64 Summerhill - 101 in Gujarati Detective stories by Dhaivat Trivedi books and stories PDF | 64 સમરહિલ - 101

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

64 સમરહિલ - 101

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 101

હિરન પેલેસ તરફ દોડી અને ટીમ-એ શ્ત્સેલિંગ્કાની ગુફાઓ શોધી રહી હતી ત્યારે...

તાન્શીના ચહેરા પર પારાવાર તણાવ હતો.

મેજરે ઝાડ પર માણસો ચડાવવાની ઉસ્તાદી કરી એ જાણીને એ બરાબર ગિન્નાઈ હતી. ઝુઝાર અને તેની વચ્ચે સિસકારાથી કમ્યુનિકેશન થઈ શકે એટલું અંતર તેમણે રાખ્યું હતું પણ આટલા વિશાળ પરિસરમાં આડેધડ ઊગેલા ઝાડ પર કોઈ માણસ ક્યાં લપાયો છે એ જાણ્યા વગર એ જોખમ ન ખેડાય.

મેજરને સંદેશો મળી ગયો હોય તો કેસીની ટીમની કેવી બૂરી વલે થશે તેની કલ્પના માત્રથી જ તાન્શીના હૈયામાં ફફડાટનો ઘાણ પીલાવા લાગ્યો હતો. તેને હર હાલમાં પેલેસ તરફ ધસવું હતું પરંતુ તેને બેકકવરની જવાબદારી પણ સંભાળવાની હતી. શ્ત્સેલિંગ્કા તરફ ગયેલી ટીમ પાછી ફરે ત્યારે તેમને સહી-સલામત બહાર કાઢવાના હતા.

- અને એ પહેલાં ઝાડ પર લપાયેલા મેજરના ચાડિયાને શોધીને ઝેર કરવાના હતા.

એ દબાતા પગલે ઝુઝાર તરફ લપકી અને તેને હિરનના સંદેશથી વાકેફ કર્યો. બેય અવશપણે ઘડીક એકમેકને તાકી રહ્યા. ઘડીક અવઢવભેર વડ, બોરસલ્લી, ગરમાળો, આંબલી, પીલુ, સફરજનના ઘટાટોપને નિરખી રહ્યા.

સ્હેજ પણ અવાજ ન થાય એ રીતે તેમણે ઝાડ પર લપાયેલા આદમીઓને શોધવાના હતા, અને અહીં સેંકડો ઝાડ હતા.

કારમી તંગદીલી વચ્ચે ભીંસાતા ઝુઝારને ઓલ્ડ મોન્ક રમની તીવ્ર તલબ મહેસૂસ થતી હતી. તિબેટ આવ્યા પછી સતત શેતુરનો બેહદ કડવો અને ખાટી બડાસ જેવી તીવ્ર ગંધ મારતો દારુ પીને એ કંટાળ્યો હતો.

તેણે રાખોડી કલરના લોન્ગ શર્ટના ચેસ્ટ પોકેટમાંથી પ્લાસ્ટિકની નાનકડી, ચપટી બોટલ કાઢી અને કટાણું મોં કરીને ત્રણ-ચાર મોટા ઘૂંટડા ગળા નીચે ઉતાર્યા.

'એક-એક ઝાડ ચેક કરવામાં તો સવાર પડી જશે...' તેણે હોઠ ફફડાવીને કહ્યું, 'તું મને કવર આપ... હું કોશિષ કરું છું'

ઝુઝાર રેન્જમાં રહે અને પાછળના રસ્તા પર નજર પણ રહે એટલું અંતર રાખીને તાન્શી સતત પોઝિશન બદલતી રહી એ દરમિયાન ઝુઝારે કમરમાંથી ઝૂકીને કેટલાંક વૃક્ષો ચેક કરવાનો નિષ્ફળ પ્રયાસ કરી જોયો. અંધારામાં ઘેઘૂર વૃક્ષોની અડાબીડ ડાળીઓ વચ્ચે ક્યાંય કશું પરખાય તેમ ન હતું.

દસ, પંદર, પચ્ચીશ, પાંત્રીશ...

ઘાંઘો થઈને એ વૃક્ષોની છાયા તળે લપાતો ગયો, આંખો ફાડી-ફાડીને હવાતિયાં મારતો રહ્યો. બંને દિશાએ ગન તાકતી તાન્શી તેની પાછળ દોરવાતી રહી. ક્યાંય કશું જ કળાતું ન હતું અને બેય પેલેસની દિશામાં આગળ અને આગળ નીકળી રહ્યા હતા.

એ જ ઘડીએ દૂર પેલેસના ઉપરના માળે રવેશમાં બલ્બ સળગ્યો.

(એ વખતે કેસીની ટીમ લાકડાનો કઠેડો કાઢીને પરસાળમાં દોટ મૂકી રહી હતી. તેમની પાછળ ભાગેલી હિરન બલ્બના ઉજાસથી સતર્ક બનીને રવેશની બરાબર નીચે ભીંતસરસી ચંપાઈ ગઈ હતી અને દૂર શ્ત્સેલિંગ્કાની પહાડીમાં પ્રોફેસર, છપ્પન, ત્વરિત પોટલાઓ બાંધી રહ્યા હતા)

***

મેજરે ગોઠવેલી વ્યવસ્થાનું એ પરિણામ હતું.

