કેરેલા - ભગવાનનું ઘર !
“કશ્મીર મૈ, તુ કન્યાકુમારી...
નોર્થ-સાઉથ કી દેખો કટ ગઈ દૂરી હી સારી...”
હં... યાદ આવ્યું આ ગાયનનું બેકગ્રાઉન્ડ ? આજે આપણે રખડપટ્ટી કરવા જઈશું ‘ભગવાનના ઘર’ કેરેલાની. ભારતના એકમાત્ર 100% સાક્ષર રાજ્ય કેરેલાની !
આમ તો હું ફરવાની ગજબ શોખીન, પણ કાશ્મીરનો બરફ, કલકત્તાની કારીગરી, ગુજરાતનો દરિયા કિનારો અને ઉંટીની હવાઓ માણી લીધાં પછી કેરેલાથી બહુ વધારે આશા નહોતી. બસ, એક આનંદ નવી જગ્યા જોવાનો ! એરનાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં બેઠા પછી આમ તો ઘણાં બધાં મૂવિઝ અને ગીતો યાદ કરી લીધાં - ‘જીયા જલે જાન જલે’ના શાહરુખ-પ્રિટી નજર આવ્યાં અને ‘ગુપ્ત’ના બેકવોટર દ્રશ્ય, જીસ્મની હાઉસબોટ દેખાણી. પછી થયું છોડો, કાલથી જોવું જ છે ને !
આ વખતે સાથે બે વડીલ અને બે બાળકો હોવાથી અમે પર્સનલ ટ્રાવેલ પ્લાન બુક કર્યો હતો. એરનાકુલમ-મુન્નાર-પેરિયાર-કુમારકોમ-એલ્લપૂઝા-કોચીન. અમને એક ટ્રવેરા લેવા આવવાની હતી. ડ્રાઇવરનો ફોન આવ્યો, “અલુઆ - એક સ્ટેશન વહેલાં ઉતરી જજો. બે કલાકનો ટ્રાવેલિંગ ટાઈમ બચશે.” અમે ઉતરી ગયા. નાનકડું સ્ટેશન અને નાનકડું ગામ. બહાર જ ગાડી આવી ગઈ હતી. ટ્રેનમાં જ ફ્રેશ થઈ ગયાં હતાં એટલે સીધું મુન્નાર તરફ પ્રયાણ કર્યું. કેરેલાના પ્રથમ દર્શન. સામસામે એક વાહન નીકળી શકે એટલી જ પહોળાઈના સર્પાકાર રસ્તા અને બંને બાજુ નાળિયેરી અને લીલાંછમ ખેતરો. એક ગામ પૂરું થાય ન થાય અને બીજું ગામ શરૂ. આમ જુઓ તો રસ્તાની બંને બાજુ ગામ જ ગામ. રસ્તામાં નારિયેળ પાણીવાળાઓ ઊભા હોય, પણ એમ ન સમજવું કે અહીં નારિયેળ સસ્તાં હશે. ભાવ તો આપણાં ગામ જેટલો જ, પણ સરસ ભરેલાં અને મીઠાં જળ.
લગભગ દોઢેક કલાક થયો હશે અને ઓક્ટોબર મહિનાના ધોધમાર વરસાદે અમને કહ્યું, “વેલકમ ટુ કેરેલા.” સાચું કહું તો મજા આવી ગઈ. સાંકડો પુલ ક્રોસ કરવાનો હતો, પણ વરસાદ કહે મારું કામ ! ધીરે ધીરે પુલ ક્રોસ કર્યો અને બસ, પછી તો શરૂ થઈ ગઈ સહેલ એક જાદુઈ સુંદરતાની. એક તરફ ઊંચા લીલોતરી આચ્છાદિત પહાડો અને બીજી તરફ ધોધમાર વહેતાં ઝરણાં, કઈ તરફ જુઓ !?
નાના-મોટા ધોધ જોતાં જોતાં એકદમ ખુશનુમા મિજાજ સાથે અમે પહોચ્યાં મુન્નાર. ગામ શરૂ થતાં પહેલાં વિવિધ તેજાનાના બગીચા શરૂ થઈ ગયા. હું તો ઓલરેડી “સુહાના સફર ઔર યે મૌસમ હંસી...” ગીત ગાવા માંડેલી ત્યાં અમને હોટલ ઉપર ઉતારવામાં આવ્યાં. વ્હોટ અ લોકેશન ! આખી હોટેલમાં માનવસર્જિત સુંદર લેન્ડસ્કેપિંગ અને પાછળ કુદરતસર્જિત અદ્દભુત લેન્ડસ્કેપિંગ. મને લાગ્યું ક્યાંય જવાની જરૂર જ નથી. આ જગ્યાથી સુંદર તો કાંઈ હોય જ ન શકે, પણ આ તો મુન્નાર હતું. કુદરતી સૌંદર્યનો ખજાનો !
