ખોફનાક ગેમ
વ્રજલાલ હિરજી જોષી
“માણસ કે જાનવર”
ભાગ - 3
કદમની વાત સાંભળીને તેનો ગોરો ચટ્ટો ચહેરો ગુસ્સાથી તમતમીને લાલ થઇ ગયો. તેની આંખો ક્રોધથી સળગી ઊઠી બે-ચાર પળમાં જ તે નોર્મલ થઇ ગયો. મોં પર સ્મિત રેલાવતાં તે બોલ્યો.
“મિ.કદમ...તમારી મઝાકથી મને માઠું નહીં લાગે...” પણ જો ખરેખર તમે મને સાથ આપે તો તમને દુનિયા આખાના લશ્કરના વડા બનાવવાનું હું વચન આપું છું.’’
“મિ.મોરીસ...તમે એક મહાન વૈજ્ઞાનિક છો. તમારી શોધની હું કદર કરું છુ. જાનવરોને માણસ બનાવવા અને બોલતા-ચાલતા કરવા તે લગભગ અશક્ય વાત છે. તે તમે શક્ય બનાવી બતાવી છે. આ કુદરતની વિરુદ્ધ કામ છે. છતાં પણ તમે જો તમારી આ શોધની સદ્દઉપયોગ કરો તો દુનિયાને ખૂબ કામ લાગે અને માણસજાત તમારા પર ઋણી રહેશે...” પ્રલય બોલ્યો.
“આ દુનિયાને મદદ કરું...? આ માણસ જાતને મદદ કરું...?”
“મને નફરત છે. માણસ જાત પર...વાસ્તવિકમાં આ દુનિયાએ મને બધું શીખવ્યું છે. માણસજાત...માણસજાત નથી પણ બધા હેવાની છે. મિ. પ્રલય...આ દુનિયાના હેવાનોએ મારી નજર સમક્ષ મારી માતા પર બળાત્કાર કર્યો હતો. મારી મા કરગરી રહી, દયાની ભીખ માંગતી રહી...પણ તે હેવાનોને દયા ન આવી. મેં તેઓના પગ પકડી મારી માને મૂકે દેવા વિનંતી કરી હતી તો તે હેવાનોએ ને લાતો મારીને પછાડી દીધો હતો. મારી મા રોતી હતી. ચિલ્લાતી રહી અને તે હવલ ભૂખ્યા વરુઓ મારી માની એક પછી એક કરીને ઇજ્જત લૂંટતા રહ્યા. મારી નજર સમક્ષ મારી માને પીંખી નાખી અને છેલ્લે તેઓના ત્રાસથી નરકની યાતના ભોગવી, મારી માતા મૃત્યુને શરણે થઇ. આ જ ભેડિયાઓએ મારા બાપને પણ મારી નાખ્યો. હું સાવ નાનો હતો એટલે મને બાળક સમજી મૂકી દીધો...મને નફરત છે. આ માણસ જાત પર...”
બોલતાં-બોલતાં તેના આંખોમાંથી અંગારા વરસી રહ્યા હતાં. ગુસ્સાથી તેનો દેહ કાંપતો હતો.
“મિ. પ્રલય...આ દુનિયા સાથે બદલો લેવા માટે જ મેં ખૂબ મહેનત કરી, દર...દર...ની ઠોકરો ખાઇને ભણ્યો અને વૈજ્ઞાનિક બન્યો.”
“સાંભળો મિ.પ્રલય...હું આ દુનિયાને બરબાદ કરી નાખીશ...તબાહ કરી નાખીશ...” ટેબલ પર ગુસ્સાથી હાથની મુઠ્ઠી પછાડતાં તે બોલ્યો.
