુતુહલ રચાતું હતું, પણ એવું જવલ્લે જ બનતું હતું.

મધ્યયુગના વિચક્ષણ લામાઓએ એ કૌતુકનું વિજ્ઞાન અને સમય બરાબર પારખ્યો હતો. પ્રત્યેક બાર વર્ષે અગ્નિ તત્ત્વમાં ઉગ્ર પ્રાણીપ્રકૃતિની રાશિ આવે ત્યારે ચોક્કસ મહિનાઓમાં સૂર્યના કિરણોની તીવ્રતા વધતી હતી અને બરાબર એ જ દિશામાં આવેલા, તામ્રકણોથી પ્રચૂર અગ્નિકૃત ખડકના પહાડો થોડી મિનિટો માટે ઝળહળી ઊઠતા હતા.

કિમિયાબાજ લામાઓએ એ જ પહાડ પર સ્મૃતિ મંદિરની ઈમારત બાંધી હતી અને ત્રણ માળ જેટલા ઊંચા મધ્યસ્થ ખંડમાં સૂર્યના કિરણો ઝીલાય એ રીતે ખડક કોરીને બુદ્ધની વિરાટ પ્રતિમા ઘડી હતી.

પારજાંબલી કિરણોની તીવ્રતાને લીધે સૂર્ય સાવ સીધમાં હોય એ થોડી મિનિટો માટે અહીં મહત્તમ ગરમી પેદા થતી હતી. દલાઈ લામાના મોટાભાઈ થુબટેને પહાડનું પેટાળ ચીરીને ભૂગર્ભ રસ્તો કોરવા માટે આ વિશેષતાને લીધે જ સ્મૃતિમંદિરનો મધ્યસ્થ ખંડ અને આ પ્રતિમા પસંદ કર્યા હતા, જેમાં તેમને અમેરિકાની જાસુસી સંસ્થા એફબીઆઈની સારી પેઠ મદદ મળી હતી. ચીન તિબેટનો કોળિયો કરીને મોટું થાય એ અમેરિકાને પાલવે તેવી બાબત ન હતી. થુબટેન અને અમેરિકાના સંબંધોની એ શરૃઆત હતી.

થુબટેને મહેલની બહાર પહાડની દિશાએ માઈનિંગ વડે રસ્તો ખોલાવવા માંડયો અને તેને છેક સ્મૃતિમંદિરના મધ્યસ્થ ખંડના ખડક સુધી લંબાવ્યો.

પછી તેમણે બોધિવૃક્ષનું થડ કોરેલા ખડકને લંબાઈમાં અઢી ફૂટ અને ઊંચાઈમાં ચારેક ફૂટ કાપી નાંખ્યો એટલે દસેક ફૂટના ઊંડાણ પછી આખો ય ભૂગર્ભ માર્ગ તૈયાર થઈ ગયો. ગમે તેવી ચકાસણી થાય તો પણ આ પોલાણ ન પકડાય તેની તકેદારી માટે તેમણે અમેરિકન ધાતુશાસ્ત્રીઓની મદદ લીધી. બોધિવૃક્ષના થડનો જે પથ્થર કાપ્યો હતો તેને ચારે તરફથી નીટિનોલ નામની ધાતુથી જડી લીધો.

ગરમી આપવાથી તીવ્ર ઝડપે વિસ્તરણ પામતી આ ધાતુ તાપમાન જરાક ઘટે ત્યાં સંકોચાઈને મૂળ સ્વરૃપમાં આવી જતી હતી. બાર વર્ષે એક વાર આવતાં વર્ષના ચોક્કસ મહિનાઓ દરમિયાન સૂર્યકિરણો પડવાના સમયે જ જો બોધિવૃક્ષના થડને જોરાવર ધક્કો મારવામાં આવે તો એ પહાડના પોલાણ તરફ બારણાની માફક ખુલી જતું હતું અને તરત તેની વાસી દેવામાં આવે પછી સૂર્ય સ્થાનાંતર કરે એટલે ઠંડુ પડીને હતું એવું ને એવું થઈ જતું હતું. એ વખતે કોઈને ય અહીં પોલાણ હોવાની કલ્પના આવે તેમ ન હતી.

આ અજાયબ તરકીબ ફક્ત દલાઈ લામા અને તેમના ભાઈ થુબટેન જાણતા હતા. પછી એનરોદ ત્સોરપેને કહેવામાં આવી હતી. એનરોદે કેસીને આ માહિતી આપી હતી અને હવે કેસીએ તિબેટનું આ મહારહસ્ય હિરનને કહી દીધું હતું.