આ હિલ સ્ટેશનની ઓળખ છે અહીંની વિસ્તૃત ભૂ ભાગમાં ફેલાયેલી ચાની ખેતી, કોલોનિયન બંગલા, નાની નદીઓ, ઝરણાં અને ઠંડીનું વાતાવરણ. ટ્રેકિંગ અને માઉન્ટેન બાઇકિંગ માટે આ એક આદર્શ સ્થળ છે.
આનામુડી શિખર : આનામુડી શિખર ઇરવિકુલ્લમ રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલું છે. આ દક્ષિણ ભારતનું સૌથી ઉંચું શિખર છે જે 2700 મીટરથી વધારે ઉંચુ છે. શિખર પર ચઢવા માટે ઇરવિકુલ્લમ સ્થિત વન અને વન્યજીવન પ્રાધિકાર પાસે અનુમતિ લેવી પડે છે. અહીંનું ખાસ પ્રાણી છે બકરો. ખૂબ ઉપર ચઢીને ત્યાંના બકરા જોવા જવાનું છે. નેવર માઈન્ડ, જો તમને કુદરત માણવાનો શોખ છે તો બકરાના બહાને પણ જવાય.
મટ્ટુપેટ્ટી : મુન્નાર શહેરથી 13 કિ.મી. દૂર આવેલું બીજું સ્થાન છે મટ્ટુપેટ્ટી. આ સ્થળ સમુદ્ર તળથી લગભગ 1700 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. મટ્ટુપેટ્ટી તેના સ્ટોરેજ મેસનરી બંધ અને સુંદર ઝીલ માટે ઓળખવામાં આવે છે જેમાં પર્યટકો માટે આસપાસના પહાડો અને ભૂદ્રશ્યોની મજા લેતા આનંદદાયક નૌકાવિહારની સુવિધા છે. મટ્ટુપેટ્ટીની પ્રસિદ્ધિનો શ્રેય ઇન્ડો સ્વિસ લાઇવસ્ટોક પરિયોજના દ્વારા સંચાલિત ડેરી ફાર્મને પણ જાય છે. અહીં તમે ગાયોની વધારે દૂધ આપતી જાતિ જોઇ શકો છો. હરિયાળીવાળા ચાના બગીચા, ઊંચા નીચા ઘાસના મેદાન અને શોલા વનની સાથે સાથે મટ્ટુપેટ્ટી ટ્રેકિંગ માટે પણ આદર્શ સ્થળ છે અને અહીં અલગ અલગ પ્રકારના પક્ષીઓ પણ જોવા મળશે.
અહીં લોકલ બનાવટની ચોકલેટ ખાવાનું ભુલાઈ ન જાય. બધી ફ્લેવર ચાખવી. ફ્રેશ ફ્રુટ જ્યુસ પણ ખાલી થઈ જાય તે પહેલાં ચાખી લેવા.
પલ્લિવાસલ : પલ્લિવાસલ મુન્નારના ચિતિરપુરમથી લગભગ 13 કિ.મી. દૂર સ્થિત છે. અહીં કેરળનું પ્રથમ હાઇડ્રો ઇલેક્ટ્રિક પરિયોજના સ્થળ આવેલું છે. આ સ્થળ વ્યાપક પ્રાકૃતિક સુંદરતાઓથી ભરેલું પડ્યું છે અને પર્યટકોનું ફેવરિટ પિકનિક સ્થળ છે. મારું પર્સનલ ફેવરીટ. મારે તો અહીંથી દૂર જવું જ નહોતું.
કાનન દેવન ટી મ્યુઝિયમ : બ્રિટિશ લોકોએ કેવી રીતે મુન્નારને વિકસાવ્યું અને ચાના બગીચાઓ ઊભા કર્યા તે વિશે શો બતાવાય છે. ચા બનાવવાની આખી પ્રક્રિયા બતાડવામાં આવે અને છેલ્લે ત્યાંની ફ્રેશ ચા પીવડાવવામાં આવે. મારા જેવી ચા ન પીનારને પણ ટેસ્ટી લાગી હતી એ ચા. પછી ત્યાંથી ફેકટરી ભાવે ખરીદી પણ કરી શકો.