“માણસજાત...કરતાં આ મારાં પ્રાણીઓ સારાં છે. તેઓ કોઇનું બૂરું નથી કરતાં, હું કહું તેમજ કરે છે...” બે મિનિટ થોભી તે આગળ બોલ્યો. “મિ.પ્રલય...મારી પ્રયોગશાળામાં દુનિયાને મારે હાથે નચાવવા હું તનતોડ મહેનત કરુ છું. સૌ મને ભગવાન મોરિસના નામથી ઓળખે છે. તમને કદાચ ખ્યાલ હશે કે આજથી દસ વર્ષ પહેલાં ભારતના વૈજ્ઞાનિક મોરારીબાપુ ગુમ થઇ ગયા હતા, ઘણી જ શોધ-ખોધ પછી તેનો પત્તો ન મળ્યોહતો. હા. તે જ મોરારીબાપુ એ જ હું “ભગવાન મોરીસ” હવે તો તમે મને ઓળખ્યા જ હશે.”
પ્રલયને યાદ આવ્યુ કે લગભગ દસ વર્ષ પહેલા ભારતના પ્રખ્યાત વાઢકાપના નિષ્ણાત વૈજ્ઞાનિક જેમણે પ્લાસ્ટિક સર્જરીમાં દુનિયાભરમાં નામ કાઢ્યું હતું. તે વૈજ્ઞાનિક મોરારીબાબુનું છાપામાં દરરોજ નામ ચમકતું હતું. તેઓ ગુમ થઇ ગયા હતા. કેટલીય શોધખોળ અને ધમપછાડા પછી પણ તેઓ મળ્યા ન હતા...તેઓ આ જ છે ભગવાન મોરીસ...’ એટલે જ તેને લાગતું હતું કે આમને તેણે ક્યાંક જોયા છે.
મોરીસ એક ખાંખરો ખાધો. પ્રલયની વિચારધારા તૂટી ગઇ, તેણે મોરીસબાબુની વાતમા ધ્યાન પોરવ્યું.
“અચાનક એક દિવસ હું આ ટાપુ પર આવી પહોંચ્યો. મોરીસ ઉર્ફે મોરારી બાબુ આગળ બોલતા ગયાં.
આખી દુનિયા પર વેર વાળવા માટે મને એક ગુપ્ત અને સારું એકાંત હોય તેવું સ્થળ જોઇતું હતું. આ ટાપુ મને ગમી ગયો. કેમ કે અહીં બહારની દુનિયામાંથી કોઇ જ આવી શકે તેમ નથી. સામે ચારે તરફ સમૃદ્ધ ફેલાયેલો છે. આ ટાપુનો પોતાનો સમુદ્રી કરંટ છે. ભૂલેચૂકે જો કોઇ જહાજ આ તરફ આવી ચડે તો ટાપુના કરંટને લીધે પ્રેશરથી ટાપુની ધરતી પર અથડાય અને તેના ચૂરેચૂરા થઇ જાય. તેમાં જો નસીબનો બળિયો કોઇ બચી જાય તો આ ટાપુ પર માનવભક્ષી જંગલીઓ અને ભયાનક પ્રાણીઓ તેને છોડે નહી. આ ટાપુ પર ચારે તરફથી મોત મંડરાયેલું રહે છે. કે તેઓ માણસને જોતાં જ પોતાના દેવતાને બલિ ચડાવી દે છે. તેને સુધરેલી માનવજાત પર ખૂબ નફરત મેં કરાવી રાખી છે. અને એટલે જ મને તમારી બહાદુરી પર ગર્વ થયો છે કે તમે માનવભક્ષી જંગલીઓ, ભયાનક જંગલી પ્રાણીઓ અને જે દિવસ કોઇ જ પાર નથી કરી શકતું તે દીવાલને તમે ઓળંગીને અહીં આવી પહોંચ્યા છો.