હિરનને પારાવાર બેચેની થતી હતી.

કેસીના વીરતાભર્યા મોતનો ભાર તેના હોશોહવાસ પર ઘણના ફટકાની માફક ઝીંકાતો હતો. ભાગવાના ભેદી રસ્તાના અત્યંત પેચીદા સંકેતો યાદ રાખવાના હતા અને ખાસ તો સમય જાળવવો સૌથી મહત્ત્વનો મુદ્દો હતો. કેસીના મોતથી બેબાકળા, નોંધારા બની ગયેલા મુક્તિવાહિનીના આદમીઓને સંભાળવાના હતા. ખુંખાર બનીને હલ્લો લઈ આવતા મેજરથી પીછો છોડાવવાનો હતો. શ્ત્સેબુલિંગ્કા ગયેલી ટીમનો પતો લગાવવાનો હતો, અને અહીં ક્યાંય તેનો વોકીટોકી સેટ હોંકારો દેવાનો ન હતો.

પગથારની નીચે પહેલાં તે કૂદી અને તેની પાછળ બેય તિબેટીઓએ છલાંગ લગાવી. ચીનાર અને પાઈનના ઘેઘૂર વૃક્ષો વચ્ચેથી રેકોર્ડરૃમની લાલ ઈમારત મળસ્કાના સાવ આછા ઉજાસ વચ્ચે ભળાતી હતી. બેય આદમીને આગળ ધકેલીને તેણે ઊંડો શ્વાસ લીધો. તેની ચાલ જરાક ધીમી થઈ. એક વૃક્ષના થડ સાથે પીઠ ટેકવીને તેણે આંખો બંધ કરી ડોળા પર ભારપૂર્વક પોપચાં બીડયા. ત્રણ-ચાર મિનિટ સુધી એ મથતી રહી. તેના લમણાની નસો ઉપસી આવી અને કપાળ પર પસીનો બાઝવા લાગ્યો. તંગ થયેલી ભુ્રકુટીની બરાબર વચ્ચે બંધ આંખોની ભીતર હવે તેને ધીમે ધીમે મૃદુ ઊજાસ વર્તાતો હતો. ભીંસાયેલા તેના જડબા જરાક હળવા થયા. ચૌકન્ના ચીનાઓ અદ્યતન જામરની મદદથી વાયરલેસ કમ્યુનિકેશન રોકી શક્યા હતા પણ પ્રાચીન ભારતની દીર્ઘાનુસારી વિદ્યા થકી થતા સંપર્કને રોકવાની તેમની ગુંજાઈશ ન હતી.

***

બ્લાસ્ટનો ધડાકો સંભળાયો એ સાથે જ તાન્શીનો જીવ ચૂંથાવા લાગ્યો હતો. કેસીએ મિશન આરંભી દીધાની એ નિશાની હતી. મેજર અંદર હોય, ઝાડ પર લપાયેલા આદમીએ તેને સતર્ક પણ કર્યો હોય એથી કેસીનું મિશન બેહદ જોખમી બની રહે એ સમજતી તાન્શી પેલેસમાં ધસી જવા તલપાપડ હતી પણ તેને અહીં જ રહેવાનો આદેશ હતો.

બીજા આદમીને ઢાળી દીધા પછી હજુ કોઈ મૂવમેન્ટ વર્તાઈ ન હતી. શક્ય છે કે તે કોઈને મેસેજ પાસ કરે એ પહેલાં જ ગોળીથી અંટાઈ ગયો હોય. એ પણ શક્ય છે કે બીજે ક્યાંક બીજા ય કોઈક આદમી લપાયેલા હોય. તાન્શી સતત ગણતરીઓ માંડી રહી હતી.

જે કંઈ હોય, ચાઈનિઝ ફોર્સની વોકીટોકી ફ્રિક્વન્સી તેણે જાણી લીધી હતી. હવે ટીમ-એ પરત ફરે એટલે તરત તેણે પોતાનો વોકીટોકી સેટ એ ફ્રિક્વન્સી પર સેટ કરીને મ્યુટ કરી દેવાનો નિર્ણય લીધો. એમ કરવાથી ચીનના ફૌજી કદાચ ઝાડ પર હોય અથવા અંદરથી કોઈક બહાર આવે તો પણ છેક પેલેસ પરિસરની બહાર કોઈનો સંપર્ક સાધી ન શકે. એ જ ફ્રિક્વન્સી પર વોકીટોકી ચાલુ હોય ત્યારે નેટવર્ક જામ થઈ જાય.

