desh kaje diwali in Gujarati Moral Stories by karansinh chauhan books and stories PDF | દેશ કાજે દિવાળી

Featured Books
Categories
Share

દેશ કાજે દિવાળી

દેશ કાજે દિવાળી

(ચાલવાનું કર્યું શરુ છે તો જજો છેડા સુધી રસ્તામાં મંજિલ મળે ના મળે )

પ્રાકૃતિક અને સાંસ્કૃતિક સોંદર્યથી ભરપુર ભરેલું એવું ઉલ્લાસપુર નામે એક ગામ. આ ગામના બધા જ લોકો એકબીજા સાથે હળીમળીને તથા સોહાદ્ર સાથે રહે છે.તે ગામના એક પરિવારની હું આજે વાત કરવા જઈ રહ્યો છું.ઉલ્લાસપુરમાં અમૃતભાઈ તથા તેમના પત્ની અંજુબેન પણ રહે છે, તેમનો પરિવાર એક મધ્યમ વર્ગીય પરિવાર છે.અમૃતભાઈ એક ખેડૂત છે અને ખેતી કરે છે. બાપદાદા વખતની તેમની પાસે દસેક વીઘા જમીન છે, તેમાં રાત -દિવસ કામ કરી અમૃતભાઈ તથા તેમના પત્ની અંજુબેન પોતાનું ગુજરાન ચલાવે છે. તેમને સાતેક વર્ષનો એક પુત્ર છે, જેનું નામ છે અજય.આ અજય ખુબ જ ચંચળ સ્વભાવનો છે તેનો પગ ઘરમાં ટકતો જ નથી, તે શાળાએ ભણવા જાય છે.ભણીને આવ્યા બાદ તે આખો દિવસ ગામની બજારુમાં દોડાદોડ કરે છે, તથા નદીએ ન્હાવા માટે જતો રહે છે. તેને તરવામાં, દોડવામાં વગેરે જેવી પ્રવૃતિઓમાં ખુબ જ મજા આવે છે. તળાવની પાળને, નદીઓના નાળાને, ગામના પાદરને આ અજયનો સારો એવો પરિચય છે.ઝાડ ઉપર તો તે વાંદરાની જેમ ચડી જાય છે. આવું કરવામાં તેને કોઈપણ જાતનો ભય સતાવતો નથી. બસ આમને આમ દિવસો અને વર્ષો પણ વીતી ગયા.સમયનો એક દસકો પૂરો થઇ ગયો.

આજે અજય ૧૭ વર્ષનો એક નવ યુવાન છે તથા અમૃતભાઈને તેમના પત્ની અંજુબેન વૃધાવસ્થાની કગાર પર ઉભા છે, તેમને હવે દીકરાના ભવિષ્ય અંગે ચિંતા થવા લાગે છે, આપણા જમાનામાં તો સોન્ઘાઈ હતી એટલે આપણું ગુજરાન ચાલતું હતું પણ હવે એવો જમાનો નથી રહ્યો. આજે તો મોંઘવારીએ માજા મૂકી છે, ને વળી અજયના છોકરાઓ મોટા થશે ત્યારે તેને ભણવા-ગણવા ખુબ રૂપિયા જોઇશે. જો અજય પાસે તેમના છોકરાઓને ભણાવવા માટે રૂપિયા નહિ હોય તો તેના છોકરા તેની પેઢીના છોકરાઓની હરોળમાં ખુબ કાચા રહી જશે. શું ખબર તે દિવસે હાલના જેમ થોડીઘણી માનવતા બચેલી હશે કે નહિ? આપણા અજયે હાલ બાર ચોપડી પાસ કરી છે, જો તે કોઈ ભરતીમાં ફોર્મ ભરે અને સરકારી નોકરી પર લાગી જાય તો આપણને પણ થોડો ટેકો થાય. આપણા ઘરની પરિસ્થિતિથી ક્યાં કોઈ અજાણ્યું છે.એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ છે હાલ.

એક દિવસ અમૃતભાઈ પોતાનું ઘર અને ઘરની સ્થિતિ વિશે અજયને વિગતવાર જણાવે છે.અજય તેમની વાત ધ્યાન દઈ સંભાળે છે. તે સઘળી બાબતનો અર્થ સમજી જાય છે, ને પછી મનોમન નક્કી કરે છે કે આજ સુધી મારા માં-બાપે અછત હોવા છતાં મારી દરેક ઈચ્છાઓ પૂરી કરવાનો પ્રયત્ન કરેલ છે તો હું પણ તેમને મદદ કરીશને જરૂર કરીશ. ત્યારબાદ તે તેના માવતરને તેના કામમાં મદદ કરાવવા લાગે છે, પણ તેનાથી શું થાય જમીન તો જેટલી છે તેટલી જ રહેવાની છેને તે ક્યાં વધી જવાની હતી. તેમાં કામ કરવાવાળા માણસો વધ્યા છે પણ તેની ઉપજ તો તે ની તેજ છે.આમ તો આવકમાં શેનો વધારો થાય.

