Limelight - 39 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | લાઇમ લાઇટ - ૩૯

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

લાઇમ લાઇટ - ૩૯

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૩૯

સાકીર ખાન જેવા સુપર સ્ટારે એવો તો કયો ગુનો કર્યો હશે કે તેની ધરપકડ થઇ ગઇ? એવો પ્રશ્ન તેના ચાહકોના મનમાં ઊભો થયો. મિડિયાએ શરૂઆતમાં સાકીરની ધરપકડનું કોઇ કારણ જણાવ્યું ન હતું. જેવી એ વાતની પુષ્ટિ થઇ કે પોલીસે સાકીરની ધરપકડ કરી છે કે તરત જ બ્રેકિંગ ન્યુઝ આપી દીધા કે, ''સાકીર ખાનની પોલીસે ધરપકડ કરી.'' આ અગાઉ પણ સાકીર સામે કેસ થયા હતા. પણ એવા કોઇ ગંભીર ગુના ન હતા કે તાત્કાલિક ધરપકડ થાય. અગાઉ ફિલ્મના પાત્ર દ્વારા ધાર્મિક ભાવના દુભાવવાના અને કોઇ બાબતે વિવાદાસ્પદ બયાન આપવા બદલ તેના પર કેસ થયા હતા. જે ઘણા વર્ષોથી કોર્ટમાં ચાલતા હતા. અને તેના પર કોઇ ચુકાદો આવવાની શક્યતા ન હતી. ત્યારે સાકીરે એવો તો કયો ગંભીર ગુનો કર્યો હશે કે અડધી રાત્રે તેના ઘરેથી ધરપકડ થઇ?

એક ટીવી ચેનલની એન્કર સાકીરના ઘર સામેથી મોટા અવાજે કહી રહી હતી,"તમે જોઇ રહ્યા છો કે મારી પાછળ સાકીર ખાનનો બંગલો છે.... જ્યાં પોલીસનો બંદોબસ્ત છે. કોઇ છમકલું ના થાય કે બીજી ઘટના ના બને એ માટે તેના ઘર પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. પોલીસ દ્વારા શાંતિ જાળવવા અપીલ થઇ છે. તમે જોઇ રહ્યા છો કે સાકીરના ચાહકો તેના ઘર પાસે આવી રહ્યા છે. તેઓ આ ઘટનાથી ચિંતિત અને રોષમાં છે. ચાહકો હોબાળો ના મચાવે એટલે મોડી રાત્રે સાકીરની ધરપકડ કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. હજુ સુધી તેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી....એટલું ચોક્કસ છે કે કારણ મોટું હશે...."

બીજી ટીવી ચેનલની એન્કર સાકીરના બંગલાથી દૂર ઊભી રહીને ટોળા પર કેમેરો ફેરવાવી રહી હતી. અને પછી પોતાની વાત ચાલુ કરતાં બોલી:"આપ દેખ રહે હૈં કી બડી તાદાદ મેં સાકીર ખાન કે ફેન્સ યહાં ઉમડ પડે હૈ. ક્યોંકિ પુલિસ સાકીર કો પકડકર કહાં લે ગઇ ઇસ બાત કો સાર્વજનિક નહીં કિયા ગયા હૈ. હમારી ચેનલ કે પ્રવક્તા ને પુલિસ કે આલા અધિકારી સે સંપર્ક કરને કા પ્રયત્ન કિયા હૈ લેકિન અભી તક કોઇ આધિકારિક સૂચના મિલ નહીં પાઇ હૈ. આઇએ સાકીરજી કે કુછ ચાહક યહાં હૈ, ઉનસે બાત કરતે હૈ..." કહેતી એન્કરે એક યુવાન સાથે વાતચીત શરૂ કરી."આપકો ક્યા લગતા હૈ? સાકીર ખાન પર પુલિસને ક્યોં કારવાઇ કી હોગી?"