બીજા ફૂવારા આસપાસના ઝાડ પર તેમણે એક આદમીને છૂપાવ્યો હતો અને બીજો આદમી પેલેસના પગથિયાની બરાબર સીધમાં પચાસેક મીટર છેટે આંબલીના ઝાડ પર લપાયો હતો.

પગથિયે પહેરો દેતા સંત્રીઓ મોટા ભાગના પરંપરાગત ખામ્પા પરિવારના હોય એટલે મેજરે તેમના પર વિશ્વાસ મૂક્યો ન હતો અને પોતાના આદમીઓને પહેલા, બીજા માળે ગોઠવ્યા હતા.

પહેલો આદમી પેલેસની નજીક લપાયેલા બીજા આદમીને સંદેશો આપે એટલે એ બીજો આદમી ઉપરની પરસાળમાંથી સતત તેને તાકી રહેલા ફૌજીઓ તરફ લેસર ગનનું ચાંદરડું ફેંકે.

એ રીતે અજાણ્યા લોકો ઘૂસ્યાનો એ સંદેશ મેજર સુધી પહોંચ્યો કે તરત તેણે અગાઉથી વિચારી રાખેલો વ્યુહ અમલમાં મૂકી દીધો. આવનારા લોકો પવિત્ર ઓરડા તરફ જ ત્રાટકશે એવો તેને પાક્કો અંદાજ હતો પણ એ લોકો એકલા નહિ હોય એવી ય તેને ખાતરી હતી. કોઈક રીતે તેમણે બેકકવર ગોઠવ્યું જ હોય.

'પહેલા માળના રવેશમાં બલ્બ જલાવવાનું કહે...' પહોળા, સળંગ કિરમજી પહેરણની ઉપર બુલેટપ્રુફ જેકેટ ચડાવતા તેણે ફૌજીને સુચના આપવા માંડી.

બહારના રવેશમાં બલ્બ ચાલુ થાય અને તરત બંધ થઈ જાય તો શોટોન મંચ તરફથી આર્મીની એક ટૂકડીને અંદર ધસી આવવાનો સંદેશો મોકલવાનો હતો અને જો બલ્બ લાંબો સમય ચાલુ રહે તો શોટોન મંચ ઉપરાંત મહેલની પાછળ પહાડીઓમાં પહેરો દેતી ટૂકડીને ય મહેલ તરફ ધસવાની સુચના આપવાની હતી.

મેજરે નોરિન્કો - ૫૪ ગન હાથમાં લીધી. તેના ત્રણ-ચાર મેગેઝિન્સ વેસ્ટ બેલ્ટમાં ખોસ્યા. ઘડીક એ ખચકાયો. તેની છઠ્ઠી ઈન્દ્રિય કશુંક ધારણા બહાર બનવાનો અંદેશો વ્યક્ત કરતી હતી. તેણે ઘડીક વિચાર કર્યો, પછી ઊંડો શ્વાસ લઈને એમ-૧૪ સ્નાઈપર રાઈફલ પણ ઊઠાવી. નાઈટવિઝન ટેલિસ્કોપ વડે ૮૦૦ મીટર દૂરથી ય આબાદ નિશાન તાકી શકતી સ્નાઈપર ચલાવવામાં મેજર ક્વાંગ યુન આખાય ચાઈનિઝ આર્મીમાં અવ્વલ ગણાતો હતો.

***

અચાનક બલ્બનો ઉજાસ થવાથી ખાસ્સો સાંઠેક મીટર છેટે લપાઈને ઝાડવા તલાશી રહેલો ઝુઝાર ચોંક્યો હતો. તેનાંથી પચાસેક મીટરનું અંતર રાખતી તાન્શી ય સતર્ક થઈ ગઈ હતી.

મધરાતથી બ્રાહ્મમુહુર્ત થાય ત્યાં સુધીનો સમય હુતાત્માઓનો ઘૂમવાનો સમય કહેવાય. એ વખતે અકારણ બહાર ન નીકળાય, રોશની કરીને તેમને ખલેલ ન પહોંચાડાય એવી પરંપરાગત તિબેટિયન માન્યતાનું કમ સે કમ પોતાલા પેલેસમાં ચુસ્તીથી પાલન થતું હતું.

તોય આ બલ્બ કેમ ચાલુ થયો?

લ્હાસાના તંત્રથી સારી પેઠે વાકેફ તાન્શી જાણતી હતી કે પર્વતોથી છવાયેલા આ વિસ્તારમાં બે કે ત્રણ જ ફ્રિક્વન્સી કાર્યક્ષમ હોય છે. બલ્બ ચાલુ થયો એ ઝાડ પર છૂપાયેલા આદમી માટે કોઈ સંકેત હોય અને એ આદમી વોકીટોકી વડે બહાર કોઈકને...

ભડકેલી તાન્શીએ ધ્રૂજતા હાથે તરત વોકીટોકીની બીજી ફ્રિક્વન્સી સેટ કરી એ સાથે જ તેના હેન્ડસેટમાં ભૂરી લાઈટ બ્લિન્ક થવા લાગી. પંદર-વીસ મીટરની ત્રિજ્યામાં એ ફ્રિક્વન્સી પર બીજો વોકીટોકી એક્ટિવ થતો હોવાની એ નિશાની હતી.