મોરારી બાબુ ઉર્ફે મોરીસે એક સિગારેટ સળગાવી અને તેના બે-ત્રણ લાંબા કશ ખેંચ્યા પછી આગળ ચલાવ્યું. “મિ. પ્રલય, આ ટાપુ મારા માટે બધી રીતે યોગ્ય હતો. અહીં એકદમ એકાંત છે. વળી અહીં જંગલમાંથી પુષ્કળ પ્રમાણમાં મને પ્રયોગ માટે જાનવરો મળી રહે છે. અહીં આવી પ્રયોગશાળા ઊભીકરી અને અહીંના જાનવરોને વાઢકાપ કરીને માણસની રચના બનાવી તેમાં હું સફળ થયો. ત્યારબાદ તેઓના બ્રાઇનમાં ઓપરેશનથી ફેરફાર કરી માણસના બ્રાઇન જેવું બનાવવાની મેં કોશિશ કરી, આમાં મને સાત વર્ષ લાગ્યાં છે. હવે તેઓ માણસની જેમ બોલતાં અને બંને પગે ચાલતા અને મગજ વાપરતાં શીખ્યા છે. આ બધું શા માટે તમને ખબર છે...?” સિગારેટનો એક ઊંડો કશ લઇ તેમણે સૌ તરફ નજર ફેરવી.
“મિ. મોરારીબાબુ...તમે જાનવરોને માણસ બનાવવાનો કોન્ટ્રાક્ટ લીધો લાગે છે. કદાચ ભગવાન માણસજાતને બનાવવાથી કંટાળી ગયા લાગે છે...” તેની વાતની ઠેકડી ઉડાડતાં કદમ બોલ્યો.
“મિ. કદમ, તમે ભલે જે કહો તો પણ હું દુનિયાથી બદલો લેવા માટે ગમે તે કરવા સક્ષમ છું. તમે મને મદદ કરશો તો તમારા માટે જીવન છે અને નહીં કરો તો સમજી લેજો કે મોત તમારા તરફ ડગલાં ભરતું-ભરતું આગળ વધી રહ્યું છે.”
“મોરારીબાબુ...તમારું સ્વપ્ન ક્યારેય પૂરું નહીં થાય, ભગવાને બનાવેલી આ ખૂબસૂરત સૃષ્ટિને તમારા જેવા ઘણાય દુનિયાના દુશ્મનોએ મિટાવી દેવાની કોશિશ કરી છે, પણ ખુદ તેઓ જ ભગવાન પાસે તેનો હિસાબ આપવા ઉપર પહોંચી ગયા છે. આ ધરતી ક્યારેય કોઇ મિટાવી નહીં શકે. માનવજાતના દુશ્મને ભલે પ્રયત્ન કરી લે અને તમે પણ પ્રયત્ન કરી જોજો.મોરારીબાબુ, તમને નિષ્ફળતા જ મળશે. કુદરતે બનાવેલી રચનાને ફેરફાર કરવાનું છોડી દ્યો. કુદરતને કુદરતનું કામ કરવા દ્યો. તમે ક્યારેય સફળ નહીં થાવ...” એકી શ્વાસે કદમ બોલ્યો.
“ખેર...મોરારીબાબુ...અમે તો અમારા ગુમ થયેલ સાથીને શોધવા માટે અહીં આવેલ છીએ. અમારો સાથી અમે મળી જાય તો અમે અહીંથી રવાના થઇ જઇએ, અમને જો મદદ કરો...” પ્રલયે મોરારીબાબુની આંખોમાં આંખો પરોવી.
“તમારો સાથી એવી જગ્યાએ છે કે તમે તેને ક્યારેય શોધી નહીં શકો...ઠીક છે તમે મારું કહ્યું માનશો તો તમારા સાથીનો તમને પત્તો બતાવીશ...અને હા...અહીંથી નાસૂ છૂટવાનો મૂર્ખાઇ ભર્યો વિચાર કરશો નહી...” કડક નજરે જોતાં તેઓ બોલ્યા પછી ક્હયું. “આવો તમને હું મારી તાકાતનો એક પરચો બતાવું... મારી મહાન શોધ...મારો જાનવરને ઇન્સાનમાં બદલવાનો પ્રયોગ બતાવું...ચાલો મારી સાથે ઓપરેશન થિયેટરમાં.” કહીને તે ઊભો થયો અને સિપાઇઓને ઇશારો કર્યો. સિપાઇઓ તે ત્રણને કોર્ડન કરી ઓપરેશન થિયેટર તરફ લઇને ચાલ્યા. થિયેટરની બહારના એક રૂમમાં બૂટ-મોજાં ઉતારવામાં આવ્યા. પછી તેઓને કેપ, માસ્ક બંધાવી, હાથમાં ગ્લાઉઝ પહેરાવી ત્રણેને ઓપરેશન થિયેટરમાં લાવવામાં આવ્યાં.