બ્લાસ્ટ થયો તેની થોડી જ વારમાં શ્ત્સેબુલિંગ્કા પહાડી તરફના વળાંકમાંથી કેટલાંક ઓળા પ્રગટયા. ઝુઝાર ગન તૈનાત કરીને ઘડીક જોતો રહ્યો અને તરત તેને હાશ થઈ. સૌથી આગળ ખભા પર વજનદાર પેટી ઊંચકીને હાંફી રહેલાં છપ્પનને તે હોંશભેર ભેટી પડયો.

'ફતેહ?' તેણે ઉત્સુકતાભેર પૂછ્યું.

જવાબમાં ત્વરિતનો ચહેરો મલકી ઊઠયો અને પ્રોફેસરે હકારમાં ડોકું હલાવી દીધું.

ખભા પર વજન ઊંચકીને ઝડપભેર પહાડ ઊંચકવાને લીધે ત્રણેયની છાતી ભયાનક હાંફી રહી હતી અને એકધારા શ્રમને લીધે ગળામાં કાંચકી બાઝી ગઈ હતી.

ચીડના વૃક્ષોના ઘેરાવામાં ત્રણેય ઘડીક જંપ્યા. તેમને પાણીની બોટલ ધરીને ઝુઝાર તાન્શીને લઈ આવ્યો.

'ઓલ વેલ?' તાન્શીએ વોકીટોકી ઓન કરીને માઉથપીસ મ્યુટ કરી દીધું. તેના ચહેરા પર પારાવાર તણાવ હતો.

'હાઉ ઈઝ કેસી?' પ્રોફેસરે વળતો સવાલ કર્યો.

'કોઈ કમ્યુનિકેશન નથી પણ...' તાન્શી નક્કી નહોતી કરી શકતી કે તેમણે મૂળ પ્લાનને વળગીને શોટોન મંચ તરફ જવું કે પેલેસ તરફ જવું...

એ જ ઘડીએ પેલેસની દિશામાં ધડાકાનો અવાજ સંભળાયો. સૌ સફાળા ઊભા થઈ ગયા અને હજુ કંઈ બોલે એ પહેલાં બીજો ય ધડાકો થયો. (કેસીએ પરસાળ અને ઉપરના મજલે ફેંકેલા ગ્રેનેડના એ અવાજ હતા)

'માય ગોડ...' તાન્શીનો ઉશ્કેરાટ કાબૂમાં રહેતો ન હતો, 'હવે આ સિરિયસ છે. વી શૂડ મૂવ ધેર...'

આગળ પોતે, લેફ્ટમાં સ્હેજ પાછળ પ્રોફેસર, છપ્પન અને ત્વરિત અને તેમનાથી સ્હેજ જમણે થોડોક પાછળ ઝુઝાર એમ ફટાફટ તેણે ફોર્મેશન રચી નાંખ્યું. પેલેસમાં બ્લાસ્ટ થયો છે તો મહેલમાંથી કોઈક આવશે અથવા બહારથી કાફલો મહેલ તરફ ધસી જશે એ પારખીને તેણે ચીડ, પાઈન અને ચિનાર વૃક્ષોની આડશમાં આગળ ધસવા માંડયું. તેની આશંકા સાચી હતી. થોડી જ વારમાં ફૂવારાની પેલી તરફ ઝડપભેર દોડતા કદમોનો અવાજ સંભળાતો હતો.

કેસીએ દિવાલ તોડવા પહેલો બ્લાસ્ટ કર્યો એ સાથે મેજરે બહાર રવાના કરેલો ફૌજી ઘાંઘો બન્યો હતો. તેણે વોકીટોકીની રેન્જમાં જઈને પેલેસ પરિસર બહારથી કાફલાને બોલાવવાનો હતો અને અહીં નેટવર્ક જામ હતું. ખાસ્સી વાર સુધી તે લમણાંફોડ કરતો રહ્યો ત્યાં બીજા બે ધડાકા થઈ ગયા હતા એટલે બઘવાયેલા એ ફૌજીએ ઉપરના મજલે છૂપાવેલા ચાર ફૌજીઓને બહાર રવાના કર્યા હતા અને પોતે મનોમન ગાળો દેતો ઝાડ પર લપાયેલા આદમીઓને શોધી રહ્યો હતો.

'વેઈટ...' પ્રોફેસરે દબાતા અવાજે કહ્યું અને આગળ ધસી રહેલી તાન્શીને રોકવા ત્વરિતને ઈશારો કર્યો.

