When watching movie was a festival - 4 in Gujarati Human Science by Siddharth Chhaya books and stories PDF | જ્યારે ફિલ્મો જોવી એક ઉત્સવ હતો - ૪

Featured Books
Categories
Share

જ્યારે ફિલ્મો જોવી એક ઉત્સવ હતો - ૪

આ લેખમાળામાં આપણે અત્યારસુધી ગુજરાતના ખાસકરીને અમદાવાદના થિયેટરોની હાલત આજથી લગભગ વીસેક વર્ષ પહેલા સુધી કેવી હતી તેના વિષે જાણ્યું. આપણે એ પણ જાણ્યું કે કેવી રીતે એ સમયમાં મધ્યમવર્ગીય પરિવારો તકલીફો વેઠીને પણ ફિલ્મો જોવામાં આનંદ મેળવતા અરે! ફક્ત આનંદ જ નહીં પરંતુ તેનો ઉત્સવ મનાવતા. પરંતુ આજે આપણે જોઈશું કે આ ઉત્સવ મનાવવાની તેમની રીત કેવી હતી?

જ્યારે પણ આપણી નજીક દિવાળી, હોળી, નવરાત્રી કે પછી મકરસંક્રાંતિ જેવા મોટા તહેવારો આવતા જાય છે તેમ તેમ આપણો તેના વિષેનો ઉત્સાહ વધતો જતો હોય છે અને જ્યારે આ તહેવારો આપણા આંગણે આવીને ઉભા રહે છે ત્યારે આપણો આનંદ અને ઉત્સાહ તેની ચરમસીમાએ હોય છે. આ ઉપરાંત આપણા તહેવારો જ્યારે નજીક આવતા જાય છે ત્યારે તેના માટે આપણે તૈયારીઓ પણ કરવા લાગીએ છીએ. આવી જ રીતે એ સમયમાં લોકો નવી ફિલ્મ જોવા માટેનો ઉત્સાહ પણ જાળવી રાખતા અને લગભગ અઠવાડિયા અગાઉ તેનું પ્લાનિંગ થતું.

જેમ આ આર્ટીકલ સિરીઝના આગલા ભાગમાં આપણે વાંચ્યું કે એ સમયે ફર્સ્ટ ડે ફર્સ્ટ શોનું મહત્ત્વ ઘણું હતું અને આ પ્રકારે ફિલ્મો જોનાર વ્યક્તિનું સન્માન ફિલ્મ રસિયા સમાજમાં ઘણું રહેતું હતું. આ હકીકતનો બીજો અર્થ એ પણ કાઢી શકાય કે દરેક વ્યક્તિ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવાની બાદશાહી રાખી શકતો ન હતો એટલે મોટાભાગના કુટુંબો એક-બે વિક પછી ‘રશ’ ઓછો થાય પછી જ ફિલ્મ જોવાનું પ્લાનિંગ કરતા. વળી તેમને એક બે વિક તો શું પરંતુ સાત આઠ વિક સુધી રાહ જોવાનું પણ પોસાતું કારણકે એ સમયે ફિલ્મો એક જ થિયેટરમાં અસંખ્ય અઠવાડિયા ચાલતી.

શોલે વિષે તો તમે જાણો જ છો કે આ ફિલ્મ દેશના મોટાભાગના શહેરોમાં બે કે ત્રણ વર્ષથી પણ વધુ એક જ થિયેટરમાં સળંગ ચાલી હતી. પરંતુ બાકીની ફિલ્મો પણ પછી તે ગમેતેવી હોય દસ, બાર, પંદર કે પછી પચ્ચીસ અઠવાડિયા તો આરામથી ખેંચી કાઢતી. આ પ્રકારે પચીસ, પચાસ અને પંચોતેર કે તેનાથી વધારે અઠવાડિયા ચાલતી ફિલ્મોને અનુક્રમે સિલ્વર જ્યુબીલી, ગોલ્ડન જ્યુબીલી વગેરે જ્યુબીલી તરીકે માન આપવામાં આવતું. ફિલ્મોની સફળતા કે નિષ્ફળતા આ જ્યુબીલીઓ પર જ આધારિત રહેતી નહીં કે ૧૦૦ કરોડ, ૨૦૦ કરોડની કમાણીને ધ્યાનમાં લઈને.

એટલે જ્યારે કોઇપણ ફિલ્મ ‘ચાલી નીકળે’ એટલે લોકો ભીડભાડમાં જઈને ટીકીટ ખરીદવા કરતા એકાદ અઠવાડિયું વધારે રાહ જોઇને પણ ફિલ્મ જોઈ શકાય છે તેવું નક્કી કરી લેતા. પરંતુ તેમ છતાં આગલા ભાગમાં જેની વાત કરી હતી તે ‘એડવાન્સ બુકિંગ’ કરાવીને સેફ થઇ જવું તો ત્રણ ચાર અઠવાડિયા જૂની થઇ ચૂકેલી ફિલ્મો માટે પણ એટલું જ લાગુ પડતું હતું જેટલું પહેલા અઠવાડિયે કે પછી પહેલા દિવસે ફિલ્મ જોતી વખતે લાગુ પડતું.

