Khoufnak Game - 9 - 4 in Gujarati Horror Stories by Vrajlal Joshi books and stories PDF | ખોફનાક ગેમ - 9 - 4

Featured Books
Categories
Share

ખોફનાક ગેમ - 9 - 4

ખોફનાક ગેમ

વ્રજલાલ હિરજી જોષી

“માણસ કે જાનવર”

ભાગ - 4

થોડીવાર પછી કદમને ઓપરેશન થિયેટરમાં સુવડાવવામાં આવ્યો હતો. અત્યારે ત્યાં બાંધેલો ચિત્તો ન હતો અને ઓપરેશન થિયેટર પણ સાફ-સુથરો હતો. કદાચ તે ચિત્તાને બીજા રૂમમાં ખસેડી નાખવામાં આવ્યો હતો. કદમ પર હેડલાઇટનો તીવ્ર પ્રકાશ પડતો હતો. મોરારીબાબુ અને તેનો આસિસ્ટંટ ઓપરેશન કરવાની તૈયારી કરતા હતા.

કદમ જિંદગીમાં પહેલીવાર આટલો લાચાર બન્યો હતો. તેને થતું હતું કે તેનું ઓપરેશન કરી નાખ્યું અને તેને વાનરનું સ્વરૂપ આવી દેવામાં આવશે, તો તેની જિંદગી નરક બની જશે...તેના કરતાં તો મોત આવી જાય, તો સારું...તેની નજર સામે સોમદત્તનો ચહેરો તરવરવા લાગ્યો. તેણે મનને મક્કમ કર્યું. તે અચાનક તેને તાનીયા યાદ આવી ગઇ. ગોરો રૂપકડો માસુમ ચહેરો, “કદમ” જલદી પાછો આવજે. હું તારી વાટ જોઇશ.’’ તાનીયાની ભીની પાંપણો તેને યાદ આવી.

અચાનક થિયેટરમાં મોરારીબાબુના અવાજથી કદમ વર્તમાનમાં પાછો આવ્યો, મોરારીબાબુ કહી રહ્યા હતા. મિ. કદમ તમારા પર ઓપરેશન કરવા માટે બધું તૈયાર છે. હું એટલો બેરહેમ નથી કે પેલા ચિત્તાની જેમ એમ ને એમ તમારા પર સર્જરી કરું. યાદ છે ચિલ્લાતો...તરફડતો...ચિત્તો હા...ચિત્તો હજુ પણ ચીસો પાડી રહ્યો છે. તેની ચીસો ચારે તરફ ગુંજી રહી છે તે પીડાથી તરફડે છે. આ થિયેટર સાઉન્ડ પ્રુફ છે. એટલે તેનો અવાજ અહીં નથી પહોંચતો, મિ. કદમ...તમે તેની જેમ ચિલ્લાવ નહીં, પીડાથી તરફડો નહીં તે માટે હું તમને એનેસ્થેસિયા આપીને બેહોશ કરી દઉં છું. કેમ...? બરાબર...’ આખરે તમે અત્યાર સુધી માણસ છો...ઇન્સાન છો...’’ ઇંજેક્શન સિરીંઝ હાથમાં લેતાં તે બોલ્યા.

“જા...જા...મને છોડી દ્યો.”

“મને....મોત આપી દ્યો...પ્લીઝ...મને મારી નાખો, પણ આ નરકની જિંદગી ન આપો...” કદમનો અવાજ પીડાથી તરડાઇ ગયો, તેની આંખોમાં ખોફ છવાઇ ગયો હતો.

“તમે આ ટાપુ પર આવીને મોટી ભૂલ કરી છે, મિ.કદમ હવે તો આ નવો પ્રયોગ (માણસને જાનવર બનાવવાના) કરવો જ રહ્યો.” કહેતાં-કહેતાં મોરારીબાબુએ સિરીંઝમાં ઇંજેક્શન ‘કેટમીન’ ભર્યું. અને કદમના હાથની નસ શોધી આપવાની તૈયારી કરી.

