kabutar khana in Gujarati Motivational Stories by DINESHKUMAR PARMAR NAJAR books and stories PDF | કબૂતરખાના...

Featured Books
Categories
Share

કબૂતરખાના...

કબુતરખાના……..દિનેશપરમાર
-----------------------------------------------------------------------------------
સદીઓથી એમાં ને એમાં સપડાયો છુ ,
ઇચ્છાઓ ના ભારામાંથી નીકળવું છે.
કોઇ મમતાના માળાબાજુ ખેંચ્યા ના કર ,
મારે તારા-મારા માંથી નીકળવું છે.
-હરજીવન દાફડા
___________________________________________________
હાલ નાગપુર ખાતે રહેતા,અમદાવાદના વર્ષો જુના મિત્ર દગડુ ગજાનન શીવપુરકરના મોટા દિકરા,સચિનના લગ્નમા આવેલા બીપીનભાઇને ધંધાના કામથી ત્રીજે દિવસે પરત ફરવાનું હતુ.
ટ્રેન નંબર 12906 , હાવરા-પોરબંદર ઓખા માં સેકન્ડ એ.સી.માં અમદાવાદ પરત આવવાનુ રીઝર્વેશન કન્ફ્રમર્ડ હતું.
ગઇકાલે રાત્રે 11.00 વાગે હાવરાથી ઉપડેલી ટ્રેન આજે સાંજના સમયે 4.45 વાગે નાગપુર સ્ટેશન પર આવી અને 5.00 વાગે ઉપડી.એસ-આઠમાં સીટ નંબર ચોવીસ પર આવી ને બિપીન ભાઇ ગોઠવાયા. સામેની સીટ પર, લગભગ સાંઇઠની આજુબાજુની તેમની જ ઉંમરના ભાઇ આગળથી મુસાફરી કરી રહ્યા હતા.
ટ્રેન ઉપડ્યા ને થોડીવાર પછી તે ભાઇ બોલ્યા," આપકો કહાં તલક જાના હૈ?"
"અમદાવાદ" બિપીન ભાઇ બોલ્યા .
" ઓહ..મારે પણ અમદાવાદ જવાનું છે." તે ભાઇ અમદાવાદ સાંભળી ,ગુજરાતી માં બોલી પડ્યા.
"આપ??"બિપીન ભાઇએ પ્રશ્ર્ન કર્યો.
" હું ,રમેશ પટેલ ...તાતા નગર મારા સાળાના દિકરાના લગ્નમાં ગયો હતો.ત્યાંથી પરત આવી રહ્યો છું..."
થોડી વાર થઇ હશે ત્યાં તેમના કમ્પાર્ટમેન્ટમાં તેમની સીટ પાસેથી પસાર થતી એક વ્યકતિએ,જતા જતા પૂરી થયેલી ચાહ નો પેપર કપ હાથમાં મસળીને સામે બારી પાસેની ખાલી સીટની નીચેના ભાગમાં છુટ્ટો ફેંકયો.
"જોયું???,... આપણા દેશમાં કોઇને પણ મેનર જેવું છે?,પોતાની આવી બેશરમ ભરી વર્તણુંકથી , સામે વાળી વ્યકતિ શું વિચારશે , જાહેરમાં આ રીતે લોકો નફ્ફટ થઇ જે રીતે મીસ બિહેવ કરી રહ્રયાં છે. તેની કોઇ શેહ શરમ જોવા જ મળતી નથી...હું તો કહું છું ... .હજુ બીજા સો વરસ લાગસે આપણા દેશને સુધરતા.. ." એકી શ્વાસે રમેશ ભાઇ ગુસ્સામા બોલી ગયા.
બિપીનભાઇ ડોકુ હલાવીને જોતા જ રહ્યા.
"મુરબ્બી શું નામ તમારુ?"
"બિપીનભાઇ પરીખ"
"હા...,તો હું તમને શું કહુ બિપીનભાઇ...હું ગયા મહિને જ યુ.એસ.એ.થી આવ્યો,મારો દિકરો ન્યુ જર્સી માં રહેછે.ત્રણ મહિના રહ્યો. પણ... ,સાહેબ..શુ ત્યાંની ચોખ્ખાઇ. આ... હા..હા..,શું ત્યાંની સિસ્ટમ કોઇ રસ્તા પર કચરો જોવા નમળે ,કોઇ રસ્તા પર થુંકવાની હિંમત ન કરે.ત્યાંના ગોરાઓ તમારી સાથે બહુ જ ડીસીપ્લીન થી વાત કરે. રહેવાની મજા તો સાહેબ ફોરેનમાં જ...અહીં તો કબાડખાનું છે કબાડખાનુ.."
ફરી બિપીનભાઇએ તેમાં સુર મિલાવતા હા મા ડોકહલાવી.
તેઓના કમ્પાર્ટમેન્ટમાં તે બે જણ જ હતા.મેગેઝિન વાંચતા વાંચતા,વચ્ચેના અવકાશમાં વાતો કરતા કરતા, રાતનું ડીનર પતાવી ને થોડા આડા થયા ત્યાં ,ભુસાવલ આવ્યુ.
ત્યાંથી બે મુસાફર ચઢ્યા . તેમને સુરત ઉતરવાનુ હતુ.