એ બેહદ ચૌકન્ની બનીને ડાબી બાજુ ખસી. વોકીટોકી સેટ પર ઝબકતી ભૂરી લાઈટ પર નજર રાખતાં જઈને તેણે ડાબી બાજુના ત્રણેક વૃક્ષો ચેક કરવા માંડયા. બોરસલ્લી અને પીલુના સ્હેજ પાંખા વૃક્ષો પર કોઈ હોય એવું જણાતું ન હતું.

તાન્શીનું જોઈને ઝુઝાર પણ તેની દિશામાં પરત ફરતો વૃક્ષો જોવા લાગ્યો. આંબલી પર અંધારામાં સફેદ રંગનું કશુંક ભળાયું એથી એ ચોંક્યો. થડ પાસે લપાઈને તેણે ધારીને નિરીક્ષણ કર્યું. એક આદમી થડ અને બે મજબૂત ડાળીના ત્રિકોણ ફરતી કપડાની ઝોળી બાંધીને વોકીટોકી પર ગડમથલ કરી રહ્યો હતો.

ઝુઝારે ઈશારો કર્યો એટલે તાન્શી પણ દબાતા પગલે એ તરફ સરકી. ગણતરીની સેકન્ડમાં જ તેણે અંધારામાં આંખ કેળવી લીધી. સાયલેન્સર નોબના 'કટ્ટાક્..' અવાજથી ઉપર બેઠેલો ચીની ફૌજી ચોંક્યો. તેણે નીચે જોયું.

ઘટાટોપ ડાળી, ઝુલતાં પાંદડા, નીચે બે ઓળા, તેના તરફ તકાયેલી ગન અને...

એ આદમીના ગળામાંથી ચીસ નીકળે એ પહેલાં જ તાન્શીની ગનમાંથી બુલેટ છૂટી ગઈ હતી અને રૃંધાયેલા ઉંહકારા સાથે એ છટપટાયો હતો. હજુ ય તે મર્યો ન હોય તેમ ધારીને બીજું નિશાન ઝુઝારે લીધુ. સાયલેન્સર નોબના સિસકારા સાથે વધુ એક ગોળી છૂટી. ડાળી ફરતી મુશ્કેટાટ બાંધેલી ઝોળીમાં એ આદમી જરાક તરફડયો અને તરત શાંત થઈ ગયો.

***

ચોંકેલા ત્વરિતે બે વજનદાર બક્સા ખભા પર લાદીને સડસડાટ ઢાળ ઉતરી રહેલા છપ્પનને રોક્યો. પાછળ જોયું તો પ્રોફેસર પણ ત્યાં જ ખોડાઈને અંધારી ક્ષિતિજ ભણી તાકી રહ્યા હતા.

દૂર ક્યાંક પેલેસની દિશાએ કશોક અવાજ આવી રહ્યો હતો.

'પેલેસમાં આરતી કે એવી કંઈક વિધિ થતી લાગે છે...' અવાજ પારખવાનો પ્રયાસ કરતા ત્વરિતે કહ્યું.

પેલેસમાં નિત્યક્રમ મુજબ પોણા પાંચે ડંકા-નિશાન ગગડયા હતા. તેના તોતિંગ રણકારમાં બ્લાસ્ટનો અવાજ દબાઈ ગયો હતો. એ પછી પેલેસની સાંકડી પરસાળમાં ગોળીઓની બૌછાર વચ્ચે જંગ જામ્યો હતો.

- અને એ સઘળા ઘટનાક્રમથી બેખબર આ ત્રણેય ખભા પર વજનદાર ખોખાં ઊંચકીને એકમેકને ટેકો કરતાં અંધારિયો ઢાળ ઉતરીને ત્રીજા ફૂવારા તરફ આગળ વધી રહ્યા હતા.

***

ઓરડા તરફથી એકધારી છૂટતી ગોળીઓ, સાંકડી-લાંબી પરસાળ પર અચાનક ત્રણેય દિશાએથી ફેંકાવા માંડેલા રોશનીના શેરડા, ઉપરના મજલે થતી દોડધામના ધડબડ..ધડબડ અવાજો અને ગોળીઓના સનકારામાં ઉમેરો કરતી ચારેકોર વાગતી હાઈ એલર્ટની સિસોટીઓ...

પેલેસનો જે હિસ્સો સૌથી વધુ પવિત્ર ગણાતો હતો, સરેરાશ તિબેટી શ્રદ્ધાળુ જે જગાના સ્મરણ માત્રથી ભાવવિભોર અને સજળ થઈ જતો હતો, સદીઓથી જે જગા નિરવ, પ્રગાઢ શાંતિનું પ્રતીક ગણાતી હતી ત્યાં કલ્પનાતિત કોહરામ મચ્યો હતો.