અજય તેની વાડીના ઉમરાના વૃક્ષ નીચે બેસીને એક દિવસ ખુબ ગહન વિચારોમાં પડી જાય છે, જો આવીને આવી પરિસ્થિતિ રહી તો મારું ભવિષ્ય અંધકારમય બની જશે. મારે કોઈ સરકારી નોકરી મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ જેથી હું મારા પરિવારને થોડી રાહત આપી શકું અને ભવિષ્યમાં મારા બાળકોને એક ઉમદા જીવન આપી શકું. આવું વિચારીને તે રાજ્યમાં આવતી તથા દેશ લેવલની સરકારી નોકરી માટેની તૈયારી કરવા લાગી જાય છે. તેના બાળપણથી લઇ આજ સુધીના સ્વભાવ મુજબ તેને સંરક્ષણ ખાતાની નોકરી પ્રત્યે ખુબ આકર્ષણ હોય છે. તે સવારમાં વહેલા ઉઠીને દોડવા નીકળી જાય છે, આમને આમ એક વર્ષ સુધી મહેનત કરે છે ત્યારબાદ તેને બી.એસ.એફ.માં સિપાહી તરીકેની નોકરી મળી જાય છે. આજે તેને તથા તેના માતાપિતાને ખુબ જ આનંદ થાય.

અજયને પોતાના રાજ્યથી દુરના એવા એક રાજ્યમાં તાલીમ માટે મોકલવામાં આવે છે.તેની તાલીમ પૂર્ણ થયાબાદ તેની નિમણુંક એક તેના રાજ્યથી નજદીકના એવા રાજ્યમાં કરવામાં આવે છે. જેથી તે તેના માતાપિતાને મળવા માટે પોતાના રાજ્યમાં પણ અવારનવાર આવે છે.હાલ તેની ઉમર ૨૧ વર્ષની થઇ ગઈ છે.તેથી અંજુબેન તથા અમૃતભાઈ તેના લગ્ન માટે યોગ્ય કન્યાની શોધ કરવા લાગી જાય છે. તેના ગામથી સાતેક કિલોમીટર દુર એવા ભક્તિનગર ગામમાં રહેતા રાજુભાઈ તથા રામુબેનની પુત્રી અનીતા સાથે તેની સગાઇ કરવાનું નક્કી કરવામાં આવે છે. હાલના જમાના પ્રમાણે છોકરો તથા છોકરી એકબીજાને જોઈ લે તથા જાણી લે તે માટે સગાઇ પહેલા તેમને મળવા દેવામાં આવે છે. અજય અને અનિતાનું આવી રીતે પ્રથમ વખત મિલન થાય છે. અનીતા ખુબ સારી અને સંસ્કારી છોકરી છે, ને વળી સ્વરૂપવાન પણ છે, તેને જોઈને જ અજય તેને પાસ કરી લે છે. પછી અજય અનિતાના મનમાં શું ચલે છે તે જાણવા માટેનો પ્રયત્ન કરે છે તે અનીતાને એક સવાલ કરે છે “ શું તને ખબર છે કે હું બી.એસ.એફ.માં ફરજ બજાવું છું , મારે રાતદિવસ બોર્ડર પર રહેવાનું થાય છે” અનીતા તેને જવાબ આપતા કહે છે કે “ હા, મને બધી ખબર છે અને તેથી જ હું તારી સાથે સગાઇ કરવા માટે હા પાડું છું.” અજય કહે “સરસ, મારી પણ હા જ છે” બસ થોડા દિવસો બાદ અજય અને અનિતાની સગાઇ કરી દેવામાં આવે છે.

ત્યારપછી એકાદ બે મહીના બાદ તેમના ધામધૂમથી લગ્ન કરવામાં આવે છે. તેઓ બન્ને નો સંસાર ખુબ સરસ રીતે સુખમય ચાલે છે. તેમના આ સુખરૂપ સંસારની નિશાનીના પરિપાકરૂપે બે વર્ષબાદ તેમને ત્યાં એક પુત્રી રત્નનો જન્મ થાય છે, જેનું નામ દિવ્યા રાખવામાં આવે છે. દિવ્યા પણ તેના પિતાની જેમ ખુબ ચંચળ હોય છે, તેને તેના પિતા સાથે માત્ર બે વર્ષની ઉમરમાં જ ગાઢ સંબંધ બંધાય જાય છે. દિવ્યા ધીરે ધીરે મોટી અને સમજદાર બનતી જાય છે. તે તેના માતાપિતાની વાતોને થોડી થોડી સમજવા લાગી છે. દિવ્યાનો ઉછેર તેના દાદા-દાદી તથા માતાની છત્રછાયામાં થાય છે, અને જયારે પણ રજાઓ આવતી હોય ત્યારે તે તેના પિતાની આવવાની વાટ નિહારવા માટે ગામના પાદરમાં આવતા –જતા દરેક વાહનોને ચેક કરે છે અને તપાસ કરે છે કે આમાં કદાચ એના પિતાતો નહિ આવ્યા હોયને ? દરેક તહેવાર તથા રજાના દિવસો દરમ્યાન તે તેનો આ નિત્યક્રમ જાળવી રાખે છે.

