રુદ્ર ની પ્રેમકહાની
અધ્યાય - 10
બધાં રાજવીઓ પોતપોતાનાં દીકરા-દિકરીઓનાં ગેબીનાથ નાં કહ્યાં મુજબ લગ્ન કરાવી દીધાં.. નિર્વા અને દેવદત્ત નાં ઘરે એક તેજસ્વી પુત્ર-રત્નનો જન્મ થયો જેનો નામ ગુરુ ગેબીનાથે રુદ્ર રાખ્યું. પોતાનાં ભાઈ જલદ નાં પ્રભુ ભક્તિ માટે જંગલમાં ગયાં બાદ એની દીકરી ઉમા નાં ઉછેર ની અને સમગ્ર પાતાળલોકમાં શાસન કરવાની જવાબદારી દેવદત્ત ઉપર આવી પડી.. પોતાનાં પુત્રમાં યોગ્ય સંસ્કારો નું સિંચન થાય એ હેતુથી નિર્વા અને દેવદત્ત રુદ્ર ને ગેબીનાથ નાં આશ્રમમાં મૂકી આવ્યાં.. રુદ્ર નાં આગમનથી પરેશાન આશ્રમમાં વસતાં બે નિમ બાળકો શતાયુ અને ઈશાન રુદ્ર ત્યાંથી ચાલ્યો જાય એ હેતુથી એક યોજના બનાવે છે જે ગુરુ ગેબીનાથ સાંભળી જાય છે.
શતાયુ અને ઈશાન રુદ્ર ને આશ્રમમાંથી કઈ રીતે નીકળી જવાં મજબુર કરવો એ વિશે ચર્ચા કરી રહ્યાં હતાં.
"જો ઈશાન, રુદ્ર હજુ ઉંમરમાં ઘણો નાનો છે અને વળી પોતાનાં રાજમહેલમાં એ ફૂલની જેમ ઉછર્યો પણ હશે એમાં કોઈ શંકા ને સ્થાન નથી.. "શતાયુ એ ધીમાં અવાજે ઈશાનને કહ્યું.
"હા એ તો છે.. પણ એનાંથી શું..? "શતાયુની વાત સાંભળી ઈશાને સવાલ કરતાં કહ્યું.
"તો અહીંથી રુદ્ર પોતાનાં મહેલમાં જવાં મજબુર બની જાય એ માટે એને એ હદે ડરાવી મુકીએ કે એ ગુરુજી આગળ પોતાનાં ઘરે જવાની જીદ કરે.. "શતાયુ પોતાનાં મનમાં ચાલી રહેલી યુક્તિ ઈશાન ને જણાવતાં બોલ્યો.
"પણ એ માટે તું કરીશ શું..? "ઈશાને સવાલ કર્યો.
"ગુરુજી દર ત્રણ-ચાર દિવસે આપણને લાકડાં, ફળ, ફૂલ ઈત્યાદિ વસ્તુઓ લેવાં જંગલમાં મોકલે છે.. તો હવે જ્યારે એ એવું કરશે ત્યારે આપણે રુદ્ર ને આપણી સાથે રાખીશું.. "આટલું બોલતાં જ શતાયુ નાં ચહેરા પર ચમક પથરાઈ ગઈ.
"શું કહ્યું તું રુદ્ર ને જંગલમાં જતી વેળા આપણી ભેળા રાખીને એને ડરાવવા માંગે છે..? ના ભાઈ હો.. હું તારી આ યોજના માં તારો સાથ નહીં આપું.. તું એ ના ભૂલતો કે એ અહીંનો રાજકુમાર છે.. અને જો ગુરુજી ને કે અન્ય કોઈને એને એ વિશે જણાવ્યું કે તે અને મેં મળીને એને ડરાવ્યો અને અહીંથી જવાં મજબુર કર્યો તો આપણું આવી બનશે. "શતાયુ ની વાત સાંભળી આનાકાની કરતાં ઈશાન બોલી પડ્યો.
"એ તું પહેલાં મારી વાત પૂર્ણતઃ સાંભળ તો ખરો પછી તારે જે નિર્ણય લેવો હોય એ લેજે.. "ઈશાનનાં ચહેરા પર ધીરેથી સ્પર્શ કરી શતાયુ સ્ત્રી અવાજમાં બોલ્યો અને આ સાથે જ એને એક સ્વરૂપવાન યુવતીનું રૂપ ધરી લીધું.
"મને ખબર છે તારી આ શક્તિ વિશે.. હવે તું મૂળ રૂપમાં આવ અને મને તારી પૂર્ણ યોજના જણાવ.. "ઈશાન બોલ્યો.