“મિ.કદમ...આ ઇંજેક્શન આપ્યા પછી તમે બેહોશીના ગર્તમાં ઊતરી જશો. તમારી બીક, ટેન્શન દૂર થઇ જશે જ્યારે તમે બેહોશીમાંથી બહાર આવશો ત્યારે લગભગ બંદર જેવા બની ગયા હશો...” તેણે કદમ તરફ સ્મિત કરતાં હાથમાંથી સિરીંજ કદમના હાથ તરફ ઘુમાવી.

તે જ ક્ષણે ઓપરેશન થિયેટર અંદરની ઇમરજન્સી લાઇટ ઝબુક-ઝબુક થવા લાગી, લાઇટ ચાલુ થયેલ જોઇ મોરારીબાબુ ચમક્યા, કેમ કે તેઓ જ્યારે થિયેટરમાં હોય અને તેમને ઇમરજન્સીમા બહાર બોલાવવા પડે ત્યારે જ આ લાઇટ ચાલુ કરવામાં આવી.

કદમને ઇંજેક્શન આપવા માટે હાથમાં લીધેલી સિરીંઝને પાછી ટ્રેમાં મૂકી તેમણે ગ્લાઉઝ ઉતાર્યા અને પછી તરત જ થિયેટરની બહાર ધસી ગયા. ઓપરેશન થિયેટરની બહાર પાંચ સિપાહીઓ ઊભા હતા. મુરારીબાબુ બહાર આવ્યા કે તરત તેઓએ સેલ્યુટ મારી અને તેમાંથી એક સિપાહી બોલ્યો...’’ સર...રીંછ માનવ, ચિત્તા માનવ અને વાઘ માનવે બળવો કર્યો છે અને તેઓએ ભેગા મળીને પાંચ-છ જાનવરોને મારી નાખ્યા છે. તેઓ જાનવરોને મારી નાખી તેનું માંસ ખાતા હતા. આપણા બે સિપાઇઓ ત્યાંથી પસાર થયા. તેઓએ તે ર્દશ્ય નિહાળ્યું એટલે તે સિપાઇઓ તેમના પર ગુસ્સે થયા અને આવું કાર્ય ન કરવા માટે કડક ચેતવણી આપી તો તેઓ સિપાઇ પર ગુસ્સે ભરાયા ને તે બે સિપાઇ પર હુમલો કર્યો અને તેમને મારી નાખ્યા...’’ તે એકી શ્વાસે બોલી ગયો.

“ભલે...હું હમણાંજ આવું છું... ” કહી તેઓ તરત ઓપરેશન થિયેટરમાં પાછા ફર્યા. ઓપરેશનનાં કપડાં કાઢી નાખી પછી તેના આસિસ્ટંટને સાથે ચાલવાનું કહ્યું. પછી કદમને ઉદ્દેશીને બોલ્યા.’’ સોરી...મિ. કદમ, આજ તમારું જાનવર બનવાનું મુરત નથી. અત્યારે તો હું જાઉં છું....આપણે તમારું ઓપરેશન આવતીકાલ કરશું...’’ કદમના જવાબની રાહ જોયા વગર તેઓ થિયેટરની બહાર નીકળ્યા. બહાર આવી બે સિપાઇઓને કદમને જ્યાં પહેલાં પ્રલય, વિનય સાથે હતો તે રૂમમાં સિફ્ટ કરવાનું કહ્યું, પછી પોતાનું હેન્ડર લઇને જંગલ તરફ ચાલ્યા. તેઓનો ચહેરો રોષથી ખેંચાઇ ગયો હતો અને ચિંતાથી કરચલીઓ પડેલી દેખાતી હતી.

કદમને તરત પ્રલય અને વિનયવાળા રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યો. અહીં તેઓના હાથ-પગનાં બંધનો છોડી મૂકવામાં આવ્યા હતાં.

“હાશ...આજ તો હું બચી ગયો...સાલ્લાં વંતરીનાએ મને પગને આડા-અવળા કરતાં કદમે કહ્યું.

“હવે આપણે જેમ બને તેમ અહીંથી છટકવું પડશે...” વિનયે ચારે તરફ નજર ફેરવી તે કમરાનું નિરીક્ષણ કર્યું.