ઓપરેશન થિયેટર આખું કાચની દિવાલોનું બનેલું હતું. કાચની દીવાલો પાછળ ક્યાંકથી ચારે તરફ પ્રકાશની ધોધ થિયેટરમાં ફેલાયેલો હતો. સામેની બાજુ બે કાચના મોટા કપબોર્ડ પડ્યા હતા. તેમાં ઓપરેશનનાં સાધનો ગોઢવીને મૂકેલાં હતાં. થિયેટરની વચ્ચો વચ્ચ એક મોટું ટેબલ પડ્યું હતું. ટેબલની ઉપર છત પર એક મોટી હેડલાઇટ લાગેલી હતી. ટેબલ ઉપર એક ખૂંખાર ચિત્તાને સાંકળથી બાંધવામાં આવ્યો હતો. તેના શરીર ઉપરની ચામડીના ખાલ ઉતારી નાખવામાં આવી હતી. ટેબલ નીચે એક મોટી બકેટ લોહીથી ભરેલ પડી હતી. ઓપરેશન ટેબલની બાજુમાં એક ટ્રોલી પડી હતી. તેમાં અલગ અલગ કાતર તથા ઓપરેશનનાં સાધનો લોહીથી ખરડાયેલા પડ્યાં હતા.
થોડી-થોડી વાર ચિત્તો સાંકળને તોડાવી ભાગી જવા માટે મથી રહ્યો હતો. પણ સાંકળ ખૂબ જ મજબૂતાઇથી તેની ડોક અને ચારે પગમાં બાંધેલી હતી. પીડાથી ચિત્તો ત્રાડો નાખતો હતો અને તેની ત્રાડોથી થિયેટર ગુંજતું હતું.
મોરારીબાપુ બોલ્યા, “જુઓ હું આ ચિત્તા પર હાલમાં સર્જરી કરું છું. આ ચિત્તા પર વાઢકાપ કરી તેને માણસનું સ્વરૂપ આપીશ જેને અમે “ચિત્તા માનવ” કહીએ છીએ, ત્યારબાદ તેના મગજનું ઓપરેશન કરી મગજમાં ફેરફાર કરી માણસના જેવું વિચારશીલ અને બુદ્ધિશાળી મગજ બનાવીશ અને પછી તેના મોંની અંદર સર્જરી કરી તેને માણસની જેમ બોલતાં શિખવાડીશ...પછી તેને માણસજાતની સામે પકડાવવા દુનિયા સમક્ષ મૂકીશ. આ ચિત્તો પંદરથી વીસ માણસ જેટલી તાકાત ધરાવે છે.
“મોરારીબાબુ...તમે આ મહાન શોધનો ઉપયોગ દેશને અર્પણ કરી આપણા દેશને દુશ્મન દેશોથી રક્ષા અપાવી શકો છો...” વિનય બોલ્યો.
“મિ.વિનય...આ શોધનો ઉપયોગ પહેલાં હું ભારત પર જ કરવા માગું છું. ભારતની હિમાલય બોર્ડર પર અમે સક્રિય પણ થયા હતા. જો સોમદત્ત વચ્ચે ન આવતા તો અમારું મિશન ઘણું આગળ વધી ગયું હોત.”
“તમે તમારા ઇરાદામાં ક્યારેય સફળ નહીં થાવ...ભારતની જાસૂસી સંસ્થા “રો” ની નજરમાં ક્યારેય નહીં છટકી શકો. ભારતની સંસ્થા “રો” માં કેટલાય પ્રલય,કદમ અને આદિત્ય છે. તમે કેટલાને મારી શકશો, મુરારીબાબુ અમારા ચીફ મેજર સોમદત્તનો પંજો તમારા પર પડી ચૂક્યો છે. તમે થોડા જ સમયમાં “મોતની આહટ” સાંભળશો...” જુસ્સાથી પ્રલય બોલ્યો.
