અહીં પ્રસ્તુત થવા જઈ રહેલી કથા એવા જાંબાઝોની છે, જેમણે પોતાની માતૃભૂમિની રક્ષા ખાતર મોતને પડીકે બાંધીને, દુશ્મનને ખુલ્લંખુલ્લાં પડકાર્યા હતા. વાત બીજા વિશ્વયુદ્ધની છે. ફ્રાન્સના સેન્ટ નઝાઇર નામના બંદરીય શહેરમાં આવેલી, જર્મન સૈનિકો દ્વારા જડબેસલાક રીતે સુરક્ષિત એક વિશાળ ગોદીને ઉડાડવાનું કપરું કામ બ્રિટીશ કમાન્ડો સૈનિકોના ભાગે આવે છે. સફળતાની શકયતા ન્યુનત્તમ, છતાં નિષ્ફળ જવાની જરા પણ છૂટ નહીં. સવાલ લશ્કરી શાખનો છે; માતૃભૂમિનો છે અને અંતે અસ્તિત્વનો પણ ખરો, તેથી જીવ ગુમાવીને પણ વિજયપતાકા લહેરાવવાનું સાહસ; ખરેખર તો દુ:સાહસ, બ્રિટીશ કમાન્ડો સૈનિકો કઈ રીતે કરે છે એ જોવું અત્યંત રસપ્રદ અને રોમાંચક બની રહેશે. એ લાખોમાં એક ગણાતાં અને કમાન્ડો ઓપરેશન્સની તવારીખમાં અમર બની રહેનાર લશ્કરી અભિયાનનું નામ હતું, 'ઓપરેશન ચેરીયટ'!
ભાગ : ૧
વોર ઓફીસ બિલ્ડીંગ;
વ્હાઇટ હોલ, લંડન.
વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે આગલાં વર્ષે, 17 જુલાઈ, 1940ના દિવસે સ્થાપેલાં 'કંબાઇન્ડ ઓપરેશન્સ કમાન્ડ-COC'ના હેડક્વાર્ટરના એક સાઉન્ડપ્રૂફ ઓરડામાં અત્યારે માહોલ ગંભીર હતો. બ્રિટનની 'રોયલ નેવી' તથા કમાન્ડો ફૌજના કેટલાક ચુનંદા અફસરો ખૂબ જ ગુપ્ત બેઠક માટે ભેગા થયા હતા. બેઠકનું નેતૃત્વ 'COC'ના બીજા વડા (અને ભવિષ્યમાં ભારતના આખરી વાઇસરોય બનનાર) લુઈસ માઉન્ટબેટને લીધું હતું. હાજર રહેલા ભેજાબાજ અફસરોએ એક ખૂબ જ અગત્યના મિશનની રૂપરેખા ઘડવાની હતી. કમાન્ડો મિશન હતું, એટલે અત્યંત ચોક્સાઇપૂર્વકનું આયોજન જરૂરી હતું. ખરી મોકાણ ત્યાં જ હતી, કારણ કે ગમે એટલી ચોકસાઈ દાખવવામાં આવે તો પણ બ્રિટને પોતાના સેંકડો સૈનિકોની જાનહાનિ વેઠવાની થતી હતી. ચર્ચા દરમિયાન એક સિનિયર અફસરે લુઈસ માઉન્ટબેટનને ચેતવતા કહ્યું, 'આપણે કદાચ બધા સૈનિકો ગુમાવી શકીએ.' માઉન્ટબેટનના હાવભાવ બદલાયા. તેમણે કહ્યું, 'જો તેઓ પોતાનું કામ સુપેરે પાર પાડી શકે, તો આપણે એ કિંમત ચૂકવવા પણ તૈયાર છીએ!'
શાહી પરિવારમાં 'અંકલ ડીકી'ના નામે ઓળખાતા માઉન્ટબેટન સારી રીતે જાણતા હતા કે કિંમત કેટલી આકરી ચૂકવવાની છે, છતાં તેમણે એ મિશન પડતું મૂકવાને બદલે વધુ જોરશોરથી તૈયારીઓ આરંભી દીધી. સવાલ માતૃભૂમિના અસ્તિત્વનો હતો, માટે ગમે તેટલું બલિદાન આપીને પણ દેશને સુરક્ષિત રાખવું રહ્યું. તેમના સમેત બીજા અફસરો પણ એ જ કરી રહ્યા હતા.