કથકલી શો : જો તમે શાસ્ત્રીય નૃત્યના શોખીન હો, અલગ હેરિટેજ કળા જોવાની ઈચ્છા ધરાવતા હો તો જ રાત પડતાં શરૂ થતાં આ શૉ જોવા જવું. મને શોખ હતો એટલે હું ગઈ, પણ બિચારા મારા પતિદેવ ઊંઘી પણ ન શક્યા અને અમારા સિવાય બીજા બે જ ભારતીય લોકો હતા. બાકી બધા ફોરેનર્સ. તેઓ જાણકારી ખૂબ સુંદર આપે છે.
મુન્નારની પ્રાકૃતિક સુંદરતા ટૂરિસ્ટોને ખૂબ જ આકર્ષિત કરે છે. જો તમે રોમેન્ટિક ખેલના શોખિન છો તો મુન્નારમાં તમારી પાસે ઘણી વસ્તુઓ છે. જેમ કે - ટ્રેકિંગ, પેરાગ્લાઇડિંગ, રોપ ક્લાઇબિંગ અને હાઇકિંગ. મુન્નારમાં જોવાલાયક અન્ય સ્થળો છે રાજમાલા, ચિતીરાપુરમ અને ઇકોપોઇન્ટ. મુન્નારની અસલી સુંદરતા પોથેમેડું છે, જે સુંદર બગીચો છે. મનને સંમોહિત કરનારી ઝીલ અને ગાઢ જંગલો તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.
» મુન્નાર જાવા માટે દરેક મહિનો સરસ છે, પણ ચોમાસામાં જાઓ તો શિડ્યુલ ખેરવાઈ શકે.
» ત્રણ કલાકની રોડ જર્ની એક જ રસ્તો છે, પણ શું સુંદર રસ્તો છે !
» ગરમ કપડાં નહીં હોય તો ચાલશે, પણ રેનકોટ/છત્રી ન ભૂલવા.
» તેજાના/મરી/મસાલા/ચા વધારે વિચાર્યા વગર ખરીદવા જોઈએ.
» શાંતિથી માણવા ત્રણ દિવસ પુરતા છે.
જીવ તો નહોતો ચાલતો, પણ મુન્નાર છોડવાનો સમય થઈ ગયો હતો. ઉતરતી વખતે પણ ધોધમાર ધોધ પાસે અટક્યા. આથેલા ગાજર, મરચાં, લીંબુ ખાધા અને ફાઈનલી હીલ ઉપરથી નીચે આવ્યાં.
ભારતનો સૌથી રમણીય રસ્તો એટલે મુન્નારથી ઠેક્કડી…. સાડા ત્રણથી ચાર કલાકનો રસ્તો. બસ ‘યે હંસી વાદીયાં, યે ખુલ્લા આસમાં.’
ઠેક્કડીમાં ચારે તરફ હરિયાળીથી ઘેરાયેલી હોટેલ કે રિસોર્ટ જ ગ્રેટ એસ્કેપ, છતાં નિરુદ્દેશે ભટકવું ગમતું હોય તો બેસ્ટ ઓપ્શન છે જંગલ સફારી. ઠેક્કડી આવો ને ઇકો સિસ્ટમવાળી જંગલટુર ન કરો તો ન ચાલે !
એ છે 40 કિ.મી.ની રઝળપાટ. 15 કિ.મી. નાનાં નાનાં ગામોમાં ને બાકીના 25 કિ.મી. ખરેખરાં વનમાં. આ દરમિયાન આપણાં યજમાનમિત્રો જેવાં કે હાથી, ગૌડ, નીલગાય, હરણાં, કૂતરાની જેમ ભસતાં હરણ/બાર્કીંગ ડિયર, મોટા ઉંદર જેવાં હરણ, માઉસ ડિયર, લંગુર, લોમડી, જો આ બધાં વારે વારે આપણો રસ્તો ન ચાતરે તો આપણે તેમના મહેમાન છીએ એ કેમ જણાય ?
જો આખા દિવસનો કાર્યક્રમ હોય તો કેમ્પિંગ, બોટિંગ, ટ્રેકિંગ પણ શામેલ થાય અને સવારથી સાંજ જ ઘુમવું હોય તો જીપની સેર ને બોટિંગ. જંગલમાં કેમ્પીંગ કરવું એક લહાવો છે અને એના પેકેજ પણ મળે છે. સૌથી સસ્તું કેટીડીસીનું છે. જંગલ સફારી જેવું બીજું એક અસામાન્ય આકર્ષણ છે એલીફન્ટ પાર્ક એટલે હાથીઓને નહાતાં, જમતાં, ગેલ ગમ્મત કરતાં જોવાનો લહાવો
અને એ બધાથી સહુથી હટકે ઓપ્શન છે આયુર્વેદિક મસાજ જે લગભગ બધી સારી હોટેલોમાં ઉપલબ્ધ હોય છે.