“તમારે મારા મિશનમાં સાથ આપવાનો છે. મિ. પ્રલય તમે હા કહેશો કો આનંદ થશે અને ના કહેશો તોય...”
“અમે તમારા મિશનનો સર્વનાશ કરવા માટે આ ટાપુ પર આવ્યા છીએ અને તમે અમને સાથ આપવાની વાત કરો છો. સાથ આપવાની વાત તો બાજુ પર રહી મુરારીબાબુ તમારું આ મિશન અમે નેસ્તાનાબૂદ કરી નાખશું...” ગુસ્સાથી તમતમતા ચહેરે પ્રલય ચિલ્લાયો.
“પકડી લ્યો...આ ત્રણ મૂર્ખાઓને અને બાંધીને પૂરી દ્યો.” ગુસ્સાથી પગ પછાડતો મુરારીબાબુ થિયેટરની બહાર ચાલ્યા ગયા.
ત્રણેને સૈનિકોએ તરત પકડીને મજબૂતાઇથી બાંધી દીધા પછી એક કમરામાં ધકેલી દીધા.
બીજા દિવસે સવારે.
એક મોટા ખંડમાં ટેબલ પર પ્રલય, કદમ અને વિનય બંધનગ્રસ્ત હાલતમાં પડ્યા હતા. તે તેના ઓપરેશન થિયેટરની બાજુનો કમરો હતો. મેઇન ટેબલ પર બેલ્ટથી કદમને બાંધેલો હતો, તેની ઉપર છત પર એક મોટી હેડલાઇટ તેના પર પ્રકાશનો ધોધ વરસાવતી હતી. ટેબલની બાજુમાં સર્જરીના ઇન્સટુમેન્ટ ગોઠવેલી ટ્રોલી પડી હતી. મોરારીબાબુએ હાથ ધોઇને ગ્રીન કલરનો શરીરને સંપૂર્ણ કવર કરતો ગ્રાઉન્ડ પહેર્યો હાથમાં મોજા પહેર્યા. મોં પર કેપ, માસ્ક લગાવ્યા. આ બધું તેના ઓપરેશન કરવાની તૈયારી રૂપે હતું.
“હા...તો, મિ.કદમ...આજ હું તમારા પર સર્જરી કરવા માગું છું. પણ આજ મારુ કામ થોડું ઊલટું થશે. અત્યાર સુધી મેં જાનવરને માણસમાં રૂપાંતર કરવાની સર્જરી કરી છે.પણ આજે એક માણસને વાંદરો બનાવીને નવું જ કરવા માગું છું. ભારતના નંબર વન સિક્રેટ એજન્ટનું બિરુદ પામેલ, ભારતની સંસ્થા “રો” ના મુખ્ય અધિકારી મેજર સોમદત્ત, જેનાથી દુનિયાભરના અપરાધીઓ થર-થર કાંપે છે તેના પ્રિય એજન્ટ કેપ્ટન કદમ આજ તમને વાંદરો બનાવીને મિ.સોમદત્તને સપ્રેમ ભેટ મોકલાવીશ.” ક્ષણભર થોંભ્યા પછી તે આગળ બોલ્યો.
“મિ.કદમ...તમને વાનર જેવું સરસ પૂંછડું હશે. તમે ચારે પગે ઝાડ પર કૂદકા મારી શકશો. તમારે નોકરી કરવાની જરૂર જ નહીં પડે, મિ.કદમ બસ...અહીં જંગલમાં ફળ ખાજો અને ધુબાકો મારજો...હા...હા...હા...હા...” તે ભયાનક અર્ટ હાસ્ય વેરવા લાગ્યો.
“સાલ્લા...હરામખોર...” કદમ ચિલ્લાયો, તે પરસેવાથી રેબઝેબ થઇ ગયો હતો. મારી નાખવાની તો ઘણા દુશ્મનો તેને ધમકીઓ આપતા પણ આજ... તેને વાનર બનાવવામાં આવી રહ્યોહતો. જિંદગીભર તેનું રૂપ, સરસ ચહેરો બધું ચાલ્યું જશે... તે બોલી શકતો નહીં હોય. હાથના પંજા વાનરના પંજા જેવા બની ગયા હશે... આખા શરીરમાં રુંવાટી...તે વાનર બની ગયો હશે...સંપૂર્ણ બંદર...તે ધ્રુજી ઊઠ્યો.
