Amangala Part 1 in Gujarati Women Focused by Jyotindra Mehta books and stories PDF | અમંગળા - ભાગ ૧

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

અમંગળા - ભાગ ૧

ભાગ 

     "એય મંગળા ક્યાં મરી ગઈ !" એટલી બૂમ સાથે બાર વર્ષની નાની બાળકી દોડતી દોડતી હૉલમાં પહોંચી ગઈ. મંગળાને ઉદ્દેશીને તે સ્ત્રીએ કહ્યું,”અમે મંદિરમાં દર્શન કરવા જઇએ છીએ, ઘરનું ધ્યાન રાખજે અને આજે બેસતું વર્ષ છે. જો કોઈ મહેમાન આવે તો નાસ્તો ધરજે અને ખબરદાર! જો એકેય મીઠાઈને તેં હાથ અડાડ્યો છે તો!”

 તે સ્ત્રીની આંગળી પકડીને ઉભા રહેલા બાળકે ચેહરા પર માસુમિયત લાવીને પૂછ્યું," મમ્મી , દીદી આપણી સાથે નહિ આવે મંદિરમાં?"

 તે સ્ત્રીએ બાળકને વઢતા બાળકને કહ્યું," ચૂપ રહે! ભોગ લાગ્યા છે ભગવાનના તે આ અમંગળાને મંદિરમાં લઇ જાઉં. આને બેસતા વર્ષના દિવસે મંદિરમાં લઇ જાઉં તો ખબર પડશે બે દિવસમાં મંદિર તૂટી ગયું. અને આ મૂઈ મરતીયે નથી.”

 છોકરો ધીમેથી હસ્યો. તેને મમ્મી પાસે આવી બડબડ કરાવવામાં મજા આવતી, તેથી જ તેણે આ પ્રશ્ન કર્યો હતો. થોડીવારમાં મંગળાને ગાડી સ્ટાર્ટ થવાનો અવાજ આવ્યો અને તેના મનમાં થોડી રાહત થઇ . તે દોડીને બારી પાસે ગઈ અને ગાડીને જતી જોઈ રહી. તેણે વિચાર્યું હવે બે કલાકની નિરાંત અને જેટલા મહેમાન આવવાના હતા એટલા આવી ગયા, હવે કોઈ નહિ આવે. તે દોડીને નાસ્તાની પ્લેટ પાસે ગઈ અને એક વાટકામાંથી કાજુ ઉપાડીને મોઢામાં નાખ્યું અને ખાતાની સાથે તેની આંખમાંથી આંસુ વહી નીકળ્યા.

 કરોડપતિ બાપની સૌથી મોટી દીકરી,સગા માબાપ સાથે રહેતી હોવા છતાં આવું ઉપેક્ષિત અને હડધૂત જીવન જીવી રહી હતી. મંગળા ફક્ત નામે મંગળા હતી, બાકી તેની સાથે ફક્ત અમંગળ વાતો જોડાયેલી હતી.

જન્મતી વખતે મંગળા એકલી નહોતી સાથે એક ભાઈ પણ હતો, પણ જન્મતાની સાથે કોઈ રોગ લાગુ થવાને લીધે તે મરી ગયો, પણ નાનીશી મંગળા જીવી ગઈ ચેહરા પણ થોડા ડાઘ સાથે. તે બે વરસની થઇ ત્યાં સુધી તો માબાપ તેના પર હેત વરસાવતા પણ તેની માતાની કુખે હજી એક બાળક જન્મ્યું અને બે દિવસમાં ગુજરી ગયું. મંગળાના પિતા પ્રીતમ મહેતા ઉર્ફ પ્રીતમ શેઠીયાએ જ્યોતિષીને બતાવ્યું તો જ્યોતિષીએ દોષનો ટોપલો નાનીશી મંગળાને માથે ઓઢાડી દીધો અને તે દિવસથી આજદિન સુધી તેની બદનસીબી દૂર નહોતી થઇ.

મંગળના પિતાનું નામ પ્રીતમ મહેતા પણ માર્કેટમાં પ્રીતમ શેઠિયાના નામે જાણીતા હતા. માતાનું નામ સરિતા. તે બાળક મરી ગયા પછી જ્યોતિષીએ કહેલી વિધિ પછી નસીબથી એક છોકરો અને છોકરી જન્મ્યાં. તેમનાં નામ વિનય અને પ્રચિતા રાખવામા આવ્યા. આમ દેખાવે સુખી પરિવાર છતાં પરિવાર દુઃખી હતો અને તેમના દુઃખનું કારણ હતું મંગળાનું અસ્તિત્વ.