જડીબુટ્ટી ને ઔષધિથી ભારોભાર, તીવ્ર સુગંધવાળા તેલની માલિશ. તેલનું પ્રમાણ ન્હાવાની બાલદીમાં લેવાતાં પાણી જેટલું અને કેળવાયેલા હાથની કમાલ ! મસાજ ચાલતો હોય ત્યારે રીલેક્સ થવા સાથે ફડક એ પણ લાગે કે વાળમાંથી ટીપે ટીપે નીતરી રહેલું તેલ અને લથબથ શરીર પરની ચીકાશ જશે કઈ રીતે?
એ ચિંતાનો મોક્ષ કરે કેરેલાના ટ્રેડીશનલ ઉબટન ! પીસેલી અડદની ડાળ સાથે મિક્ષ સુખડનો વ્હેર, કપૂરકાચલીનો પાઉડર, રક્તચંદન, હળદર, કપૂર મિશ્રિત લેપ તેલ તો દૂર કરે જ, પણ અઢી કલાકની આ મસાજપ્રક્રિયા ને સ્નાન આખા શરીરને રૂ જેવું હળવુંફૂલ બનાવી દે અને ચહેરાની કાંતિ ? કોઈ મોંઘાદાટ ફેશિયલ કરતાં સો ગણી વધુ. બપોરે આ મસાજ પછી ગ્રીન ટી હોય કે કોકમનું શરબત હોય.
ઠેક્કડીમાં બે દિવસના સ્ટે સાથે વચ્ચે એક દિવસ પેરિયાર વિઝીટ કરી લેવાય છે માત્ર 45 મિનીટના અંતરે ! પેરિયાર નદી કેરળની સૌથી લાંબી નદી છે ને સ્ટેટની લાઈફ લાઈન પણ. ઈ.સ. 1895માં બ્રિટીશ આર્કિટેક્ટે ડેમ બાંધ્યો હતો જે હવે મલ્લપેરિયાર તરીકે ઓળખાય છે. આ ડેમને કારણે જે આર્ટીફિશ્યલ લેક અસ્તિત્વમાં આવ્યું તે આ પેરિયાર જેમાં ડૂબમાં ગયેલા વૃક્ષો કોઈ ભગ્ન કલાકૃતિની જેમ હજી ઊભા છે. યાદ છે ‘દિલ સે’માં કાળા કપડામાં પ્રિટી ઝિન્ટા અને શાહરૂખ ખાન ?
પહેલા એ હતું બ્રિટીશરો માટે ગેમ રીઝર્વ જે પાછળથી વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીમાં ફેરવાયું અને 1978 થી ટાઈગર રીઝર્વ જાહેર થયું!
777 કિ.મી.ના વિસ્તારમાં ફેલાયેલી આ વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરીમાં 360 કિ.મી. ઘનઘોર જંગલ છે. જેમને માત્ર નિસર્ગમાં રસ હોય તેમને માટે એક બહેતરીન જગ્યા છે. કેરેલા ટુરીઝમ દ્વારા ચાલતી રિસોરા લેકના હાર્દમાં સુધી પહોંચવા જમીન માર્ગ જ નથી, બોટનો ઉપયોગ કરવો પડે. અલબત્ત, સુવિધાને નામે ગ્રેડિંગ માઈનસમાં છે, છતાં પસંદ અપની અપની. અમે ગયાં ત્યારે થોડાં દિવસ પહેલાં જ બોટ ડૂબેલી એટલે સાસુમા ડરી ગયેલાં તો અમે એ લ્હાવો નથી લીધો.
પેરિયારની વિશિષ્ટતા છે બોટ રાઈડ ! ચાહો તો સામાન્ય બોટિંગ ને ગમે તો બામ્બુ રાફટીંગ ! સાહસિક હો તો 8 ફૂટ મોટા સુંડલા જેવા તરાપામાં બેસીને હલેસા મારવાની શેખી કરી શકાય ! આ દરમિયાન પાણી પીવા આવતા હાથીઓના ધણ ઉપરાંત ઠેક્કડીવાળા દોસ્તો અહીં પણ દેખાશે ! હવે આ બધા માનવવસ્તીથી હેવાયા થઈ ગયા છે.
પેરિયારની વન ડે ટ્રીપ કરીને ઠેક્કડી આવશો ત્યારે પણ ઘણા આકર્ષણો રાહ જોતા હશે.