હિરને જીવનું જોખમ ખેડીને દાદર તરફનો મોરચો તોડયો ત્યાં ઉપરના મજલેથી ફાયરિંગ શરૃ થયું હતું અને કેસીના વધુ એક આદમીના ખભામાં ગોળી ઘૂસી ગઈ હતી. હિરને લથડાતા કેસીને એ ઘવાયેલા આદમીને ભળાવ્યો અને એ બેય પીછેહઠ કરી શકે એ માટે ફરીથી આગળ વધીને ગન ધણધણાવવા માંડી.

ઓરડો સ્હેજ ત્રાંસમાં પડતો હતો. ત્યાંથી કેટલાં આદમી ક્યાંથી ફાયર કરી રહ્યા છે તેનો અંદાજ આવતો ન હતો. ઉપરના મજલેથી દિવાલ પાછળ લપાયેલા ત્રણ-ચાર આદમી ફક્ત હાથ લંબાવીને બ્લાઈન્ડ ફાયર કરી રહ્યા હતા.

હિરને ઝડપભેર માહોલ માપીને બેકપેકમાંથી ગ્રેનેડ કાઢ્યો. ઓરડા તરફ ફાયરિંગ કરી રહેલા મુક્તિવાહિનીના આદમીને એ પાછો ધકેલવા ગઈ એ જ ઘડીએ તેની પીઠ પાછળથી ગોળીઓ છૂટી અને ઉપરના મજલે બે હાથ લબડી પડયા.

ગ્રેનેડ અનપ્લગ્ડ કરવા જતી હિરને ચોંકીને ગરદન ફેરવી.

તોડેલા કઠેડા ભણી તેને લઈ જતા સાથીને હડસેલીને કેસી પરસાળની બરાબર વચ્ચે આવી ગયો હતો.

પડખામાં લબડતા ફાટેલા સ્નાયુના લોચા, ખભામાંથી વહેતા લોહીની ધારથી ભીંજાયેલો શર્ટ, પેઢુના ઘાવમાં લથબથ જીન્સ, બોઝિલ આંખો સ્થિર રાખવાથી કુમળા, ગોરા ચહેરા પર તણાઈ જતી પીડા અને માથા પર બાંધેલા પટકા પર ચળકતા ધાતુના બિલ્લા ફરતું લાલ, ભૂરા, પીળા રંગમાં ગૂંથેલું સમશેરનું પ્રતીક...

'યુ ગો બેક...' હિરનના હાથમાંથી ગ્રેનેડ ઝૂંટવીને તેણે સત્તાશાહી અવાજે કહ્યું, 'મને આથી વધુ ઈજા હવે થવાની નથી...' તેના તરડાયેલા અવાજમાં અસહ્ય દર્દનું કંપન સ્પષ્ટ વર્તાતું હતું પણ ચહેરા પરની દૃઢતા યથાવત હતી.

હિરન દિગ્મૂઢ થઈને તેને જોતી રહી. ફાયરિંગ કરતો અટકી ગયેલો મુક્તિવાહિનીનો સાથીદાર બેબાકળો થઈને કેસીની હાલત જોઈ રહ્યો.

'ગો બેક...' હતી એટલી તાકાત એકઠી કરીને તેણે એ બેયને રીતસર પાછળ ફંગોળતા ઘાંટો પાડયો એ સાથે તેના મોંમાંથી લોહીનો ઘળકો નીકળી ગયો, 'નીચે પગથિયા પર પહોંચો.. હું આવું જ છું...'

ગ્રેનેડની પીન ખેંચતી વખતે તેના જડબા ધ્રૂજતા હતા અને લોહીયાળ ચહેરો વધુ બિહામણો લાગતો હતો.

તેનો ઈરાદો પારખીને નાછૂટકે હિરન અને બેય આદમી કઠેડા ભણી લપક્યા. એ ત્રણેય નીચે પગથિયા તરફ કૂદ્યા એ જ વખતે ભીષણ ધડાકાથી લોહપાષાણ પર સદીઓથી અડીખમ રહેલો પોતાલા પેલેસ ખળભળી ગયો.

***

મેજર ક્વાંગ યુન બેફામ ગાળો બોલી રહ્યો હતો.

પોતાલા પેલેસમાં કોઈ જાતનું કમ્યુનિકેશન શક્ય ન હતું. ચુનંદા બરકંદાજોને તો તેણે અહીં છૂપાવ્યા હતા પણ આટલા વિરાટ મહેલમાં કોણ, ક્યાં હતું એ જ ગડ સૂઝતી ન હતી. અચાનક હુમલો થયા પછી સૌને ભેગા કરવા, સુચના આપવી અને મોરચો બાંધવો એ કમ્યુનિકેશન વગર બહુ જ મુશ્કેલ બનતું હતું.

- અને હુમલાખોરો મેજરની ધારણા કરતાં અનેક ગણાં ખૂંખાર પૂરવાર થઈ રહ્યા હતા.

ધડાકો થયો અને દિવાલ તૂટી પડી એ સાથે જ અંદર ધસી રહેલા આદમીને તેણે નિશાન બનાવ્યો હતો. પવિત્ર ઓરડામાં પ્રવેશતા પહેલાં જ તેણે પરસાળમાં પડતા દાદર અને પરસાળની સામેના ઉપરના મજલે એમ બેય ઠેકાણે આદમીઓ રવાના કર્યા હતા.