કમરાની દીવાલો જરૂર કરતાં ઘણી ઊંચાઇ ધરાવતી હતી. એક દરવાજાને બાદ કરતાં કમરામાં ફક્ત એક જ વેન્ટીલેશન માટે બારી બનેલી હતી. તે બારીમાં વેન્ટીલેશન ફેન ફિટ કરવામં આવેલ હતો.

“જો વેન્ટીલેશન વિન્ડો સુધી પહોંચી શકાય તો જરૂર આપણે અહીંથી છટકી શકીએ બાકી તો કોઇ ઉપાય દેખાતો નથી.” દીવાલો ફંફોસતા પ્રલયે વેન્ટીલેશન બારી તરફ નજર ફેરવી.

“પહેલા તો વેન્ટીલેશન બારી પાસે પહોંચવું મુશ્કેલ છે અને બારી પાસે પહોંચ્યા પછી તેની ગ્રીલ અને ફેનને કાઢવા પડે પછી કદાચ આપણ બહાર નીકળી શકીએ અને તે પણ સરકીને સામે પાર જવું પડે અને જો સામે પારની દીવાલ આ દીવાલની જેમ ઊંચી અને લીસી હોય તો સીધા જ નીચે પટકાઇએ અને માથુ તરબૂચની જેમ ફાટી જાય...” વિચાર કરતાં-કરતાં કદમ હોઠ ચાવતો હતો.

‘કદમ..એ બધું વિચારવાનું પડતું મૂક, આપણામાંથી જો એક જણ પણ બહાર નીકળી જાય તો પછી છટકવું આસાન થઇ જશે, જો વેન્ટીલેશન ફેન પાછળ નજર કર. પાછળના ભાગમાં મોટા વૃક્ષો દેખાય છે. આપણા વેન્ટીલેશન વિન્ડોમંથી સરકીને તે વૃક્ષ પર ચડી જવાનું છે અને વેન્ટીલેશન ગ્રીલ અને ફેન ખોલવા માટે તારી પાસે છૂરી તારા બૂટમાં છે. જો તારા બૂટ ક્યાં પડ્યા છે તેની તપાસ કર...’ પ્રલયે કહ્યું.

“તું તારા બૂટને શોધ હું અને પ્રલય આ ટેબલને દીવાલ તરફ ખસેડી લઇએ જેથી ઉપર ચડવામાં આસાની થાય.”

કદમ...તે રૂમમાં પોતાના બૂટ શોધવા લાગ્યો. પ્રલય તથા વિનય રૂમના વચ્ચોવચ્ચ પડેલાં ટેબલોના ધક્કા મારી દીવાલ તરફ ખસેડવા લાગ્યા. વચ્ચે પડેલાં ટેબલોને ધક્કો મારી દીવાલ તરફ ખસેડવા લાગ્યા. વચ્ચ પડેલી બે ટેબલોને જમીનમાં ફિક્સ કરેલાં હતાં પણ એક ટેબલ ખાલી મૂકેલું હતું. કમરાના સન્નાટા ભર્યા વાતાવરણમાં જરાક સરખો અવાજ પણ બોમ્બ વિસ્ફોટના ધડાકા જેવો સંભળાતો હતો. પ્રલય અને વિનય જરાય અવાજ ન થાય તેવી સાવચેતીપૂર્વક ટેબલને ખસેડીને દીવાલ સરસી મૂકી. સામે ખૂણામાં બનેલા લાકડાના વોર્ડ-રોબમાં કદમને તેના તથા પ્રલય, વિનયના બૂટ મળી આવ્યા પોતના બૂટના તળિયેથી તેણે છૂરીને અલગ કરી.

“એક કામ કરો...મારા ખભા પર વિનય ચડી જાય અને પછી તેના ખભા પર કદમ ચડે તો જરૂર કદમ વેન્ટીલેશન સુધી પહોંચી જશે...”

અને વેન્ટીલેશનવાળી દીવાલ પાસે મૂકેલા ટેબલ પર પ્રલય ચડી ઊભો રહ્યો પછી થોડો નીચો નમ્યો અને વિનય તેના ખભા માથે ચડી ગયો પછી દીવાલ સરસો થઇને ધીમે-ધીમે પ્રલયના ખભા પર પગ ટેકવી તે ઊભો થયો.

