Amangala Part 5 in Gujarati Women Focused by Jyotindra Mehta books and stories PDF | અમંગળા - ભાગ ૫

Featured Books
Categories
Share

અમંગળા - ભાગ ૫

ભાગ 

 

 ( અમુક વાર્તાઓ લખતા હાથ ધ્રુજી જતા હોય છે આ વાર્તા કંઈક એવાજ પ્રકારની છે , આ વાર્તામાં અમુક ભાગ રસરુચિ ભંગ કરનારો હોઈ શકે પણ વાર્તાનો ભાગ હોવાથી લખવો પડ્યો છે જો કોઈ ભૂલ થતી હોય તો તે માટે પહેલાથી ક્ષમા માંગુ છું )

 

સરલા કહી રહી હતી,”કદાચ સ્કૂલમાં સારો હશે, પણ કોલેજમાં ગયા પછી બગડી ગયો. એક નંબરનો નશાબાજ અને લુચ્ચો માણસ છે. તે દેખાવડો  હોવાથી સીધીસાદી છોકરીઓને ફસાવે છે અને પછી તેમના વિડિઓ બનાવીને માર્કેટમાં વેચે છે. આની પહેલા સુરતમાં નોકરી કરતો હતો પણ એક વખત પોલ ખુલતા ખુબ માર ખાધો અને માંડ માંડ છૂટ્યો અને અહીં આવી ગયો. એટલે ખુબ મીઠી મીઠી વાત કરતો હોય તો પણ તેની વાતોથી ભરમાવું નહિ અને તમે પણ તેની કોઈ વાત પર વિશ્વાસ ન કરતા.”

 મંગળાએ કહ્યું,”ના ના, અહીં મને રસ્તામાં મળી ગયો એટલે વાત કરવા ઉભી રહી.”

 સરલાએ કહ્યું,”તો સારું અને હમણાંથી ચાલીમાં આવ્યા નથી.”

 મંગળાએ કહ્યું,”હમણાંથી સમય નથી મળતો પણ ચોક્કસ આવીશ.” સરલા બીજી દિશામાં નીકળી ગઈ. મંગળા તેની સામે તો સામાન્ય દેખાવાનો પ્રયત્ન કરી રહી હતી પણ તેના પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી, એવી વ્યક્તિ જેના માટે પ્રેમ અનુભવવા લાગી હતી, તે આવો બદમાશ હશે તેની તેને કલ્પના ન હતી . શું તેણે પણ મારો ઉપયોગ જ કર્યો છે? 

પછી તેનું બીજું મન કહેવા લાગ્યું કે ના કોઈની વાત પર એટલી આસાનીથી વિશ્વાસ કેવી રીતે કરી લેવાય શક્ય છે આ બધું ખોટું હોય અને તેણે કોઈ સાબિતી પણ ક્યાં આપી છે. છતાં તેની વાતની સત્યતા તપાસવી પડશે. તેને યાદ આવ્યું કે જીતેનના બેડરૂમમાં એક કોમ્પ્યુટર છે તે ચેક કરું તો ખબર પડે.

છતાં મંગળાના મનને એક પ્રકારની ઉદાસી ઘેરી વળી. તે સુયશને ડિવોર્સ આપીને જીતેન સાથે લગ્ન કરવાનું વિચારી રહી હતી. ભગવાન કરે અને સરલાએ કહ્યું એ બધું ખોટું નીકળે. આવતીકાલે જીતેનના ઘરે જવાનું છે એટલે તેની ખાતરી પણ કરી લઈશ. આખી રાત તેણે પડખા ઘસીને વિતાવી. બીજા દિવસની સવાર તેણે ઘરકામમાં વીતી ગઈ અને બપોરે ઘરનોકરને કહ્યું,”હું ચાલીમાં જાઉં છું.” અને તે જીતેનના ઘરે પહોંચી ગઈ. થોડી આડીઅવળી વાત કરીને મંગળાએ પૂછ્યું,”આજે કામ પર ન ગયો?”

