UNCHI MEDI TE MAARA VARNI RE in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | ઉંચી મેડી તે મારા વરની રે..!

Featured Books
Categories
Share

ઉંચી મેડી તે મારા વરની રે..!

ઉંચી મેડી તે મારા વરની રે..!

શું એ મલમલી સમય હતો? માણસની વાતને મારો ગોલી, ચોખ્ખું આકાશ, ચોખ્ખો પ્રકાશ, NO રકાશ, NO બકવાસ, કોઈ અગડમ બગડમ નહિ, ને કોઈની તિકડમબાજી નહિ. ધોતિયું પગેરણ ધારણ કરીએ તો પણ દિવાળી ઝાકમઝોળ..! વાત છોડો, ફટાકડાનું દુષણ પણ નહિ ને, પ્રદુષણ પણ નહિ. દિવાળી આવે એટલે, બાલ-અબાલ સૌના હાથમાં ઝાડું..! કોઈ હાથસફાઈ નહિ, માત્ર એક જ મુદ્દાનો કાર્યક્રમ, સાફસફાઈ..! એવી દોદાદીડી કરે કે, ૧૦૦ ટકા ખાતરી થઇ જતી કે, ઘરમાં આન-માન ને શાનથી ધડાકાભેર દિવાળી આવી રહી છે. આડોશ-પાડોશ ને પાદરે બબાલ નહિ, ધમાલ-ધમાલ મચતી. દરેકના હાથમાં સાફસફાઈનું ઝાડું જોઇને એવું લાગતું કે, પરિવારે લોકોને પીંછી નાંખવાનો ગૃહઉદ્યોગ ચાલુ કર્યો કે શું..? કેડે કછોટો વાળીને ઘરનો કચરો બહાર કાઢતી કામિની સચમુચ ગૃહલક્ષ્મી બની જતી. એક જ ધ્યેય, ‘મારું ઘર સ્વચ્છ તો મારો દેશ સ્વચ્છ..!’ અમીર હોય કે ગરીબ, સ્વચ્છતા અભિયાનના ખાતમૂહર્ત ઘરેઘરથી થતાં. રેડિયો ટીવીમાં જાગૃતિના વાજાં વગાડવાના તો આવે જ નહિ કે, “ સ્વચ્છતા ત્યાં પ્રભુતા..! “ સમય સમયના ઝમેલા છે દાદૂ..! એવું નથી કે, સાજે દિવાળીમાં સાફસફાઈ થતી નથી. પણ ઘરના જ મેલ નીકળે. મનના મેલ નીકળે એને સાચુ સ્વચ્છતા અભિયાન કહેવાય..!

રિસાઈને પિયર પલાયન થયેલી વાઈફ, વર્ષો પછી વાપસ “લૌટવાની” હોય, એવો શું આનંદ-આનંદ થઇ જતો..? આજે તો કામ જોઇને પતિ પલાયન થઇ જાય, પત્ની પલાયન થતી નથી, પણ દિવાળીની મૌજ તો પલાયન થઇ જ ગઈ. ફટાકડાં પણ એવાં શરમાળ ને કાનૂની બીકવાળા થઇ ગયાં, કે બ્હીતા બ્હીતા ફૂટે..! બાજુવાળાને પણ નહિ સંભળાય તેવાં...! ઘરવાળી રાજી તો તેજી આવે, ને ખટકી તો ‘નારાજી’ તો ઠીક, ઘરમાં જીરૂ પણ નહિ આવે..! જુઓ ને....ખતરનાક ચોમાસું કાઢીને દિવાળી આવી છતાં, લોકોમાં ક્યાં હોંશલો દેખાય છે ? નવરાત્રીના ગરબા તો ન્હાતા-ન્હાતા ગાયા, ને દિવાળી સુતા-સુતા કાઢવાની આવશે કે શું..? લોકો ભલે એને ફેશનમાં ખપાવે, પણ મંદીના માહોલ તો લાગે જ છે. એ વગર જનતા ટૂંકા કપડામાં થોડી આવે દાદૂ..?