ત્રણ ઠેકાણેથી ઘેરાયેલા હુમલાખોરો ગણતરીની મિનિટોમાં જ ઢેર થઈ જશે તેવી તેની ધારણા હતી.

તેને બદલે એક આદમીને તેણે વિંધી નાંખ્યો છતાં ઓરડામાં તેમની તરફ ધડાધડ ગોળીઓ છૂટતી રહી એથી મેજરે ય આડશ શોધવી પડી.

દિવાલ ફસકી ગઈ હતી. ઓરડો આખો ય ખાલીખમ હતો. આડશ લેવી તોય ક્યાં લેવી એ સવાલ હતો. હુમલાખોરો પવિત્ર મુકુટ અને પદછાપ રાખેલા સિંહાસન તરફ તો હુમલો નહિ જ કરે એવી ખાતરી સાથે મેજર અને તેના ત્રણેય આદમી વિશાળ સિંહાસનની પાછળ લપાયા અને ચોથા આદમીને મુખ્ય દરવાજા તરફ ધકેલીને વીજળી ચાલુ કરવા તેમજ વધુ કુમક મોકલવા તેણે બહાર મોકલ્યો.

સિંહાસન પાછળથી તેણે ફાયરિંગ ચાલુ રાખ્યું પણ છેક ખૂણામાં લપાઈને નિશાન લેવાની શી વાતેય ફાવટ આવે તેમ ન હતી.

'હરામીના પિલ્લાઓ દાદર પરથી, ઉપરના માળેથી કેમ ફાયર નથી કરતાં?' ઉશ્કેરાટથી ફાટી જતા અવાજે તે ગાળો બોલતો જતો હતો. એકધારા ધડાકા કરીને તેની સેમિ ઓટોમેટિક પિસ્તોલ નોરિન્કાનું નાળચું ધગધગી ગયું હતું.

તેણે ફર્સ્ટ ઓફિસર અને બીજા ફૌજીને ફાયર ચાલુ રાખવા સુચના આપી અને વેસ્ટ બેલ્ટમાંથી નવું મેગેઝિન ગનમાં ખોસ્યું એ જ વખતે જાણે આભ ફાટયું હોય તેમ તેની માથે પ્રચંડ ધડાકો થયો. આખો ય ઓરડો ધરતીકંપ થયો હોય તેમ રીતસર હલબલી ગયો અને છત પર મઢેલી લાકડાની રંગબેરંગી મીનાકારી વેરણછેરણ થઈ નીચે પછડાવા લાગી.

શાતિર દિમાગના મેજરનું હૈયું ઘડીભર ધબકારા ચૂકી ગયું. પવિત્ર પોતાલા પેલેસના અતિપવિત્ર ઓરડાની સન્મુખ આટલી હદે ખુવારી થશે એવું તેણે સ્વપ્ને ય વિચાર્યું ન હતું. હુમલાખોરોની તાકાત અને ઝનુન માપવામાં તેણે થાપ ખાધી હતી... જબ્બર થાપ ખાધી હતી.

ઝનુનભેર તેણે સ્નાઈપર રાઈફલ ઊઠાવી અને તુચ્છકારથી સિંહાસનની આડશ હડસેલીને બહાર નીકળ્યો.

***

ઉપરના મજલેથી વધુ કુમક આવશે જ એવી કેસીને ખાતરી હતી.

ધુંધવાતી જતી દૃષ્ટિને તેણે મહાપ્રયત્ને એકાગ્ર કરી. તૂટેલી દિવાલના કાટમાળ વચ્ચેથી વછૂટતી ગોળીઓથી બચીને સ્હેજ દિવાલસરસો તે ટેકવાયો. ભગવાન બુદ્ધના પરમપવિત્ર ચરણ અને બુદ્ધના સાક્ષાત અવતાર એવા ચૌદ દલાઈ લામાનું એ પુનિત આસનનું સજળ આંખે સ્મરણ કર્યું અને બેબાક દૃઢતાથી પારાવાર પીડા છતાં હાથ ઊંચો કરીને ઉપરના મજલે ગ્રેનેડ ઝીંકી દીધો.

પ્રચંડ ધડાકાથી સાંકડી પરસાળ ભણી તીવ્ર વેગે ફૂંકાયેલી હવાએ તેને ય ફંગોળી દીધો હતો પણ ઉપરના મજલેથી હવે કોઈ હુમલો આવી શકે તેમ નથી એ પારખીને તેના ચહેરા પર સ્મિત હતું.

દિવાલને ટેકો દઈને તે ફરી ઊભો થયો. કઠેડા સુધી પહોંચતા તેના મોંમાંથી લોહીના ઘળકા નીકળી રહ્યા હતા અને શરીરમાં ખૂંપેલી ગોળીઓએ ફાડી નાંખેલી માંસપેશીમાંથી અસહ્ય લવકારા ઊઠતા હતા.

એમ છતાં ય એક હાથે લાકડાના પીઢીયાના સહારે લટકીને તેણે ઈજાગ્રસ્ત હાથ ઊંચો કર્યો. મોંમાંથી નીકળી જતી દર્દની કારમી ટીસને પરાણે દબાવી અને પરસાળમાં બીજો ગ્રેનેડ ઝીંકી દીધો.