**
સમય બીજા વિશ્વયુદ્ધનો હતો. સમગ્ર વિશ્વ મુખ્ય બે ધારાઓમાં વહેંચાઈ ગયું હતું. એક પક્ષે હતા બ્રિટન અને તેનાં મિત્રદેશો, જ્યારે બીજે પક્ષે હિટલરનું જર્મની અને તેના 'દોસ્તારો' હતા. બ્રિટન માટે અત્યારે કપરા દા'ડા હતા. હિટલરનાં 'ડ્રાઇવર મંકોડા' છાપ લશ્કરે ફ્રાન્સ, પોલેન્ડ, ચેકોસ્લોવાકીયા, ગ્રીસ તથા નોર્વે સમેત અનેક યુરોપી દેશોને જીતી લીધાં હતાં. જર્મન સેના કે જે 'વિયેરમાર્ક' તરીકે ઓળખાતી, વિવિધ મોરચે બ્રિટીશરોને મોઢે ફીણ લાવી રહી હતી. એટલાન્ટિક અને ભૂમધ્ય સમુદ્રમાં યુ-બોટ્સ (જર્મન સબમરીન) શિકારી શાર્ક જેમ હાહાકાર મચાવતી બેફામ ફરી રહી હતી. જર્મન વિમાનોનો ત્રાસ પણ કંઈ ઓછો ન હતો! બ્રિટન બરાબર મુશ્કેલીમાં મૂકાઈ ગયું હતું. જો આમ જ પાયમાલી થતી રહે, તો તો બ્રિટીશ અર્થતંત્ર પડી ભાંગે અને પછી જે શરણાગતિ સ્વીકારવાની થાય તેની નાલેશી જેવી-તેવી ન હોય! આ બધું ઓછું હોય તેમ દર વર્ષે જર્મનીના તાબેદાર દેશો વધી રહ્યા હતા. વિશ્વયુદ્ધ શરૂ થયાનાં અઢી વર્ષ પછી હવે સમય ખરાખરીનો જંગ ખેલી લેવાનો હતો, કારણ કે તે સિવાય યુરોપને હિટલરની ઈચ્છા પ્રમાણેના નકશામાં પરિણમતું રોકી શકાય એમ નહોતું. હિટલરને રોકવા જતાં ગમે એટલા સૈનિકોનો ભોગ આપવો પડે, આપવો રહ્યો; નહીંતર એ જર્મન સરમુખત્યાર બ્રિટનને પણ તાબે કરી લે એમાં મિત્રદેશોને લગીરેય શંકા ન હતી. ઉલટું, તેમને બ્રિટનની તાકાત કરતાં હિટલરના મનસૂબાઓ પર વધુ ભરોસો હતો.
બ્રિટન પાસે એક કુદરતી રક્ષા કવચ હતું; એટલાન્ટિક મહાસાગર. તેને ખાધાખોરાકી, બળતણ, શસ્ત્રો, બધું જ સમુદ્રીમાર્ગે પ્રાપ્ત થતું. પણ અત્યારે એ માર્ગ જર્મન નૌકાદળને લીધે જોખમમાં હતો. જીવાદોરી દુશ્મનના હાથમાં જાય તો પછી બચવાની આશા રાખવી નિરર્થક નીવડે. બીજી વાત એ કે, જર્મનો ( બ્રિટીશરો પણ!) સારી રીતે જાણતા હતા કે હવેની લડાઈ યુરોપી ભૂમિ પર લડાવાની હતી, એટલે જો એ જીતવી હોય તો એટલાન્ટિક પર કબજો હોવો જોઈએ; અને ન હોય તો કબજો જમાવવો જોઈએ. અહીં જ અધમૂઓ થયેલું બ્રિટીશ નૌકાદળ કાચું પડતું હતું. અગાઉના દરિયાઈ સંગ્રામોમાં તેણે અનેક વિશાળ જહાજો અને સબમરીનો ગુમાવી દીધાં હતાં. જગત આખામાં સૌથી શક્તિશાળી ગણાતી 'રોયલ નેવી'નો આવો ભવાડો કોઈ ક્રૂર મજાકથી ઓછો ન હતો. હતોત્સાહ બનેલા બ્રિટીશ નાવિકોમાં ફફડાટ ફેલાવવા માટે માત્ર એક જ જર્મન યુદ્ધજહાજનું નામ કાફી હતું; 'ટીર્પીટ્ઝ'!
'ટીર્પીટ્ઝ', જર્મન નૌકાબેડાનું સૌથી વિશાળ અને શક્તિશાળી જહાજ, સમુદ્રનો પોલાદી સિંહ! જાજરમાન આંકડા જ તેની ક્ષમતા છાપરે ચડીને પૂરવાર કરતા હતા. 251 મીટર લાબું, 36 મીટર પહોળું 'ટીર્પીટ્ઝ' 380 મિલીમીટર પહોળાઈની 8 મુખ્ય તોપો સહિત 52 તોપો ધરાવતું હતું. વિમાન વિરોધી તોપોની સંખ્યા 70 અને કુલ 8 ટોરપીડો ટ્યૂબ્સ હતી. આરાડો પ્રકારનાં 4 વિમાન પણ ખરાં! કાન ફાડી નાખતી કાળમુખી તોપો ગર્જાવતું; 56 કિલોમીટર/કલાકની ઝડપે જર્મનીનું એ ગર્વિષ્ઠ 'સુપર વેપન' દરિયામાં ફીણ પાડતું ધસી રહ્યું હોય, ત્યારે એમ લાગે કે જાણે કોઈ વિશાળ કદનું સમુદ્રી ડ્રેગન પોતાનો શિકાર કરવા જઈ રહ્યું છે! નૌકાદળની ભાષામાં જેને ‘બેટલશિપ’ કહેવાય એવાં જહાજો કાળમુખી તોપો તથા અત્યંત જાડાં બખ્તરથી સજ્જ હોય. ભારે ભરખમ તોપો જ તેમનું મુખ્ય શસ્ત્ર. જર્મની પાસે 'બિસ્માર્ક' વર્ગનાં આવાં કુલ 2 યુદ્ધજહાજો હતાં. એક તો 'બિસ્માર્ક' પોતે, અને બીજું, 'ટીર્પીટ્ઝ'. હજુ આગલા વર્ષે જ, મે, 1941 માં 'રોયલ નેવી'એ માંડ 'બિસ્માર્ક'ને ડૂબાડયું, ત્યાં હવે 'ટીર્પીટ્ઝ' તરખાટ મચાવવા આવી પહોંચ્યું હતું. 'બિસ્માર્ક' સામે માર ખાઈને પાંગળાં બનેલાં બ્રિટીશ નૌકાદળ પાસે 'ટીર્પીટ્ઝ'ની બરોબરીનું કોઈ જહાજ ન હતું. હા, લોમડીથી ચાર ચાસણી વધી જાય એવી ચાલાકી ધરાવતા અને વરુને પણ સારો કહેવડાવે એવી ક્રૂરતા દાખવી શકતા અંગ્રેજો પાસે એક વસ્તુ ભારોભાર હતી, સાહસવૃત્તિ; આખરે એ જ જર્મનોના પગતળે રેલો આણવામાં જવાબદાર બનવાની હતી.