દિવાળી ડોકાં કાઢી ચુકી છે. છતાં, આ લખું છું ત્યારે, કોઈનું સુતક કઢાવ્યું હોય તેવો માહોલ લાગે. આવતી કાલે લોકલાજે, લવિંગીયામાં પ્રાણ સંચાર થાય, ને અવાજ વધે તો કહેવાય નહિ..! ‘તારક મહેતાના ઉબડા ચશ્મા’ વાળી, દયા લાંબા સમયે પ્રગટ થઇ હોય એમ, આનંદ કિલ્લોલની ચીચયારી આગળ જતા કદાચ પડવા પણ માંડે.. બાકી, ઝાંપલા સુધી દિવાળી આવી છતાં, ઘણાના હોંશ અને જોશ હજી આવ્યા તો નથી જ..! જાન પાદરે આવીને એ કલાકથી ઉભેલી હોય, ને કન્યાના લગનનો માંડવો હજી તાણવાનો બાકી હોય, એના જેવી હાલત છે. સૌ કોઈ માથે પ્રેસર કુકર ચઢાવીને હજી ફરે છે, વ્હોટશેપની લુખ્ખી “ગુડમોર્નિંગ” માં વ્યસ્ત છે. બાકી એકબીજાને અડકવા કોઈ તૈયાર નથી. કુકરમાં સીટી વાગવાને બદલે, બસ એક જ અવાજ આવે છે કે, ‘ઇસ માર્ગકી સભી લાઈન વ્યસ્ત હૈ..! ‘

અમુક પતિઓની તો દિવાળીમાં હવા ટાઈટ થઇ જાય. માળિયા સાફ કરવાનો આજીવન કોન્ટ્રાકટ જાણે એને જ મળેલો હોય એમ,, દિવાળી આવે એટલે એને માળિયા જ દેખાય. આવાં માળિયા નરેશ પતિદેવના ભાવ ઉંચકાવા માંડે. ઘરનું સમરાંગણ છોડીને જો નોકરીએ જવા તૈયાર થયો તો, વાઈફ એવો ધડાકો કરે કે, સરકસના સિંહની માફક ટાઢા જ થઇ જવાનું. નોકરીએ જાય તો ઘરવાળીનો જુલમ, ને નહિ જાય તો બોસનો જુલમ..! આદમી જાયે તો જાયે કહાં..? ને માળિયા સાફ કરવાનો બહોળો અનુભવ માત્ર એની પાસે જ હોય. જાણે કે માળિયા સાફ્સુફીની ME ની પદવી એકમાત્ર એની પાસે જ ના હોય? MEમાં ગુંચવાય ગયાં ને? ME એટલે, માળિયા એક્સપર્ટ..! દિવાળી આવે એટલે, બિચારાની હાલત. વરસાદમાં ભીંજાયેલા મરઘા જેવી થઈ જાય...! આગલી બધી જ પેઢી માળિયા સાફ કરીને ગયેલી, એ પરંપરાની એને ખબર. એ પરંપરા તોડવી એટલે જેલ કુદીને ભાગતા કેદી જેવું તો થવાય નહિ. બંદો એ વાતથી ધ્રુજે કે, આ વરસે પણ મારી કેડ કમર ને ઘૂંટણીયાની પથારી ફરવાની..! ગયે વરસે માળિયા સાફ કરવામાં જ કમરે ટચકો લીધેલો. જે હોળીનું તાપણું લીધાં પછી જ અલોપ થયેલો. આવા વલોપાતમાં સામી દિવાળીએ, બિચારો કયા મોંઢે દાંત કાઢે..? એટલે તો હવાયેલા ફટાકડા જેવો થઈને જ રહે. દિવાળી જાય નહિ ત્યાં સુધી, મોંઢું લબળેલુ રાખવાનો જાણે સંકલ્પ કરીને બેઠો હોય, એમ હવા વગરના ફુગ્ગા જેવો જ ફરે..! જેણે માળિયા સાફ કર્યા હોય એને સમજાય કે, ઘરના માળિયા ચઢવા, એના કરતા તો બે વાર ગીરનાર ચઢીને, દત્તાત્રયની ટોચ ઉપર દીવા કરી આવવા સારા..! પ્રભુ રાજી તો થાય, બીજું શું?

માળીયા સાફ્સુફીનો પ્રશ્ન એટલે વિકટ પ્રશ્ન. જાણે મેચ જીતવા માટે છેલ્લો બોલ છે, ને છ રનની જરૂર છે. એ વખતે લાખ્ખો લોકોની નજર ‘બેટ્સમેન’ ઉપર ચોંટેલી હોય, એમ માળિયું સાફ કરવા માટે પતિદેવ ઉપર જ બધાની નજર હોય. વારસામાં મળેલું માળિયુની ઝાપટ-ઝુપટ કરશે કોણ? વાઈફડીઓએ તો ધગશ રાખીને વધુ સૌંદર્યવાન બનવા માટેના બુકિંગ પણ કરાવી દીધાં. પણ માળિયાવાળું હજી અકબંધ છે. જ્યાં સુધી માળીયાવાળું નહિ પતે, ત્યાં સુધી સ્વચ્છતા અભિયાન સંપૂરણ થાય નહિ. માળીયા સાફ કરવા કંઈ ચાઈનાથી જીનપીંગના માણસો થોડાં આવે..? આ બાજુ પતિદેવો પણ લાંબા છેડાની ગાંઠ બાંધીને બેઠા છે કે, દિવાળી હોળીમાં પલટાઈ તો ભલે, પણ માળિયું તો આ વરસે નહિ જ ચઢું...! તો થશે શું..?