મંગળાના જન્મ પછી જે દુર્ઘટનાઓ થઇ તેને લીધે તેના નામ સાથે અમંગળા, અપશકુની, છપ્પનપગી એવા વિશેષણો જોડાઈ ગયા. તેના જન્મસમયે તેની સાથે જન્મેલો તેનો જોડ઼કોં ભાઈ મરી ગયો. તેના બે વરસ પછી જન્મેલો તેનો ભાઈ બે દિવસમાં ગુજરી ગયો. તેને પહેલીવાર તેની ફોઈના ઘરે લઇ ગયા, તે જ દિવસે તેના ફુઆનું મૃત્યુ થયું અને અધૂરામાં પૂરું તેને જે દિવસે શાળામાં દાખલ કરી તે દિવસે સાંજે તેના વર્ગશિક્ષકનું માર્ગઅકસ્માતમાં મૃત્યુ થયું. તે ઘટના પછી તેના માથાની કાળી ટીલી એટલી ગાઢી બની કે કોઈ નાની ઘટના બને તો તેને જવાબદાર ઠેરવવામાં આવતી.

 તેને ઓળખનાર દરેક જણ તેને અપશકુની માનતો.પ્રીતમ શેઠિયાને જયારે પણ કોઈ પ્રસંગમાં હાજરી આપવાનું આમંત્રણ મળતું, ત્યારે સાથે એક વિનંતી કરવામાં આવતી કે મોટી દીકરીને લઈને આવવું નહિ. પ્રીતમ શેઠિયા આમ તો સારા માણસ પણ લોકોના મહેણાં અને પત્નીની કીટીકીટ સાંભળીને મંગળા પ્રત્યે અણગમો થઇ ગયો હતો.

આજે પણ એવું જ થયું હતું બેસતા વર્ષના દિવસે બધા મહેમાનો આવીને ગયા પછી તેઓ મંગળાને એકલી ઘરે મૂકીને દેવદર્શને ગયા હતા. મંગળા પોતાના પ્રત્યે ઘરના કે બહારના લોકોનું વર્તન સમજી નહોતી શકતી તેથી તે દુઃખી અને ગુસ્સામાં રહેતી હતી. સાવ એવું પણ નહોતું કે તેને આખો વખત મહેણાંટોણાં સાંભળવા પડતા પણ નાનોભાઈ વિનય તેને હેરાન કરવાની એક પણ તક નહોતો છોડતો.

જો કોઈ વસ્તુ તેના હાથમાંથી પડી જાય કે ઢોળાઈ જાય કે પછી કોઈ વસ્તુ ચોરીછૂપે ખાતાં જોઈ જાય એટલે તરત મમ્મીને ફરિયાદ કરતો અને પછી તેની મમ્મીનો કીટીકીટનો દોર કલાક બે કલાક લંબાતો તેમાં કોઈ વખત પિતાના હાથે માર ખાવો પડતો.

સમય ગુજરતો ગયો તેમ મંગળા મોટી થતી ગઈ અને સમજદાર થઇ ગઈ, પણ લોકોના તેના પ્રત્યેના વર્તનના લીધે તેની સમજદારી પણ કુંઠિત હતી. તે ભારોભાર પૂર્વાગ્રહગ્રસ્ત બની ગઈ હતી, તેનો આત્મવિશ્વાસ તળિયે બેસેલો હતો. તેને ઘરની બહારનું કોઈ કામ કરવું હોય તો તે કરી શકતી નહિ. તે ફક્ત કચરાપોતું , વાસણ માંજવા , કપડાં ધોવા અને રસોઈ કરવી એટલું જ કરી શકતી. માંડ માંડ માંડ બારમી સુધી ભણી અને બારમીમાં પિસ્તાળીસ ટકા માર્ક્સ લાવ્યા પછી ભણવાનું છોડી દીધું.

તેને ન તો કોઈ મિત્રો હતા ન તો કોઈ સહેલી. સ્કૂલ અને કોલેજમાં પણ તેનું અસ્તિત્વ ઘરની જેમ હતું. જાણે તે અદ્રશ્ય હોય તેમ કોઈ તેની તરફ જોતું નહિ. વર્ગમાં તેની સાથે કોઈ વાત કરતુ નહિ, જાણે તેની સાથે વાત કરવાથી કોઈ દુર્ઘટના થઇ જશે.

કુંઠિત વિચારસરણી અને લઘુતાગંથી સાથે મોટી થયેલી મંગળાના લગ્ન વડોદરાના એક મધ્યમવર્ગીય છોકરા સાથે મોટો દાયજો આપીને તેના પિતાએ કરાવ્યા. મંગળાના પતિનું નામ સુયશ હતું. લગ્ન માટે સુયશ તૈયાર થવાનું કારણ એ હતું કે ન તો તેને માબાપ હતા ન તો ભાઈ બહેન. તેના માતાપિતાના મૃત્યુને બે વરસ થયાં હતા. સુયશનું સપનું મોટા માણસ થવાનું હતું અને તે કોઈ પણ ભોગે મોટો માણસ થવા માંગતો હતો તેથી તેને મળેલ આ તક તેણે ઝડપી લીધી.