'બિસ્માર્ક' ગુમાવ્યા પછી વધુ પડતા આત્મવિશ્વાસમાં મહાલતો હિટલર થોડો સભાન બન્યો હતો. તેણે તરત 'ટીર્પીટ્ઝ'ને બાલ્ટીક સમુદ્રમાં મોકલી દેવાનું નક્કી કર્યું. ત્યાં અલ્ટાજોર્ડમાં ઊંચી-ઊંચી કુદરતી કરાડોની વચ્ચે તેનાં રક્ષણ માટે નૌકામથક પણ ઉભું કરાવી દીધું. સીધી વાત છે કે હિટલર લાંબાગાળાનું વિચારીને મહોરાં ગોઠવી રહ્યો હતો. વળી 'ટીર્પીટ્ઝ' તો હિટલર માટે વજીરથી કમ ન હતો, એટલે જ તેણે 'ટીર્પીટ્ઝ'ને બ્રિટનના 'લાભાર્થે'; તેને આખરી, વધુ મરણતોલ ઘાવ મારવા માટે બચાવી રાખ્યો હતો. ચોતરફ સમુદ્રથી સુરક્ષિત રહેલા બ્રિટનને વધુ જખમી તેનાં ઘરમાં ઘૂસીને જ કરી શકાય, માટે વહેલું-મોડું 'ટીર્પીટ્ઝ'ને પાછું એટલાન્ટિક મહાસાગરમાં લાવવું રહ્યું. એકવાર તે એટલાન્ટિકમાં પહોંચી જાય, પછી મિત્રદેશોને પસ્તાવાનો મોકો પણ ન મળે! ત્યાં સુધી 'ટીર્પીટ્ઝે' બાલ્ટીક સમુદ્રમાં રહીને સોવિયેત યુનિયનને મદદ પહોંચાડતાં જહાજોના કાફલાઓનો શિકાર કરવાનો હતો.
બ્રિટનનું હવાઈદળ 'ટીર્પીટ્ઝ' પર અનેક નિષ્ફળ હુમલાઓ કરી ચૂક્યું હતું. જર્મન બેટલશિપ તો અલ્ટાજોર્ડની કરાડો વચ્ચે સુરક્ષિત હતું, તેથી તેને ઉની આંચ પણ ન આવી, પરંતુ બ્રિટને તેની આ ગુસ્તાખીની કિંમત પોતાના કસાયેલા પાયલટો અને વિમાનો ગુમાવીને ચૂકવી. 'ટીર્પીટ્ઝ' ખુલ્લા સમુદ્રમાં ન આવે ત્યાં સુધી હવાઈ હુમલાનો કોઈ અર્થ સરવાનો નથી એવું બ્રિટીશરોને રહી રહીને સમજમાં આવ્યું. તો શું કરવું? હાથ પર હાથ ધરીને, બાયલા જેવું ડાચું કરીને બેસી રહેવું અને હિટલરને ધાર્યું કરવા દેવું? જેમ યુરોપના બીજા દેશોએ શરણાગતિ સ્વીકારી લીધી, એમ બ્રિટને પણ જર્મની સામે ઘૂંટણિયે પડી જવું? ના. જો વાત અંગ્રેજો પૂરતી હોય તો એટલું તો પાક્કું કે તેઓ ઘૂંટણિયે પડવાને બદલે પાડવાના મતના હતા. બ્રિટીશ અફસરોએ હવે વિચારવા માંડ્યું કે 'ટીર્પીટ્ઝ' જો એટલાન્ટિકમાં આવે તો ક્યાં આવે? જર્મની અને બ્રિટન વચ્ચે ઈંગ્લીશ ચેનલ હતી, જ્યાં બ્રિટને ડગલે ને પગલે સુરંગો બિછાવેલી હતી. છાશ પણ ફૂંકીને પીતો હિટલર પોતાનું સૌથી કિંમતી યુદ્ધજહાજ એ માર્ગે લાવવાની મૂર્ખાઈ કદાપિ ન કરે! હા, જર્મન કબ્જાના કોઈ દેશમાં કદાચ 'ટીર્પીટ્ઝ'ને પહોંચાડી શકાય તો વાત બને. અહીં બ્રિટનનું નસીબ જોર કરતું હતું, કારણ કે એ તોતિંગ બેટલશિપને સમાવી શકે એવી ગોદી જર્મનીના તાબેદાર દેશોમાં એક જ હતી, ફ્રાન્સની પશ્ચિમે આવેલી સેન્ટ નઝાઇર પોર્ટની ગોદી.