 તેણે કહ્યું,”આજે તું આવવાની હતી, તેથી નથી ગયો પણ આજે કેમ એવું પૂછ્યું?”

  મંગળાએ કહ્યું,” આ તો અમસ્તુજ.”

 થોડીવાર પછી તેઓ બેડરૂમમાં હતા અને અડધો કલાક પછી બંને સુઈ ગયા. મંગળાએ થોડી આંખ ખોલીને જોયું કે જીતેન સુઈ ગયો છે એટલે તેના પી સી પાસે ગઈ અને ઓન કર્યું અને જુદા જુદા ફોલ્ડર ચેક કરવા લાગી.

એક વિડિઓવાળું ફોલ્ડર તેને મળ્યું અને તે જોઈને તેની આંખો ફાટી ગઈ.જુદી જુદી છોકરીઓના જીતેન સાથેના વિડિઓ હતા, જેમાં જીતેનની ફક્ત પીઠ દેખાતી હતી. તેમાં એક વિડિઓ તેનો પણ હતો તેનું માથું ભમવા લાગ્યું.

 પાછળથી જીતેનનો અવાજ આવ્યો તેણે કહ્યું,”ચક્કર આવતા હશે! જાનેમન પાણી પી લે” એમ કહીને હસવા લાગ્યો. સામાન્ય રીતે વહાલો લાગનારો જીતેન આજે શયતાન જેવો લાગી રહ્યો હતો.

 મંગળાએ કહ્યું,”આ બધું શા માટે કર્યું? હું તો તને પ્રેમ કરતી હતી અને મારા પતિને ડાઇવોર્સ આપીને તારી સાથે લગ્ન કરવા માગતી હતી અને તું આવો નીકળ્યો.”

 જીતેને હસીને કહ્યું,”આ બધી છોકરીઓ પણ મને પ્રેમ કરતી હતી અને લગ્ન કરવા માગતી હતી.”

 મંગળાએ ક્રોધમાં કહ્યું,”હું તને છોડીશ નહિ તારી ફરિયાદ પોલીસમાં કરીશ.”

 જીતેને કહ્યું,”શોખથી કર અને આગળ બદનામી માટે તૈયાર રહે, મેં તારા પર બળાત્કાર કર્યો નથી જે થયું તેમાં તારી સહમતી હતી, અને પોલીસ પણ મને વધારે સમય અંદર નહિ રાખી શકે અને પછી હું બીજા શહેરમાં જતો રહીશ પણ તું ક્યાં જઈશ? પહેલાંથી જ અમંગળા અને અપશકુની નામથી પ્રખ્યાત તારા નામ સાથે બીજું નામ જોડાઈ જશે કુલટા.”

 તેનું હાસ્ય મંગળના કાનમાં સીસાની જેમ રેડાઈ રહ્યું હતું,” હવે જો તારે બદનામીથી બચવું હોય તો એક જ માર્ગ છે મને દસ લાખ આપ હું તારી બધી વિડિઓ કલીપ ડીલીટ કરી દઈશ.”

 મંગળાએ કહ્યું,” તેં મારી સાથે દગો કર્યો છે, તે કેવી રીતે ડીલીટ કરીશ.”

 જીતેને કહ્યું,” જે થયું તે આપસી સહમતીથી થયું મેં તને મજબૂર નહોતી કરી, હવે તું અહીંથી નીકળ તારી પાસે બે દિવસનો સમય છે, નહિ તો ત્રીજા દિવસે માર્કેટમાં તારી ક્લિપો ફરતી હશે અને અહીં રડીને તમાશો કરવાની જરૂર નથી.”