ઠેક્કડીમાં કરવા જેવું ઘણુબધું છે નેચરવોક, એલીફન્ટ રાઈડ, પ્લાન્ટેશન ટુર, ટ્રેકિંગ, મસાજ, શોપિંગ અને આ બધું કરતા કરતા કંઈક ‘ઓફબીટ’ કરવું હોય તો કલ્લરીપટ્ટુ સેન્ટર કદાથંડાન જોવા જવું પડે. બ્રુસ લી એ જેને દુનિયાભરમાં જાણીતી કરી તે કરાટે કળાનો બીજમંત્ર એ આ કલ્લરીપટ્ટુ. નજીકમાં એક ગામ છે મુરીકેડી જેને વોટરફોલ વિલેજ કહેવાય છે. પણ એ લહાવો ચોમાસે જ મળે.
એક થોડું રહસ્યમય લોકેશન છે પંચીમેડું. કોઈક કહે છે પાન્ચાલીમેડું ! ઠેક્કડીથી દોઢેક કલાકને અંતરે આવેલા આ સ્થળ માટે એવી વાયકા છે કે પાંડવો પોતાના ગુપ્ત વનવાસ દરમિયાન અહીં રહ્યા હતા. હજી થોડી વિચિત્ર આકારની શિલાઓ છે અહીં.
» ઠેક્કડીમાં ચોમાસામાં જવું થોડું અયોગ્ય ગણાય. બાકી ગમે ત્યારે જાઓ, પણ ટાઈગર જોવાની આશાએ ન જવું.
» ત્રણ દિવસ પૂરતા થઈ રહેશે અને મરી મસાલા મુન્નારમાં ન લીધાં હોય તો અહીંથી લેવા. આયુર્વેદિક તેલ પણ ખરીદવા.
હવે નીકળવાનું છે એક બીજી સ્વપ્નની દુનિયા તરફ. અટલ બિહારી બાજપેઈએ ફેમસ કરેલી જગ્યા કુમારકોમ તરફ… હાઉસબોટમાં રોકાવા.
હાય ! બંને તરફ લીલાં ખેતરો, નારિયેળી, કેળ, ગામો, ગોલ્ડ શોપ (મલબાર ગોલ્ડ) અને દૂર સુદૂર દેખાતું પાણી. આપણે, સૂકી ગરમ ધરતીના માનવી તો લીલોતરી જોઈને જ મોક્ષ પામી જઈએ. સમુદ્રને પાર કરી અમે પહોંચ્યા કુમારકોમ જ્યાં પહોળા શાંત વહેંણની આજુબાજુ વૃક્ષો વીંઝણો વીંઝતાં હતાં અને રોડ જર્ની છોડી અમે ચડ્યાં વાંસની કલાત્મક હાઉસબોટ ‘કેટ્ટુવલમ’માં...
ચડતાંવેંત વાંસનું ડાઇનિંગ ટેબલ, અંદર બે એટેચ બાથરૂમવાળા બેડરૂમ તેની પાછળ રસોડું. આગળ તરફ બંને બાજુ બેસવાની જગ્યા અને આગળ સ્ટિયરીંગ સંભાળતા માણસો. ઉપરના માળે ફક્ત બેસવાનું. જમીનથી દૂર પાણીના સામ્રાજ્યમાં અમે ખોવાઈ ગયાં.
સ્વાગતમાં અમને કેરેલાની સ્પેશિયાલિટી પાકા કેળાનાં ભજીયાં પીરસાયાં. મને તો ન ભાવ્યાં. જમવામાં ત્યાનું ટોપરાંવાળું સરસ મજાનું ગાજર-ફણસીનું સાગું, બટેટાનું સાગું, પુરી અને સાંભર-રાઈસ ટેસ્ટી હતું. તમે નોનવેજ ખાતાં હો તો ફ્રેશ ફિશ પકડી બનાવી દે. વચ્ચે-વચ્ચે, કિનારે-કિનારે ગામો આવતાં, પણ નાના ટાપુ જેવા. પાણી વચ્ચે ચોખાના ખેતરો !