આજે દિવ્યા સાત વર્ષની છે સ્કુલે ભણવા જાય છે. પણ હાલ શાળા બંધ છે કારણે કે દિવાળીનું વેકેશન છે, તે પોતાના નિત્યક્રમ મુજબ પોતાના પિતા આવવાના છે, એની વાટે બેઠી છે. કારણ કે થોડા દિવસો પહેલા તેના પપ્પાનો ફોન આવ્યો હતો, તેઓ તેની મમ્મી સાથે વાત કરી રહ્યા હતા કે હું આ દિવાળીની રજામાં ઘરે આવવાનો છું. આ વાત સંભાળીને તે દિવસે દિવ્યાની ખુશીનો પાર નહોતો રહ્યો. તેણે એકદમ દોડી અને મમ્મીના હાથમાંથી ફોન લઇ લીધો હતો. પછી પાપા સાથે મનભરી તેની કાલીઘેલી બોલીમાં વાત કરી હતી. પપ્પાએ તેને જણાવ્યું હતું કે “ બેટા હું તારી માટે શું શું લાવું” ત્યારે દિવ્યાએ ખુબ બધા ફટાકડા- દાડમ, ભોંયચકરડી,ચાંદોલિયા, વગેર વગરે ઘણું બધું અને કેટકેટલી તો મીઠાઈ પણ મંગાવી હતી.

આજના દિવસે ફટાકડા મીઠાઈ અને તેના કરતા પણ વધુમીઠા એવા એના પપ્પા આવવાના હતા.તેના હરખનો પાર નહોતો, સવારના છ વાગ્યાથી માંડીને સાત વાગ્યા સુધીમાં તો તે ગામના બસ સ્ટેન્ડના બાર ધક્કા ખાઈ આવી હતી. બસ સ્ટેન્ડે આવ્યા બાદ ઘરે પરત જઈ તે પોતાની મમ્મીને જણાવતી કે પપ્પા આવું શું કામ કરતા હશે એણે વહેલા ના આવી જવાય. એને ખબર નથી કે શું? અહિયા હું તેની રાહે છું.પછી તો ધક્કા ખાવાનું બંધ કરી ત્યાં જ બેસી જાય છે. આજે તેને દરેક સેકન્ડ એક વર્ષ જેવડી લાગે છે. પણ તેને શી ખબર તેના ઘરે ખુશી આવશે કે પછી માતમ?

અજય તેની રાત્રી દરમ્યાનની નોકરી પતાવીને સવારે આઠ વાગ્યે ઘરે આવવા મતે નીકળવાનો હતો કે અચાનક દુશ્મન દેશ તરફથી બોમ્બમારો શરુ થઇ જાય છે, તે દુશ્મન દેશના સૈનિકોનો વીરતાપૂર્વક સામનો કરે છે. સામસામે પક્ષે અડધો કલાક લડાઈ ચાલે છે, બસ આ અડધા કલાકમાંથી જ એક ક્ષણમાં એક બોમ્બ અજય પર પડે છે અને તેનું શરીર ફટાકડાની જેમ ફૂટી જાય છે.તેના શરીરના ટુકડાઓ ભેગા કરી તેને તેના મુખ્ય મથક સુધી પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ તેના ઘરવાળાઓને ફોન કરવામાં આવે છે. આ સમાચાર સાંભળી તેની પત્ની તથા તેના માતા પિતા સાવ ભાંગી પડે છે. કોઈ માંડવાએ પોતાનો આધાર સ્તંભ ગુમાવી દીધો હોય અને તે જેવી રીતે નીચે પડે, તેવી રીતે તેના ઘરના બધા સદસ્યો ભાંગી પડે છે.

