બાળકની સ્થિતિ ખુબ નાજુક હતી એવી જાણકારી ડોક્ટરે નેહા અને મિલનને આપી હતી. હવે આગળ...
નહોતી ધારી એવી કસોટી આવી છે મારે દ્વારે;
તુજ વિના પ્રભુ નથી રહી હવે કોઈ આસ મારે!
આજની બાળકની ત્રીજી રાત્રી પણ હોસ્પિટલમાં જ પસાર થઈ હતી. સવારે ૯ વાગ્યે ડૉક્ટર ચેકઅપ કરીને નેહા અને મિલનને બાળકની સ્થિતિની જાણ કરે છે. બાળકના ધબકાર ધીમા છે, બાળક પેરેલિસિસ નું પણ શિકાર છે, આંખ પણ પૂરતું તેજ આપવા સક્ષમ ન હોય એવું લાગે છે, અને ખાસ કે બાળકનો મગજનો વિકાસ બીજા બાળક જેવો કદાચ ન થાય એ મન્દબુદ્ધિનું હોય શકે. આવું બાળકની હાલની સ્થિતિ જણાવે છે, ગઈ કાલે બાળકને એકવાર ર્હદયનો હુમલો આવી ગયો છે. આ જાણ તમને માનસિક રીતે તૈયાર કરવા કહું છું, કે જો બાળક બચશે તો એ આજીવન પરાવલંબી રહેશે અને હજુ એ ગંભીર પરિસ્થિતિમાં જ છે, જે થશે એ ભગવાનની મરજી પ્રમાણે થશે. અમે બનતા પ્રયત્ન કરી રહ્યા છીએ.
આ સાંભળીને નેહાના પગ નીચેથી જમીન જાણે ખસી ગઈ. એની આંખ માંથી આંસુની ધાર વહેવા લાગી, એ મનમાંને મનમાં પ્રભુને બોલી રહી કે, "આ ક્યાં કર્મની સજા તું આપી રહ્યો છે?"
આવરદા કે મોક્ષ માંગુ? હું અચકાવ છું;
શું કરું હું પ્રાર્થના પ્રભુ? હું ગભરાવ છું!
નેહા ચક્કર ખાયને પડવાની જ હતી ત્યાં મિલને એને સંભાળી લીધી હતી. નેહા ખુબ ચિંતામાં સપડાઈ ગઈ હતી. નેહાને પોતાનું બાળક આજીવન પરાવલંબી બનીને જીવશે એ વાત એના દિલદિમાગને હચમચાવી ગઈ હતી. હજુ તો ગઈ કાલ સુધી બધું જ બરાબર હતું અને આમ અચાનક આટલી મોટી સમસ્યા? બસ, આજ વાત નેહાના મન ને પચતી નહોતી. આમ ક્યાં કારણે થયું? કોની ભૂલ મારુ બાળક આજીવન ભોગવશે એ વિચાર માત્રથી નેહા ધ્રુજી જતી હતી. અને આમ જોવા જઇયે તો કદાચ ગર્ભાવસ્થા દરમ્યાન જ બાળકનો પૂરતો વિકાસ ન થયો હોય, કે માતા ની કોઈ બેદરકારી રહી હોય તો પ્રસુતિ બાદ આમ ડૉક્ટર વાત કરે તો કદાચ મન માનવા તૈયાર થાય, પણ બધું જ ઠીક હોય અને બાળકની સ્થિતિ આમ દયનિય બની જાય એ કોણ માઁ સ્વીકારી શકે? નેહા આ પરિસ્થિતિને સમજી શકવા અને માનવા સક્ષમ નહોતી. નેહાની ભીની આંખ એ છતું કરતી હતી કે નેહા અંદરથી જ તૂટી ગઈ છે, પણ કુદરત એને આ પરિસ્થિતિ સામે ઉભી રહેવા હિમ્મત આપી રહી હતી. અને નેહા તથા એના પરિવારે આ પરિસ્થિતિ નો સામનો કર્યા વગર બીજો કોઈ રસ્તો નહોતો...
આખા પરિવારની એક એક ક્ષણ જાણે કસોટીની વીતી રહી હતી. ડૉક્ટર અને સ્ટાફ એમનો પૂરતો પ્રયત્ન કરી રહ્યા હતા. પણ જેમ જેમ સમય જાય તેમ તેમ બાળકની પીડાઓમાં વધારો થઈ રહ્યો હતો. બહુ જ ઓછા સમયમાં બાળક બહુ બધું ભોગવી રહ્યો હતો, એ પણ ફક્ત દર્દ જ...
બાળકની કાલીઘેલી વાતો મારે સાંભળવી હતી,
માઁ એ શબ્દની મીઠાસ મારે સાંભળવી હતી,
પણ દોસ્ત! હું કેવી શોષવાય હતી,
જયારે બાળકની વેદનાના ઉહ્કાર જ સાંભળતી હતી..