યુવાને ભાવુક સ્વરમાં કહ્યું:"કારન જો ભી હો, યે અચ્છા નહીં હુઆ હૈ, ઔર સાકીરજી કોઇ ગુનાહ કર હી નહીં શકતે, વો તો રોમાન્સ કે મહારાજા હૈ, સિર્ફ પ્યાર બાંટતે હૈ, ઉનકે દિલમેં કીસી કે પ્રતિ નફરત યા ગુસ્સા હો હી નહીં સકતા. શાયદ કોઇ ગલતફહમી હુઇ લગતી હૈ... હમ આશા કરતે હૈં કિ વો જલ્દ અપને ઘર લૌટેંગે..."

"તો યે થે સાકીર ખાન કે ફેન, જો યે માનને કો તૈયાર નહીં કી સાકીર કોઇ ગુનાહ કર સકતે હૈ..."

ત્યાં વળી એક ફિલ્મી વેબસાઇટનો પત્રકાર જે ફિલ્મી ફંટૂશ નામથી સમાચાર આપતો હતો એ ધરપકડનું કારણ જાણવા બંગલામાં ઘૂસવાની પેરવી કરવા લાગ્યો. બંગલાની સુરક્ષા કરતી પોલીસની ટીમે તેને અટકાવ્યો. તેણે પોલીસના બધા જ માણસો તરફ નજર નાખી અને તેને એક ચહેરો ઓળખીતો મળી ગયો. તેણે ઇશારાથી એ પોલીસને નજીક બોલાવ્યો. અને કારણ પૂછ્યું. પણ તેના હાથ બંધાયેલા હતા. એ જાણતો હતો કે આ પત્રકારને તે જરાક હિન્ટ આપશે તો એ રજનું ગજ કરી નાખશે. આ લોકો ખબરની ખાલ કાઢી નાખે છે. પણ ફિલ્મી ફંટૂશ સાથે તેને સારી દોસ્તી હતી. એટલે તેણે ખાલી એટલી જ માહિતી આપી કે સાકીરના ઘરમાંથી કોઇ પ્રતિબંધિત વસ્તુ પકડાઇ હોવાથી તેની ધરપકડ કરાઇ છે. ફિલ્મી ફંટૂશ માટે આટલી માહિતી કાફી હતી. તેણે એક ટીવી ચેનલના પત્રકાર મિત્રને ફોન કર્યો અને ટીવી પર બ્રેકિંગ ન્યુઝ ચાલુ થઇ ગયા.... સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ સાકીરના ઘરમાંથી કંઇક પકડાયું છે. એ શસ્ત્ર છે કે બીજું કંઇ એ કહી શકાય એમ નથી. સાકીર પાસે પોતાની લાયસન્સવાળી રિવોલ્વર તો હતી. પણ એ બીજું શું રાખતો હતો તે કહી શકાય એમ નથી. કેટલાક માને છે કે સાકીર સામે કોઇનું ષડયંત્ર પણ હોય શકે. તે મોટી હસ્તી છે. કોઇએ વેર વાળવા કાવતરું કર્યું હોય શકે. કેટલાક વળી રાજકારણ પણ લાવી રહ્યા હતા. સાકીર આગામી વિધાનસભાની ચૂંટણી માટે વિરોધ પક્ષનો ઉમેદવાર હોવાની ચર્ચાને ટાંકીને પણ જાત-જાતના તર્ક-વિતર્ક થઇ રહ્યા હતા.

ટીવીની ચેનલો પર વહેતા થયેલા સમાચારોથી સરકારના ગૃહમંત્રાલયની ઊંઘ ઉડી ગઇ હતી. પોલીસે ઉપર સુધી સમાચાર મોકલી દીધા હતા કે જો સાકીરની ધરપકડનું કારણ જલદી જાહેર કરવામાં નહીં આવે તો ધમાલ થઇ શકે છે. ટીવી ચેનલો અંગૂઠાનો રાવણ બનાવી રહી છે. નાની અમથી વાતને મોટી બનાવી રહી છે. મોકો જોઇ રાજકારણીઓ તેને સાંપ્રદાયિક રંગ પણ આપી શકે છે. પોલીસ માટે પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવાનું મુશ્કેલ બની શકે છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓની એક તાકીદની બેઠક યોજીને અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે એ વિસ્તારના ડીએસપી એક પ્રેસનોટ જારી કરી દે. પ્રેસ કોન્ફરન્સ યોજવામાં સો સવાલના જવાબ આપવા પડે એમ હતા.

