વન્સ અપોન અ ટાઈમ
આશુ પટેલ
પ્રકરણ - 88
અચાનક પપ્પુ ટકલાના મોબાઈલ ફોનની રિંગ વાગી. એણે અમારી સામે જ મોબાઈલ ફોન પર વાત કરી તેના ચહેરા પર આશ્વર્યનો ભાવ તરી આવ્યો. એણે અમારી સામે જોયું.
‘તમારા માટે એક ન્યૂઝ છે.’ એણે કહ્યું
અમને આશ્વર્ય થયું. એ આશ્વર્યના આંચકામાંથી અમે બહાર આવીને એ પહેલાં એણે કહ્યું, ‘થોડીવાર પહેલાં બેંગકોંકમાં છોટા રાજન અને રોહિત વર્મા પર દાઉદ ગેંગના શૂટરો ગોળીબાર કર્યો છે...’
પપ્પુ ટકલા ધડાધડ એ ઘટનાની માહિતી આપવા માંડ્યો. એ બોલી રહ્યો એટલે અમે એને કહ્યું, ‘સોરી, પણ અમારે જવું પડશે.’
અને ત્રીજી મિનિટે અમે પોલીસ ઑફિસર ફ્રેન્ડની કારમાં અમારી ઑફિસ ભણી ધસી રહ્યા હતા.
***
બેંગકોંકમાં છોટા રાજન પર છોટા શકીલ ગેંગના શૂટરોએ હુમલો કર્યો એથી પપ્પુ ટકલા સાથે અમારી બેઠકમાં વિક્ષેપ આવ્યો. પણ બીજા જ દિવસે પપ્પુ ટકલાએ ફરીવાર અમને સમય આપ્યો. અમે બીજે દિવસે રાતના દસ વાગ્યે એના ઘરે પહોંચી ગયા. પપ્પુ ટકલાએ બ્લેક લેબલની બોટલમાંથી પેગ બનાવીને ફાઈવફાઈવફાઈવ સળગાવીને અંડરવર્લ્ડ કથાનું અનુસંધાન સાધ્યું, ‘છોટા રાજનની હત્યા માટે દાઉદે પ્રયાસ કર્યો એમાં આશ્વર્ય પામવા જેવું કંઈ નથી. છોટા રાજને દાઉદ ઈબ્રાહિમની અનેક વાર ઊંઘ હરામ કરી નાખી હતી. હું તમને આવો જ એક કિસ્સો કહું. અબુ સાલેમ અને છોટા શકીલ છોટા રાજનને ઝનૂનપૂર્વક ભિડાવવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે સામે છોટા રાજન એના વિશ્વાસુ સાથીઓ ગુરુ સાટમ, રોહિત વર્મા અને ઓ.પી. સિંહની મદદથી દાઉદ ગેંગને ઉપરાઉપરી ફટકા મારી રહ્યો હતો. દાઉદને સૌથી વધુ નુકસાન એણે એના ડ્રગ નેટવર્કને ફટકો મારીને પહોંચાડ્યું હતું. જાન્યુઆરી 1997માં આવું જ એક કન્સાઈનમેન્ટ મુંબઈમાં પાર પાડવા માટે દાઉદ ગેંગ સાથે સંકળાયેલા બે ડ્રગ સ્મગલરને સોંપાયું એની માહિતી મળી એટલે દાઉદ ગેંગને વળી એક વાર ભારે પડી જાય એવો ફટકો મારવામાં છોટા રાજન સફળ રહ્યો હતો.’
અચાનક પપ્પુ ટકલાએ એની વાત કહેવાની સ્ટાઈલ બદલી અને એ કોઈ સ્ક્રિપ્ટ રાઈટરની જેમ ચાલુ થઈ ગયો.
***
મુંબઈના અંધેરી ઉપનગરના ડી.એન. નગર વિસ્તારની એક વિશાળ માર્બલ શૉપમાં નૂર મહમ્મદ ગાંધી ઉર્ફે હમ્ઝા ફોન પર વાત કરી રહ્યો હતો. રાતના સાડા નવ થવા આવ્યા હતા. દસ મિનિટ પહેલાં નૂર મહમ્મદ ગાંધીએ એક જગ્યાએ ફોન કર્યો હતો એ પછી થોડી વારમાં એનો ફોન પાછો રણકી ઊઠ્યો હતો. ફરીવાર એને કરાંચીથી સૂચનાઓ અપાઈ રહી હતી. સામા છેડે દાઉદનો ખાસ માણસ ગણાતો ડ્રગ માફિયા એઝાઝ પઠાણ હતો. નૂર મહમ્મદ ગાંધીએ એને માહિતી આપી કે એના અગાઉ આવેલા ફોન પ્રમાણે બધી એરેન્જમેન્ટ થઈ ગઈ છે અને ગમે ત્યારે ‘માલ’ની ડિલિવરી આપી શકશે. એઝાઝ પઠાણ સાથે ફોન પર વાત પૂરી થયા પછી થોડી મિનિટોમાં કોઈનો ફોન આવ્યો. નૂર મહમ્મદ ગાંધીએ સામી વ્યક્તિ સાથે ‘માલ’ની ડિલીવરી માટે બીજે દિવસે વહેલી સવારે ગોરેગાંવ ઉપનગરમાં મળવાનું નક્કી કર્યું.