“સાલ્લા...કાફર...તારી ઐસી કી તૈસી...મને એકવાર છોડ પછી જોઉં છું. કોણ કોને વાંદરો બનાવે છે...” તે ચિલ્લાયો.
“કમજાત...જો કદમનો વાળ પણ વાંકો કર્યો છે. તો તને જીવતો નહીં મૂકું...” પ્રલયને ચહેરો ક્રોધથી તપાવેલાં ત્રાંબા જેવો થઇ ગયો.
“સોમદત્ત સર તને પાતાળમાંથી પણ શોધી કાઢશે અને તને એવી સજા કરશે કે તને તારી જાતથી નફરત થઇ જશે...” વિનય દહાળ્યો.
“હા...હા...હા...હા...કદમ વાનર...અને પછી પ્રલય, આદિત્ય, મિ.વિનય તમારા માટે મેં અલગ પ્રયોગ કરવાનું નક્કી કર્યો છે. વા...વા...કદમને વાનરના રૂપમાં જોઇ દુનિયા પુરી અટ્ટહાસ્ય કરશે. હા...હા...હા...મઝા આવશે...” હસતાં-હસતાં અચાનક તે ખામોશ થઇ ગયો, પછી અગ્નિભરી નજરે પ્રલય સામે જોઇ તે બોલ્યો, “તારા સોમદત્તથી હું ડરતો નથી બીજું કે સોમદત્ત ક્યારેય આ ટાપુ સુધી પહોંચી નહીં શકે, સમજ્યો...
“તારા ખુદાને તું યાદ કરી લે સોમદત્તનો પડછાયો તો તારા પર પડી ચૂક્યો છે. સાલ્લા વંતરીના...” કદમ બોલ્યો. મુરારીબાબુ અટ્ટહાસ્ય કરવા લાગ્યા. તેનું હાસ્ય ચારે તરફ ગુંજી ઊઠ્યું.’’ સાલ્લો ગાંડો થઇ ગયો છે. વિનયે પરસેવો લૂછતાં કહ્યું.
“મિ.કદમને ઓપરેશન થિયેટરમાં લઇ લો.” મોરારીબાબુએ સૂચન કર્યું અને પછી તે પણ ઓપરેશન થિયેટર તરફ ચાલ્યા.
“સાલ્લા...હરામખોર...તને જીવતો નહીં મૂકું...તારી ચામડી ઉતારી નાખીશ...યાદ રાખજે...” પ્રલય ચિલ્લાયો, તેનો પહાડી અવાજ મુરારીબાબુની પાછળ ગુંજતો રહ્યો.
ચાર સિપાઇઓએ રબ્બરના પટ્ટાથી બાંધેલા કદમને સ્ટ્રેચર પર સુવડાવીને ઓપરેશન થિયેટરમાં લઇ ગયા. પ્રલય ચિલ્લાતો રહ્યો અને પોતાના હાથ-પગને છોડવા ધમપછાડા કરતો રહ્યો.
“કદમ...ચિંતા ન કરજે, તને કાંઇ જ નહીં થવા દઉં...હું જીવતો છું ત્યાં સુધી તારો વાળ પણ વાંકો કર્યો તો સાલ્લાને જીવતો જમીનમાં દાટી દઇશ...” પ્રલયના જડબાં ગુસ્સાથી ભિડાઇ ગયા.
કદમને માથા પર પરસેવો નિતરતો હતો. તેણે છૂટવા માટે ઘણા ધમપછાડા કર્યા પણ તેના હાથ-પગ અને છાતી પર ખાસ રબ્બરના બેલ્ટ બાંધવામાં આવ્યા હતા. જેમ-જેમ તે છુટવા માટે પ્રયત્ન કરતો હતો તેમ-તેમ તેના બંધનો ટાઇટ થતા જતા હતાં.
***