50,000ની જનસંખ્યા ધરાવતું એ બંદરીય શહેર લૉઇર નદીના કિનારે આવેલું હતું. ત્યાંથી લૉઇર 6 માઈલ જેટલી આગળ વધીને એટલાન્ટિક મહાસાગરમાં ભળી જતી હતી. સેન્ટ નઝાઇરમાં નોર્મન્ડી નામની સૂકી ગોદી હતી, જે 1100 ફીટ લાંબી હતી. ખરેખર તો તે એક ભવ્ય, વિશાળકાય સ્ટીમર ‘એસ. એસ. નોર્મન્ડી’ને લીધે એ નામે પ્રખ્યાત બની હતી. આશરે 300 મીટર લાંબી ’એસ. એસ. નોર્મન્ડીને’ એ ગોદી પર લાંગરવામાં આવતી. યુદ્ધ દરમિયાન ઘાયલ થયેલાં 'ટીર્પીટ્ઝ'માં મરમ્મતની જરૂર પડે કે તેમાં કોઈ સુધારા- વધારા કરવાના થાય, તો એ અહીં જ થઈ શકે એમ હતા. ઉપરાંત, અહીં કુલ 14 સબમરીન લાંગરી શકે એવી વ્યવસ્થા પણ હતી. જહાજી અવરજવરને સંભાળવા માટેની અન્ય આધુનિક સુવિધાઓ પણ ખરી. સીધી વાત હતી કે, જો સમુદ્રીમાર્ગે કમાન્ડો હુમલો લાવીને સેન્ટ નઝાઇરને ધ્વસ્ત કરી દેવાય, તો જ 'ટીર્પીટ્ઝ'નો ખતરો ટાળી શકાય!
હુમલા વિશે બ્રિટીશ અફસરોનું વલણ કેવું હતું? સૂડી વચ્ચે સોપારી જેવું! સેન્ટ નઝાઇર પર આક્રમણ કરવું કે નહીં એ બાબતે તેઓ હજુ અસમંજસમાં હતા. તેમની મૂંઝવણ દૂર કરી દેતો બનાવ તરતમાં બન્યો. વાત એમ બની કે નોર્વેમાં જર્મન નૌકાબેડાની હલચલ વિશે બ્રિટીશ ઇન્ટેલિજન્સને લેટેસ્ટ રિપોર્ટ મળ્યા, જે બ્રિટન માટે અમુક અંશે સારા હતા. રિપોર્ટ અનુસાર નોર્વેમાં મર્યાદિત સુવિધા હોવાને લીધે 'ટીર્પીટ્ઝ'ની સારસંભાળ કથળી હતી. પરિણામે તેમાં અનેક મુશ્કેલીઓ ઉભી થઇ હતી. આગળ પણ આમ જ ચાલતું રહે, તો તો એ યુદ્ધજહાજ લડવા લાયક ન રહે. તેથી, વહેલું મોડું તેને ફ્રાન્સ લવાય, અને ફ્રાન્સમાં સેન્ટ નઝાઇરને તેનો નવો અડ્ડો-કમ-'હોસ્પિટલ' બનાવાય એ માલદીવના દરિયાકિનારાનાં પાણી જેટલી ચોખ્ખી વાત હતી; અને એટલી જ સ્પષ્ટ વાત એ પણ હતી કે હવે વહેલી તકે સેન્ટ નઝાઇર પર આક્રમણ કરવું રહ્યું; ગમે તે ભોગે!
પણ સેન્ટ નઝાઇર પર આક્રમણ કેવું એટલું સહેલું હતું? ના. તો, અઘરું? જી નહીં. તો? અશક્ય હતું. તેનાં કરતાં તો વાઘની અંધારી બોડમાં ઘૂસી, તેનો શિકાર કરીને હેમખેમ બહાર નીકળવું વધારે સરળ હતું. એટલે જ એક બ્રિટીશ અફસરે એટલે સુધી કહ્યું હતું કે, 'સેન્ટ નઝાઇર પર કમાન્ડો હુમલો કરવાનો વિચાર સુદ્ધાં કરનારને 'ડીશ્ટિંગ્વીશ સર્વિસ ઓર્ડર' (વીરતા માટે અપાતો એક બ્રિટીશ મેડલ) મળવો જોઈએ.'