વેકેશનનો સમય હોય ત્યારે એડવાન્સ બુકિંગનું શસ્ત્ર ખાસ ઉપયોગમાં લેવામાં આવતું, અને વેકેશન હોય એટલે બાળકો અને મહિલાઓ દ્વારા આ શસ્ત્રનો

ઉપયોગ વગર ચૂકે કરવામાં આવતો. વેકેશનમાં મોટેભાગે બપોરે ત્રણ વાગ્યાનો અને પછી સાંજે છ અને રાત્રે નવ વાગ્યાનો શો ફૂલ થતા જરા પણ રાહ જોતો ન હતો. વળી એડવાન્સ બુકિંગ કે પછી કરંટ બુકિંગમાં મહિલાઓ માટે અલગથી લાઈન રહેતી અને એટલે પણ મહિલાઓ ટીકીટની લાઈનમાં ઉભી રહે તે ઇચ્છનીય ગણાતું.

અચ્છા, તે સમયે એવું પણ ન હતું કે અમિતાભ બચ્ચન કે પછી ધર્મેન્દ્રની ફિલ્મ રિલીઝ થવાની હોય ત્યારે રાજેશ ખન્ના, જીતેન્દ્ર, શત્રુઘ્ન સિન્હા કે રિષી કપૂરની ફિલ્મો રિલીઝ ન કરવી. એ સમયે કીડીને કણ અને હાથીને મણ મળી જ રહેતું. આથી એકસાથે બે કે ત્રણ અઠવાડિયા ચાલી ચૂકેલી એકથી વધુ ફિલ્મોમાંથી કઈ ફિલ્મ જોવી તેની પસંદગી કરવાની તકલીફ પણ એ સમયના મધ્યમવર્ગીય કુટુંબો પાસે રહેતી. પરંતુ મોટેભાગે અમિતાભ બચ્ચનની ફિલ્મને પ્રાથમિકતા મળતી અને તેનું એડવાન્સ બુકિંગ કરવાનું પહેલા નક્કી કરવામાં આવતું.

એ વખતે અમદાવાદ જેવા શહેરોમાં એક જ વિસ્તારમાં એકથી વધુ થિયેટર્સ રહેતા આથી જો અમિતાભની ફિલ્મમાં ટીકીટ ન મળે તો બીજા કે ત્રીજા વિકલ્પ તરીકે કઈ ફિલ્મની ટીકીટ લેવી તેનું પ્લાનિંગ પણ કરી લેવામાં આવતું. પછી વારો આવતો થિયેટર પર જઈને એડવાન્સ બુકિંગની લાઈનમાં ઉભું રહેવાનો. ફિલ્મ જો જૂની હોય તો આ બુકિંગની પ્રક્રિયા વધુમાં વધુ દસથી પંદર મિનીટમાં પૂરી થઇ જતી. જો ફિલ્મ નવી હોય તો અડધા કલાકથી એક કલાક પણ લાઈનમાં ઉભું રહેવું પડતું. બાળક તરીકે લાંબો સમય થિયેટર પર લગાડવામાં આવેલા વિશાળ પોસ્ટરને અને તેમાં રહેલા કલાકારોના ચહેરાઓને સતત નિહારતા રહેવું એનો પણ એક અનોખો આનંદ રહેતો.

એડવાન્સ બુકિંગ એ જ દિવસ માટે પણ કરી શકાતું અથવાતો ત્રણ-ચાર દિવસ પછીનું પણ થઇ શકતું જેવી સમયની ઉપલબ્ધતા. મોટેભાગે સહપરિવાર તો સાંજના છ વાગ્યાના શો પર જ પસંદગીનો કળશ ઢોળાતો કારણકે ઘેરથી તો પત્ની અને બાળકો આ સમયે આવી જ શકે પરંતુ નોકરિયાત અને વ્યાપારમાં વ્યસ્ત એવા પુરુષો પણ સાંજે આખો દિવસનું કામ પતાવીને શાંતિથી થિયેટર પર આવીને ફિલ્મ આરામથી માણી શકતા.