અને એક કલાક બાદ પોલીસ તરફથી એક પ્રેસ નોટ જાહેર થઇ ગઇ. જેમાં ટૂંકા લખાણમાં એવું લખ્યું હતું કે સાકીરના ઘરેથી પ્રતિબંધિત ડ્રગ્સ મળી આવતાં તેની ધરપકડ કરવામાં આવી છે. સાકીર દ્વારા છેલ્લા ઘણા સમયથી નશીલા દ્રવ્યોની હેરાફેરી કરવામાં આવતી હતી. તેના ઘરમાં તપાસ કરતાં ડ્રગ્સ મળી આવતાં રંગેહાથ ધરપકડ કરવામાં આવી છે.

પોલીસની પ્રેસનોટ પછી ટીવી ચેનલોનો સૂર બદલાઇ ગયો. તેમણે સાકીરની આવી ગેરકાયદે પ્રવૃત્તિ બદલ ટીકા શરૂ કરી દીધી. તેની ફિલ્મી કારકિર્દી અંત તરફ હતી ત્યારે આ ગુનાને કારણે બાકીની જિંદગી જેલમાં ગુજારવી પડશે એવી આવી આગાહી કરવા માંડી. આજે બે ફિલ્મોના ટીઝર રજૂ થયા હતા છતાં તેના બદલે સાકીરની ધરપકડ તેની કારકિર્દીના અંતનું ટીઝર હોય એમ તેની જ ચર્ચા હતી.

સાકીરની કારકિર્દી ખલાસ થઇ જવાની હતી. જેણે પણ આ પર્દાફાશ કર્યો એને મનોમન અભિનંદન આપતી એક વ્યક્તિ સૌથી વધુ ખુશ હતી. તેણે આ સમાચાર શેર કરવા પોતાના મોબાઇલમાં એક નંબર ડાયલ કર્યો.

***

અજ્ઞયકુમાર અને રસીલી 'પતિ, પત્ની ઔર મોબાઇલ' ફિલ્મમાં કામ કરી રહ્યા હતા. તેમના વિશે જાતજાતની વાતો વહેતી થતી હતી ત્યારે રીંકલને આ એક પબ્લિસિટી સ્ટંટ જ લાગતો હતો. તેણે અજ્ઞયકુમાર સાથે લગ્ન કર્યા એ પહેલાં તેનું નામ પણ અનેક નવોદિતો સાથે જોડાયું હતું. એક-બે હીરો માટે તેને થોડી લાગણી જન્મી હતી. પણ અભિનય વ્યવસાય હતો. જે તેની લાગણી પર હાવી થઇ ગયો. તેણે પોતાનું સ્થાન ટકાવવા અને ચર્ચામાં રહેવા પોતાની ફિલ્મના પ્રચાર માટે બે-ત્રણ હીરો સાથે લફરું હોવાની વાત ફેલાવવી પડી હતી. તેને એ વાતનો સંતોષ હતો કે તેનું શારિરીક શોષણ થયું ન હતું. કેટલાક હીરો સાથે ચુમ્માચાટી સુધીનો જ પ્રેમ રહ્યો હતો. ફિલ્મી દુનિયાની બધી રીતરસમથી તે પરિચિત હતી. મિડિયામાં અજ્ઞયકુમાર અને રસીલી વચ્ચે વધતી જતી નજદીકીની વાતોને તે ગંભીરતાથી લઇ રહી ન હતી. પણ અજ્ઞય કુમારનું તેની સાથેનું વર્તન ઘણા દિવસથી બદલાઇ રહ્યું હતું. આજે ખુદ અજ્ઞયકુમારે તેના કરતાં રસીલીને પત્ની તરીકે વધુ યોગ્ય માની હતી. અને છૂટાછેડા આપવા સુધીની વાત કરી દીધી હતી. રીંકલને અજ્ઞયકુમારનું આ વર્તન દુ:ખ આપી રહ્યું હતું. તેમને એક દસ વર્ષનો પુત્ર હતો. સારી વાત અત્યારે એ હતી કે તેને ભણવા માટે દૂરની હોસ્ટેલમાં મૂક્યો હતો. અત્યારે તેના સુધી અમારા ખટરાગના સમાચાર ના પહોંચે તો સારું છે. એવી મનોમન પ્રાર્થના કરતી રીંકલ અજ્ઞયકુમારે બંધ કરેલા દરવાજા તરફ જ જોઇ રહી હતી. તેના માટે આ અસહ્ય હતું. પણ સમાજ અને પુત્રની ચિંતા કરીને તેણે હમણાં ચૂપ રહેવાનું યોગ્ય સમજ્યું. અજ્ઞયકુમારને રસીલીમાં એવું તે શું દેખાયું હશે કે મારો આટલા વર્ષનો સહવાસ ઠુકરાવી રહ્યો છે? સાલી છે સેક્સી. કોઇ પણ પુરુષનું મન મોહી લે એવું ફિગર છે. પણ અજ્ઞયકુમાર તો એવો ન હતો. રસીલીએ જ તેના પર ભૂરકી નાખી હશે. આવી ત્યારથી પ્રકાશચંદ્ર, મોન્ટુ, સાકીર ખાન જેવા ન જાણે કેટલા સાથે એ ચક્કર ચલાવી ચૂકી છે. મનના પ્રશ્નોની ઝડી વચ્ચે તેને ક્યારે ઊંઘ આવી ગઇ એનો ખ્યાલ જ ના રહ્યો.