હવે આખાય મહેલનો ચકરાવો માર્યા વગર ચીનકાઓ અહીં સુધી પહોંચી શકે તેમ ન હતા.

***

'એકપણ અક્ષર વચ્ચે ન બોલ...' તેને ઊઠાવવા જતી હિરન અને બેબાકળા થઈને તેના ઘાવ પર કપડું કસવા જતા મુક્તિવાહિનીના આદમીઓને તેણે રોકી દીધા, 'આઈ ડોન્ટ હેવ મચ ટાઈમ... હું જે કહું એ ધ્યાનથી સાંભળ...'

હિરને બેકપેકમાંથી કાઢીને ધરેલી પાણીની બોટલ તેણે મોંઢે માંડી અને ગળુ જરાક ભીંજવ્યું. તેની નાડીના ધબકારા સતત ક્ષીણ થતા જતા હતા અને આંખો વધુને વધુ ઊંડે ઉતરી રહી હતી. પ્રબળ જિજિવિષાના જોરે જ એ ટકી રહ્યો હતો.

'એ બધું જ પછી કેસી...' તેણે વ્હાલપપૂર્વક કેસીનો સોહામણો ચહેરો થપથપાવ્યો. તેનાં ભુખરા વાળ પસવાર્યા, 'ફર્સ્ટ ઓફ ઓલ વી નીડ ટૂ કમ આઉટ...'

'નોટ વી...' તેણે ફરીથી હિરનને રોકી. તેના અવાજમાં સ્પષ્ટ અધિરપ અને ઉશ્કેરાટ વર્તાતા હતા, 'હું હવે અહીં જ મારા પરમ આરાધ્યના સાન્નિધ્યમાં સૂવાનો છું...'

'નો કેસી...' હિરનના મોંમાંથી દબાયેલો ચિત્કાર નીકળી ગયો, 'હર હાલમાં હું તને...'

'યુ વેર રાઈટ...' તેણે હિરનના મોં પર હાથ ધરીને ફિક્કું સ્મિત વેર્યું, 'ઉકેલ જાણ્યા વિના કોયડામાં ન ઝંપલાવાય...' હિરન તાજુબીભેર તેને જોઈ રહી હતી. આટલી વસમી કટોકટીની ઘડીએ કેસી શું કહી રહ્યો હતો?

'મારી પાસે પણ ઉકેલ હતો જ...' હિરન અવાક્ થઈને સાંભળતી રહી અને તૂટતા અવાજે એ કહેતો રહ્યો.

૧૯૫૦માં ચીને પહેલો સશસ્ત્ર હુમલો કરીને ચામ્દો પ્રાંત પચાવી પાડયો ત્યારે જ દલાઈ લામા અને લડાયક વૃત્તિના તેમના મોટાભાઈ થુપ્ટેન જિગ્મેએ ચીનનો ભય પારખી લીધો હતો. મહાશક્તિશાળી ચાઈનિઝ દૈત્ય ગમે ત્યારે તિબેટને ગળી જશે એવું પારખીને તેમણે એ જ વખતે પોતાલા પેલેસમાંથી બહાર નીકળવાના બે ગુપ્ત માર્ગો બનાવવા માંડયા હતા.

એવા જ એક ગુપ્ત માર્ગેથી ૧૯૫૯માં, ચીનના કડક પહેરા છતાં ચૌદમા દલાઈ લામા ભારત તરફ નાસી છૂટવામાં સફળ નીવડયા હતા. પેલેસના ત્રીજા માળેથી સીધો જ પહાડીઓની આરપાર નીકળતો એ ગુપ્ત રસ્તો જોકે બાદમાં ચીનના ફૌજીઓએ પકડી પાડયો હતો પરંતુ બીજો રસ્તો હજુ ય ગુપ્ત જ હતો.

એ રસ્તા વિશે ફક્ત બે જ વ્યક્તિને જાણ હતી. એક દલાઈ લામા પોતે અને બીજા તેમના મોટા ભાઈ.

થુપ્ટેન જિગ્મેએ મુક્તિવાહિનીના સૂત્રો એનરોદ ત્સોરપેને સોંપ્યા અને પોતે નિવૃત્તિ લીધી એ વખતે તેમણે એનરોદને આ રસ્તાની એંધાણી આપી હતી. તિબેટની આઝાદીનો એ એકમાત્ર રસ્તો હતો અને છેવટની ઘડી ન આવે ત્યાં સુધી એ માહિતી કોઈને કહેવાની ન હતી.

ગમે ત્યારે તિબેટ પર હલ્લો લઈ જઈ શકાશે, પોતાલા પેલેસના પવિત્ર ચિહ્નો પરત લાવી શકાશે એવી આશા ધૂંધળી બની અને એનરોદ ત્સોરપેએ પણ સન્યસ્ત અંગિકાર કર્યું ત્યારે મુક્તિવાહિનીના વારસાની સાથે આ ગુપ્ત રસ્તાની માહિતી પણ તેમણે દીકરા કેસાંગને આપી હતી.