કેરળના બેકવોટર્સ જોડાયેલી નહેરો, નદીઓ અને સરોવરોનું નેટવર્ક છે જે આવા 900 કિલોમીટરથી વધુ જળમાર્ગોનું નિર્માણ કરે છે. આની વચ્ચે અસંખ્ય નગરો અને શહેરો આવેલા છે, જે એમાં અમુક બેકવોટરની શરૂઆત અને અંતના સ્થળ તરીકે સ્થિત છે. બેકવોટર પર્યાવરણનો અનોખો ભાગ એ છે કે નદીઓમાંથી તાજું પાણી અરબી સમુદ્રમાં દરિયાઇ પાણી સાથે ભેગું થાય છે. દરિયાઈ પાણીમાં મીઠાં પાણીને ભળતું રોકવા માટે કુમારકોમ નજીક વંબનાદ કાયલ જેવા કેટલાક વિસ્તારોમાં બાંધવામાં આવેલા બંધ છે. આ બેકવોટર્સમાં જલીય જીવન સારું છે. તેમાં ઘણી માછલીઓ, કરચલા, દેડકાં, મૂડસ્પીપર્સ, પાણીના પક્ષીઓ જેવા કે ટર્ન, કિંગફિશર, ડાર્ટ્સ અને કોર્મોરન્ટ અને ઓટર્સ અને કાચબા જેવા પ્રાણીઓ રહે છે. કેરળના બેકવોટર શાંતિ અને કુદરતી સૌંદર્યથી ભરપૂર હોવા માટે જાણીતાં છે.
પણ, મારી સલાહ છે આ હાઉસબોટ બે જ સ્થિતિમાં કરાય :
1. તમે મોટા ગ્રૂપમાં છો જ્યાં સાથે સમય ઝડપથી જાય છે.
2. તમે હનીમૂન કપલ છો, જેને બધાથી દૂર રહી એકબીજામાં જ રહેવું છે. યાદ કરો ‘જીસ્મ’માં બિપાશા બાસુ અને જ્હોન ઇબ્રાહીમ.
બાકી સુંદરતા જોવા માટે 2-3 કલાકની રાઈડ લેવાની. અમે તો કંટાળી ગયેલાં અને વધું તો સાંજ ઢળતાં એક ખેતર કિનારે હાઉસબોટને લંગારી દે અને પછી એ મોટા મોટા મચ્છર અને પાણીનાં જીવડાં ! તમારા રૂમમાં જ ભરાઈ જવું પડે.
સવારે બ્રેકફાસ્ટ પતાવી અમને એલપુઝા (એલ્લપી) ઉતાર્યા જ્યાં અમારી કાર પહેલેથી જ હાજર હતી.
અમે પ્રયાણ કર્યું. અમારા છેલ્લા ડેસ્ટિનેશન કોચી/એરનાકુલમ તરફ….
અમે તો ઓછો સમય લઈને ગયેલા એટલે જે જે ન જોયું એની જાણકારી તમને રસ્તામાં આપી દઉં. કોચી ત્યાં પહોંચીને જોઈશું.
કેરેલાનું કેપિટલ : ત્રિવેન્દ્રમ ઉર્ફે તિરુવનંતપૂરમ...
કોવલમ બીચ... ભારતના સૌથી સુંદર બીચીસમાંનો એક.
પૂવર આઇલેન્ડ… પૈસા અને સમય બંને વધારે હોય તો અનુભવ લેવો.
પદ્મનાભસ્વામિ મંદિર... નજીક જ છે.
વાયનાડ… ફક્ત ત્યાં પણ જવાય. વર્થ ઇટ.
કેરળ રાજ્યમાં પશ્ચિમ ઘાટના કિનારે આવેલું વાયનાડ ખૂબ જ મનોહર હિલટાઉન છે. તેને સ્થાનિક લોકો ‘હરિયાળું સ્વર્ગ’ કહે છે, કારણ કે પશ્ચિમ ઘાટની ઉતાર-ચઢાવ લેતી ટેકરીઓ ઉપર હરિયાળી વનસ્પતિ અને ઘટાટોપ વૃક્ષો તથા મનોહર ફૂલછોડની અદભુત રંગોળી જોવા મળે છે. આ સ્થળનું નામ વાયલ અને નાડુ એ બે શબ્દોના સમન્વયથી બન્યું છે. અહીંની ભાષામાં વાયલનો અર્થ થાય છે ડાંગરના ખેતર અને નાડુ એટલે ધરતી. ડાંગરના વિશાળ ખેતરો ધરાવતી ધરતી એટલે વાયનાડ.
રંગબેરંગી ફૂલ-છોડ અને લીલા રંગની દરેક ભાત ધરાવતા વૃક્ષો, ખેતરો અને ઘાસના મેદાનો વચ્ચે એક પંખી અભયારણ્ય અને એક હાથી અભયારણ્ય જોવાનો લહાવો અણમોલ છે. અહીંના સર્પાકાર રસ્તાઓ પર ચાલવા નીકળીએ તો ક્યાંક ચા, ક્યાંક કોફી, ક્યાંક વેનિલા, ક્યાંક એલચી તો ક્યાંક કાળા મરીની સુગંધ મનને મોહી લે છે. ઠેર ઠેર પર્વતાળ ભેખડો ઉપરથી પડતા દૂધ જેવા ઝરણા પણ જોવા મળે છે.