પરંતુ બીજી બાજુ દિવ્યા આ વાતથી સાવ અજાણ છે, તેતો તેના પપ્પાની રાહ જોતી પેલા બસ સ્ટેન્ડે જ બેઠી છે.તેના પપ્પાની રાહમાં જ સાંજના ચાર વાગી જાય છે. ત્યારબાદ તેના સગાવહાલામાંથી કોઈને દિવ્યાને લેવા માટે મોકલવામાં આવે છે, પણ તેતો જિદ્દે ચડી છે કે મારા પપ્પા નહિ આવે ત્યાં સુધી હું ઘરે પાછી નહિ આવું. તેણે મને કીધું છે કે હું તારા માટે ઘણા બધા ફટાકડા તથા મીઠાઈઓ લેતો આવીશ. તમે જાવ હું નહિ આવું. તે સ્વજન દિવ્યાને થથરતા અવાજે જણાવે છે કે બેટા ફટાકડા તો ફૂટી ગયા, હાલ ઘરે હું તને ફટાકડા બતાવું.દિવ્યા તો પણ નથી માનતી. પછી ગામમાંથી એક સજ્જન માણસ તેની પાસે ફટાકડા તથા મીઠાઈઓ લઈને જાય છે અને દિવ્યાને કહે છે “ લે આ ફટાકડા અને મીઠાઈઓ આ તારા પપ્પાએ જ મોકલવી છે” દિવ્યા સવાલ કરે છે કે “પપ્પા કેમ ન આવ્યા?”. પેલા ભાઈ તેને જણાવે છે કે પપ્પા આવ્યા છે પણ તેઓ બીજા રસ્તાથી આવ્યા એટલે તેં તેને જોયા નહિ, તેને પગમાં વાગેલું છે તેથી તે ચાલીને તારા સુધી ના આવી શકે એટલે તેને મને મોકલ્યો છે. દિવ્યા તે ભાઈની વાત માની જાય છે.ઘરે જવા માટે ચાલવા માંડે છે.

દિવ્યા ઘરે જઈ પોતાના પપ્પાને ન જોતા સવાલ કરે છે કે મારા પપ્પા ક્યાં ? એમને તો વાગ્યું છે ને ! આ સવાલનો જવાબ ઉપસ્થિત વ્યક્તિઓમાંથી કોઈ નથી આપી શકતું બસ એટલામાં મિલેટ્રીવાન આવે છે, ને તેમાં હોય છે એક મોટું બોક્સ. બોક્સમાં અજયના શરીરના નાના નાના ટુકડા. બસ એટલામાં તો રોકકળનો ચિત્કાર શરુ થઇ જાય છે. આખા વાતાવરણમાં શોક સવાય જાય છે. હવે દિવ્યાને થોડું થોડું સમજાય છે કે આ બધું શું થઇ રહ્યું છે. તે પણ રડવા લાગે છે.થોડીવાર રડી સુનમુન થઇ જાય છે.

અનીતા કહે છે કે દિવાળીમાં ફટાકડા તો બધાના ઘરે ફૂટતા હશે પણ આવા ફટાકડા કોઈના ઘરે ફૂટ્યા નહિ હોય. મારું તો આખેઆખું જગત જ ફૂટી ગયું. ત્યારબાદ સ્વસ્થતા ધરી પોતાના પતિના મૃત દેહના અંતિમ દર્શન કરી, તેને સલામ સાથે વિદાય આપે છે. ત્યારબાદ તેના દેહના ટુકડાઓનો અગ્નિસંસ્કાર કરવામાં આવે છે.

પછી ગામના સરપંચ ભાષણ આપતા જણાવે છે કે “અજયે પોતાની માતૃભુમી માટે બલિદાન આપી આપણા ગામનું ગૌરવ વધાર્યું છે , આપણું ઉલ્લાસપુર આજે ધન્ય થઇ ગયું આવા વીર સપુતને જન્મ આપીને. અજય પોતાના પરિવારની ચિંતા કર્યા વગર માતૃભુમી માટે પોતાનું બલિદાન આપ્યું છે, તો આપણા સૌની એ ફરજ પડે છે કે તેમના પરિવારની રક્ષા આપણે સૌએ કરવી ઘટે તેના માટે આપણે આપણાથી જે થઇ શકે તે દાનરૂપે નહિ પણ ફરજ સમજી મદદ કરીએ. દિવાળીના આ પાવનપર્વ નિમિતે અજય જેવા અન્ય શહીદોના પરિવારની પણ મુલકાત લઇ તેમના જીવનમાં ચાલતી હોળીને દિવાળીમાં બદલીએ અસ્તુ.”

“દેશ માટે કપાયેલ શીશને થોડું મસ્તક નમાવીએ,

શહીદના પરિવાર કેરી હોળી દિવાળી બનાવીએ

મંદિરોમાં માથા બહુ નમાવ્યા, આ મંદિરે જઈ આવીએ,

પ્રસાદરૂપે ફટાકડા તથા મીઠાઈ ધરી આવીએ.

જય હિન્દ, જય ભારત , ભારતમાતાકી જય અને દિવાળીની ખુબ ખુબ શુભકામનાઓ

-કરણસિંહ ચૌહાણ

તા: ૧૫/૧૦/૨૦૧૯