 મંગળાને શું કરવું તેની સૂઝ પડતી ન હતી! તે જીતેનના પી સી તરફ વળી તો જીતેને તેને અટકાવીને હૉલ તરફ ધકેલી અને કહ્યું,”પહેલા પૈસા ડાર્લિંગ. અને આ પી સી સિવાય પણ ઘણી જગ્યાએ ક્લિપો પડી છે.”

મંગળા પાસે ચુપચાપ ત્યાંથી નીકળવા સિવાય કોઈ માર્ગ નહોતો તે ઘરે પહોંચી ત્યારે સુયશ ઘરે જ હતો. તે આજે ઓફિસેથી વહેલો આવી ગયો હતો. તેણે પૂછ્યું,”ક્યાં ગઈ હતી?”

મંગળાએ કહ્યું,”નિમીભાભી પાસે ગઈ હતી.” અને ચુપચાપ પોતાની રૂમમાં ગઈ. તેને ખબર પડતી ન હતી કે શું કરવું ? દસ લાખ રૂપિયા તો બહુ મોટી રકમ કહેવાય. સુયશને કેવી રીતે કહેવું કે આટલી મોટી રકમ જોઈએ છે.

એટલામાં તેની રૂમનો દરવાજો ધડામના અવાજ સાથે ખુલ્યો સુયશ તેની તરફ લાલઘૂમ નેત્રોથી જોઈ રહ્યો હતો. તેણે મંગળાના વાળ પકડીને તેની ગરદન ઊંચી કરી અને ત્રાડ પાડીને પૂછ્યું,”બોલ ક્યાં ગઈ હતી અત્યારે?”

 મંગળાએ મક્કમતાથી કહ્યું,” નિમીભાભી પાસે ગઈ હતી.” 

સુયશે પોતાનો મોબાઈલ તેની આંખ સામે ધર્યો અને પૂછ્યું,”આ છે તારી નિમીભાભી?” મોબાઈલમાં તેનો અને જીતેનનો વિડિઓ ચાલુ હતો.

સુયશ કહી રહ્યો હતો,”મારી પાસે તો બહુ નાટક કરી રહી હતી અને અહીં શું કરી રહી છે! જો શરીરમાં એટલી બધી ગરમી હતી તો હું ક્યાં નહોતો?” સુયશનું આ રૂપ જોઈને મંગળા ધ્રુજી ઉઠી.

“કોઈએ મને આ કલીપ મોકલી છે અને તે ડીલીટ કરવાના વીસ લાખ માગે છે પણ કાન ખોલીને સાંભળી લે હું કોઈને એક રૂપિયો પણ આપવાનો નથી અને તું અત્યારે જ મારા ઘરમાંથી બહાર નીકળ.”

 મંગળા રડવા લાગી તેણે કહ્યું,”આ મારી સાથે ભણતો હતો અને તેની લાગણીમાં હું છેતરાઈ ગઈ મને માફ કરી દો.”

 સુયશે કહ્યું,”આવી ભૂલ માટે કોઈ માફી નથી હોતી અને હવે મારા જીવનમાં તારું કોઈ સ્થાન નથી અને તું અહીંથી ચાલતી પકડ.” પછી તેને વાળ પકડીને ઉભી કરી અને બહાર લઇ આવ્યો. મંગળા રડીરડીને વિનવવાની કોશિશ કરતી રહી પણ સુયશના શરીરમાં જાણે શયતાને પ્રવેશ કર્યો હોય તેમ તેને ખેંચીને બહાર લઇ આવ્યો અને ઘરની બહાર ફંગોળી દીધી અને દરવાજો ધડામ અવાજ સાથે બંધ કર્યો.

 મંગળા થોડીવાર ત્યાં ઉભી ઉભી રડતી રહી પછી તે ગેટની બહાર નીકળી. હવે તેના માટે કોઈ રસ્તો બચ્યો ન હતો સિવાય કે આત્મહત્યા. તે બંગલાના રસ્તાના વળાંક પર પહોંચી ત્યાં જ એક રીક્ષા આવીને ઉભી રહી.