જર્મનો સેન્ટ નઝાઇરનું વ્યૂહાત્મક મહત્વ સારી રીતે સમજતા હતા, તેથી તેમણે સંભવિત હુમલાને ધ્યાનમાં રાખીને ગોદી પર જડબેસલાક વ્યવસ્થા ગોઠવી હતી: ચારપેન્ટીયર્સ ચેનલ કે જે એટલાન્ટિક મહાસાગરને સેન્ટ નઝાઇર સાથે જોડતું મુખ્ય નદીમુખ હતું, ત્યાં પ્રવેશદ્વાર પાસે ચાર 105 મિલીમીટર વ્યાસની તોપો ગોઠવેલી હતી. ચેનલમાં દાખલ થઈ ગયા પછી હરોળબંધ રીતે 70 મિલીમીટરથી માંડીને 170 મિલીમીટર વ્યાસની અઠ્ઠાવીસ કોસ્ટલ આર્ટિલરી બેટરી હતી. ટ્રેન પર ગોઠવેલી એક 240 મિલીમીટર વ્યાસની મોબાઈલ તોપ પણ ખરી! દર થોડા અંતરે જર્મન ચોકીયાતો ગોઠવવામાં આવ્યા હતા. સૂકી ગોદી તરફ જવાના મુખ્ય રસ્તે 20 મિલીમીટર વ્યાસની દસ અને 37 મિલીમીટર વ્યાસની ચાર તોપો હતી. છ શક્તિશાળી સર્ચલાઇટ્સ હતી, જે ચેનલમાં દાખલ થયેલાં જહાજને સતત અજવાળવાનું કામ કરતી હતી, જેથી કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ રોકી શકાય. બંદરમાં પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયેલો હતો. નોર્મન્ડી સૂકી ગોદીમાં તથા પોર્ટ વિસ્તારમાં જર્મનોએ ઠેકઠેકાણે તોપો, મશીનગન અને સર્ચલાઈટ ગોઠવેલી હતી. ગોદીનાં પ્રવેશદ્વાર પાસે જર્મનોએ ઉભી સ્થિતિમાં એન્ટી ટોરપીડો નેટ બિછાવી હતી. તે પાણીમાં ડૂબેલી રહેતી અને ગોદીમાં સ્થિત જહાજને દુશ્મનના ટોરપીડો સામે રક્ષણ આપતી. ચાર શસ્ત્રસેવી હાર્બર ડિફેન્સ બોટ પોર્ટ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ ભરતી રહેતી. થોભો; આટલો બંદોબસ્ત જોઈને આશ્ચર્ય ન પામતા, કારણ કે જર્મનોને આ હજી ઓછો લાગતો હતો! વધારાની સુરક્ષા તરીકે તેમણે વીસ તોપો લોરીઓ પર ગોઠવી હતી, જેનું સંચાલન જર્મન નેવલ ફ્લેક બ્રિગેડની 3 બટાલિયન કરતી હતી. કદાચ પેલા અફસરે સાચું જ કહ્યું હતું, આટઆટલી સુરક્ષા જોતાં પોર્ટ નઝાઇર પર આક્રમણ કરવાનું વિચારવું, એ પણ બહાદુરીથી ઓછું ન હતું.
બ્રિટીશ કમાન્ડરોને જોકે ભાષાનું પૂરતું શિક્ષણ આપવામાં નહોતું આવ્યું, કારણ કે તેમની ડિક્શનરીમાં 'અશક્ય' નામનો કોઈ શબ્દ જ ન હતો. માર્ચ, 1941ના રચાયેલી 2જી કમાન્ડો બટાલિયન અને 'સ્પેશિયલ સર્વિસ બ્રિગેડ'ની બીજી કેટલીક ટુકડીઓમાંથી શારીરિક-માનસિક એમ બંને રીતે તગડા હોય એવા સૈનિકો પસંદ કરી, તેમની સખત ટ્રેનિંગ ચાલુ કરી દેવામાં આવી હતી. 2જી કમાન્ડો બટાલિયનનો કમાન્ડિંગ ઓફિસર હતો લેફ્ટનન્ટ કર્નલ ઓગસ્ટસ ચાર્લ્સ ન્યુમાન. લેફ્ટ. કર્નલ ન્યુમાન બ્રિટનની ટેરિટોરિયલ આર્મીનો સભ્ય હતો. અદ્ભૂત નેતૃત્વશૈલી, કોલ્ડ સ્ટોરેજ જેવું ઠંડુ દિમાગ, ચિત્તાને શરમાવતી ચપળતા અને કપરી પરિસ્થિતિમાં પણ જવાનોને 'ચાર્જડ' રાખી શકવા જેવી ખાસિયતોને લીધે તે બ્રિટીશ હાઇકમાન્ડની પહેલી પસંદ હતો. ઘણા જવાનો અગાઉ શિક્ષક, ઈજનેર, બેંકર કે નોકરિયાત તરીકે સાદું જીવન જીવતા. યુદ્ધ શરૂ થયે તેઓ ફૌજમાં જોડાયા હતા, તેથી તેમને લડાઈનો ખાસ અનુભવ ન હતો. અનુભવ આપવાનું કપરું કામ ન્યુમાનના શિરે નાખી દેવામાં આવ્યું. કોરા 'કેનવાસ' પર તેણે પોતાની પસંદગીના 'રંગ' ભરવાના હતા.