તૂટતા શ્વાસની આખરી વેળાએ કેસાંગ ત્સોરપે એ માહિતી આજે હિરનને આપી રહ્યો હતો અને દાયકાઓથી છૂપી રહેલી એ વિગત મેળવનારી હિરન ફક્ત પાંચમી વ્યક્તિ હતી.

- અને દોઢ કિલોમીટર લાંબો એ રસ્તો તેઓ જ્યાં હતા એ જ પગથિયાની નીચેથી શરૃ થતો હતો!!

'ઓહ માય ગોડ...' હિરન ફાટી આંખે સાંભળતી રહી. કેસીએ આપેલી એંધાણીઓ મનોમન નોંધતી રહી.

કેસીએ ગજબનાક દીર્ઘદૃષ્ટિ વાપરી હતી. પવિત્ર ચિહ્નો ઊઠાવવા જતા બ્લાસ્ટ થશે જ અને ચીની ફૌજ સાથે લડવાની નોબત આવશે જ તેમ પારખીને તેણે એ જ પગથારથી હુમલો કરવાનો પ્લાન બનાવ્યો હતો, જેથી પવિત્ર ચિહ્નો ઊઠાવીને તરત નાસી શકાય.

હેંગ્સુન અને ઉજમ સહિતના આદમીઓને તેણે એ જ ગુપ્ત રસ્તાના બીજા છેડા પાસે દોઢ કિલોમીટર દૂર પહાડમાં ખચ્ચર અને જરૃરી સામાન સાથે ગોઠવી દીધા હતા.

'બીજા પહાડ પરથી બહાર નીકળો પછીનો રસ્તો તાન્શી, હેંગસુનને ખબર છે...'

'યસ કેસી...' હિરને અપાર વ્હાલપથી તેનો લોહીયાળ, પીડાથી છલોછલ ચહેરો છાતીસરસો ચાંપી દીધો, 'યુ આર અ જેમ...' તેણે ઊભા થઈને કેસીને ઊઠાવવા માંડયો, 'લેટ્સ મૂવ...'

'નો...' ભાંગતા કદમે ડગમગ ઊભા થઈને તેણે હિરનને દૂર હડસેલી દીધી, 'હું આંતરિયાળ મરવા નથી માંગતો... હું અહીં જ...' તેના મોંમાંથી પ્રત્યેક ડચકારે લોહી ફેંકાતું હતું. તે પરાણે આંખો ભાર દઈને મિંચતો હતો, ખોલતો હતો પણ આંખ સામે દેખાતા દૃશ્યો ધૂંધળાતા જતા હતા. શરીરનું તમામ ચેતનત્વ ખેંચાઈને તાળવા તરફ એકત્ર થતું હોય તેમ તેને તીવ્ર આંચકી ઉપડી રહી હતી.

'ડોન્ટ સ્પોઈલ માય ટાઈમ ટૂ મીટ માય બિલવ્ડ એન્સેસ્ટર...' તેણે વધુ એક ઝાટકો ખાધો. પેઢુંમાં પેસીને ઉપર સુધી ખૂંપી ગયેલી ગોળીથી તેના આંતરડા ચૂંથાઈ રહ્યા હતા.

'તાન્શીને, હેંગ્સુનને કે મુક્તિવાહિનીના એકેય આદમીને મારા મોતનું કહેશો નહિ...' તેની જીભ વળતી ન હતી. ભારે પ્રયત્નપૂર્વક તે બોલી રહ્યો હતો અને હિરન સ્તબ્ધપણે ધ્યાન દઈને તેના અસ્પષ્ટ ઉચ્ચારો પકડવા મથતી હતી.

લોહીથી ખરડાયેલા તેના ચહેરા પર પારાવાર દર્દ વચ્ચે મૂગા ડુસ્કાંની ભીનાશ તગતગી રહી.

'વતનની મુક્તિ કાજે શરીર સુદ્ધાં ધરી દેનારી તેનાં જેવી છોકરીઓના અમે સૌ જન્મોજનમ અહેસાનમંદ છીએ...' તેનો ભાવાવેશ હવે હિરનની સ્તબ્ધ આંખોને ય છલકાવી રહ્યો હતો, 'વચન નથી માંગતો પણ...' ખભા પર લૂઢકી જતી ગરદનને પરાણે સ્થિર કરી તે તૂટેલા કઠેડા તરફ લપક્યો, 'શક્ય હોય તો તાન્શીનો ખ્યાલ રાખજે...'

'યસ કેસી પણ તને...' હિરન રડમસ અવાજે તેને પકડવા આગળ વધી.

'નાવ યુ ગો...' એ ચાર-પાંચ ડગલા લથડિયા ખાતો પાછો હટયો અને પોતાના જ લમણે ગન તાકી દીધી, 'તમે હવે નીચે નહિ જાવ તો હું જ મારા લમણે ગોળી મારી દઈશ...'

'બટ કેસી...'

'નોઓઓઓઓ...' તેણે છેલ્લી ત્રાડ નાંખી ટ્રિગર પર આંગળી મૂકી દીધી, 'મારું મોત ન બગાડ...'