*****************************************

સુરત સવારે લગભગ પાંચ ને દસે આવ્યુ. જ્યારે વડોદરા સાત વાગે આવ્યું ત્યારે આણંદ નડિયાદ અપડાઉન કરતા બે નોકરીયાત ચઢયા.
બંન્ને એ જે વાતો શરુ કરી તે રમેશભાઇ કાન દઇ સાંભળતા હતા.બંન્નેની વાતમાં ન્યુઝલેન્ડમા થયેલા આતંકવાદી હુમલામાં ઇન્ડિયનોને ટાર્ગેટ બનાવીને મારવાની વાત હતી.
વાતો કરતા કરતા તેઓ એ રમેશભાઇ સામે જોતા જ રમેશભાઇ બોલી ઉઠયા,"એ હિસાબે સાહેબ આપણો દેશ ખુબ જ સલામત છે. ફોરેનમાં તો મારા બેટા , વાત વાતમાં રિવોલ્વર કાઢીને ઉડાડી દેતા વિચાર જ ના કરે."
બિપીનભાઇ વડોદરાથી ખરીદેલું છાપુ વાંચતા વાંચતા તેમની વાતો સાંભળતા રહ્યા.
આણંદ આવતા પેલા બંન્ને ઉતરી ગયા. ને એક ભાઇ તેમની પત્ની સાથે દાખલથયા.એટલામાં બિપીનભાઇ એ બાજુ પર મુકેલું છાપુ રમેશભાઇ એ હાથમાં લેતા વેંત તેમનુ ધ્યાન, પહેલા પાને છપાયેલા સમાચાર પર ગયું
" ઉત્તરપ્રદેશમાં , ગાઝિયાબાદ ખાતે બનતા ફ્લાય ઓવર બ્રિજના કામ પર ત્યાંના લોકલ ઠેકેદાર સાથે , કામ બાબતે બોલા ચાલી થતા,ત્યાં ફરજ પરના રાજકોટના એંન્જીનિયરની હત્યા"
વળી નીચે સમાચાર હતા . ..
" બોમ્બેમાં ભાડે કરેલી કારમાં ,ભાડા બાબતે તકરાર થતા, સ્થાનિક લોકો એમના માણસની સાથે થઇ રહેલ તકરાર જોઇ તેમની ભાષામાં વાતચીત કરી કાર ડ્રાઇવર બિહારીને પાઇપ અને લાકડીઓથી ઝુડી નાખતા ગંભિર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં દાખલ"
• છાપુ વાળીને બાજુ પર મુકતા રમેશભાઇ ,બિપીનભાઇ તરફ જોઇને બોલ્યા,"આ ઉત્તરપ્રદેશ શું, કે બિહાર શું કે બંગાળ. શું.!!! ..સાહેબ..બધે જ ગુંડારાજ...આપણા ગુજરાત જેવી શાંતિ ક્યાંય જોવા ના મળે...."
બિપીનભાઇ તેમની સામે જોઇ રહ્યા."અરે એ વાત જવા દો આ..મદ્રાસ કે કેરાલા કે આંન્ધ્રપ્રદેશની જ વાત કરો ને...ત્યાં કોઇ ભય નથી તમે બિન્દાસ્ત ફરો...પણ મારા બેટા હિન્દી ભાષીને એટલી નફરત કરે કે તમારે કાં તો અંગ્રેજીમાં વાત કરવી પડે અથવા તેમની લોકલ લેંગ્વેજમાં..બિચારા અભણ નું તો આવીજ બને.....
.....ખરેખર ગુજરાત ગુજરાત છે."
સામે બેઠેલા દંપતિની વાતો પરથી તેઓ સૌરાષ્ટ્ર બાજુના લાગ્યા.તેઆે ચિંતામાં જણાતા હતા.
" કઇ તરફ જવાનુ?"રમેશ ભાઇ એ પ્રશ્ન કર્યો.
પેલા હમણાં જ ચઢેલા ભાઇ બોલ્યા," રાજકોટ જાવાનુ સે."
"કંઇ તકલીફ છે. ચિંતામા જણાવ છો ?"
" અા જેતપુર રે'તા નાના ભાઇને બાજુ વાળા દરબાર જોડે ખેતરના શેઢા અંગે જમીન દબાવવા હાટુ માથાકુટ થા'તા , ઇ લોકો ભેગા થઇને આય્વા ,ની ભાઇને લોહીલુહાણ કરી નાખ્યો સે.તે ઇને રાજકોટ સરકારી ઇસ્પિતાલમાં લાયા સે."
"બાપ...આ સૌરાષ્ટ્રની બોલી બહુ મીઠી ,માણસો ખવડાવવામાં પાછા ના પડે પણ...ઇતિહાસ જુઓ તો માથા નાળિયેરની જેમ વધેરી નાંખે એટલા ગુસ્સા વાળા.. પાક્યા છે તે વર્ષો જુના વેર આજે પણ મગજમાં રાખીને ફરે છે."
• વળી આગળ બોલ્યા,"એ બાબતમાં વડોદરા હોય કે સુરત કે મેહસાણા ..કયારેય વળતું વેર લેવાની ભાવના જોવા ના મળે .એમાય સુરતી લાલા તો લહેરી..કયારેય મોટા ઝઘડા થાય જ નૈ ને...એ હિસાબે આ બાજુ ના મોટા મનના ઉદાર..લોકો. "
" કેમ બિપીન ખરુ ને???"રમેશભાઇ એ તેમની તરફ જોયું
બિપીન ભાઇ પરાણે એટલું બોલ્યા,"હા."