“બરાબર...હવે તમે બંને તમારા હાથને સીધા કરો, તેના સપોર્ટથી હું ઉપર ચડી જાઉં...” છરીને મોંમાં દબાવી ટેબલ પર ચડતાં કદમ બોલ્યો.

પ્રલય અને વિનયે પોતાના હાથ મજબૂતાઇથી સીધા કર્યા અને કદમ તેના હાથના સહારે ધીરે ધીરે ઉપર ચડવા લાગ્યો.

ખૂબ જ શાંતિથી કદમ વિનયના ખભા પર બંને હાથે દીવાલ પકડીને ઊભો થયો. પછી એક હાથેથી મોંમાં દબાવેલી છરી પકડીને બંને હાથ ઉપર ઉઠાવ્યા.

કદમના હાથ વેન્ટીલેશનથી અડધો ફૂટ દૂર હતા.

“મારા હાથ વેન્ટીલેશનથી અડધો ફૂટ દૂર રહે છે...”

“ઠીક છે. કદમ તું હાથના પંજાથી વેન્ટીલેશનને પકડવની કોશિશ કર.” કહી પ્રલયે પગના પંજા પર ધીરે ધીરે થોડો ઊંચો થયો.

કદમે ઉપર નજર કરી હજુ પણ તેના હાથમાં પંજા અને વેન્ટીલેશન વચ્ચે થોડું અંતર રહેતું હતું. કદમે હાથ નીચો કરી છૂરીને પોતાના મોંમાં દબાવી પછી પોતે થોડો નીચો થયો અને બંને હાથ ઊંચા કરીને પોતાની નજર વેન્ટીલેશન પર જડી દીધી. પોતાના બંને પગ વિનયના ખંભા પર બરાબર જમાવ્યા પછી તે દબાવેલી સ્પ્રિંગ છટકીને સીધી થતી ઉછળીને તેમ જમ્પ મારી ઊછળ્યો.

બીજી જ ક્ષણે તેના હાથનાં પંજા વેન્ટીલેશનની ગ્રીલ પર જામી ગયા. અત્યારે તે પોતાના હાથની આંગળીઓના સહારે દીવાલ પર અધ્ધર લટકતો હતો. ત્યારબાદ શરીરનું પૂરું બળ હાથના પંજા પર લગાવી હાથને ધીરે-ધીરે વાળવા લાગ્યો અને તેનું દીવાલ પર લટકતું શરીર અધ્ધર ઊંચકાયું. તેના હાથના પંજામાં કારમી તીવ્ર પીડાનું લખલખું ફરી વળ્યું. તેના માથા પર પરસેવો બાઝી ગયો. ખૂબ જ પીડા વચ્ચે જડબાને સખત રીતે ભીંસીને તેણે શરીરને ઉપર ઉઠાવ્યું અને ત્યારબાદ તેણે ડાબા હાથના પંજા જે ગ્રીલ સાથે જકડાયેલ હતા તેને છોડી દીધા પણ બીજી જ ક્ષણે તેના ડાબા હાથના પંજા ગ્રીલના ઉપરના ભાગમાં આવેલા લોખંડના પાઇપ પર જકડાઇ ગયા પછી આરામથી તેણે જમણા હાથના પંજાને પણ તે લોખંડના પાઇપ પર જકડીને પોતાના શરીરને ફરીથી થોડું ઉપર ઉઠાવ્યું. હવે તેના પગમાં પંજા વેન્ટીલેશનની બારીનાં ખાંચામાં ગોઠવાઇ ગયા. ત્યારબાદ તેણે એક હાથેથી પાઇપને પકડીને બીજી હાથ વડે મોમાં ભરાવેલી છૂરી હાથમાં લીધી અને પછી છુરીના મદદથી ગ્રીલ પર લગાવેલા સ્ક્રૂને ખોલવા લાગ્યો.

કદમ વેન્ટીલેશનની બારી પર ચડી જતાં જ તરત વિનય જમ્પ માપીને પ્રલયના ખભા પરથી નીચે ઊતરી આવ્યો. પછી બંને નીચે કદમની કાર્યવાહી જોતા ઊભા રહ્યા.