કપાતા કાળજે નાછૂટકે હિરન પગથિયા ઉતરવા માંડી. તેણે ગરદન ઘૂમાવીને જોયું ત્યારે એ છેલ્લા શ્વાસ એકઠાં કરીને તમામ પીડાને પાર કરતો તૂટેલા કઠેડામાં પ્રવેશી રહ્યો હતો. હિરન તરફ છેલ્લી દૃષ્ટિ ફેંકીને તે તદ્દન અસ્પષ્ટ અવાજે કશુંક બોલ્યો... હિરન સાંભળતી રહી.. એ ફરીથી બોલ્યો ત્યારે હિરનને જરાક સમજાયું એ સાથે પ્રયત્નપૂર્વક રૃંધી રાખેલું રૃદન ધ્રુસ્કે ધ્રુસ્કે તેના કંઠે વળગ્યું હતું.

પવિત્ર ઓરડા તરફ જતી પરસાળમાં પ્રવેશતાં પહેલાં તે કહી રહ્યો હતો, 'તાન્શીને કહેજે, આવતાં જન્મે હું તેનો દીકરો થઈશ...'

પોતે જ ગ્રેનેડ ફેંકીને તોડી નાંખેલી પરસાળમાં દૂરથી જ તેણે પવિત્ર ચિહ્નોને વંદન કર્યા અને એ જ મુદ્રામાં ચત્તોપાટ ફસકાઈ પડયો.

*** *** ***

ક્યાંય દૂર નામ-કૂ સરોવરના કાંઠે એકાકી મઠના નિર્જન ચોગાનમાં જલતી વેદીની સામે લામા નામલિંગ એકધારા ત્રાટક કરીને જોઈ રહ્યા. તેમની આંખોમાંથી વહેતા આંસુઓ દાઢીના ઘટાટોપને ભીંજવી રહ્યા હતા. ધ્રૂજતા હાથે તેમણે વેદીની સાવ સમિપ જઈને પંચદ્રવ્યનું છેલ્લું પાત્ર ભર્યું અને આહુતિ આપી એ સાથે વેદીનો અગ્નિ ભડભડી ઊઠયો.

ડગમગ કદમે તેઓ ઊભા થયા. અગ્નિની આંચની પરવા કર્યા વગર અંદર હાથ નાંખીને તેમણે ધગધગતી ભસ્મની ચપટી લીધી અને કપાળ પર ઘસીને બે હાથ જોડયા. તેમના હૈયેથી ફૂટતું રુદન શરીરની ધ્રૂજારીથી વ્યક્ત થતું હતું અને તેઓ હોઠ ફફડાવી રહ્યા હતા.

'હે ઈશ્વર... મારા પવિત્ર ગુરુઓ કહેતા... વિદ્યાનો હેતુ જનસાધારણ માટે આજીવિકાનો હોઈ શકે પણ પરમતત્વને પામવા મથતા લામા માટે વિદ્યાનો એક જ હેતુ છે - આત્માની ઉન્નતિ. મેં એ આદેશનું જીવનભર પાલન કર્યું છે.'

'મારા ખૂનમાં પેઢીઓથી વહેતા ખામ્પાઓના ઝનૂનને ઠારીને હું તારા શરણે બેઠો છું. મારા બાંધવો પર, મારા દેશ પર જે કંઈ વિતી રહ્યું છે તેને તારી અકળ લીલા સમજીને હું સ્વીકારતો રહ્યો છું. મારી વિરાસતનો આખરી દિવડો ય મારી આંખ સામે આજે ઓલવાઈ ગયો અને તોય મેં મારી સ્વસ્થતા અને મઠના આદેશ પ્રત્યેની પ્રતિબદ્ધતા ખોઈ નથી... હવે આખરી પાર્થના કરું છું...'

તેમનો કંઠ જરાક રૃંધાયો, ગળાનો હૈડિયો ઊંચકાયો, 'મારા તમામ તપ પછી ય મને ભલે રૌરવ નરક દેજે પણ આ પ્રાચીન વિદ્યાને, સદીઓ સુધી... અનેક પેઢીની શહાદત પછી મહામુસીબતે સચવાયેલી આ વિદ્યાને તેના વારસદારો સુધી સહી-સલામત પહોંચવા દેજે...હવે વધુ બલિદાન ન લઈશ...'

ઢીંચણમાંથી લથડી જતા પગલે તેમણે વેદીની પ્રદક્ષિણ ફરવા માંડી અને મોટા અવાજે રિન્દેમ મઠનો પવિત્ર જાપ કરવા માંડયો,

વલ્લઉ મણિપદ્મે હુમ્...

વિસસ્તરઉ મણિપદ્મે હુમ્...

વ્યતરઉ મણિપદ્મે હુમ્...

*** *** ***

એ ઘડીએ ત્રીજા ફૂવારે પહોંચેલી પ્રોફેસરની ટીમને તાન્શી અને ઝુઝાર પેલેસ તરફ દોરી રહ્યા હતા. હિરન તેમની રાહ જોઈને તત્પર ઊભી હતી.

અને એ જ ઘડીએ ચીનના મારકણા બરકંદાજોની આખી ટૂકડી એ દિશામાં ધસી રહી. તેમની આગળ કાળઝાળ થઈને દોડી રહ્યો હતો સ્નાઈપર રાઈફલ ખભા પર ટેકવેલો મેજર ક્વાંગ યુન...

(ક્રમશઃ)