એ સમયે સિનેમાગૃહો માત્ર ટીકીટની આવકથી જ ચાલતા, અમદાવાદમાં બહુ ઓછા એવા સિનેમાગૃહો હતા જેમાં નાસ્તો પણ મળતો અને એ પણ ફક્ત પોપકોર્ન અને એ પણ સાદા પોપકોર્ન જે બે-ત્રણ રૂપિયામાં પેટભરીને ખાવા મળતા. પરંતુ ઘણા પરિવારોને તો એ પણ ન પોસાતું તો પછી વિકલ્પ શું? સિંગ! હા જી...ખારી સિંગ. ત્યારે લગભગ દરેક થિયેટરની સામે એક સિંગ-સાકરિયા અને ચણા વાળો વ્યક્તિ નેતરની ઘોડી પર મોટો થાળ ગોઠવીને બેસતો. ઘણા ફેરિયાઓ પોતાના ખભે આ ઘોડી લટકાવીને આમતેમ ફરતા રહેતા.

અહીં સિંગ ઉપર એક નાનકડી કાળા રંગની મટકી મુકવામાં આવતી જેમાં કોલસા સતત બળતા રહેતા અને ધુમાડા કાઢતા રહેતા જે નીચે રહેલી સિંગને કાયમ ગરમ અને કડક રાખતા, પછી ચોમાસું પણ કેમ ન હોય! આ સિંગ પચીસ-પચાસ પૈસાથી માંડીને સમગ્ર કુટુંબનું પેટ ભરાય એટલા બે-ત્રણ રૂપિયા સુધીની માંગ અનુસાર પૂરી પાડવામાં આવતી. જેમને અલગ ટેસ્ટ લેવો હોય તેઓ સિંગ-સાકરિયા કે ચણા પણ તેમાં ઉમેરાવતા. આમ થિયેટરમાં રહેલી ‘મોંઘી’ બે રૂપિયાની પોપકોર્ન ખાવી તેના કરતા પચાસ પૈસાની સિંગ અને ઉપર પાણી એ કોઈનું પણ પેટ ત્રણ કલાક ભરવા માટે સક્ષમ રહેતી.

એ વર્ષોમાં શુદ્ધ પાણી મળવું એ બિલકુલ શક્ય ન હતું. મિનરલ વોટર એટલે શું એ તો કોઈને ખબર પણ ન હતી. ત્યારે થિયેટર્સની બહાર બે રીતે પીવાનું પાણી વેંચવામાં આવતું. એક તો મોટા તપેલા કે કોઠી ઉપર બરફનો મોટો ટુકડો મુકવામાં આવતો તેના પર લોટી અથવાતો પ્યાલાથી પાણી રેડવામાં આવતું અને નીચે બીજો પ્યાલો મુકીને એ પાણી તેમાં ભરવામાં આવતું અને એ રીતે પીવાનું પાણી મળતું. તો ક્યાંક સ્ટેઈનલેસ સ્ટીલની નાનકડી લારી કમ ટાંકી રહેતી અને તેની ઉપર પાણી બહાર કાઢવા માટે એક સંચો રહેતો. આ ટાંકીમાં બરફ ઓલરેડી મૂકી દેવામાં આવતો અને પછી પેલા સંચાને ઉપર નીચે કરીને પાણી સીધું જ પ્યાલામાં ભરવામાં આવતું. આ ઉપરાંત લીંબુ સોડા અથવા લીંબુનું શરબત પણ વેંચવામાં આવતું.

જેમ આગળ જણાવ્યું તેમ સહપરિવાર તો ફિલ્મો મોટેભાગે સાંજે છ વાગ્યાના શોમાં જ જોવામાં આવતી અને લગભગ ફિલ્મો ત્રણેક કલાકની રહેતા ફિલ્મ રાત્રે નવ-સવા નવે પતે એટલે આ જ થિયેટર્સની આસપાસ આવેલા સસ્તા, મોંઘા રેસ્ટોરન્ટમાં કે પછી ભેળ, પાણીપુરી, પાઉભાજીની લારીઓ પર આ પરિવારોની તડી પડતી. ફિલ્મ જોઈ, જમી અને પછી સિટી બસમાં ઘેર ફિલ્મ જોયાનો ઉત્સવ મનાવી પરિવારના તમામ લોકોના ચહેરાઓ પર સંતોષની લાગણી સ્પષ્ટ જોઈ શકાતી.

આમ આજથી ઘણા વર્ષો પહેલા ફિલ્મ જોવાની ‘સંસ્કૃતિ’ જ અલગ હતી. ફિલ્મો જોવી એટલી સરળ ન હતી અને કદાચ એટલેજ તેને જોયા પછીનો આનંદ અને સંતોષ અનોખો હતો.

આશા છે તમને આ આર્ટીકલ સિરીઝ ગમી હશે. આપના વિચારો અને મંતવ્યો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર આપશો.

૩ ઓક્ટોબર ૨૦૧૯, ગુરુવાર

અમદાવાદ