પર્વતાળ ધરતી હોવાથી ટેકરીઓ, ઊંચી ભેખડો અને ઊંડી ખીણો ઠેર ઠેર જોવા મળે છે. તે કુદરતના ખોળે ચાલવાની મોજ સાથે ભેખડ ઉપર ચઢવાનું (રોક ક્લાઈમ્બિંગ) અને ટ્રેકિંગનું સાહસ કરવાની પણ સગવડ અપાય છે. નજીકમાં આવેલી ચેમ્બ્રા ટેકરી સમુદ્ર-સપાટીથી ૨૧૦૦ મીટર ઊંચાઈએ હોવાથી સાહસની સાથે જોખમ પણ એટલું જ રહે છે.
અહીંના વાયથિરી લેકમાં બોટિંગની મઝા ચારેબાજુ કુદરતી હરિયાળીના કારણે રોમાંચક અને અપૂર્વ શાંતિ આપનાર બની રહે છે. અહીંના થિરૂનેલ્લી મંદિર, સુલતાન બાહેરી ખાતેના જૈન મંદિરો તથા મનનથાવડી ખાતે આવેલું વલ્લીયૂરકવ મંદિર વાયનાડને ઈતિહાસ સાથે જોડે છે. આ મંદિરો ૧૨મી થી ૧૬મી સદી દરમિયાન બંધાયેલાં છે. તે આ વિસ્તારના ઈતિહાસના જીવંત દસ્તાવેજો છે.
અમ્બુકુટ્ટીમાલા ખાતે આવેલ ‘એડક્કલ કેવ્ઝ’ પ્રાગૈતિહાસિક સ્થળ છે. અહીં નિયોલિથિક અને મેસોલિથિક ખડકો પર કુદરતી રીતે જ એક વિરાટ શિલા ગબડતી ગબડતી પ્રમાણમાં નાની એવી બે શિલાઓ પર અટકી ગઈ છે અને તેની નીચે કુદરતી ગૂફા રચાઈ છે.
‘નીલીમા વ્યૂ પોઈન્ટ’ એવું સ્થળ છે જ્યાં વાંકાચૂંકા રસ્તાઓ તમને ચા-કોફીના બગીચાઓમાં, વણખેડાયેલા જંગલોમાં તથા નજર પહોંચે ત્યાં સુધી પથરાયેલા ફૂલોથી શોભતા ઢોળાવો પર લઈ જાય છે. ફરવા અને ફોટોગ્રાફી કરવાનું આદર્શ સ્થળ છે. અહીં આવેલો બનસુરા સાગર બંધ ભારતનો પ્રથમ નંબરનો અને એશિયાનો બીજા નંબરનો સૌથી વિશાળ કુદરતી બંધ છે. તે કુદરતી શિલાઓ અને ખડકોની મદદથી બનાવાયેલો છે.
‘પક્ષીપથલમ બર્ડ સેન્કચ્યુરી’ બ્રહ્માગિરિ ટેકરીઓના ગીચ હરિયાળા જંગલમાં છે. અહીં પંખીઓ જોવાની સાથે ગીચ જંગલમાં ફરવાનો આનંદ અને રોમાંચ પણ ગજબનો છે. અહીં આવવા માટેનો ૬ કિલોમીટરનો રસ્તો જ એવો રમણીય છે કે ત્યાં જ ફર્યા કરવાની ઈચ્છા થાય.
નિલગિરિને સ્પર્શતા વિસ્તારમાં આવેલું ‘મુથન્ગા વન્ય અભયારણ્ય’ એક એવું વર્ષાવન છે જેનો એક છેડો કર્ણાટકના બાંધીપુર નેશનલ પાર્કને અને બીજો છેડો તમિલનાડુની મધુમલાઈ સેન્ક્ચ્યુરીને અડે છે. આ અભયારણ્યને હાથીઓ માટે અનામત જાહેર કરવામાં આવ્યું છે. અહીં હાથીઓને કુદરતી વાતાવરણ અને કુદરતી મિજાજમાં, ઝૂંડમાં જોવાનો લહાવો મેળવી શકાય છે.