ઈશાન નાં આમ બોલતાં જ શતાયુ પોતાનાં મૂળ સ્વરૂપમાં આવી ગયો.. પોતે જે યોજના બનાવી હતી એનું પૂર્ણ રૂપરેખા વિશે ઈશાનને જણાવતાં શતાયુ એ કહ્યું.
"જો ભાઈ.. આપણે સાથે જંગલમાં જઈશું ખરાં પણ જંગલમાં રાજકુમાર ને ડરાવવાનું કાર્ય તું કે હું નહીં કરીએ પણ એ કાર્ય કરશે.. 'રારા'.. "
"એ તારી મતિ ભ્રમ થઈ ગઈ છે કે શું.. એ વિશાળકાય અજગર રારા દ્વારા તું રુદ્રનાં મનમાં ડર પેદા કરીશ.. તને ખબર તો છે રારા કેટલો ભયાવહ છે.. "રારા નું નામ સાંભળતાં જ ઈશાન પોતાનાં સ્થાનેથી ઉભાં થતાં બોલ્યો.
ઈશાન નો હાથ પકડી એને પુનઃ પોતાની જગ્યાએ બેસાડતાં શતાયુ બોલ્યો.
"તારામાં ધીરજ જેવી વસ્તુ જ નથી.. પહેલાં મારી વાત પૂરી સાંભળી તો લે.. જો પછી તને એવું લાગે કે મારી યોજના યોગ્ય નથી તો પછી તું કહીશ એમ કરીશું.. "
"હા બોલ.. "અણગમા સાથે શતાયુ ની જોડે પુનઃ સ્થાન ગ્રહણ કરતાં ઈશાન બોલ્યો.
"જ્યારે આપણે જંગલમાં જઈશું ત્યારે રારા જે ગુફામાં રહે છે ત્યાં આવી હું એવું નાટક કરીશ કે મારાં પગમાં મચકોડ આવી ગઈ છે.. ત્યારબાદ આપણે રાજકુમાર ને જણાવીશું કે ગુફાની અંદર ફળો નાં ઘણાં બધાં વૃક્ષો છે.. તો ત્યાં જઈને થોડાં ફળ વીણી લાવે. જેવો એ માસુમ રાજકુમાર ગુફામાં જઈને રારા ને જોશે એ સાથે જ ડરથી ધ્રુજી ઉઠશે.. "શતાયુ નાં ચહેરા પર આ સાથે જ ભેદી સ્મિત રમવા લાગ્યું.
"પણ જો એ અજગર રાજકુમાર ને ભરખી ગયો તો..? "શતાયુ ની યોજના સાંભળી પ્રશ્ન કરતાં ઈશાને કહ્યું.
"તો પછી તારી શક્તિ શું કામ આવશે..? આપણે તારી અદ્રશ્ય -આવરણ શક્તિની મદદથી રાજકુમાર રુદ્ર ગુફામાં પ્રવેશ કરશે ત્યારે એની સાથે જ હોઈશું પણ એને આપણી હાજરીની ગંધ નહીં આવે. જો એવી કોઈ ક્ષણ આવે જે રાજકુમાર રુદ્ર માટે જોખમી પુરવાર થતી લાગે તો એનો હાથ પકડી તું તારી શક્તિનો ઉપયોગ કરી અમુક ક્ષણો પૂરતો એને પણ અદ્રશ્ય કરી દેજે.. અને જ્યાં સુધી તારી શક્તિ ની અસર નાબૂદ થશે ત્યાં સુધી તો આપણે ગુફાની બહાર નીકળી જઈશું.. "પોતાની આંખોની ભ્રમર ઊંચી કરી સ્મિત સાથે શતાયુ બોલ્યો.
"વાહ ભાઈ, ખરેખર તારી આ યોજના અમલમાં મૂકવા લાયક ખરી.. પણ જો એવું બન્યું કે આ બધું કર્યાં બાદ પણ રુદ્ર અહીંથી જવાં તૈયાર ના થયો તો..? "સવાલસુચક નજરે શતાયુ ભણી જોતાં ઈશાને પુછ્યું.
"જો એવું ના થયું તો એટલું તો ચોક્કસ થશે કે રાજકુમાર નાં ભયમાં સર્પજાતી માટેનો ડર વ્યાપ્ત થઈ જશે.. અને જો રાજકુમાર અહીંથી પાછો મહેલમાં નહીં જાય તો એને આશ્રમમાં બધી જગ્યાએ સર્પ નજરે ચડે એવી ગોઠવણ કરી દઈશું.. "ઈશાન ને તાળી આપતાં શતાયુ બોલ્યો.
"કમાલ છે તારી બુદ્ધિ ને મિત્ર.. "શતાયુ ની સંપૂર્ણ યોજના સાંભળ્યાં બાદ એને ગળે લગાવતાં ઈશાન બોલ્યો.