કદમે ફટાફટ ગ્રીલ ખોલી નાખી. ગ્રીલ વેન્ટીલેશનની દીવાલથી છટકી પડતાં જ કદમે તેને ધીરે-ધીરે દીવાલ સરસી નીચે સરકાવી વેન્ટીલેશનની ગ્રીલમાં પંખો ફિટ હતો હવે તે ગ્રીલ પંખાના ઇલેક્ટ્રિક તારના આશરે દીવાલ પર લટકી રહી હતી.

કદમે વેન્ટીલેશનની બારીમાં ડોકું લંબાવીને બહારની તરફ નજર ફેરવી. બહાર ચારે તરફ સન્નાટો છવાયેલો હતો. તે વેન્ટીલેશનવાળી બારી લેબોરેટરીના પાછળના ભાગ તરફ પડતી હતી. સામે જ એક મોટું ઝાડ ફેલાયેલું હતું એક મોટી મજબૂત ડાળ ને બારી પાસેથી પસાર થતી હતી. કદમે પોતાનું શરીર ધીરે-ધીરે બારીની બહાર સરકાવ્યું. તેના બંને હાથ બહાર આવતાં જ તેણે ઝાડની મજબૂત ડાળ બંને હાથેથી પકડી લીધી અને થોડું જોર કરીને શરીરને બહારની તરફ ખેંચ્યું. બીજી મિનિટે તે કમરાની બહાર ઝાડ પર લટકતો હતો. ત્યારબાદ તે ડાળી પર થઇને ઝાડ પર ચડી ગયો અને પછી નીચે ઊતર્યો.

ચારે તરફ નજર ફેરવતાં તેનાથી થોડે દૂર વાનર-માનવ એક નાની ટેકરી પાછળથી નીકળી તેની પાસે આવ્યો.

અત્યારે તે લેબોરેટરીવાળી ગુફાની બહાર હતો, ચારે તરફ ભૂખરા લાલ રંગની નાની મોટી ટેકરીઓ છવાયેલી હતી. થોડીવાર ત્યાં એક ટેકરી પર બેસીને કદમે ચારે તરફ નિરીક્ષણ કર્યું પછી ઊભા થઇને તે એક ચક્કર લગાવી લેબોરેટરી વાળી ગુફા તરફ આગળ વધી ગયો. તેના હાથમા વિનયની રિર્વોલ્વર મજબૂતાઇથી પકડેલી હતી.

સાંજ થવા આવી હતી. પશ્ચિમમાં સૂર્ય ટેકરીઓ વચ્ચે આથમી રહ્યો હતો. આકાશ વાદળોથી ઘેરાયેલું હોતાં અંધકાર છવાઇ ગયો હતો. થોડી થોડી વારે ઉત્તર દિશામાં વીજળી થતી હતી.

ખૂબ જ સાવચેતી રાખીને તે ફરીથી ગુફામાં પ્રવેશ્યો. પ્રયોગશાળામાં જવા માટે તે ગુફાની દીવાલ પર ક્યાંક કળ બનાવેલી હતી. તેનો કદમને ખ્યાલ આવી ગયો હતો, તેથી ખૂબ જ શાંતિથી તે બંને હાથેથી ગુફાની દીવાલો તપાસતો-તપાસતો તે આગળ વધ્યો.

અચાનક તેનો હાથ એક પુશ-બટન પર પડ્યો. તેણે તરત તે બટન દબાવ્યું અને સરરર...ના અવાજ સાથે ગુફાની દીવાલ પર લાગેલ સ્લાઇડ ડોર ખુલી ગયો.

તરત કદમ દરવાજાની એક તરફ રિર્વોલ્વર હાથમાં તૈયાર રાખીને દીવાલ સરસો ઊભો રહ્યો.

અચાનક અંદરથી ટપ...ટપ...ટપ...કોઇના ચાલવાનો અવાજ ગુંજી ઊઠ્યો. અવાજ એક માણસના પગલાનો હતો. કદમ સમજી ગયો કે કોઇ એક સિપાઇ દરવાજો ખૂલતા આ તરફ તપાસ કરવા આવી રહ્યો છે. તે સિપાઇના બહાર આવવાનો ઇન્તજાર કરવા લાગ્યો.

