આમ તો જ્યાં લોહીનાં સંબધો હોય ત્યાં વાત ક્યારેય નબળી હોતી જ નથી. રૂંવાડા ઊભા ન કરી દે તો એ વાત લોહીનાં સંબધોની ના હોય. બાળપણથી માંડીને જો હું વાત કરવા જઈશ તો ખૂબ લાંબુ લખાણ થશે. માટે સીધો બનાવ જ કહું છું....
એક ખેડૂત હતા જેનું નામ ભોળાભાઈ. અને નામ એવા જ ગુણ. તેમને એક સેજલ નામની દીકરી હતી. સેજલના લગ્ન પછી પોતાના પતિ રવિ સાથે બંને અમદાવાદ રહેતા હતા. ભોળાભાઈ ગામડે પોતાનું ગુજરાન ચલાવતા હતા. રવિ પોતે અમદાવાદમાં ડૉકટર હતો. સેજલને રંગે ચંગે પરણાવી ઘરેથી વિદાય આપી એના લગભગ ત્રણ વર્ષ થયાં હતાં. હજુ સેજલને એક પણ સંતાન ન હતું. બસ રવિ અને સેજલ હવે બેબી પ્લાનિંગ કરવાનું વિચારી જ રહ્યા હતા.
રવિ ઑફિસ હતો અને ફોનમાં રીંગ વાગી. ગામડેથી ફોન હતો. ફોનમાં ખાલી એટલો અવાજ આવ્યો કે રવિ તારા સસરા દેવ થઈ ગયા છે. રવિને સાંભળીને ખુબ દુઃખ થયું. કારણ કે ભોળાભાઈ ઘરના મોભી માણસ હતા એટલે હવે કુટુંબ પાયા વિહોણું થઈ ગયું હતું. પરંતુ મોટી ચિંતા એ હતી કે દીકરી સેજલને આ વાતની જાણ કેમ કરવી? કેમ કે જો અહીં જ જાણ કરી દઈએ તો પછી અમદાવાદથી ગામડે લઈ જવી મોંઘી પડે. રવિએ મનમાં ખૂબ વિચાર્યું પણ કઈ સૂઝ્યું નહીં અને ત્યાં તો તરત જ રવિની મોટી બેન રમીલાનો ફોન આવ્યો અને સઘળી વાત નીકળી એટલે રમીલાએ એક યુક્તિ સૂઝાવી.
રવિના નાના ભાઈને કાલે છોકરીવાળા જોવા આવે છે એવું બહાનું કરીને ગામડે જવા માટે રવિ અને સેજલ રાતની ટ્રેનમાં નીકળ્યા. સેજલ તો મસ્તી કરતી કરતી અને રવિ સાથે નાસ્તો કરતી કરતી બેઠી જાય છે. પણ રવિ ક્યારનો ચિતામાં ઘેરાયો હતો. એમ કરીને સવારે ૭ વાગ્યાં આજુબાજુ ટ્રેનમાંથી ઉતર્યા અને ઘરે પહોંચ્યા. કારણ કે દીકરી વગર તો બાપને દેન દેવા પણ કેમ જવું.
સેજલ ઘરે પહોંચી તો ત્યાં બધાનાં કપડાં જોઈને થોડી નવાઈ લાગી એટલે તરત પૂછ્યું કે તમે બધા કેમ આવા કપડાં પહેરીને આંટાફેરા કરો છો. એટલે જવાબ આવ્યો કે આપણા દાદીમા ગુજરી ગયા છે. સેજલ હળવે હળવે ઘરમાં અંદર પ્રવેશ કરે અને જુવે ત્યાં તો સગા બાપની લાશ સામે પડી છે. ભલભલા ભૂકપં ટૂંકા પડે, ગમે તેવા સિંહની ત્રાડ પણ ફિક્કી લાગે એવી રાડ સેજલના મોઢામાંથી નીકળી જાય છે. અને માત્ર ૧૦ સેકન્ડ અવાજ આવે છે પછી માત્ર નીઃસાશા જ સંભાળાય છે. સેજલની કરુણતા જોઈને ત્યાં ઉભેલા લોકોને પણ ઘડી બેઘડી એમ મન થયું કે ભોળાભાઈને દેન દેવા નથી જવું. સાહેબ સ્વાભાવિક છે ને કે એક દીકરીને સવારમાં જઈને સીધું સાંભળવાનું હતું કે દીકરી તારો બાપ હવે આ દુનિયામાં નથી રહ્યો.
સાહેબ વાત ત્યાં અટકી નથી જતી. જે વાત મુદ્દાની છે તે હવે છે કે માત્ર ૧૦ સેકન્ડ રડવાનો અવાજ અને પછી વધી વધીને ૧૦ મિનીટ સેજલ નીઃસાશા ખાઈ શકી. પછી અવાજ આવવાનો જ બંધ થઈ ગયો. ચારેબાજુ લોકોનું ટોળું વળી ગયું અને પોતાની સુજબુજ પ્રમાણે લોકોએ તરકીબો અપનાવી પણ દીકરીએ ન તો આંખ ખોલી કે ન મોઢું.
છેલ્લે સેજલના મમ્મીએ પણ અફાટ રુદન કર્યું અને કહ્યું કે દીકરી કંઇક તો બોલ. પણ સેજલમાં લોહીનું તો માનું પણ હતું. એટલે મમ્મીને ખબર પડી ગઈ કે હવે સેજલમાં જીવ નથી રહ્યો. એટલી વારમાં સેજલનો ભાઈ ડોક્ટરને બોલાવવા માટે આમતેમ દોડવા લાગ્યો. કોઈ ભણેલા માણસે પણ ફોન ખિસ્સામાથી કાઢી ૧૦૮ નંબર ડાયલ કરી દીધા. સેજલની મમ્મી આં બધું જોઈએ માત્ર એટલું બોલી કે હવે રેહવા દો. મારી દીકરી પણ એના બાપ સાથે બાકી રહેલી ફરજ પૂરી કરવા જતી રહી છે. ગામ લોકોએ ધાર્યું પણ ન હતું કે સવારે એકના બદલે બે બે અર્થી આપણે કાઢવી પડશે. જ્યારે પણ હવે ગામમાં બાપ દીકરીના પ્રેમની વાત આવશે કે પછી લોહીના સંબંધની વાત આવશે ત્યારે લોકો ભોળાભાઈ અને સેજલને એકવાર તો જરૂર યાદ કરશે.
- અલ્પેશ કારેણા.