"ચલ ત્યારે આપણાં કક્ષમાં જઈને સુઈ જઈએ.. ક્યાં ગુરુજી આટલી મોડી રાતે જોઈ ગયાં તો કઠોર શિક્ષા કરશે.. "શતાયુ નાં આટલું બોલતાં જ ઈશાન અને શતાયુ એમને ફાળવેલાં શયન કક્ષ તરફ ચાલી નીકળ્યાં.
શતાયુ અને ઈશાન વચ્ચે થયેલી સંપૂર્ણ વાતચીત સાંભળ્યાં બાદ ગુરુ ગેબીનાથ નાં ચહેરા પર પોતાનાં બે શિષ્યો દ્વારા બનાવાયેલી આ યોજનાનાં લીધે ગુસ્સો હોવો જોઈતો હતો પણ એ તો શાંત મુખમુદ્રા સાથે શતાયુ અને ઈશાન ની વાત સાંભળ્યાં બાદ પોતાનાં શયનકક્ષ તરફ આગળ વધતાં વધતાં ચહેરા પર સ્મિત સાથે મનોમન બોલ્યાં.
"રાજકુમાર રુદ્ર આ સાથે જ તમારી પ્રથમ પરીક્ષા પ્રારંભ થાય છે.. "
******
શતાયુ અને ઈશાને મળીને જે યોજના બનાવી એ વાતને બે દિવસ વીતી ગયાં.. અને આ દરમિયાન ગુરુ ગેબીનાથે જાણી જોઈને રુદ્ર ને વધારે મહત્વ આપવાનું શરૂ કર્યું.. જ્યારે વેદો-પુરાણો નું જ્ઞાન આપતાં ત્યારે ગુરુજી રુદ્ર ને પ્રથમ હરોળમાં બેસાડતાં. આ ઉપરાંત એનાં જમવામાં પણ કાળજી લેતાં.. રુદ્ર ને તો ગુરુ ગેબીનાથ દ્વારા પોતાની લેવામાં આવતી કાળજી નાં લીધે ઘર જેવું જ વાતાવરણ મહેસુસ થઈ રહ્યું હતું.. પણ શતાયુ અને ઈશાન તો આ બધું જોઈ મનોમન સળગી રહ્યાં હતાં.
એમાં શતાયુ તો જ્યારે પણ ગુરુ ગેબીનાથ રુદ્ર નું નામ પણ બોલતાં ત્યારે ઈર્ષા ની આગમાં સળગી ઉઠતો.. આવું બનતું ત્યારે એ ઈશાન ને ઈશારો કરીને એ દર્શાવતો કે પોતાને જે વાતનો ડર મહેસુસ થતો હતો એવું જ બન્યું.. આ દરમિયાન ગુરુ ગેબીનાથ તો શતાયુ નો ક્રોધિત ચહેરો જોઈને મનોમન પ્રસન્ન થતાં.
આશ્રમનાં નિયમ મુજબ આખરે શતાયુ એ બનાવેલી યોજનાને ત્રણ દિવસ દિવસ વીત્યાં બાદ બધાં જ શિષ્યોનો જંગલમાં જવાનો વખત આવી ચુક્યો હતો.
"તો આપણાં આશ્રમનાં નિયમ મુજબ તમારે સૌ એ જંગલમાં જવાનું છે જીવન જરૂરિયાત ની વસ્તુઓ એકત્રિત કરવાં.. "પોતાનાં આશ્રમમાં રહેતાં ચાલીસેક નિમ બાળકોને ઉદ્દેશતાં ગુરુ ગેબીનાથે કહ્યું.
ગુરુ ગેબીનાથ ની વાત સાંભળી શતાયુ, ઈશાન અને રુદ્ર સમેત બધાં નિમ બાળકોએ હકારમાં ડોકું હલાવ્યું.
"રુદ્ર તું પણ જંગલમાં જવાં માંગે છે..? "રુદ્ર ની સમીપ જઈને ગુરુજીએ કહ્યું.
"હા, ગુરુવર.. હવે અહીં આશ્રમમાં તમારી જોડે શિક્ષા ગ્રહણ કરવાં જ આવ્યો છું તો મારે એ બધું જ કાર્ય કરવું જોઈએ જે કાર્ય અહીં રહેતાં દરેક શિષ્ય એ કરવું પડે છે.. હું અહીં મોજુદ છું ત્યાં સુધી હું આ રાજ્યનો રાજકુમાર નહીં પણ તમારો શિષ્ય બનીને રહેવાં માંગુ છું.. "પોતાનાં કર જોડી, શીશ ઝુકાવી વિનમ્ર સ્વરે રુદ્ર બોલ્યો.