લેફ્ટ. કર્નલ ન્યુમાન કડક લશ્કરી શિસ્તમાં માનનારો માણસ હતો. જરા પણ દયા ખાધા વગર તેણે પોતાના સૈનિકોને સખત તાલીમ આપવી શરૂ કરી. પિસ્તોલથી માંડીને મોર્ટાર ગન ચલાવવી, વગર હથિયારે લડાઈ કરવી, દુશ્મનને અંધારામાં રાખી નાસી છૂટવું, સેબોટેજની પ્રવૃત્તિને અંજામ આપવો, બૉમ્બ ગોઠવવા વગેરે અનેક કામગીરી તેમને શીખવવામાં આવી. જવાનો મોટાભાગનો સમય ફિલ્ડમાં પસાર કરતા. હથિયારોના વજન સાથે તેમણે લોન્ગ માર્ચ કરવાની રહેતી; મગજ હેંગ થઈ જાય અને શરીર જવાબ દઈ દે ત્યાં સુધી! આ પૂરતું નહોતું. ન્યુમાન સારી રીતે સમજી શકતો હતો કે કમાન્ડો આક્રમણ કરનારી ટુકડીએ ઘણો સમય દરિયામાં પસાર કરવાનો આવતો, તેથી તેણે માઉન્ટબેટનને વિનંતી કરી કે જવાનોને દરિયાઈ જીવન સાથે અનુકૂલન સાધવા દેવામાં આવે. માઉન્ટબેટનને એ વાત અજુગતી લાગી, તેમણે ઘસીને ના પાડી દીધી. ન્યુમાન પોતાની માંગ પર અડગ રહ્યો. માઉન્ટબેટને કહ્યું, 'તેમની આવી જીદ પર થોડી નવાઈ લાગે છે. કદાચ ન્યુમાન પોતાના સૈનિકોને સી-સિક બનવાની તાલીમ આપવા માંગે છે...' લેફ્ટ. કર્નલ ન્યુમાનનો સણસણતો જવાબ હતો, 'જી નહીં, પણ હું મારા જવાનોની તાલીમ એટલી દુરસ્ત કરવા માંગું છું કે તેઓ ક્યારે સી-સિકનેસ ન અનુભવે!' આખરે માઉન્ટબેટને ઝૂકવું પડ્યું. 2જી કમાન્ડો બટાલિયનના બાશિંદાઓ અને બીજા ચુનંદા કમાન્ડો સૈનિકો હવે નિયમિત દરિયાની ખેપ કરતા. ન્યુમાન આટલેથી ન અટક્યો. તેણે સૈનિકોને નજીકના કતલખાનાં અને હોસ્પિટલના ઇમર્જરન્સી રૂમોમાં જવાની ફરજ પાડી, જેથી તેઓ લોહીથી ટેવાઈ જાય; અને જે ન ટેવાઈ શકે એવા પોચાં હૃદયના હોય, એ શરૂઆતી તબક્કામાં જ પીછેહઠ કરી જાય!
ન્યુમાનના કમાન્ડો સૈનિકો રોજેરોજ લિટરબંધ પરસેવો પાડતા, છતાં તેમને ખબર ન હતી કે તેમણે ખરેખર હુમલો કરવાનો ક્યાં છે! ઇરાદાપૂર્વક તેમને અજાણ રખાયા હતા. ઉપરાંત, દર થોડા દિવસે કમાન્ડો સૈનિકોને સ્થળાંતરિત કરવામાં આવતા, જેથી રખે કોઈ જર્મન ગુપ્તચર તેમના પર જાસૂસી કરતો હોય તો તે છેલ્લી ઘડી સુધી બ્રિટીશરોના ઇરાદાઓ વિશે અનુમાન ન લગાવી શકે.
કમાન્ડો ટુકડી સાથે નૌકાદળની પણ એક ટુકડી જોડાવાની હતી, જે સહાયકની ભૂમિકામાં હતી. તેનો સરદાર હતો કમાન્ડર રોબર્ટ એડવર્ડ ડ્યુડલી રેઇડર. ન્યુમાનથી એકદમ વિપરીત સ્વભાવવાળો માણસ, છતાં મિશનને લગતી વાત હોય તો તે એકદમ યોગ્ય અને અનુભવી હતો. રેઇડરનો જન્મ 1908 માં ભારતમાં થયો હતો. તેના પિતા કર્નલ ચાર્લ્સ હેન્રી રેઇડર ભારતના સર્વેયર જનરલ હતા. યુદ્ધ શરૂ થયું એ વખતે રેઇડર 'Q શિપ'નો કમાન્ડર હતો. તેનું જહાજ ભૂમધ્ય સમુદ્રમાં વેપારી જહાજનું મુખટું પહેરી સફરે નીકળતું, જેથી જર્મનીની યુ-બોટ્સ તેના તરફ આકર્ષિત થાય અને તેનો શિકાર કરવા નજીક આવે. જેવી કોઈ જર્મન યુ-બોટ તેની રેન્જમાં આવે કે તરત રેઇડર પોતાના અસલી રંગમાં આવીને સબમરીન પર હુમલો કરવાનો આદેશ આપતો. આવી રીતે તેણે કેટલીક જર્મન સબમરીન ડૂબાડી. આખરે, જર્મનોને ભાળ લાગી ગઈ. તેમણે બે સબમરીન મોકલીને તેનું જહાજ ડૂબાડી દીધું. એ પછી રેઇડરે નૌકાદળના કેટલાક વિભાગોમાં ફરજ બજાવી. સાહસિક વૃત્તિના રેઇડરને મન ડેસ્કજોબ નીરસ હતી. હવે ઘણા સમય પછી તેને સ્વભાવાનુસાર કોઈ 'તૂફાનીથી ભરેલું' કામ મળ્યું હતું.