ફોન પર વાત પૂરી કરીને નૂર મહમ્મદ ગાંધીના ચહેરા પર સ્મિત આવ્યું. અત્યાર સુધીમાં આવા તો અનેક કન્સાઈનમેન્ટ એ પાર પાડી ચૂક્યો હતો અને મુંબઈ પોલીસ એનો વાળ સુદ્ધાં વાંકો કરી શકી નહોતી. આવતીકાલે સવારે વધુ એક કન્સાઈનમેન્ટ પરા પાડીને વધુ દસ લાખ રૂપિયાની આવક થશે એ વિચારથી એને રોમાંચ થઈ આવ્યો. કોઈ પણ વેપારીને ઈર્ષા થઈ આવે એવી એની માર્બલની મોટી દુકાન હતી. જો કે નૂર મહમ્મદ ગાંધી માટે એ દુકાન ચણા-મમરા જેવી હતી એટલી આવક એને ડ્રગ્સ કન્સાઈનમેન્ટ પાર પાડવાથી થતી હતી. અગાઉ એની સામે અડધો ડઝન વખત પોલીસ કેસ થઈ ચૂક્યા હતા, પણ નૂર મહમ્મદ ગાંધી એની પરવા કરતો નહોતો. પોતે સલામત રીતે કામ કરી રહ્યો છે એવું એ માનતો હતો અને આ વખતે વધુ એક વાર કોઈ ઝંઝટ વિના વધુ દસ લાખ રૂપિયા એના ગજવામાં આવી જવાના હતા.
***
મુંબઈના ઘાટકોપર ઉપનગરમાં એક ડાન્સ બારમાં બેસીને એક માણસ મજેથી બિયર પી રહ્યો હતો. થોડીવાર પહેલા અગત્યનું કામ પતાવીને એ આ ડાન્સ બારમાં આવ્યો હતો. આ ડાન્સ બારમાં બેસવાનું એને ફાવી ગયું હતું. બીજા બધા ડાન્સ બાર કરતા આ ડાન્સ બારના માલિકના પોલીસ ઑફિસર્સ સાથે સારા કનેકશન હતા અને એ બારનો માલિક પોલીસને તગડી રકમ હપ્તા પેટે ચૂકવતો હતો એટલે પોલીસની મીઠી નજર એ બાર પર હતી. રાતના સાડા અગિયાર વાગ્યે બાર બંધ કરી દેવાના નિયમની ઐસીતૈસી કરીને આ બાર આખી રાત ધમધમતો રહેતો. સાડા અગિયાર વાગ્યા પછી બારનો મુખ્ય દરવાજો બંધ થઈ જતો હતો, પણ પાછળના દરવાજેથી એન્ટ્રી આપવામાં આવી હતી. રાતના બે વાગવા આવ્યા હતા અને બિયરની ચાર બોટલ એ માણસના પેટમાં ઠલવાઈ ચૂકી હતી. એનું નામ અરવિંદ પટેલ હતું. એના નામે મુંબઈ પોલીસના ચોપડે પાંચ ગુના બોલતા હતા. અને એ બધા ગુના કેફી દ્રવ્યોની (ડ્રગ્સની) હેરાફેરીના હતા, પણ અરવિંદ પટેલ છાતીવાળો માણસ હતો. વહેલી સવારે એક મોટું કન્સાઈનમેન્ટ પાર પાડવાનું હોવા છતાં એ શાંતિથી બિયર પી રહ્યો હતો. બારની વચ્ચોવચ્ચ ડાન્સિંગ ફ્લોર ઉપર સાત-આઠ યુવતીઓ ડાન્સ કરી રહી હતી. એણે એને ગમતી એક સેક્સી યુવતી સામે ઈશારો કર્યો. તે યુવતી ડાન્સ પડતો મૂકીને એની પાસે આવી. તેણે અરવિંદ પટેલને મધમીઠું સ્માઈલ આપ્યું. અને એણે ડાન્સિંગ ફ્લોર ઉપર જતા પહેલા અરવિંદ પટેલના ગાલ ઉપર એનો નાજુક હાથ ફેરવ્યો. અરવિંદ પટેલ ખુશ થઈ ગયો. એને ખબર હતી કે આ છોકરી નાટક કરી રહી છે, પણ એમ છતાં એ રીતેય એના શરીરનો સ્પર્શ મળે એ અરવિંદ પટેલને ગમતું હતું.
અરવિન્દ પટેલ બિયરના નશાની સાથે તે યુવતીના મુલાયમ હાથના સ્પર્શનો નશો માણી રહ્યો હતો એ દરમિયાન અચાનક બારની મોટાભાગની લાઈટ્સ ઑફ થઈ ગઈ અને બીજી ક્ષણે એક પોલીસ ટીમ અંદર ધસી આવી!
(ક્રમશ:)