"ઉત્તમ.. અતિ ઉત્તમ.. "રુદ્ર નાં વિચારો સાંભળી પ્રસન્ન સ્વરે ગુરુ ગેબીનાથ બોલી પડ્યાં.
"શતાયુ અને ઈશાન.. "શતાયુ અને ઈશાનને ઉદ્દેશીને ગેબીનાથે કહ્યું.
"હા બોલો ગુરુજી.. "પોતાનું નામ અચાનક ગેબીનાથ નાં મુખેથી સાંભળી એકસુરમાં ઈશાન અને શતાયુ બોલી ઉઠયાં.
"જ્યારે તમે જંગલમાં જશો ત્યારે રાજકુમાર રુદ્ર તમારાં બંને સાથે જ રહેશે.. એને સહી સલામત લાવવાની જવાબદારી તમારી બંને ની.. મને વિશ્વાસ છે કે તમે બંને મારું સોંપેલું આ કાર્ય યોગ્ય રીતે નિભાવશો.. "શતાયુ અને ઈશાને બનાવેલી યોજના વિશે જાણ હોવાં છતાં ગેબીનાથે એ બંને ને રુદ્ર ને સાચવવાની જવાબદારી સોંપતા કહ્યું.
"અવશ્ય ગુરુવર.. રાજકુમાર રુદ્ર હવે અમારી જવાબદારી છે.. "પોતાનાં સ્થાનેથી ચાલીને રાજકુમાર રુદ્ર ની આજુબાજુ ઉભાં રહીને શતાયુ અને ઈશાન એકસુરમાં બોલ્યાં.
"સારું તો હવે તમે બધાં અરણ્ય તરફ પ્રસ્થાન કરી શકો છો.. "પોતાનાં શિષ્યોને જંગલ તરફ પ્રયાણ કરવાનું જણાવતાં ગેબીનાથે કહ્યું.
ગુરુ ગેબીનાથ નો આદેશ મળતાં જ બધાં જ શિષ્યો જંગલ તરફ પ્રયાણ કરવાં ચાલી નીકળ્યાં.. શતાયુ અને ઈશાન ની યોજનાનું પ્રથમ પગથિયું તો ગુરુ ગેબીનાથે રુદ્ર ને એ બંને સાથે મોકલીને જ પૂર્ણ કરી દીધું હતું... આ વાતથી ખુશખુશાલ ઈશાન અને શતાયુ રુદ્ર ને પોતાની સાથે લઈને જંગલની તરફ ચાલી પડ્યાં.. જ્યાં શું કરવાનું હતું એ તો એ બંને એ વિચારી રાખ્યું હતું પણ હકીકતમાં શું બનવાનું હતું એ તો ઉપરવાળા નાં હાથમાં હતું.
પોતાનાં બધાં શિષ્યો ને જંગલમાં મોકલ્યાં બાદ ગુરુ ગેબીનાથ આશ્રમને સાચવવાની જવાબદારી પોતાનાં બે સેવકો ભીમા અને સંજય પર મુકીને માં ભૈરવી નાં મંદિર તરફ પ્રયાણ કરે છે.
માં ભૈરવી નાં મંદિરમાં પહોંચી માં ભૈરવી ની પ્રતિમા સમક્ષ પોતાનું શીશ ઝુકાવી ગુરુ ગેબીનાથ બોલ્યાં.
"માં.. રુદ્ર ની રક્ષા કરજે.. અને એને આ પરીક્ષામાં સફળ બનાવજે.. "
★★★
વધુ નવાં અધ્યાયમાં.
રાજકુમાર રુદ્ર રારા નો મુકાબલો કઈ રીતે કરશે...? શતાયુ અને ઈશાન ની યોજના સફળ થશે..? માનવો અને નિમ લોકો વચ્ચે ક્યારેય સુમેળભર્યો સંબંધ પ્રસ્થાપિત થશે..? રુદ્ર નો જન્મ કઈ રીતે આખાં જગતને અસર કરનારો સાબિત થવાનો હતો...? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ નવલકથા નો નવો અધ્યાય.. આ નવલકથા નાં શરુવાતનાં ભાગ નવલકથાનો પાયો તૈયાર કરી રહ્યાં છે.. આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે. આ નવલકથા દર અઠવાડિયે ગુરુવારે અને રવિવારે માતૃભારતી થકી પ્રસારિત થશે.
તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોતની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.
હવસ:IT CAUSE DEATH, હતી એક પાગલ, પ્રેમ-અગન
The ring, ડેવિલ રિટર્ન અને મર્ડર@રિવરફ્રન્ટ
~જતીન. આર. પટેલ (શિવાય)
***