કુલ 265 કમાન્ડો અને 'રોયલ નેવી'ના 346 સૈનિકો પસંદ થયા હતા, જેમને ડિમોલીશન, પ્રોટેક્શન, અસોલ્ટ અને હેડક્વાર્ટર, એમ ચાર વિભાગોમાં વંહેંચી દેવામાં આવ્યા. ડિમોલીશન ટુકડીનું કામ નક્કી કરાયેલા લક્ષ્યોમાં દારૂગોળો ગોઠવી તેને ધ્વસ્ત કરી દેવાનું હતું. પ્રોટેક્શન ટીમ ઓપરેશન દરમિયાન ડીમોલીશન ટુકડીને રક્ષણ આપવાની હતી. અસોલ્ટ ટુકડી જર્મન સૈનિકો પર અને તેમનાં ઠેકાણાંઓ પર હુમલા કરવાની હતી. હેડક્વાર્ટર ટીમ, કે જેનું નેતૃત્વ સ્વયં લેફ્ટ. કર્નલ ન્યુમાને લીધું હતું, એક નક્કી કરેલી ઈમારતને કબજે કરી ત્યાં પોતાનું હંગામી હેડક્વાર્ટર રચવાની હતી. પોતપોતાને ફાળે આવેલ કામ પતાવીને દરેક કમાન્ડોએ ત્યાં હાજર થવાનું હતું. ફાઇનલ બ્રિફિંગ પછી તેમણે પોર્ટના ઓલ્ડ મોલ વિસ્તારમાં ભેગા થઈને મોટરબોટમાં ચડી પાછા ઇંગ્લેન્ડ માટે રવાના થઈ જવાનું હતું.
ડીમોલિશન ટુકડીનું સુકાન કેપ્ટન વિલિયમ પ્રીત્ચર્ડને સોંપાયું હતું. સેન્ટ નઝાઇર પોર્ટને 'ભૂતપૂર્વ' બનાવવામાં મિલિટરી ક્રોસથી સન્માનિત પ્રીત્ચર્ડનું યોગદાન ખૂબ મહત્વનું હતું. કયા લક્ષ્યને નિશાન બનાવવું, કઈ જગ્યાએ બૉમ્બ ગોઠવવા અને કયા પ્રકારના ગોઠવવા, એ બધું કેપ્ટન પ્રીત્ચર્ડ અને તેના સાથીદાર લેફ્ટ. કર્નલ રોબર્ટ મોન્ટેગોમેરીના નિર્દેશ હેઠળ નક્કી કરવામાં આવ્યું હતું. અગાઉ, આ જોડીએ જર્મનીના સંભવિત આક્રમણ વખતે જો બ્રિટીશ પોર્ટને સ્વબચાવ માટે નષ્ટ કરવાના થાય તો કઈ રીતે કરવા, એની યોજના ઘડીને હાઈકમાન્ડને મોકલાવી હતી. જોકે, એ સ્વીકારવામાં તો ન આવી, પણ આવાં કારસ્તાન કરવામાં વિજળીવેગે દોડતા પ્રીત્ચર્ડના ભેજાની નોંધ જરૂર લેવાઈ હતી. તેને અને લેફ્ટ. કર્નલ મોન્ટેગોમેરીને એટલે જ ડીમોલીશન ટુકડીને તાલીમ આપી તેમનું નેતૃત્વ લેવાનું કહેવામાં આવ્યું હતું. આ કામ માટે 265 માંથી 90 કમાન્ડો પસંદ કરવામાં આવ્યા. ડિટોનેટરથી માંડીને ગોદી, તેની કાર્યપ્રણાલી, તેને નષ્ટ કરવાની પદ્ધતિઓ વગેરે વિશે તેમને વિગતવાર પ્રશિક્ષણ આપવામાં આવ્યું. 1942ની ફેબ્રુઆરીના અંતમાં તેમાં બે ભાગ પાડવામાં આવ્યા. એક ટીમ કેપ્ટન પ્રીત્ચર્ડ સાથે કાર્ડિફ ગઈ અને બીજી લેફ્ટ. કર્નલ મોન્ટેગોમેરી સાથે સાઉધમ્પ્ટન મોકલવામાં આવી, કારણ કે એ બે બંદરોની રચના ઘણે અંશે સેન્ટ નઝાઇરને મળતી આવતી હતી. બંને ટીમોએ ત્યાં સેંકડો ડ્રિલ કરી. મોન્ટેગોમેરી અને પ્રીત્ચર્ડે ખાસ ધ્યાન રાખ્યું હતું કે બધા જ જવાનો જાણે ખરેખરો હુમલો કરતા હોય એટલી ચપળતા અને ગંભીરતાથી તેમાં ભાગ લે; અને જેમ બને એમ જલ્દી પોતાના ભાગે આવેલા ઓબ્જેક્ટિવ પૂરા કરે. ગુપ્તતા જળવાય એ હેતુસર બધી જ લશ્કરી ડ્રિલને બંદરની સુરક્ષા વ્યવસ્થા સુધારવા માટેની મોકડ્રિલ જાહેર કરી દેવામાં આવતી. ગુપ્તતા એ કમાન્ડો હુમલાનું સૌથી અગત્યનું ઘરેણું છે, તેથી તેને ચોવીસે કલાક 'પહેરી' રાખવું પડે.