છપ્પન અસમંજસભેર જોઈ રહ્યો. પ્રોફેસરના ચહેરા પર તણાવ હતો. કપાળની ચામડી તંગ બની રહી હતી. તેઓ આંખો ભારપૂર્વક બંધ કરી રહ્યા હતા અને ગરદન સ્હેજ નીચે ઝૂકાવી ધીમે ધીમે હકાર ભણતા હોય તેમ હલાવી રહ્યા હતા. નજીક આવી ગયેલા તાન્શી, ઝુઝાર અને ત્વરિત પણ તાજુબીથી મૌનપણે પ્રોફેસરને નિરખી રહ્યા.

પ્રોફેસર જાણે ભાવસમાધિમાં હોય તેમ ખાસ્સી ત્રણેક મિનિટ સુધી ત્યાં ખોડાઈ રહ્યા અને પછી ધીમેથી તેમણે આંખો ખોલી.

'હિરન કહે છે આપણે શોટોન મંચ તરફ જવાનું છે..'

'એટલે?' તાન્શીને હજુ સમજાતું ન હતું.

'ચાઈનિઝ ફૌજને રોકવા માટે કેસીએ જ બ્લાસ્ટ કર્યા છે...' પ્રોફેસર હાથ ઊંચો કરીને સ્વગત બોલતા હોય તેમ બોલી રહ્યા હતા, 'મહેલની પાછળના રસ્તેથી એ ભાગે છે... કેસીનો ઓર્ડર છે, આપણે શોટોન મંચની દિશાએથી ભાગવાનું છે. કોટ કૂદીને બહાર નીકળીએ એટલે તેણે ઈન્તઝામ કરેલો છે. નેદોંગની પહાડી પાસે હિરન અને કેસી આપણને મળશે...'

'નેદોંગ? ક્યાં આવ્યું નેદોંગ, ખબર છે? ઈટ્સ વિઅર્ડ...' અગાઉ કેસીએ જ તેને નેદોંગ મળવાનું કહ્યું હતું તોય તાન્શી બેબાક ઉશ્કેરાટથી માથું ધૂણાવી રહી હતી, 'મહેલની પાછળનો રસ્તો એટલે ક્યો રસ્તો? એવા કોઈ રસ્તા વિશે કેસીએ મને કેમ ન કહ્યું?' તેને હજુ ય ગળે ઉતરતું ન હતું.

તેના હૈયામાં કશીક અજબ ફફડાટી થતી હતી. પેટમાં કશાક વિચિત્ર આંટા વળતા હતા. ચહેરાના સ્નાયુઓમાં કશોક ફરકાટ થતો લાગતો હતો. બહાર ફૂવારા તરફ થતી આવ-જા વધુ વેગીલી બની હતી. હવે જેટલું મોડું કરીએ એટલું જોખમ વધતું હતું.

મનોમન મણિમંત્રનો જાપ કરતા જઈને કઠણ કાળજાની છતાં એટલી જ ભાવુક, બેહદ સાહસી છતાં એટલી જ શ્રદ્ધાળુ એ છોકરીએ ભારે હૈયે શોટોન મંચ તરફ કદમ ઊઠાવ્યા.

***

કેસીએ વધુ બે બ્લાસ્ટ કરીને મેજર ક્વાંગની હાલત ખરાબ કરી નાંખી હતી. હવે એ પવિત્ર ઓરડાના મહેલ તરફ ખૂલતાં મુખ્ય દરવાજા સિવાય બીજા એકેય રસ્તેથી હુમલો કરી શકે તેમ ન હતો.

'જીવતો ભૂંજાઈ જજે પણ કોઈને અંદર ન આવવા દઈશ. હું વધુ આદમીઓને મોકલું છું...' મેજરે સ્નાઈપર રાઈફલ ઊઠાવી ફર્સ્ટ ઓફિસરને ઓર્ડર કર્યો અને છલાંગભેર ઓરડાની બહાર નીકળી ગયો.

'આખા ય પરિસરની વીજળી ચાલુ કરી દે...' બહાર નીકળતા જ તેણે સંત્રીઓને હાક મારીને હુકમ કર્યો. ધડાકાના અવાજથી ઉપર ધસી રહેલા લામાઓને તેણે તોછડાઈથી બાજુ પર હડસેલી દીધા. હજુ તેણે ખાસ્સા પગથિયા નીચે ઉતરવાના હતા અને પછી આખા ય મહેલનો ચકરાવો મારીને જમણી તરફ વળવાનું હતું. તેણે સડસડાટ દોડતા દોડતા રવેશમાંથી નીચે જોયું. અંધારામાં કમબખ્ત તેનો એકેય આદમી ક્યાંય દેખાતો ન હતો... પહેલેથી બહાર મોકલેલા આદમીએ વોકિટોકી પર ફૌજને મેસેજ આપ્યો હોય તો હવે ફૌજ આવવી જ જોઈએ...