બાળક પ્રેમ, હૂંફ, વાત્સલ્ય, લાગણી, માયા પ્રાપ્ત કરવાની તો દૂર પણ ઈન્જેકશન અને દવાઓની વચ્ચે એ જુલી રહ્યું હતું. અને આ બધું એક માત્ર નર્સ સ્ટાફના લીધે થઈ રહ્યું હતું. કદાચ બાળક સ્વસ્થ હોત જો નર્સએ થોડી સાવચેતી અને સમજદારી રાખી હોત...
દિનાંક : ૫/૧૧/૨૦૦૩
આજની સવાર દરેકના જીવને ધ્રાસ્કો આપી ગઈ હતી. નેહા અને એના પરિવારને કુદરતે આપેલ સુંદર અને સ્વસ્થ વિકાસ પામેલું બાળક પ્રસુતિ વખતે નર્સ સ્ટાફની બેદરકારીના હિસાબે આ દુનિયામાં આવતાની સાથે ૪ દિવસમાં એનું આખું જીવન પૂરું કરી ફરી પ્રભુ પાસે જતું રહ્યું હતું. હા, નેહાની કોખ ખાલી થઈ ગઈ હતી. મિલનના પરિવારને મળેલું વારસદાર છીનવાય ગયું હતું. નેહાએ હજુતો પોતાના પિયર કે સાસરીમાં બાળકના પગલાં ઘરમાં પાડ્યા પણ નહોતા કે પોતાના હાથે બનાવેલ ગોદડીમાં હાલરડું પણ ગવડાવીને એક વાર પણ ઉંઘાડીયું નહોતું ત્યાં એ બાળક કાયમી ઊંઘમાં ગરકાવ થઈ ગયું હતું. એક માઁ આ કુદરતના ઘાથી કેવી બેબાકળી બની ગઈ હોય એ વર્ણવું ખુબ મુશ્કેલ છે, આ વેદના ખુબ અસહ્ય હોય છે. ગર્ભાવસ્થામાં અનેક સપના માતાપિતા જોતા હોય છે કે પોતાના બાળકને કેમ રમાડશે, મોટું કરશે, શું બનાવશે, અરે માતાપિતા તો એ બાળક માઁ જેવું બનશે કે પિતા જેવું એ બાબતે કેટલી વાર મીઠો ઝગડો પણ કરી લેતા હોય છે, અને એ બધી જ આશાથી, સપનાંથી વિરૂધ્ધનું કર્મફળ સામે આવે એટલે કેટલું દુઃખ માતાપિતાને થાય છે એ કલ્પના જ આપણા મનને કમ્પાવી દે એવી છે. નેહા અને એનો આખો પરિવાર ખુબ દુઃખી થઈ ગયો હતો. દરેક સદ્દશ્ય રોઈ રહ્યું હતું. ફક્ત પરિવાર જ નહીં પણ જામનગરનો હોસ્પિટલ નો સ્ટાફ પણ ગમગીન અને ભાવવિભોર થઈ ગયો હતો. થોડી કલાકોમાં આખા કુટુંબ અને મિત્રવર્તુળમાં આ સમાચાર વાયુ વેગે ફેલાય ગયા હતા. બધાને ઘડીક તો એમ થતું હતું કે મિલન મજાક કરે છે, કોઈ વાત પર વિશ્વાસ કરવા તૈયાર થતું નહોતું, પણ આ અંતે હકીકત બધાને એક ધ્રાસ્કો આપી ગઈ હતી. જે સાંભળે એ "અરે યાર આમ કેમ થયું?" ના નિસાસા સાથે જ વાત કરતુ અને દુઃખી થતું હતું.
નેહાના માતાપિતાતો પોતાની દીકરીને સમજે અને સાંત્વના પણ આપે એ સામાન્ય વાત જ કહેવાય પણ જે નેહાના સાસુ સસરાએ એને સાચવી એ કસોટીના સમયમાં એની હિમ્મત બની ઉભા રહ્યા એ નેહા માટે ખુબ રાહતની વાત હતી. નેહાને બાળક ગુમાવ્યાનું દુઃખ ખુબ હતું પણ એને દૂર કરવા પરિવારના સદશ્યો પ્રયત્ન કરતા હતા.
બધી જ બાળકની વિધિ પતિ ગયા બાદ નેહાને એના પિયર લઈ ગયા હતા. નેહાની જ્યાં પ્રસુતિ થઈ હતી એ હોસ્પિટલના સ્ટાફ અને ડૉક્ટર તેમજ પેલા નર્સ સ્ટાફ કે જેને અંદરોઅંદર નેહાની પ્રસુતિ કરાવવાનું નક્કી કરી લીધું હતું, એમને પણ નેહાનું સંતાન હવે નહીં રહયું ના સમાચાર મળી ગયા હતા.
શું હશે નેહાના પરિવારનો નર્સ સ્ટાફ સાથે નો પ્રતિભાવ?
નેહાના પિયર આવી ગયા બાદ શું બદલશે સાસરી ના લોકોના હાવભાવ?
નેહા માટેની કેવી હશે મિલનની સહાનુભૂતિ?
આ દરેક પ્રશ્નના જવાબ તમને મળશે પ્રકરણ : ૪ માં..