*****************************************

અમદાવાદ રેલ્વે સ્ટેશની બહાર નિકળી રિક્ષા તરફ જતા બિપીનભાઇ બોલ્યા ,"ચલો...નારણપુરા તરફ આવવાનુ હોય તો..એક જ રિક્ષામાં જતા રહીએ .."
"શુ વાત છે. નારણપુરા??, સારામા સારો વિસ્તાર..મારે તો અહીં નજીક માં જ ભંડેરી પોળની બાજુમાં ..છાસવારે...તોફાનો...પણ છોકરો બોપલ બાજુ મકાન લેવા પૈસા મોકલવા નો છે. એટલે તે બાજુ શાંત વિસ્તારમાં જવાનુ..વિચારી રહ્યો છું.."
રિક્ષામાં બેસતા બિપીન ભાઇ બોલ્યા,"તો.. તો ..નજીક. જ. જવાનું છે.."
"અરે..ના..સવારના દસ વાગ્યા છે .બોણી નો સમય છે નાના છોકરા એ દુકાન ખોલી નાંખી હશે નજીક જ છે એટલે સીધો દુકાન જઇશ"
"એમ?? ...કયાં છે દુકાન???"
"કબુતર ખાના માં" એટલું બોલી રમેશભાઇ તેમની બેગ ઊંચકી ચાલવા લાગયા.
રિક્ષા શરુ થતા ડોક અંદર લઇ બિપીન ભાઇ ,કબુતરખાના ની જેમ જ વિચારોથી વિશ્વના જુદા જુદા ખાના પાડી જીવતા મોટા ભાગના માણસોની આંતરભિમુખ વિચારસરણી અંગે કયાંય સુધી ગડમથલ કરતા રહ્યા...


*****************************************************