જેમ હિંદી સીરિયલ માં એક ડાયલોગ ત્રણ-ત્રણ વખત સંભળાવે, એમ અમિતના કાનમાં રિયાના શબ્દોના પડઘા પડ્યા, "ભાઈ નથી બનવું તારે? તો તારે શું બનવું છે?....શુ બનવું છે?.....શું બનવું છે..."
અમિતની હાલત તો એ જૂની કહેવત "કાપો તો લોહી ન નીકળે" એવી થઈ ગઈ, તેનું મગજ સુંન્ન થઇ ગયું, શું જવાબ આપવો રિયાને!
"ક્યાં ખોવાઈ ગયો!" પોતાના હાથ અમિતની આંખો સામે ફેરવતાં રિયાએ પૂછ્યું.
"હં, ના, ક્યાંય નહીં, અહીંજ તો છું." થોથવાતી જીભે તે બોલ્યો.
રિયા સમજી ગઈ તેના મનમાં શુ ચાલે છે, "મને ખબર છે તું શું વિચારે છે! ચાલ મારેય તને ભાઈ નથી બનાવવો, ભગવાનના દીધેલા બે છે, હવે વધારે નહીં પોસાય, એકતો રાખડીઓ પણ મોંઘી થતી જાય છે." કહેતી તે હસવા લાગી.
એ સાંભળી અમિતના જીવમાંજીવ આવ્યો.
"ના એવું કંઈ નથી, આ તો તેં અચાનક જ પૂછ્યું એટલે. થોડું..." તે બોલવા ગયો પણ શું બોલવું તે ના સમજાયું.
"તો, તો શું? પ્લાનિંગ કરીને પૂછવું જોઈએ." રિયાને મજા આવતી હતી તેને પજવવામાં.
અમિતની હાલત ખરાબ થઈ ગઈ, પોતાને સૌથી વધારે હોશિયાર માનતા હોઈએ અને સામે આપણાંથી પણ હોશિયાર આવી જાય ત્યારે આપણી હોશિયારી વામણી સાબિત થાય છે. એવું જ કંઈક અમિત સાથે થયું.
"તારી સાથે માથાકૂટ કરવામાં ભુલાય જ ગયું, આપણે પાછું ઘરે પણ જવાનું છે, અહીંયા કોઈ નહીં સાચવે." કહેતાં અમિતનું કાંડુ પકડી તેની ઘડિયાળ માં જોયું, "અરે બાપરે, સાડા પાંચ વાગી ગયા, હવે શું કરશું!, તને તો બધી ટ્રેન ના ટાઈમટેબલ ખબર જ હશે ને, તો કહે હવે ક્યારે ટ્રેન મળશે, કે બસમાં જવું પડશે?"
"ધીરજ રાખ અને વિચારવા દે, આમેય મારુ મગજ તો સવારથી તેં ખાઈ નાખ્યું છે." કહેતાં પોતાનું માથું ખંજવાળવા લાગ્યો.
"હા, એ જ સવાર વાળી ઇન્ટરસિટી, છ વાગ્યે." પોતાની ઘડિયાળ માં જોતાં તે બોલ્યો.
"પણ તું તો કહેતો હતો કે તે મુંબઈ જાય, તો એટલી વારમાં પાછી કેમ આવે.!" આશ્ચર્ય સાથે રિયા એ પૂછ્યું.
"અક્કલની ઓથમીર, રેલવે પાસે એક જ ટ્રેન ન હોય, ચાલ એ બધું પછી સમજાવીશ, અત્યારે તો જલ્દી સ્ટેશન પહોંચી જઈએ, કાલુપુર તો નહીં પહોંચાય, સાબરમતી જતા રહીએ ગાડીને ત્યાં પહોંચતા સવા છ જેવું થઈ જશે, ફટાફટ ચાલ ટ્રેનવાળા તારી રાહ નહીં જુએ." કહી તે ઝડપથી ચાલવા લાગ્યો અને રિયા તેની પાછળ દોડવા લાગી.
વળતી ગાડી માં બંન્ને એક જ સીટમાં ગોઠવાયા.
સવારે એકબીજાથી સાવ અજાણ્યા એવાં તે બંન્ને એકજ મુલાકાતમાં એટલા તો ભળી ગયાં જાણે કે બંન્ને વર્ષો જુના મીત્રો હોય.
બંન્ને વાતોડિયાઓ એ એકબીજા વિશે, તેમના પરિવાર વિશે, ભણતર, એકબીજાના શોખ, શું ગમે શું ન ગમે, એટલી વાતો કરી કે તેની આજુબાજુમાં બેસેલા લોકો ના માથાં પકવી નાખ્યા.
વાતો કરતાં કરતાં પોતાનું સ્ટેશન આવી ગયું,
"રિયા, વાતો વાતોમાં તારો નંબર તો પૂછવાનું તો ભુલાય જ ગયું, બોલ ફટાફટ." અમિત પોતાના ફોનનું ડાઈલર ખોલી તેમાં નવ ટાઈપ કરતાં બોલ્યો.
"શરમ નથી આવતી છોકરીઓ ને ફોન નંબર પૂછવામાં!" કહી તે હસવા લાગી, "બેડ જોક" અમિત હસતાં હસતાં બોલ્યો.
સારું લખ, કહી પોતાનો નંબર આપતાં કહ્યું, "હાઈ લખી મોકલી દે જે વ્હોટ્સઅપ માં."
એ જ ક્ષણે રિયા ના ફૉનમાં મેસેજ ટોન વાગી..