બેશક, 'ઓપરેશન ચેરીયટ'નું નામકરણ પામેલા એ ખતરનાક મિશનમાં તન-મનથી કસાયેલા અને મંજાયેલા કમાન્ડોની કામગીરી મહત્વની હતી, છતાં મુખ્ય ન હતી. ઓપરેશનનો મુખ્ય હિરો અત્યારે ડેવન પોર્ટના એચ. એમ. ડોકયાર્ડમાં નવા સાજ સજી રહ્યો હતો. નામ હતું 'એચ. એમ. એસ. કેમ્પબેલ્ટાઉન'.
'કેમ્પબેલ્ટાઉન' મૂળ તો અમેરિકન બનાવટનું ડિસ્ટ્રોયર જહાજ 'યુ. એસ. એસ. બુચાનન' હતું, પણ તેને 'લેન્ડ લીઝ પ્રોગ્રામ' તળે બ્રિટનને સોંપવામાં આવ્યું હતું. 'ઓપરેશન ચેરીયટ' માટે ખોટમાં ચાલી રહેલું બ્રિટીશ નૌકાદળ કોઈ નવું જહાજ ફાજલ પાડવા તૈયાર નહોતું, જે જહાજ મિશન પર જાય તેની ટીકીટ વન-વે હતી, કારણ કે... આગળ વાંચશો એટલે ખબર પડી જશે. તેથી પ્રથમ વિશ્વયુદ્ધ વખતના એ ખખડપાંચમ જહાજ પર પસંદગી ઉતરી. રિપેરીંગના ઓઠા તળે તેનાં પાછલાં બે ભૂંગળાં કાઢી નાખવામાં આવ્યાં અને આગળનાં બે ભૂંગળાંની રચના જર્મન 'મોવે' કલાસ ડ્રિસ્ટોયર જેવી કરવામાં આવી. પરિણામે, અંધારામાં જ્યારે 'કેમ્પબેલ્ટાઉન' હંકારતું હોય, ત્યારે જર્મનો તેને પોતાનું જ જહાજ ધારી બેસે અને તેના પર આક્રમણ ન કરે! જહાજ પર કમાન્ડો સૈનિકોને રક્ષણ મળે એ માટે અનેક ઠેકાણે પોલાદી પ્લેટો જડવામાં આવી. કેટલીક તોપો, ડેપ્થ ચાર્જ તથા ટોરપીડો ટ્યૂબ સહિત બિનજરૂરી હોય એવો બધો જ સામાન કાઢી નાખવામાં આવ્યો, જેથી તેમાં વધુ વિસ્ફોટકો સમાવી શકાય. કાફલાએ જ્યાંથી સેન્ટ નઝાઇરમાં પ્રવેશ કરવાનો હતો, ત્યાં પાણી છીછરું હતું. પરિણામે, જહાજનું તળિયું 14 ફીટમાંથી 12 ફીટનું કરવામાં આવ્યું. માર્ક-7 પ્રકારના ચોવીસ ડેપ્થ ચાર્જને સ્ટીલની ટાંકીઓમાં 'કોર્ડેક્સ' નામના વોટરપ્રૂફ ડિટોનેટર સાથે જોડવામાં આવ્યા. આ ડિટોનેટરમાં ડિલે ટાઈમ ફ્યુઝ હતા, એટલે કે તેમને એક્ટિવેટ કર્યા પછી તેમાં સેટ કરેલા સમયે ધડાકો કરે એવી તેમની રચના હતી. ટાંકીઓને આગલા ફ્યુલ કંપાર્ટમેન્ટની ઉપર ગોઠવી, તેના પર સિમેન્ટનો થપેડો મારી દેવામાં આવ્યો. આ બધા ફેરફારો પછી 'કેમ્પબેલ્ટાઉન'ને મહત્તમ 20 નોટ/કલાકની ઝડપે હંકારી શકાય એમ હતું. તેની સાથે મોટર ગન બોટ નં. 314, મોટર ટોરપીડો બોટ નં. 74, ચાર ટોરપીડો મોટર લોન્ચ તથા બાર મોટર લોન્ચ પણ આક્રમણમાં ભાગ લેવાની હતી. કુલ ઓગણીસ નાનાં-મોટાં જહાજને રક્ષણ આપવા વળાવિયાં તરીકે ચાર ડિસ્ટ્રોયર અને એક સબમરીન પણ જવાની હતી.
(ક્રમશઃ)
- પ્રતીક ગોસ્વામી