ટપ...ટપ...નો અવાજ દરવાજા પાસે પહોંચ્યો અને પછી બીજી સેકન્ડે સિપાઇ બહાર આવ્યો. તેણે એક પગ બહાર મૂક્યો કે તરત કદમ ઝડપથી તેને પોતાના તરફ ખેંચી લીધો. તે બોલવા મોં ઊઘાડે તે પહેલાં કદમના એક હાથે તેના મોં પર ભરડો લઇ લીધો. તે સિપાઇએ કદમના હાથમાંથી છટકવાની કોશિશ કરી પણ કદમે બીજા હાથમા પકડેવી રિર્વોલ્વરની મૂઠ તેના પર ફટકારી અને સિપાઇ જરાય ઊંહકારો કર્યા વગર તેના હાથમાં ઝૂલી પડ્યો.

સિપાઇના બેભાન દેહને તેણે ઢસેડીને દીવાલ સરસો સુવડાવ્યો પછી તે સાવચેતીપૂર્વક પ્રયોગશાળાના ખુલ્લા દરવાજામાં પ્રવેશ્યો.

જરાય અવાજ કર્યા વગર દીવાલ સરસા ચાલતાં-ચાલતાં પ્રયોગશાળાની ગેલેરી પસાર કરી. તેના હાથમાં કોઇ પણ ક્ષણે આગ ઓકવા માટે તેની રિર્વોલ્વર તૈયાર હતી. ગેલેરી પસાર કરી તે એક કમરા પાસે આવ્યો અને ડોકું નાખી અંદર નજર ફેરવી. કમરાની અંદર બે સિપાઇઓ બેઠા-બેઠા વાતો કરતા હતા. તેઓની પીઠ કમરાના દરવાજા તરફ હતી.

કમદે રિર્વોલ્વરે કમરમાં ખોસી. ત્યારબાદ જરાય અવાજ ન થાય તેનો ખ્યાલ રાખી ચાલાક લોમડીની જેમ બંને સિપાઇઓ તરફ લપકયો. ત્યારબાદ અચાનક ચિત્તાને પણ શરમાવે તેવી ચાલાકીથી તેણે છલાંગ લગાવી અને બીજી જ ક્ષણે તે બંને સિપાઇઓના ગળા ફરતે તેણે પોતાના બંને હાથને અજગરના ભરડાની જેમ વીંટાળી દીધા અને પછી પૂરી તાકાતથી ભીંસ આપવા લાગ્યો.

બે મિનિટ પછી એક મોટા ટેબલની નીચે તે બંને સિપાઇના બેભાન દેહને છુપાવીને કદમ પ્રયોગશાળાનો હોલ પસાર કરીને ઓપરેશન થિયેટર તરફ સરક્યો. થિયેટરની બહાર દરવાજા પાસે બે ચોકીદાર ભરેલી બંદૂક સાથે ઊભા હતા. તેને જોઇને કદમ તેની નજીકની દીવાલ પાસે પડેલી એક ખુરશી પાછળ છુપાઇ ગયો. પછી ખુરશી સહિત એક-એક ઇંચ તે આગળ વધવા લાગ્યો. થોડી પળો પછી તે આગળ વધતી ગેલેરી પાસે પહોંચી ગયો અને તે ગેલેરી પાસે ઉપર જવાની સીડીમાં પગથિયાં પાછળ છુપાઇ ગયો. ત્યારબાદ તેણે બંને હાથેથી તે ખુરશીને ઉપર ઉઠાવી અને પછી મજબૂત રીતે પકડી જોરથી “ઘા” કરી. ખુરશી જોરથી લીસી ફર્શ પર સરકતી હોલ તરફ ઝીંકાઇ. ત્યાં બેઠેલા બંને ચોકીદારો એકદમ ભડકી ગયા પછી જે તરફ ખુરશી ઊછળીને પડી હતી તે તરફ દોડ્યા. અચાનક કદમ સીડીવાળા ભાગ પાછળથી ભૂતના ઓળાની જેમ બહાર આવ્યો અને તે બે સૈનિકની સામે ઊભો રહી ગયો. તેના હાથમાં રિર્વોલ્વર ચમકતી હતી. બંને ચોકીદાર એકદમ હેબતાઇ ગયાં.

***