અસ્સલના ડોહા નિશાળમાં ઉઠાં ભણતા, એટલે એમને કોઈ આસાનીથી ઉંઠા ભણાવી નહિ જતું. એ લોકો બંદોબસ્તનું વિચારીને જ ઊંચા માળિયા બાંધતા. ઉંચી મેડીને ઊંચા માલિયાની શોધ એમણે જ કરેલી, બાકી આપણાથી તો ખુદનું શૌચાલય પણ ક્યાં બંધાય છે? જેના માળિયા જેટલાં ઊંચા, એ ગામનો રઈશ કહેવાતો. ડોહાઓ ગણતરીબાજ એટલા કે, દીકરા પરણાવવા હોય તો, દીકરાને પૂછ્યા વગર દીકરાનું ઠેકાણું પરભારે જ નક્કી કરી આવતા. દીકરા સાથે સેટ થાય કે કેમ, એ જોવાને બદલે, દિવાળીમાં માળિયા સાફ કરવાનું સેટિંગ જ વિચારતા. ઘરના માળિયા સાફ કરે એવી કન્યા મળે તો જ દીકરાનું ગોઠવાતું. નહિ તો કેન્સલ...! એમને ખબર રહેતી કે, મજબુત બાંધાની કન્યા હળવા કામ કરે તો હાંફી જાય, એટલે Heavy whight વાળી કન્યાને બદલે, LAW whight વાળી કન્યાના ચાન્સ વહેલા લાગતા..! એટલે તો ત્યારે માળિયાની સફાઈ કરવાના ધાંધિયા ખાસ આવતા નહિ..!

કવિ કૈલાશ પંડિતની એક રચનાને મચેડીને કહેવાનું મન થાય કે,

અહી કોણ ભલાને પૂછે છે, અહી કોણ બૂરાને પૂછે છે.

માળિયા સાફ થયા પછી, મારી દશાનું કોણ પૂછે છે

દિવાળીના તહેવારમાં વાઈફથી સંબંધ બગાડે કોણ

એકવાર માળીયે ચઢ્યા પછી, બંદાને વળી પૂછે કોણ

દિવાળીમાં સાફસફાઈ કરવી, એ પણ ઉત્સવનો એક ભાગ છે, દિવાળી એટલે ફરસાણના બગીચામાં મહાલવાનો અવસર. અમુક ફરસાણ તો એવાં નફફટ કે, આખું વર્ષ અટવાતાં હોય. એને નહિ દિવાળીના ભેદ નડે, કે હોળીના..! ત્યારે ઘૂઘરા.મઠીયા, ખરખરરીયા, થોડા વાયડા ખરાં. જેમ અમુક સગાવ્હાલા સારા-નબળા પ્રસંગે જ મોઢાં બતાવવા આવે, એમ દિવાળી આવે ત્યારે જ અમુક વાનગીના દર્શન થાય. એના કપાળમાં કાંદા ફોડું, વહુઘેલાની માફક એકલા તો ફરવા નીકળે જ નહિ...!

દિવાળીમાં આજ-કાલની વહુની પણ હાલત વિચારવા જેવી તો ખરી. કુંવારાપણામાં ભલે મોટાં મોટાં પહાડો ચઢીને મેડલો લાવી હોય, જીમમાં જઈને ભલે ગમે એટલા બાવળા ફુલાવ્યા હોય, પણ સાસરીયાના માળિયા સાફ કરવા એટલે, મારવાડમાં પરણીને આવી હોય એવું એકવાર તો લાગે હોંઓઓઓઓ..? ‘મધર ઇન્ડિયા‘ નું પેલું ગીત યાદ આવી જાય કે, “ દુનિયામે હમ આયે હૈ તો જીના હી પડેગા, જીવન હૈ અગર ઝહર હૈ તો, પીના હી પડેગા....!

------------------------------------------------------------------------------------------------------------------------