થાક્યાં નથી ને ? આપણે આવી પહોચ્યાં છીએ કોચીન ઉર્ફ કોચી. રાતની ટ્રેન હતી અને અમે અગિયાર વાગે આવી ગયા એટલે આખો દિવસ હતો કોચી જોવા માટે. સૌ પ્રથમ પહોંચ્યા દેરાસર, જ્યાં ગુજરાતી/જૈન જમવાનું મળવાની આશા હતી. ત્યાં પહોંચતા ખબર પડી કે અહીં સાત-આઠ ગુજરાતી જૈન ઘરો છે ત્યાં અગાઉથી કહી રાખો તો જમાડે છે. અમારી આશા ઠગારી નીવડી. ફરી ઢોસા ખાઈ નીકળી પડ્યા ફરવા.
અહીં જ્યુ સિનાગોગ, ડચ પેલેસ, ફોર્ટ કોચીન, ચાઈનીઝ ફીશીંગ નેટ, સેંટ ફ્રાન્સીસ ચર્ચ વગેરે જોવાલાયક છે. આશરે ૫૦૦ વર્ષ પહેલાં પોર્ટુગલથી વાસ્કો-ડી-ગામા ૧૭૦ માણસો સાથે ભારત તરફ આવ્યો હતો અને કેરાલાના કોઝીકોડ(કાલિકટ) બંદરે ઉતર્યો હતો. ત્યાર પછી પોર્ટુગલના આ ડચ લોકોએ, અંગ્રેજોની જેમ, કેરાલાના ઘણા વિસ્તારોમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. એટલે ડચ લોકોની રહેણીકરણી તથા ધર્મની અસર અહીં જોવા મળે છે. આવા બધા બહારના લોકોએ ભારતને લૂટ્યું ના હોત તો આપણો દેશ ઘણો સમૃદ્ધ હોત.
૧૫૬૮માં બંધાયેલું ‘જ્યુ સિનેગોગ’ યહુદી લોકોનું મંદિર છે. તે બહુ જૂનું હોવાથી એ જમાનાના મંદિરની ઝલક એમાં જોવા મળી રહે છે. ત્યાંની ગલીઓમાં આજે પણ યહૂદી લોકોના પારંપરિક ઘર છે અને એ ગલીમાં અદ્દભુત એન્ટિક દુકાનો.
વોકિંગ ડીસ્ટન્સે આવેલો ‘ડચ પેલેસ’ પોર્ટુગિઝોએ ૧૫૫૫માં બંધાવેલો અને પછી ૧૬૬૩માં એનું સમારકામ કરેલું. અહીનાં ભીંતચિત્રો જોવા જેવાં છે. તેમના પર રામાયણકાળના પ્રસંગો કંડારેલા છે. પેલેસ સાંજે પાંચ વાગે બંધ થઈ જાય છે. આ વિસ્તારમાં પથ્થરનાં શિલ્પો, મૂર્તિઓ, વહાણોનાં મોડેલ અને એવી બધી દુકાનો છે. આ દુકાનો મ્યુઝીયમ જેવી લાગે. આ બધાની વચ્ચે બેસીને ચા પીવાની કેવી મઝા આવે !
‘ફોર્ટ કોચીન’ પણ પોર્ટુગિઝોએ બાંધેલો કિલ્લો છે. હાલ તેના માત્ર અવશેષો જ બચ્યાં છે.
‘સેંટ ફ્રાન્સીસ ચર્ચ’ અહીં દરિયા કિનારે જ આવેલું છે. કોચીનમાં ભારતીય નેવીનું મોટું થાણું પણ આવેલું છે. કોચીનમાં ઠેકઠેકાણે મકાનોનાં છાપરાં ઢળતા પિરામીડના આકારનાં જોવા મળ્યાં. નાળિયેરીના ઝાડ પણ ઠેર ઠેર હતાં.
કોચીનનો દરિયાકિનારો એ ફરવા જેવું સ્થળ છે. સાંજે લોકો અહીં ટહેલવા નીકળી પડે છે. અહીં માછલાં પકડવા માટેની ખાસ પ્રકારની ચાઈનીઝ ફીશીંગ નેટ જોવા મળે છે. માછીમારો એક લાંબા લાકડાને છેડે મોટી જાળ બાંધી બીજા છેડે પથ્થરોનાં વજન બાંધી જાળી દરિયામાં ડુબાડીને માછલાં પકડે છે.
ચાઈનીઝ ફિશિંગ નેટમાંથી સૂર્યાસ્ત નિહાળી કેરેલાને છોડ્યું.
*
આવતી વખતે ફરી રખડપટ્ટી કરીશું ભારતની વિવિધતાની. ત્યાં સુધી... પોયી વરમ્ !
- એકતા દોશી
(આ લેખને કલરફૂલ પાનાંમાં સચિત્ર વાંચવા આજે જ મુલાકાત લો: www.khajanogujratimagazine.wordpress.com)