સવારે રીંકલની આંખ ખૂલી ત્યારે નવ વાગી ગયા હતા. તેણે જોયું તો અજ્ઞયકુમાર ઘરેથી નીકળી ગયો હતો. બહાર જઇ તેણે સિક્યુરીટી ગાર્ડસ સાથે વાત કરી ત્યારે ખબર પડી કે સવારે છ વાગે કોઇ ફિલ્મનું શુટિંગ હોવાથી તે નીકળી ગયો હતો. તેણે પરવારીને અજ્ઞયકુમારના રસીલી સાથેના સંબંધની માહિતી જાણવા એક જણને ફોન કરવાનું નક્કી કર્યું. રીંકલને પૂરો વિશ્વાસ હતો કે એ માણસ પાસે અજ્ઞયકુમારની સાચી માહિતી હશે અને તે સાચું જ કહેશે.

બપોરે બારના ટકોરે તેણે ફોન કર્યો ત્યારે તેને ખબર ન હતી કે સામેના વ્યક્તિની વાત સાંભળીને તેના લગ્નજીવનના બાર વાગી જવાના હતા. તેણે અજ્ઞયકુમાર વિશે પૂછ્યું ત્યારે સામેથી સ્પષ્ટ જાણવા મળ્યું કે અજ્ઞયકુમાર રસીલીના પ્રેમમાં પાગલ છે. એ જાણીને રીંકલે એક નિર્ણય લઇ લીધો. અને તેનો એ નિર્ણય રસીલીને આંચકો આપી જવાનો હતો.