'બલ્બ સળગાવો... લાઈટ ચાલુ કરો..' તેની જીભ પર અનેક હુકમો ફાટતા હતા અને કમબખ્ત એકેય આદમી હુકમ ઝીલવા ક્યાંય શોધ્યો જડતો ન હતો. પારાવાર ઉશ્કેરાટ અને હૈયું ભીંસાઈ જાય એવા તણાવ તળે એ અકારણ બૂમો પાડતો એકસાથે ચચ્ચાર પગથિયા કૂદતો નીચે ઉતરતો રહ્યો.

એ વખતે આકાશમાં ભળભાંખળું થઈ રહ્યું હતું. પહાડીઓની પેલે પાર ક્ષિતિજ પરથી ઉદાસ ચહેરા પર ગમગીની ઓઢેલી ઉષા ક-મને ધીમા પગલે નીચે ઉતરી રહી હતી.

એ વખતે હિરન અને તેની સાથેના બંને આદમી રેકર્ડરૃમમાં પ્રવેશી ચૂક્યા હતા.

***

'એઈઈઈઈ...' તીણા અવાજે પીઠ પાછળથી અવાજ આવ્યો એટલે ભાગતા ઝુઝારે જરાક ગરદન ઘૂમાવીને પાછળ જોયું.

ઝાડવાઓ વચ્ચેથી એક આદમી તેમને રોકવાનો ઈશારો કરતો પાછળ આવી રહ્યો હતો. ઘટાટોપ ઝાડની છાયા તળે હજુ ય અંધારું હતું પણ આદમીનો ઓળો સ્પષ્ટ વર્તાતો હતો. ઝુઝારે આગળ ભાગતા સાથીદારો ભણી જોયું. અવાજને લીધે ત્વરિતે ય ગરદન ઘૂમાવી હતી.

ઝુઝારે તેને આગળ ભાગવા ઈશારો કરીને એક જ સેકન્ડમાં નિર્ણય લીધો. સ્હેજ ત્રાંસમાં દોડતા જઈને તે સલૂકાઈભેર એક ઝાડની પાછળ લપાયો અને ફરીથી અવાજની દિશામાં જોયું એ સાથે તેને ધ્રાસ્કો પડી ગયો.

એ આદમીની સાથે બીજા બે ફૌજી હતા. સબ મશીનગન ખભા પર ગોઠવતા એ બંને આગળ દોડતા હતા અને અવાજ કરનારો ત્રીજો આદમી ઝાડના ક્યારાઓ તરફ ઝુઝારની જ દિશામાં ભાગતો આવતો હતો.

ઝુઝારના હૈયામાં કંપારી છૂટી ગઈ. જો એ બે ફૌજીને નિશાન ન બનાવે તો આગળ ભાગતા સાથીદારો જોખમમાં મૂકાય અને જો એ ફૌજીને નિશાન બનાવે તો ક્યારા તરફ દોડતો ત્રીજો આદમી તેને ખુદને જ નિશાન બનાવી દે.

તેણે ઊંડો શ્વાસ લીધો. નજર એમના પર જ માંડેલી રાખીને ગનનો સાયલેન્સર નોબ ચેક કર્યો. અંધારામાં ભાગતા ઓળાઓ પર નિશાન લેવું ફાવે તેમ તો ન હતું પણ દાંત ભીંસીને તેણે ફક્ત અંદાજના આધારે બેય ફૌજી પર બે રાઉન્ડ ફાયર કરી નાંખ્યા અને ઝડપભેર છલાંગ મારતો આખી ય પગદંડી પસાર કરીને સામેની તરફ ઝાડની ઘટાઓમાં લપાયો.

ગોળી કોઈને વાગી કે નહિ એ સમજાતું ન હતું પણ તેના અણધાર્યા ફાયરથી પાછળ આવતાં આદમીઓ અટકી ગયા હતા. સાવચેતી ખાતર તે ઘડીવાર ત્યાં જ ખોડાઈ રહ્યો. ક્યારાની દિશામાં ય કોઈ હલનચલન વર્તાતું ન હતું. તેમ છતાં ય તેણે એ દિશામાં બે ફાયર કર્યા અને પછી ફેફસામાં શ્વાસ ભરીને શોટોન મંચ તરફ દોટ મૂકી દીધી.

(ક્રમશઃ)