***

રસીલી ઘરે આવીને વિચારવા લાગી. તેને વર્ષો પછી પોતાની મા મળી હતી. પણ તે આવા સ્વરૂપમાં મળશે એવો સ્વપ્નમાં પણ ખ્યાલ ન હતો. તે માને પ્રેમથી મળવા અને તેની સાથે વીતેલા જીવનના સુખ-દુ:ખ વહેંચવા ઉત્સુક હતી. પણ માનો આવા સંજોગોમાં ભેટો થશે અને તે ભેટવાને બદલે પીઠમાં છરી મારશે એવી કલ્પના ન હતી. માએ સુજીતકુમાર જેવા માણસ સાથે લગ્ન કરીને પોતાની જિંદગી બરબાદ કરી દીધી હતી. નવો બાપ મળ્યો તો એ પણ પોતાને બરબાદ કરવા મળ્યો. પોતાની જ પુત્રીની પોર્ન ફિલ્મ બનાવવા એક મા કેવી રીતે સંમત થઇ છે એ જ સમજાતું નથી. રસીલી ઘરે આવીને આલીશાન બાથરૂમમાં નહાવા ગઇ ત્યારે બધા જ કપડાં ઉતાર્યા પછી તેને પોતાના વેશ્યા તરીકેના દિવસો યાદ આવી ગયા. ત્યારે મજબૂરીમાં કપડાં ઉતારવા પડતા હતા. અહીં બાથરૂમમાં શાવર નીચે ઠંડા પાણીમાં તે એક આહલાદક અનુભવ મેળવવા ઊભી હતી. તેના મગજનો તમતમાટ ઠંડા પાણીમાં ઓછો થતો ન હતો. આજે અરીસામાં તેને પોતાનું નાજુક, ભરાવદાર અને ગોરું નગ્ન શરીર દેખાય છે એ કાલે આખી દુનિયા જોશે? તેના અંગેઅંગને દુનિયા જોશે એમ વિચારતાં તેના અંગેઅંગમાં ઝાળ લાગી. એ વિચારથી તેના આખા શરીરમાંથી લખલખું પસાર થઇ ગયું. તે ધ્રૂજી ઊઠી. તેના શરીરના રુંવાડા ઊભા થઇ ગયા. પોતાના ભૂતકાળને છુપાવવા તે પોર્ન ફિલ્મ કરવા તૈયાર થઇ છે. તેનો આ નિર્ણય ખરેખર યોગ્ય છે? શું તેની પાસે બીજો કોઇ રસ્તો નથી? બોલીવુડની ઊભરતી સ્ટારને કોઇ આ રીતે બ્લેકમેલ કરી શકે? અને તે પણ રસીલીને? જેણે અનેક અવરોધ પાર કરી આ સ્થાન મેળવ્યું છે? રસીલી પ્રતિબિંબમાં દેખાતી પોતાની જાતને જાણે સમજાવી રહી હતી.

વધુ આવતા સપ્તાહે...

*

મિત્રો, આ પ્રકરણમાં સાકીરની કારકિર્દી ખતમ થવાના સમાચારથી જે વ્યક્તિ ખુશ હતી એ કોણ છે? સાકીરની ધરપકડ સાચા કારણથી થઇ છે કે કોઇનું ષડયંત્ર હતું? અજ્ઞયકુમારની પત્ની રીંકલે કયો નિર્ણય લીધો હતો? શું રસીલી પોર્ન ફિલ્મ કરવા તૈયાર થશે? એ પ્રશ્નોના જવાબ તમને આગળના પ્રકરણોમાં ચોંકાવી દેશે. આપનું રેટીંગ જરૂરથી આપશો. એ માટે આભાર!

*

મિત્રો, માતૃભારતી પર મારી સૌથી વધુ વંચાયેલી અને સપ્ટેમ્બર-૨૦૧૯ સુધીમાં ૧૮૨૦૦૦ ડાઉનલોડ મેળવી ચૂકેલી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમે હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. એક અતિ સ્વરૂપવાન અને માદકતાથી છલકાતી કોલેજગર્લ અર્પિતા કેવી રીતે કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને પછી જાળમાં ફસાઇને તરફડવાને બદલે કેવી રીતે તેમની સામે જાળ બિછાવી એક પછી એક, ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથે વાત છે. દિલચશ્પ વળાંકો લેતી અને દિલધડક પ્રસંગોથી ભરપૂર આ વાર્તા તમારું ભરપૂર મનોરંજન કરશે. અને તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.

આ ઉપરાંત માતૃભારતી પર મારી લઘુનવલ "આંધળો પ્રેમ" અને બાળવાર્તાઓ તથા અમૂલ્ય સુવિચારોની શ્રેણી 'વિચારમાળાના મોતી' અને પ્રેરણાત્મક વાર્તાનો ખજાનો ધરાવતી 'જીવન ખજાનો' શ્રેણી પણ આપને જરૂર વાંચવી ગમશે.

***